નેતા શેર, સાધુ સવા શેર

હું રાજકારણીઓનાં કાર્ટૂન બનાવીશ નહીં, કારણ નેતાઓ જ કાર્ટૂન જેવા થઈ ગયા છે.
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

રૃપિયાની નોટ માણસને કહે છે કે હે માણસ, તું ગમે તેટલો મોટો હોય, પરંતુ મને જુએ એટલે માણસાઈ નેવે મુકીને તારે પૂંછડી ન હોવા છતાં પૂંછડી પટપટાવવા લાગે છે જ્યારે અમે કોઈ મહાન માણસને જોઈને અમારું ઈમાન વેચતા નથી. ફૂટપાથ ઉપર કે જાહેર માર્ગમાં કોઈ માણસ પડ્યો હોય તો કોઈ માણસ ઊભો રહેતો નથી. એ રાહદારીઓ માર્ગમાં નોટ પડેલી જોઈ જાય તો ઉઠાવી લે છે. અમે ૨૦૦૦, ૫૦૦, ૨૦૦, ૧૦૦, ૫૦, ૨૦, ૧૦ અને પ એમ અલગ-અલગ રંગ, મૂલ્ય, કદ હોવા છતાં એકબીજાને વળગીને સાથે રહીએ છીએ જ્યારે અલગ કોમ, ભાષા, જાતિ અને પ્રદેશની વાત તો દૂર રહી, પરંતુ એક જ જ્ઞાતિના, એક જ પરિવારના માણસો પણ સાથે રહી શકતા નથી. આમ હે માણસ, તારા કરતાં તો અમે મહાન છીએ.

‘જે માતાજી પથુભા…’ મેં કહ્યું.

‘જે માતાજી લેખક જે માતાજી…’ પથુભા ઉવાચ.

‘આજનું અખબાર વાંચ્યું?’

‘અખબારમાં વાંચવા જેવું કશું આવતું નથી.’ બાપુએ બળાપો કાઢ્યો.

‘સાવ સાચી વાત કરી. છેલ્લા દોઢ મહિનાથી મહારાષ્ટ્રમાં ભૂંડી ભવાઈ ચાલે છે. લક્ષ્મણ નામના મહાન કાર્ટૂનિસ્ટે તો એમ કહ્યું હતું કે હવે હું રાજકારણીઓનાં કાર્ટૂન બનાવીશ નહીં, કારણ નેતાઓ જ કાર્ટૂન જેવા થઈ ગયા છે.’ મેં વિગતે વાત કરી.

‘સાવ સાચી વાત છે. મતદારોના મતનું કોઈ મૂલ્ય નથી. મતદારોનો મત કિંમતી ગણાય છે એ વાત સાચી છે, કારણ એ મત દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યો બહુ ઊંચી કિંમતે વેચાય છે અને ખરીદાય છે.’ બાપુ બોલ્યા.

‘ધારાસભ્ય પણ વેચાય છે તે સાંભળીને દુઃખ થાય છે.’

‘નેતાઓને મતદારોનો વિશ્વાસઘાત કરવાનો અબાધિત અધિકાર છે. ભિન્ન રંગના ખેસધારી નેતાઓ. ભિન્ન

વિચારસરણીવાળા નેતાઓ સત્તા માટે ગમે તેના ખોળામાં બેસી જાય એ તો કેટલી હદે ભૂંડી ભવાઈ થઈ ગણાય.’ પથુભાએ બળાપો કાઢ્યો.

‘ખોટો માણસ મતદાન કરી ન જાય એના માટે યોજના છે, પરંતુ ખોટા માણસ ચૂંટણી ન લડી શકે એના માટે કોઈ યોજના નથી.’ મેં કહ્યું.

‘લેખક તમે ક્યા સમાચારની વાત કરતા હતા?’

‘રાધારમણસ્વામી નામનો એક સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ નોટો છાપતો હતો એ સમાચારની વાત કરતો હતો.’ મેં કહ્યું.

‘આપણે ત્યાં નકામા માણસ માટે ‘ફાટેલી નોટ’ વિશેષણ વપરાય છે. એ ફાટેલી નોટ નવી નોટ છાપતો હતો?’ પથુભા બોલ્યા.

‘આમ તો અત્યારે ધર્મજગતમાં સૌથી વધુ આવક છે. આવક સૌથી વધુ અને જાવક સૌથી ઓછી. ઇનકમિંગ ચાલુ અને આઉટગોઇંગ બંધ.’

‘બરાબર છે.’

‘ધર્મજગતના માણસો સાચી નોટ જ એટલી છાપે છે કે એમને ખોટી નોટ છાપવાની જરૃર જ નથી. અત્યારે મંદિર પણ મલ્ટિનેશનલ કંપની જેવા થઈ ગયા છે. ગ્રાહકોને આકર્ષવા માટે ઉત્સવોની અદ્ભુત યોજનાઓ હોય છે. લોજિંગ અને બોર્ડિંગની પણ અઢળક આવક છે. આ લોકોને નકલી નોટ છાપવાની જરૃર જ નથી.’ મેં કહ્યું.

‘કથાકારો પણ કરોડોની કમાણી કરે છે. લાખો રૃપિયાની દક્ષિણા પડાવે છે. અત્યારે સારામાં સારો ધંધો ધર્મજગતનો છે.’

‘જે ધંધામાં ક્યારેય મંદી ન આવે અને જે ધંધામાં કોઈ પણ જાતનો ટેક્સ ભરવો ન પડે એવો રૃડો ધંધો છે.’ મેં કહ્યું.

‘ધર્મજગત જેવો જ જમાવટ આવકવાળો બીજો ધંધો રાજકારણનો છે. એમાં પણ ઘી-કેળાં છે.’ બાપુ ઉવાચ.

‘મુંબઈમાં એક બુટલેગરે રાધારમણની માફક જ નકલી નોટ છાપવાનો કુવિચાર કર્યો. એ બિચારો સ્વામી જેટલો ચાલાક નહીં હોય એટલે બે હજાર બદલે પંદર-પંદર રૃપિયાની નોટ છપાવા લાગી.’

‘પંદર રૃપિયાની નોટ?’

‘હા… એ તમારા જેવા પાનના ગલ્લે ગયો અને પંદરની નોટના છુટ્ટા માગ્યા. ગલ્લાધારક બોલ્યો કે એક રૃપિયો વટાવ લઉં. પેલો બુટલેગર કહે, વાંધો નહીં, ચૌદ આપો.’

‘એને શું વાંધો હોય? એને તો વકરો એટલો નફો છે.’

‘પાનના ગલ્લાવાળો બુટલેગરનો બાપ નીકળ્યો. એણે સાત-સાત રૃપિયાની બે નોટ આપી.’ મેં વાત પુરી કરી.

‘સાત રૃપિયાની નોટ?’

‘એ પણ સાઈડ બિઝનેસ તરીકે નોટો છાપતો હતો.’

‘આ પ્રકારના મવાલીઓને આખી જિંદગી જેલમાં રાખવા જોઈએ.’

‘જેલમાં એમને પોતાના સ્વભાવને અનુરૃપ માણસોની કંપની પણ મળી રહે.’

‘જેલમાં તો એવા જ હોય ને લેખક? ઘણા વરસ પહેલાં આપણા ગામના નગરશેઠ પૂનમચંદ શેઠની દીકરીનાં લગ્ન હતાં અને એમની તિજોરીની ચાવી ખોવાઈ ગઈ?’

‘શું વાત કરો છો?’ મને આશ્ચર્ય થયું.

‘નગરશેઠની દીકરીનાં લગ્ન એટલે એક સૂંડલો ભરીને સોનાના ઘરેણા અને લગભગ બે-ત્રણ કરોડની રોકડ તિજોરીમાં અને ચાવી ખોવાઈ ગઈ.’

‘પછી?’

‘ઘણા પ્રયત્ન કર્યા, પણ તિજોરી ખૂલે નહીં. કોઈકે કહ્યું કે જેલમાં તિજોરી ખોલવાના નિષ્ણાત મળી આવવાની પુરી સંભાવના રહેલી છે. શેઠને જેલર સાથે પણ અંગત સંબંધ એટલે જેલમાં જઈને વિનંતી કરી.’

‘પછી?’

‘એક કેદીએ બીડું ઝડપ્યું અને કહ્યું કે મને શેઠની હવેલીમાં લઈ જાવ તો પંદર મિનિટમાં તિજોરી ખોલી દઉં. જેલરની રહેમનજર નીચે કેદીને જેલની બહાર કાઢ્યો અને એણે ખરેખર પંદર મિનિટમાં પોલાદી તિજોરી ખોલી નાખી.’ પથુભાએ વાત પુરી કરી.

‘વાહ… એની કારીગરીને ધન્યવાદ દેવા ઘટે.’ મેં કહ્યું.

‘ત્યાર બાદ નગરશેઠે રાજી થઈને કેદીને કહ્યું કે બોલ, તને શું આપંુ? ત્યારે કેદી બોલ્યો કે, પહેલી વખત ખોલી ત્યારે પાંચ લાખ રૃપિયા મળ્યા હતા. આ વખતે તમારે રાજી થઈને જે આપવું હોય તે આપો.’ પથુભાએ કહાનીનો ક્લાયમેક્સ રજૂ કર્યો.

‘આમ જોવા જાવ તો રાજકારણી, ધર્મજગતના ધતિંગબાજ સાધુઓ અને ચોર ત્રણે ધંધામાં લાખોની કમાણી છે.’ મેં કહ્યું.

‘રાજકારણમાં પણ તમામ નેતાઓ ભ્રષ્ટાચારી હોતા નથી એમ ધર્મજગતમાં પણ તમામ લોકો પૈસાના પૂજારી હોતા નથી.’

‘એમ તો ચોર-લૂંટારામાં પણ ઈમાનદાર હોય છે.’

‘ઈમાનદાર ચોર? યહ બાત કુછ હજમ નહીં હોતી હૈ.’

‘એકવાર અંબાલાલ રાત્રે અઢી વાગે રેલવે સ્ટેશનથી ચાલીને પોતાના ઘેર આવતો હતો અને અંધારી રાતમાં ચાર લૂંટારા મળી ગયા.

‘પછી?’ પથુભાને રસ પડ્યો.

‘અંબાલાલે ઘડિયાળ, મોબાઇલ, રોકડ અને વીંટી બધંુ જ આપી દીધું અને કહ્યું કે હવે મારી પાસે મારા કપડાં સિવાય કશું નથી છતાં પેલા ચાર લૂંટારાએ અંબાલાલને પંદર મિનિટ સુધી માર્યો હતો.’

‘બધંુ આપી દીધું છતાં કેમ માર્યો?’ પથુભાએ પૂછ્યું.

‘ચોર બોલ્યા કે અમે મહેનત કર્યા વગરની કમાણી કરતા નથી.’

‘આ ઈમાનદાર ચોર પાસેથી રાધારમણ જેવા સ્વામીઓએ અને ભ્રષ્ટાચારી નેતાઓએ પાઠ લેવો જોઈએ કે જો ચોર પણ મહેનત કર્યા વગર લૂંટ પણ ન કરે તો તમારે દેશને લૂંટવાનો કોઈ અધિકાર નથી.’

‘બાપુ… સબસે બડા રૃપૈયા. સંસારમેં બાજે ઢોલ, યહ દુનિયા મેરી તરહ હૈ ગોલ, યહ પૈસા બોલતા હૈ’ મેં જાણીતી કવ્વાલીની પંક્તિ રજૂ કરી.

‘એટલું સારું છે લેખક કે આપણને હરામના રૃપિયા મેળવવાની ક્યારેય કુબુદ્ધિ સૂઝી નથી.’ પથુભાએ કહ્યું.

‘સજ્જન થઈ ન શકો તો સામાન્ય અને સાધારણ બની રહેવું પરંતુ જીવનમાં ક્યારેય દુર્જન થવું નહીં.’ મેં સનાતન સત્ય રજૂ કર્યું.

‘આપની વાત સાવ સાચી છે. ઘણા લોકો કહેતા હોય છે કે સારો માણસ ત્યાં સુધી જ સારો છે જ્યાં સુધી એને ખરાબ બનવાની તક મળી નથી, પરંતુ એ વાત સાવ ખોટી છે.’

‘વિવેકાનંદજીને કોઈ યુવાન અને સ્વરૃપવાન સ્ત્રીએ કહ્યું કે મારે તમારા જેવું તેજસ્વી બાળક જોઈએ છે ત્યારે સ્વામીજી બોલ્યા હતા કે આપ મને જ તમારો પુત્ર માની લો.’ મેં ઐતિહાસિક સંદર્ભ રજૂ કર્યો અને મારા ઘર તરફ પ્રયાણ કર્યું.

————————————–

જગદીશ ત્રિવેદીહસતાં રહેજો રાજ.
Comments (0)
Add Comment