ઝાયેદ વિરુદ્ધ અનેક પુરાવા એકઠા થઈ રહ્યા હતા.

પૈસાની તાકાતથી દુનિયામાં શું નથી થઈ શકતું?

– નીલમ દોશી   હરીશ થાનકી

‘એક અધૂરી વાર્તા’ નવલકથા – પ્રકરણ-૨૭

વહી ગયેલી વાર્તા

કુલદીપ દેશના જાણીતા વિજ્ઞાની છે. તેમની સેક્રેટરી આયના કુલદીપને ચાહે છે પણ પોતાનો પ્રેમ વ્યક્ત નથી કરી શકતી. આયનાને ડો. કુલદીપના માધ્યમથી દેશમાં થનારા આતંકવાદી હુમલાની માહિતી મળે છે. તે કોઇપણ ભોગે આ હુમલો અટકાવવાનું નક્કી કરે છે. આ માટે તે તેના કોલેજકાળના મિત્ર રણવીરની મદદ લે છે. ઝાયેદ નામનો શખ્સ મુંબઈ પહોંચે છે. ઝાયેદ મોના નામની યુવતીને મળે છે. મોના રાજેન વકીલ નામની વ્યક્તિને પ્રેમ કરે છે. રાજેન ગુપ્ત રીતે આતંકવાદીઓની માહિતી એકઠી કરી સરકારને આપવાનું કામ કરતો હોય છે. મોના રાજેનને તેના આ કામમાં સાથ આપે છે. ઝાયેદ બોમ્બ વિસ્ફોટ માટે મોનાનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે. આ તરફ કુલદીપ તેની સેક્રેટરી  આયનાને ઇવાના સર્જન અને વિસર્જનની વાત કરે છે. આ વાતની જાણ થતાં આયના કુલદીપને આતંકવાદીઓના ષડયંત્રને રોકવા માટે પ્રયત્ન કરવાનું કહે છે અને મોનાની મદદ લે છે. મોના કુલદીપ અને આયનાની ઓળખાણ રાજેન સાથે કરાવે છે. રાજેન જે ગ્રૂપ સાથે સંકળાયેલો હોય છે તેના વડા કામ્બલી રાજેનને અમદાવાદમાં આતંકવાદીઓ બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાની વાત કરે છે. ઝાયેદ મોનાને અમદાવાદના જુદા જુદા ઠેકાણા બતાવે છે. જોકે, તે મોનાને તેનો પ્લાન નથી જણાવતો. મોના આ બધી વાત રાજેનને કરે છે. રાજેનને મોનાની ચિંતા સતાવવા લાગે છે. રાજેન મોનાની સુરક્ષા માટે વિક્રમસિંહ નામના વ્યક્તિને નિયુક્ત કરે છે. બીજી તરફ આયનાને ખ્યાલ આવે છે કે ડો. કુલદીપને આતંકવાદી હુમલા કે અન્ય કોઇ ઘટનાઓમાં રસ નથી તેથી તે તેના મિત્ર રણવીરસિંહની મદદ લેવાનું નક્કી કરે છે. રણવીર અને આયના કોલેજમાં સાથે હોય છે. રણવીર આયનાને પ્રેમ કરતો હોય છે પણ આયના સમક્ષ તેનો એકરાર નથી કરી શકતો. મોના રાજન સાથે વાત કરવા અડધી રાત્રે હોટેલના કાઉન્ટર પરથી ફોન કરે છે. ઝાયેદ મોનાની જાસૂસી કરવા તેની પાછળ જાય છે પણ મોનાને એ વાતની ખબર પડી જતાંં તે સતર્ક થઇ જાય છે. રાજેન અને મેજર કામ્બલી અમદાવાદ આવવા નીકળે છે. ઝાયેદે બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્ર માટે જુદાં જુદાં પ્લાન ઘડી રાખ્યા છે અને જો તેમાં ચૂક થાય તો મોનાને મોતને ઘાટ ઉતારવાની પણ તૈયારી કરે છે. બીજી બાજુ રણવીર અને આયના પણ અમદાવાદ પહોંચે છે. રરાજેન અને મેજર કામ્બલી આતંકવાદીઓના હુમલાને નિષ્ફળ બનાવવા અને તેમને રંગેહાથ પકડવા અમદાવાદ પહોંચે છે. રાજેનને મોનાની ચિંતા થઇ આવે છે. બીજી બાજુ આયના અને રણવીર પણ અમદાવાદ પહોંચે છે અને આતંકવાદીઓના ષડયંત્રને નિષ્ફળ કરવાના કામમાં લાગે છે. રણવીર, આયના, મેજર કામ્બલી અને રાજેન હોટેલના રુમમાં એકબીજાને મળે છે. રાજેન અને રણવીર વચ્ચે મોનાની સુરક્ષાને લઇને વાત થાય છે. રણવીર રાજેનને ખાતરી આપે છે કે સરકાર અને સમગ્ર ઓપરેશન સાથે જોડાયેલી દરેક વ્યક્તિ મોનાની સુરક્ષાને લઇને કટિબદ્ધ છે. રણવીરની વાત સાંભળીને રાજેનના જીવમાં જીવ આવે છે. ઝાયેદને અફઝલ ખાનનો ફોન આવે છે. જેમાં ષડયંત્રની જાણ સરકારને થઇ ગઇ હોવાની વાત તે ઝાયેદને કરે છે. પ્લાન લીક કરવા માટે મોના પર શંકા કરવામાં આવે છે. તેથી બોમ્બ બ્લાસ્ટ થતાંની સાથે જ મોનાને પણ ખતમ કરવાની સૂચન અફઝલ ખાન ઝાયેદને આપે છે. અફ્ઝલ ખાને મોનાને લઇને વ્યક્ત કરેલી શંકાની ખાતરી કરવા ઝાયેદ મોનાની પરીક્ષા લેવાનું નક્કી કરે છે. તે મોનાને પ્લાનમાં ફેરફાર થયો હોવાનું કહે છે. બીજા દિવસે પ્લાનને અમલમાં મૂકવાની વાત મોનાને કરે છે. મોના આ વાત રાજેન સુધી પહોંચાડે છે. રણવીર મોનાની જાન કેવી રીતે બચાવી અને ઝાયેદને કેવી રીતે હાથતાળી આપી તેની સમગ્ર વાત રાજેનને કરે છે. હોટેલમાં આગ લગાવવી અને એ સમય દરમિયાન મોના અને ઝાયેદ રુમમાંથી બહાર નીકળે એટલે સુટકેસ બદલી નાખવાનું કામ રણવીર કરે છે અને આ રીતે મોનાના જીવને જોખમ ન રહે તેની તકેદારી રાખીને સમગ્ર પ્લાનિંગ કરે છે. બીજી બાજુ ગોંડલમાં રઝાક નામનો ટ્રક ડ્રાઇવર બોમ્બ લઇને અમદાવાદ આવવા નીકળે છે

હવે આગળ વાંચો…

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતને આવતીકાલે ધ્રુજાવી દેનારા આતંકવાદી હુમલામાં વપરાનારા ચાર બોમ્બ પોલીસ ચેકિંગ પોઈન્ટ પાસેથી સહીસલામત પસાર થઈ ચૂક્યા હતા.

સરખેજના નિર્ધારિત મકાનની સામે વાન આવીને ઊભી રહી એટલે સૌથી પહેલાં રઝાક કેરીનો ટોપલો ઉતારી અંદર લઈ ગયો. એ પછી મકાનમાંથી બહાર આવેલા ત્રણ પહેલવાન જેવા લોકોએ વાનમાંથી સામાન ઉતારવાની શરૃઆત કરી.

‘યે તુને બઢિયા કિયા રઝાક વરના પુરા કામ હી ચોપટ હો જાતા..’ રસ્તામાં પોલીસ ચેકિંગ પાસેથી પોતે કેવી સલામતી અને ચાલાકીથી પાર્સલ અહીં સુધી પહોંચાડ્યું તે વાતને બઢાવી ચઢાવી કરી રહેલા રઝાકને જ્યારે સાદ્દીકે શાબાશી આપી ત્યારે રઝાકનું મોઢું બગડ્યું. ખાલી શાબાશીથી કંઈ પેટ થોડું ભરાય એમ હતું?

રઝાકના ચહેરાના હાવભાવ ઓળખી ગયેલા સાદીકે ‘યે લો તુમ્હારા ઇનામ..’ કહેતા રઝાક અને અબ્દુલ બંનેના હાથમાં પાંચસો રૃપિયાની થોડી નોટો સરકાવી બંનેને વિદાય કર્યા.

‘યા અલ્લાહ, જબ તક હિન્દુસ્તાન કે લોગ થોડે પૈસોકી ખાતીર કુછ ભી કરનેકે લીયે રાજી હો જાયેંગે તબ તક હમારા કોઈ કુછ નહીં બિગાડ શકતા.’ રઝાક અને અબ્દુલને નોટો હાથમાં આવતા જ મરકતા જોઈ સાદીકે ઉપરવાળાનો આભાર માન્યો. પડોશી મુલકમાંથી છેલ્લા થોડાક મહિના પહેલાં આમ જ કોઈને થોડા રૃપિયા આપી ભારતમાં ઘૂસી આવેલો સાદીક હવે આખા યે પ્લાનની સફળતા પર મુસ્તાક હતો.

પૈસાની તાકાતથી દુનિયામાં શું નથી થઈ શકતું? એવું કશુંક વિચારતા સાદીકે અબ્દુલ અને રઝાકના જતા જ ખીસામાંથી મોબાઇલ કાઢી એમાંથી એક નામ શોધી ફોન લગાડ્યો.

‘સામાન આ ગયા હૈ..આજ રાત કો હી સબ સેટ કર લેંગે..કલ કબ આ રહે હો લેને કે લીયે..?’

સામે છેડેથી જવાબ સાંભળી એણે ફોન કાપ્યો. એણે હજુ ઘણા કામ કરવાના બાકી હતા. સૌથી અગત્યનું કામ હતું બધા જ બોમ્બમાં ટાઇમ સેટ કરવાનું..આજે તેણે આ જ મકાનમાં ઘરવખરીના આમતેમ પડેલા સામાન વચ્ચે જ રાત ગાળવાની હતી. તેણે સેટ કરેલા સમયે કાલે બ્લાસ્ટ થઈ જાય એટલે જેમ આવ્યો હતો એમ જ વતન ભેગા થઈ જવાનું હતું. વધુ એક દિવસ પણ ભારતમાં રોકાવાની ભૂલ કરવાની નહોતી.

એણે ઘરનો મુખ્ય દરવાજો બંધ કર્યો અને પછી પોતાનું કામ શરૃ કરી દીધું. એ બધા જ કામ પતાવી ફ્રી થયો ત્યારે રાત્રે સાડા બાર થયા હતા.

બરાબર એ વખતે મોનાને વળગીને સૂતેલા ઝાયેદના મોબાઇલમાં રિંગ વાગી. ઝાયેદે ફક્ત હમ્મ કહી ફોન કાપ્યો અને પછી મોનાના કાનમાં બોલ્યો,

‘ડાર્લિંગ, બી હેપ્પી, બોસનો ફોન હતો. આવતીકાલે જ આપણે કામ પતાવી દેવાનું છે..’

અર્ધી ઊંઘમાં પડેલી મોનાના દિમાગમાં તે વાતનું અર્થઘટન થતાં ત્રણ સેકન્ડ લાગી. ચોથી સેકન્ડે એ સમજી ગઈ કે કાલે હવે ખરાખરીનો ખેલ ખેલવાનો હતો.

સહેજ આંખ ખોલી એણે પૂછ્યું. ‘એ લોકો આપણને પેમેન્ટ કાલે જ આપી દેશે ને?’

‘ના કાલે આપણે કામ પતાવી સીધા કચ્છ તરફ  નીકળી જવાનું છે. એનો માણસ ત્રણ દિવસ પછી ત્યાં આવી આપણને પેમેન્ટ આપી જશે. પછી આપણે જેમ બને તેમ વહેલા સિંગાપુર કે દુબઈ જતાં રહીશું.’

‘સવારે કેટલા વાગે કામ પતાવવા નીકળવાનું છે?’

‘અફઝલ ખાનની ગાડી અહીં આપણને લેવા બપોરે ત્રણ વાગે આવશે..’

‘ઓકે’ કહી ઊંઘ આવતી હોય તેમ એક મોટું બગાસું ખાઈ એ બીજી તરફ પડખું ફેરવી સૂઈ ગઈ, પણ હવે ઊંઘ આવવાનો તો સવાલ જ ક્યાં હતો?

રાજેનને આવા અગત્યના સમાચાર કેવી રીતે પહોંચાડવા એ ચિંતાએ તે મનમાં ડરી ગઈ. કેમ કે ઝાયેદે તેની પાસેનો મોબાઇલ એમ કહીને લઈ લીધો હતો કે બોસની સૂચના મુજબ એણે કરવું જ રહ્યું.

‘તારા બોસને મારી પર વિશ્વાસ નથી..?’ એણે દલીલ પણ કરી હતી.

‘જો ડાર્લિંગ, જે માણસ આપણને આટલી મોટી રકમ ચૂકવતો હોય એ થોડી સાવચેતી તો લે જ ને? વળી, આપણે ક્યાં કાયમ માટે મોબાઇલ આપી દેવાનો છે? કામ પતે એટલે એ પાછો આપી જ દેશે.’

‘ના, હું મારો મોબાઇલ કોઈને નહીં આપું ડાર્લિંગ, શું તને હજુ પણ મારા પર વિશ્વાસ નથી?’ એણે થોડા લાડથી કહ્યું હતું.

‘સમજવાનો પ્રયત્ન કર ડીયર, અવિશ્વાસનો સવાલ નથી, પણ મારા બોસની સૂચનાનું પાલન તો કરવું જ રહ્યું ને? આફ્ટર ઓલ, મારે પણ એના કહ્યા મુજબ કરવાનું ને? એ સિવાય આટલા પૈસા આપણને કોઈ થોડું જ આપવાનું? અને અઢળક પૈસા સિવાય અત્યાર સુધીની આપણી બધી મહેનત, આપણો પ્લાન, આપણા ભાવિની બધી યોજનાઓ ઉપર પાણી ફરી વળે એનો તો તને ખ્યાલ છે જ ડાર્લિંગ, એવું બને તો તને પણ નહીં ગમે..રાઇટ? માટે નાની એવી વાત માટે બોસને નારાજ શા માટે કરવા? હા, તારે જો કઈ અગત્યનું કામ હોય તો મારો મોબાઇલ તો છે જ. ગમે ત્યારે ગમે ત્યાં વાત કરાવી દઈશ. હવે તું ને હું ક્યાં અલગ છીએ?’

ઝાયેદે એક આદર્શ પ્રેમીની અદાથી કહ્યું.

એક દિવસ..ફક્ત એક દિવસ આને સાચવી લેવાની હતી. એક વખત પ્રોજેક્ટ સફળ થઈ જાય એટલે મોનાનો ખેલ ખત્મ કરી નાખવાનો હતો..ઝાયેદ આ બેવકૂફ સ્ત્રી પર મનમાં હસી રહ્યો.

મોના હવે ભયભીત બની હતી. જો સમાચાર યોગ્ય સમયે ન પહોંચાડી શકાય તો? ભયનું એક લખલખું તેના તન, મનમાં ફરી વળ્યું, પણ નોર્મલ રહેવાનો અભિનય પણ એટલો જ જરૃરી હતો.

સૂવાનો ડોળ કરીને મોના આખી રાત પાસા ફેરવતી રહી. રાજેનને સમાચાર કેવી રીતે આપી શકાય એ માટેના વિચારો મનમાં ઘૂમરાતા રહ્યા. પણ…એવી કોઈ શક્યતા આ પળે તો દેખાતી નહોતી. હવે ઝાયેદ ક્ષણ વાર પણ તેને રેઢી નહોતો મૂકવાનો..એ તે જાણતી જ હતી. તેનું મન આપોઆપ ભગવાનને સ્મરી રહ્યું. માણસને આમ પણ કટોકટીની કારમી પળે ભગવાનનું જ સ્મરણ થવાનું ને? કોઈ ઉપાય સૂઝાડવા માટે મનમાં જ તે પ્રાર્થના કરી રહી.

જો મોનાને જાણ હોત કે તેના સિવાય પણ માહિતી મેળવવાનો બીજો સ્ત્રોત માથુર પાસે હતો જ..તો એ થોડી રીલેક્ષ થઈ શકી હોત.

માથુરને સદ્નસીબે પોતાના એજન્ટ પાસેથી બાતમી મળી ચૂકી હતી અને માથુરે એક પછી એક કડીબંધ પગલાં લેવાનું તુરત ચાલુ કરી દીધું હતું. બધા ચક્રો ગતિમાન થઈ ચૂક્યા હતા.

આખી રાત ઊંઘનું એક મટકું પણ માર્યા સિવાય માથુર જેવા બીજા પણ અનેક નિષ્ઠાવાન ઓફિસરો આખા પ્લાનને નિષ્ફળ બનાવવા તૈયારી કરી રહ્યા હતા. માથુર એક પછી એક કૉલ કરતા રહ્યા. કસોટીની ઘડી આવી ચૂકી હતી. એક પછી એક અનેક અંકોડા ગોઠવાઈ રહ્યા હતા. ક્યાંય જરા સરખી ગફલત અને મોનાની સાથે અનેક નિર્દોષ લોકોના જાન જવાના હતા. આખા શહેરમાં અને દેશમાં અફડાતફડી મચી જવાની હતી. માથુરનું મગજ કટોકટીની આવી ઘડીએ અનેક ગણું સતર્ક બનીને વિચારી શક્તું હતું, પરંતુ તે છતાં બધું સમુસૂતરું ન ઊતરે ત્યાં સુધી એક તણાવ તો રહેવાનો જ. ગમે તેવી તૈયારી પછી પણ કોઈ પણ ઘડીએ ગમે તે થતાં વાર ન લાગે અને હાથમાં આવેલી બાજી પણ એક ક્ષણમાં ઊંધી વળી શકે..એ બધા ભયસ્થાનોથી માથુર અપરિચિત થોડા હોઈ શકે?

ઝાયેદ વિરુદ્ધ અનેક પુરાવા એકઠા થઈ રહ્યા હતા. આવતીકાલે એ દરેક સ્થળો કરે જ્યાં બ્લાસ્ટ કરવાના હતા ત્યાં વધારાના સીસીટીવી કેમેરા પણ લગાડાઈ ચૂક્યા હતા. તેનું મોનિટરિંગ પણ વ્યવસ્થિત થવાનું હતું. દરેક સ્થળોએ ઝાયેદની ક્લીપ ઊતરવાની હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે આ બધા પુરાવા માટે પી.એમ.નો આગ્રહ હતો. સાથે-સાથે મોનાને દુશ્મનની બોડમાંથી સહીસલામત બહાર પણ કાઢવાની હતી અને એ કામ આસાન નહોતું જ બનવાનું. ગમે તે પળે નાની સરખી મુશ્કેલી પણ ઊભી થઈ શકે અને તો આખા પ્લાનની નિષ્ફળતા સાબિત થાય. એક-એક ક્ષણનું પ્લાનિંગ જરૃરી હતું. પ્લાનમાં સામેલ થનાર દરેક વ્યક્તિની સતર્કતા ઉપર પણ ઘણો મદાર હતો.

બધા ફોન પતાવી માથુરે પથારીમાં પડ્યા-પડ્યા આખા પ્લાનની નાની-નાની વિગતો ફરીથી ચકાસી લીધી..ના, અત્યારે તો ક્યાંય ભૂલ નહોતી દેખાતી. કોઈ પ્રયત્નોમાં કચાશ નહોતી દેખાતી. બસ, હવે સમય અને સર્વશક્તિમાન ઈશ્વરનો સાથ મળવો રહ્યો.

માથુર પણ મોનાની જેમ જ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા.

સવાર આખી ધમધમી રહી હતી. બધાં પોતપોતાનાં પાસાં ઊતરવા તૈયાર હતાં. બધાંનાં ચોકઠાં ગોઠવાઈ રહ્યાં હતાં. સાથે-સાથે કાળદેવતા પણ પોતાની બાજી રમવા હંમેશની જેમ તત્પર હતા અને એની બાજીનો ખ્યાલ કદી કોઈને ક્યાં આવી શકતો હોય છે?

રણવીરને ઝાયેદની હોટેલ સામે પોતાની પોઝિશન લઈ લેવાની હતી. એ મુજબ રણવીર તૈયાર હતો. રણવીરની લાખ સમજાવટ છતાં આયના તેને એકલો મૂકીને ત્યાંથી જવા તૈયાર નહોતી થઈ.

‘હું આખા પ્લાનમાં તારી સાથે જ રહીશ. મને કોઈ સામાન્ય સ્ત્રી ન માની લેતો. સમય આવ્યે હું ઝાંસીની રાણી બની શકું છું.’

આયનાને કોઈ જોખમમાં મૂકવાની ઇચ્છા ન હોવા છતાં આખરે રણવીરને આયનાની વાત કબૂલ રાખવી પડી હતી. સમય થતાં જ રણવીરે આયના સાથે બહાર નીકળવા દરવાજો ખોલ્યો, ત્યાં તો…?

* * *

રણવીર અને આયનાએ દરવાજો ખોલી બહાર જવા ડગલું ભર્યું ત્યાં બે અજાણ્યા તગડા માણસો રૃમમાં ધસી આવ્યા અને રણવીર અને આયનાને એક સેકન્ડમાં અંદર ખેંચી દરવાજો બંધ કર્યો. બંનેએ ચહેરા પર નકાબ પહેરેલો હતો. એ બેમાંથી એક વ્યક્તિએ વીજળીવેગે આયનાને પકડી તેના લમણે ગન ધરી,

‘સોરી મિ. રણવીર, અમારે નાછૂટકે આને અમારી સાથે લઈ જવી પડે છે. જો તમે આયનાને જીવતી જોવા માંગતા હો તો કાલે વહેલી સવાર સુધી આ રૃમની બહાર  નીકળવાની ભૂલ ન કરશો. બાકી તો તમે ખુદ સમજદાર છો..સવારે તમારી આયના હેમખેમ પાછી અહીં તમારી પાસે આવી જશે. અને જો કોઈ ગડબડ કરવાની કોશિશ કરશો તો..તો પણ આયના પાછી તો આવશે જ, પણ લાશ બનીને..આ તો તમને ચેતવવા માટે વૉર્નિંગ છે. એને હળવાશથી લેવાની ભૂલ નહીં જ કરો.. એવી આશા રાખું છું. આયના પાછી ન આવે ત્યાં સુધી કોઈ પણ લફડાબાજી કર્યા વગર તમે શાંતિથી બેસી રહેજો. એમાં જ તમારી ભલાઈ છે. હા, અને આ સૂચના તમારા અન્ય સાથીદારોને આપવાનું પણ ચૂકશો નહીં. અમે તમારી એક એક હિલચાલ પર નજર રાખીએ છીએ.’

આયનાને પકડી ત્યારે જ રણવીરના ખીસ્સામાં રહેલી ગન કાઢવાનું બીજો માણસ ચૂક્યો નહોતો.

જોકે રણવીર એમ જલદીથી સ્વસ્થતા ગુમાવે એમ નહોતો. આ લોકોને ગમે તેમ કરીને વાતોમાં રોકી રાખવા રહ્યા. જેથી પોતાને કશું કરવાનો કોઈ ચાન્સ મળી શકે.

‘એક મિનિટ…તમારી કોઈ ભૂલ થતી લાગે છે. આયના..કોણ આયના? હું કોઈ આયનાને ઓળખતો નથી અને તમે કોણ છો..? આ બધું શા માટે…?’

‘શટ અપ..ચાલાકી રહેવા દો. તમે સારી રીતે જાણો છો કે અમે કોણ છીએ અને અમે પણ તમને બરાબર ઓળખીએ છીએ. માટે  મહેરબાની કરીને વખત બરબાદ કરવાનું રહેવા દો. એમાં કશું વળવાનું નથી.’

‘હું તમને ફરી એકવાર કહું છું. તમારી કંઈક ભૂલ થતી હોય એમ લાગે છે..ન તો મારું નામ રણવીર છે..ન તો તમે જેને પકડી છે એ આયના છે..અને હું કોઈ આયનાને જાણતો નથી. મારું નામ અજય માખેચા છે. આ મારી પત્ની શ્રદ્ધા છે.’

સામેનો માણસ એક પળ માટે મૂંઝાયો. તેણે દરવાજા પરના નંબર ફરીથી વાંચ્યા. અને બબડ્યો..આ જ…આ નંબર જ કહ્યા હતા એણે..

રણવીરને થોડી આશા બંધાઈ.. આને કોઈ રીતે ગૂંચવીને થોડો સમય કદાચ મેળવી શકાય. એણે વાત આગળ વધારી.

‘જુઓ ભાઈ..તમારી કોઈ ગેરસમજ થતી લાગે છે. હું તો અહીં કોઈને ઓળખતો સુધ્ધાં નથી. હું અને મારી પત્ની પહેલી વાર ગુજરાતમાં, અમદાવાદ ફરવા આવ્યાં છીએ..તમે કોઈ આયનાને બદલે મારી પત્નીનું અપહરણ કરશો તો બની શકે તમારો બોસ જે પણ હોય તે તમારા પર ખફા થાય. ભળતી જ વ્યક્તિને હાઈજેક કરવા બદલ શક્ય છે કે તમારું મર્ડર પણ કરી નાખે..વળી અમે બંને તો એકદમ સાધારણ કુટુંબની વ્યક્તિ છીએ. અમારી પાસે તો તમારા બોસને આપવા માટે પૈસા પણ નથી અને તેમ છતાં હજુ પણ વિશ્વાસ ન આવતો હોય તો તમે મારું આય કાર્ડ જોઈ શકો છો. બાથરૃમમાં મારા પેન્ટના ખિસ્સામાં છે..જોવું છે? તો લાવી આપું.’

પણ આવા અનેક કામ કરી ચૂકેલો એ માણસ એમ કંઈ ગાંજ્યો થોડો જાય? આવા અનેક અનુભવોથી એ ઘડાઈ ચૂકેલો હોય જ.

‘એક ડગલું પણ આગળ ન વધતા..નહિતર આનું અહીં જ મોત થઈ જશે..’

આયના તરફ ટ્રિગર દાબેલી રાખતા એણે રૃક્ષતાથી કહ્યું અને મોબાઇલમાંથી ક્યાંક ફોન લગાડ્યો.

રણવીરને જાણ હતી કે એ ખાત્રી કરવા પોતાના બોસ સાથે વાત કરશે. એક પળ માટે એને થયું કે એ પેલા પર હુમલો કરી દે પણ બીજી પળે તેના હાથમાં રહેલી પિસ્તોલ કે જે આયના સામે તકાયેલી હતી એ જોઈ અટકી ગયો..આ લોકો આયનાને મારી નાખતા અચકાવાના નહીં જ.. એની એને ખબર હતી.

આયના કશુંક બોલવા જતી હતી ત્યાં પેલા માણસે ‘સોરી મેડમ..’ કહેતા આયનાના મોઢા પર મુશ્કેટાટ રીતે કપડું બાંધી દીધું. સાથે આયનાના હાથ બાંધવાનું પણ ભૂલ્યો નહીં. જોકે એમનું ધ્યાન રણવીર સાથે વાતમાં પરોવાયેલું હતું ત્યારે આયનાના હાથ એક કમાલ કરી ચૂક્યા હતા જેનો ખ્યાલ રણવીરને આવી ગયો હતો. અલબત્ત, એ કમાલ શું હતી એની પૂરી જાણકારી તો એને ન મળી શકી..પણ આયનાએ એને આંખ દ્વારા જે કહ્યું એનાથી એને થોડી ધરપત તો થઈ. આયના કશુંક તો કરી છૂટશે જ..પણ શું? અને એને એમાં સફળતા મળશે કે કેમ એ પ્રશ્ન એને સતાવી રહ્યો, પણ આ પળે તો બાજી એના હાથમાંથી સરકી ચૂકી હતી. આયનાએ તો ઇશારા દ્વારા એ સંકેત પણ આપ્યો હતો કે તું મારી ચિંતા ન કર..મારું જે થવાનું હશે તે થશે..તું તારી ડ્યુટી બજાવવાનું ચૂકતો નહીં. સેંકડો લોકોના પ્રાણ જ્યારે સંકટમાં હોય ત્યારે કોઈ એકાદનું બલિદાન આપવું પડે તો એમાં અચકાવાનું ન હોય.

પેલા માણસે ફોન કરી તેના બોસ સાથે વાત કરી. રણવીર લાચાર બની જોઈ રહ્યો. હવે કશું જ થઈ શકે તેમ નહોતું. પોતાની નાની સરખી હિલચાલ અને આયનાનું જીવન પૂરું. આયનાને પોતે એટલિસ્ટ આ રીતે મરતી તો એ ન જ જોઈ શકે.

‘મિ. રણવીર, હું આયનાને મારી સાથે લઈ જાઉં છું. મને ખાતરી છે કે તમે આયનાને અમારા હાથમાંથી છોડાવવા માટે અમારો પીછો કરવાની કે પોલીસને જાણ કરવાની ભૂલ નહીં જ કરો. જે પળે મને એમ લાગશે કે કોઈ અમારો પીછો કરી રહ્યું છે બીજી જ પળે મારા હાથમાં રહેલી પિસ્તોલની બધી જ ગોળીઓ હું આના માથામાં ધરબી દેતા અચકાઈશ નહીં. સમજ્યા..?’

(ક્રમશઃ)
———————–

એક અધૂરી વાર્તાનવલકથાનીલમ દોશીહરિશ થાનકી
Comments (0)
Add Comment