મોદી સરકારના બીજા કાર્યકાળના નવા પડકારો

રંગભેદ, અમેરિકા... અને ભારત
  • રાજકાજ – ચાણક્ય

મોદી સરકારના બીજા કાર્યકાળના નવા પડકારો
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું એ નિમિત્તે સરકારની કામગીરીનાં લેખાં-જોખાં થવા જોઈએ, પરંતુ કોરોના સંક્રમણની વૈશ્વિક મહામારી સામેના જંગને કારણે માત્ર ભારત જ નહીં તો વિશ્વના દેશોમાં પણ આર્થિક, સામાજિક અને રાજકીય અગ્રતાક્રમો બદલાઈ ગયા છે. છેલ્લા લગભગ અઢી મહિનાથી આરોગ્ય અને જીવન-સુરક્ષા સિવાયના તમામ ઘટનાક્રમ સ્થગિત રહ્યા પછી હવે જ્યારે દેશમાં ફરી તબક્કાવાર જનજીવનને સામાન્ય કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ ત્યારે બદલાયેલા સમય-સંજોગોમાં અનેક ક્ષેત્રોમાં જાણે નવેસરથી શરૃઆત થઈ રહી હોય એવો માહોલ છે. જીવનશૈલી અને કાર્યશૈલી બદલાઈ રહ્યા છે. આ નવા અગ્રતાક્રમો અને નવી કાર્યશૈલી જ આપણુ ભાવિ નક્કી કરવાની છે. બદલાયેલા વૈશ્વિક પરિદૃશ્ય અને સંજોગોને લક્ષમાં રાખીને સરકારે આર્થિક ગતિવિધિઓના ચક્રોમાં નવા પ્રાણ ફૂંકવા માટે વીસ લાખ કરોડના પેકેજની જાહેરાત કરવાની સાથોસાથ અનેક નીતિગત બદલાવ પણ કર્યા છે. એ આપણા આર્થિક વિકાસની દિશા બદલાવનારા સાબિત થવાના છે. આવનારો સમય આ નવા નિર્ણયોના કાર્યક્ષમ અમલની અપેક્ષા રાખી રહ્યો છે. એટલે મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા ત્રણ માસના સમયગાળાને અલગ પ્રકારે મૂલવવો પડે. એ પહેલાંના દોઢ-બે માસનો સમય દેશભરમાં સીએએ યાને નાગરિક સુધારા કાનૂન સામેના આંદોલનનો રહ્યો. સરકારને ભીંસમાં લેવા શરૃ કરાયેલા એ આંદોલનમાં કાનૂન વિશે ગેરસમજ ફેલાવીને તેને ઉગ્ર બનાવવાના પ્રયાસ થયા, તેમાં અનેક પ્રકારના જુઠાણાનો પણ આશ્રય લેવામાં આવ્યો, એટલું જ નહીં તો ‘ચિકન-નેક’થી ભારતના એક હિસ્સાને દેશથી અલગ કરી દેવાના દેશ-વિરોધી વિચારો આંદોલનના મંચ પરથી વ્યક્ત થયા ત્યારે આંદોલનને કઈ દિશામાં લઈ જવાના પ્રયાસ થઈ રહ્યા છે તેના સંકેત પણ મળવા લાગ્યા હતા. એ બધો ઘટનાક્રમ દેશના નાગરિકો માટે અત્યંત પીડાદાયક હતો, પરંતુ વર્તમાન સંજોગોમાં એ બધું સાવ અપ્રસ્તુત લાગતું હોય તો પણ દેશમાં સક્રિય વિભાજન કારી પરિબળો વિપરીત સંજોગોનો ગેરલાભ ઉઠાવીને કઈ હદ સુધી જઈ શકે છે તેનો બોધપાઠ તો તેમાંથી મળ્યો જ છે.

મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ છથી આઠ માસનો સમયગાળો અનેક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિઓ સાથે કેટલાક ઐતિહાસિક નિર્ણયોનો પણ રહ્યો. જમ્મુ- કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવી આ પ્રદેશના ભારત સાથેના અસંદિગ્ધ જોડાણને સુનિશ્ચિત કરવાનો નિર્ણય તેમાંનો એક છે. દેશના લોકોની દાયકાઓ જૂની આકાંક્ષા અને ભૂતકાળની એક ગંભીર ભૂલને સુધારી લેવામાં મોદી સરકારે જે અપ્રતિમ સાહસ અને કૌશલ્ય દાખવ્યું એ દેશના ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠ બની રહેશે. એ જ રીતે ત્રણ તલાકની અમાનવીય અને અન્યાયી પ્રણાલીને નાબૂદ કરવાનું પગલું પણ ઐતિહાસિક અને સાહસિક ગણી શકાય.

આ બધા ઐતિહાસિક નિર્ણયોએ રાજકીય વિવાદ પણ સર્જ્યા, પરંતુ એકંદરે લોકોમાં એ આવકાર્ય બની રહ્યા. કોરોના સંક્રમણના સંકટને કારણે રાજકીય પ્રવૃત્તિઓ પણ મહદ્અંશે સ્થગિત રહી. લૉકડાઉનમાં છૂટછાટને પગલે રોજગારી માટે અન્ય રાજ્યોમાં ગયેલા શ્રમિકોની સામૂહિક વતન વાપસીના ઘટનાક્રમે દેશના વિપક્ષોને એક મહત્ત્વનો રાજકીય મુદ્દો મળ્યો અને તેમની વેદનાને સાચી-ખોટી રીતે વાચા આપવાનો પ્રયાસ કરીને કોરોના સંકટકાળમાં લગભગ અપ્રસ્તુત બની ગયેલા વિપક્ષો તેમની પ્રસ્તુતતા પુરવાર કરવા મેદાનમાં આવ્યા અને તેમાં તેમને સફળતા પણ મળી. આમ છતાં તેઓ મોદી સરકાર સામે કોઈ મોટો પડકાર ઊભો કરવામાં સક્ષમ બની શક્યા નથી અને નજીકના ભવિષ્યમાં એ શક્ય બનવાનું પણ નથી. વિપક્ષો કોઈ પડકાર ઊભો કરે કે ન કરે કોરોના સંક્રમણના સંકટે સરકાર સામે અસાધારણ આર્થિક પડકારો ઊભા કર્યા છે અને સરકાર સ્વયં એ પડકારોને પહોંચી વળવા આગામી અનેક મહિનાઓ સુધી અત્યંત વ્યસ્ત રહેવાની છે. એ સમય દરમિયાન સરકારના નીતિ-નિર્ણયો અને તેના અમલમાં રહેલી ક્ષતિઓને તથ્યાત્મક રીતે ઉજાગર કરવાનો પડકાર વિપક્ષો સમક્ષ પણ રહેવાનો છે. નવા સમય-સંજોગોમાં વિપક્ષી રાજકારણને પણ નવા ઓપ સાથે નવી ધાર આપવાની જરૃર છે, પરંતુ તેને માટે વિપક્ષી નેતૃત્વ સક્ષમ છે કે કેમ એ સવાલ છે.
———-.

રંગભેદ, અમેરિકા… અને ભારત
અમેરિકન સમાજમાંથી રંગભેદની ભાવના સંપૂર્ણપણે નાબૂદ થઈ નથી એ તથ્ય ત્યાંની ઘટનાઓ દ્વારા અવારનવાર ઉજાગર થતું રહ્યું છે. માનવાધિકાર અને વંશીય જાતિ ભેદના મુદ્દે વિશ્વની જમાદારી કરતા રહેલા અમેરિકાએ સૌપ્રથમ આવા ભેદભાવની નાબૂદીના પ્રશ્ને પોતાનો ચહેરો દર્પણમાં જોવાની જરૃર છે. આવા ભેદભાવને નાબૂદ કરવામાં દાયકાઓ વિતી જાય છે અને પેઢીઓ ચાલી જાય છે. સામાજિક પરિવર્તન એ અત્યંત મુશ્કેલ અને જટિલ બાબત છે. આવા પરિવર્તન માત્ર કાયદાથી થતા નથી. અશ્વેતો માટે સમાનતાની કાનૂની જોગવાઈઓ તો અમેરિકામાં પણ થયેલી છે અને આમ છતાં કાયદાની રખેવાળ એવી પોલીસના હાથે જ એક અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડની હત્યા ખુલ્લેઆમ લોકોની નજર સામે થઈ એ શું સૂચવે છે? કાનૂની રક્ષા કરનાર પોલીસના દિમાગમાંથી રંગભેદની ભાવના દૂર કરી ન શકાઈ હોય તો એ અમેરિકન કાનૂનની સાથોસાથ અમેરિકન તંત્રની પણ નિષ્ફળતા છે. થોડાં વર્ષ પહેલાં અમેરિકાએ બરાક ઓબામાના રૃપમાં એક અશ્વેત નાગરિકને પ્રથમવાર પોતાના પ્રમુખ તરીકે ચૂંટી કાઢીને વિશ્વને એવી પ્રતીતિ કરાવવાનો પ્રયાસ કર્યો હતો કે અમેરિકામાં અશ્વેતો માટે પણ પ્રશાસનમાં સમાન અવસર ઉપલબ્ધ છે અને અમેરિકનો એક અશ્વેત નાગરિકને પોતાના નેતા તરીકે સ્વીકારી શકે છે. એ એક ઐતિહાસિક ઘટના હતી, પરંતુ તેનાથી પણ એવંુ તો પુરવાર ન જ થયું કે અમેરિકન સમાજમાંથી રંગભેદ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે. ઓબામાના શાસન દરમિયાન પણ રંગભેદને કારણે હિંસાખોરીની કેટલીક ઘટનાઓ બની હતી. રંગભેદની ભાવનાને તમામ સ્તરેથી નાબૂદ કરવાનંુ સરળ અને સહજ નથી એ ઓબામાને પણ શાસનમાં રહીને સમજાયું.

જ્યોર્જ ફ્લોયડની હત્યાએ અમેરિકામાં અશ્વેત લોકોમાં ઉગ્ર પ્રત્યાઘાત જન્માવ્યા. ઘટનાના ચોવીસ કલાકમાં અમેરિકામાં હિંસક તોફાનો ફાટી નિકળ્યાં. આગ અને ભાંગફોડ તેમ જ લૂંટફાટની ઘટનાઓ બની. ચાર-પાંચ દિવસ સુધી એ ચાલતી રહી. તેની પાછળ એક સંગઠનનો હાથ હોવાનું પણ ખૂલ્યું. ટ્રમ્પ પ્રશાસને તોફાનો પાછળ ચીનનો હાથ હોવાનો આક્ષેપ પણ કર્યો. આવા આક્ષેપ પુરવાર કરવાનું શક્ય બનતું નથી. એટલે એવું કહેવામાં આવ્યું કે અમેરિકા ભડકે બળ્યું તેનાથી ચીન ખુશ થયું છે. અમેરિકા અને ચીન અત્યારે જે રીતે સામસામે મોરચો માંડીને બેઠા છે તેને જોતાં અમેરિકાનાં તોફાનોથી ચીન ખુશ ન થયું હોય તો પણ દુઃખી તો ન જ થયું હોય એ સ્વાભાવિક છે. મહત્ત્વની વાત એ છે કે અશ્વેતોના વિરોધ દેખાવોમાં શ્વેત નાગરિકોએ પણ સમર્થન આપ્યું. મતલબ ઘણા અમેરિકનોને ફ્લોયડની હત્યાનું પોલીસનું કૃત્ય ગમ્યું નથી. આવી ઘટના સામે અમેરિકન વહીવટી તંત્ર કેવી રીતે કામ કરે છે એ પણ નોંધવા જેવું છે. ફ્લોયડની હત્યા કરનાર પોલીસને સસ્પેન્ડ કરવામાં અમેરિકાને ત્રણ-ચાર દિવસ લાગ્યા. તેની સામે બીજા પગલાં ક્યારે અને કઈ રીતે લેવાશે એ સવાલ છે, પરંતુ અશ્વેત ફ્લોયડની હત્યાને પગલે થયેલી હિંસા અને તોડફોડની ઘટનાને બધા અશ્વેત લોકોનું સમર્થન ન હતું. ભાંગફોડ અને આગની ઘટનાઓ જોઈને મૃતક જ્યોર્જ ફ્લોયડના ભાઈને કહેવું પડ્યું કે અમારે આ રીતે ન્યાય નથી જોઈતો. અમે આવું ઇચ્છતા નથી. હત્યાના લગભગ સપ્તાહ પછી તેમના પરિવારના સભ્યોએ હ્યુસ્ટન શહેરમાં શાંતિપૂર્ણ રેલી યોજી હતી. તેમાં મૌન પણ પાળવામાં આવ્યું.

એક અશ્વેત નાગરિકની હત્યાને ટ્રમ્પના વિરોધીઓ પ્રમુખપદની ચૂંટણીને લક્ષમાં રાખીને મોટો મુદ્દો બનાવવા ઇચ્છે. વિરોધ – દેખાવોને લાંબો સમય ચાલુ રાખવા પાછળનો એ પણ એક ઉદ્દેશ હોઈ શકે. ચૂંટણીનું રાજકારણ આખરે તો બધે સરખું જ હોય છે. કદાચ એટલે જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન કરીને એવો દાવો કર્યો છે કે અબ્રાહમ લિંકન પછી મારા વહીવટી તંત્રએ અશ્વેત સમુદાય માટે સૌથી વધુ કામ કર્યા છે. અશ્વેતોની કૉલેજ-યુનિવર્સિટી માટે ફંડની ગેરંટી આપી, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં સુધારા કરવા જેવી વાતો પણ તેમણે ગણાવી છે. સ્વાભાવિક રીતે જ ટ્રમ્પે પણ ચૂંટણીના હિતોને ધ્યાનમાં રાખીને આવો દાવો કરવાનું મુનાસિબ માન્યું હોય.

અશ્વેત નાગરિકની હત્યાના વિરોધમાં અમેરિકામાં જે પ્રકારના હિંસક દેખાવો થયા અને આ દેખાવકારો છેક વ્હાઈટ હાઉસની નજીક પહોંચી ગયા એ ઘટનાક્રમે ભારતમાં મોદી-વિરોધી લોબીમાંના કેટલાક લોકોને ચાનક ચઢાવી એ એક મોટું આશ્ચર્ય છે. આવા લોકોએ તેમની મંશા છાની પણ ન રાખી અને કેટલાકે ટ્વિટ કરીને એવી ઇચ્છા વ્યક્ત કરી કે આવા દેખાવો ભારતમાં પણ થવા જોઈએ. અત્યારે કોરોના સંક્રમણના સંકટ અને લૉકડાઉનને પગલે સર્જાયેલ આર્થિક સ્થગિતતામાંથી બહાર નીકળવા માટે સરકાર અને તંત્ર પ્રયત્નશીલ છે ત્યારે આ મોદી-વિરોધીઓ કોઈ કારણ વિના ભારતમાં હિંસક દેખાવોની હિમાયત કરી રહ્યા છે. તેમના દિમાગમાં કેવા શેતાની ખયાલો રમતા હશે તેની કલ્પના જ કરવી રહી. એક સમયે ભારતમાં કોઈ આંદોલનની ચીમકી ઉચ્ચારતું હતું તો પણ ‘ગાંધી ચીંધ્યા માર્ગે….’ એવા શબ્દ પ્રયોગો થતા હતા. હવે ખુલ્લેઆમ અકારણ હિંસક દેખાવોના ખ્યાલ વહેતા કરવામાં આવી રહ્યા છે. ભારતમાં કોઈ પણ કારણસર અરાજક માહોલ સર્જવા ઇચ્છતા પરિબળો બેચેન છે અને તેઓ તેને માટે કોઈ પણ કારણ શોધી લે એ પણ શક્ય છે. સરકારે ચેતવા જેવું ખરું!

 

—————-

રાજકાજ
Comments (0)
Add Comment