બિગ-બીએ કર્યું સેલ્ફીનું હિન્દીમાં નામકરણ

‘વ્યક્તિગત દૂરભાષિત યંત્ર સે હસ્ત ઉત્પાદિત સ્વચિત્ર’
  • મૂવીટીવી – હેતલ રાવ

દાયકાઓથી બિગ-બીના હુલામણા નામથી બોલિવૂડમાં પોતાનું સન્માનનીય સ્થાન જાળવી રાખવામાં સફળ થયેલા મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન જેટલા પોતાના અભિનયને લઈને એક્ટિવ છે, એટલા જ સક્રિય સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે. કોઈ પણ મુદ્દા પર પોતાના વિચાર રજૂ કરવાના હોય કે પછી કોઈ સારા જોકને પોતાના ચાહકો સાથે શેઅર કરવાની વાત હોય. હંમેશાં ટ્વિટરના માધ્યમથી તે બધા સાથે જોડાયેલા રહે છે.

બિગ-બીએ અંગ્રેજી શબ્દ સેલ્ફીના નામનું હિન્દીમાં નામકરણ કર્યું છે અને તેને શેઅર પણ કર્યું. આ પોસ્ટ માટે તેમણે પોતાની બ્લેક એન્ડ વ્હાઇટ સેલ્ફી શેઅર કરી છે. આ ફોટામાં તેઓ દિલખોલીને હાસ્ય વેરતા જોવા મળે છે. બ્લેક ચશ્મા અને ટોપી સાથે આ ઉંમરે પણ એન્ગ્રી યંગમેનની યાદ તાજી કરાવે છે. પિકની નીચે તેમણે સેલ્ફીનું હિન્દી નામકરણ કરતા લખ્યું છે. ‘વ્યક્તિગત દૂરભાષિત યંત્ર સે હસ્ત ઉત્પાદિત સ્વચિત્ર’ એટલું જ નહીં, આ નામનું તેમને શોર્ટફોર્મ પણ લખ્યું છે.

વ દ ય સ હ ઉ સ ચ એટલે કે વદય સહ ઉસચ. જે વાત પર કોઈનું ધ્યાન પણ ન જાય અને જેનો હિન્દી અર્થ કોઈ વિચારી પણ ન શકે. ત્યાં સુધી બિગ-બીના વિચારો પહોંચી ગયા. કદાચ આ જ કારણ હશે કે તે સદીના મહાનાયક છે. અભિનય અને બુદ્ધિક્ષમતા બંનેમાં તેઓ સર્વોપરી છે.

તેમની આગામી ફિલ્મી વાત કરીએ તો સુુજીત સરકારની ગુલાબો સિતાબો છે. જેમાં તેમની સાથે આયુષ્યમાન ખુરાના જોવા મળશે. આ ઉપરાંત અયાન મુકર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ આવી રહી છે. જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. ઝુંડ અને ચેહરે ફિલ્મમાં પણ બિગ-બી જોવા મળશે.
———.

ઝૂલનની બાયોપિકમાં અનુષ્કાનું કમબેક
બોલિવૂડમાં બાયોપિકનો દૌર ચાલી રહ્યો છે. મોટા ભાગની બાયોપિક ફિલ્મોને દર્શકો પસંદ પણ કરી રહ્યા છે. તેમાં પણ ક્રિકેટર્સના જીવન પર વધુ ફિલ્મો બની રહી છે. ત્યારે આ લિસ્ટમાં એક નામ વધુ ઉમેરાશે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે ફિલ્મની સાથે અનુષ્કા શર્મા ફિલ્મી પરદે ફરી બૅક થઈ રહી છે. ભારતીય બોલર ઝૂલન ગોસ્વામીના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે અને ફિલ્મમાં ઝૂલનનો અભિનય અનુષ્કા શર્મા કરશે. છેલ્લા ઝીરો ફિલ્મ પછી અનુષ્કા ફિલ્મોમાં જોવા મળી નથી. ચર્ચા તો એવી પણ થાય છે કે એ ફિલ્મની નિષ્ફળતાના કારણે અનુષ્કાએ બોલિવૂડમાંથી બ્રેક લીધો છે, પરંતુ જ્યારે આ વિશે અનુષ્કાનું કહેવું છે કે, પરી, સુઈ ધાગા અને જીરો જેવી ફિલ્મ પછી મારે બ્રેકની જરૃર હતી અને હું પરિવાર સાથે સમય સ્પેન્ડ કરવા ઇચ્છતી હતી. સાથે જ હવે હું એ મુકામ મેળવી ચૂકી છું કે પોતાની ઇચ્છાથી ફિલ્મો પસંદ કરી શકું. સારી સ્ક્રિપ્ટ મળતા ફિલ્મ કરવા તૈયાર છું. અનુષ્કાના ચાહકો આ વર્ષે ફરી એકવાર ફિલ્મી પરદે જોઈ શકશે. જોકે આ ફિલ્મ વિશે હજુ સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી, પરંતુ ઝૂલનાના રોલ માટે અનુષ્કા ઉત્સાહિત છે.
——————————–

મૂવીટીવી - હેતલ રાવ
Comments (0)
Add Comment