ભૂમિકા ત્રિવેદી
bhumika@sambhaav.com
શું તમને રાતના અંધારામાં અને પથારીમાં પડ્યા-પડ્યા સ્માર્ટફોનમાં કલાકો સુધી ગેમ રમવાની કે ચેટિંગ કરવાની આદત છે? તમે સ્લીપિંગ પિલ્સ તરીકે સ્માર્ટફોન વાપરો છો? રૃમની લાઈટ બંધ કરી દીધા પછી પણ શું તમે સ્માર્ટફોનમાં વ્યસ્ત હો છો? તમને પણ જો રાત્રે સ્માર્ટફોનનું વ્યસન હો તો પ્લીઝ એક નજર અહીં કરો…
થોડા દિવસો પહેલાં ઈન્ટરનેટ પર એક કિસ્સો ખૂબ ચગ્યો હતો. ચીનમાં ૨૧ વર્ષની એક યુવતીએ સ્માર્ટફોન પર આખી રાત ગેમ રમવામાં મશગૂલ રહેવાની આદતના કારણે આંખોની દ્રષ્ટિ ગુમાવી. મોડી રાત સુધી ગેમ રમીને તે ત્યાં ને ત્યાં જ સૂઈ ગઈ. સવારે ઊઠી ત્યારે તેની આંખોમાં બધું કાળુંધબ્બ હતું. ડોક્ટર્સે નિદાન કર્યું કે તેના પરદામાં લોહીનું વહન કરતી નળીઓમાં બ્લોકેજ આવી જવાના કારણે ડેમેજ એટલું વધી ગયું કે તે દ્રષ્ટિહીન થઈ ગઈ. આવી તો ઘણી ઘટનાઓ બની છે. સતત સ્માર્ટફોનમાં ચેટિંગ અને ગેમ રમવાના લીધે ૪૦ વર્ષની બે મહિલાઓને દિવસ દરમિયાન ગમે તે સમયે અચાનક આંખમાં અંધકાર છવાઈ જતો હતો. આ બધી ઘટનાઓને ગંભીરતાથી લેવાની જરૃર છે. જો રોજ સવારે ઊઠીને તમારી આંખો બળતી હોય, અચાનક દ્રશ્યો ધૂંધળા દેખાતાં હોય, ક્યારેક થોડીક વાર માટે આંખે અંધારા આવી જતાં હોય, બેમાંથી કોઈ એક આંખના વિઝનમાં ઘટાડો થયો છે તેવું લાગતંુ હોય, આંખો લાલાશ પડતી કે સૂજી ગયેલી લાગતી હોય, પાણી નીકળતંુ હોય તો તમારે પણ સ્માર્ટ ગેઝેટનો ઉપયોગ સ્માર્ટલી કરવો જોઈએ.
સ્માર્ટફોન આંખોને નુકસાન કેમ પહોંચાડે છે, કેમ કે આપણે જ્યારે કોઈ ઇલેકટ્રોનિક ગેઝેટ પર કામ કરીએ છીએ ત્યારે તેમાં એટલા ખૂંપી જઈએ છીએ કે આંખોને વચ્ચે-વચ્ચે આરામ આપવાનું ભૂલી જઈએ છીએ, જેને કારણે તાણ અનુભવાય છે. જો રાતના અંધારામાં પાંચ-સાત મિનિટ મોબાઇલ સામે જુઓ તો તેનાથી કંઈ તકલીફ થતી નથી, પરંતુ એકીટશે કલાકો સુધી ગેમ રમવામાં કે સોશિયલ મીડિયામાં વ્યસ્ત થઈ જવાની આદત હોય તો આંખને ટેમ્પરરી નુકસાન થઈ શકે છે. ક્યારેક એક આંખ બંધ કરીને એક આંખે સ્માર્ટફોનનો ઉપયોગ કરાય છે. આમ કરવાથી બીજી આંખને તાણ પડે છે અને તેમાં ટેમ્પરરી અંધકાર છવાઈ જાય છે.
—.
સ્માર્ટફોનની સ્માર્ટ ટિપ્સ
* ગેમ રમવા કે ચેટિંગ કરવા સતત લાંબો સમય ફાળવવાનું ટાળો.
* સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા હો ત્યારે આંખના પલકારા વધુ મારો.
* એકીટશે સ્ક્રીન સામે જોવાના બદલે દસ મિનિટે સ્ક્રીન પરથી નજર ફેરવો.
* સ્માર્ટફોન હાથમાં હોય ત્યારે
મોટા ભાગના લોકો પાણી પીવાનું પણ ભૂલી જાય છે. ડ્રાયનેસ ટાળવા પૂરતંુ પાણી પીઓ.
* દિવસમાં ચાર વખત ડોળાને ઉપર નીચે, આગળ પાછળ ફેરવીને કસરત આપો.
* બંને હથેળી આંખો પર ઢાંકીને ત્રણથી ચાર મિનિટ તેને આરામ આપો.
—————————————————.