ઓછી ઊંચાઈને આકર્ષક બનાવતી ફેશન ટિપ્સ

ઓછી ઊંચાઈ હોય તો વ્યક્તિ કેટલીકવાર ક્ષોભ અનુભવતી હોય છે.

– કાદંબરી ભટ્ટ

જેમની ઊંચાઈ ઓછી હોય તેઓ હંમેશાં ઊંચાઈ વધુ દેખાય તે માટે નિતનવા પ્રયોગો અને ગતકડાં કરતાં રહે છે. સ્વાભાવિક પણ છે કે અમુક ઊંચાઈ કરતાં ઓછી ઊંચાઈ હોય તો વ્યક્તિ કેટલીકવાર ક્ષોભ અનુભવતી હોય છે. જોકે ઈશ્વરે જે ઊંચાઈ આપી છે તેને તો બદલી નથી શકાવાની, પણ હા, ફેશન અને ડ્રેસિંગ સેન્સ તમારી ઓછી ઊંચાઈને ઢાંકવામાં મદદ ચોક્કસ કરે છે.

ઓછી ઊંચાઈ હોવી એમાં ક્ષોભ અનુભવવા જેવું કશું હોતું નથી, કારણ કે દરેક વાત આપણા હાથમાં નથી હોતી. તેમ છતાં ઘણીવાર ઓછી ઊંચાઈ ધરાવતાં લોકો મનમાં એક પ્રકારની લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે. બજારમાં ઊંચાઈ વધારવા માટેની દવાઓ મળે છે એ કેટલી કારગર નિવડતી હોય છે એ અંગે આપણે વાત નથી કરવાની. આપણે વાત કરવાની છે એવી કેટલીક ફેશન અને ડ્રેસિંગ ટિપ્સની જેની મદદથી તમે ઊંચાઈ ઓછી હોવા છતાં પણ આત્મવિશ્વાસનો અનુભવ કરશો.

સૌથી પહેલાં તો યુવક હોય કે યુવતી, ઓછી ઊંચાઈને છુપાવવા માટે તેઓ તેમના વાળની સાથે નિતનવા ગતકડાં કરતાં રહે છે. આમ કરવું યોગ્ય નથી. ઉદાહરણ તરીકે ઊંચાઈ વધારે દેખાડવા માટે ઊભા વાળ રાખવાની હેર સ્ટાઇલ અપનાવે છે. યુવતીઓ ઊંચો અંબોડો બાંધવાનું કે પફ બનાવવાનું મુનાસિબ માને છે. જોકે હકીકત એ છે કે તમારા ચહેરાને અનુરૃપ હેરસ્ટાઇલ કરો. દરેકને ઊભા વાળ કે પફ કે બન સારાં લાગે એ જરૃરી નથી. તેથી દેખાદેખીમાં ન ઉતરો. તમારા વ્યક્તિત્વને અનુરૃપ હેર સ્ટાઇલ કરવાની રાખો.

જ્યારે પણ જિન્સ કે પેન્ટ પહેરો તો બોટમમાં રિન્કલ પડે તેવા પેન્ટ પહેરવાનું રાખો. એટલે કે પેન્ટની લંબાઈ વધુ ન રાખો. જો વધુ હોય તો ઘૂંટી પાસેથી અથવા જેટલી લંબાઈની જરૃર હોય એટલી લંબાઈ રાખી વધારાનો ભાગ કપાવી નાંખો. એન્કલ લેન્થ પેન્ટ ઓછી ઊંચાઈ ધરાવતી વ્યક્તિને પણ સ્માર્ટ લૂક આપે છે. નીચેની તરફ કરચલીઓ પડતી હોય તેવા પેન્ટ કેન્કલ લૂક આપે છે, જે બિલકુલ સારો નથી લાગતો.

પેન્ટ, સ્કર્ટ કે કેપ્રી ઉપર શોર્ટ ટોપ, ટી-શર્ટ અથવા શર્ટ પહેરવાના રાખો. લાંબા ટી-શર્ટ કે ટોપ ઓછી ઊંચાઈ ધરાવતી વ્યક્તિઓને સૂટ નથી થતાં. તેમાં તેઓ વધુ ઠીંગણા દેખાય છે. જો લાંબી ટી-શર્ટ કે ટોપ પહેરવા જ હોય તો તેને ઈન કરવાના રાખો.

બને ત્યાં સુધી લાંબા મેક્સ ગાઉન કે ફ્રોક પહેરવાનું ટાળો. જો પહેરવા જ હોય તો એડીવાળી મોજડી કે સેન્ડલ પહેરો. ઘૂંટણ સુધીની લંબાઈનાં સ્કર્ટ, ફ્રોક પહેરો. જ્યારે પણ ફ્રોકની પસંદગી કરો ત્યારે તે કમર પાસેથી યોગ્ય ફિટિંગ આપતાં હોય તેની કાળજી રાખો. કમર પાસેથી ખુલ્લા હોય તેવા ફ્રોક પહેરવાનું ટાળો અથવા ફ્રોકને શોભે તેવા બેલ્ટનું સિલેક્શન પણ બનાવો. જ્યારે જરૃર પડે ત્યારે ફ્રોક ઉપર બેલ્ટ પહેરવાનું રાખો. સ્લિવના ભાગેથી ખુલ્લા હોય તેવા કપડાં ન પહેરો.

—————.

ફેમિલી ઝોનફેશન
Comments (0)
Add Comment