ફેમિલી ઝોન – હરીશ ગુર્જર
પહાડી વિસ્તાર ઉત્તરકાશીમાં વર્ષમાં એક વાર અલ્ટ્રા મેરેથોનનું આયોજન કરવામાં આવે છે. ૨૨૦ કિલોમીટરની આ દોડને ૪૮ કલાકમાં પૂર્ણ કરનારને વિજેતા જાહેર કરવામાં આવે છે. સાંંભળીને જ રૃંવાટા ઊભા કરનારી આ દોડ પૂર્ણ કરવાનું ગાંડપણ ખ્યાતિ પટેલે કર્યું છે. ખ્યાતિ પહેલી ગુજરાતી મહિલા છે જેણે આ રેસ પૂર્ણ કરી છે. વર્ષ ૨૦૧૫ની પહેલી રેસથી, ખ્યાતિની અલ્ટ્રા મેરેથોન સુધીની સફર જાણવા જેવી છે.
૪૩ વર્ષની ખ્યાતિ પટેલ કોમર્સ ગ્રેજ્યુએટ છે. ગ્રેજ્યુએશન બાદ તેમણે થ્રી-ડી એનિમેશનનો કોર્સ કર્યો અને પતિ કેયૂર પટેલ સાથે સુરતમાં થ્રી-ડી એનિમેશન સ્ટુડિયો શરૃ કર્યો. ઉંમરના ૪૩મા વર્ષે પણ કૉલેજિયન યુવતી જેટલો તરવરાટ જ કદાચ તેની સફળતાનું રહસ્ય હોય એવું ખ્યાતિને મળો એટલે લાગે. કેયૂર બેડમિન્ટન પ્લેયર હોવાથી ખ્યાતિ પણ રમત-ગમતમાં રસ લે એવો પહેલાથી તેનો આગ્રહ હતો, પણ ખ્યાતિને ઘર અને ઑફિસ સિવાયની વાતમાં રસ પડતો ન હતો. પતિના આગ્રહવશ ૨૦૧૫માં ખ્યાતિએ સુરતમાં યોજાયેલ ૨૧ કિલોમીટરની હાફ મેરેથોન દોડમાં ભાગ લીધો. ખ્યાતિએ પહેલી જ મેરથોન ૨.૩૦ કલાકમાં પૂર્ણ કરી હતી, જેના પરિણામે તેની ગણતરી સુરતના સારા દોડવીરો પૈકીની એક તરીકે થવા માંડી અને ત્યાર પછી તે ચાલી ઓછું છે દોડી વધુ છે એવું કહેવું ખોટું નથી. ૨૦૧૫થી ૨૦૧૯ની ઉત્તરકાશી અલ્ટ્રા મેરેથોનના સ્પર્ધક બનવા સુધી પહોંચવા માટે તેણે ૫૦ કિલોમીટરથી ૨૦૦ કિલોમીટરની દોડના વિવિધ રાઉન્ડ પૂર્ણ કર્યાં છે. મેરેથોન એટલે સહનશક્તિની કસોટી અને ખ્યાતિના શબ્દોમાં કહીએ તો અલ્ટ્રા મેરેથોન એટલે પીડાની પરાકાષ્ટા. ૨૨૦ કિલોમીટરની અલ્ટ્રા મેરેથોન દોડવાનો નિર્ણય ખ્યાતિએ ૨૦૧૮માં જ લઈ લીધો હતો. આ માટે તેણે દોડના ૩ મહિના પહેલાંથી પ્રેક્ટિસ કરવાની શરૃઆત કરી હતી. અલ્ટ્રા મેરેથોન માટેની તૈયારી અને દોડ વખતે થનારી તકલીફોનું જાણે રિહર્સલ કરવામાં આવ્યું હતું.
રેસ પહેલાંની પ્રેક્ટિસ વિશે જણાવતાં ખ્યાતિ કહે છે, ‘મેરેથોનના ૩ મહિના પહેલાં પ્રિપરેશન શરૃ થઈ જાય છે. ૩ મહિના દરરોજ વહેલી સવારે ૩ વાગે ઊઠીને દોડવાની શરૃઆત કરવાની હોય છે. પહેલા મહિનામાં ૨૫ કિલોમીટરથી ૨૦૦ કિલોમીટર, બીજા મહિનામાં ૩૦૦ અને ત્રીજા મહિનામાં ૪૦૦ કિલોમીટર એક સાથે દોડવાની પ્રેક્ટિસ કરવી ફરજિયાત છે. એક દિવસનો પણ વિરામ તમારા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઉત્તરકાશી અલ્ટ્રા મેરેથોન હિલ વિસ્તારમાં યોજાય છે, માટે હું સુરતના રસ્તાઓ પર જ દોડતી રહું તો મેરેથોનમાં ૫૦ કિલોમીટર પણ પૂરા નહીં કરી શકું, માટે મારા ગુરુ આશિષ કાપડિયા મને સાપુતારાના પહાડી માર્ગો પર ટ્રેનિંગ આપતા હતા. આ મેરેથોન દોડવા માટે માત્ર શારીરિક સ્વસ્થતા જ નહીં, માનસિક સ્વસ્થતાની પણ જરૃર પડે છે, કારણ કે ૫ાંચ કિલોમીટરની દોડ પૂર્ણ કર્યા બાદ ૨૧૫ કિલોમીટર હજુ બાકી છે અને એ હું પૂર્ણ કરીશ જ એવું મક્કમ મનોબળ ન હોય તો દોડ પૂરી થતી નથી.’ દોડ પહેલાંની પ્રેક્ટિસ દરમિયાન ખ્યાતિએ જે શૂઝનો ઉપયોગ તે દોડવામાં કરવાની હતી તે જ શૂઝની ૨-૩ જોડીઓ સાથે પ્રેક્ટિસ કરી હતી, જેથી દોડવામાં તકલીફ ન થાય. સતત ૪૮ કલાક દોડવા માટે પ્રેક્ટિસ દરમિયાન તે ઑફિસનું કામ પતાવીને બપોરે બે વાગે, લગ્નમાં હાજરી આપ્યા બાદ ઘરે આવીને રાત્રે ૧ વાગે, રાત્રે ૧૦ વાગે આમ ગમે તે સમયે દોડવા માટે તેણે શરીરને તૈયાર કર્યું હતું. ઉત્તરકાશીમાં ઉનાળા બાદ અને શિયાળા પહેલાં યોજાતી રેસ દરમિયાન ૪૮ કલાકમાં ગમે ત્યારે વરસાદ પણ પડે અને ત્યાર બાદ ભયાનક તડકો પણ પડે, આ બંને કુદરતી સ્થિતિ સામે લડવા કેટલીક વાર ખ્યાતિ વરસાદ પડે એટલે ઑફિસનું કે ઘરનું કામ પડતું મુકી કપડાં બદલી દોડવા નીકળી પડતી.
પ્રેક્ટિસ બાદ રેસ વિષે જણાવતાં ખ્યાતિ કહે છે, ‘ઋષિકેશથી શરૃ કરીને ઉત્તરકાશીમાં પૂર્ણ થતી રેસના માર્ગમાં નદી-નાળાં અને જંગલો આવે છે, દુર્ગમ પહાડી વિસ્તારોમાં દોડવું કેટલું મુશ્કેલ હશે એનો તમે અંદાજ લગાવી શકો છો. રાત્રે ૫ાંચ ડિગ્રી તાપમાન થઈ જાય, બપોરે વરસાદ પડે અને અચનાક તડકો પડે એટલે ભયંકર હ્યુમિડિટી થાય. આ સ્થિતિ તો હજુ સારી છે. રસ્તામાં વાઇલ્ડ એનિમલ સાપ, જંગલી ભેંસની રોડ પર ઊતરી આવેલા ઝુંડ અને પહાડી વાંદરાઓનો ત્રાસ આ બધું જાણે દોડનો જ એક પાર્ટ છે. ઉત્તરકાશીના માર્ગની અન્ય એક સમસ્યા એ પણ છે કે, તેના માર્ગો પર દિવસ-રાત ગમે ત્યારે લેન્ડ સ્લાઇડ થાય, આ સ્થિતિમાં પણ થોડું જોખમ ઉપાડીને દોડવું તો પડે જ. થોડા થોડા સમયે અમારી સાથે ચાલતી ક્રૂની ટીમ ફિઝિકલ ચેકઅપ કરતી રહે છે અને તેની જાણકારી રેસ ડાયરેક્ટરને આપવામાં આવે છે. શરીરમાં ખાંડ-મીઠું અને પાણીનું પ્રમાણ જળવાયેલું રહેવું જોઈએ નહીં તો બોડી ડિહાઇટ્રેટ થવાથી કંઈ પણ થઈ શકે છે. રેસની શરૃઆતમાં જ મને યુરિનની સમસ્યા સર્જાઈ હતી. હું પાણી તો પીતી હતી, પરંતુ યુરિન પાસ થતું ન હતું, જો દોડ દરમિયાન આવું થાય તો કિડની ફેલ થઈ શકે, પણ મારા કોચ આશિષ કાપડિયા ડૉક્ટર અને દોડવીર છે. તેમનો અનુભવ મને કામ લાગ્યો. ૧૦ મિનિટના પહેલાં રેસ્ટમાં મારામાં સતત ૨૨૦ કિલોમીટર દોડી જવાનો જુસ્સો આવી ગયો.’
દોડના વિરામ દરમિયાન રસ્તા પર જ ચારસો પાથરી ૨૦-૨૫ મિનિટ ઝબકી મારી ફરી દોડવા માટે શરીરને ખ્યાતિએ પ્રેક્ટિસ દરમિયાન જ તૈયાર કર્યું છે. પ્રેક્ટિસ દરમિયાન તે ઘણીવાર ૧૧-૧૧ કલાક દોડી છે. દોડ દરમિયાન એસિડિટી ન થાય તેનું ખાસ ધ્યાન દોડવીરે રાખવાનું હોય છે. આ માટે તે ખજૂર, બદામ, ચોકલેટ્સ, એનર્જી બાર અને ૩૦ મિનિટના બ્રેકમાં સાદો ભાત જમતી. ખ્યાતિ દીકરા પ્રાથિશને લોન્ગ ટેનિસ રમતો જોઈ અને પતિના દબાણવશ દોડતી થઈ. આ બાબતે કેયૂર હસતાં-હસતાં કહે છે, ‘પરણ્યા બાદ સામાન્ય રીતે પત્ની પતિને દોડાવ-દોડાવ કરે છે, પરંતુ અહીં ઊંધું થયું છે. મેં મારો વારો આવે એ પહેલાં જ ખ્યાતિને દોડા-દોડ કરતી કરી છે.’ અલ્ટ્રા મેરેથોન દરમિયાન પણ આખી દોડમાં ક્રૂ સાથે મમ્મીનો ઉત્સાહ વધારવા પ્રાથિશ સાથે જ રહ્યો હતો. આ ઉપરાંત પ્રેક્ટિસ દરમિયાન પણ રાત્રે ગમે ત્યારે દોડવાનું ફરજિયાત હોય ત્યારે ખ્યાતિનો ઉત્સાહ વધારવા ખ્યાતિના મિત્રો જતીન બજાજ, ડૉ. સુક્ષ્મા કાપડિયા, હર્ષિલ દેસાઈ, ચિંતન ચંદારાણા અને મિહિર ભામરે પણ જરૃર વગર દોડ્યા છે. જોકે પોતાની આ સિદ્ધિ માટે ખ્યાતિ વાતોમાં સતત સફળતાને પોતાની એકલાની સફળતા ગણાવવાને બદલે ટીમની મિત્રોની અને પરિવારની સફળતા ગણાવતી રહે છે.
હાલમાં ખ્યાતિ રિકવરી ફેસમાંથી પસાર થઈ રહી છે. ૩-૪ મહિનાની સતત દોડાદોડ અને રેસ પૂર્ણ કર્યા બાદ શરીરના વિવિધ ભાગોના ટીશ્યુ અને મસલને નુકસાન થયું હોય છે. જેને અત્યારે આરામ આપીને રીકવર કરવામાં આવે છે.
—.
અલ્ટ્રા મેરેથોન દોડનારે ક્રૂ રાખવા ફરજિયાત
અલ્ટ્રા મેરેથોનમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકે પોતાની સાથે ક્રૂ અને કાર રાખવી ફરજિયાત છે. ખૂબ જ દુર્ગમ માર્ગ પર યોજાતી આ રેસમાં આયોજકો સ્પર્ધકના જીવના જોખમે કોઈ કામ કરવા દેતાં નથી. ખ્યાતિની સાથે ૪૮ કલાક માટે એક કાર અને ૩-૩ની ટીમમાં ક્રૂ મેમ્બર હતા. પરેશ પાલા, જિગ્નેશ પટેલ પહેલા દિવસે, ડૉ. સંકેત પટેલ, ડૉ. જિગ્નેશ પટેલ અને હેપ્પી પટેલ બીજા દિવસે. ૪૮ કલાકની દોડ દરમિયાન ખ્યાતિના પગના નખ એક પછી એક તૂટી ગયા હતા અને પગમાં બિલ્સટર (પાણીદાર ફોલ્લા) થઈ ગયા હતા જેની પીડા ઓછી કરવાની સારવાર ક્રૂ મેમ્બર આપતાં રહે છે. આ ઉપરાંત સૌથી મહત્ત્વનું કામ એટલે ક્રૂ દોડનારને સમય ‘ને અંતરથી માહિતગાર કરે છે, દોડનારની શારીરિક સ્થિતિથી રેસ ડાયરેક્ટરને માહિતગાર કરતાં રહે છે.
—————————–