દુઃખી થવાની કળા

'જ્યારથી બે પાંદડે થયો છું ત્યારથી મરવા ઉપરથી મન ઊઠી ગયું છે.'
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

દુનિયાનો દરેક માણસ સુખની પ્રાપ્તિ માટે મહેનત કરે છે. જોકે આપણા પ્રાચીન ભજનમાં તો એમ કહ્યું છે કે, ‘સુખ ઉપર પથરા પડો, રામહૃદયસે જાય, એથી તો દુઃખ ભલું કે પલપલ હરિ ભજાય’ પરંતુ એ સંતવાણી છે. સંતોની દુનિયા સાવ જુદી છે. અત્યારના સંતોની વાત નથી, કારણ અત્યારે તો સંતો જે સુખ ભોગવે છે તે ઉદ્યોગપતિઓને પણ નસીબમાં નથી. સુખ માટે દરેક મનુષ્ય પ્રયત્ન કરે છે. કોઈ આપઘાત કરે તો પણ સુખ માટે જ કરે છે. એને એવો વહેમ છે કે આપઘાત કરવાથી પીડામાંથી છુટકારો મળે અને સુખી થઈ શકાય, પરંતુ એ ખોટનો સોદો છે, કારણ મરનાર તો કદાચ છૂટી જશે, પરંતુ એના સ્વજનોને આજીવન દુઃખી કરતો જશે એ વાજબી નથી.

આપણા વિદ્વાનોએ ‘સુખ’ શબ્દની વ્યાખ્યા કરવા માટે ખૂબ દુઃખ વેઠ્યું છે અને ઘણા વ્યાયામ પછી વિદ્વાનો સુખની વ્યાખ્યા કરવામાં સફળ થયા છે. જો તમે ડૉક્ટરની પાછળ દોડતાં ન હોય અને પોલીસ તમારી પાછળ દોડતી ન હોય તો એનું નામ સુખ છે.

‘જય માતાજી ચંદુભા…’ ભોગીલાલે ચંદુભાની ચાની હોટલમાં પ્રવેશ કર્યો.

‘જય માતાજી ભોગીલાલ… આવ ભાઈ આવ.’ ચંદુભાએ મીઠો આવકાર આપ્યો.

‘બાપુ… સુખી તો છો ને?’

‘હું સુખી છું કે દુઃખી એ વિચારવાનો પણ સમય મળતો નથી.’

‘આપની સક્રિયતા જ એવી છે કે આપને વિચારવાનો પણ વખત આપે એમ નથી.’

‘હું જુવાન હતો ત્યારે બેકાર હતો. એ વખતે દિવસમાં ત્રણ વખત મરી જવાના નબળા વિચાર આવતા હતા.’

‘અને હવે?’

‘જ્યારથી બે પાંદડે થયો છું ત્યારથી મરવા ઉપરથી મન ઊઠી ગયું છે.’

‘સવાર-સવારમાં કોને મરવું છે?’ ચુનીલાલ આવી ચડ્યો.

‘ભાઈ… કોઈને મરવું નથી. આ તો ચંદુભા એમ કહે છે કે મારું તો મરવા ઉપરથી મન ઊઠી ગયું છે.’

‘મરે તમારા દુશ્મન…’

‘મરવાનું મન જે દુઃખી હોય એને થાય. ઉર્દૂમાં એક ગઝલ છે જેનો એક શે’ર કંઈક આ પ્રકારનો છે.’ ભોગીલાલે ભૂમિકા બાંધી.

‘ઈર્શાદ ભાઈ ઈર્શાદ…’ ચુનીલાલ બોલ્યો.

‘હવે ચુનીયો કહે છે તો ઈર્શાદી નાખ ભાઈ’ ચંદુભા ઉવાચ.

‘યહ સમજકર તુઝે એ મૌત ગલે લગા રખ્ખા હૈ. કામ આતા હૈ બૂરે વક્તમેં આના તેરા. લે ચલા જાન મેરી રૃઠકે જાના તેરા. ઐસે આને સે તો અચ્છા થા ન આના તેરા.’ ભોગીલાલે શાયરી પુરી કરી.

‘વાહ ભોગીલાલ વાહ.. લેખક જો હાજર હોત તો આ વિષય ઉપર બીજી કોઈ રચના રજૂ કરેત.’ ચંદુભાએ શાયરી સમજ્યા વગર જ શાબાશી આપી દીધી.

‘બાપુ… દરેક માણસને સુખની તલાશ છે.’

‘થોડા દિવસ પહેલાં હું ટીવીમાં કથા સાંભળતો હતો. એમાં પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ કડીવાળાએ બહુ સરસ વાત કરી હતી.’

‘શું વાત કરી હતી?’ ભોગીલાલને રસ પડ્યો.

‘એમણે કહ્યું કે દરેક માણસ સુખ મેળવવા માટે જ મહેનત કરે છે છતાં દરેક માણસ દુઃખી થાય છે. એનું કારણ એટલું જ છે કે માણસને કેવળ સુખી થવું નથી, પરંતુ એને બીજા કરતાં વધારે સુખી થવું છે એટલે દુઃખી થાય છે.’ ચંદુભાએ લાખ રૃપિયાની વાત કરી.

‘વાહ બાપુ વાહ… જમાવટ કરી દીધી.’ ચુનીલાલે કહ્યું.

‘આ બધી વાહ-વાહ શાની ચાલે છે?’ મેં પ્રવેશ સાથે જ પ્રશ્ન કર્યો.

‘એ આવો લેખક આવો. અમે તમને જ યાદ કરતા હતા.’

‘આપ સ્મરણ કરો અને સાક્ષાત હાજર થઈ જઉં છું. હજુ પણ તમે મને પ્રગટ બ્રહ્મ ન માનો તો એ તમારી ભૂલ છે.’ મેં વિનોદ કર્યો.

‘તમે પ્રગટ બ્રહ્મ નથી, પરંતુ પ્રગટ ભ્રમ છો.’ ભોગીલાલે મારી બોલતી બંધ કરી દીધી.

‘જુઓ લેખક, અમે સુખ-દુઃખની વ્યાખ્યા કરતા હતા.’

‘મને તો એટલું સમજાય છે કે બીજાના દુઃખે દુઃખી થવું સહેલું છે, પરંતુ બીજાનું સુખ જોઈને સુખી થઈ શકે તે સાચો સુખી છે.’

‘વાહ લેખક… લાખ રૃપિયાની વાત કરી.’

‘અત્યારે પડોશી કાર લે એટલે આપણે તરત જ વિચારીએ છીએ કે આ જલ્દી એક્સિડન્ટ કરે તો મઝા પડે. તો હૉસ્પિટલમાં સંતરા લઈને તબિયત પૂછવા જઈએ.’

‘એક જાણીતી ટીવી કંપનીએ વરસો પહેલાં પોતાની જાહેરાતમાં એવું લખ્યું કે અમારી કંપનીનું ટીવી લેશો તો તમારા પડોશીને ઈર્ષા થશે. એના ટીવી ફટાફટ વેચાવા લાગ્યા.’

‘હા… એ માણસની મેન્ટાલિટી છે. બીજાને બળાવવા માટે ગાડી, બંગલો, ટીવી કે ઘરેણા લેવા એ સાત્ત્વિક માણસનું લક્ષણ નથી. એ તો પરપીડનની વિકૃત પ્રવૃત્તિ છે.’

‘આપણા ઘરમાં લાઈટ જતી રહે એટલે આપણે તરત જ પાડોશીને પૂછીએ છીએ કે તમારા ઘરમાં લાઈટ છે? પાડોશી ના પાડે તો આપણને શાંતિ થઈ જાય છે. જો પાડોશી હા પાડે તો જલન થાય છે. આ સ્વભાવ ક્યારેય સુખી થઈ શકે નહીં.’

‘અંબાલાલ થોડા દિવસો પહેલાં ઇલેક્ટ્રિક સ્ટોરમાં ગયો અને ત્યાં જઈને દુકાનદારને કહે, મને કાળા રંગનો બલ્બ આપો.’

‘કાળા રંગનો બલ્બ એને શું કરવો હશે?’

‘દુકાનદારે પણ આ સવાલ જ કર્યો ત્યારે અંબાલાલે કહ્યું કે મારે ધોળા દિવસે અંધારું કરવું છે.’

‘આમ પણ એ અંધારા કરે એવો જ છે.’

‘કોણ?’ અંબાલાલે હોટલમાં ઘૂસતા જ સવાલ કર્યો.

‘તું.. બીજું કોણ?’

‘અમે ભલે ધોળા દિવસે અંધારું કરીએ, પરંતુ બીજાના ઘરની રોશની જોઈને સળગતા નથી. તમે બધા તો બીજાના બંગલા જોઈને પોતાની ઝૂંપડી બાળી નાખો એવા છો.’ અંબાલાલે સિક્સર ફટકારી દીધી.

‘બીજાનું સુખ જોઈને દુઃખી ન થવું અને પોતાનું દુઃખ જોઈને રડવું નહીં એ આજની ચર્ચાનો વિષય છે.’

‘દુઃખ જોઈને રડવું નહીં અને સુખ જોઈને છકી પણ ન જવું.’

‘કારણ?’

‘કારણ સુખ અને દુઃખ બંને અતિથિ છે.’

‘એક પતિ મરવા પડ્યો તો એણે પોતાની પત્નીને બોલાવીને કહ્યું કે, હું મરી જઉં પછી સામેવાળા મનસુખભાઈ સાથે પરણી જજે.’

‘પછી?’

‘આ સાંભળી પત્ની બોલી કે મનસુખભાઈ તો આપણા દુશ્મન છે. એટલે પતિ બોલ્યો કે એટલે તો હું કહું છું. તેં જે રીતે મારી પથારી ફેરવી એવી મનસુખાની પણ ફેરવજે.’

‘પોતે મરી રહ્યો છે અને મર્યા પછી પણ પોતાનો પાડોશી સુખી ન થાય, પરંતુ દુઃખી થાય એવું ઇચ્છે તે ઇન્સાન.’

‘બળદને કહેવું પડતું નથી કે તું બળદ થા. ગાયને કહેવું પડતું નથી કે તું ગાય થા. માણસને એટલે તો કહેવું પડે છે કે તું માણસ થા..’

પોતાને એક પણ રૃપિયાનો ફાયદો ન હોય છતાં સામેવાળાને સો રૃપિયાનું નુકસાન કરીને રાજી થાય તે ઇન્સાન છે.’

‘માણસનો પરપીડનમાં સુખને શોધવાનો આ પ્રયાસ જ એને દુઃખી કરે છે, કારણ પીડામાંથી સુખને શોધવું એ રેતીમાંથી તેલ શોધવા જેવું છે. બીજાને સુખી કરવાની

પ્રવૃત્તિ જ એકમાત્ર એવી પ્રવૃત્તિ છે જે માણસને ક્યારેય દુઃખી થવા દેતી નથી.’

‘લેખકની આ વાત ઉપર કુછ મીઠા હો જાય.’ ભોગીલાલે ચા પીવાની ઇચ્છા પ્રગટ કરી અને અમે ચર્ચા છોડીને ચાય તરફ

વળ્યા.
—————————–

જગદીશ ત્રિવેદીહસતાં રહેજો રાજ.
Comments (0)
Add Comment