૫૮મા વર્ષે સ્વિમિંગ શીખ્યું અને ૭૫ની ઉંમરે આરંગેત્રમ કર્યું

૭૫ વર્ષની ઉંમરે તેઓ આરંગેત્રમ પ્રસ્તુત કરનાર સૌથી મોટી ઉંમરના દેશનાં પ્રથમ મહિલા બની શક્યાં છે
  • ફેમિલી ઝોન – હરીશ ગુર્જર

નવું શિખવા માટે શું ઉંમર હોય? તો જવાબ છે, ના. તેનું જીવંત ઉ.દા. છે- બકુલાબહેન પટેલ. તમને થશે કે આ તે કેવો જવાબ. ઉંમરના જે તબક્કામાં પગથિયું ચૂકી ન જવાય તેની સાવધાની રાખવી પડે અને જરૃર ના હોય તો દાદરા ચઢવાનું પણ ટાળવામાં જ હોશિયારી છે એવું આપણે માનીએ, એ ઉંમરે યુવાનોને પણ શરમાવે તેવી ચુસ્તી અને સ્ફૂર્તિ બકુલાબહેન પટેલમાં છે. ૫૮ વર્ષે સ્વિમિંગ શિખવાની શરૃઆત કરનાર સુરતનાં બકુલાબહેન પટેલની, ૭૫મા વર્ષે આરંગેત્રમ સુધીની સફર જાણવા અને માણવા જેવી છે.

૧૯૪૪માં સુરતના ગરીબ પરિવારમાં જન્મેલાં બકુલાબહેન પટેલે બાળપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. મામાના સાથ અને સહકારથી વડોદરામાં ૮મા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. મામાના અવસાન બાદ ૯મા ધોરણનો અભ્યાસ ચાલુ હતો તે દરમિયાન જ તેમનાં લગ્ન થયાં. લગ્ન બાદ બે દીકરા અને ૨ દીકરીઓ, તેમનો ઉછેર, તેમનાં લગ્નો અને ત્યાર બાદ તેમનાં બાળકોમાં બકુલાબહેન પટેલની યુવાની વિતી ગઈ અને વૃદ્ધાવસ્થાની શરૃઆત થઈ ગઈ હતી. ૪૯ વર્ષની ઉંમરે પતિના અવસાન બાદ બકુલાબહેનના જીવનમાં થોડી મોકળાશ આવી. સંતાનોનાં સંતાનો પણ મોટા થઈ ગયા હોવાથી હવે તેમની પાસે કરવા માટે કંઈ ન હતું. ઉંમરનો આ તબક્કો બકુલાબહેનના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બન્યો અને કંઈક નવું શિખવાની ઇચ્છા તેમનામાં જાગી.

૫૮ વર્ષની ઉંમરે બકુલાબહેને સ્વિમિંગની તાલીમ લેવાનો નિર્ણય લીધો. સુરતમાં તાપી નદીના ઓવારા પર તાલીમ આપતી સંસ્થા હરિઓમ આશ્રમના કેમ્પમાં તેઓ જોડાયા અને સ્વિમિંગ સૂટ પહેરીને પુરુષોની વચ્ચે તરવા માટે નદીમાં પહેલી વાર પડ્યા. તે દિવસથી શરૃ થયેલી તેમની સવારે ૭.૩૦ વાગે નદીમાં તરવા પહોંચવાની પરંપરા આજે ૭૫ વર્ષની ઉંમરે પણ અકબંધ છે.

૫૮મા વર્ષે સ્વિમર બનેલા બકુલાબહેનની નવું શિખવાની ઇચ્છા આટલેથી અટકી નહીં. ૬૯ વર્ષે તેમણે સુરતના ચંદ્રમૌલી ડાન્સ એકેડમીમાં ભરતનાટ્યમ શિખવા ઍડ્મિશન લઈને પરિવારના સભ્યોને પણ ચોંકાવી દીધા હતા. રૃઢિચુસ્ત સમાજમાંથી આવતાં હોવાને કારણે કાછડો (સાડી પહેરવાનો એક પ્રકાર) સ્વિમિંગ સૂટ પહેર્યો ત્યારે તેમને ઘણુ સાંભળવું પડ્યું હતું, પણ શરીર સાથ આપે અને પોતાને ગમે તે કરવું એવો નિર્ણય ત્યારે તેમણે લઈ લીધો હતો. કદાચ તેમના આ મક્કમ મનોબળથી જ ૭૫ વર્ષની ઉંમરે તેઓ આરંગેત્રમ પ્રસ્તુત કરનાર સૌથી મોટી ઉંમરના દેશનાં પ્રથમ મહિલા બની શક્યાં છે. આરંગેત્રમ વિષે વાત કરતાં બકુલાબહેન જણાવે છે ઃ ‘મને પહેલા સ્ટેપથી આરંગેત્રમ સુધી પહોંચતાં ૭ વર્ષ લાગ્યાં છે. ૪૪ વર્ષનાં કલાગુરુ ભાવનાબહેન પટેલ પાસે નૃત્ય શિખવાની શરૃઆત કરી. કે.જી. નર્સરી અને ધોરણ ૧નાં બાળકો સાથે મારી શિખવાની શરૃઆત થઈ. તેઓ જે સ્ટેપ બે દિવસમાં શિખતાં એ શિખતાં મને ૧૫ દિવસ લાગતાં. ડાન્સ ક્લાસમાં આવતાં નાનાં ભૂલકાંઓ મારી ભૂલો પર હસતાં, પણ ભાવનાબહેન મારી ભૂલોને બદલે મારા ઉત્સાહને વધુ મહત્ત્વ આપતાં. ક્લાસના સમય પહેલાં હું પહોંચી જતી અને બાળકો પાસે સ્ટેપ્સ શિખતી. થોડા થોડા સમયે લાગતું કે મારાથી નહીં થાય, છોડી દેવાની ઇચ્છા પણ થતી, પરંતુ મન ડાન્સ એકેડેમી તરફ ખેંચી જતું. સતત લેવાતી પરીક્ષાઓમાં હું એકેડેમીમાં પ્રથમ આવતી અને આમ આત્મવિશ્વાસ વધ્યો. આરંગેત્રમ માટે ભરતનાટ્યમની ૯૦ મિનિટની ૯ કળાની પ્રસ્તુતિ માટે છેલ્લા ૪ મહિના ૧૦-૧૦ કલાક પ્રેક્ટિસ કરતી હતી.’

૧૨ ઑક્ટોબર, ૨૦૧૯ના રોજ સુરતમાં યોજાયેલાં બકુલાબહેનનું આરંગેત્રમ જ્યારે પૂર્ણ થયું ત્યારે ઉપસ્થિત દર્શકોએ ઊભા થઈ તાળીઓના ગળગળાટથી તેમને વધાવી લીધા હતા. નૃત્યમાં બી.એ.ની ડિગ્રી મેળવી ચૂકેલાં બકુલાબહેનનું સ્વપ્ન નૃત્યમાં વિશારદની ડિગ્રી મેળવવાનું છે.

૭૫ વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવી બકુલાબહેનની સ્ફૂર્તિનું રહસ્ય તેમની દિનચર્યામાં સમાયેલું છે. સવારે ૪ કલાકે ઊઠી યોગ કર્યા બાદ ફ્રેશ થઈને તેઓ ટ્રેક શૂટ પહેરી દરરોજ ૪ કિલોમીટર દોડવા નીકળી પડે છે. સવારે ૬ કલાકે ઘરે પરત ફરી ઘરનાં નાનાં-મોટાં કામ પતાવી સવારે ૭.૩૦ કલાકે તાપી નદીમાં તરવા પહોંચી જાય છે. દરરોજ ૩ કલાક સ્વિમિંગ કર્યાં બાદ જ તેઓ ઘરે પરત ફરે છે અને ત્યાર બાદ બપોરે ડાન્સ ક્લાસીસમાં હાજરી તો ખરી જ. ૭૫ની ઉંમરનાં બકુલાબહેનની આ દિનચર્યાનું અનુકરણ ૧૮ વર્ષના યુવાનો માટે પણ મુશ્કેલ છે ત્યારે, બકુલાબહેનને પૂછ્યું કે, તમે જવાનીમાં એવું તો શું ખાધું છે કે આજે પણ યુવાનોને શરમાવો છો? તો બકુલાબહેને ક્ષણનો પણ વિચાર ન કરતાં ફિલ્મી અંદાજમાં જવાબ આપ્યોઃ ‘ગાલી’ યુવાનીમાં રૃઢિચુસ્ત સમાજમાં મને ઘણુ સહન કરવું પડ્યું છે અને હવે મારા એ દિવસોને એક સાથે જીવી લેવા છે. લોકોએ મને મારેલા મહેણા-ટોણા જ મારી તાકાત બની છે, તેથી જ બધાને હું કહું છું કે અભી તો મૈં જવાન હું.’

૭૫ વર્ષની ઉંમરે આરંગેત્રમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવા યોગ્ય છે, અને એ માટે બકુલાબહેનના પ્રયત્નો ચાલુ પણ છે.
—–.

ઈન્ટરનેશનલ સ્વિમર  બકુલાબહેન
૫૮મા વર્ષે સ્વિમિંગ શિખવાની શરૃઆત કરનાર દાદી બકુલા પટેલ અત્યાર સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૦૦થી વધુ સર્ટિફિકેટ્સ, ૧૩૦થી વધુ મૅડલ્સ અને ટ્રોફી મેળવી ચૂક્યાં છે. ૨૦૦૫માં કેનેડામાં યોજાયેલ સિનિયર સિટીઝન માટેની તરણ સ્પર્ધામાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સુરતના ગરીબ પરિવારનાં બકુલાબહેન સ્વિમિંગના જોરે માત્ર જિલ્લા સ્તરે જ નહીં, પરંતુ વિદેશમાં કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સ્વિડન, મલેશિયા અને ફ્રાન્સમાં યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લઈ સફળતા મેળવી ચૂક્યા છે.

ઓસ્ટ્રેલિયાની તરણ સ્પર્ધા દરમિયાન ખાલી દિવસનો ઉપયોગ પણ તેમણે એક નવો રેકોર્ડ પોતાના નામે કરવા માટે ખર્ચી નાખ્યો હતો. બકુલાબહેન પહેલા ભારતીય મહિલા છે જેમણે સિડનીના હાર્બર બ્રિજ પર ચઢાણ કર્યું હોય. આજીવન વિદ્યાર્થી બની સતત નવું શિખવાની તેમની ઇચ્છાશક્તિ જ બકુલાબહેનને એક પછી એક સફળતાઓ અપાવી રહી છે.
——————

ફેમિલી ઝોનહરિશ ગૂર્જર
Comments (0)
Add Comment