વાહ..વાહ.. વુમનિયા

'પોતાના શોખને હંમેશાં જીવંત રાખવો જોઈએ.
  • ફેમિલી ઝોન  – હેતલ રાવ

મહિલાઓ ઘરે બેસીને શું કરે?, ઘર કામ પૂર્ણ થાય એટલે ટીવી સિરિયલ કે સખીઓ સાથે ગૉસિપ કરવામાંં મશગૂલ બની જાય અને પછી પતિ, બાળકો, ઘર-સંસાર-ચાલતુંુ જ રહે, ચાલતંુ જ રહે.. શું દરેક મહિલાઓ આ જ રીતે સમય પસાર કરતી હશે.! તો જવાબ છે ના, આજની મહિલાઓ-યુવતીઓ ઘરકામ, નોકરી અને અભ્યાસની સાથે પોતાના શોખને પણ જીવંત રાખે છે.

સરયુ પાસે આજે જરાય સમય નહોતો. સવારથી રસોડામાં ગુંથાઈ ગઈ હતી. સાસુમાએ બે વાર બૂમ પણ પાડી, પણ સરયુ ત્યાંથી જ જવાબ આપી દીધો કે, મમ્મી હમણાં થોડું કામ છે. બે સંતાનોની માતા સરયુ માંડ એસએસસી ભણેલી હતી, પરંતુ ભગવાને તેના હાથમાં ગજબનો જાદુ આપ્યો હતો. જે રસોઈમાં હાથ લગાવે તેનો સ્વાદ બેવડાઈ જતો. તેના હાથના બનાવેલા અથાણા સાત સમંદર પાર જતાં. એટલંુ જ નહીં, મકરસંક્રાંતિના પર્વમાં દૂર-દૂરથી લોકો તેના હાથની તલપાપડી લેવા આવતા અને દિવાળી હોય એટલે મહિના અગાઉ લોકો કહી જતા કે જુઓ સરયુબેન, મઠિયા, સુંવાળી અને સંચર પાપડીનો લોટ તો તમારે જ બાંધી આપવાનો. કોઈને ઓર્ડર પ્રમાણે પૈસા લઈને તો કોઈને મફતમાં સેવા આપતાં. સોસાયટીમાં તો સરયુના સાસુને લોકો કહેતાં પણ ખરા કે, વહુ ભણી નથી, પણ ગણી છે. ધન્ય છો તમે કે અન્નપૂર્ણા તમારે ઘરે આવી. અહીં વાત માત્ર સરયુની જ નથી, પણ એવી દરેક મહિલાની, યુવતીઓની છે જે પોતાના શોખને હંમેશાં જીવંત રાખે છે. કોઈ સિઝનેબલ તો કોઈ એક જ કામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમારી પાસે તો સમય જ નથી, મને તો ખૂબ જ ગમે છે કામ કરવાનું પણ ઘરેથી ના કહે છે. અરે, આ ઘરકામ અને છોકરાઓમાંથી ઊંચી આવું તો મારા માટે કંઈ વિચારુંને, હું તો ખૂબ જ સુંદર વર્ક કરી શકું છું, પણ ભણવામાંથી સમય જ નથી મળતો. જવા દો, હવે તો ઉંમર થવા આવી, પહેલાં જેવી વાત ક્યાં રહી.? સમય સાથે શોખ અને ઉત્સાહ બધું મરી પરવાર્યું છે. આવી તો ઘણી બધી વાતો ૬૦થી ૭૦ ટકા મહિલાઓ પાસેથી આપણને સાંભળવા મળે છે. કદાચ સાચી પણ હોય, પરંતુ એટલું તો નક્કી છે કે જેમણે કંઈ કરવું જ હોય છે તે ગમે તે ભોગે અને ગમે તે સંજોગોમાં કરે જ છે. પછી પોતાના શોખને જીવંત રાખવા કે આવક મેળવવા.

આ વિશે વાત કરતા આણંદનાં ડૉ. ત્વિશા એસ. ભટ્ટ કહે છે, ‘પોતાના શોખને હંમેશાં જીવંત રાખવો જોઈએ. ગૃહિણી હોય કે વર્કિંગ મહિલા, દરેક પાસે સમયની અછત હોય છે, પરંતુ પોતાને ગમતા કામ માટે થોડો ઘણો પણ સમય નિકાળવો જરૃરી છે. બાળપણથી જ મને આર્ટનો શોખ હતો અથવા એમ પણ કહી શકાય છે કલા મારી ગળથૂથીમાં હતી. નાની હતી ત્યારે અભ્યાસ અને પછી ડૉક્ટર બનવાની ખેવનાના કારણે ક્યારેય મારો શોખ, મારી આર્ટને સમય ના આપી શકી, પરંતુ હા, જ્યારે પણ જુદી-જુદી ડિઝાઇન જોતી તો મને થતું કે હું પણ પેઇન્ટ કરું. સમયની સાથે હું ડૉક્ટર બની, લગ્ન થયાં, પણ મારી કલા એવી ને એવી જ રહી. સાચંુ કહું તો મારા પતિએ મને ખૂબ જ સહકાર આપ્યો. સૌ પ્રથમ ઘરમાં જૂના પડી રહેલા દીવાને મેં મૉડીફાઇ કરી સુંદર રીતે તેને તૈયાર કર્યાં. જે આવતા તે બધા તેને વખાણતા. હવે મારે શોખ સાથે અન્ય મહિલાને પ્રેરણા મળે માટે કામ કરવું હતંુ. ક્લિનિકમાં બે પેશન્ટ વચ્ચે મને પંદરથી વીસ મિનિટનો સમય મળતો. તે સમય સોશિયલ મીડિયાને સોંપ્યા વિના મારી આવડતને વધુ ખીલવવાનો પ્રયત્ન શરૃ કર્યો. મારા કામને એક વર્ષ પૂર્ણ થયું. મારી પાસે ક્રિએટ કરેલી એટલી બધી વસ્તુ હતી કે તેનું એક્ઝિબિશન રાખવાનું નક્કી કર્યું. તમે વિશ્વાસ નહીં કરો કે મારા એક્ઝિબિશન સફળ થવા લાગ્યાં. મારા કામને લોકો મનભરીને નિહારતા અને વખાણતા. મંડલા આર્ટની વાત કરું તો તે ન્યૂ ટ્રેન્ડ છે ઘણા ઓછા લોકોને તેની સંપૂર્ણ માહિતી હશે. મારી ફ્રેમ જોઈને ઘણા બધાએ મને પૂછ્યું કે, આ શું છે..? તેના પાછળનો તમારો હાર્દ શું છે..? તમે શું બતાવવા માગો છો આ ફ્રેમમાં..? મને આ વાત સમજાવવાની ખૂબ જ મજા આવી. દરેક મહિલાએ આવક માટે કે પછી શોખ માટે પોતાની કલાને હંમેશાં જીવંત રાખવી જ જોઈએ.’

અમદાવાદમાં રહેતી વિદ્યાર્થિની ખુશ્બૂ ખમારની વાત થોડી જુદી છે. પરિવારમાં લગ્ન પ્રસંગ હતો અને ગણેશ માટલીનું ડેકોરેશન કર્યું. બસ, પછી શું એક પછી એક તેને માટલી ડેકોરેશનના ઓર્ડર મળવા લાગ્યા, પરંતુ વાત જેટલી સરળ લાગે છે ત્યાં સુધી પહોંચવામાં એટલા જ પડકારોનો સામનો કરવો પડ્યો. નાની ખુશ્બૂ જ્યારે ડિઝાઇન કરતી ત્યારે પરિવારમાં સૌ કોઈને નવાઈ લાગતી કે આટલી નાની દીકરી આટલી સુંદર ડિઝાઇન કેવી રીતે બનાવે છે, પરંતુ જ્યારે પણ તે કોઈ ડિઝાઇન બનાવવા બેસે એટલે તેના હાથમાં જાણે જાદુ પથરાઈ જતો. માત્ર માટલી જ નહીં, પરંતુ સુંદર મજાના પોટ પણ બનાવતી થઈ. માયરાની ચારેબાજુ બેડાની જોડ રાખવામાં આવે જ છે. જેને શણગારવાનું કામ ખુશ્બૂ બખૂબી કરે છે. આ વિશે વાત કરતાં તે કહે છે, ‘મને શોખ તો હતો, પરંતુ હવે ઓર્ડર મળવાના કારણે આવક પણ થાય છે. મારી કોઈ પણ ડિઝાઇન યુ-ટ્યૂબ કે અન્ય સોશિયલ મીડિયા પરથી કોપી કરેલી નથી હોતી. હવે તો કાચની બોટલ, બેન્ગલ્સ પણ શણગારું છું.’

તો હવે સમય આવી ગયો છે તમારા શોખને નવી પાંખો આપવાનો. ઘરે બેસીને પણ તમારી આવડત અને શોખને આવકનો સ્ત્રોત બનાવી શકો છો. તેની માટે કોઈ જ બહાના નહીં, બસ પ્રયત્નની જરૃર છે. અહીં તો માત્ર ત્વિશા અને ખુશ્બૂની વાત કરી છે, પરંતુ આવી અગણિત મહિલાઓ છે જે સિઝનેબલ બિઝનેસ કરી આવક કરે છે અને સાથે જ પોતાના શોખને પણ પૂર્ણ કરે છે.
———————————–

ફેમિલી ઝોનહેતલ રાવ.
Comments (0)
Add Comment