- નીલમ દોશી હરીશ થાનકી
‘એક અધૂરી વાર્તા’ નવલકથા – પ્રકરણ-૨૦
વહી ગયેલી વાર્તા
દેશના અગ્રગણ્ય વિજ્ઞાની ડૉ. કુલદીપ આબેહૂબ માનવ જેવી ઇવા રૉબોટનું સર્જન કરે છે. ઇવાને લાગે છે કે કુલદીપ તેના પ્રેમમાં છે. ઇવાના મનમાં પણ કુલદીપ માટે પ્રેમના અંકુર ફૂટે છે. કુલદીપ ઇવાના પ્રેમને નકારી દે છે તેથી ઇવા તેને છોડીને ચાલી જાય છે. ઇવા ઉશ્કેરાઈને ગેરકાનૂની કામ કરતા આરીફ નામના માણસના સંપર્કમાં આવે છે. આરીફ અને તેના સાગરીતો ઇવાનું અપહરણ કરી તેની પાસે બોમ્બ વિસ્ફોટ કરાવવાનું કાવતરું ઘડે છે. ડૉ. કુલદીપ ડૉ. રંગનાથનની મદદથી ઇવાના મનના વિચારો જાણે છે. કુલદીપ ઇવાના સિસ્ટમને ડિફ્યુઝ કરી દે છે. ડૉ. કુલદીપ ઘણા દિવસો બાદ તેની સેક્રેટરી આયના સાથે ડિનર પર જાય છે. બીજી બાજુ ઝાયેદ નામનો શખ્સ મુંબઈ પહોંચે છે. ઝાયેદ મોના નામની યુવતીને મળે છે. મોના રાજેન વકીલ નામની વ્યક્તિને પ્રેમ કરે છે. રાજેન ગુપ્ત રીતે આતંકવાદીઓની માહિતી એકઠી કરી સરકારને આપવાનું કામ કરતો હોય છે. મોના રાજેનને તેના આ કામમાં સાથ આપે છે. ઝાયેદ બોમ્બ વિસ્ફોટ માટે મોનાનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે. આ તરફ કુલદીપ આયનાને ઇવાના સર્જન અને વિસર્જનની વાત કરે છે. આ વાતની જાણ થતાં આયના કુલદીપને આતંકવાદીઓના ષડયંત્રને રોકવા માટે પ્રયત્ન કરવાનું કહે છે અને મોનાની મદદ લે છે. મોના કુલદીપ અને આયનાની ઓળખાણ રાજેન સાથે કરાવે છે. રાજેન જે ગ્રૂપ સાથે સંકળાયેલો હોય છે તેના વડા કામ્બલી રાજેનને અમદાવાદમાં આતંકવાદીઓ બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાની વાત કરે છે. રાજેન કુલદીપ અને આયનાને લઈને મેજર કામ્બલીને મળવા જાય છે ‘ને બધી વાત કરે છે. ઝાયેદ મોનાને અમદાવાદના જુદા જુદા ઠેકાણા બતાવે છે. જોકે, તે મોનાને તેનો પ્લાન નથી જણાવતો. મોના આ બધી વાત રાજેનને કરે છે. રાજેનને મોનાની ચિંતા સતાવવા લાગે છે.
– હવે આગળ વાંચો…
મોનાની ચિંતામાં ડૂબેલો રાજેન વ્યગ્રતાથી ઓરડામાં આંટા મારી રહ્યો. કોઈ પણ ભોગે મોનાને કશું થવું ન જોઈએ. ઇનફ ઇઝ ઇનફ..કોઈ યુવતી ન કરે તે મોનાએ પોતાના માટે કર્યું છે. હવે એને કંઈ ન થાય એ જોવાની પોતાની જવાબદારી છે. એક વખત તો રાજેનને મોના પાસે પહોંચી જવાનો વિચાર આવ્યો, પણ એ શક્ય નહોતું. હવે આ કળણમાંથી મોનાને હેમખેમ કેવી રીતે બહાર લાવવી એ જ તેનો મુખ્ય ચિંતાનો વિષય બની ગયો. મોનાને આ કામમાં સાથ આપવાનું કહેતી વખતે તેને પણ એ અંદાજ નહોતો કે મોના આ રીતે ફસાશે અને એમાં જીવનું પણ જોખમ થશે. રાજેનને પહેલી વાર અફસોસ થઈ આવ્યો. એને થયું કે પોતાને મોનાનું આવું સમર્પણ માગવાનો તેને કોઈ હક્ક નહોતો. એક પણ સવાલ કર્યા સિવાય મોનાએ રાજેનની દરેક વાત પર આંખો બંધ કરીને વિશ્વાસ કરીને અમલ કર્યો હતો. શા માટે? ફક્ત અને ફક્ત પોતા પ્રત્યેના પ્રેમને લીધે જ ને? પોતે એના પ્રેમનો દુરુપયોગ કરી રહ્યો છે કે શું? રાજેનના મનમાં આ પળે જાણે એણે કોઈ અપરાધ, કોઈ મોટો ગુનો કરી નાખ્યો હોય એવી ભાવના જાગી ઊઠી.
મોના પર કોઈ આફત આવે, જીવનું જોખમ આવે તો તેને કેવી રીતે બચાવી શકાય તે વિચારતો રાજેન સોફા પર બેસી મનમાં આખી વાતના અંકોડા મેળવી રહ્યો. હવે રાજેનનું ધ્યેયમાત્ર મોના અને માત્ર મોના જ હતી. કોઈ પણ ભોગે મોનાને કોઈ આંચ ન આવવી જોઈએ. ઝાયેદ મોનાને લઈ અમદાવાદ ગયો અને ત્યાં એમણે જે જગ્યાઓ મોનાને બતાવી, એ જગ્યાઓએ આગામી કોઈ ચોક્કસ દિવસે મોના પાસે બોમ્બનું પ્લેસમેન્ટ કરાવશે અને એ પછી બની શકે મોનાને…..’
આગળ વિચાર આવતાની સાથે તે ધ્રૂજી ઊઠ્યો. હવે શું કરવું? શું કરી શકે તે?
એ લોકો મોના પાસે ધાર્યું કરાવ્યા વગર છોડશે નહીં. મોના પાસે ઝાયેદે હજુ સુધી તો મોબાઇલ રહેવા દીધો છે, પણ ક્યારે, કઈ ક્ષણે એની પાસેથી કોઈ પણ બહાના હેઠળ મોબાઇલ અવશ્ય લઈ લેવાશે. એમાં કોઈ શંકા નથી. અત્યાર સુધી તો તેને મોના ઉપર કોઈ શંકા નથી આવી. તેને એમ જ છે કે મોના તેના પ્રેમમાં છે એટલે ગમે તે કામ કરવા તૈયાર થઈ ગઈ છે, પણ આવા કામમાં આ લોકો કોઈ પણ વ્યક્તિ ઉપર લાંબો સમય વિશ્વાસ ન જ રાખે. લાગે છે કે બહુ ટૂંક સમયમાં એ લોકો મોના પાસેથી મોબાઇલ લઈ લેશે. એ લોકો એવું કોઈ જોખમ લે જ નહીં.
અર્થાત મોના પાસેથી મોબાઇલ ઝૂંટવાઈ જાય અને સંપર્કની કડી તૂટી જાય એ પહેલાં કોઈ ચોક્કસ ગોઠવણ થવી જોઈએ. મોનાનો સંપર્ક જ આખા કાવતરાને પકડવાની ચાવીરૃપ હતો. મોનાના પ્રાણ સંકટમાં હતા. એ ખ્યાલ રાજેનને હલબલાવી રહ્યો.
ચિંતામાં ઘેરાયેલો રાજેન સિગાર સળગાવીને વ્યગ્રતાથી ઓરડામાં આંટા મારતો મારતો મેજર કાંબલીની પ્રતીક્ષા કરી રહ્યો.
થોડી ક્ષણોમાં જ મેજર રૃમમાં પ્રવેશ્યા. રાજેને તુરત સિગાર બૂઝાવી અને મેજર સામે જોયું. તેની આંખોમાં અનેક સવાલ અને વ્યગ્રતા સ્પષ્ટ રીતે ડોકિયાં કરી રહ્યા હતા.
‘રાજેન, વી હેવ ટુ ગો અહેમદાબાદ, મેં હમણા જ હાયર ઑથોરિટી સાથે વાત કરી લીધી છે. એમની સ્પષ્ટ સૂચના છે કે હવે આખો મામલો એ લોકો સંભાળી લેશે. આપણે ગમે તેમ કરીને મોનાને આમાંથી એકદમ સલામત રીતે બહાર કાઢી લેવાની છે.’
બોલતી વખતે મેજરના ચહેરા પર પણ મોનાની ચિંતા સાફ દેખાઈ રહી હતી.
‘આફ્ટર ઓલ મોના એક સિવિલિયન ગર્લ છે. તે કોઈ ટ્રેઇન્ડ કમાન્ડો નથી. કઠિન સંજોગોમાં તે ટકી જ ન શકે. ધારો કે તે કોઈ એવી કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગઈ તો તે કશું જ ન કરી શકે.’
‘યસ સર, મને પણ લાગે છે કે આપણે આપણા સ્વાર્થ માટે તેના પ્રાણની આહુતિ ન આપી શકીએ.’
‘તે છોકરીની સલામતી માટે તમે કયા પગલાં લીધાં છે? કોઈ પણ પળે તેનો સંપર્ક છૂટી શકે છે. તો એ અંગે કશું વિચાર્યું છે?’
‘અત્યારે તાત્કાલિક તો મોનાને કવર કરવા માટે મેં આપણા ગ્રૂપના એક વ્યક્તિને ગોઠવી જ દીધો છે. મોના સાથે વાત થયા બાદ અહીં આવતા પહેલાં મે વિક્રમસિંહને ફોન કરી દીધો છે. અત્યારે તો એ ત્યાં પહોંચી પણ ગયો હશે.’
પોતે તો પોતાની રીતે મોનાની સલામતી માટે ગોઠવણ કરી જ હતી. હવે મેજરે પણ મોનાની ચિંતા દર્શાવી એ રાજેનને ગમ્યું.
‘બને તો આપણે મોનાની કામગીરી અહીં જ સ્ટોપ કરાવી દઈએ તો? આમ પણ એ આપણા પ્રોજેક્ટમાં આવતું નથી. આપણે ફક્ત માહિતી એકઠી કરીને લાગતા વળગતાને પહોંચાડવાની છે. એમાં સક્રિયપણે જોડાવાની નહીં. મેજર, તમારી વાત સાચી છે, મોના કોઈ ટ્રેઇન્ડ કમાન્ડો હરગિજ નથી કે નથી એને આવા કોઈ કામનો અનુભવ. ફક્ત કોઈ આંતરિક શક્તિને લીધે જ તે આટલે સુધી પણ પહોંચી શકી છે અને આટલી ગુપ્ત માહિતી આપણને મળી શકી છે.’
એ આંતરિક શક્તિ એક સ્ત્રીનો સાચો પ્રેમ હતો. એ સત્ય ઉજાગર કરવાની રાજેનને કોઈ જરૃર ન લાગી.
‘યેસ રાજેન, હું પણ એ જ વિચારતો હતો. આપણે કોઈ છોકરીનો એમ ભોગ ન લઈ શકીએ. હકીકતે આપણી ડ્યુટી અહીં સુધીની જ હતી. આપણે તાત્કાલિક કંઈક વિચારીને એ મુજબ પ્લાન કરીએ છીએ.’
‘થેન્ક્સ સર.’ બોલતા રાજેન ગળગળો થઈ ગયો.
મેજર એકાદ બે મિનિટ રાજેનને તાકી રહ્યા. આમાં આમ ભાવુક બનવાની જરૃર ક્યાં હતી? પણ એ કશું બોલ્યા નહીં.
‘રાજેન. હવે આગળ શું કરવાનું છે તે હાયર ઑથોરિટી સાથે હું વાત કરીને નક્કી કરીશ. તમે મોના સાથે જ્યારે પણ વાત થાય ત્યારે તેને જેમ બને તેમ જલ્દી આમાંથી બહાર નીકળી જવા સમજાવજો.’
રાજેને રાહતનો શ્વાસ લીધો, પણ એ રાહત કેટલી કામચલાઉ નીવવડવાની હતી એની જાણ રાજેનને એ પળે ક્યાં હતી?
* * *
કુલદીપથી છૂટી પડેલી આયનાએ નક્કી કર્યું કે હવે જે પણ કરવું પડશે એ પોતે જાતે જ કરશે. તેને ખ્યાલ આવી ગયો કે કુલદીપ પાસે આ વાતમાં બહુ સાથની અપેક્ષા રાખવા જેવું નથી, કારણ કે તે ફક્ત એક વૈજ્ઞાનિક હતો. સો ટચનો વૈજ્ઞાનિક..એ સિવાય બીજી કોઈ વાતમાં તેને રસ નથી જ પડવાનો એ સત્યથી આયના અપરિચિત નહોતી. તે કોઈ પણ શોધમાં મળેલી નિષ્ફળતાને જલ્દી ભૂલી જઈ નવેસરથી કામે લાગી જવામાં માનતો હતો. બીજી કોઈ ભાવના, ઇચ્છા, મહત્ત્વાકાંક્ષા જે પણ નામ આપો તે તેનામાં નહોતી. આ બાબતમાં પણ તેનું વલણ કંઈક આવું જ હતું.
તો આ સંજોગોમાં પોતે શું કરી શકે કે શું કરવું જોઈએ? એ આખી રાત આયનાના મગજમાં એ એક જ વાત ઘૂમતી રહી.
બીજે દિવસે સવારે તેણે ફોનમાં કુલદીપને જરા માથંુ દુઃખે છે એમ કહીને રજા મૂકી દીધી. કુલદીપને પણ થયું કે વાત સાચી છે. આયનાએ કેટલા ઉજાગરા કર્યા છે, એ આરામ કરે એ જ બહેતર છે.
સવારે રૃટિનનું બધું કામ ઝટપટ પતાવી આયનાએ પોતાનો મોબાઇલ હાથમાં લીધો. રાત્રે આવેલા વિચારનો અમલ કરવા તેણે પોતાનું ફેસબુક એકાઉન્ટ ખોલ્યું. સર્ચમાં એક નામ ટાઇપ કર્યું.
રણવીરસિંહ ઝાલા..
જોકે એ નામ નાખતા જ રણવીરસિંહ નામના ઢગલા થઈ ગયા.
તે થોડી વાર બધાના પ્રોફાઇલ જોતી રહી. આમાં પોતે શોધે છે એ રણવીર કયો હશે?
ત્યાં એક રણવીરના નામ સાથે પરિચિત શાયરી દેખાઈ.
યેસ..આ શાયરી રણવીર કૉલેજમાં અનેક વાર બોલ્યો હતો.
વ્યક્તિના ફોટાની જગ્યાએ ભારતનો ત્રિરંગો દેખાયો.
આયનાએ તુરત ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી..સામે રણવીર કદાચ ઓનલાઇન જ હતો. તુરત સ્વીકારાઈ અને સાથે એક શાયરી ટપકી પડી.
‘દોસ્તો કો ભૂલ જાના આપકી ફિતરત હી સહી,
હમ તો વો હૈ જો દુશ્મન કો ભી નહિ ભૂલતે..’
મેડમ, જાતે બનાવેલ ઢંગધડા વગરનો શેર વાંચી હસવું આવ્યું ને?
તે કશું લખવા જતી હતી ત્યાં જ…
‘મૅડમ, આભાર.. આટલાં વરસો પછી મિત્રને ફરી એકવાર મિત્રની વિનંતી મોકલવા બદલ. મને તો એમ કે આયના મેડમ ભૂલી ગયા હશે.
પણ હજુ સુધી યાદ રાખવા બદલ આભાર..આભાર..દિલ સે..’
‘હાય રણવીર, લાગે છે તું હજુ એવો જ રહ્યો.’
‘એવો એટલે કેવો?’
‘એવો એટલે એવો જ બિન્દાસ…’
‘મને તો લાગ્યું કે આયના મેડમ મને સાવ ભૂલી ગયા છે, પણ આઇ એમ હેપી કે હું ખોટો હતો.. આયના મેડમ સાવ તો નથી જ ભૂલ્યા.’
‘હવે આયના મેડમનો બકવાસ બંધ કરવો છે કે?’
‘સોરી..સોરી..બોલ આયના..કેમ છો? ક્યાં છો? શું કરો છો?’
‘બસ..બસ…આટલા બધા પ્રશ્નો એકીસાથે?’
‘જવાબ નહીં મળે?’
‘મળશે..મળશે બધા જ જવાબ મળશે, પણ અત્યારે અહીં નહીં..એ માટે રૃબરૃ આવવું પડે..બોલ..આવી શકીશ?’
‘નેકી ઔર પૂછપૂછ? બોલ, ક્યાં અને ક્યારે? અને યાદ છે આયના? એક વખત ક્લાસમાં ડૉ. ડુંગરપુરની મજાક કોઈ બીજાએ કરી હતી અને નામ તારું આવ્યું હતું?’
‘હા, અને ત્યારે બધા જ વિદ્યાર્થીની વિરુદ્ધમાં જઈ એ જવાબદારી તેં તારા ઉપર લઈ લીધી હતી એ કેમ ભૂલાય રણવીર?’
આયના રણવીરને કદી ભૂલી શકે એમ નહોતી. કદાચ રણવીરને લીધે જ તે આજે જીવતી હતી. તેની આજની જિંદગી રણવીરને આભારી હતી. આયનાની નજર સામે રણવીર સાથેની સ્મૃતિઓ ઉઘડી રહી.
કૉલેજમાં આયનાની સાથે ભણતો એ યુવક બધામાં અલગ તરી આવતો હતો. સૌરાષ્ટ્રનું અસલી ઘી ખાઈને મોટો થયેલો એ યુવક એટલે રણવીરસિંહ ઝાલા. પહોળો બાંધો. સુદૃઢ શરીર, જિમમાં ગયા વગર જ બનેલાં માંસલ બાવડાં, ચહેરા પર ઓપતી મૂંછો અને અસલ દરબારી મિજાજ. બધા એને રણવીરને બદલે વીર કહીને જ બોલાવતા હતા.
રણવીર અને આયના એક જ ક્લાસમાં સાથે ભણતાં હતાં. બંને વચ્ચે સારી મિત્રતા પણ હતી. અલબત્ત, આયનાના પક્ષે મિત્રતાથી આગળ કોઈ વાત નહોતી, પણ રણવીર આયનાને મનોમન પ્રેમ કરવા લાગ્યો હતો. એણે પોતાના મનની લાગણી આયના સમક્ષ એકાદ બે વાર પરોક્ષ રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો અને એ સમજવા છતાં આયના જાણી જોઈને નાસમજ બની રહી હતી. રણવીર સારો, સંસ્કારી અને ખાનદાન યુવક હતો, પણ હમણા આયના એવા કોઈ લફરામાં પડવા નહોતી માગતી. એને વિજ્ઞાનમાં રસ હતો અને એ જ ફીલ્ડમાં આગળ વધવાનું તેનું સપનું હતું. અત્યારે બીજી કોઈ વાતમાં એને રસ નહોતો. એટલે રણવીરની લાગણી જાણવા અને સમજવા છતાં તે અજાણી જ બની રહી. રણવીરે પણ ચોખ્ખા શબ્દોમાં તેને કશું કહેવાની કોઈ હિંમત નહોતી કરી. કદાચ કોઈ યોગ્ય તકની તેને પ્રતીક્ષા હતી.
પણ એવી કોઈ તક મળે તે પહેલાં જ..
એકત્રીસમી ડિસેમ્બરનો એ દિવસ. કૉલેજ કેમ્પસમાં એ રાત્રે ખાસ્સી ધમાલ ચાલી રહી હતી. ખાસ કરીને ફાઇનલ યરના સ્ટુડન્ટ માટે આ કૉલેજનું છેલ્લું વરસ હતું અને હવે પછી બધા ક્યાંક ને ક્યાંક સંસારની ધૂંસરીમાં જોડાવાના હતા. એથી એ પહેલાં નવા વરસની આ રાતને શક્ય તેટલી રંગીન અને યાદગાર બનાવવાના મૂડમાં હતા.
કૉલેજમાં રંગારંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું હતું. એક પછી એક આઇટેમ રજૂ થતી જતી હતી. યૌવન હિલ્લોળે ચડ્યું હતું. કેમ્પ ફાયરની આસપાસ સૌ મન મૂકીને નાચતાં હતાં. એમાં બધાની સાથે આયના અને રણવીર પણ હતાં.
અચાનક આયના સંતુલન ગુમાવી બેઠી હતી અને અગ્નિ જ્વાળામાં ફંગોળાઈ હતી.
આયનાની ચીસ મધ્યરાત્રિના અંધકારમાં ગુંજી ઊઠી હતી. કોઈ તેને બચાવવા માટે કશું વિચારે કે કરે એ પહેલાં રણવીરે આગમાં ઝંપલાવ્યું હતું અને સળગતી આયનાને ઉઠાવીને બહાર ફંગોળાયો હતો.
ખાસ્સા દિવસો સુધી બંનેને હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું. બંને સખત દાઝયા હતાં. બંનેને અલગ-અલગ રૃમમાં રખાયાં હતાં. આયના પૂરી સાજી થઈને મિત્ર રણવીરનો આભાર માને તે પહેલાં જ આયનાના પિતા રણવીરનો આભાર માનીને આયનાને ત્યાંથી લઈ ગયા હતા. તેમની અચાનક દિલ્હીમાં ટ્રાન્સફર થઈ હતી અને તાત્કાલિક જવાનું હતું. આયનાની બાકીની સારવાર દિલ્હીમાં જ થઈ હતી.
બસ, ત્યાર બાદ એક પછી સંજોગો એવા આવતા રહ્યા કે આજ સુધી આયના અને રણવીર કદી મળ્યાં નહોતાં. આજે ફેસબુકને લીધે વરસો પછી ફરીથી એક તંતુ સંધાયો હતો.
‘વીર, કાન્ટ ફરગેટ યુ..હાઉ કેન આઇ? તારે લીધે તો આજે હું આ દુનિયામાં છું.’
‘ઓહ..તો આજ સુધી એ પ્રસંગ યાદ છે?’
‘અમુક પ્રસંગો જિંદગી ભર ભૂલાતા નથી હોતા.’
તે દરમિયાન આયના રણવીરનો આખો પ્રોફાઇલ વાંચી ચૂકી હતી અને…
વાંચતા વાંચતા તે તેના પ્રોફેશન આગળ આવીને અટકી ગઈ.
ત્યાં લખ્યું હતું.. હિન્દુસ્તાનની સેવામાં..
આયનાની આંખોમાં એક ચમક ઊભરી રહી. મનમાં વિશ્વાસ દ્રઢ થયો. રણવીર ધારે તો ચોક્કસપણે પોતાના કામમાં મદદરૃપ બની શકે.
હમણા આયનાના મગજમાં પોતાના કામ સિવાય જાણે બીજો કોઈ વિચાર ટકતો જ નહોતો.
પણ એ પહેલાં રણવીર સાથે વાત કરી તે હાલમાં શું કરે છે એ બધું જાણી લેવું જરૃરી હતું.
આયનાને મૌન બનેલી જોઈ રણવીરે લખ્યું,
‘આયના, સોરી મેં તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને?’
‘વીર, નો નીડ ઓફ એની ફોર્માલિટી..આપણે મિત્રો હતાં અને છીએ. એમાં ‘તમે’ સંબોધનની ફોર્માલિટી ક્યાંથી આવી ગઈ?’
‘થેન્ક્સ આયના..’
‘એ પણ ફોર્માલિટીનો જ એક પ્રકાર કહેવાય હોં..એની વે..આજકાલ તું ક્યાં છો? શું કરે છે? આજે અચાનક આટલાં વરસો બાદ ક્યાંથી પ્રગટ્યો? તારી વાઇફ..બાલ બચ્ચા?’
અને આયનાએ સ્માઇલીના દસ બાર ચિત્રો સેન્ડ કરી દીધા.
સામેથી રણવીર પણ હસી પડ્યો.
‘આયના, મેરી બિલ્લી મુઝસે મ્યાઉં..? આ બધા પ્રશ્નો તો મારા હતા.
‘પણ હવે મારા થઈ ગયા. લેડીઝ ફર્સ્ટ.’
‘એમાં એગ્રી. જવાબમાં તો હું પણ તારી જેમ જ કહીશ કે એકીસાથે આટલા બધા પ્રશ્નો? અને આજે અહીં જ બધું જાણી લેવું છે?’
(ક્રમશઃ)
—————————