ફાર્માકોવિજિલન્સ, યોગ્ય દવાની ઓળખ કારકિર્દીને કરશે સ્ટ્રોન્ગ

જોબ આપવામાં આ સેક્ટર ઝડપથી આગળ વધી રહ્યું છે.
  • નવી ક્ષિતિજ  –  હેતલ રાવ

દેશમાં મેડિસિનના માર્કેટમાં તેજીથી વધારો થઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ નકલી દવાઓની સમસ્યા પણ ધીમે-ધીમે પ્રકાશમાં આવી રહી છે. ફાર્માકોવિજિલન્સ દ્વારા આના પર નિયંત્રણ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સેક્ટરમાં કોર્સ કરી સારી કારકિર્દી બનાવી શકાય છે.

વ્યક્તિની જીવનશૈલીમાં અનેક બદલાવ આવી રહ્યા છે. જેના કારણે સ્વાસ્થ પર ખોટી અસર થાય છે અને વ્યક્તિનું જીવન દવાઓ પર નિર્ભર બની રહ્યું છે. ઘણીવાર આ દવાઓ જીવનસાથી બની જાય છે. તો ઘણીવાર દવાઓની ખોટી અસરના કારણે શરીરને નુકસાન થાય છે અથવા તો નકલી દવાના કારણે રોગ સામે લડવામાં તે મહદ્અંશે નિષ્ફળ નિવડે છે. દર્દીઓને સુરક્ષિત રાખવા અને તેમનો જીવ બચાવવા માટે ફાર્માકોવિજિલન્સનો ઉદય થયો છે. આ અધ્યયનમાં દવાઓની અસરોનું ટૂંકા ગાળા અને લાંબા ગાળા માટે મૂલ્યાંકન કરવામાં આવે છે.

આંકડાઓ પર નજર
દવા ઉદ્યોગની આંકડાકીય માહિતી પ્રમાણે ભારત લગભગ ૨૦૦ દેશોમાં દવાઓની નિકાસ કરે છે. ગત ત્રણ વર્ષમાં ભારતીય દવા ઉદ્યોગે બે પોઇન્ટનો વધારો કર્યો છે. જ્યારે આ વર્ષના અંત સુધીમાં  ૫૫૦૦  કરોડ રૃપિયા સુધી પહોંચવાની શક્યતા છે. આ ઉપરાંત વિશ્વ દવા ઉદ્યોગમાં ટોચનાં પાંચ માર્કેટમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જોબ આપવામાં આ સેક્ટર ઝડપથી આગળ વધી રહ્યું છે.

પ્રોફેશનલ્સ વર્ક
ફાર્માકોવિજિલન્સનો સીધો સંબંધ દવાઓની ઉપલબ્ધતા, વિતરણ વપરાશ અને તેની સાથે જોડાયેલી જુદી-જુદી સમસ્યાઓ સાથે છે. ઉપરાંત દવાઓની સાઇડ ઇફેક્ટ અને આડઅસરની જાણકારીને સમજવી પણ જરૃરી છે. ફાર્માકોવિજિલન્સ અંતર્ગત દવાઓ સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન કરી શકાય છે. ડુપ્લિકેટ દવાઓની ઓળખ કરવી, દર્દીઓને થતી દવાની અડઅસરની જાણકારી મેળવવી તેની હકીકત તપાસવી, દવાઓની ઉપલબ્ધતા, માર્કેટિંગ, પ્રયોગ, દવાઓનું નિયમન વગેરે ફાર્માકોવિજિલન્સનું કાર્ય છે. આ ઉપરાંત પણ સેફ્ટી ઓડિટ કરાવવું, નવી દવાઓના પરીક્ષણમાં સક્રિય ભાગીદારી, મહત્ત્વપૂર્ણ કેસ રિપોર્ટનું ફોલોઓપ, દર્દી અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખનાર વિશેષજ્ઞની વચ્ચે સેતુ બનવાનું અને પ્રોડક્ટની સુરક્ષા માટે મિટિંગનું આયોજન કરવાનું કાર્ય પણ આ પ્રોફેશનલ્સનું હોય છે. કાર્યશૈલીના આધાર પર તેમને ડ્રગ સેફ્ટી ઓફિસર પણ કહેવામાં આવે છે.

પ્રવેશ
ફાર્માકોવિજિલન્સમાં બેચરલ, પીજી, સર્ટિફિકેટ અને ડિપ્લોમા લેવલના દરેક કોર્સ કરી શકાય છે. આ ક્ષેત્રમાં બોટની, ઝૂલોજી, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, જેનેટિક્સ, બાયોટેક જેવા વિષયોમાં ઓછામાં ઓછા ૫૦ ટકા સાથે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવી શકે છે. તદુપરાંત ફાર્મસી અને મેડિસિનમાં સ્નાતક અને અનુસ્નાતક કરનારા વિદ્યાર્થીઓ પણ અરજી કરે છે. આ તમામ વિદ્યાર્થીઓને આ કોર્સ માટે પ્રાથમિક્તા આપવામાં આવે છે. ફાર્માકોવિજિલન્સ અને ફાર્માકોએપિડેમિયોલોજીમાં ચાર માસનો સર્ટિફિકેટ કોર્સ પણ કરી શકાય છે. ઘણી સંસ્થાઓ પ્રવેશ પરીક્ષાના આધારે એડ્મિશન આપે છે. જ્યારે ઘણી સંસ્થાઓ એવી પણ છે જે ઇન્ટરવ્યૂના આધારે વિદ્યાર્થીઓની નોંધણી કરે છે.

કોર્સ સાથે જોડાયેલી માહિતી
ફાર્માકોવિજિલન્સ અંતર્ગત જે પણ કોર્સ છે તે તમામ ડ્રગ સેફ્ટી સાથે જોડાયેલા છે. આ ક્ષેત્રમાં જે પણ વિષયનો અભ્યાસ કરાવવામાં આવે છે તેમાં મુખ્યત્વે બેઝિક- પ્રિન્સિપલ ઓફ ફાર્માકોવિજિલન્સ, રેગ્યુલેશન ઇન ફાર્માકોવિજિલન્સ, ફાર્માકોવિજિલન્સ ઇન ક્લિનિકલ રિસર્ચ, ડ્રગ રિએક્શન, મૅનેજમૅન્ટ ઓફ ફાર્માકોવિજિલન્સ ડેટા, ફાર્માકોએપિડેમિયોલોજી અને રિસ્ક મૅનેજમૅન્ટ ઇન ફાર્માકોવિજિલન્સનો સમાવેશ થાય છે.

કુશળતા જરૃરી
સમસ્યાઓ સામે સમાધાન શોધવાની કુનેહ અનિવાર્ય છે. કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવાની સાથે રજૂઆતમાં તથ્ય જરૃરી છે. ટીમને સાથે રાખીને કામ કરવાની કુશળતા દરેક રીતે મદદરૃપ બને છે. કોઈ પણ રિપોર્ટને સૂક્ષ્મ રીતે અને પોઇન્ટ ટૂ પોઇન્ટ તૈયાર કરવાના કાર્યને પ્રાથમિક્તા આપવામાં આવે છે. સાથે જ અસરકારક વાતચીત કરવાની ક્ષમતા પણ મહત્ત્વની છે, કારણ કે આ ક્ષેત્રમાં પ્રોફેશનલ્સે દર્દીઓ, ડૉક્ટરો, દવાનું વેચાણ કરતા વિક્રેતાઓ અને મેડિકલ કંટ્રોલ બોર્ડ વગેરેના સંપર્કમાં રહેવાનું હોય છે.

જોબ વિકલ્પ
ફાર્માકોવિજિલન્સ પ્રોફેશનલ્સને મલ્ટિનેશનલ અને ખાનગી ફાર્મા કંપનીઓમાં અઢળક તક મળી રહે છે. આ ઉપરાંત પણ ક્લિનિક્લ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, બાયોટેક, કેપીઓ કંપની, ડીસીજી, રેગ્યુલેટરી ઓર્થોરિટી સહિત મેડિકલ કોલેજોઓમાં અને હોસ્પિટલમાં સ્થાપિત ફાર્માકોવિજિલન્સ યુનિટમાં જોબના અનેક વિક્લ્પ રહેલા છે.

સારી સૅલરી
આવકની દ્રષ્ટિએ પણ આ સેક્ટર યુવાનો માટે યોગ્ય છે. સારી સંસ્થામાં જોડાયા પછી શરૃઆતના તબક્કે પ્રોફેશનલ્સ સહેલાઈથી ૩૦-૩૫ હજાર રૃપિયા માસિક વેતન મેળવી શકે છે. અનુભવ અને ઉચ્ચ મલ્ટિનેશનલ કંપનીમાં સારા પેકેજની આશા રાખી શકાય.

નકલી દવાઓ અને ઓછી
ગુણવત્તાવાળી દવાઓને માર્કેટમાં આવતી રોકવા અને દવાઓના નિયમ સાથે જોડાયેલી ફાર્માકોવિજિલન્સ હાલના સમયમાં યુવાનો માટે ઊભરતી કારકિર્દી કહી શકાય. વિદ્યાર્થી પોતાના માટે આ કારકિર્દીની પસંદગી કરે છે તો તેમણે કોર્સ વિશે ગંભીરતાપૂર્વક વિચારીને જ તેમાં પ્રવેશ મેળવવો યોગ્ય ગણાશે. મેડિકલ ક્ષેત્ર સંબંધિત હોવાથી પ્રોફેશનલ્સે મહેનત કરવાની તૈયારી દાખવવી જ રહી. એમ કહી શકાય કે તમારો કોઈ ખોટો નિર્ણય કોઈ દર્દીનો જીવ પણ લઈ શકે છે અથવા તો બિનઅસરકારક દવાને માર્કેટમાં લાવવાનું પ્રોત્સાહન પણ આપે છે. માટે દરેક સમયે સજાગ રહી પોતાના કામ પ્રત્યે વફાદાર, નિષ્ઠાવાન અને સાથે જ ધૈર્યવાન રહેવું ઉત્તમ છે.

——–.

આ સંસ્થાઓમાં કરી શકો છો કોર્સ

*           લખનઉ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી, લખનઉ

*           ખાલસા કૉલેજ ઓફ ફાર્મસી, અમૃતસર

*           રીવા યુનિવર્સિટી, બેંગલોર

*           ઇન્ટરનેશનલ ડ્રગ ડિસ્કવરી એન્ડ ક્લિનિકલ રિસર્ચ, હૈદરાબાદ

——–.

અભ્યાસક્રમ
*           પ્રોફેશનલ સર્ટિફિકેટ ઇન ફાર્માકોવિજિલન્સ

*           ફાર્માકોવિજિલન્સ ઇન ક્લિનિકલ રિસર્ચ

*           બીફાર્મ, એમફાર્મ ઇન ફાર્માકોલોજી

*           પીજી ડિપ્લોમા ઇન ફાર્મા મૅનેજમૅન્ટ

*           એમએસસી ઇન ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી

*           પીજી ડિપ્લોમા ઇન ક્લિનિકલ રિસર્ચ એન્ડ ફાર્માકોવિજિલન્સ

*           ડિપ્લોમા ઇન ફાર્મસી

—————————

નવી ક્ષિતિજ - હેતલ રાવ
Comments (0)
Add Comment