- ફેમિલી ઝોન – સુચિતા બોઘાણી કનર
ભલે આજે અદ્યતન સંશોધનના કારણે કૅન્સર એટલે કૅન્સલ નહીં, એ વાત સાચી સાબિત થતી હોય, પરંતુ કૅન્સરગ્રસ્ત વ્યક્તિ તેની સારવાર વખતે થતી આડઅસરના કારણે ક્ષણેક્ષણે પીડાય છે, રીબાય છે. ઘર-પરિવાર આર્થિક, માનસિક અને શારીરિક રીતે ભાંગી પડે છે. તેમાં પણ કૅન્સરના બાળદર્દીઓની હાલત વધુ કરુણ હોય છે. નાની ઉંમરના કારણે સારવારની આડઅસર તરીકે ગયેલા વાળ તેમની પીડામાં ભારે વધારો કરે છે. મિત્રો સાથે તેઓ ભળી શકતા નથી. આવા દર્દીઓની પીડામાં તો કોઈ ભાગીદાર થઈ શકતું નથી, પરંતુ તેને પડતી અન્ય તકલીફો હળવી બનાવવા માટે પ્રયત્ન જરૃર કરી શકાય છે.
અન્નદાન, વિદ્યાદાન સૌથી શ્રેષ્ઠ મનાય છે. નેત્રદાન, દેહદાન જેવા શબ્દો પણ વારંવાર કાને પડતા હોય છે, જરૃરતમંદ વ્યક્તિ કે સંસ્થાને પણ દાન કરવામાં આવે છે, પરંતુ ‘વાળનું દાન’ એવું તો ભાગ્યે જ ક્યારેક સંભળાય છે. હા, લોકો તિરુપતિ બાલાજીને વાળ અર્પણ કરતા હોય છે, પરંતુ તેનું દાન અચરજ પમાડે છે. અંજારના એક પરિવાર દ્વારા કૅન્સરપીડિતો, ખાસ કરીને આ રોગથી પીડિત બાળકો માટે વિગ બનાવવા પોતાના વાળનું દાન તો કરાયું જ છે. સાથે સાથે અન્યો પણ વાળનું દાન કરે તે માટે એક અભિયાન પણ શરૃ કરાયું છે.
અંજારમાં કૅન્સરપીડિતો માટે વાળ દાન કરવાની પ્રેરણા આપતું અભિયાન શરૃ કરવામાં નિમિત્ત બની છે, એક ૨૦ વર્ષીય યુવતી. યોગ શિક્ષક તરીકે કામ કરતી અને સાથે-સાથે અભ્યાસ કરતી, અંજારના તબીબ ડૉ. હિતેષચંદ્ર ઠક્કરની મોટી પુત્રી ગૌરીને ઇન્ટરનેટ પર સર્ચ કરતી વખતે કૅન્સરપીડિતોની મુશ્કેલી જાણવા મળી. કેમોથેરાપી, રેડિયોથેરાપી પછી દર્દીના વાળ ઊતરી જાય છે. નાનાં બાળકોના વાળ તો એકાદ- બે વર્ષ સુધી આવતા ન હોવાથી તેઓ ડિપ્રેશનમાં સરી જાય છે. તામિલનાડુની ‘હેરક્રાઉન’ નામની સંસ્થા આવા દર્દીઓ માટે વાળની વિગ બનાવી આપતી હોવાની વિગતો પણ તેને મળી. તેણે પોતાની માતા વૈશાલીબહેન પાસે પોતાના વાળ દાનમાં આપવાની ઇચ્છા વ્યક્ત કરી. માતા-પિતા સહર્ષ તેની આ ઇચ્છા સંતોષવા તૈયાર થયા અને સાથે પોતાના પણ વાળનું દાન આપવાની તૈયારી દર્શાવી. પાંચ દીકરી અને બે દીકરાનાં માતા-પિતાએ મોટી પુત્રી સાથે પોતાના સંપૂર્ણ વાળનું દાન કર્યું, જ્યારે નાનાં બે સંતાનોને છોડીને બીજા શાળામાં ભણતાં સંતાનોએ ૧૨થી ૧૫ ઇંચ વાળ દાનમાં આપ્યા.
આ અંગે વાત કરતી વખતે ડૉ. હિતેષચંદ્ર જણાવે છે કે, ‘બીજાને મદદ કરવાની મારી પુત્રીની ઇચ્છા અમે મંજૂર રાખી. વાળ તો થોડા જ સમયમાં ફરી ઊગી જાય છે, તેથી તે ગુમાવ્યાનું વધુ દુઃખ પણ ન થાય. ગૌરીને બીજી તરુણીઓની જેમ જ પોતાના વાળ ખૂબ જ વ્હાલા હતા, પરંતુ જ્યારે તેણે નાનાં બાળકોની મુશ્કેલી અંગે વાંચ્યું ત્યારે તેને પોતાના વાળનું દાન કરવાનું મન થયું. આજે વાળ વગરના માથા સાથે અમે બધાં જ સમાજમાં સહજ રીતે ભળીએ છીએ. લોકોને કુતૂહલ થાય અને પૂછે છે, અમે તેમને વાળના દાન અંગે માહિતગાર કરીએ છીએ. અમારા પ્રયાસોના કારણે ભુજ ઉપરાંત સૌરાષ્ટ્રના ચોટીલા, રાજુલા, કોડીનાર વગેરે શહેરોના લોકો પણ આ અભિયાનમાં જોડાયા છે. વાળ વગરના માથા એ અમારા માટે શરમની નહીં, પરંતુ ગર્વની વાત છે.’
ગૌરીનાં માતા, મૅનેજમૅન્ટ કન્સલ્ટન્ટ યામિનીબહેન પણ આ વાત સાથે સહમત થાય છે. તેઓ પણ પોતાની નાનકડી મદદથી કૅન્સરપીડિત બાળકોની મુશ્કેલી હળવી થતી હોય તો તે સૌએ કરવી જ જોઈએ તેમ માને છે. પોતાના પરિવારજનોના વાળ સમગ્ર દેશમાંથી વાળ એકત્ર કરતી સંસ્થા ‘હેરક્રાઉન’ને કુરિયર દ્વારા મોકલી આપ્યા હતા. ડૉક્ટરની હૉૅસ્પિટલમાં કામ કરતી સાત જેટલી મહિલાઓ પણ આ અભિયાનમાં જોડાઈ છે.
———————–