જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરતી કારકિર્દી

વેલનેસ સેક્ટર સાથે જોડાયેલા કોર્સ કરી પણ સારી આવક કરી શકાય છે.
  • નવી ક્ષિતિજ  –  હેતલ રાવ

દરેક યુવાન અભ્યાસ પૂર્ણ કર્યા પછી સારી નોકરીની આશા રાખતો હોય છે. લાખો રૃપિયાનું પેકેજ મળે તેવી નોકરી કોને ના ગમે, પરંતુ ઉચ્ચ પગારની નોકરી મેળવવા માટે સારા ક્ષેત્રમાંથી અભ્યાસ કરવો પણ જરૃરી છે, પણ આ માત્ર ખોટી માન્યતા છે, કારણ કે એન્જિનિયરિંગ કે મૅનેજમૅન્ટમાં મહારત આવ્યા પછી જ આ વાત શક્ય બને તેવું નથી. વેલનેસ સેક્ટર સાથે જોડાયેલા કોર્સ કરી પણ સારી આવક કરી શકાય છે.

આજના સમયમાં એમબીએ કે એન્જિનિયરિંગ જેવા કોર્સ કરનારા યુવાનોને પણ સહેલાઈથી નોકરી મળી રહેતી નથી, ત્યારે વેલનેસ સેક્ટર યુવાનોને સારી નોકરી ને પગાર અપાવી શકે છે. આ જ કારણોસર હવે યુવાનો વેલનેસ સેક્ટરને પસંદ કરી રહ્યા છે. આ સેક્ટરમાં રિક્રિએશનલ એક્ટિવિટીઝ જેવા યોગ, ધ્યાન, પંચકર્મ, પાઇલેટ્સ, માઇન્ડફુલનેસ, ઝુમ્બા, જેન, એક્યુપંક્ચર, એક્યુપ્રેશર, એરોમાથેરાપી, સ્પા, હિલિંગ થેરાપી, ફિઝિયોથેરાપી અને રિટ્રિટ સેન્ટર્સ જેવા ઘણા ટ્રેન્ડનો સમાવેશ થાય છે.

જ્ઞાન અને યોગ્યતાની જરૃર
શરીર, મન અને મગજનો થાક દૂર કરી તમારા જીવનમાં નવી ઊર્જા ભરવાનું કામ વેલનેસ સેક્ટરમાં કરવામાં આવે છે. આ સેક્ટર સમગ્ર દુનિયામાં ૮૭.૨૩ મિલિયન ડૉલર એટલે કે ૬ અબજ રૃપિયા કરતાં પણ વધુનું માર્કેટ ધરાવે છે. અહીં એજ્યુકેશન ક્વૉલિફિકેશન કરતાં યોગ્યતા અને જ્ઞાનની જરૃર હોય છે. તમારી પાસે અંગ્રેજી વિષયની થોડી સમજ છે, યોગ વિશેની માહિતી છે અને ભારતીય આધ્યાત્મિકતા વિશેનું નોલેજ છે તો આ સેક્ટરમાં તમારી માટે જોબ તૈયાર છે.

આ રીતે કરો શરૃઆત
તમારો રસ કયા વિષયમાં છે તે જાણવું જરૃરી છે. જો આયુર્વેદ અને પંચકર્મમાં તમે આગળ વધવા ઇચ્છતા હોય તો આયુષ મંત્રાલય દ્વારા સ્થાપિત આયુર્વેદ સંસ્થાઓમાં શોર્ટ ટર્મ (એક વર્ષ) ડિપ્લોમા કોર્સ કરી શકો છો અને યોગ, ધ્યાન, જ્યોતિષ અથવા ફિઝિયોથેરાપીમાં રસ હોય તો પીજી ડિપ્લોમા અથવા તો ડિગ્રી કોર્સમાં જોડાઈ શકો છો. એક્યુપંક્ચર, મસાજ થેરાપી અને એરોમાથેરાપી કોર્સ ખાનગી સંસ્થાઓમાં જોડાઈને કરી શકો છો.

પ્રમાણપત્ર
યોગ એલાયન્સ સર્ટિફિકેટ વિદેશમાં નોકરી અપાવવામાં મદદરૃપ બની રહે છે. આ સર્ટિ પ્લસ પોઇન્ટ ગણવામાં આવે છે, જે વિશ્વનાં જુદાં-જુદાં સેન્ટર પરથી પ્રાપ્ત કરી શકાય છે. તમે જે દેશમાં કામ કરવા ઇચ્છતા હોય ત્યાંની લોકલ ભાષા શીખવી જરૃરી છે.

આ રીતે શોધો જોબ
વિદેશમાં નોકરી મેળવવા માટે સોશિયલ મીડિયાની મદદ લઈ શકાય છે. ત્યાં ઘણા ગ્રૂપ છે જેમાં ઇન્ટર કે પ્રોફેશનલની જોબ માટે એપ્લાય કરી શકો છો. વિદેશી જોબ વેબસાઇટ પર જોબ સર્ચ કરી શકો છો. બિહાર સ્કૂલ ઓફ યોગ, બિહાર, બી.કે.એસ. આયંગર યોગ સ્કૂલ અને કૃષ્ણામાચાર્ય યોગ મંદિરમ જેવી સંસ્થાઓ પણ નોકરી અપાવવામાં મદદ કરે છે.

સારું પેકેજ
દરેક ટૉપ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી માટે એપ્લાય કરી શકો છો. કૉલેજો અને યુનિવર્સિટીમાં શોર્ટ ટર્મ જોબ માટે નોટિફિકેશન નિકળતી જ રહે છે. વાર્ષિક સેલેરી પેકેજ વીસ હજાર અમેરિકન ડૉલર એટલે કે અંદાજે ૧૪ લાખ રૃપિયાથી શરૃ થાય છે, જે અનુભવના આધારે ૭૦ હજાર અમેરિકન ડૉલર, ૪૯ લાખ રૃપિયા સુધી વધી શકે છે. સારા કાર્ય માટે ઉચ્ચ પેકેજની ઑફર થતી રહે છે. કામ કરવાની ધગશના કારણે પેકેજમાં વધારો થતો રહે છે.

અહીં મળી રહેશે નોકરી
સામાન્ય રીતે વેલનેસ સેક્ટર સાથે જોડાયેલી જોબ હિલ સ્ટેશન, ફાઇવસ્ટાર હોટલ કે પછી રિસોર્ટમાં હોય છે. જ્યાં વ્યક્તિ પ્રકૃતિના અપાર સૌંદર્ય, તણાવમુક્ત માહોલ અને જીવનની દરેક સમસ્યાથી દૂર હોય છે. આ ઉપરાંત પણ તમે વિદેશની સારી રિસોર્ટમાં, યોગ સ્કૂલ, મેડિટેશન સેન્ટર અથવા તો થ્રી સ્ટારથી ઉપર કોઈ પણ હોટલમાં એપ્લાય કરી શકો છો.

આવક સ્ત્રોત
જો તમને શીખવાનું કે શીખવવાનું બોરિંગ લાગે છે તો આ સેક્ટરમાં આવવાના અનેક સ્ત્રોત ઉપલબ્ધ છે. તમે હેલ્થકૅર સાથે જોડાયેલી પ્રોડક્ટ જેવી કે, યોગા મેટ, એક્યુપ્રેશર, પરફ્યૂમ્ડ કેન્ડલ્સ અને એસોશિયલ ઓઇલ વગેરે પ્રોડક્ટનું વેચાણ કરી શકો છો. આ કામ માટે તમારી પાસે શોપ હોવી ફરજિયાત નથી. તમે ઓનલાઇન સ્ટોર્સ પર સેલ કરી શકો છો. ઉપરાંત વીડિયો અપલોડ કરવાથી પણ સારી આવક થાય છે. બુક્સ લખીને કે પછી પ્રોડક્ટનું રીવ્યુ લખીને પણ સારી આવક મેળવી શકાય છે.

નવતર પ્રયોગમાં નામના
દુનિયાના જાણીતાં નામોમાં મહર્ષિ મહેશ યોગી દ્વારા સ્થાપિત ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશનનો સમાવેશ થાય છે. બીટલ્સથી લઈને હોલિવૂડની દરેક સેલિબ્રિટીને ધ્યાન શીખવનારા મહેશ યોગીએ વેલનેસ સેક્ટરની નીવ મુકી છે. અમેરિકાની અભિનેત્રી એડ્રિયન મિશ્લરે પોતાની યુ-ટ્યૂબ ચેનલ શરૃ કરી છે. જેમાં વીડિયો અપલોડ કરી કરોડો રૃપિયાની આવક મેળવે છે. ભારતના ઋષિકેશમાં આવેલા એક આશ્રમમાંથી એમિલી ફ્લૈચરે યોગ શીખીને ૨૦૧૧માં જીવા મેડિટેશન શરૃ કર્યું. આજે તે ગૂગલ, વોયકોમ, બાર્કલેજ અને વોગ જેવી ટોપ ૧૦૦ કંપનીઓના સીઇઓ અને મૅનેજમૅન્ટને ધ્યાન શીખવાડે છે. સ્માર્ટફોન એપ્સ દ્વારા ઘણા નવા અને સફળ સ્ટાર્ટઅપ શરૃ કરવામાં આવ્યા છે. હેડસ્પેસ પણ આ પ્રકારનું એક સ્ટાર્ટઅપ છે, જે તમને માઇન્ડફુલનેસનો અનુભવ કરાવે છે.  વર્તમાન સમયમાં આ ઍપ્સના એક કરોડથી પણ વધુ યુઝર્સ છે. આ ઉપરાંત પણ કાલ્મ, માઇન્ડબૉડી, બુદ્ધાઇફ, સ્માઇલિંગ માઇન્ડ જેવા ઘણા સફળ સ્ટાર્ટઅપ છે.

નવા કામની સાથે શાંતિવાળી નોકરીની શોધમાં જો તમે છો તો આ કામ તમારી માટે જ બનેલંુ છે. જેમાં સારી આવક તો મળી જ રહે છે. સાથે જ તમારી અનુકૂળતા પ્રમાણે કામ કરવાની પણ સારી તક મળે છે. જોકે સારા કામ માટે શિડ્યુલ પહેલેથી જ તૈયાર કરવો વધુ યોગ્ય રહે છે.

——-.

કોર્સ

*           રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાઓ

*           બિહાર સ્કૂલ ઓફ યોગ, બિહાર

*           કૃષ્ણામાચાર્ય યોગ મંદિરમ

*           બી.કે.એસ. આયંગર યોગ સ્કૂલ

*           જગદ્ગુરુ રામાનન્દાચાર્ય રાજ, સંસ્કૃત વિશ્વ વિદ્યાલય

——————————————–.

નવી ક્ષિતિજહેતલ રાવ.
Comments (0)
Add Comment