જમણવાર કૅન્સલ?

'બધે જવાની છૂટ મળે તેમાં શું? જવાનું તો બધે માસ્ક પહેરીને જ ને?
  • વ્યંગરંગ – કલ્પના દેસાઈ

‘મરી ગ્યા કોરોના…નખ્ખોદ જાય તારું… તારાથી ખતરનાક કીડા પડે તારા પેટમાં…તારી સાત પેઢી કોરોનાની રસીથી મરે…તને કોઈ દિવસ કોઈ માનવશરીર જોવા ન મળે…તારા ખાનદાન સહિત તારી જાતનું સત્યાનાશ જાય…….’

હજીય કોરોનાને નંખાતા મારા નિઃસાસા ચાલુ જ રહેત જો એવણે મને અટકાવી ન હોત.

‘બસ કરો હવે માતાજી, બસ કરો. કોરોનાને બહુ ગાળો આપી ને બહુ નિઃસાસા નાંખ્યા. હવે આટલું બધું સાંભળીને કોરોના એટલિસ્ટ આ ઘરમાં આવવાની હિંમત તો નહીં જ કરે. મને એટલું જણાવો કે છેલ્લા ત્રણ મહિનાથી કોરોનાએ આપણા મગજનો કબજો લીધો છે ત્યારે તમને છેક આજે જ કેમ આટલું બધું દુઃખ થયું ને આટલો બધો ગુસ્સો આવ્યો?’

‘અરે, તમે વાત જ જવા દો ને. છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી, સ્વસ્થ રહો ને સલામત રહો ને પોઝિટિવ રહો ને દૂર રહો ને ફલાણુ ને ઢીંકણુ સાંભળી સાંભળીને તો હવે મારું મગજ બહેર મારી ગયું છે. બધ્ધી કાળજી રાખીએ છીએ ને બધ્ધા નિયમ પાળીએ છીએ તોય આ કોરોના મૂઓ જવાનું નામ નથી લેતો.’

‘હા, તો એ કંઈ એમ સહેલાઈથી જવા માટે થોડો આવ્યો છે? મહામારીના રૃપે આવ્યો છે એટલે એનું કામ પૂરું કરીને જ જશે, પણ જેનો તને બહુ કંટાળો આવે છે, તે જ બધી કાળજીને લીધે હજી સુધી આપણે આરામથી ઘરમાં બેઠાં છીએ એ ન ભૂલતી.’

‘હા ભઈ હા, બધી વાત ખરી પણ એને લીધે તો મારું આખું વરસ ખરાબ જવાનું. ‘

‘આખું વરસ? અરે, આ એકાદ મહિનામાં તો આપણે ફરતાં પણ થઈ જઈશું જોઈ લેજે. પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે ને જે કરવું હોય તે કરજે. પછી તો માસ્ક બાબતે આપણે એકબીજાને ટોકવા પણ નહીં પડે ને હાથ ધોવાનું તો ભૂલમાં પણ નહીં કહીએ.’

‘બધે જવાની છૂટ મળે તેમાં શું? જવાનું તો બધે માસ્ક પહેરીને જ ને? આટલાં વરસોથી કરેલી મારા ચહેરાની બધી કાળજી તો પાણીમાં જ ગઈ સમજવાની ને? ઘરમાં મને કોણ જોવાનું? કેટલા મહિનાઓથી કરેલું મારું બધું પ્લાનિંગ સાવ ધૂળમાં મળી જવાનું. મને તો એટલો બધો ગુસ્સો આવે છે ને કે કોરોના સામે મળે તો એને ચપટીમાં મસળી નાંખું.’

‘કંટ્રોલ! કંટ્રોલ! કોરોના પરનો ગુસ્સો તારો ફોગટ જ જવાનો છે કેમ કે કોરોના મરશે નહીં, પણ ચપટીમાં ચોંટી જશે, એટલે મન શાંત કરીને મને એટલું જણાવ કે મારાથી ખાનગી વળી એવું તે શાનું પ્લાનિંગ કરેલું ને તેય મહિનાઓથી?’

‘તમારાથી શું ખાનગી હોય? એ તો આ વરસે મારે ચાર લગન માણવાના હતાં ને ત્રણ સગાઈમાં જવાનું હતું, એક અઠવાડિયાની અમારી લેડીસ ગ્રૂપની દાર્જિલિંગની ટૂર હતી અને ટીવી ઉપર રસોઈ શૉમાં મારે વાનગી બતાવવાની હતી! હવે તમે જ કહો, આટલા બધા એકસે બઢકર એક સોનેરી મોકા સામે ચાલીને આવેલા હોય તેમાં આ સાવ તુચ્છ કોરોનિયો આવીને ફાચર મારે તે કેમ સહન થાય? એક એક પ્રસંગની સાડી ને ઘરેણાથી માંડીને પર્સ-ચંપલ ને મેકઅપ સુધ્ધાંનું મેં નક્કી કરી રાખેલું. મોબાઇલમાં તારીખ પ્રમાણે બધું સેવ પણ કરી રાખેલું ને હવે એ બધું નજર સામેથી કોરોના ખેંચી જાય ને મારે લાચાર બનીને જોયા કરવું પડે તે કેમ ચાલે?’

‘વાત તો તારી સાચી. તારી જગ્યાએ હું હોઉં તો મને પણ દુઃખ થાય ને ગુસ્સો પણ આવે. તોય…’

‘શું તોય? દુઃખ થાય ને ગુસ્સો આવે તો તે જ થવું જોઈએ પછી એમાં તોય ને બોય નહીં જોવાનું. મેં તો દરેક જગ્યાના જમણવારના મેનુ પણ જાણી લીધેલા. હવે તમે જ કહો કે મારા મોંમાંથી તો મઘમઘતા ને રસઝરતા કોળિયા જ છીનવાયા ને? બીજું કે તમે સારી રીતે જાણો કે મને જમણવારની કેટલી માયા છે? આજ સુધીના મેં એક પણ લગ્ન કે વિવાહના જમણવાર મિસ નથી કર્યા. પાસપડોશના વાસ્તુના કે કોઈને ત્યાં અમસ્તાંય થતાં જમણવારમાં મારી હાજરી તો હોય જ. ઘણી વાર તો મને લોકો કહેય ખરાં કે તમારા વગર જમણવારની મજા ન આવે. હવે તમે જ કહો કે હું કોરોનાને ગાળ આપું કે નહીં?’

એવણ પાસે કોઈ જવાબ હોય તો આપે ને..?
——————

કલ્પના દેસાઇવ્યંગરંગ
Comments (0)
Add Comment