જીવનનો પહેલો પ્રેમ ભૂલવો ક્યાં આસાન હોય છે?

કદીક ભીતરની વ્યથા છૂપાવવા માટે પણ માનવી હસતો હોય છે
  • નીલમ દોશી   હરીશ થાનકી

‘એક અધૂરી વાર્તા’ નવલકથા – પ્રકરણ-૧૪
વહી ગયેલી વાર્તા
ડૉ. કુલદીપ દેશના અગ્રગણ્ય વિજ્ઞાની. તેઓ લેબોરેટરીમાં આબેહૂબ માનવ જેવી ઇવા રૉબોટનું સર્જન કરે છે. એક દિવસ કુલદીપ અને ઇવા વચ્ચે જોબ કરવાના મુદ્દે રકઝક થાય છે અને કુલદીપ અધિકાર ભાવથી ઇવાને જોબ કરવાની ના પાડે છે. ઇવાને લાગે છે કે કુલદીપ તેના પ્રેમમાં છે. ઇવાના મનમાં પણ કુલદીપ માટે પ્રેમના અંકુર ફૂટે છે. કુલદીપને આ વાતની જાણ થતાં તે ઇવાનો પ્રેમ નકારી દે છે. ઇવાને આ વાતનો ગુસ્સો ચઢે છે અને તે અન્ય જગ્યાએ એસ્કોર્ટ ગર્લ તરીકે નોકરી કરવા લાગે છે. ઇવા ડૉ. કુલદીપને કશું કહ્યા વિના જતી રહે છે. ઇવાને શોધવા કુલદીપ કામે લાગે છે. તે જૂની મેમરી ડિલીટ કરી નવી મેમરી ઉમેરવાનો વિચાર કરે છે. સોફ્ટવેરમાં ફેરફાર કરવા મહેનત કરે છે, પણ પ્રયાસ નિષ્ફળ જાય છે. ઇવા કુલદીપના મિત્ર આકાશ મલ્હોત્રાની પર્સનલ સેક્રેટરી બની જાય છે. આકાશ અને ઇવાને એકબીજાની કંપની ગમવા લાગે છે. ઇવા આકાશની પત્ની બનવાના સપના જોવા લાગે છે, પણ આકાશ ઇવાને લગ્ન કરવાની ના પાડી દે છે. ઇવા ઉશ્કેરાઈને ગેરકાનૂની કામ કરતા આરીફ નામના માણસના સંપર્કમાં આવે છે. આરીફ ઇવાના નામે નકલી દવાનો બિઝનેસ શરૃ કરે છે. એક દિવસ આ નકલી દવાના વ્યાપારનો ભાંડો ફૂટે છે. આરીફ અને ઇવા અમદાવાદ ભેગાં થઈ જાય છે. જોકે, આરીફ અને તેના સાગરીતો ઇવાનું અપહરણ કરી તેની પાસે બોમ્બ વિસ્ફોટ કરાવવાનું કાવતરું ઘડે છે. ડૉ. કુલદીપ ઇવાને શોધવા ડૉ. રંગનાશનની મદદ લે છે. રંગનાથનની મદદથી ઇવાના સોફ્ટવેર દ્વારા તે ઇવાના મનના વિચારો જાણે છે. કુલદીપ મોટી દુર્ઘટના થતી અટકાવવા ઇવાના સિસ્ટમને ડિફ્યુઝ કરી દે છે. ડૉ. કુલદીપ  ઘણા દિવસો બાદ ઑફિસ જાય છે. તેની સેક્રેટરી આયના તેને આવકારે છે. મન હળવું કરવા કુલદીપ આયના સાથે ડિનર પર જાય છે. બીજી બાજુ ઝાયેદ નામનો શખ્સ મુંબઈ પહોંચે છે. ઝાયેદ મોના નામની યુવતીને મળે છે. બંને હોટેલ પર જાય છે. ઝાયેદ ફ્રેશ થવા જાય છે. એટલી વારમાં મોના આકાશ મલ્હોત્રા અને રાજન વકીલ નામની વ્યક્તિઓના વિચારોમાં ખોવાઈ જાય છે અને ભૂતકાળને વાગોળવા લાગે છે. અચાનક ઝાયેદને ફોન આવે છે કે તેના અબ્બા જન્નતનશીન થયા છે તેથી ઝાયેદ મોનાને હોટેલ પર છોડી ઘરે જવા નીકળે છે. મોના રાજનને ફોન કરી ઝાયેદ ઘરે જવા નીકળ્યો છે તેવી માહિતી આપે છે.

હવે આગળ વાંચો…

કુલદીપ, આપણે શહેરની બહાર હાઈવે પર નીકળી ગયા છીએ હોં. વાતોમાં તું રસ્તો તો નથી ભૂલ્યો ને?’

ના, એટલિસ્ટ આજે તો સાચો રસ્તો જ છે.

આપણે કઈ તરફ જઈ રહ્યાં છીએ?’

આ ગાડી લઈ જાય એ તરફ..

ગાડી એની જાતે નથી જતી. એના જવાનો આધાર એના ચલાવનાર પર, એના ડ્રાઇવર પર હોય છે.

હા, એ વાત પણ સાચી.

એની વે…મે આઇ નો કે આપણે કઈ તરફ જઈ રહ્યાં છીએ?’

વાત ચાલુ રાખવાના ઇરાદા સાથે જ આયનાએ પ્રશ્ન કર્યો. બાકી કુલદીપ જ્યાં લઈ જાય ત્યાં જવા એ તૈયાર જ હતી. વરસોથી મનોમન કુલદીપને ચાહતી આયના કોઈ ઉતાવળ કરીને હાથમાં આવેલી તક ગુમાવવા નહોતી માગતી.

કેમ, મારા પર વિશ્વાસ નથી?’

વિશ્વાસ? મને તો ક્યારેક મારી જાત પર પણ વિશ્વાસ નથી હોતો. જેની પર અખૂટ વિશ્વાસ રાખ્યો હોય ત્યાંથી નિરાશા સાંપડે પછી બીજી વાર વિશ્વાસ રાખવો સહેલો નથી હોતો.

યુ આર રાઇટ. આયના, જીવનમાં કડવા, મીઠા અનુભવો તો થતા રહેવાના. એનું નામ જ કદાચ જિંદગી હશે. એ અનુભવો કદીક આપણામાં કશુંક ઉમેરતા પણ હોય છે, તો કદીક આપણામાંથી કશુંક બાદ પણ કરતા રહે છે.

કુલદીપ આજે અનાયાસે જાણે ફિલોસોફર બની ગયો હતો.

કુલદીપ, તમને આટલું સરસ બોલતા આવડે છે એની મને તો જાણ જ નહોતી.

અને તારા મનમાં આવી કોઈ ઉદાસી, કોઈ પીડા ધરબાયેલી છે એની મને પણ જાણ ક્યાં હતી? મેં તો તને હંમેશાં હસતી, ગાતી બોલ્ડ અને બિન્દાસ જ જોઈ છે.

કદીક ભીતરની વ્યથા છૂપાવવા માટે પણ માનવી હસતો હોય છે, કદાચ વધારે પડતો હસતો હોય છે. જે નથી એ બતાવવાના પ્રયત્નો કરવામાં કેટલા મહોરા ઓઢવા પડતા હોય છે.

આયના, ક્યારેક એવું નથી થતું કે કોઈ એકાદ પાસે તો આપણે એ મહોરા ઉતારીને જેવા છીએ એવા જ દેખાઈએ. એવું જ જીવીએ.

હા કુલદીપ, એક આદર્શ તરીકે એ બહુ મજાની વાત છે, પણ જીવનમાં દરેક આદર્શ શક્ય ક્યાં બનતા હોય છે?’

કદાચ આપણે કોઈ એ માટે પૂરતો પ્રયાસ જ ન કરતા હોઈએ એવું પણ બને ને?’

હા, એ પણ ખરું. કુલદીપ, એકાદ વ્યક્તિના જવાથી જીવન કેમ અટકી જતું….

બોલતાં બોલતાં આયનાની આંખ અને અવાજમાં શ્રાવણી વાદળો વરસી રહ્યાં. આમેય આયના કૉલેજના નાટકમાં બેસ્ટ એક્ટ્રેસનું ઇનામ જીતી ચૂકી હતી.

કુલદીપે અચાનક જોશથી બ્રેક મારી અને બાઘાની જેમ આયના સામે જોઈ રહ્યો. આયનાની આંખમાં આંસુ?

આયના, સોરી, મેં તને અતીતની કોઈ પીડાજનક વાતની યાદ કરાવીને દુઃખી કરી દીધી.

નો નીડ ઓફ સોરી. ઇટ્સ ઓકે..કહેતાં આયનાએ આંખ અને ચહેરા પર રૃમાલ ફેરવ્યો.

આર યુ ઓલ રાઈટ આયના?’ કુલદીપ ભાવુક બની ઊઠ્યો હતો.

યેસ કુલદીપ, ડોન્ટ વરી..

કુલદીપે ફરી એકવાર એક્સેલેટર પર પગ દબાવ્યો. થોડી વાર બંને નિઃશબ્દ બની રહ્યાં. મિનિટોમાં ગાડી સાગર રિસોર્ટ પાસે ઊભી ત્યારે કુલદીપ આયનાની વાત જાણવા આતુર હતો અને આયના પાસે કુલદીપને કહેવા માટે કોઈ સાચી વાત નહીં, પરંતુ એક સ્ટોરી જરૃર તૈયાર હતી.

શું હતું એ સ્ટોરીમાં..?

એક જોરદાર બ્રેક સાથે ગાડી સાગર રિસોર્ટ પાસે આવીને ઊભી. કુલદીપની સાથે ધીમે પગલે આયના ઊતરી ત્યારે કુલદીપને શું કહેવું એ ઘટના તેના મનમાં આકાર લઈ ચૂકી હતી. તે જાણતી હતી કે આજે કુલદીપ વાતનો પીછો છોડવાનો નથી અને એ પીછો છોડે એવું પોતે ઇચ્છતી પણ ક્યાં હતી? હકીકતે એ પીછો ન છોડે એ માટે જ તો પોતે આ બધી પૂર્વભૂમિકા રચી હતી. પોતે કશુંક કહે તો કદાચ કુલદીપના ભીતરના બંધ કમાડ પણ ખૂલી શકે અને પોતે એમાંથી અંદર પ્રવેશ કરી શકે. વરસોથી કુલદીપ માટે અંતરમાં પ્રેમ સંઘરીને બેસેલી એ કદાચ એક વિજોગણ હતી. એક આસિસ્ટન્ટની હેસિયતથી સતત કુલદીપની સાથે રહેવાનું, એને દિલથી ચાહવાનું અને છતાં એનાથી દૂર જ રહેવાનું.. આ બધું કંઈ એને માટે સહેલું નહોતું જ, પણ આયના જેનું નામ..એને તો અઘરાં કામોથી લગન હતી..જીવનમાં આવતી ચેલેન્જ ઉપાડવા એ સદા તત્પર.

કારમાંથી ઊતરીને રિસોર્ટ સુધી ચાલતા ચાલતા આયનાના મનમાં અનેક વાત આકાર લઈ રહી હતી. અત્યારે કુલદીપને કોઈની જરૃર વર્તાતી હતી એટલું તો એ આસાનીથી સમજી ચૂકી હતી. અલબત્ત, એના કારણની ભલે એને જાણ નહોતી પણ લોઢું ગરમ હતું. અત્યારે જો યોગ્ય રીતે ઘા મારી શકાય તો એ જરૃર કોઈ આકાર પામી શકે અને….અને…..

આયના આગળ કશું વિચારે એ પહેલાં બંને રિસોર્ટના એક ખૂણાના ટેબલ પર ગોઠવાઈ ચૂક્યાં હતાં. બંને મૌન હતાં. કદાચ પોતપોતાના વિચારોમાં મશગૂલ…

આથમતા સૂરજનાં છેલ્લાં કિરણો પૃથ્વીને અલવિદા કરી રહ્યાં હતાં. કુલદીપે મેનુ આયના સામે સરકાવ્યું હતું.

કુલદીપ, તમને ઠીક લાગે તે ઓર્ડર કરી દો.. આજે મને એવો કોઈ મૂડ નહીં આવે.

ઓકે. એઝ યુ વિશ.

આ પળે દલીલ કરવી કુલદીપને યોગ્ય ન લાગી. આયનાના મનની વાત જાણવા એ અધીરો થયો હતો.

સ્ટાર્ટર તરીકે હોટ એન્ડ સોવર સૂપ અને સ્પ્રિંગ રોલ્સનો ઓર્ડર કર્યા બાદ કુલદીપે ધીમેથી આયનાના હાથ પર પોતાનો હાથ મૂક્યો.

આયના, ઇફ યુ વૉન્ટ.. અને હું તને યોગ્ય વ્યક્તિ લાગતો હોય તો તું તારી પીડા મારી સાથે શેઅર કરી શકે છે. હું કદાચ કંઈ હેલ્પ નહીં કરી શકું તો પણ કોઈ મિત્રને કહેવાથી દિલ હળવું તો જરૃર થશે.

યેસ કુલદીપ યુ આર રાઇટ અને ઠલવાવા માટે તમારાથી વધારે સારો મિત્ર મને કોણ મળવાનો હતો?’

જો તું મને મિત્ર માનતી હોય તો તમે સંબોધનની જરૃર નથી.

ઓકે..સર.

અત્યારે હું તારો સર નથી. વી આર ફ્રેન્ડ્ઝ. નથિંગ એલ્સ.

થેન્ક્સ સર..સોરી થેન્ક્સ કુલદીપ.

ધેટ્સ લાઇક અ ગુડ ગર્લ.

હવે બોલ..

આયના એકાદ પળ મૌન રહી..

આયના.. ગઈકાલે કૉફીહાઉસમાં અચાનક જ તારા ચહેરા પર છવાઈ ગયેલી ઉદાસીનું કારણ કહી શકીશ મને? તારા અંતરની વાત મારી સાથે પૂરા વિશ્વાસથી શેઅર કરીશ તો મને ગમશે.‘ 

 ‘હવે વધારે રાહ જોવડાવવી યોગ્ય નથી. એવું લાગતાં આયનાએ શરૃ કર્યું. 

 ‘કુલદીપ, એનું નામ રણવીર હતું.  અમે બંને એક જ કૉલેજમાં સાથે ભણતાં હતાં. અમે બહુ સારા મિત્રો હતાં. એકમેકને સારી રીતે સમજતાં હતાં. કૉલેજ સિવાયના સમયમાં પણ અમે સાથે રખડતાં. રોજ એકાદ પિરિયડ બંક કરી આપણે ગઈકાલે જે કૉફીશોપમાં ગયા હતા ત્યાં એ મને લઈ જતો. એ અમારી માનીતી જગ્યા હતી.  કદાચ એટલે જ કાલે હું અપસેટ થઈ ગઈ હતી. કુલદીપ, રણવીરને હું કદી ભૂલી

શકી નથી. લાખ કોશિશ પછી પણ.. જીવનનો પહેલો પ્રેમ ભૂલવો ક્યાં આસાન હોય છે?’

કુલદીપનો હાથ અનાયાસે આયનાના હાથ પર જોશથી દબાયો. પોતાનાથી પણ  જીવનનો પહેલો પ્રેમ આજ સુધી ક્યાં ભૂલી શકાયો હતો?

કુલદીપના ચહેરાના હાવભાવ નીરખતા, એને ઉકેલવાનો પ્રયત્ન કરતાં-કરતાં આયનાએ પોતાની મનઘડંત વાત આગળ ચાલુ રાખી.

કુલદીપ, રણવીર એકદમ સંવેદનશીલ હતો. નાની-નાની ઘટનાઓ પર વ્યથિત થઈ જવું અને કદીક બહુ જ ક્ષુલ્લક ઘટનાઓ પર ખુશખુશાલ થઈ ઊઠવું એ તેનો સ્વભાવ હતો..એ હંમેશાં કહેતો કે,

આયના, જિંદગી એક પળથી વધુ કઈ જ નથી. આ પળ, આ ક્ષણ એ જ લાઈફ છેહું આવતીકાલમાં નથી માનતો. આવતીકાલ એક સપનું છે અને સપનાને એક ટેવ હોય છે..તૂટી જવાની..

ફાઇનલ યરમાં પહોંચ્યા ત્યારે એણે મારી પાસે પહેલી વખત પ્રેમનો એકરાર કરેલો..હું તો આ ક્ષણની રાહ જોઈને બેઠી હતી. એ જ કૉફીહાઉસમાં એણે મને પહેલી વાર પ્રપોઝ કર્યું હતું.

આયના, આઇ રિયલી લવ યુ. વીલ યુ મેરી મી?’

અને એ પળે આખું આકાશ મારી મુઠ્ઠીમાં સમાઈ ગયું હતું.. મારી આંખોમાં મેઘધનુષી સમણાં ઊગી નીકળ્યાં હતાં.બોલતાં બોલતાં આયનાના અવાજમાં એક કંપન ભળી રહ્યું. જાણે તેના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. કુલદીપે આયનાના હાથ પર પોતાનો હાથ મૂકી તેને આશ્વસ્ત કરવાનો પ્રયાસ કર્યો. આયનાએ આભાર ભરી નજરે કુલદીપ સામે જોયું.

આયનાએ વિચાર્યું. હવે ક્લાઇમેક્સમાં સંભાળવાનું હતું. અવાજમાં થોડી ભીનાશ ઉમેરવી જરૃરી હતી.

કુલદીપ, વધારે વિગતમાં નહીં ઊતરું. એ બધી લાગણીઓ, એ સમયને શબ્દોમાં નહીં ઝીલી શકાય.

આઇ કેન અંડરસ્ટેન્ડ આયના..પછી કોઈ પ્રોબ્લેમ આવ્યો?’

એ જ કહું છું. કુલદીપ, નિયતિને કદાચ અમારો સાથ મંજૂર નહોતો કે પછી મારા નસીબમાં કંઈક બીજું લખાયેલું હશે. ખબર નથી, પણ ફાઇનલ યરનું રિઝલ્ટ આવે અને અમે કશું નક્કી કરીએ તે પહેલાં જ અમારે અલગ થવાનું આવ્યું. વિધાતાએ રણવીરને  છીનવી લીધો. મુંબઈ પૂણે હાઈવે પર એક અકસ્માતમાં રણવીર કાયમ માટે….

કહેતાં આયનાની આંખ છલકી ઊઠી. આયના કંઈ જેવી-તેવી અભિનેત્રી થોડી હતી? હકીકતે ન જાણે કેમ પણ રણવીરના મોતની કલ્પના આયનાને સાચુકલુ રડાવી રહી. રણવીર એના સ્નેહનું પાત્ર તો હતો જ… એના મૃત્યુની કલ્પના એને ગમી નહીં, પણ અત્યારે કદાચ કોઈ અસરકારક વાત જરૃરી બની હતી અને આનાથી અસરકારક આ ક્ષણે બીજું કશું સૂઝયું નહીં. એટલે

જે મનમાં આવ્યું એ બોલી તો ગઈ, પણ બોલાઈ ગયા પછી થોડી અસ્વસ્થ બની રહી. પોતે રણવીર વિષે આવું કેમ વિચારી શકે

ભીની આંખે આયના થોડી પળો મૌન બની રહી. કુલદીપ સ્તબ્ધ બની આયના સામે જોઈ રહ્યો.

ઓહ..નો..કુલદીપના ગળામાંથી ઉદ્ગાર સરી પડ્યા. આયનાના સંજોગો પણ પોતાના જેવા જ? આયના માટે  સહાનુભૂતિનું મોજું એના દિલમાં ઊછળી રહ્યું. સમદુખિયા હોવાનો નાતો આપોઆપ બંધાઈ ગયો. આજ સુધી આયના પાસે હોવા છતાં એની પીડાને તે કદી ઓળખી શક્યો નહીં. એ તો બસ આસપાસ કોઈ નજર નાખ્યા સિવાય પોતાના કામમાં અને માત્ર કામમાં જ રચ્યો પચ્યો રહ્યો?

 થોડી પળ મૌન છવાઈ રહ્યું. કુલદીપનો આયનાના હાથ પર મુકેલો હાથ વધુ હૂંફાળો  બની રહ્યો. બે સમદુખિયાની લાગણી એ સ્પર્શમાં નીતરતી રહી.

વેઇટર આવીને સૂપ અને સ્ટાર્ટર મૂકી ગયો.

કુલદીપે આયના તરફ સૂપનો બોલ સરકાવ્યો.

આયના..ફરગેટ એવરિથિંગ..ફરગેટ પાસ્ટ..એવું કહેવું જોઈએ, પણ આ પળે નહીં કહું. કેમ કે પોતાની અતિ પ્રિય વ્યક્તિને ખોવાની પીડા હું અનુભવી શકું છું આયના, બરાબર સમજી શકું છું.કહેતા કુલદીપનો અવાજ આપોઆપ ગળગળો બની ગયો.

કુલદીપ, મારી વ્યથાથી તમે..તું આટલો અસ્વસ્થ બની જઈશ એવી મને કલ્પના હોત તો હું તને…

નહીં આયના, ઇટ્સ ઓકે.

કુલદીપ, પૂરી નિખાલસતાથી સાવ સાચી વાત કહું? આજ સુધી મેં જે વાત કોઈને જ નથી કરી એ મેં આજે તારી સાથે શેઅર કરી છે. હવે મિત્ર બન્યા પછી આપણી વચ્ચે કોઈ વાત ખાનગી નથી, ન હોવી જોઈએ. કુલદીપ, તું પણ હવે મને કોઈ પણ વાત કહી શકે છે.

આયના, હું પણ તારા જેવી જ સ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યો છું.

મારા જેવી જ મીન્સ?’

કુલદીપના મનની વાત જાણવા આયના એકદમ અધીર હતી, પરંતુ પોતાની ઉત્સુકતા બહાર છલકી ન જાય તે બાબતે સાવધાન આયના અવાજમાં બને તેટલી સહજતા જાળવીને ધીમેથી બોલી,

કુલદીપ, તું મને એ વાત કહી શકીશ?’ પોતાની હથેળી પર રાખેલા કુલદીપના હાથ પર પોતાનો બીજો હાથ મૂકતા આયનાએ કહ્યું.

તારા સિવાય કહું પણ કોને?’

એક-બે પળ મૌન રહ્યા બાદ ધીમેથી કુલદીપે વાત શરૃ કરી.

આયના, તારી જિંદગીમાં જેમ રણવીર હતો એમ જ મારી જિંદગીમાં..જાનકી હતી. યેસ જાનકી, જેને હું દિલોજાનથી પ્રેમ કરતો હતો. અમારી સગાઈ પણ થઈ ચૂકી હતી. જાનકી મારો પ્રાણ, મારી જિંદગી હતી. આયના, એના વિના હું કદાચ આજે પણ અધૂરો છું.

કુલદીપ, એ અધૂરપ પૂરી કરવા હું ઝંખું છું. આયના મનમાં જ બોલી રહી.

પછી શું થયું કુલદીપ?’

કદાચ તારી, મારી કહાની, તારી મારી નિયતિ એક સરખી છે આયના…એ દિવસે અમારી સગાઈ થઈ હતી. ઘરમાં બંને પક્ષમાં બધા ખુશ હતા. મા વહુના કુમકુમ પગલાં ઘરમાં કરાવવા આતુર હતી. અને…

અને..કહેતા કુલદીપનો અવાજ સહેજ ભીંજાયો.

આયનાએ પાણીનો ગ્લાસ કુલદીપના હાથમાં મૂક્યો.

કુલદીપે પાણીનો ઘૂંટડો ધીમેથી ગળે ઉતાર્યો.

આયનાએ પ્રશ્નાર્થ નજરે કુલદીપ સામે જોયું.

આયના, સગાઈ પછી એ દિવસે પાછા ફરતા અમે બધા કેટલા ખુશખુશાલ હતા, પણ તારી જેમ જ વિધાતાને કદાચ અમારો સાથ પણ મંજૂર નહોતો. એક કપરી ક્ષણ..અને મારા જીવનનાં બધાં સમીકરણો પલટાઈ ગયા. એક અકસ્માત અને જાનકી અને મારા પિતા બંને કાળના ખપ્પરમાં હોમાઈ ગયા. વહુનાં કુમકુમ પગલાં ઘરમાં કરાવવા આતુર મારી માના કપાળનું કુમકુમ ભૂંસાઈ ગયું. અને….

હવે ગળગળા થવાનો વારો કુલદીપનો હતો, પણ એમાં આયનાની જેમ કોઈ અભિનય નહોતો.

આયના કુલદીપ સામે જોઈ રહી. તેના હાથનો સ્પર્શ કુલદીપને હૂંફ આપવા મથી રહ્યો. કુલદીપના નકાર પાછળના સાચા કારણની આજે જાણ થતાં આયના સ્તબ્ધ બની ગઈ હતી. બંને ક્યાંય સુધી મૌન બેસીને એકમેકની હૂંફમાં ઓગળી રહ્યા.

* * *

એમ.ડી.આર. કૉલેજ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટૅક્નોલોજીના પ્રિન્સિપાલ માંકડ પોતાની ચેમ્બરમાં કોઈ રજિસ્ટર ચેક કરી રહ્યા હતા ત્યારે તેની સામે બેઠેલા પ્રોફેસર રાજેન વકીલે હળવેથી પોતાના કપાળ પર આવેલા પરસેવાના રેલાને રૃમાલથી લૂછ્યો અને પછી મનમાં બબડ્યો. આ માંકડનો બચ્ચો એની ચેમ્બરનું એ.સી. શા માટે બંધ રાખતો હશે? બહુ ગરમી સહન ન કરી શકવાની પોતાની નબળાઈ પર તેને ફરીથી ગુસ્સો આવ્યો. ગુસ્સામાં તેણે કદાચ વીસમી વાર રૃમાલ વડે પોતાનું કપાળ લૂછ્યું. સામે બેઠેલા પ્રિન્સિપાલ માંકડે છેવટે રજિસ્ટર બંધ કરી રાજેન સામે જોઈ પૂછ્યું,

બોલો, શું કામ હતું..?’

સર, આ વખતે ફર્સ્ટ સેમના સ્ટુડન્ટ્સ માટે એક્સ્ટ્રા ટ્યુટોરિઅલ્સ લેવા પડશે. હજુ ઘણો કોર્સ બાકી છે.

કેમ કોર્સ બાકી રહી ગયો?’

એન્યુઅલ ફંક્શનની તૈયારીમાં બહુ સમય આપવો પડ્યો.

એ તો ઠીક છે, પણ તમે આ વખતે રજાઓ પણ બહુ લીધી છે.

આઇ  એગ્રીડ, પણ મારે કામ એવા આવી ગયા કે ન છૂટકે મારે..

ઓકે..ઓકે..બહુ ખુલાસાની જરૃર નથી. તમે ઇલા મેડમ સાથે મળી એક્સ્ટ્રા પિરિયડ ગોઠવી લેજો. નોટિસ પ્રિપેર કરી મારી સાઇનમાં મોકલજો. બોલો, એનિથિંગ મોર..

નો સર..થેંક્યુ સર..ઊભા થતાં રાજેન બોલ્યો અને ફરીથી એક વખત તેણે કપાળ પર આવેલો પરસેવા પર જોરથી રૃમાલ ઘસ્યો.

બહાર આવી રાજેને સીધો મોનાને ફોન લગાડ્યો. કદાચ તેની પાસે ઝાયેદના કોઈ સમાચાર આવ્યા હોય તો જાણવા મળી શકે, પણ ફોન લાગતાં જ મોના બોલી ઊઠી.

સોરી રાજેન, ઝાયેદ તેના અબ્બાના ફ્યુનરલમાં ગયો એ પછી તેના કોઈ સમાચાર નથી. મને લાગે છે કે એ એમાંથી ફ્રી થશે  પછી જ મારો કોન્ટેક્ટ કરશે. (ક્રમશઃ)
———————————-

Comments (0)
Add Comment