હસતાં રહેજો રાજ – રાષ્ટ્ર દેવો ભવઃ

લડાઈના સમયે રાઇફલનું નાળચું કઈ  દિશામાં રાખવું?
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

એક વિમાનમાં એક યુવાન અને સ્વરૃપવાન યુવતી ચડી. એણે અંદર જઈને જોયું તો પોતાની સીટની બાજુમાં એક હાથ કપાયેલો એક કુરૃપ પુરુષ બેઠો હતો. પેલી યુવતીએ ક્રુ મેમ્બરને કહ્યું કે, હું આ વ્યક્તિની બાજુમાં બેસીને આટલો લાંબો પ્રવાસ કરી શકીશ નહીં, માટે મને સીટ બદલી આપો. ક્રુ મેમ્બરે કહ્યું કે, ઇકોનોમી ક્લાસમાં એક પણ સીટ ખાલી નથી. પેલી યુવતીએ કહ્યું કે, મને અપર ક્લાસમાં શિફ્ટ કરી આપો. ક્રુ મેમ્બરે કહ્યું કે, મને પાંચ મિનિટ આપો. થોડીવારમાં એણે આવીને કહ્યું કે, અમારી ઍરલાઇન્સના ઇતિહાસમાં પ્રથમ વખત અમે કોઈ ઇકોનોમી ક્લાસના પેસેન્જરને એક પણ રૃપિયો વધારે લીધા વગર ફર્સ્ટક્લાસમાં શિફ્ટ કરીએ છીએ.

આ સાંભળી પેલી ઘમંડી યુવતી ખુશ થઈ ગઈ, પરંતુ એની ખુશી વધુ ટકી નહીં. ક્રુ મેમ્બરે કહ્યું કે, અમે તમને નહીં, પરંતુ તમારી બાજુમાં બેઠેલા દિવ્યાંગ માણસને શિફ્ટ કરીએ છીએ. આજુબાજુના પ્રવાસીઓએ આ નિર્ણયને તાલીઓથી વધાવી લીધો. પેલા પુરુષે ઊભા થઈને કહ્યું કે, આપણા દેશની ફોજનો હું નિવૃત્ત સૈનિક છું. પાકિસ્તાન સાથેના યુદ્ધમાં મેં મારો એક હાથ ગુમાવ્યો હતો. આ યુવતીએ કહ્યું કે હું આવા કદરૃપા માણસ સાથે બેસી શકીશ નહીં ત્યારે મને વિચાર આવ્યો કે આ પ્રજા માટે મેં મારો એક હાથ ગુમાવ્યો? હું જાનના જોખમે લડ્યો? પરંતુ તમે આ નિર્ણયને તાલીઓથી વધાવ્યો ત્યારે મને થયું કે મેં લાયક માણસો માટે મારો હાથ ગુમાવ્યો છે.

‘શું વિચારો છો?’ પત્નીએ રસોડામાંથી ડ્રોઇંગરૃમમાં પ્રવેશતાં પૂછ્યું.

‘હું વિચારતો હતો કે આજે ૨૬મી જાન્યુઆરી. ભારતનો પ્રજાસત્તાક દિવસ. થોડા દિવસો પહેલાં ૧૫મી જાન્યુઆરી હતી. ૧૫મી જાન્યુઆરીને ભારતમાં સૈન્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. કોઈ પણ દેશમાં સૈનિકનું ખૂબ જ મહત્ત્વ હોય છે.’ મેં મારા વિચારોને જેમના તેમ વ્યક્ત કરી દીધા.

‘તમે લેખક થયા એના કરતાં સૈનિક થયા હોત તો સારું હતું.’ પત્ની બોલી.

‘હું અને અંબાલાલ બંને સૈન્યમાં ભરતી થવા માટે ગયા હતા. ત્રણ કિલો વજન ઓછું હતું તો અંબાલાલ ત્રણ કિલો કેળાં ખાઈ ગયો.’

‘ત્રણ કિલો કેળાં?’

‘હા… અંબાલાલ કેળાં ખાતો જાય અને છાલ બાજુમાં ફેંકતો જાય. એમાં એક બકરી ક્યાંકથી ફરતી-ફરતી આવી ચડી. એ બકરી કેળાંની છાલ ખાવા લાગી. કેળાંની છાલ ખાઈને ધરાઈ ગયેલી બકરી જતી રહી છતાં અંબાલાલ કેળાં ખાતો હતો.’

‘અમુક માણસો જીવવા માટે ખાય અને અંબાલાલભાઈ જેવા અમુક ખાવા માટે જ જીવતાં હોય છે.’

‘તે દિવસે આટલાં બધાં કેળાં ખાવાનું કારણ નોકરી હતી. અમે બંને બેકાર હતા. મને તો વજન ઓછું પડ્યું એટલે તરત જ ના પાડી દીધી.’

‘આમ પણ તમારું ક્યાં વજન પડે છે? કલાકાર તરીકે વજન પડતું નથી. લેખક તરીકે વજન પડતું નથી. આપણા કુટંુબમાં વજન પડતું નથી. તમારું આપણા ઘરમાં પણ વજન પડતું નથી. તો સૈનિકની ભરતીમાં વજન ઓછું પડે એમાં નવાઈ જેવું કશું નથી.’ પત્નીએ કટાક્ષ કર્યો.

‘અંબાલાલે ત્રણ કિલો કેળાં ખાધાં એટલે વજન બરાબર થઈ ગયું. એક કર્નલ ઇન્ટરવ્યૂ લેતા હતા. એમણે અંબાલાલના હાથમાં રાઇફલ આપીને કહ્યું કે, લ્યો, ફાયરિંગ કરો.’

‘પછી?’

‘અંબાલાલ ગભરાઈ ગયો. એણે ડરતાં ડરતાં કર્નલને પૂછ્યું કે, લડાઈના સમયે રાઇફલનું નાળચું કઈ  દિશામાં રાખવું? મારી સામે રાખું કે મારી વિરુદ્ધ દિશામાં રાખું?’

‘એવું પૂછ્યું?’

‘હા…’

‘કર્નલ સાહેબે શું જવાબ આપ્યો?’

‘એમણે જોરદાર જવાબ આપ્યો.’

‘શું?’

‘એમણે કહ્યું કે, તમે ગમે તે દિશામાં રાઇફલ રાખીને ભડાકો કરશો તો પણ દેશને ફાયદો જ થશે.’

‘અરે વાહ…’

‘તમે દુશ્મનની દિશામાં બંદૂક રાખીને ભડાકો કરો કે તમે તમારી જાત સામે બંદૂક રાખીને ભડાકો કરો. એ બંને સ્થિતિમાં દેશને ફાયદો થવાનો એ નક્કી છે.’

‘દેશમાં મૂરખ માણસો ઓછા થાય એ પણ દેશને ફાયદો જ છે.’ પત્નીએ મારી વાતને ટેકો જાહેર કર્યો.

‘કોની વાત કરો છો?’ અંબાલાલે ઓચિંતા જ પ્રવેશ કરી પ્રશ્ન કર્યો.

‘બસ તારી જ વાત કરતા હતા. આપણે બંને સૈનિક તરીકે ભરતી થવા ગયા હતા એની વાત તારા ભાભીને કહેતો હતો.’

‘ભોગીલાલ પણ કંડક્ટર થયો એ પહેલાં સૈનિક થવા ગયો હતો.’

‘શું વાત કરો છો?’ પત્નીએ પૂછ્યું.

‘હા… ભાભી… ભોગીલાલ અને ચુનીલાલ પણ ભરતી મેળામાં ગયા હતા. કર્નલે ભોગીલાલને કહ્યું કે, સામે પેલી લાલ લાઈટ દેખાય છે? એને અડીને પાછા આવી જાવ.’ અંબાલાલે વાત માંડી.

‘પછી?’

‘ભોગીલાલ છેક બીજા દિવસે પાછો આવ્યો.’

‘બીજા દિવસે?’

‘હા…’

‘એનું કારણ બહુ વાજબી છે.’

‘શું?’

‘એ લાલ લાઈટ એક ટ્રકની બ્રેક લાઈટ હતી. એ ટ્રક રાજકોટથી અમદાવાદ જતો હતો. ભોગીલાલ છેક અમદાવાદ સુધી ટ્રકની પાછળ દોડ્યા અને લાલ લાઈટને અડીને પાછો આવ્યો.’

‘ચુનીલાલભાઈને શું તકલીફ થઈ?’ પત્નીએ પૂછ્યંુ.

‘ચુનીયો તો જબરો નીકળ્યો. એ સૈનિકોના ભરતીમેળા સુધી ગયો અને પછી કહે, મારે સૈનિક થવું નથી. મને શરમ થાય એવું મારે કરવું નથી.’

‘સૈનિક થવામાં ગૌરવ થવું જોઈએ, એના બદલે શરમ થાય?’

‘ભોગીલાલે પણ એમ જ પૂછ્યું કે, તને સૈનિક થવામાં શું શરમ થાય છે?’

‘પછી?’

‘ચુનીલાલે અત્યંત વિગતવાર જવાબ આપ્યો. એણે કહ્યું કે હું સૈનિક તરીકે સૈન્યમાં ભરતી થઈ જઉં એનો વાંધો નથી, પરંતુ ભરતી થયા પછી બે શક્યતા છે.’

‘કઈ બે શક્યતા?’

‘યુદ્ધ થાય પણ ખરું અને યુદ્ધ ન પણ થાય.’

‘એ બરાબર છે.’

‘ચુનીલાલ કહે, જો યુદ્ધ ન થાય તો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ જો યુદ્ધ થાય તો ફરી પાછી બે શક્યતા છે.’

‘વળી બે શક્યતા?’

‘હા… ચુનીલાલે કહ્યું કે, જો યુદ્ધ થાય તો હું જીવતો રહી જઉં અને કદાચ હું મરી પણ જઉં.’

‘બીજી શક્યતાની વધુ શક્યતા ગણાય.’ મેં કહ્યું.

‘ત્યાર બાદ ચુનીલાલે કહ્યું કે, હું જીવતો રહી જઉં તો તો કોઈ સવાલ જ નથી, પરંતુ જો કામ આવી જઉં એટલે કે શહીદ થઈ જઉં તો ફરી પાછી બે શક્યતા છે.’

‘વળી પાછી બે શક્યતા…?’

‘હા… ચુનીલાલે કહ્યું કે જો હું શહીદ થઈ જઉં તો કૉફિન ઉપર ત્રિરંગો વીંટીને મારા

મૃતદેહને બોર્ડર ઉપરથી વતનમાં લાવવામાં આવે અને પુરા માનસન્માન સાથે મારા અંતિમ સંસ્કાર કરવામાં આવે.’

‘તો એમાં ખોટું શું છે?’

‘ચુનીલાલ કહે, મારી રાખ થઈને ઊડી જાય તેનો મને જરા પણ વાંધો નથી, પરંતુ એ રાખમાંથી કોઈ સાબુ બનાવે અને એ સાબુ જો કપડાં ધોવાનો બને તો મને જરા પણ વાંધો નથી, પરંતુ જો ન્હાવાનો સાબુ બને તો વળી પાછી બે શક્યતાઓ છે.’

‘એમાં વળી શું બે શક્યતાઓ છે?’ મને કંટાળો આવ્યો.

‘ચુનીલાલે કહ્યું કે, એનાથી પુરુષ ન્હાય તો મને વાંધો જ નથી, પરંતુ કોઈ સ્ત્રી ન્હાય તો મને શરમ થાય એટલે કહું છું કે મારે સૈનિક થવું નથી કારણ મને શરમ થાય.’

‘તમે કપોળકલ્પિત વાત બનાવીને ચુનીલાલભાઈની મશ્કરી ન કરો. બેસો, હું ચા બનાવીને લાવું છું.’ પત્ની આટલું કહી રસોડામાં ગઈ.

‘જો ચુનીયા જેવા બધા લોકો હોય તો કોઈ ફોજમાં ભરતી થાય જ નહીં, પરંતુ ભારત પાસે ભડવીર યોદ્ધાઓ છે એટલે તો પાકિસ્તાન સામે બબ્બે વખત આપણે ભવ્ય વિજય મેળવી શક્યા છીએ. આજે એ તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અને વિજેતા તમામ હયાત સૈનિકોને સો સો સલામ.’

મેં વાત પુરી કરી અને અમે બીજી વાતે વળગ્યા.

————————

જગદીશ ત્રિવેદીહસતાં રહેજો રાજ.
Comments (0)
Add Comment