આત્મનિર્ભર બનો

આખી જિંદગી બીજાના મોઢે પત્નીનાં વખાણ કરવા પણ તૈયાર છું.'
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

કોઈકે સંત પાસે જઈને કહ્યું કે, ‘I Want Peace.’ આ સાંભળી સંત બોલ્યા કે આપના સવાલમાં જ જવાબ છુપાયેલો છે. તમારા ત્રણ શબ્દના અંગ્રેજી વાક્યમાંથી સૌ પ્રથમ I કાઢી નાખો.I એટલે હું અને હું એટલે અભિમાન. જીવનમાંથી અહમ એટલે અભિમાન દૂર થશે નહીં ત્યાં સુધી શાંતિ શક્ય નથી.

ત્યાર બાદ એ વાક્યમાંથી Want કાઢી નાખો. Want એટલે ઇચ્છા. જ્યાં સુધી માણસની ચાહ મરતી નથી ત્યાં સુધી આહ અને દાહ બંને માણસને દઝાડે છે. દરેક માણસની જરૃરિયાત પુરી થઈ શકે છે, પરંતુ કોઈની ઇચ્છા પૂરી થતી નથી. એક ઇચ્છા પૂરી થાય ત્યાં એનાથી મોટી ઇચ્છા જન્મ લઈ ચૂકી હોય છે.Need સારી, પરંતુ Want  બરાબર નથી. ત્યાર બાદ સંત બોલ્યા કે,I want Peace વાક્યમાંથી i અને Want બે શબ્દ નીકળી જાય પછી Peace તો ત્યાં હાજર જ છે. ત્યાર બાદ શાંતિ સિવાય કશું નથી.

‘શાંતિલાલ પણ મરવાનો થયો લાગે છે.’ મેં કહ્યું.

‘કેમ શું થયું?’ પત્નીએ પૂછ્યું.

‘શાંતિલાલે આ ઉંમરે એમના પત્નીને છૂટાછેડા આપી દેવાનું નક્કી કર્યું છે.’ મેં કહ્યું.

‘એવું કરવાનું શું કારણ છે?’ પત્ની બોલ્યાં.

‘આપણા વડાપ્રધાન…’

‘શું….?’

‘હા… શાંતિલાલના છૂટાછેડા માટે નરેન્દ્રભાઈ મોદી જવાબદાર છે.’

‘લૉકડાઉનમાં રહી રહીને તમારું ચસ્કી ગયું લાગે છે.’

‘એટલે તો છેલ્લાં ત્રીસ વરસથી તમારી સાથે રહું છું.’

‘મને મોદી સાહેબવાળી વાત સમજાવો.’

‘શાંતિલાલના છૂટાછેડા માટે આપણા વડાપ્રધાન જવાબદાર છે, કારણ શાંતિલાલે શાંતિભાભીને કહ્યું કે હું તને છૂટાછેડા આપવા માગું છું. આ સાંભળી શાંતિભાભીના પગ નીચેથી જમીન સરકી ગઈ.’

‘સરકી જ જાય ને… શાંતિકાકાના છોકરાના ઘરે છોકરા છે.’

‘શાંતિભાભીએ રડમસ અવાજે શાંતિલાલને પૂછ્યું કે, મારો વાંક શું છે? ત્યારે શાંતિલાલ બોલ્યો કે તમારો રજમાત્ર વાંક નથી, પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે.’

‘મોદીસાહેબે શાંતિલાલને છૂટાછેડા લેવાનું કહ્યું છે?’

‘ના… એમણે પ્રવચનમાં પચીસ વખત કહ્યું કે આત્મનિર્ભર બનો. આ શાંતિયો અર્થનો અનર્થ કરીને કહે છે કે હું મારી પત્નીને છૂટાછેડા આપી હવે આત્મનિર્ભર થવા માંગુ છું.’

‘પુરુષો આ રીતે આત્મનિર્ભર થવા જશે તો હેરાન પરેશાન થઈ જશે.’

‘તમારી વાત વિચારવા જેવી તો ખરી.’

‘વિચારવા જેવી નહીં, પરંતુ સો ટકા સાચી છે. ગઈકાલે મોંઘાભાભીનો ફોન હતો. એમણે કહ્યું કે આજે અમે સૅન્ડવિચ બનાવી હતી. તમારા ભાઈને મોદીસાહેબનું પ્રવચન સાંભળીને એવું શૂરાતન ચડ્યું કે ફ્રીઝમાંથી જાતે લીલી ચટણી લઈને બ્રેડ ઉપર લગાડવા માંડ્યા.’

‘પછી?’

‘એ તો સારું થયું કે અંબાલાલભાઈ ખાય તે પહેલાં ભાભીનું વાટકા ઉપર ધ્યાન ગયું. એ ચટણી નહોતી.’

‘તો?’

‘ભાભીએ માથામાં નાખવા માટે મેંદી વાટીને રાખી હતી.’

‘અંબાલાલે ભારે કરી…’

‘એટલે તો કહું છું કે પુરુષો પોતાની પત્ની ઉપર પરાવલંબી છે એ જ સારું છે. જો શાંતિલાલ અને અંબાલાલભાઈની માફક આત્મનિર્ભર થવા જશે તો ખોવાઈ જશે.’

‘ભારતમાં અર્થનો અનર્થ કરનારા ઓછા નથી. મુંબઈમાં એક ભાઈએ રૃપિયાની નોટો પોતાના ઘરમાં છાપી.’ મેં કહ્યું.

‘ઘરમાં કરન્સી છાપી?’ પત્નીને આશ્ચર્ય થયું.

‘હા… એ પણ આત્મનિર્ભર થવા માગતા હતા. એમણે વિચાર્યું કે રિઝર્વ બેંક તો નોટ છાપે છે, પરંતુ આપણે ક્યાં સુધી રિઝર્વ બેન્કનું અવલંબન રાખીશું? વડાપ્રધાને કહ્યું છે કે આત્મનિર્ભર થાવ તો કમ સે કમ આપણી જરૃરિયાત પૂરતી નોટો આપણે જાતે બનાવી લેવી જોઈએ.’

‘વાહ ભાઈ વાહ… બહુ સ્વમાની માણસ હશે.’

‘એને ડાઈ ગોઠવવામાં ભૂલ થઈ ગઈ તો બધી નોટ પંદર રૃપિયાવાળી છપાઈ ગઈ.’

‘પંદર રૃપિયાની નોટ..?’

‘હા…. એક નોટ લઈને દુકાને છુટ્ટા લેવા ગયો તો દુકાનવાળો કે બોણીનો સમય છે. વળી કોરોનાને કારણે ધંધો સાવ ઠપ છે. તમને વાંધો ન હોય તો એક રૃપિયો વટાવ લઉં?’

‘બરાબર છે…’

‘પેલા ગ્રાહકે વટાવ લેવાની હા પાડી તો દુકાનદારે સાત-સાત રૃપિયાની બે નોટ આપી.’

‘સાત રૃપિયાવાળી નોટ…?’

‘દુકાનદાર પણ આત્મનિર્ભર થઈ ગયો હતો.’ મેં વાત પુરી કરી.

‘અત્યારે વળી કોનો ફોન હશે?’ લેન્ડલાઈનમાં રિંગ વાગવાથી પત્નીએ પ્રશ્ન કર્યો.

‘હું જ ઉપાડું છું. એકાદ મિત્રનો જ હશે.’ મેં ફોન તરફ ગતિ કરી.

‘તમારા મિત્રો હવે એકબીજાને ફોનમાં જ મળે છે, કારણ લૉકડાઉન.’

‘હલ્લો…’ મેં ફોન ઉપાડ્યો.

‘ભોગીલાલ બોલું છું.’ ભોગીલાલે ફોનમાં કહ્યું.

‘બોલ ભાઈ બોલ…’

‘શાંતિલાલના સમાચાર મળ્યા…?’

‘હા.. હું તારા ભાભીને એ જ વાત કરતો હતો. શાંતિલાલે આ ઉંમરે અશાંતિ ઊભી કરી.’

‘ના હવે ફરી શાંતિ થઈ ગઈ છે.’ ભોગીલાલે કહ્યું.

‘કેવી રીતે?’

‘મેં શાંતિયાને ફોન કરીને કહ્યું કે, તું જો આ ઉંમરે શાંતિભાભીને છૂટાછેડા આપીશ તો તે જ દિવસે વાસુદેવ વાંઢો ભાભી સાથે લગ્ન કરી લેશે.’

‘પછી?’

‘શાંતિલાલે ગભરાઈને પૂછ્યું કે વાસુદેવ મારી પત્ની સાથે શા માટે પરણે? એટલે મેં કહ્યું કે મોદીસાહેબે કહ્યું છે કે લોકલ માટે વોકલ બનો. વાસુદેવ મને કહેતો હતો કે મને કોઈ સ્થાનિક પાત્ર મળે તો હું પરણવા તૈયાર છું અને આખી જિંદગી બીજાના મોઢે પત્નીનાં વખાણ કરવા પણ તૈયાર છું.’

‘વાહ… તેં સરસ આઇડિયા માર્યો.’ મેં કહ્યું.

‘મેં વાસુદેવને સમજાવી દીધો કે શાંતિલાલ તને પૂછે તો કહેજે કે હું શાંતિભાભીને પરણવા તૈયાર છું.’

‘વાહ ભોગીલાલ વાહ…’

‘શાંતિલાલનો લેંઘો પલળી ગયો અને તરત જ પત્નીની માફી માગી લીધી, કારણ પુરુષનો સ્વભાવ મુકેશજીના પેલા ગીત જેવો હોય છે.’

‘કયુ ગીત?’

‘તુમ અગર મુઝકો ન ચાહો તો કોઈ બાત નહીં, તુમ કીસી ગેર કો ચાહોગી તો મુશ્કીલ હોગી.’ ભોગીલાલે શાંતિપુરાણ પૂરું કર્યું.

‘તને શું લાગે છે ભોગીલાલ, આ કોરોના જશે કે નહીં?’

‘હમણા જશે નહીં. આ કોરોના નથી, પણ કાળીનાગ છે. એ કૃષ્ણજન્મ થયા પછી ભગવાન નાથી દેશે.’ ભોગીલાલે આગાહી કરી.

‘શ્રાવણ મહિના સુધી સહન કરવું પડશે?’ મેં નિશ્વાસ નાખ્યો.

‘સૈફ અલી ખાન કહેતા હતા કે કોરોના અને કરીના બંને સરખા છે. મને પહેલા હતું કે કંટ્રોલ કરી લઈશ, પણ હવે એમ લાગે છે કે એની સાથે એડજસ્ટ કરીને જીવતાં શીખી જવું પડશે.’

‘સૈફ અલી ખાનને ભલે કોરોના પત્ની જેવો લાગે, પરંતુ મને તો કોરોના અને પત્નીમાં મોટો તફાવત દેખાય છે.’ મેં કહ્યું.

‘એ કેવી રીતે?’ ભોગીલાલને રસ પડ્યો.

‘કોરોનાથી ગભરાવાનું નથી, પરંતુ લડવાનું છે અને પત્નીથી લડવાનું નથી, પરંતુ ગભરાવાનું છે. ‘ મેં કહ્યું.

‘મિત્રોને હસાવવા માટે જોક ફેંકવાનું

બંધ કરો, તમે ત્રીસ વરસમાં ક્યારેય ગભરાયા છો ખરા?’ પત્નીએ વાત સાંભળીને સવાલ કર્યો.

‘ભાભી શું કહે છે?’ ભોગીલાલે ફોનમાં પૂછ્યું.

‘એ એમ કહે છે કે જોક મારવાનું બંધ કરો, તમે ક્યારેય મારાથી ગભરાયા નથી.’

‘ઠીક ત્યારે ફોન મૂકું છું. આજે વિજયભાઈ રૃપાણી બધા કલેક્ટર અને કમિશનર સાથે મિટિંગ કરીને ગાઈડલાઈન બહાર પાડવાના છે.’

‘કેન્દ્ર સરકારે કહ્યું કે, રાજ્ય સરકાર કહેશે અને રાજ્ય સરકાર કહે છે કે, કલેક્ટર અને કમિશનર કહેશે. જે કહે તે પણ હવે થોડી છૂટછાટ મળે તો સારું, કારણ છેલ્લા ચોપન દિવસથી નજરકેદ છીએ.’ મેં બળાપો કાઢીને ફોન મુકી દીધો. પત્નીએ ટીવી ચાલુ કર્યું અને નવી જાહેરાત સાંભળવા માટે અમે ટીવી સામે ગોઠવાયા.
————–

જગદીશ ત્રિવેદીહસતાં રહેજો રાજ.
Comments (0)
Add Comment