- હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી
માણસમાં અને અગરબત્તીમાં એટલો જ તફાવત છે કે અગબત્તી પોતે સળગે છે અને બીજાને સુવાસ આપે છે જ્યારે માણસ બીજાની સુવાસ જોઈને પોતે સળગે છે. માણસમાં અને હાથીમાં એટલો જ તફાવત છે કે હાથીને માથે અંકુશ છે જ્યારે માણસ નિરંકુશ છે. માણસમાં અને મંત્રીમાં એટલો જ તફાવત છે કે માણસમાંથી મંત્રી થઈ શકાય છે, પરંતુ મંત્રી થયા પછી માણસ બનીને રહેવું બધાના હાથમાં હોતું નથી.
‘જે માતાજી પથુભા’ મેં કહ્યું.
‘જે માતાજી લેખક જે માતાજી.’ લવલી પાન સેન્ટરના માલિક પથુભાએ મને મારું ‘જે માતાજી’ ડબલ કરીને પાછંુ વાળ્યું.
‘આજના શું નવીન છે બાપુ?’
‘મેં તો હવે કોરોનાના સમાચાર વાંચવાનું અને જોવાનું બંને બંધ કર્યા છે.’
‘એ બહુ સારું કર્યું, કારણ જે પ્રકારના સમાચારથી ડર વધે એવું કશું જોવું કે વાંચવું નહીં.’ મેં અનુમોદના આપી.
‘બીજા સમાચાર વાંચીએ છીએ તો પણ બીક જ લાગે છે.’
‘બીજા કયા સમાચાર?’
‘મુંબઈ અને દક્ષિણ ગુજરાત ઉપર નિસર્ગ નામનું વાવાઝોડું ત્રાટકશે, કેરળમાં સગર્ભા હાથણીની હત્યા, કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્યનું રાજીનામું.’ પથુભાએ દાખલા દીધા.
‘વાવાઝોડું તો કુદરતે સર્જેલી આફત છે એમાં આપણું કશું ડહાપણ ન ચાલે, પરંતુ હાથણીની હત્યા અને ધારાસભ્યનું રાજીનામું એમાં કુદરતનો કોઈ દોષ નથી.’ મેં કહ્યું.
‘આ વાવાઝોડું પહેલાં ભાવનગરમાં આવવાનું હતું. મારા એક સાઢુભાઈ ભાવનગર રહે છે. એમણે એમના દીકરાને મારા ઘરે મોકલી દીધો અને દીકરા સાથે ચિઠ્ઠી મોકલી કે અમારા શહેરમાં વાવાઝોડું આવવાનું હોવાથી અમારા કુંવરને થોડા દિવસ તમારા ઘરે રાખજો.’
‘એ સારું કર્યું…’
‘સારું નહીં, પણ ખરાબ કર્યું.’ પથુભા બોલ્યા.
‘ખરાબ કેવી રીતે?’
‘મેં ત્રણ દિવસ પછી સાઢુભાઈના છોકરાને પાછો ભાવનગર મોકલી દીધો અને સાથે ચિઠ્ઠી મોકલી કે તમારા દીકરાને રાખો અને વાવાઝોડું મોકલો.’
‘શું વાત કરો છો?’
‘હા… એમના દીકરાએ અમારી શેરીમાં વાવાઝોડુું ઊભું કર્યું.’
‘તો તમે જે કર્યું એ બરાબર કર્યું.’ મેં કહ્યું.
‘મેં તો બરાબર કર્યું, પણ કેરળમાં નિર્દય માણસોએ સગર્ભા હાથણીની હત્યા કરીને બહુ ખરાબ કર્યું.’
‘જ્યાં સુધી માણસ નિર્દોષ પશુ-પક્ષીઓની નિર્મમ હત્યા કરતો રહેશે ત્યાં સુધી કોરોના જેવી મહામારીઓ આવતી જ રહેશે.’
‘આપણે બીજાને અડવું નહીં એ તો શીખી ગયા, પરંતુ બીજાને નડવું નહીં એ ક્યારે શીખીશું?’ પથુભાએ પૂછ્યું.
‘મને લાગે છે કે ભારતમાં કોરોનાથી ખાસ નુકસાન થશે નહીં.’
‘એ શા પરથી કહો છો?’
‘આપણે પહેલેથી જ હાથ મિલાવવાને બદલે પગ ખેંચવામાં માહેર છીએ.’
‘વાહ લેખક વાહ…’
‘માણસે જીવનમાં આગળ વધવું હોય તો નાના માણસના હાથ પકડવા જોઈએ એના બદલે ભારતમાં મોટા માણસના પગ પકડવાનો રિવાજ છે.’
‘બહુ સાચી વાત કરી છે.’
‘આપણે ત્યાં પગ ખેંચવા અથવા પગ પકડવા બસ બે ક્રિયાઓ વધુ ચાલે છે એટલે માણસ ઉન્નત શિર રહેવાને બદલે હંમેશાં નતમસ્તક જ રહે છે.’
‘આ જુઓ ને કોંગ્રેસમાંથી ત્રીજો ધારાસભ્ય ઓછો થયો.’
‘એક રાજ્યમાં એકવાર એક મુખ્યમંત્રી ઉપર ફોન આવ્યો કે એક ખૂંખાર ડાકુ જેલમાંથી ભાગી ગયો છે.’ મેં વાત માંડી.
‘પછી?’
‘મુખ્યમંત્રીએ એટલું જ કહ્યું કે ખૂંખાર ડાકુ ભલે છટકી ગયો, પણ ધ્યાન રાખજો આપણા પક્ષમાંથી એક પણ ધારાસભ્ય છટકવો જોઈએ નહીં.’
‘આપણા મુખ્યમંત્રીને એવી ચિંતા નથી, કારણ જે ધારાસભ્યો છટકે છે એ બધા કોંગ્રેસમાંથી છટકે છે.’
‘સાચું ખોટું તો ભગવાન જાણે, બાકી કોઈકે એવું કહ્યું કે ધારાસભ્યોના વેચાણ કરોડો રૃપિયામાં થાય છે.’
‘રૃપિયાથી વેચાય કે ના વેચાય બાકી પ્રલોભનથી જરૃર વેચાતા હશે એમાં શંકા નથી.’
‘તમને તો ખબર છે કે બાપુ કે હું ગયા વર્લ્ડકપની સેમિફાઇનલ જોવા માટે છેક ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ગયો હતો.’
‘હા… ખબર છે. અમે તમને ટીવીમાં જોયા પણ હતા.’
‘એક દિવસની મેચ બે દિવસ સુધી ચાલી હતી.’
‘હા, વન-ડેમાંથી ટુડે થઈ ગઈ હતી.’
‘બીજા દિવસે ભારત ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું.’
‘હારી જ જાય ને? આપણા ભારતીયોનો સ્વભાવ છે કે કોઈ એક દિવસની સેલેરી આપે અને બે દિવસ કામ કરાવે તો બીજા દિવસે કામમાં વેઠ જ ઉતારે.’ પથુભાએ સિક્સર મારી.
‘એવું નહોતું… ધોની અને જાડેજા બહુ સારું રમ્યા, પરંતુ ધોની આઉટ થયો પછી પડતી શરૃ થઈ હતી.’
‘તમે એ મેચની શું વાત કરતા હતા?’ પથુભાએ પૂછ્યું.
‘મેં ભારત હારી ગયા પછી માન્ચેસ્ટરથી ભાજપના એક સિનિયર નેતાજીને ફોન કરીને સમાચાર આપ્યા કે સાહેબ, ભારત હારી ગયું.’
‘પછી?’
‘એમણે મને કહ્યું કે હા, હું ટીવીમાં જોતો હતો.’
‘પછી?’
‘મેં કહ્યું કે સાહેબ, માત્ર અઢાર રન માટે આપણે હારી ગયા. આ સાંભળી એમણે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે.’ મેં કહ્યું.
‘શું જવાબ આપ્યો?’ પથુભાને રસ પડ્યો.
‘સાહેબે કહ્યું કે, અઢાર રન ખૂટતા હતા એટલે હું લાચાર હતો બાકી અઢાર ધારાસભ્ય ખૂટતા હોય તો ચપટી વગાડતા પુરા કરી દઉં.’
‘નેતા ગમે તે પક્ષના હશે એ જલસા કરશે. એકવાર ચુંટાઈ ગયા પછી કોરોના નહોતો ત્યારે પણ નેતાઓ મતદાર સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવતા જ હતા.’
‘મને તો હાથણી અને એનું બચ્ચંુ મરી ગયા એનું દુઃખ થાય છે.’ મેં કહ્યું.
‘એ હાથણી અને બચ્ચું બંને સ્વર્ગમાં બેઠાં-બેઠાં વાત કરતાં હતાં.’
‘શું વાત કરતાં હતાં?’ હવે મને રસ પડ્યો.
‘બચ્ચું કહેતું હતું કે મમ્મી, મને પણ એમ જ લાગ્યું હતું કે અનનાસ છે, પરંતુ અંદરથી બોમ્બ નીકળ્યો.’
‘પછી?’
‘હાથણી બોલી કે બેટા, મને પણ એમ જ લાગતું હતું કે માણસ છે, પરંતુ અંદરથી રાક્ષસ નીકળ્યો.’
‘ચીન સરહદ ઉપર વાતાવરણ તંગ કરે છે, પાકિસ્તાન હજુ પણ છમકલાં કરે છે માણસ હજુ પણ હાથણીની હત્યા કરે છે. તમે વિચાર કરો કે કોરોનાની વૈશ્વિક મહામારીમાં પણ માણસ સુધરવાનું નામ લેતો નથી.’
‘જુઓ લેખક, સિંહ ડણકે, ભેંસ ભાંભરે, શિયાળ લાળી કરે, ગધેડું ભૂંકે, કૂતરું ભસે પરંતુ માણસની જાત એવી છે કે એ સમય આવે ત્યારે આ બધું કરી શકે છે.’ પથુભાએ કહ્યું.
‘બધાં પશુઓને ભગવાને આડા બનાવ્યા છે અને એ બધા સીધા ચાલે છે અને મનુષ્યને એકને ભગવાને સીધો બનાવ્યો છે એ જીવનમાં ક્યારેય સીધો ચાલતો નથી. અત્યારે એમ લાગે છે કે માણસ લૉકડાઉનમાં હતો એ સારો હતો, કારણ આ અનલૉક કરવા જેવો જીવ નથી.’ મેં વાત પુરી કરી અને મારા ઘર તરફ પ્રયાણ કર્યું.
—————