ઇ-કુટુમ્બકમની વિભાવનાને સાકાર કરતું નવું વર્ષ

ટૂંકમાં, નવું વર્ષ સોસાયટી અને લાઇફસ્ટાઇલ માટે સાચા અર્થમાં ઇ-કુટુમ્બકમની વિભાવના લઈને આવ્યું છે.

કોરોના વાઇરસના આક્રમણ બાદ સૌ કોઈએ જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન આણ્યું છે અને હજુ પણ સતત પ્રયાસરત છે. સૌથી મોટું પરિવર્તન આવ્યું છે પ્રકૃતિના સંદર્ભમાં. આપણે સૌ પ્રકૃતિની નજીક આવ્યા છીએ. માત્ર આપણી જ નહીં, અન્યોની પણ ચિંતા કરવાનું શીખ્યા. મજાની વાત એ છે કે વર્તમાન સમયમાં ફિઝિકલ અને સોશિયલ ડિસ્ટન્સ સમયની માગ બન્યું છે, પણ ઇન્ટરનેટ અને ટૅક્નોલોજીના પ્રતાપે મહદ્અંશે વ્યક્તિઓની ખોટ નથી સાલવા દેતું. સોશિયલ મીડિયા અને વીડિયો કૉલિંગ થકી સૌ કોઈ એકબીજાની નજીક અને સાથે હોવાનું અનુભવી રહ્યા છે.

હવે જ્યારે જૂનું વર્ષ – કોરોના વર્ષ વીતી ગયું છે ત્યારે આપણે નવા વર્ષ અને નવા દશકને વધાવવા માટે સુસજ્જ થવું જરૃરી છે. સુસજ્જતાના કેટલાક અંશો તો આપણને ગયા વર્ષે જ મળવા લાગ્યા હતા એમ કહી શકીએ. આપણે શીખ્યા છીએ નિયમોનું પાલન કરતા. નિયમોનું પાલન કરતા કેવી રીતે સુચારુ રૃપે આપણે આગળ વધવાનું છે તે સમયે શીખવાડ્યું. સામાજિક કાર્યક્રમો ઓનલાઇન થઈ રહ્યા છે. હવે શહેરો જ નહીં, દેશ-વિદેશના લોકો પણ કાર્યક્રમોમાં ઓનલાઇન હાજરી આપી રહ્યા છે. આહાર-વિહારમાં બદલાવ આવ્યો છે. લોકોમાં આડંબર અને દેખાડો કરવાના સ્તરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ટૂંકમાં, વર્ચ્યુઅલ વર્લ્ડ અને સામાન્ય જીવનનો તાલમેલ બેસાડીને નવી સમાજવ્યવસ્થા-પરિવારવ્યવસ્થા અને વ્યક્તિગત વ્યવસ્થાના નવા પરિમાણો જોવા મળી રહ્યા છે, જે નવા વર્ષમાં વધુ સુદૃઢ બનશે. ઇન્ટરનેટે સાચા અર્થમાં સમગ્ર વિશ્વને એક પરિવારમાં પરિવર્તિત કરી દીધું. લોકો પાસે જ્યારે મનોરંજનનું કોઈ સાધન નહોતું ત્યારે સ્માર્ટ ફોન લોકોના મનોરંજન માટેનું સક્ષમ માધ્યમ સાબિત થયું. એક રિપોર્ટ અનુસાર ભારતીયોમાં પ્રતિદિન સ્માર્ટ ફોન યુઝ કરવાની આદતમાં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે. સ્ક્રીન ટાઇમ પણ ૭ કલાકનો નોંધાયો છે. ભારતમાં ૭૦ કરોડથી પણ વધારે ઇન્ટરનેટ યુઝર છે, જેમની સંખ્યા વર્ષ ૨૦૨૫ સુધી વધીને ૯૫ કરોડને આંબશે.

નવા વર્ષમાં વર્કેશન પણ એક ઉપલબ્ધિ સમાન સાબિત થશે. વર્કેશન એટલે કામ અને આરામની જુગલબંધી. વર્ક ફ્રોમ હોમ બાદ હવે વર્કેશનનું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે. શાંતિ અને હળવાશ ભરેલા વાતાવરણમાં કામ કરવાને કારણે કર્મચારીઓની કાર્યક્ષમતામાં સુધારો આવી રહ્યો છે. જો ઑટોમોબાઇલ સેક્ટરની વાત કરીએ તો કાર કંપનીઓ પણ ટચ ફ્રી ડોર સાથે જીપીએસ અને મુસાફરીને સંક્રમણરહિત બનાવવા પર ફોકસ કરી રહી છે. જોકે, પ્રવાસ અને યાત્રા ચોક્કસથી મોંઘા બનશે એવા આસાર નવા વર્ષમાં મળી રહ્યા છે. હવાઈ યાત્રામાં ટિકિટ સેફ્ટી કિટનો ચાર્જ ઉમેરાશે. બીજી તરફ ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓએ યુઝ એન્ડ થ્રો સેફ્ટી કિટ માટે વધારે ચાર્જ ચૂકવવાનો આવે એવું બની શકે. યાત્રા દરમિયાન માસ્ક અનિવાર્ય બની જશે. જેટલા પણ પરિવર્તન આવ્યા છે એમાં સૌથી રસપ્રદ પરિવર્તન આવ્યું હોય તો એ છે સાઇકલનું પુનરાગમન. કોવિડ-૧૯ને કારણે જિમ બંધ થયા તો લોકો ફરી સાઇકલ તરફ વળ્યા. સાઇકલના વેચાણમાં જોરદાર ઉછાળો આવ્યો. લોકોએ ફિટનેસ જાળવવા માટે સાઇકલ ચલાવવાનું શરૃ કર્યું. ઓલ ઇન્ડિયા સાઇકલ મેન્યુફેક્ચર એસોસિયેશન અનુસાર વર્ષ ૨૦૨૧માં સાઇકલના વેચાણમાં ૧૮ ટકા સુધીનો ઉછાળો નોંધાવવાની શક્યતા છે. આવનારા સમયમાં ઇ-સાઇકલનું ચલણ પણ વધશે અને સાઇકલની બનાવટને લઈને કેટલાય નવા પ્રયોગો થશે.

વિદેશોમાં ટૅક્નોલોજીનો ઉપયોગ કરીને ઉપકરણોને સ્માર્ટ બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, કેટલાક દેશોમાં એ પ્રકારનાં ઉપકરણો પણ ઉપલબ્ધ છે, જેમાં ટચ ફ્રી સિસ્ટમ છે. હવે ભારત પણ ટચ ફ્રી સિસ્ટમને પ્રાધાન્ય આપીને વિવિધ ઉપકરણો બનાવવાના રસ્તા પર આગળ વધશે. કાર કંપનીઓ પણ એ પ્રકારે કાર ડિઝાઇન કરશે, જેથી વ્યક્તિ જરૃર પડ્યે કારમાં બેસીને સરળતાથી પોતાની ઑફિસનું કામ કરી શકે.

લૉકડાઉન દરમિયાન સિનેમાઘર બંધ હતા. ટીવી શૉ પણ બંધ હતા. એવા સમયે ઓટીટી પ્લેટફોર્મ મનોરંજનનું સૌથી મોટું માધ્યમ બન્યું. દોઢ વર્ષ પહેલાં ભારતમાં ૪૦ ઓટીટી પ્લેટફોર્મ હતા, જેની સંખ્યા વધીને હવે ૮૦થી પણ વધારે થઈ ગઈ છે. હવે આવનારા સમયમાં હોમ થિયેટરના કોન્સેપ્ટનું ચલણ વધશે એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. હવે કંપનીઓ ઘરમાં વપરાતાં ઉપકરણો માટે પણ ટચ ફ્રી કોન્સેપ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ટચ ફ્રી સેન્સરવાળા નળ, પેપર ટોવેલ, સોપ ડિસ્પન્સર વગેરે તો માર્કેટમાં ઉપલબ્ધ છે જ, પણ અન્ય ઉપકરણોમાં પણ ટચ ફ્રી ટૅક્નોલોજી વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

ટૂંકમાં, નવું વર્ષ સોસાયટી અને લાઇફસ્ટાઇલ માટે સાચા અર્થમાં ઇ-કુટુમ્બકમની વિભાવના લઈને આવ્યું છે.

cover story
Comments (0)
Add Comment