ભણશે દીકરીઓ તો આગળ વધશે દીકરીઓ

આ શરૃઆત એક સારા સમાજના નિર્માણ માટે મહત્ત્વની બની રહેશે,
  • પ્રોત્સાહન – હેતલ રાવ

દેશમાં અનેક એવી દીકરીઓ છે, જેમણે અભ્યાસ તો કરવો છે, પરંતુ કોઈ કારણોસર તે અભ્યાસ કરી આગળ નથી વધી શકતી. કોઈની પાસે ભણતર માટે પૈસા નથી. તો ઘણી દીકરીઓ ભણવામાં તેજસ્વી હોવા છતાં પણ માતા-પિતા ન હોવાના કારણે આગળ નથી વધી શકતી ત્યારે આણંદના મિતેષ પટેલે આવી જ દીકરીને ભણાવી-ગણાવી પગભર કરવાની નેમ લીધી છે.

ગુજરાતી શાળાનો એક કાર્યક્રમ હોય છે, જેમાં શાળાનાં દરેક બાળકો ઉત્સાહભેર ભાગ લે છે. ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવાની આશા એ બાળકોની આંખોમાં સ્પષ્ટ ચમકતી જોઈ શકાય છે, પરંતુ આવા સમયે શાળાની એક વિદ્યાર્થિની બીજા બાળકો કરતાં થોડે દૂર ઊભી રહીને કંઈક વિચારી રહી હોય છે. તેની સખી પૂછે છે કે શું થયું, કયા વિચારોમાં ખોવાયેલી છે ત્યારે તે ઊંડો નિસાસો નાંખીને કહે છે કે, આજે મારાં માતાપિતા મને ખૂબ જ યાદ આવે છે. જો તે હયાત રહ્યાં હોત તો કદાચ હું પણ અન્ય વિદ્યાર્થીઓની જેમ ડૉક્ટર, એન્જિનિયર કે પછી અન્ય ઉચ્ચ અભ્યાસના સપના જોઈ શકી હોત. કોઈ જિલ્લાની કલેક્ટર કે પછી આઈપીએસ ઓફિસર બનીને દેશની સેવામાં જોતરાઈ શકું અથવા તો આપણા જેવી જ કોઈ શાળામાં જોડાઈને આપણા જેવા જ વિદ્યાર્થીઓના ભવિષ્યને સારા બનાવવાનો પ્રયત્ન કરી શકી હોત. પ..ણ….’ તેણે લાંબો નિસાસો નાંખી કાર્યક્રમમાં જોડાવવાનો પ્રયત્ન કર્યો. આ ફિલ્મી લાગતા દૃશ્યને કોઈ દૂરથી નિહાળી રહ્યું હતું અને કદાચ બે બાળકોની અંગત વાતો ન સાંભળવાની ઇચ્છા હોવા છતાં પણ તેમના કાનમાં આ સમગ્ર વાત હૃદય સોંસરવી ઊતરી ગઈ. ત્યારે જ તેમણે નિર્ણય લઈ લીધો હતો કે, આ દીકરીનાં અભ્યાસના સપનાને જરૃર સાકાર કરીશ. આ વાત આણંદ જિલ્લાની એક નાની શાળાની છે, જ્યાં ઓરડાના લોકોર્પણનો કાર્યક્રમ હતો. જેમાં આણંદના સાંસદ મિતેષ રમેશભાઈ પટેલ પણ હાજર હતા. વિદ્યાર્થિનીના અભ્યાસનો ખર્ચ ઉપાડી લેનાર બીજું કોઈ નહીં, પરંતુ મિતેષ પટેલ જ છે.

કદાચ આ વાત ઘણી સામાન્ય લાગતી હશે. એમ પણ કહેવાનું મન થઈ આવતંુ હશે કે એમાં વળી શંુ નવાઈ..? એક દીકરીના અભ્યાસનો ખર્ચ હોય જ કેટલો..? પણ જરા વિચારવાની જરૃર છે કે આપણા એક બાળકના અભ્યાસનો ખર્ચ કેટલો હોય છે..? નાના ધોરણ સુધી તો ઠીક, પરંતુ એસએસસી, એચએચસી અને પછી કોઈ સારી સંસ્થામાં જોડાઈને ટોપ કરવાનો ખર્ચ..? સાંસદ છે, પૈસા છે તો પોસાય જ ને..? એમ કહેવાની પણ ઇચ્છા થઈ આવે, પણ વાત ખર્ચ કરવા સમર્થ છે તેની નથી. વાત છે ઉચ્ચ વિચારધારાની. કાર્યક્રમ દરમિયાન એક દીકરી જે માતાપિતા વિહોણી છે તેની સાથે વાત કરીને એક જ મિનિટમાં બીજું કશું જ વિચાર્યા વિના તેના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કરવો તે નાની અમથી વાત નથી. હકીકતમાં આ સમાજ માટે એક પ્રેરણા છે. આવી તો ઘણી દીકરીઓ હશે જે અભ્યાસ કરવા ઇચ્છતી હશે, પરંતુ માત્ર પૈસાના અભાવે કે અનાથ હોવાના કારણે અભ્યાસના સપનાને અધૂરા છોડતી હશે.

આણંદ શહેરના મંગળપુર વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળા નંબર-૮માં નવા રૃમ બનાવવામાં આવ્યા હતા, ત્યારે તેના પ્રોગ્રામમાં સાંસદ મિતેષ પટેલ હાજર રહ્યા હતા. તે દરમિયાન વિદ્યાર્થિની રીટા મણિભાઈ પરમારે પણ તેમની સાથે ફોટો પડાવ્યો. તેના વિશે પ્રિન્સિપાલ પાસેથી માહિતી મેળવતા જાણ થઈ કે આ દીકરી અનાથ છે. તેના માતાપિતા નથી. મામા સાથે રહીને અભ્યાસ કરે છે. રીટા ભણવામાં હોશિયાર અને અન્ય પ્રવૃત્તિમાં પણ રસ દાખવે છે. તેના ઉજ્જ્વળ ભવિષ્યને અને તેની નાની આંખોએ જોયેલા મોટા સપનાને સાકાર કરવા મિતેષ પટેલે પ્રયત્ન કર્યો છે. આ વિશે વાત કરતા તે કહે છે કે, ‘અનેક જગ્યાએ આપણે દાન-ધર્મનું કાર્ય કરીએ છીએ. તે સારી વાત છે, પરંતુ થોડો ખર્ચ એજ્યુકેશન પાછળ પણ કરવો જોઈએ. આવી દીકરીઓ જે અભ્યાસ કરવા ઇચ્છે છે અને કોઈ કારણસર નથી કરી શકતી તેવી દીકરીઓ માટે આપણે જ વિચારવંુ પડશે. માત્ર વાતો કરીને નહીં, પણ કામ કરીને આપણે સમાજને ઉપયોગી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ મારી એક નાની પહેલ છે. આવનારા સમયમાં આ વિશે હું વધુ ગંભીરપૂર્વક વિચારીશ અને ચરોતરના એનઆરઆઈ સાથે આ વિશે ચર્ચા કરી તેમને પણ આવા કાર્યમાં સહભાગી થવાની વાત કરીશ. દીકરીઓ માટે જે પણ કરીએ તે ઓછું છે. તેમાં પણ વિદ્યાદાનથી વધુ કશું જ નથી.’  મિતેષ પટેલની આ શરૃઆત એક સારા સમાજના નિર્માણ માટે મહત્ત્વની બની રહેશે, કારણ કે ભણશે દીકરીઓ ત્યારે જ આગળ વધશે દીકરીઓ.

————————————–

ગર્લ એજ્યુકેશનફેમિલી ઝોનહેતલ રાવ.
Comments (0)
Add Comment