- નવી ક્ષિતિજ – હેતલ રાવ
યુવાનો માટે કારકિર્દી બનાવવાના અનેક વિકલ્પો ઊભા થઈ રહ્યા છે ત્યારે વીડિયો એડિટરની ડિમાન્ડ વધી રહી છે. એક અંદાજ પ્રમાણે આવનારા સમયમાં એક લાખ કરતાં પણ વધારે વીડિયો એડિટરની માગ ઊભી થશે. માર્કેટ પ્રમાણે જે યુવાનો એડિટિંગ સોફ્ટવેરમાં નિપુણ હશે તેમની ગાડીને કરિયરના પાટે ચઢતાં વાર નહીં લાગે.
જો તમારામાં વિઝ્યુઅલને સમજવાની અને તેનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા છે તો તમે નોન લિનિયર એડિટિંગ કોર્સ માટે સક્ષમ છો. હાલના સમયમાં એડિટિંગની લેટેસ્ટ ટૅક્નોલોજીના કારણે વીડિયો એડિટરની ડિમાન્ડ દિન-પ્રતિદિન વધી રહી છે. કોઈ પણ ફિલ્મ કે ટીવી કાર્યક્રમની કલ્પના વીડિયો એડિટર વિના કરવી શક્ય નથી. આ વિષય સાથે જોડાયેલા કોર્સ કરવાથી નોકરી મળવાની સંભાવના વધી જાય છે. કારકિર્દી માટે એક નવો જ વૅ છે.
કયા કોર્સ ઉપલબ્ધ છે?
સર્ટિફિકેટ કોર્સ ઇન નોન લિનિયર એડિટિંગ, ડિપ્લોમા ઇન વીડિયો એડિટિંગ એન્ડ સાઉન્ડ રિકોર્ડિંગ અને ડિપ્લોમા ઇન પોસ્ટ પ્રોડક્શન વીડિયો એડિટિંગ. આ ત્રણ કોર્સ હોય છે. જેનો સમયગાળો ત્રણ મહિનાથી લઈને ત્રણ વર્ષ સુધીનો છે. જો તમારું માઇન્ડ શાર્પ છે તો દોઢથી લઈને ત્રણ મહિનાનો કોર્સ પણ કરી શકાય છે.
નેચર ઓફ વર્ક
વીડિયો એડિટર્સ પહેલા લિનિયર ટેકનિકથી કામ કરતા હતા. હવે નોન લિનિયર એડિટિંગ દ્વારા કામ કરે છે. એક કેમેરામેન જે વિઝ્યુઅલને કલાકોની જહેમત પછી શૂટ કરતા હતા, તે વિઝ્યુઅલનું એડિટિંગ હવે કમ્પ્યૂટરાઈઝ્ડ સોફ્ટવેરની મદદથી થોડાક સમયમાં જ પૂર્ણ કરી લેવામાં આવે છે.
શૈક્ષણિક લાયકાત
આ કોર્સમાં ઍડ્મિશન લેવા માટે ધોરણ ૧૨ પાસ હોવું જરૃરી છે, પરંતુ જો ડિગ્રી કે ડિપ્લોમા કરવું હોય તો કોઈ પણ વિષય સાથે સ્નાતક હોવું જરૃરી છે. આમાં શોર્ટ ટર્મ કોર્સ પણ ઉપલબ્ધ છે. શૈક્ષણિક લાયકાત કરતાં આ ક્ષેત્રમાં પ્રેક્ટિકલ અનુભવ વધારે જરૃરી છે.
વ્યક્તિગત યોગ્યતા
સફળ વીડિયો એડિટર બનવા માટે મહેનતની સાથે ઇમેજનરી એટલે કે ઇમેજિકલી હોવું જરૃરી છે, કારણ કે સીનની જરૃરિયાતને સમજીને સાઉન્ડનું મિક્સિંગ કરી શકાય. આ ઉપરાંત લેટેસ્ટ ટૅક્નોલોજીની પણ સતત જાણકારી મેળવવી જરૃરી છે. અન્યની વાતને ધ્યાનથી સાંભળવી અને ટીમની સાથે કામ કરવાની કુનેહ સફળતા અપાવવામાં મહત્ત્વનો ફાળો ધરાવે છે.
વિકલ્પ
વીડિયો એડિટિંગનો કોર્સ પૂર્ણ કર્યા પછી ન્યૂઝ ઍન્ટર્ટેઇનમૅન્ટ ચેનલ્સ, પ્રોડક્શન હાઉસ, વેબ ડિઝાઇનિંગ કંપની, મ્યુઝિક વર્લ્ડ અને બીપીઓ જેવા ક્ષેત્રોમાં કામ કરી શકાય છે. આ ઉપરાંત ફ્રીલાન્સ માટે પણ અનેક વિકલ્પો છે. પોસ્ટ પ્રોડક્શન સ્ટુડિયો, ટેલિવિઝન કંપનીઓ જેવી જગ્યાઓ પર શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ પર કામ કરી શકાય છે.
નોન લિનિયર એડિટર
નોન લિનિયર એડિટિંગ ટૅક્નિકલ કામ છે જે અંતર્ગત એડિટિંગ સાથે જોડાયેલો કન્સેપ્ટ અને તેની સાથે જોડાયેલી દરેક વાતનો ખ્યાલ આપી શકાય છે. ફુટેજની કેપ્ચરિંગ, ફુટેજને એડિટ કરવાથી લઈને કયા વિઝ્યુઅલને ક્યાં સેટ કરવાનો છે, મ્યુઝિક અને સાઉન્ડને કેવી રીતે મિક્સ કરવાનું આ કામ નોન લિનિયર એડિટિંગમાં નિપુણ એડિટર્સ જ કરી શકે છે.
——————-