- નીલમ દોશી હરીશ થાનકી
‘એક અધૂરી વાર્તા’
– નવલકથા – પ્રકરણ-૩૦ ( અંતિમ પ્રકરણ )
વહી ગયેલી વાર્તા
આયના કુલદીપને આતંકવાદીઓના ષડયંત્રને રોકવા માટે પ્રયત્ન કરવાનું કહે છે અને મોનાની મદદ લે છે. મોના કુલદીપ અને આયનાની ઓળખાણ રાજેન સાથે કરાવે છે. રાજેન જે ગ્રૂપ સાથે સંકળાયેલો હોય છે તેના વડા કામ્બલી રાજેનને અમદાવાદમાં આતંકવાદીઓ બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાની વાત કરે છે. ઝાયેદ મોનાને અમદાવાદના જુદા જુદા ઠેકાણા બતાવે છે. જોકે, તે મોનાને તેનો પ્લાન નથી જણાવતો. મોના આ બધી વાત રાજેનને કરે છે. રાજેનને મોનાની ચિંતા સતાવવા લાગે છે. રાજેન મોનાની સુરક્ષા માટે વિક્રમસિંહ નામના વ્યક્તિને નિયુક્ત કરે છે. બીજી તરફ આયનાને ખ્યાલ આવે છે કે ડો. કુલદીપને આતંકવાદી હુમલા કે અન્ય કોઇ ઘટનાઓમાં રસ નથી તેથી તે તેના મિત્ર રણવીરસિંહની મદદ લેવાનું નક્કી કરે છે. રણવીર અને આયના કોલેજમાં સાથે હોય છે. રણવીર આયનાને પ્રેમ કરતો હોય છે પણ આયના સમક્ષ તેનો એકરાર નથી કરી શકતો. મોના રાજન સાથે વાત કરવા અડધી રાત્રે હોટેલના કાઉન્ટર પરથી ફોન કરે છે. ઝાયેદ મોનાની જાસૂસી કરવા તેની પાછળ જાય છે પણ મોનાને એ વાતની ખબર પડી જતાંં તે સતર્ક થઇ જાય છે. રાજેન અને મેજર કામ્બલી અમદાવાદ આવવા નીકળે છે. ઝાયેદે બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્ર માટે જુદાં જુદાં પ્લાન ઘડી રાખ્યા છે અને જો તેમાં ચૂક થાય તો મોનાને મોતને ઘાટ ઉતારવાની પણ તૈયારી કરે છે. બીજી બાજુ રણવીર અને આયના પણ અમદાવાદ પહોંચે છે. રરાજેન અને મેજર કામ્બલી આતંકવાદીઓના હુમલાને નિષ્ફળ બનાવવા અને તેમને રંગેહાથ પકડવા અમદાવાદ પહોંચે છે. રાજેનને મોનાની ચિંતા થઇ આવે છે. બીજી બાજુ આયના અને રણવીર પણ અમદાવાદ પહોંચે છે અને આતંકવાદીઓના ષડયંત્રને નિષ્ફળ કરવાના કામમાં લાગે છે. રણવીર, આયના, મેજર કામ્બલી અને રાજેન હોટેલના રુમમાં એકબીજાને મળે છે. રાજેન અને રણવીર વચ્ચે મોનાની સુરક્ષાને લઇને વાત થાય છે. રણવીર રાજેનને ખાતરી આપે છે કે સરકાર અને સમગ્ર ઓપરેશન સાથે જોડાયેલી દરેક વ્યક્તિ મોનાની સુરક્ષાને લઇને કટિબદ્ધ છે. રણવીરની વાત સાંભળીને રાજેનના જીવમાં જીવ આવે છે. ઝાયેદને અફઝલ ખાનનો ફોન આવે છે. જેમાં ષડયંત્રની જાણ સરકારને થઇ ગઇ હોવાની વાત તે ઝાયેદને કરે છે. પ્લાન લીક કરવા માટે મોના પર શંકા કરવામાં આવે છે. તેથી બોમ્બ બ્લાસ્ટ થતાંની સાથે જ મોનાને પણ ખતમ કરવાની સૂચન અફઝલ ખાન ઝાયેદને આપે છે. અફ્ઝલ ખાને મોનાને લઇને વ્યક્ત કરેલી શંકાની ખાતરી કરવા ઝાયેદ મોનાની પરીક્ષા લેવાનું નક્કી કરે છે. તે મોનાને પ્લાનમાં ફેરફાર થયો હોવાનું કહે છે. બીજા દિવસે પ્લાનને અમલમાં મૂકવાની વાત મોનાને કરે છે. મોના આ વાત રાજેન સુધી પહોંચાડે છે. રણવીર મોનાની જાન કેવી રીતે બચાવી અને ઝાયેદને કેવી રીતે હાથતાળી આપી તેની સમગ્ર વાત રાજેનને કરે છે. હોટેલમાં આગ લગાવવી અને એ સમય દરમિયાન મોના અને ઝાયેદ રુમમાંથી બહાર નીકળે એટલે સુટકેસ બદલી નાખવાનું કામ રણવીર કરે છે અને આ રીતે મોનાના જીવને જોખમ ન રહે તેની તકેદારી રાખીને સમગ્ર પ્લાનિંગ કરે છે. બીજી બાજુ ગોંડલમાં રઝાક નામનો ટ્રક ડ્રાઇવર બોમ્બ લઇને અમદાવાદ આવવા નીકળે છે. રઝાકે અમદાવાદના સરખેજ ખાતે સહીસલામત રીતે બોમ્બનો સામાન નિયત સ્થળે પહોંચાડી દીધો. ઝાયેદને તેનો ફોન પણ આવી ગયો. ઝાયેદ મોનાને બીજા દિવસે પ્લાનિંગના અમલની વાત કરી. મોના આ વાત રાજેનને કેવી રીતે પહોંચાડવી એ અવઢવમાં આખી રાત પડખા ફેરવતી રહી કારણકે તેનો ફોન ઝાયેદે લઇ લીધો હતો. માથુરને બોમ્બ બ્લાસ્ટની બાતમી મળી જાય છે. તે આ બ્લાસ્ટ નિષ્ફળ બનાવવા અને ઝાયેદને પુરાવા સાથે ઝડપવા આખી રાત વ્યૂહરચનામાં વિતાવે છે. બીજા દિવસે રણવીર અને આયના તેમને સોંપવામાં આવેલા કામ પર નીકળવાની તૈયારી કરે છે એ જ સમયે બે અજાણ્યા નકાબપોશ ઇસમો આયનાને બંધક બનાવી પોતાની સાથે લઇ જાય છે અને રણવીરને પોતાના રુમમાંથી બહાર ન નીકળવા કે અન્ય કોઇને કોઇ પણ પ્રકારની જાણ નહીં કરવાની ધમકી આપતા જાય છે. આયનાનું અપહરણ કરીને તેને પણ ઝાયેદ અને મોનાની સાથે કારમાં બેસાડી દેવામાં આવી હતી. જોકે, અફ્ઝલ ખાને છેલ્લી ઘડીએ તેની સ્ટ્રેટેજી બદલી નાંખી હતી. બોમ્બ બ્લાસ્ટ કરવાનો સમય અને સ્થળ પણ તેણે બદલી નાખ્યા હતા. રણવીર અને તેની ટીમ ઝાયેદની કારનો પીછો કરતાં કરતાં અવળી દિશાએ ચઢી ગઇ હતી. ઝાયેદની કાર કાલુપુર રેલવે સ્ટેશને પહોંચી ત્યારે મોનાને સુટકેસ સાથે નિશ્ચિત સ્થળે પહોંચવાની સૂચના આપવામાં આવી. મોના અને આયનાની દિલની ધડકનો તેજ થઇ ગઇ હતી. લોકોથી ધમધમતા રેલવે સ્ટેશન પર મોનાએ બોમ્બ બ્લાસ્ટને અંજામ આપવાનો હતો, એ વિચાર માત્રથી મોના ધ્રુજી ઊઠી હતી. આગળ હવે શું થશે, એ બચશે કે નહીં, લોકોને બચાવી શકશે કે નહીં જેવા વિચારો તેના દિમાગમાં દોડવા લાગ્યા. મોના-ઝાયેદ અને અફ્ઝલ ખાન કાલુપુર રેલ્વે સ્ટેશન જવા નીકળે છે. રણવીરની કાર ઝાયેદની કારથી અલગ દિશામાં ભટકાઇ જાય છે. મોના ધીમા ડગલે રેલવ સ્ટેશન પર પહોંચે છે. રાજેન સુધી વાત પહોંચી ન શકવાની ચિંતા તેને સતાવતી રહે છે. ઝાયેદના માણસો મોના પર નજર રાખીને જ બેઠા હોય છે. મોના બોમ્બ ભરેલી સુટકેસ નિયત જગ્યાએ મૂકી લેડીઝ રૂમમાં મદદ માટે દોડી જાય છે. ત્યાં એલિના નામની છોકરી તેને મળે છે, તે મોનાને પોતાની સાથે લઇ જાય છે. બીજી બાજુ રણવીર રેલવે સ્ટેશન પર પહોંચીને બોમ્બ રાખેલી સુટકેસ લઇ લે છે. માથુર અને રણવીર ચિંતામાં ગરકાવ થઇ જાય છે કે હવે કયા ડેસ્ટિનેશન પર મોનાને લઇ જવામાં આવી હશે.
– હવે આગળ વાંચો…
અફઝલ ખાનની શંકા સાચી હતી. એનું ભાન થતાં ઝાયેદ નીચું જોઈ ગયો હતો. મોના ખરેખર કોઈ ચાલ રમતી હશે? હજુ એને વિશ્વાસ નહોતો બેસતો. જે સ્ત્રીએ રાત દિવસ એને પોતાનું શરીર સોંપ્યું હતું એ સ્ત્રી એની સાથે દગો કરી શકે? એ તો એની સાથે રહેવાના રંગીન સપના જોતી હતી.. ઝાયેદના મનમાં અનેક અટકળો રમી રહી, પણ અત્યારે કશું બોલી શકાય તેમ નહોતું.
‘કોઈ બાત નહીં..આખિર જાયેગી કહાં? મુઝે પતા હૈ કી અબ મુઝે ક્યા કરના હૈ.’
કહેતા અફઝલ ખાને તુરત એની પાછળ સાયરા જે એમની જ એક શાગિર્દ હતી એને બધું સમજાવીને વેઇટિંગ રૃમમાં મોકલી હતી. ભયભીત મોનાને ફસાવતા વાર લાગે એમ નહોતી. એલિના બની મોનાને ઉપાડી જતા સાયરાને વાર નહોતી લાગી. ડૂબતો માણસ તરણુ પકડે એમ એણે સાયરાનો સહારો લીધો હતો. પોતે ફસાઈ હતી એની કલ્પના પણ મોનાને આવી નહોતી.
હવે પોતે સીધી કમિશનરને મળીને બધી વાત કહેશે. પછી બાકીનું બધું એ સંભાળી લેશે અને પોતે રાજેન સાથે…
આવી કોઈ કલ્પનામાં ડૂબેલી મોના થોડી રીલેક્સ થવાનો પ્રયાસ કરતી હતી.
કારમાં ઝાયેદ અને અફઝલ ખાન વચ્ચે થતી બધી વાતચીત આમ તો ઉર્દૂમાં અને મોટે ભાગે કોડવર્ડમાં ચાલી હતી. ઉર્દૂ તો આયનાને આવડતી હતી અને કોડવર્ડની ભાષા ભલે એને ખબર નહોતી, પણ આયના જેવી બુદ્ધિમાન સ્ત્રીને અનુમાન લગાડતા વાર નહોતી લાગતી. મોના કશુંક કરવા ગઈ છે અને ફસાઈ ગઈ છે એનો ખ્યાલ આવી જતાં એને થયું કે બહુ મોડું થઈ જાય એ પહેલાં હવે કંઈક કરવાનો સમય આવી ગયો છે. હવે વધારે રાહ જોઈ શકાય તેમ નથી. પાછળ રણવીરની કાર પણ નથી આવતી એનો પણ તેને અંદાજ આવી ગયો હતો. અલબત્ત, કેમ નથી આવતી, શું થયું હશે એ તેને સમજાતું નહોતું, પરંતુ ક્યાંક કંઈક તો ખોટું થયું છે. અલબત્ત, શું ખોટું થયું છે એ તો અત્યારે તેને કોણ કહે? જે હોય તે પણ હવે પોતાની બાજી રમવાનો સમય આવી ગયો છે. તેણે પહેરેલ બ્રેસલેટની અણી ધારદાર હતી એની જાણ એના સિવાય બીજા કોને હોય? અત્યાર સુધી પાછળ બેઠા બેઠા એ ધાર વડે તે હાથની દોરી ઢીલી કરી શકી હતી. એમાંથી હાથ છૂટા થઈ ગયા હતા. અલબત્ત, પોતાના હાથ બંધાયેલા જ છે એવો જ દેખાવ તેણે અત્યાર સુધી ચાલુ જ રાખ્યો હતો. આગળ બેસેલા ઝાયેદ અને અફઝલ ખાન પોતાનામાં વ્યસ્ત હતા તેમને અંદાજ નહોતો કે આયના આવું કશું પણ કરી શકે.
હવે આયનાએ પોતાની કમાલ દેખાડી. રણવીર સાથે જ્યારે અપહરણકર્તાઓ વાતમાં ગૂંચવાયા હતા અને થોડી મિનિટો તેમનું ધ્યાન આયના તરફથી હટ્યું હતું ત્યારે જ આયનાએ ટેબલ પરથી એક વસ્તુ ઝડપથી ઉપાડીને પોતાના વસ્ત્રમાં અંદર છૂપાવી દીધી હતી.
હવે મોના ન રહેતાં કારમાં રહેલી બાકીની ત્રણ સૂટકેસો કેવી રીતે મૂકવી એની વ્યવસ્થા કરવા અફઝલ ખાને કાર એક જગ્યાએ બે મિનિટ માટે ઊભી રાખી. બધી જ સૂટકેસ આજે મૂકવી જરૃરી હતી. અફઝલ ખાને નક્કી કરેલી એક જગ્યા પર ગાડી ઊભી રાખી. સાયરા બે-ચાર મિનિટમાં અહીં આવવી જ જોઈએ.
ગાડી ઊભી રહેવાની પ્રતીક્ષા કરતી આયનાએ ગાડી ઊભી રહેતા જ હવે તક ઝડપી. ઝાયેદ કે અફઝલ ખાન કંઈ સમજી કે વિચારી શકે તે પહેલાં તેણે ચીલ ઝડપે એ નાનકડું સાધન કાઢ્યું અને એમાં દેખાતું એક ગ્રીન બટન દબાવ્યું અને એ સાથે જ…..
બંધ દરવાજાની કારમાં એક મીઠી સુગંધ પ્રસરી. અંદર બેઠેલો ઝાયેદ કે અફઝલ ખાન શું થયું એ એ વિષે કોઈ કલ્પના કરે તે પહેલાં માત્ર દસ સેકંડમાં જ બંને ભાન ગુમાવી બેઠા.
આયનાએ પોતે એની અસરમાંથી બચવા એક ટેબ્લેટ ખાઈ લીધી હતી જેથી એની અસર એને પોતાને થાય એમ નહોતી. આખરે આયના કોઈ સામાન્ય ગૃહિણી નહોતી. તે એક વૈજ્ઞાનિક હતી.
બધાં બેભાન થતાં જ આયનાએ ઝડપથી ઝાયેદ પાસેથી તેનો મોબાઇલ લીધો. પોતાનો ફોન તો ન જાણે આ બધા એ ક્યાં નાખી દીધો હશે. રણવીરનો ફોન નંબર તેને મોઢે હતો જ.
તેણે ઝડપથી ફોન લગાવ્યો. અજાણ્યો નંબર જોઈ એકાદ ક્ષણ રણવીર અચકાયો. અત્યારે કોઈ અજાણ્યો નંબર ઉપાડવામાં કોઈ જોખમ તો નથી ને? પણ પછી કશુંક વિચારી તેણે ફોન ઉપાડ્યો. પોતે કશું બોલશે નહીં. માત્ર સાંભળશે એવા કોઈ વિચાર સાથે.
‘હેલ્લો રણવીર, તમે બધા ક્યાં છો?’ આયનાનો પરિચિત અવાજ સાંભળી રણવીર ચોંકી ઊઠ્યો.
‘આયના, આયના તું ક્યાં છે? કેમ છે?’ કહેતા રણવીરનો અવાજ ધ્રૂજી રહ્યો.
‘કમ ડાઉન રણવીર. આઈ એમ ઓકે..હવે તું મારી વાત ધ્યાનથી સાંભળ..’
અને આયનાએ અત્યારે પોતે ક્યાં છે એની માહિતી સાથે થોડી વિગત ટૂંકમાં રૉકેટની સ્પીડથી આપી. રણવીરે આયનાને થોડી જરૃરી સૂચનાઓ આપી.
આયનાનો ફોન પૂરો થતાં જ હવે રણવીરે તુરત માથુરને ફોન ઘૂમાવ્યો. આયના પાસેથી મળેલી બધી માહિતી માથુરને આપતાં રણવીર એક અદમ્ય ઉશ્કેરાટ અનુભવતો હતો.
હવે માથુર પણ ટટ્ટાર થઈ ગયા હતા. તેના જીવમાં જાણે જીવ આવ્યો હતો. હારેલી લાગતી બાજી હવે જિતાઈ ગયેલી લાગતી હતી.
‘ થેન્ક ગોડ’ કહેતા બીજી જ ક્ષણે સઘળી કાર ઍરપોર્ટના રસ્તા પર ભાગી. ત્યાં સુધીમાં આયનાએ અફઝલ ખાન અને ઝાયેદની ગન પોતાના કબજામાં લઈ લીધી હતી.
હવે તો નાટકીય દ્રશ્ય શરૃ થયાં હતાં. ઝડપથી આવી ચૂકેલી કારમાંથી અમર દોડીને દરવાજો ખોલી બહાર આવ્યો. તેની સાથે જ તેની પાછળની કારમાંથી બીજા ત્રણ જણા દોડી તેની પાસે આવી પહોંચ્યા. અમરે અફઝલ ખાનની કારનો પાછળનો દરવાજો ખોલી એમાંથી ત્રણે સૂટકેસ બહાર ખેંચી કાઢી. બરાબર એ જ વખતે એક હેલિકોપ્ટર દેખાયું. અમરે પોતાના હાથમાં રાખેલ રૃમાલ ઉપર તરફ ફરકાવ્યો એટલે એ હેલિકોપ્ટરના ચાલકે થોડું નીચે ઉતારી એને બરાબર કારની ઉપર સેન્ટર કર્યું અને ઉપરથી એક છેડો હાથમાં રાખી એક દોરડું લહેરાવ્યું. અમર અને જયરાજે સૂટકેસોને દોરડાના લટકતા છેડે બાંધી એટલે ચાલકે તત્ક્ષણ દોરડું ઉપર ખેંચી લીધું.
રણવીર આયનાને હેમખેમ જોઈ ભગવાનનો આભાર માની રહ્યો. આયના સામે જીત્યાની નિશાની કરી તે હેલિકોપ્ટરમાંથી નીચે આવેલી સીડી પર ચડી અંદર પ્રવેશી ગયો. બોમ્બ ડિફયુઝ કરવા તેનું જવું જરૃરી હતું. નહીંતર આ ક્ષણે તે આયના પાસેથી એક મિનિટ પણ ખસે નહીં, પણ અત્યારે કર્તવ્ય તેને સાદ દેતું હતું. થોડી જ વારમાં હેલિકોપ્ટર ઊંચે ચડ્યું અને જોતજોતામાં તો એ અમદાવાદના વિશાળ આકાશમાંથી ખોવાઈ ગયું.
અત્યારે આ રસ્તો મોટે ભાગે સૂમસામ હતો એથી ખાસ કોઈને જાણ થવા ન પામી. માથુરે અફઝલ ખાન અને ઝાયેદનો કબજો લઈ લીધો હતો. તેમને ઉપાડીને કયાં લઈ ગયા તેની જાણ માત્ર માથુરને જ હતી. એમને રવાના કરી માથુરે હવે આયના સામે જોયું.
આયનાને લીધે જ હારેલી બાજી ફેરવાઈ શકી હતી. માથુરને યાદ આવ્યું કે એક તબક્કે પોતે આ સ્ત્રીને સાથે રાખવા તૈયાર નહોતા. આજે એને લીધે જ…
આયનાનો આભાર માનતા કોઈ શબ્દો માથુરને ન સૂઝયા. માથુરે આયનાનો હાથ પકડી ભાવપૂર્વક આંખે અડાડયો.
હવે બધો કાફલો ઊપડ્યો. આ ક્ષણે મોના ક્યાં? ઉત્તેજનાની આ ક્ષણોમાં એ પ્રશ્ન પણ કદાચ હાલ પૂરતો વિસરાઈ ગયો હતો.
* * *
એ દિવસ સેલિબે્રશનનો હતો. એક જંગ પૂરો થયો હતો. માત્ર અમદાવાદ શહેર જ નહીં, સમગ્ર ભારતવર્ષને ખળભળાવી નાંખે એવા એક સંભવિત આતંકવાદી હુમલાથી હજારો લોકોને બચાવી લેવાયા હતા. ભારતીય ગુપ્તચર એજન્સી, ઍન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વૉડ, કૅર ફોર ઇન્ડિયા ગ્રૂપ, અમદાવાદ પોલીસ..જેવી અનેક સંસ્થાના સહયોગ વડે એક મોટા બચાવકાર્યને અંજામ અપાયો હતો તેની ખુશી સૌના દિલમાં હતી. માથુર સાહેબના બંગલાના મોટા હૉલમાં સૌ એકઠા થયા હતા. કોઈ હોટેલ કે હૉલમાં રાખવાને બદલે માથુર સાહેબે સફળતાનું સેલિબ્રેશન પોતાના બંગલે જ રાખવાનું પસંદ કર્યું હતું. જેથી આખા પ્લાનની કોઈ મોટી જાહેરાત ન થાય. આમાં સંકળાયેલા સૌની માહિતી ગુપ્ત રાખવામાં આવી હતી. જેથી ભવિષ્યમાં આવા પ્રકારનું બીજું કોઈ કામ આવે ત્યારે દુશ્મનોને તેમની ઓળખાણની જાણ ન થાય. ખાસ અંગત માણસો જે એક કે બીજી રીતે આ આખા ઑપરેશન સાથે સંકળાયેલા હતા એમના સિવાય બીજું કોઈ અત્યારે હાજર નહોતું. પત્રકારો કે મીડિયાવાળાઓને પણ આ તબક્કે બાકાત રખાયા હતા. એક વાર અહીં બધી ચર્ચા થઈ ગયા બાદ જ પત્રકારો અને મીડિયાને કઈ અને કેટલી માહિતી આપવી એ નક્કી થવાનું હતું.
શહેરમાં કોઈ નુકસાન નહોતું થવા પામ્યું. એથી કોઈને ખાસ જાણ સુધ્ધાં નહોતી થવા પામી. કે શું થવાનું હતું કે શું થઈ ગયું છે? ક્યાંક વત્તે ઓછે અંશે થોડો ગણગણાટ થઈને રહી ગયું હતું એટલું જ. આવા કોઈ કાવતરાની કોઈને ગંધ સુધ્ધાં નહોતી આવી. રાતના સમયે જે ગણ્યા ગાંઠ્યા લોકોની નજરે હેલિકોપ્ટર ચડ્યું હતું એમાંથી કાઈએ કહ્યું કોઈ ફિલ્મનું શૂટિંગ હતું..અને બસ એ અફવા જ પ્રસરવા પામી હતી. આમ પણ અમદાવાદમાં હમણા ગુજરાતી ફિલ્મોના શૂટિંગનો વાયરો ફૂંકાઈ રહ્યો હતો. એથી એ અફવા સ્વીકારવામાં લોકોને ખાસ કોઈ તકલીફ પડે એમ નહોતી.
માથુર સાહેબની બરાબર બાજુમાં અમદાવાદ શહેરના આઈ.જી.પી. પ્રમોદ જૈસ્વાલ અને કમિશનર કે.કે. મિશ્રા બેઠા હતા. એની બરાબર બાજુમાં ભારતીય ગુપ્તચર ખાતાના વડા અજયસિંઘ તોમર બિરાજમાન હતા. બધાના ચહેરા પર એક મુશ્કેલ કામ પાર પાડી ગયાનો આનંદ ઝળકતો હતો. તો સામે મેજર કાંબલી, ઍન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વૉડના રણવીર, અમર, જયરાજ સહિતના અન્ય જવાનો બેઠા હતા. એ ઉપરાંત આયના ખાસ મહેમાન તરીકે હાજર હતી.
આતંકવાદી લોકોના ખતરનાક મનસૂબાને ધૂળ ચાટતો કરી દેનાર ઍન્ટિટેરેરિસ્ટ સ્ક્વૉડના વડા માથુરના મનમાં વાતની શરૃઆત કરતા પહેલાં થોડું મનોમંથન ચાલ્યું હતું.
અહીં આજે હાજર રહેનાર ઘણા લોકો ડૉ.કુલદીપ કે રોબોટ ઇવા કે તેના સર્જન અને વિસર્જન વિષે જાણતા નહોતા. તો એ વિષે કહેવું કે નહીં? જો ઇવાના સર્જન વિસર્જન અંગે મિટિંગમાં વાત ન કરવામાં આવે તો આ ઑપરેશનમાં આયનાની સામેલગીરી અંગે અને બીજા પણ ઘણા પ્રશ્નો ઊભા થાય તેમ હતું. અંતે એમણે નક્કી કર્યું કે અહીં ફક્ત એવા લોકો જ હાજર રહેવાના હતા જેના દિલમાં દેશ પ્રત્યે અતૂટ પ્રેમ હતો. દેશ માટે કશુંક કરી છૂટવાની તમન્ના હતી. એથી જરૃર પૂરતી થોડી વાત કે અછડતો ઉલ્લેખ માત્ર પોતે કરશે. આવા વિચારો વચ્ચે તેમણે પોતાની વાતની શરૃઆત કરી.
‘સૌ પહેલાં તો આ મિશનને પાર પાડવા માટે મને સાથ આપનાર જૈસ્વાલ સાહેબ, કમિશનર સાહેબ, સમગ્ર પોલીસ વિભાગ, તોમર સાહેબ અને બધી જ સરકારી વિંગના જવાનોનો હું આભાર માનું છું કે જેમના સાથ વગર આ અસંભવિત કાર્ય શક્ય જ ન બન્યું હોત.’
કહી એક કે બીજી રીતે સપોર્ટ આપનાર અને આ ભગીરથ કાર્યમાં જોડાનાર સહુનો માથુર સાહેબે હૃદયપૂર્વક આભાર માન્યો.
સૌએ એકીસાથે તાળીઓ પાડી.
આખી વાતની જાણ અહીં હાજર સૌ કોઈને નથી. બધાને ફકત આંશિક જાણકારી જ છે. આજે એ સૌને હું થોડી માહિતી આપીશ. જે આપણા સુધી જ સીમિત રાખવાની છે.
આપણા દેશના પ્રખર ઇન્ટેલિજન્ટ વૈજ્ઞાનિક, પ્રતિષ્ઠિત સંસ્થા ઇરોના ચૅરમેન ડૉ.કુલદીપના નામથી આપણે કોઈ અજાણ નથી જ. તેમણે થોડા સમય પહેલાં એક જીવંત સ્ત્રી રૉબોટનું સર્જન કર્યું હતું, જે માત્ર દેખાવમાં જ સ્ત્રી નહોતી પરંતુ એની પાસે એક જીવંત સ્ત્રીની વિચારવાની રીત, લાગણીજન્ય આવેગો એમ બધું જ હતું. પ્રખર વૈજ્ઞાનિક કુલદીપ એક વરસ સુધી તેનું અધ્યયન કરી પોતાની આ શોધ સો ટકા સફળ થઈ છે તેની ખાતરી કરી સમગ્ર દુનિયા સમક્ષ રૉબોટિક સાયન્સ ક્ષેત્રે ભારતનું નામ રોશન કરવાના હતા. પરંતુ દુર્ભાગ્યે એ પોતાના રૉબોટને લોકો સમક્ષ મુકે તે પહેલાં જ તે રૉબોટ કે જેનું ટ્રાયલ નામ એમણે ઇવા આપેલું એ એક આતંકવાદી સંગઠનના હાથમાં જઈ ચઢી. એ સંગઠન એ વાત જાણતું નહોતું કે ઈવા એક જીવતી જાગતી સ્ત્રી નહી પરંતુ એક મશીન છે, રૉબોટ છે.
ડો. કુલદીપને જયારે ખબર પડી કે પોતાનું સર્જન એવી ઇવા એક એવા
ઘૃણાપદ કૃત્યમાં સાથ આપવા જઈ રહી છે જે એક દેશદ્રોહી કામ છે. એ કામ હતું અમદાવાદમાં એકસાથે અનેક સ્થળોએ એકી સાથે બોમ્બ-બ્લાસ્ટ કરી અનેક નિર્દોષ લોકોની જાન લેવાનું..
ડૉ. કુલદીપ એક દેશપ્રેમી વૈજ્ઞાનિક છે. એમનાથી આ સહન થઈ શકે તેમ નહોતું એટલે એમણે પોતાનું લેપટોપ કે જેમાં ઇવાની ટોટલ સિસ્ટમ ડિફ્યુઝ કરવાની વ્યવસ્થા હતી. તેનો ઉપયોગ કરી ઇવા નામના આ રૉબોટનો નાશ કર્યો. દેશ માટે થઈને તેમણે પોતાના જ ભવ્ય સર્જનનું વિસર્જન કરી દીધું. ઇવાનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું.
ત્રાસવાદી સંગઠનને લાગ્યું કે કોઈ પણ કારણસર ઇવા મૃત્યુ પામી છે એટલે એમણે પોતાના આ પ્રોજેક્ટને ટેમ્પરરી અટકાવી દેવો પડ્યો. એ લોકોએ ફરીથી એક એવી યુવતીને શોધવાની હતી કે જે આ માટે તૈયાર થાય. આ વખતે એ સંગઠનના અબુધાબી ખાતે રહેતા અને માસ્ટર માઈન્ડ ગણાતા ઝાયેદ નામના યુવાને પોતાની જ ગર્લફ્રેન્ડને, પ્રેમના નામે તેની સાથે લગ્ન કરવાનું વચન આપી આ કામ માટે તૈયાર કરી.. એ યુવતી એટલે આપણી મોના.. જે કમનસીબે અત્યારે આપણી વચ્ચે નથી રહી..
મોના અહીં આપણી વચ્ચે બેઠેલા કૅર ફોર ઇન્ડિયા ગ્રૂપ’ (ઝ્રહ્લૈંય્)ના દિલ્હી ખાતેના વડા કામ્બલી સાહેબના ગુજરાત વિભાગના હેડ રાજેનની મિત્ર હતી અને રાજેનના કહેવાથી જ એ કૅર ફોર ઇન્ડિયા ગ્રૂપની સભ્ય બની હતી. આ ગ્રૂપ એવા લોકોનું બનેલું છે જે પોતપોતાના વ્યવસાયમાં કામ કરતા હોય છે. સાથે-સાથે દેશવિરોધી કોઈ પણ પ્રવૃત્તિની માહિતી મળે તો સરકારને જણાવતા રહે છે. આ લોકોનું કામ ફક્ત દેશદ્રોહી ભાંગફોડિયા પ્રવૃત્તિ કરતા લોકોની માહિતી અમારા સુધી પહોંેચાડવાનું હોય છે, પરંતુ મોનાએ ખૂબ જ જોખમ ઉઠાવી આતંકવાદી લોકોની વચ્ચે છેક છેવટ સુધી રહી અમને સાથ આપવાનું નક્કી કર્યું..હેટ્સ ઓફ ટુ હર..એ માટે ઝાયેદ જેવા આતંકવાદીનું પડખું સેવતા પણ એ બહાદુર છોકરી અચકાઈ નહીં.
ટૂંકમાં, બધી માહિતી ફરી એકવાર આપીને માથુર સાહેબે ઉમેર્યું, અહીં જે પ્રત્યક્ષ હાજર નથી, પણ જેણે પોતાના પ્રાણની આહુતિ આપીને પણ આ આખા કાવત્રાને નિષ્ફળ બનાવવામાં અગત્યનો ફાળો આપ્યો છે એ મિસ મોનાને આપણે સહુ બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપીશું. એથી વિશેષ તો આપણે એના માટે કશું કરી શકીએ તેમ નથી. એનો આત્મા જ્યાં હશે ત્યાં આજે પ્રસન્નતા ચોક્કસ અનુભવાતો હશે એવી મને શ્રદ્ધા છે. આપણા દેશની આન, બાન અને શાન આવી વ્યક્તિઓને લીધે જ છે. દેશ માટે આવું બલિદાન આપનારાઓની આજે પણ ખોટ નથી એનો મને ગર્વ છે. અફઝલ ખાનની કોઈ સાગરીત સાથે સ્ટેશનની બહાર નીકળેલી મોનાની લાશ આજે સવારે એક અવાવરું જગ્યાએથી મળી આવી છે.
સહુએ ઊભા થઈને બે મિનિટ મૌન ઊભા રહી મોનાને વંદી રહ્યા. મોનાનું બલિદાન એળે નહોતું ગયું.
આયનાની આંખો છલકી આવી. રણવીર આયના તરફ સ્નેહભરી નજરે જોઈ રહ્યો.
બે મિનિટના મૌન પછી માથુર સાહેબે વાત આગળ ચલાવી. ‘અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ થવાના હતા, પણ ક્યારે એ ખબર નહોતી. એ માટે મારી પાસે માહિતીના બે સ્ત્રોત હતા. એક મોના અને બીજો અમારો એક એજન્ટ જે અહીં હાજર નથી. દુર્ભાગ્યે તમે એનું નામ ક્યારેય જાણી નહીં શકો, કારણ કે એ ગઈકાલ સુધી આતંકવાદી સંગઠનમાં ઘૂસી જઈ એનો વિશ્વાસ સંપાદિત કરીને અમને માહિતી આપતો રહ્યો, પરંતુ આજે સવારે જ એનું હાર્ટ-એટેકથી મૃત્યુ થઈ ગયું છે.’ કહી માથુરે એક મિનિટ માટે માથું ઝુકાવી એને શ્રદ્ધાંજલિ આપી. ત્યાં બેઠેલા સહુએ એમ કર્યું. જોકે માથુર જાણતા હતા કે આતંકવાદ ક્યારેય પુરો થવાનો નથી. એમનો એ એજન્ટ પણ સહી સલામત હતો અને હજુ પણ એ સંગઠનમાં રહી એમની ખબર આપતો રહેવાનો હતો. એ એજન્ટનું નામ જાહેર કરવાથી તેની ઓળખ છતી થઈ જાય તો તેના પર મોતનું જોખમ ઊભું થઈ શકે એ વાત માથુર સારી રીતે જાણતા હતા. માથુરે આ નાટક કરવું પડ્યું, કારણ કે તે એજન્ટની સલામતી માટે આ બધું જરૃરી હતું.
‘સર તમને ખબર હતી કે ઝાયેદ અને તેનો સાથીદાર અફઝલ ખાન આ હુમલો કરવાના હતા તો પછી એમને પહેલેથી જ શા માટે પકડી ન લીધા?’ એક પત્રકારે પૂછ્યું.
‘બે કારણ હતાં..એક એ કે કોઈ વ્યક્તિ આતંકવાદી કૃત્ય વિશે વિચારે એ કાયદાની ભાષામાં ગુનો ગણાતો નથી એટલે જ્યાં સુધી વ્યક્તિને ગુનો આચરતો પકડવામાં ન આવે ત્યાં સુધી તેને ગુનેગાર સાબિત નથી કરી શકાતો. અફઝલ ખાન શહેરનો એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ છે. ફક્ત શંકા પરથી કશું ન થઈ શકે. પુરાવા સિવાય એને પકડી શકાય એમ નહોતું. બીજું કે ઝાયેદ પડોશી મુલ્કનો માણસ હતો. આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર અન્ય દેશના નાગરિકની ધરપકડ કરતા પહેલાં તેની વિરુદ્ધ પાક્કા પુરાવા હોવા જરૃરી છે.
આજે એક ખાસ એકરાર પણ કરવાનો છે. એક તબક્કે અમે હારી ગયા એવું લાગતું હતું. કેમ કે છેલ્લી મિનિટે અફઝલ ખાને આખો પ્લાન બદલ્યો હતો જેની જાણ મોનાને કે કોઈને જ નહોતી. ઝાયેદને પણ તેમણે એ વાતની જાણ નહોતી થવા દીધી. એથી અમારે અંધારામાં જ તીર મારવાના આવ્યા હતા. એ વખતે ઉપરવાળા સિવાય કોઈ મદદ કરી શકે એમ નહોતું.
અને ત્યારે ઉપરવાળાએ તથાસ્તુ કહ્યું હોય એમ આયનાની બુદ્ધિ, સમજશક્તિ અને હિંમતથી અમે હારેલી બાજી જીતી શકયા. હું તો આ આખા ઑપરેશનની સફળતાનું શ્રેય મિસ આયનાને જ આપીશ. જે એક બુદ્ધિશાળી સ્ત્રીની સાથે પ્રખર વૈજ્ઞાનિક પણ છે.
હકીકતે હું આખા પ્લાનમાં એક સ્ત્રીને..આયનાને સાથે રાખવાની વિરુદ્ધમાં હતો. ત્યારે મિસ્ટર રણવીરે આયનાની શક્તિ ઓછી ન આંકીને એને આખા પ્લાનમાં સાથે રાખવાની વિનંતી કરી હતી અને મારે કબૂલ કરવાનું છે કે મારી માન્યતા ખોટી હતી. આયના અને મોના જેવી સ્ત્રીઓને લીધે જ આ આખો પ્લાન નિષ્ફળ જઈ શક્યો છે અને અનેક નિર્દોષ લોકોના જીવ બચી શક્યા છે. મારે કહેવું જ રહ્યું કે સ્ત્રી શક્તિને ઓછી આંકવાની ભૂલ આપણે કોઈએ ન કરવી જોઈએ. આયના અને મોના જેવી નારીઓ દેશનું ગૌરવ છે. બાકી જો આતંકવાદીઓનો આખો પ્લાન સફળ થયો હોત તો આખો દેશ કેવો ખળભળી ઊઠ્યો હોત? આપણી નિષ્ફળતા માટે વિદેશમાં પણ નામોશી થઈ હોત. આપણા વડાપ્રધાને પણ આપણને સહુને ખાસ અભિનંદન પાઠવ્યા છે.
સહુએ આયનાને અભિનંદન આપ્યા. રણવીર આયના સામે ગૌરવથી જોઈ રહ્યો.
મોડી રાત સુધી ખુશાલીની મહેફિલ ચાલી રહી. રાત્રે બધા છૂટા પડ્યા ત્યારે સૌના ચહેરા ખુશીથી ચમકતા હતા.
અહીં સેલિબ્રેશન ચાલી રહ્યું હતું, બરાબર ત્યારે રાજેન મોનાના ફોટા સામે જોઈ આંસુ સારતો એકલો-એકલો ચૂપચાપ બેઠો હતો. હવે તેને બીજી કોઈ વાતમાં રસ નહોતો રહ્યો. જે મોનાએ પોતાના પ્રેમ માટે પોતાનું સ્ત્રીત્વ અને અંતે પોતાનો જીવ આપ્યો હતો. એને એ કેમ ભૂલી શકે? આખરે મોનાએ આ બધું કોને માટે, કોના પ્રેમ માટે કર્યું હતું? પોતાની સાથે જીવવાના અનેક અરમાનો મોનાના દિલમાં હતા..પણ કમનસીબે..આજે મોના એની સાથે નથી. એણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું એનું ગૌરવ જરૃર હતું, પણ પોતે એને બચાવી ન શક્યો એનો રંજ પણ ઓછો નહોતો. માથુર સાહેબે રાજેનને પણ પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, પણ વિવેકપૂર્વક એણે નકાર્યું હતું. આયના અને રણવીરે એને પણ પાર્ટીમાં આવવા ખૂબ આગ્રહ કરી જોયો હતો.
પણ રાજેનનું મન નહોતું માન્યું. બધા એના મનની સ્થિતિ જાણતા હતા. આ કારમો ઘા ભૂલવા માટે એને થોડો સમય લાગવાનો જ. એ સૌ જાણતા હતા. એને થોડો સમય એકાંતની જરૃર પડવાની હતી. રણવીર અને આયના સામે ધ્રૂસકે-ધ્રૂસકે રડીને એ ઠલવાયો હતો, પણ હજુ એની વ્યથા ઓસરી નહોતી. સમય એક માત્ર એનું ઓસડ છે એ સમજતા આયના અને રણવીર પાસે મૌન રહ્યાં સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. જીવનની અનેક કપરી વાસ્તવિકતાઓ ગમે કે ન ગમે, એ સ્વીકારવી જ પડતી હોય છે ને?
અત્યાર સુધી લાંબી રજા પર ઊતરી ગયેલી આયના બીજે દિવસે કામ પર પહોંચી હતી. એને આવેલી જોઈ ડૉ.કુલદીપના ચહેરા પર ખુશીની આભા આપોઆપ ઊભરી હતી.
‘આયના, તારો સંપર્ક કરવા માટે વચ્ચે તને ઘણીવાર ફોન કર્યા, પણ તારો કોઈ કોન્ટેક્ટ જ ન થયો. ક્યાં ખોવાઈ ગઈ હતી? કેટલી ચિંતા થતી હતી મને? આખરે તું હતી ક્યાં? તારાથી એક ફોન ન થાય? તારી રૃમ પાર્ટનરને ફોન કર્યા, પણ એને ય તારી કોઈ ખબર નહોતી.
ડૉ.કુલદીપના શબ્દોમાં ચિંતા સાથે ભારોભાર સચ્ચાઈ નીતરતી હતી. વાત કરતાં-કરતાં ભાવાવેશમાં આવી એણે આયનાનો હાથ પકડી લીધો હતો, એની જાણ પણ એને થવા નહોતી પામી.
આયનાના ચહેરા પર સ્મિત રમી રહ્યું હતું. કુલદીપની ચિંતા તેને ગમી હતી.
એ સાંજે ડૉ.કુલદીપ અને આયના કૅન્ડલ લાઇટ ડિનર સાથે લેતાં હતાં ત્યારે મંદ પ્રકાશમાં પણ આયનાના ચહેરા પર ઉજાસની એક આભા પ્રસરી હતી. આખી વાત સાંભળ્યા બાદ ડૉ.કુલદીપ બોલી ઊઠ્યા હતા.
‘આયના, આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. મેં એ કામ પડતું મૂક્યું પણ તેં…’
કુલદીપ આગળ બોલી ન શક્યા. આયનાએ તેના મોઢા આડે હાથ ધરી દીધો હતો.
‘બસ, હવે મારી પ્રશંસા નહીં કરો તો ચાલશે. મને જે સૂઝયું તે મેં કર્યું.’
કુલદીપે ટેબલ પર પડેલા ફ્લાવર વાઝમાંથી એક ફૂલ આયના સામે ધરી હાથ લંબાવ્યો.
‘મેડમ આયના, વીલ યુ પ્લીઝ મેરી વિથ મી?’ જવાબમાં આયનાએ ધીમેથી એ હાથમાં પોતાનો હાથ મૂક્યો.
બરાબર એક મહિના પછી આયના અને કુલદીપે મેરેજ રજિસ્ટ્રાર પાસે સહી-સિક્કા કર્યા ત્યારે રણવીર વિટનેસ તરીકે એમાં સહી કરી રહ્યો હતો. કુલદીપ અને આયનાને અભિનંદન આપતા રણવીર મનમાં જ બોલી ઊઠ્યો હતો.
‘આયના, આ ભવમાં તો તને કુલદીપને સોંપું છું. આ જન્મે મારી પ્રતીક્ષા અધૂરી રહી છે, પણ મારી પ્રતીક્ષા તો જનમોજનમની…આવતા ભવમાં તો તું મળીશને મને?
બરાબર ત્યારે માથુર સાહેબ દિલ્હીથી તેડું આવવાથી ફરી એકવાર વ્યસ્ત બન્યા હતા. દિલ્હીમાં અન્ય કોઈ આતંકવાદી સંગઠન સક્રિય બન્યું હતું. બાતમી મળી હતી કે આ વખતે સંસદ ભવન એમનું ટાર્ગેટ છે. દિલ્હીના પ્લેનમાં બેસેલા માથુર સાહેબના મનમાં પ્રશ્ન ઘૂમરાતો હતો..શું આ પ્રશ્નનો ક્યારેય અંત નહીં આવે? ફક્ત પોતાના દેશમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં આ પ્રશ્ન આજે અજગરની જેમ ભરડો લઈ રહ્યો છે, ત્યારે શું એનો કોઈ ઉકેલ નહીં હોય? કોઈ અંત, કોઈ જવાબ નહીં હોય? ક્યાં સુધી? આખરે ક્યાં સુધી? આ વાર્તા હંમેશાં અધૂરી જ રહેવાની?
આતંકવાદની કથા અધૂરી, રણવીરની પ્રતીક્ષા અધૂરી, ડૉ.કુલદીપનું સર્જન અધૂરું, રાજેનના મોના સાથેના સહજીવનના સમણા અધૂરા.. આખું વિશ્વ શું કોઈ અધૂરી વાર્તા જેવું? અને આ બધા જ પ્રશ્નોના જવાબો પણ અધૂરા..?
(સમાપ્ત)
———————