- વ્યંગરંગ – કલ્પના દેસાઈ
ફેબ્રુઆરી પૂરો થવા આવે ત્યારે આ સવાલ પૂછવાનો હોય જ નહીં, પણ જ્યાં ને ત્યાં ‘શ્યોર સજેશન’ ને ‘એક મહિનામાં રિવિઝન’નાં પાટિયાં ઝૂલતાં હોય ત્યારે ઘેર ઘેર ‘શ્યોર સજેશન્સ’ આપવા પહોંચી જનારાઓ માટે તો આ જ સવાલ મુખ્ય હોય. કોને ત્યાં દસમા કે બારમામાં ભણતાં લાડકડાં બાલુડાં છે? કોના ઘરમાં માબાપ ગુજરાતીમાં ભણ્યાં છે ને એમનાં સન/સની અંગ્રેજીમાં ભણે છે? કોના માથે પહાડ તૂટી પડ્યો ને કોનાં દુઃખનો પાર નથી? એક તરફ ટીવીના રિપોર્ટરો લાચાર માબાપોના ને ભવિષ્યના ઝળહળતા સિતારાઓના ઇન્ટરવ્યૂ લેવામાંથી ઊંચા ન આવતા હોય ત્યાં પેલા સહૃદયી, પરોપકારી, પરદુઃખભંજક શ્યોર સજેશન્સવાળા પણ પોતાની એક માત્ર ફરજ બજાવવા પહોંચી જાય.
સવાલના નામ પર એ લોકો પાસે એક જ લાજવાબ સવાલ હોય, ‘પરીક્ષાની તૈયારી થઈ ગઈ?’ ખરેખર જેમની તૈયારી થઈ ગઈ હોવી જોઈએ તે બાળકો તો એમ પણ એમના સ્પેશિયલ રૃમમાં જલસા જ કરતા હોય, જ્યારે માથે પહાડ લઈને ફરતા માબાપના ચહેરા પર આખી પરીક્ષાનું ભૂત સવાર હોય. બંનેને પરીક્ષાનું ટાઇમટેબલ મોઢે હોય, એકના મનમાં રોજનું મેનુ રમતું હોય તો બીજાના મનમાં મોબાઇલથી માંડીને બેંકના કાર્ડના બૅલેન્સનો આંકડો ફરતો હોય. એકે મહિના સુધી સહાયક બહેનોને આજીજી સાથે ડબલ પગારે રોકી હોય તો બીજાએ ડ્રાઇવરને કે રિક્ષાવાળાને વચને બાંધ્યા હોય ત્યારે પરવારી ગયેલા પડોશી લહેરથી ગાતા હોય…’યે જીવન હૈ…ઈસ જીવનકા…યહી હૈ, યહી હૈ, યહી હૈ રંગરૃપ!’
છોકરાંની પરીક્ષાની તૈયારીમાં માબાપે હવે ટીવી બંધ કરવાની કે ફક્ત દૂરદર્શનની જ ચેનલો રાખવાની જરૃર નથી પડતી. સતત લાડલા કે લાડલીના હાથમાં રહી પોતાની સામે અટ્ટહાસ્ય કરતા મોટામાં મોટા દુશ્મન મોબાઇલના વિચારે એમનું દિમાગ ચકરાઈ જાય છે. નથી એમના હાથમાં એને જોઈ રહેવાતો કે નથી એમના હાથમાંથી એને લઈ/છીનવી લેવાતો! કેટલી મજબૂરી બિચારા માબાપની! તેમાંય માથું ખાવા કોઈ પણ ટાઈમે આવી રહેતા પરીક્ષાની તૈયારીનું પૂછવાવાળા! એવા સમયે તો મન થાય કે ઊંચકીને એમને ઘરની બહાર મૂકી આવે. મન તો થાય કે ઘરની બહાર બોર્ડ મારી દે, ‘એક મહિના સુધી ઘરમાં કોઈ મળશે નહીં. મહેરબાની કરીને કોઈએ આ મહિનામાં અમસ્તો જ ઊભરાતો પ્રેમ બતાવવાની તસદી ન લેવી.’
‘તોય? આવેલાને ખોટું ખોટું હસીને ‘આવો’ સિવાય બીજું શું કહેવાય?’
‘અરેરે! પરીક્ષા તમારી છે કે છોકરાંઓની? બંને જણ આમ સાવ નંખાઈ કેમ ગયાં છો? હું તો જાણવા જ આવ્યો છું કે કંઈ કામકાજ હોય તો કહેજો. પરીક્ષાની તૈયારી તો થઈ ગઈ છે ને બરાબર? પેપર બેપર જોઈતા હોય કે કોઈની ઓળખાણ જોઈતી હોય તો આપણને બેધડક કહેજો હોં. આપણી બધી સ્કૂલોમાં ઓળખાણ છે. આ તો તમે ઘરના એટલે મેકુ, પૂછતો આવું કે કોઈ કામ હોય તો મને યાદ કરજો.’
(બાપા, આવું જ કરવામાં એક વાર ઊંધા પડેલા. નથી જોઈતા કોઈ પેપર કે નથી જોઈતી કોઈ ઓળખાણ. તમતમારે સિધાવો ને હવે મહિના સુધી આ બાજુ ડોકાતા નહીં. અમારો છોકરો ફેલ થશે તો પણ ચાલશે, પણ તમે બીજી વાર નહીં દેખાતા.)
જાણે એમના જવાની જ રાહ જોઈ રહેલા બીજા હિતેચ્છુ અચાનક આવી ચડે. ‘શું…પછી? પરીક્ષાની તૈયારી થઈ ગઈ છે ને બરાબર? આજે તો ખાસ આ બાજુથી આવ્યાં કે પૂછતાં જઈએ કંઈ કામ બામ હોય તો. બાકી, આપણુ ઘર સ્કૂલની સામે જ છે તે તો તમને ખબર જ છે. તમારા હીરોને કે’જો કે બપોરે જમવા ઘરે આવી જાય. સાથે એના દોસ્તોને લાવશે તોય ચાલશે. આ તો શું, કે ઘરનું ખાવાનું મળે તો છોકરાંના મગજ સારા ચાલે!’ (એમનેમ તો જાણે એ બુદ્ધિનો બારદાન જ હશે! ભઈ, બુદ્ધિ તો મને તમારામાં ઓછી લાગે છે. આમ આખું વરસ મોં ન બતાવો ને અચાનક જ આ ટાઇમે જ ટપકો તે તમને અમારા ઊતરેલા ચહેરા પરથી અમારાં ઊંઘ-ચેન વેરણ બન્યાં છે તે નથી દેખાતું? જો વહેલા સિધાવો તો સારું નહીં તો જોયા જેવી થશે.)
આવા અણધાર્યા હિતેચ્છુઓ સિવાય પણ સતત દોડાવતી મોબાઇલની રિંગોમાં એક જ સવાલ…’પરીક્ષાની તૈયારી થઈ ગઈ?’
‘હા ચાલે છે.’
‘પાસ તો થઈ જશે ને?’ (ના રે, એ તો સાવ ડોબી છે. કહે છે કે માસીએ જો ભણાવ્યું હોત તો હું મેરિટમાં આવી શકું એમ છું.)
કોઈ વળી દોઢ હોય તે ઉમેરે…’પરીક્ષાની તૈયારી થઈ ગઈ? તમારી પૂછું છું હો.’ (હી હી હી…)
(હવે શું હીહી કરો છો? તમારાં છોકરાં સાચવો જાઓ. એક વાર પરીક્ષા પતવા દો પછી તમને જોઈ લઈશ.)
હે દુનિયાના પરમ હિતેચ્છુઓ…કોઈ તો દયા ખાજો રે આ માબાપોની!
—————————-