‘બાસુ દા’નું પ્રતિબિંબ ફિલ્મો રૂપે હંમેશાં જીવંત રહેશે

મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને રચાતી તેમની ફિલ્મો ...
  • મૂવીટીવી- હેતલ રાવ

‘ઉઠે સબકે કદમ દેખો રમ પમ પમ અજી એસે ગીત ગાયા કરો, કભી ખુશી કભી ગમ તર રમ પમ પમ હસો ઓર હસાયા કરો…’ બાતો બાતો મેં ફિલ્મનું આ ગીત હંમેશાં યાદ રહે છે. એવી જ રીતે ફિલ્મને ડાયરેક્ટ કરનારા બાસુ ચેટર્જીનું પ્રતિબિંબ પણ હંમેશાં બધાના દિલમાં રહેશે. બોલિવૂડના લેજેન્ડ ફિલ્મ મૅકર બાસુ ચેટર્જી ૯૩ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી ગયા. હિન્દી ફિલ્મ જગતની ખ્યાતનામ ફિલ્મોના લિસ્ટમાં તેમની ઉમદા ફિલ્મોનો સમાવેશ થાય છે. મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને રચાતી તેમની ફિલ્મો દરેકના હૃદયને સ્પર્શતી હતી. તેમની ફિલ્મોની પટકથામાં વૈવાહિક અને પ્રેમ સંબંધો ઉપરાંત સામાજિક અને નૈતિક મુદ્દાઓને સુંદર રીતે રજૂ કરવામાં આવતા. બાસુ દાની છોટી સી બાત, ચિત્તચોર, રજનીગંધા, પિયા કા ઘર, ગોલમાલ, ખટ્ટા મીઠા, ચક્રવ્યૂહ, બાતોં બાતોં મેં, પ્રિયતમ, મનપસંદ, હમારી બહૂ, અલકા, શૌકિન, અને ચમેલી કી શાદી જેવી અનેક ફિલ્મો છે જેનો સમાવેશ સફળ ફિલ્મના લિસ્ટમાં થાય છે. તેમને ફિલ્મ ફૅર, બેસ્ટ ડાયરેક્ટર જેવા ઘણા બધા નામાંકિત ઍવૉર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. હિન્દી ઉપરાંત બાસુ દા બંગાળી ફિલ્મો માટે પણ જાણીતા હતા. ગત ૪ જૂન તેમનંુ પોતાના નિવાસસ્થાને નિધન થયું. આ સમાચારથી સમગ્ર બોલિવૂડને આઘાત લાગ્યો. બીમાર હોવા છતાં પણ તેઓ હંમેશાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રસ લેતાં, પરંતુ ૩ જૂનના દિવસે થયેલા સૂર્યાસ્ત પછી તેમના જીવનનો ક્યારેય સૂર્યોદય ન થયો. આપણી વચ્ચે બાસુ દા નથી, પરંતુ તેઓ પોતાની પાછળ ફિલ્મોની યાદો છોડી ગયા.
————-.

.. તો મહિમા બોલિવૂડમાં કમબૅક કરશે
‘યે દુનિયા એક દુલ્હન.. દુલ્હન કે માથે કી બિંદિયા.. આઇ લવ માય ઇન્ડિયા.. વતન મેરા ઇન્ડિયા..’ પરદેશ ફિલ્મનું આ ગીત આજે પણ સાંભળીએ તો અભિનેત્રી મહિમા ચૌધરીનો માસૂમ ચહેરો આંખો સમક્ષ તરવરે, પરંતુ આજે તે બોલિવૂડ દુનિયાથી ઘણી દૂર છે. તાજેતરમાં જ તેણે એક ઇન્ટરવ્યૂમાં પોતાની સફળતાને યાદ કરતા કહ્યું હતું કે, પરદેશ ફિલ્મે મને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધી હતી. એ પછી ઘણીબધી ફિલ્મોની ઑફર એકસાથે મને મળવા લાગી. સુંદર સફરની મજા માણી રહી હતી તે સમયે થયેલા અકસ્માતે મારું સંપૂર્ણ જીવન બદલી નાખ્યું. અજય દેવગણ અને કાજોલ સાથે બેંગ્લુરુમાં દિલ ક્યા કરે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે કાર અકસ્માત થયો, જ્યારે મને ભાન આવ્યું તો હું મારો ચહેરો કાચમાં જોતા ડરતી હતી, કારણ કે એક્સિડન્ટમાં ૬૭ કાચના ટુકડા ચહેરામાં ઘૂસી ગયા હતા. ત્યાર પછી મને ફિલ્મો મળવાની બંધ થઈ અને મારી કારકિર્દી પર પૂર્ણવિરામ લાગ્યું. ઉલ્લેખનીય છે કે મહિમાએ ૨૦૦૬માં બિઝનેસ મેન બોબી મુકર્જી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ૨૦૧૩માં તેમના ડિવૉર્સ થયા. મહિમા એક દીકરીની માતા છે, વિદ્યા બાલનની ફિલ્મ તુમ્હારી સુલૂ જેવી ફિલ્મ તેને મળે તો તે બોલિવૂડમાં કમબૅક કરવા ઇચ્છે છે.
———————-

મૂવીટીવી - હેતલ રાવ
Comments (0)
Add Comment