વ્યંગરંગ – હત્તેરીની, ચાલવું પડશે!

આ વખતનો શિયાળો તો ભારે માનમાં રહ્યો!
  • વ્યંગરંગ – કલ્પના દેસાઈ

છ છ મહિનાના લાંબા ચોમાસા બાદ આવેલો શિયાળો સૌ કોઈને વહાલો લાગવાનો. એ તો ભૂલમાં થયેલા ઠંડીના જરાતરા ચમકારાએ આભાસી હા…શ કરાવેલી, બાકી આ વખતનો શિયાળો તો ભારે માનમાં રહ્યો! જેવી બજારોમાં તાજા-વાસી શાકભાજી ને ફળફળાદિની લારીઓ દેખાવા માંડી અને દુકાનોમાં અડદિયાઓ, હલવાઓ અને ચીકીઓ ઊભરાવા માંડી કે શિયાળાથી રહેવાયું નહીં ને એ જોરમાં ત્રાટક્યો! હવામાનશાસ્ત્રીઓ તો ગણતાં જ રહી ગયા ને ઠંડીનો પારો સડસડાટ નીચે ઊતરી ગયો. ટીવીમાં અચાનક જ બધે બરફની ચાદર પથરાઈ ગઈ ને હિલ સ્ટેશનોએ ઊભરાયેલા સહેલાણીઓ તો ફસાઈ પણ ગયા!

ખેર, આપણે તો શિયાળાનું પ્રેમપૂર્ણ સ્વાગત કરીએ, કારણ કે આખરે તો એ તંદુરસ્તીની ઋતુ છે. ચાહે તંદુરસ્તી વધારવી હોય કે ઘટાડવી હોય, શિયાળા જેવી ઋતુ નહીં. વહેલા ઊઠીને ચાલવું હોય કે દોડવું હોય કે જિમમાં જવું હોય, શિયાળા જેવી મજા નહીં. વહેલા નથી ઊઠવું ને ચાલવા, દોડવા કે જિમમાંથી મન વાળી લેવું છે તોય ગોદડું ઓઢીને સૂવા માટે શિયાળા જેવી ઋતુ નહીં. ચાના કપ ગણ્યા વગર જાતજાતની લજ્જતદાર ચાની ચુસ્કી લેવા ને શરદીને મારવા તીખા તમતમતા, મસાલેદાર ઉકાળા પીવા પણ શિયાળા જેવી ઋતુ નહીંં. જોકે, જબરદસ્ત વિરોધાભાસવાળી કોઈ ઋતુ હોય તો તે એક માત્ર શિયાળો જ છે!

કોણ જાણે કોણે બધાંના મગજમાં ઠસાવ્યું હશે તે આ ઋતુમાં લોકો આડેધડ ખાવા જ માંડે છે! શક્તિપ્રદર્શન કરવાના હોય એમ જેમાંથી શક્તિ મળે તે બધું જ ખાવાનું. સવારથી રાત સુધીમાં તો કેટલીય વાનગીઓ પેટમાં ઓરાઈ જાય ને તેય બધી ચટાકેદાર કે કેલરીદાર જ હોવી જોઈએ. કદાચ ચાર મહિના જો બરાબર ખાઈશું તો બાકીના આઠ મહિના નહીં ખાઈએ તો ચાલશે…એવું કોણે મગજમાં ઠસાવેલું કોણ જાણે! તે વગર જ્યાં જોઈએ ત્યાં ખાવાની ને ખાવાની વાત! કુદરત રહેમ પણ કેટલી કરે કે શાકભાજીના ઢગલામાંથી જેમતેમ ડોકું ઊંચું કરીએ કે ફળોની લારીઓ રાહ જોતી હોય. મેથીપાક કે કચરિયાના ભાવ વાંચીને અક્કલ બહેર મારી જાય તે પહેલાં ઘરે પહોંચીએ તો બજાર કરતાં સસ્તા ને ચોખ્ખા ને પૌષ્ટિક પણ ખરા જ એવા પાક ને વસાણા રાહ જોતાં હોય! શું ખાવું ને શું ન ખાવુંની હાયવોયમાં ચાલવાનું તો ક્યાંથી યાદ આવે? જેમ ઘણાને મન ‘શિયાળો એટલે ખાવું’ હોય તેમ ઘણાને મન ‘શિયાળો એટલે ચાલવું’ પણ હોય.

અચાનક જ ફૂટપાથો ને બગીચાઓ વધારે પડતા તંદુરસ્ત લોકોથી ઊભરાવા માંડે, ગરમ કપડાં સિવાય પણ ચાલવા-દોડવાના ખાસ કપડાં કે શૂઝની દુકાનો ઝગમગવા માંડે અને યોગાસન કે પ્રાણાયામ ન સમજનારા પણ ઊંડા શ્વાસ લેતાં થાય ત્યારે સમજવું કે હંગામી શિયાળો આવી પહોંચ્યો છે. આ બધી ચાલતી ને દોડતી ભીડ શિયાળા પછી કોણ જાણે ક્યાંય અદ્રશ્ય થઈ જાય. રહી જાય તો ફક્ત રોજના આંટા મારતા ચોકીદારો. ખેર, ચાલવાના પ્રકાર, અર્થ કે કારણ દરેક માટે જુદા હોવાના. કોઈ લારીએ જઈ ખાવા માટે ચાલે તો કોઈ એ લોકોને જોઈને ડોળા કાઢવા કે જીવ બાળવા ચાલે! કોઈ પોતાની મરજીથી ચાલે તો કોઈ બીજાની મરજીથી ચાલે. કોઈ વટ મારવા ચાલે તો કોઈ પ્રેરણા લેવા ચાલે. કોઈ ફરવા નીકળ્યા હોય એમ ટહેલતાં ચાલે ને કોઈ કૂતરાને હંફાવવા દોડે! કોઈ કોઈ તો મંત્રોચ્ચાર કે ભજન લલકારતાંય ચાલે, નિજાનંદમાં મસ્ત. ગપાટા મારતાં ચાલવાવાળા તો પાછા જુદા.

આટલું બધું જીવ બળે એવું ને વિસ્તારથી કેમ લખું છું? જાણુ છું કે ગમે તે કરીશ, પણ એક દિવસ તો મારે પણ ચાલવા નીકળી જ પડવાનું છે. ફરીથી એ જ વરસોની જેમ દુઃખી થઈને કરેલા ચાલવાના સંકલ્પમાં એકનો ઉમેરો કરવો પડશે ને મન મજબૂત કરીને વહેલા ઊઠીને…ઓહ નો! ના ભઈ ના. ચાલવાની વાત આવે ને મારા મોતિયાં મરી જાય. કોણ જાણે કોણે શિયાળામાં ચાલવાનો મહિમા ગાયો હશે? તેમાંય મારી જ પાછળ કેમ બધાં કાવતરું કરીને મને ચાલવા મજબૂર કરે? શું હું એટલી બધી હેલ્ધી છું?(જાડી શબ્દ હવે આઉટ ઓફ ફૅશન યુ નો?) મારું વજન તો દર વરસે સેન્સેક્સની જેમ જ વધઘટ થયા કરે! એમાં વળી ખાસ શિયાળામાં જ ચાલવા જઈને મારે ક્યાં મારા શરીરમાંથી દસ વીસ કિલો ઓછા કરવા છે? મારા શરીર પર મારો હક નહીં ? મને ખબર જ હશે ને કે મારે વજન વધારવું કે ઘટાડવું? આમ જબરદસ્તી કરાતી હશે? જેટલી (મગજમાં) ચરબી વધારીશ એટલી મને જ તકલીફ છે તે જાણું છું, પણ જ્યારે હું એમ કહીશ, કે ‘હત્તેરીની…હવે ચાલવું પડશે!’ ત્યારે જાણજો કે હું ખરેખર ચાલવા જઈશ. ત્યાં સુધી ખાઈને મોજ કરીશ.

—————————

કલ્પના દેસાઇવ્યંગરંગ
Comments (0)
Add Comment