આદિવાસીઓની ‘નાહરી’ હવે, મહિલાઓ માટે આજીવિકાનું સાધન

સાપુતારા તરફ આગળ વધો એટલે નાનાં ગામોની નજીક વાસના ઉપયોગથી બનેલાં નાહરી કેન્દ્રો નજરે પડે
  • ફેમિલી ઝોન – હરીશ ગુર્જર

આદિવાસી લોકો બપોરના ભોજનને નાહરીકહે છે. એક ગુજરાતી પરિવારના બપોરના જમણ અને નાહરીમાં જમીન-આસમાન જેટલો તફાવત છે. ડાંગ જિલ્લાની મુલાકાત લેનારા પ્રવાસીઓ માટે આ શબ્દ નવો નથી અને નાહરી કેન્દ્રમાં જમ્યા હોય તો તેનો સ્વાદ આજે પણ યાદ હશે. નાહરી હવે માત્ર ભોજન નથી, પણ આદિવાસી મહિલાઓ માટે આજીવિકાનું સાધન બન્યું છે.

સુરતથી બારડોલી થઈને કે પછી વાયા ચીખલી થઈને સાપુતારા તરફ આગળ વધો એટલે નાનાં ગામોની નજીક વાસના ઉપયોગથી બનેલાં નાહરી કેન્દ્રો નજરે ન પડે એવું બને નહીં. હાઈ-વે પર જોવા મળતાં નાના ઢાબા જેવા આ નાહરી કેન્દ્રો પર અસ્સલ આદિવાસી ભોજન પીરસવામાં આવે છે. આદિવાસી પદ્ધતિથી બનેલા ભોજન ઉપરાંત આ નાહરી કેન્દ્રોની વિશેષતા એ છે કે, તેનું સમગ્ર સંચાલન માત્ર ને માત્ર આદિવાસી મહિલાઓ જ કરે છે. ૨૦૦૭માં વાંસદા-ધરમપુર માર્ગ નવસારી જિલ્લાના ગંગપુર ગામ નજીક સૌથી પહેલું નાહરી કેન્દ્ર શરૃ થયું હતું. જય અંબે મહિલા મંડળની ૧૭ બહેનોએ ભેગા મળી આ નાહરી કેન્દ્રની શરૃઆત કરી હતી. આજે પણ આ નાહરી કેન્દ્ર ચાલે છે. વૅકેશન અને રજાઓમાં રીતસર જમવા માટે વેઇટિંગ લિસ્ટમાં નામ નોંધાવું પડે છે.

ગંગપુરના નાહરી કેન્દ્રને મળેલી સફળતા બાદ વલસાડ જિલ્લામાં ૫ાંચ અને ડાંગ જિલ્લામાં ૭ મળીને કુલ ૧૩ નાહરી કેન્દ્રો હાલ ચાલી રહ્યાં છે. આ તમામ નાહરી કેન્દ્રો પર સવારે ૯ વાગે મહિલાઓ પહોંચી જાય છે અને રસોઈની શરૃઆત થાય છે. બપોરે ૧૧થી ગરમાગરમ જમવાનું અહીં ઉપલબ્ધ હોય છે. બપોરે એકાદ કલાકના વિરામ બાદ ફરી સાંજની તૈયારી શરૃ થાય છે અને રાત્રે ૧૦ વાગ્યા સુધી ભોજન પીરસવામાં આવે છે.

નાહરી કેન્દ્રોમાં ૧૦૦ રૃપિયામાં આદિવાસી થાળી પીરસવામાં આવે છે. જેમાં દાળ-ભાત, ગ્રીન વેજિટેબલ ઉપરાંત નાગલીના રોટલા અને અડદની દાળ અચૂક પીરસવામાં આવે છે. આપણે જેણે રાગી તરીકે ઓળખીએ છીએ તેને આદિવાસી નાગલી કહે છે. જુવાર જેવું ધાન્ય નાગલી આદિવાસીઓના ખોરાકનો મુખ્ય ભાગ છે. તેમના ખડતલ અને નીરોગી શરીરનું રહસ્ય પણ નાગલી જ છે. આદિવાસીઓ ઘઉંનો ઉપયોગ કરતા નથી. હા, તેઓ નાગલીના બદલે ક્યારેક ચોખાના રોટલાનો ઉપયોગ પણ કરે છે, તેથી જ આદિવાસી થાળીમાં ઓપ્શન તરીકે નાગલી કે ચોખાના રોટલાની પણ પસંદગી મળે છે. આ ઉપરાંત છાશ અને આદિવાસી પદ્ધતિથી બનેલી લાલ અને લીલા મરચાની ચટણી જે એક વાર ચાખી લે એ તેનો સ્વાદ કદી ભૂલી શકે નહીં અને હા, ચોમાસાની ઋતુમાં જો તમે નાહરી કેન્દ્ર પર પહોંચો તો વાંસનું અથાણુ તમે ખાધા બાદ પેક કરાવીને પણ લાવશો જ એમાં કોઈ શંકા નથી.

ગંગપુર ગામમાં નાહરી કેન્દ્ર ચલાવતી બહેનો પૈકી લીલાબહેન ચૌધરી સવારની શિફ્ટમાં સંચાલનની જવાબદારી સંભાળે છે. નાહરીએ તેમનું જીવન બદલી નાંખ્યું છે. તેઓ જણાવે છે, ‘૬-૬ની ટીમમાં અમે ૧૭ બહેનો નાહરી કેન્દ્ર પર કામ કરીએ છીએ. સવારે ૯થી રાત્રે ૧૦ દરમિયાન ઓછામાં ઓછા ૧૦૦ લોકો તો જમવા આવે જ છે. રજાના દિવસોમાં અને વૅકેશનમાં ૨૫૦-૩૦૦ પણ થઈ જાય. આ ઉપરાંત અમને હવે લગન, બર્થ-ડે પાર્ટી કે નાના જમણવારના ઓર્ડર પણ મળે છે. અમે અહીં જે અનાજ વાપરીએ એ બધું અમારા ખેતરોમાં જ ઉગાડેલું હોય છે અને તેમાં ખાતરનો ઉપયોગ કરતાં નથી. તેમજ તમારા લોકોની જેમ (શહેરી લોકોની જેમ) વધારે મસાલેદાર પણ બનાવતાં નથી. એટલે શહેરના લોકોને અમારી રસોઈ ખૂબ ગમે છે. કેટલાક લોકો તો જમ્યા બાદ અમારી પાસેથી નાગલીનો લોટ પણ ખરીદીને લઈ જાય છે. અમારી અડદની દાળ બનાવવાની પદ્ધતિ પણ સરળ છે અને તેથી જ લોકોને એ ગમે છે. આ કેન્દ્રમાં કામ કરતી અમે ૧૭ મહિલાઓ જ  કેન્દ્રની માલિક છીએ, એટલે જે પૈસા આવે એ અમારી વચ્ચે જ વહેંચાય છે. અમે એ માટે સિસ્ટમ બનાવી છે. ૧૭માંથી જે મહિલાઓ કામ પર આવે એને ઘરે જાય ત્યારે ૧૫૦ રૃપિયા ચૂકવવામાં આવે છે. ત્યાર બાદ વધેલા પૈસા જમા કરવામાં આવે છે. દરરોજનું ધાન્ય ભરાવ્યા બાદ તેમાંથી વધતા પૈસાનો હિસાબ હોળી અને દિવાળીમાં કરવામાં આવે છે, ત્યારે અમારા ભાગે ૫૦ હજારથી ૧ લાખ રૃપિયા આવે છે. આટલા રૃપિયા અમે પહેલાં ક્યારેય જોયા પણ ન હતા.’

હવે માત્ર લીલાબહેન જ નહીં, પણ તેમનાં જેવી ૧૦૨ મહિલાઓને ૧૩ નાહરી કેન્દ્રોને કારણે રોજગારી મળી છે. તો બીજી તરફ નાહરી કેન્દ્રોમાં ઉપયોગમાં લેવાતાં ધાન્યને ઉગાડવાનું અને તેના વેચાણ થકી દરેક મહિલાના અન્ય ૩ સભ્યોને પણ નાહરી કેન્દ્રો થકી આવક થઈ રહી છે. ગંગપુરના નાહરી કેન્દ્ર સહિત તમામ ૧૩ નાહરી કેન્દ્રોને શરૃ કરાવવામાં બાયફ (મ્છૈંહ્લ) સંસ્થાનો ફાળો મહત્ત્વનો છે.

વાંસદાથી ધરમપુર માર્ગ પર આવેલા લાછકડી ગામમાં બાયફનું આદિવાસી વિકાસ તાલીમ કેન્દ્ર ચાલે છે. ૨૦૦૬માં અહીં એક કાર્યક્રમમાં સ્થાનિક આદિવાસી મહિલાઓ પોતાની પારંપરિક વાનગીઓ બનાવીને લાવી હતી. કાર્યક્રમમાં ભાગ લેવા આવેલાં લોકો માટે આ વાનગીઓ નવી હતી એટલે બીજી વાનગીઓની સરખામણીમાં આદિવાસી વાનગીઓ બાજી મારી ગઈ – અને આ ઘટનાએ નાહરી કેન્દ્રના વિચારને જન્મ આપ્યો. બાયફ સ્વ સહાયતા જૂથ મંડળી બનાવનારી મહિલાઓને નાહરી કેન્દ્ર બનાવવા માટે ૯ લાખ રૃપિયાની આર્થિક સહાય કરે છે. આ વિશે વધુ માહિતી આપતાં સંસ્થાના સિનિયર પ્રોગ્રામ મેનેજર સંદીપ યાદવે જણાવ્યું હતું કે, ‘આદિવાસીઓના ન્યૂટ્રિશિયસ ફૂડના પ્રચાર અને પ્રસારની સાથે આર્થિક ઉપાર્જનના મૉડલ પર નાહરી કેન્દ્રની રચના થઈ છે. નાહરી કેન્દ્ર સ્થાપવા માગતી મહિલાઓને અમે બે મહિનાની તાલીમ અમારા સેન્ટર પર આપીએ છીએ. જેમાં એકાઉન્ટિંગ, રસોઈ પીરસવાની પદ્ધતિ, હાઇજિન જેવી તાલીમ મુખ્ય છે. જૂના નાહરી કેન્દ્રોનું મહિનાનું ટર્ન ઓવર ૬૦થી ૭૦ હજાર સુધી પહોંચ્યું છે. નવાં કેન્દ્રો ૨૫ હજાર સુધી પહોંચ્યા છે. બાયફની સાથે નાબાર્ડ અને જર્મનીની ડેવલપમેન્ટ બેંક કેએફડબ્લ્યુના આર્થિક સહયોગથી નાહરી કેન્દ્ર ખોલવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ઓએનજીસી અને ભારત સરકારનાં વિવિધ મંત્રાલયોનો પણ સહયોગ મળ્યો છે. બાયફ દ્વારા પહેલા આ વિસ્તારમાં દુધાળાં પ્રાણીઓ આદિવાસીઓ પાળે તો તેમને રોજગાર મળે એ દિશામાં કામ કર્યું, પણ આદિવાસીઓ દૂધનો ઓછો ઉપયોગ કરતાં હોવાથી તેમાં સફળતા ન મળી, પણ નાહરી કેન્દ્રને ધાર્યા કરતાં વધુ સફળતા મળી છે. હવે અમે આ બિઝનેસ મૉડલને ગામડાંઓમાંથી શહેરી વિસ્તારોમાં લઈ જવા માગીએ છીએ.’

પહાડોના ઢળાણ પર ખૂબ જ સહેલાઈથી ઊગતી નાગલી અને ખેતરોમાં ઉગાડવામાં આવતાં ચોખા, અડદની દાળ અને લીલાં શાકભાજી ઓર્ગેનિક હોવાની સાથોસાથ સ્વાસ્થ્યવર્ધક પણ છે. જો રહી ગયા હોવ તો આ વખતે ગોઠવો ડાંગનો પ્રવાસ અને કુદરતના ખોળે પૌષ્ટિક ભોજનનો આનંદ.

—–.

નાહરી ઓન વ્હીલ નવો કૉન્સેપ્ટ
ડાંગ જિલ્લાના સાવરખડી ગામની મહિલાઓ પણ નાહરી કેન્દ્ર સ્થાપવા માંગતી હતી, પરંતુ આ ગામની સમસ્યા એ હતી કે, તે હાઈવેથી ખૂબ અંદર હતું અને ચોમાસાના ૪ મહિના તો ગામ સુધી પહોંચવું પણ મુશ્કેલ બનતું હોય છે. આ સ્થિતિમાં નાહરી કેન્દ્ર સુધી જમવા આવે કોણ. બાયફ સંસ્થાએ સાવરખડી ગામની મહિલાઓના ઉત્સાહને જાળવી રાખવા નવો માર્ગ શોધ્યો.

સંદીપ યાદવ જણાવે છે,  ‘સાવરખડીની મહિલાઓ માટે અમે નાહરી ઓન વ્હીલનો કૉન્સેપ્ટ લાવ્યા છીએ. નાના ટેમ્પોમાં અમે તેમને નાહરી કેન્દ્ર બનાવી આપ્યું છે. અંબિકા સેલ્ફ હેલ્પ ગ્રૂપને ૧૦ લાખની આર્થિક સહાય કરી ટેમ્પો બનાવી આપવામાં આવ્યો છે, જેથી તેઓ ડાંગ જિલ્લામાં વિવિધ ગામોમાં બજારના દિવસોમાં ટેમ્પો પાર્ક કરી જમવાનું પીરસે છે. આ ઉપરાંત પાર્ટીના ઓર્ડર પણ લઈ સ્થળ પર જઈ રસોઈ બનાવી પીરસે છે. આ માટે ટેમ્પોમાં ડ્રાઇવરની કેબિનની ઉપર અમે વૉટર ટેન્ક પણ બનાવી આપી છે. જેથી રસોઈ કરવા માટે પાણી શોધવા જવાની જરૃર ન રહે.’

સંદીપ યાદવ, સિનિયર પ્રોગ્રામ મેનેજર
———————————–

આદીવાસી ભોજનનાહરીહરિશ ગૂર્જર
Comments (0)
Add Comment