વહુનાં કુમકુમ પગલાં કરાવતી વેળા આંખો હરખથી છલકાઈ

આમ પણ એ એકલવાયી સ્ત્રીના જીવનમાં પણ કદાચ એવો કોઈ હૂંફભર્યો વિસામો કદી આવ્યો જ નહોતો.

‘એક અધૂરી વાર્તા’ નવલકથા પ્રકરણ-૪

– નીલમ દોશી   હરીશ થાનકી

વહી ગયેલી વાર્તા….

ઇવાનું સ્ત્રીસહજ વર્તન

ડૉ. કુલદીપ દેશના અગ્રગણ્ય વિજ્ઞાની. વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા ઇરોના ચૅરમેન. લેબોરેટરીમાં આબેહૂબ માનવ જેવા રૉબોટના સર્જનમાં તેમને સફળતા મળી. માનવીય સંવેદનોથી સભર એક સુંદર સ્ત્રીના રૉબોટને તેમણે નામ આપ્યું ઇવા.

ઇવા જાતે જ પોતાનું નામ બોલી. અને પછી ડૉ. કુલદીપને પૂછ્યું, ‘આપ કોણ?’ આશ્ચર્યચકિત ડૉ. કુલદીપે નોંધ્યું કે તેમના દ્વારા નિર્મિત રૉબોટ ઇવાનું સંવેદના અનુભવતું સોફ્ટવેર બરાબર કામ કરી રહ્યું છે. ઇવા ફરી તેમનો પરિચય પૂછે છે. ડૉ. કુલદીપને ભાન થયું કે ઇવાનું માઇન્ડ અત્યારે નવી ઇન્ટ્રોડક્ટરી મેમરી એકત્ર કરે છે. એટલે તેમણે પરિચય આપતાં યંત્રમાનવ રૉબોટના નિર્માણનો પણ ઉલ્લેખ કર્યો. રૉબોટ એટલે શું?’ ઇવાએ પૂછ્યું અને ડૉ. કુલદીપને ભાન થયું કે હવે તેઓ ચીલાચાલુ રૉબોટ સાથે નહીં, પણ સંવેદનાયુક્ત યંત્રમાનવ સાથે કામ કરી રહ્યા છે. ઇવાના પ્રશ્નો ડૉ. કુલદીપને મૂંઝવવા લાગ્યા. ઇવાએ પૂછી નાખ્યું – સર, હું રૉબોટ છું?’ ડૉ. કુલદીપે હા પાડી એટલે ઇવાએ કહ્યું, ‘હંુ રૉબોટ છું, રિયલ વુમન નથી એવું હમણા કોઈને કહેશો નહીં. મને એક સ્ત્રી તરીકે જીવવાનો હક્ક આપો.ડૉ. કુલદીપે ઇવાના મસ્તકને ચૂમીને સ્વીકૃતિ આપી. બંનેની આંખમાંથી હર્ષાશ્રુ વહ્યાં. કુલદીપ ઇવાને મંદિરે લઈ ગયા તો ઇવાએ ધાર્મિક ભાવના ધરાવતી સ્ત્રીની માફક વર્તન કર્યું. ઇવાની રૉબોટ હોવાની મેમરી ડિલીટ કરી કુલદીપે તેને કહ્યું કે, તે એક મિત્રની પુત્રી છે અને તેનાં માતા-પિતા અકસ્માતમાં મૃત્યુ પામતાં તે તેને પોતાને ઘેર લઈ આવ્યા છે. ઇવાએ આશ્રય આપવા બદલ ડૉ. કુલદીપનો આભાર માન્યો. અને ઇવાએ ડૉ. કુલદીપને પૂછી નાખ્યું – સર, તમે એકલા જ  છો? તમે લગ્ન નથી કર્યાં?’ અને ડૉ. કુલદીપ યાદોમાં સરી પડ્યા… ડો. કુલદીપને જાનકી સાથે વિતાવેલા બાળપણની યાદ આવી. કિશોર વયે જ કુલદીપે વિજ્ઞાની બનવાનો સંકલ્પ કર્યો હતો. હવે આગળ વાંચો…

શૈશવથી સાથે મોટાં થયેલાં કુલદીપ અને જાનકીએ કૉલેજમાં પહેલો પગ મૂક્યો ત્યાં સુધીમાં બંનેની મૈત્રીએ પ્રેમનું સ્વરૃપ ધારણ કરી લીધું હતું. નખરાળી જાનકી હવે શાંત અને ડાહી ડમરી બની ચૂકી હતી. કુલદીપ પણ એક જવાબદાર વ્યક્તિની માફક વર્તતો થઈ ગયો હતો.

‘શું વાત કરે છે મીના..? કુલદીપ અને જાનકી પ્રેમમાં છે? પણ હજુ એ બંનેની ઉંમર તો નાની છે. અત્યારથી આ બધું.? મને તો ખબર પણ ન પડી!’

મીનાબહેને જ્યારે પહેલી વખત પતિને કાને વાત નાખી ત્યારે ડૉ. જગતાપને પોતાના કાન પર જ વિશ્વાસ ન આવ્યો.

‘તમે ઘરમાં હોવ ત્યારે પણ ક્યાં ઘરમાં હોવ છો! આખો દિવસ નોકરી અને સાંજે પ્રયોગશાળા..’ મીનાબહેન ઊભરો ઠાલવવાનો મોકો કદાચ જતો કરવા નહોતાં માગતાં.

‘હા..હા..ઠીક છે એ બધું હવે..પણ હવે આમાં આપણે કરવાનું શું છે?’

‘કરવાનું શું હોય..હજુ બંને ભણે છે અને ઉંમર પણ નાની કહેવાય. એટલે લગ્ન તો થોડા થશે..? પણ જો તમે હા પાડો તો સગાઈ કરી નાખીએ એટલે વાત ખીલે બંધાઈ જાય.’

‘પણ તેં જાનકીનાં પપ્પા-મમ્મીને પૂછ્યું છે ખરું..?’

‘ગિરાબહેન સાથે વાત થઈ છે. એ તો રાજી છે. આજે એ પણ એમના પતિને કાને વાત નાખવાના છે.’

‘એમ કહેને કે તમારા બંનેનું જ આ કાવતરું છે.’ કહેતા કહેતા કુલદીપના પપ્પા સહેજ મલક્યા.

બીજા દિવસે બંને પરિવારે સાથે મળી આ સંબંધને મંજૂરીની મહોર મારી દીધી ત્યારે કુલદીપ અને જાનકીને લાગ્યું કે આને જ લોકો સદ્ભાગ્ય ગણતા હશે.

‘જાનકી બેટા, મારી એક શરત છે..’

બધું નક્કી થયા પછી સાવ અચાનક ડૉ. જગતાપે પુરી ગંભીરતાથી કહ્યું ત્યારે જાનકીની આંખમાં આશંકા જાગી.

‘જી..મને કોઈ પણ શરત મંજૂર છે.’

‘શાબાશ, મને વિશ્વાસ હતો કે તું આમ જ કહીશ. હવે મારી શરત સાંભળ. કુલદીપ વૈજ્ઞાનિક બનવાનો છે. એટલું જ નહીં, મારી તમામ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનો એ વારસદાર બનશે. મારી ઇચ્છા છે કે તું પણ ફિઝિક્સ સાથે વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કર. જેથી ભવિષ્યમાં તું માત્ર તેની પત્ની જ નહીં, સાચા અર્થમાં જીવનસંગિની બની રહે. હું તમને બંનેને મારી લેબોરેટરીમાં વિજ્ઞાન ક્ષેત્રનાં વિવિધ સંશોધનો કરતા જોવા માંગું છું.’

જાનકીને પણ સાયન્સમાં રસ હતો જ એથી એ શરત માનવી તેને માટે કોઈ અઘરી વાત હતી જ નહીં. વગર કહ્યે પણ એ એમ જ કરવાની હતી.

‘ઓકે પપ્પા, તમારી શરત મને મંજૂર છે. આમ પણ સાયન્સ મારો રસનો વિષય છે અને કદાચ ન હોત તો પણ કુલદીપ ખાતર તેમાં રસ પેદા કરી લેત.’

જાનકીનો જવાબ સાંભળી ડૉ. જગતાપ  મલકી ઊઠ્યા. પોતાને કદાચ એવી જીવનસંગિની નહોતી મળી, પણ દીકરાને જરૃર મળવી જોઈએ. જે એ ને, એના કાર્યને સમજી શકે, કદર કરી શકે અને કોઈ ફરિયાદ સિવાય એની સાથે ખભેખભા મિલાવી કામ કરી શકે.

અભ્યાસ પૂરો થયા બાદ જ લગ્ન થશે એવી સમજૂતી કરવાની બંને પક્ષે કોઈ જરૃર નહોતી, પરંતુ સગાઈની મહોર મારીને આ સંબંધને વધાવવાની હોંશ ગિરાબહેન અને મીનાબહેન બંનેને હતી. સદ્નસીબે બંનેના પિતાએ એમાં પણ વાંધો ન લીધો.

બંને મમ્મીઓ માટે આશ્ચર્યની અવધિ તો ત્યારે આવી જ્યારે સગાઈ વેળા રિંગ સેરિમની વખતે ડૉ. જગતાપ અને જાનકીના પિતા અશોકભાઈ પોતાનો માન મોભો થોડીવાર વિસારે પાડી મન મૂકીને

ડી.જે.ના સથવારે જિંદગીમાં પહેલી વાર નાચ્યા. પતિદેવોનું આ બદલાયેલું સ્વરૃપ જોઈ બંને સ્ત્રીઓ દિગ્મૂઢ થઈ ગઈ હતી. મીનાબહેનના મનમાં એ જ પળે જાનકીનાં પગલાં પોતાના ઘર માટે શુકનવંતા બની રહેશે એવી માન્યતા દ્રઢ થઈ હતી.

રિંગ સેરિમની પછી જાનકીએ આ ઘરમાં પહેલો પગ મૂક્યો ત્યારે જાનકીના ચહેરા પર લજ્જાની સુરખિ છવાઈ હતી. આમ તો જાનકી કંઈ આ ઘરમાં પહેલી વાર થોડી આવતી હતી? આ ઘરમાં તો શૈશવથી તે દોડાદોડી કરતી હતી. આજે એ જ ઘરમાં એકદમ ઠાવકાઈથી ધીમે-ધીમે ડગ ભરતી હતી. વહુનાં કુમકુમ પગલાં કરાવતી વેળા મીનાબહેનની આંખો હરખથી છલકાઈ ગઈ. કુલદીપ પોતે જાનકીને આ રૃપમાં જોઈને જાણે સંમોહિત બની ગયો. જાનકીનું આ નવતર રૃપ તો આજ સુધી દેખાયું જ ક્યાં હતું?  કુલદીપ અને જાનકીને ભગવાન પાસે પગે લગાડતાં મીનાબહેન બે હાથ જોડીને ભાવથી ઈશ્વરને વંદી રહ્યાં.

બંને ઘરમાં ખુશીનો, સુખનો સાગર છલક્યો હતો, પણ…

કાળ કરવટ બદલવાની તૈયારીમાં હતો, સમયદેવતાને કદાચ આ મંજૂર નહોતું એની જાણ કોઈને નહોતી.

સગાઈને બીજે દિવસે મીનાબહેનની ઇચ્છાને માન આપીને ડૉ. જગતાપ પણ બધા સાથે કુળદેવીના મંદિરે પગે લાગવા આવવા તૈયાર થયા ત્યારે આ બધો બદલાવ જાનકીનાં પગલાંને જ આભારી છે એવી માન્યતા મીનાબહેનના મનમાં વધારે દ્રઢ  થઈ હતી. નહીંતર નાસ્તિક પતિદેવ કદી મંદિરે આવવાની હા પાડે ખરા? એમને મન તો મંદિર એટલે એમની પ્રયોગશાળા, ક્રિયાકાંડ એટલે એમના નિતનવા પ્રયોગો, અખતરાઓ.. જેને કારણે તેમને રાષ્ટ્રીય  કક્ષાએ અનેક ચન્દ્રકો મળી ચૂક્યા હતા. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેમનું નામ આદરપૂર્વક લેવાતું થયું હતું. આજે એ પણ કુળદેવીને પગે લાગવા દીકરા વહુની સાથે આવી રહ્યા હતા. કુલદીપ માતાની લાગણીને માન આપવા કદીક ભગવાનને પગે લાગી લેતો બાકી તો એ પણ એના પિતાને પગલે ચાલનારો હતો. એ કુલદીપ પણ આજે  જીવનમાં પહેલી વાર પૂરી આસ્થા સાથે મંદિરે જઈ રહ્યો હતો.

મીનાબહેનને તો આજે સ્વર્ગ હાથવેંતમાં લાગતું હતું.

પરંતુ,

સ્વર્ગ હાથવેંતમાં જ હતું, પણ મીનાબહેન કે કુલદીપ માટે નહીં, પણ કુલદીપના પિતા અને જાનકી માટે..

મંદિરે પહોંચી, દર્શન કરી પાછા ફરતી વેળા એમની ગાડીને અચાનક પાછળ પૂરપાટવેગે ધસી આવી રહેલા એક ટ્રકે જોરદાર ટક્કર મારી અને.. સર્જાયો એક ગમખ્વાર અકસ્માત..!

એ અકસ્માતમાં જાનકી અને કુલદીપના પિતા બંને હોમાઈ ગયા હતા. કુલદીપ સાંગોપાંગ બચી ગયો હતો. ફક્ત બે જિંદગી જ નહોતી નંદવાઈ. એની સાથે નંદવાયા હતા અઢળક સમણા, અસંખ્ય અરમાનો.

કાળ જ્યારે મોત બનીને ત્રાટકે છે ત્યારે ફક્ત જનારને જ ભરખી નથી જતું, એની સાથે જોડાયેલા નિકટના સ્વજનની જિંદગીને પણ કાયમી ગ્રહણ લાગી જતું હોય છે.

બે પરિવારમાંથી કોઈ માટે આ આઘાતમાંથી બહાર આવવાનું સહેલું નહોતું.  એ પછી થોડા જ સમયમાં અશોકભાઈની બેંગ્લોરમાં બદલી થઈ. આમ પણ લાડકવાયી દીકરીની અણધારી વિદાયને કારણે આ શહેર પરથી તેમનું મન ઊઠી ગયું હતું.  મીનાબહેનની એકમાત્ર સખી ગિરાબહેન પણ પાડોશમાંથી જતાં રહ્યાં. કુલદીપ અને મીનાબહેનની જિંદગીએ અણધાર્યો વળાંક, એક યુ ટર્ન લીધો હતો. આ કરુણ ઘટના પછી મીનાબહેન સંસારમાં રહેવા છતાં જાણે બધાથી અલિપ્ત બની રહ્યાં. તેમનું જીવન ભક્તિમય બની રહ્યું. મંદિર અને દેવદર્શનમાં ચિત્ત પરોવીને મનની શાંતિ શોધવા મથી રહ્યા.

જ્યારે કુલદીપ? તેણે પિતાનું અધૂરું સપનું પૂરું કરવા અભ્યાસને, પિતાની પ્રયોગશાળાને પોતાનું જીવન બનાવી લીધું. જાનકીને તે કદી ભૂલી શકે એમ નહોતો. જાનકીના શબ્દો..દીપ..દીપ તેની ભીતરમાં સતત પડઘાતા હતા, પણ તેણે કઠોરતાનું આવરણ ઓઢી, પોતાની સંવેદનાઓ ઉપર એક કવચ, બખ્તર પહેરીને એ યાદોને ભીતરના ઊંડાણમાં ધરબી દીધી.

પુત્રનું જીવન વિજ્ઞાનને સમર્પિત બની રહ્યું ને માતાનું જીવન ધર્મને.

અભ્યાસની એક પછી એક સીડીઓ ચડાતી ગઈ. એ સિવાય કુલદીપના જીવનમાં બીજી કોઈ વાતનું અસ્તિત્વ જ ન રહ્યું. તેનો દિવસ કૉલેજમાં પસાર થતો અને સાંજ પિતાની લેબોરેટરીમાં..

જ્યારે ભારતની શ્રેષ્ઠ એવી ઇરો સંસ્થામાં એ વૈજ્ઞાનિક તરીકે જોડાયો ત્યારે…

‘બેટા, હવે આ ઘરમાં વહુનાં પગલાં થાય એ જોવાનું બહુ મન થાય છે. તારો સંસાર હર્યો ભર્યો બને એ જોવાની એક માની ઇચ્છાને તું માન નહીં આપે? જતાં પહેલાં તને સુખી જોઈ લઉં તો મને શાંતિ થાય.’

‘મમ્મી, તને બધી વાતની જાણ છે પછી આવી કોઈ જિદનો અર્થ ખરો?’

‘દીકરા, જીવન કદી અટકતું નથી. જાનકી માટેની તારી લાગણી હું સમજી શકું છું, પણ બેટા…’

‘પ્લીઝ મમ્મી..એ બધી જ ફિલોસોફીની મને જાણ છે અને મારું જીવન પણ અટક્યું નથી. શો મસ્ટ ગો ઓન. એ ન્યાયે હું જીવનમાં આગળ વધતો જ રહ્યો છું ને? રડીને બેસી નથી રહ્યો. બસ, ફક્ત જીવનનું વહેણ બદલાયું છે અને એમાં હવે કોઈ ફેરફાર શક્ય નથી.’

‘બેટા, જીવનના કોઈ પડાવે માણસને વિસામાની, પોતીકા માનવીની હૂંફની ઝંખના જાગવાની જ. એ સમયે એકાકીપણુ બહુ વસમંુ બની રહેતું હોય છે.’

‘મમ્મી, મારો વિસામો, મારી હૂંફ એ પપ્પાની પ્રયોગશાળા. મારા નવા નવા પ્રયોગો.. હું બધાથી કંઈક જુદું, કંઈક અલગ કરવા ઇચ્છું છું. શું? એ તો મને યે ખબર નથી, પણ કશુંક જરૃર કરીશ. એવું, કે જે આજ સુધી કોઈએ ન કર્યું હોય..ન તો કોઈએ વિચાર્યું હોય. એવી કોઈ શોધ, એવું કશુંક નવું કરવું એ જ મારા જીવનનું એક માત્ર ધ્યેય છે.’

‘આખરે તો તું યે તારા પિતાનો જ દીકરો ને…?’

માએ ધીમેથી બબડતાં ભીની આંખો લૂછી.

‘મમ્મી, હવેથી પ્લીઝ એ વાત ન કરીશ. મને મારું જીવન મારી રીતે જીવવા દે.’

જાનકીનું સ્થાન કુલદીપ કદી કોઈને આપી શકે એમ નથી, લગ્ન જેવી કોઈ વાતમાં એને રસ રહ્યો નથી એ સારી રીતે જાણતી માએ પછી બહુ આગ્રહ ન કર્યો.. હા, મનમાં એક અફસોસ જરૃર રહી ગયો, પણ તેનો કોઈ ઉપાય નહોતો.

આમ પણ એ એકલવાયી સ્ત્રીના જીવનમાં પણ કદાચ એવો કોઈ હૂંફભર્યો વિસામો કદી આવ્યો જ નહોતો. કોઈ દુઃખ નહોતું અને છતાં પોતે પતિને સાથ નથી આપી શકતા કે પોતે પતિને લાયક નથી એથી જ પતિ આખો દિવસ કામમાં ડૂબેલા રહે છે એવી કોઈ સમજ મીનાબહેનના મનમાં ઘર કરી ગઈ હતી. જાનકીનાં કુમકુમ પગલાંએ તેના દિલમાં એક આશા જન્માવી હતી, પણ કુદરતને એ ક્યાં મંજૂર હતું? એ આશા પૂરી થાય, એ સપનું હજુ તો પૂરું પાંગરે એ પહેલાં જ રોળાઈ ગયું હતું. હવે દીકરો પણ પિતાને પગલે જ ચાલવાનો. એ પણ પિતાની જેમ જ જિદ્દી, તરંગી, ધૂની અને ધાર્યું કરવાવાળો હતો. એને વધુ સમજાવવાનો અર્થ નહોતો એ તો એ પતિ સાથેનાં આટલાં વરસોના અનુભવ પછી એ જાણી ચૂકી હતી.

એ દિવસથી માએ મૌનનું કવચ ઓઢી ફરી એકવાર તેના મંદિરમાં જીવ પરોવી દીધો હતો અને દીકરાએ પોતાની જાતને પ્રયોગશાળામાં ડુબાડી દીધી.

મોડી રાત્રે થાકેલી આંખો મીંચાય છે ત્યારે ભીતરમાંથી કદીક જાનકી હાઉકલી કરી ઊઠે છે.

‘દીપ, બહુ થાકી ગયો?’

જાનકી સાથે અનેકવાર ઊંઘમાં સંવાદ થતો રહે છે.

‘જાનકી, તું મને મૂકીને ક્યાં ચાલી ગઈ?’

‘હું ક્યાં જાઉં..? હંમેશાં તારી સાથે તો છું.’

‘તો મને દેખાતી કેમ નથી..? ક્યાં છે તું..?’

‘સર..સર..!’

‘સર…? એ ય જાનુ, તારે માટે વળી હું સર ક્યાંથી થઈ ગયો? હું તો દીપ..તારો દીપ.’

‘સર.. શું થાય છે તમને? થાકી ગયા છો?’

‘જાનુ, બહુ થાક્યો છું. હવે તું આવતી રહે. બહુ થયું..! ક્યાં સુધી રાહ જોયા કરવાની?’

‘સર..’

ઇવાએ કુલદીપને હચમચાવી નાખ્યો.

કુલદીપ સફાળો જાગી ગયો. ક્યાં હતો તે? જાનકી ક્યાં? હમણા તો અહીં હતી.

અચાનક નજર ઇવા પર પડી. બે ચાર ક્ષણ તે ઇવા સામે જોઈ રહ્યો. વર્તમાનમાં આવતા જરા વાર લાગી.

ઓહપતો પોતે અતીતની ગલીઓમાં ઘૂમી રહ્યો હતો. હજુ સુધી અતીતથી પીછો નથી છૂટ્યો. જાનકી હજુ તેની ભીતરમાં એવી જ જીવંત છે. એથી જ તો ઇવાને જાનકીનું રૃપ અજાણતા જ અપાઈ ગયું છે ને?

‘સોરી ઇવા..’

‘સર, તમને ઊંઘ આવી ગઈ હતી? કંઈક બડબડાટ કરતા હતા. કદાચ ઊંઘમાં કોઈ સપનું જોઈ રહ્યા હશો.’

‘બની શકે…મને ક્યારેક એવું થતું હોય છે.’

‘ઇટ્સ ઓકે..સર.’

‘ઇવા, આપણે ઘેર જઈશું?’ પછી ઉમેર્યું .. ‘મેં તને કહ્યું હતું ને કે મમ્મી તીર્થયાત્રાએ ગઈ છે. એ આજે આવશે. અલબત્ત, ઘરની બીજી ચાવી તો એમની પાસે છે જ. છતાં એ આવે ત્યારે હું ઘરમાં હાજર હોઉં એ એમને ગમશે.’ ન જાણે કેમ પણ કુલદીપને અચાનક ઘેર જવાનું મન થઈ આવ્યું. ઇવાની સાથે ઘણી જગ્યાએ જવાનો પ્લાન પણ એ ભૂલી ગયો. કદાચ ભીતરમાં ઊઠેલી જાનકીની યાદે એ વિહવળ બની ગયો હતો કે શું?

‘ઓકે. સર, એઝ યુ વિશ..મને પણ તમારી મમ્મીને મળવું ગમશે.’

‘ગુડ..’

રસ્તામાં ડૉ. કુલદીપ ઇવા સાથે ન તો ખાસ કોઈ વાત કરી શક્યા, ન તેનું ખાસ ઓબ્ઝર્વેશન કરી શક્યા. કદાચ હજુ મન પર જાનકીનો કબજો યથાવત્ હતો.

રાત્રે ઘેર પહોંચીને કુલદીપે જોયું તો ઘર બહારથી નહીં, અંદરથી બંધ હતંુ.

ઓહ.. તો મમ્મી આવી ગઈ લાગે છે.

તેણે બેલ મારી.

બારણું ખૂલ્યું.

‘અરે બેટા, આવી ગયો..? સારું કર્યું. હું પણ…’

બોલતાં બોલતાં મીનાબહેન અચાનક અટકી ગયાં. તેની નજર દીકરાની બાજુમાં ઊભેલી ઇવા પર પડી.

કુલદીપ સાથે કોઈ છોકરી…! અને આ તો અદ્દલ જાનકી જેવી જ.. તે ઇવા સામે જોઈ રહ્યાં. ઇવાને જોતાં જ મનમાં જાનકીની યાદ ઊભરી આવી.

‘મમ્મી..આ ઇવા..’ પછી આગળ શું પરિચય આપવો તે સમજ ન પડી.

ત્યાં ઇવા જ આગળ આવી.

‘મા, હું ઇવા, કુલદીપ સરના દોસ્તની દીકરી…’

‘ઓહ, આવ બેટા..’ મીનાબહેનને નવાઈ લાગી. કુલદીપને એવો ક્યો દોસ્ત હતો? અને એની દીકરીને અહીં ઘેર કેમ લાવ્યો?

પ્રશ્નો તો મીનાબહેનના મનમાં અનેક ઊઠ્યા, પણ અત્યારે વધારે કશું ન પૂછતા તેણે ઇવાને આવકારી. ઇવા ચારે બાજુ જોતાં જોતાં ઘરમાં પ્રવેશી.

‘તમે બંને બેસો. હું ચા બનાવી લાવું તમારે માટે.’

‘ચા? ચા બનાવતાં મને આવડે છે. હું જ બનાવું છું. બેસો તમે.’ કહીને ઇવા ઊભી થઈ.

યેસ…કુલદીપને ખયાલ હતો કે ઇવામાં ઇન્સ્ટોલ થયેલો કૂકિંગ પ્રોગ્રામ કામ કરશે જ.

ઇવા સાથે મીનાબહેન પણ કિચનમાં ગયાં. પહેલી જ નજરે તેમને ઇવા ગમી ગઈ. છોકરી મજાની હતી. થોડી વારમાં ઇવા ચા બનાવી લાવી.

બસ, એ શરૃઆત હતી મીનાબહેનના મનમાં આશાનું કિરણ જન્માવવાની. આમ પણ ઇવા જાનકી જેવી જ દેખાતી હતી.એથી બની શકે પુત્રના મનમાં પણ એ વસી ગઈ હોય.

એમાં પણ એ પછીના દિવસોમાં એમણે જોયું કે દીકરો આખો દિવસ આ છોકરી સાથે સમય વીતાવે છે. એ ઘરમાં પોતાની પાસે હોય ત્યારે પણ દીકરાની નજર ઇવા પર જ મંડાયેલી હોય છે. જાનકીના ગયા પછી તેમણે કુલદીપને આજ સુધી કોઈ યુવતી સાથે કદી વાત કરતાં સુદ્ધાં જોયો નહોતો, પરંતુ આ છોકરીને જ્યારથી ઘરમાં લાવ્યો છે, ત્યારથી તેની સાથે સતત વાતો કરતો રહે છે. અરે, જે લેબોરેટરીમાં કોઈને પ્રવેશ ન મળે એમાં પણ એ આ છોકરીને આખો દિવસ સાથે જ રાખે છે. પોતાની સાથે પણ ખપ પૂરતી વાત કરતો કુલદીપ આખો દિવસ આ છોકરી સાથે ઘુસપુસ કરતો રહે છે.

મીનાબહેનને પુત્રનું આ પરિવર્તન ગમી જાય એ સહજ હતું. દીકરાની શુષ્ક જિંદગીમાં કોઈ સ્ત્રી પ્રવેશે એની ઉત્સુકતાપૂર્વક રાહ જોતાં મીનાબહેન ઇવાને જોઈ હરખાતાં રહ્યાં. ઇવા દેખાવે પણ કેવી મજાની હતી! અદ્દલ જાનકી જેવી જ. કુલદીપને કદાચ એટલે જ ઇવા પ્રત્યે આકર્ષણ થયું હશે. કેમ કે દેખાવમાં એ લગભગ જાનકી જેવી જ હતી. નમણી, દેખાવડી અને હસમુખી.. કોઈ કામ ઇવાને ન આવડતું હોય એવું ન લાગ્યું. એ રસોઈમાં કુશળ હતી. મીનાબહેનનું બહુ ધ્યાન રાખતી હતી. તેનાં વાણી-વર્તનમાં પણ કોઈ ખામી કાઢી શકાય એવું મીનાબહેનને ન લાગ્યું. પોતે જાણે કોઈ ગુપ્ત રહસ્ય શોધી કાઢ્યું એમ મીનાબહેન મનોમન હરખાતાં રહ્યાં.                        (ક્રમશઃ)

—————————————

એક અધૂરી વાર્તાનવલકથાનિલમ દોશીહરિશ થાનકી
Comments (0)
Add Comment