યુવા – હેતલ રાવ
દેશમાં ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે. દરેક કાર્યકર પોતાના પક્ષ માટે પ્રચારમાં લાગી ગયો છે. સોશિયલ મીડિયા પર પણ વિવિધ રાજકીય પક્ષો વચ્ચે વૉર જામી રહી છે. ત્યારે આ બધાથી પર એવા યુવાનો પણ છે જેઓ મતદાનનું મહત્વ સમજાવીને કેમ્પઇન ચલાવી રહ્યા છે.
એક સમય એવો હતો કે જ્યારે ઘરના વડીલો અને ગામના ઉંમર લાયક લોકો ગામની ભાગોળે કે પછી શહેરની ગલીઓના નાકે ચૂંટણીની ચર્ચા કરતાં અને પોતાના પક્ષની સારી નરસી વાતો કરતા જોવા મળતા. યુવાનોને તો આ બધી વાતોમાં કોઈ રસ પણ નહોતો. ઘણીવાર તો ઘરના લોકો કહે તો પણ મતદાન કરવા માટે પણ યુવાનો આળસ કરતા, પરંતુ આ વાત જૂની છે, આજના યુવાનો સરકાર બનાવવામાં સક્ષમ બની ગયા છે. દેશમાં ચાલી રહેલી નાનામાં નાની વાતોનું ધ્યાન યુવાનો રાખી રહ્યા છે. એટલું જ નહીં, તેની પ્રતિક્રિયા પણ આપે છે. રાજકારણમાં માત્ર વૃદ્ધો જ રસ લે છે તે વાતને યુવાનોએ ખોટી સાબિત કરી છે. હવે તો યુવાનો પોલિટિક્સમાં રસ પણ લે છે અને જે-તે પક્ષનો પ્રચાર પણ કરે છે. છતાં ઘણા યુવાનો હજુ પણ આ બાબતમાં નીરસ છે. તેમને દેશ કે દેશમાં બનતી કોઈ ઘટના કે પક્ષ સાથે કોઈ લેવાદેવા નથી. આવા યુવાનો પોતાનામાં જ મસ્ત રહેવામાં માને છે, પરંતુ એ વાત ભૂલવી ના જોઈએ કે ઇલેક્શનમાં યુવાનોનું મતદાન મોખરે અને મહત્ત્વનું હોય છે. જે વાતને લોકો સુધી પહોંચાડવા યુવાનો મતદાન અનિવાર્યનો પ્રચાર કરી રહ્યા છે.
આ વિશે વાત કરતા સી.બી. આટ્ર્સ કૉલેજમાં અભ્યાસ કરતો કીર્તન ભટ્ટ કહે છે, ‘૨૦૧૯ના ઇલેક્શનમાં યુવા મતદારોની સંખ્યા વધુ છે. પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોએ એટલું સમજવું જરૃરી છે કે તેમનો મત કેટલો કિંમતી છે. માટે અમે મિત્રો સાથે મળી યુવાનોને મતદાન માટે જાગૃત કરીએ છીએ. કયા પક્ષને મત આપો તે અમારો વિષય નથી, પણ હા, તમે મત આપવા જરૃર જાઓ તે ચર્ચાનો વિષય છે. ઘણા યુવાનોને અમારું આ રીતે ઇલેક્શન માટે મતદાનનું કેમ્પઇન પસંદ નથી પડતંુ. તો ઘણા યુવાનો એવા છે જે પોત પોતાના પક્ષને લઈને પહેલેથી જ જાગૃત છે, પરંતુ અમે એવા યુવાનો સાથે મિટિંગ કરીએ છીએ જે યુવાનોને મતદાન કરવા જવું ગમતું નથી અથવા તો રાજકારણમાં બિલકુલ નીરસ છે.‘
જાગૃતિ નંદિની કહે છે, ‘ઇલેક્શનમાં યુવાનોનું યોગદાન સવિશેષ હોય છે. તાજેતરમાં જ જે આંકડાકીય માહિતી આવી છે તે પ્રમાણે આ વર્ષે તો પ્રથમવાર મતદાન કરનાર ૧૮-૧૯ વર્ષના યુવાનોની સંખ્યા વધારે છે, પરંતુ જરૃરી એ છે કે પોતાના મતની કિંમત યુવાનો સમજે અને મતદાન કરવા માટે જાય. પોતાની રીતે પક્ષની પસંદગી ભલે કરે, પરંતુ પોતાના મત તો આપે જ. બસ આ જ પ્રચાર અમારો છે. અમે પોલિટિકલ વિષયમાં અભ્યાસ કરી રહ્યા છીએ માટે અમે જાણીએ છીએ કે આપણો મત કેટલો જરૃરી છે. કોઈ પણ નેતાને કઈ પણ કહેતાં પહેલાં એટલું સમજવંુ જરૃરી છે કે તમે દેશ પ્રત્યે તમારી ફરજ બરોબર નિભાવી છે.‘
યુવાનોમાં અનેક ટ્રેન્ડ રોજબરોજ બદલાતા હોય છે, પરંતુ જ્યારે આવો કોઈ ટ્રેન્ડ યુવાનોમાં જોવા મળે ત્યારે ખરેખર લાગે કે અબ દેશ બદલ રહા હૈ.
——————–