અબ્રાહમને છોડાવવા સત્યેનની કવાયત

અબ્રાહમના લંડનના પાંચ કમાન્ડો લંડન મોસ્કમાં દાખલ થયા. ત્યારે સાંજની નમાજનો સમય પૂરો થઈ ગયો હતો.
  • સત્ – અસત્  નવલકથા – પ્રકરણઃ ૩૮
  • સંગીતા-સુધીર
  • મી ટુ મુદ્દાને લઈને ચીફ જજ સુનાવણી હાથ ધરે છે. એ સમયે રંજના સેન સત્યેન શાહ સામ કરેલા આક્ષેપો ખોટા છે એ કહેવા અને માફી માગવા ઊભી થાય છે, પરંતુ ચીફ જજ રંજના સેનને એ બધું કહેવા – કરવા માટે યોગ્ય સમયની રાહ જોવાનું કહે છે. ચીફ જજ સૉલિસિટર જોશીને સત્યેન શાહની હાજરી અંગે પૂછે છે ત્યારે સૉલિસિટર જોશી ચીફ જજને કહે છે કે તેઓ યોગ્ય સમયે કોર્ટમાં હાજર થઈ જશે. રિપોર્ટર અટલ તરફથી ક્રિમિનલ ઍડ્વોકેટ ભૂપેન્દ્ર મહેતા ઊભા થાય છે. જે જોઈને અચલાને નવાઈ લાગે છે. કોર્ટની સુનાવણી આગળ ચાલે છે, જ્યારે બધી વિધિ પૂરી થાય છે ત્યારે રિપોર્ટર જાગૃતિ વિટનેસ બોક્સમાં જઈને પોતે મંથન શાહ સામે કરેલા આક્ષેપો ખોટા છે તેમ કહે છે અને આ આક્ષેપો પાછા ખેંચવાની વિનંતી કરે છે. આ સાંભળીને ચીફ જજ જાગૃતિ પર ગુસ્સે થાય છે. કોર્ટને રમકડું સમજવા પર અને ખોટા આક્ષેપો કરવા બદલ રંજના સેનની જેમ જાગૃતિને પણ સજા થશે તેમ જણાવે છે. જાગૃતિની વાત સાંભળીને ચીફ જજ નહીં પણ અન્ય લોકો પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. લોકોને લાગતું હતું કે મંથન શાહે જાગૃતિને ખરીદી લીધી છે અને તેથી જાગૃતિ આ પ્રકારનું નિવેદન આપી રહી છે. ચીફ જજ તપાસ પંચ નીમીને સમગ્ર મુદ્દા અંગે બાદમાં નિર્ણય આપશે તેવી જાહેરાત કરે છે. જોકે, સૉલિસિટર જોશી, જાગૃતિ અને ભૂપેન્દ્ર મહેતા સહિતના લોકો ચીફ જજના આ નિર્ણય સામે દલીલ કરે છે અને અત્યારે જ નિર્ણય સંભળાવવા વિનંતી કરે છે. જોકે, ચીફ જજ તપાસ પંચની તપાસ પૂરી થયા બાદ જ નિર્ણય સંભળાવવાના નિર્ણય પર અફર રહે છે. બીજી બાજુ લંડનમાં યુસુફની આત્મહત્યાના સમાચાર સાંભળીને સત્યેનને ધ્રાસ્કો પડે છે. તે અબ્રાહમને છોડાવવા ઇઝરાયલથી તેના કમાન્ડો બોલાવવાનો વિચાર કરે છે.

હવે આગળ વાંચો…

‘તમે જ્યાં બેઠા છો ત્યાં જ હાઇડ પાર્કમાં બેસી રહેજો. અમારા લંડનના કમાન્ડો એક કલાકમાં જ તમને ત્યાં જ આવીને મળશે. હું પણ પહેલી અવેલેબલ ફ્લાઇટમાં લંડન આવી પહોંચું છું.’ સત્યેને એના જેરૃસલેમના ડ્રાઇવરને જેવો બધી વાતથી વાકેફ કર્યો કે એ ડ્રાઇવર-કમ-કમાન્ડોએ જવાબમાં જણાવ્યું.

હવે શું કરવું? સત્યેન વિચાર કરતો બેઠો હતો – દસ મિનિટ થઈ અને એનો મોબાઇલ રણક્યો,

‘હલ્લો…’

‘મિસ્ટર સત્યેન શાહ, હું જેકબ, મિસ્ટર અબ્રાહમનો માણસ વાત કરું છું. જેરૃસલેમથી હમણા જ કૉલ આવ્યો હતો. થોડી વારમાં જ તમે છો ત્યાં હું આવી પહોંચું છું. તમે સ્પીકર્સ કોર્નર પાસે ઊભા રહો અને હા, સર, એટલે મિસ્ટર અબ્રાહમની ખબર કાઢવા અમારા થોડા કમાન્ડો લંડન મોસ્ક જવા હમણા જ નીકળશે. તેઓ એ મસ્જિદથી વાકેફ છે. મુસલમાન જેવો જ દેખાવ કરીને તેઓ ત્યાં જશે. મિસ્ટર અબ્રાહમની ભાળ તેઓ જરૃરથી મેળવી શકશે. તમે ચિંતા નહીં કરતા.’ જેકબે સત્યેનને ચિંતા ન કરતા કહીને વધુ ચિંતામાં નાખી દીધો. જો તૈમૂર પણ લંડન મોસ્કમાં હશે, એને યુસુફના આપઘાતની જાણ થઈ હશે, તો તો મામલો ખૂબ જ બિચકી જશે. શું થશે? શું નહીં? સત્યેન ઊંડી ચિંતામાં પડ્યો.

* * *

અબ્રાહમના લંડનના પાંચ કમાન્ડો લંડન મોસ્કમાં દાખલ થયા. ત્યારે સાંજની નમાજનો સમય પૂરો થઈ ગયો હતો. મસ્જિદની અંદર માંડ પાંચ-સાત માણસો હતા. લંડન મોસ્કના કમ્પાઉન્ડની આરસપહાણની ફર્શ એટલી ઊજળી હતી કે તમે એમાં તમારું પ્રતિબિંબ જોઈ શકો. પેલા ચાર ગાઇડો, જે હકીકતમાં મૌલવીના બૉડીગાર્ડ હતા એમની જોડે મૌલવી એક ખૂણામાં વાતચીત કરી રહ્યા હતા. એ પાંચેયના લાંબા પ્રતિબિંબ મોસ્કની આરસપહાણની ફર્શ ઉપર પથરાયેલા હતા. આ પાંચેય કમાન્ડોએ એ પડછાયા જોયા અને એમની ચકોર નજર કમ્પાઉન્ડની ચારે બાજુએ ફેરવી. એ સમયે મસ્જિદના કમ્પાઉન્ડમાં અન્ય કોઈ નહોતું. એ પાંચમાંના બે કમાન્ડો પેલો મૌલવી જ્યાં એના બૉડીગાર્ડો સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યાં પહોંચ્યા. એમને જોઈને મૌલવી બોલતા અટકી ગયા. એમની તરફ એક પ્રશ્નાર્થ દૃષ્ટિ ફેંકી.

‘સલામ આલેકુમ.’ એ બેમાંના એક અગ્રણી જણાતા અને અસ્સલ મુસલમાન દેખાતા કમાન્ડોએ મૌલવીને અદબભરીને સલામ કરી.

‘વાલેકુમ સલામ…’ મૌલવીએ પ્રત્યુત્તર આપ્યો.

‘હજૂર, આપસે કુછ બાત કરની હૈ.’

‘હાં… હાં. શોક ફરમાઈએ.’

‘જી, અકેલેમેં…’

‘ઐસી ક્યા બાત હૈ?’

‘જી, આપ અગર અલગ સે થોડે દૂર આતે હૈ તો હમ આપકો બતાયેંગે.’

મૌલવીએ એના ચારેય બૉડીગાર્ડોને જવા માટે ઇશારો કર્યો. પછી કહ્યું, ‘અબ બોલો, ક્યા બાત હૈ?’

‘વો જો વહાં હૈં…’ થોડા અંતરે ત્રણ કમાન્ડો તરફ આંગળી ચીંધીને એ કમાન્ડોએ કહ્યું, ‘વો ઇન્ડિયા સે આયે હૈં. ઉન્હે દો આદમી કી તલાશ હૈ. આપકો…’

મૌલાના તુરંત સમજી ગયો કે આ લોકો અબ્રાહમ અને સત્યેનની વાત કરે છે. એને દાળમાં કાળું જણાયું. ચારેય બૉડીગાર્ડો જેમને દૂર જવાનું કહેલું એમને પાસે બોલાવવા મૌલાનાએ મોઢું ખોલ્યું, ‘યાકુબ મિયાં…’

મૌલાનાની જોડે જે વાત કરી રહ્યો હતો એ કમાન્ડોએ મૌલાનાના ખુલ્લા મોઢાને પોતાના ડાબા હાથનો પંજો મૂકી બૂમ પાડતા અટકાવ્યા. સાથે સાથે જમણા હાથથી એણે મૌલાનાની ચરબીયુક્ત ફાંદ ઉપર જોરથી ચીમટો ભર્યો.

‘ખબરદાર, એક લબ્જ ભી નિકાલોગે તો તુમ્હારા મુહ ખૂલા કા ખૂલા રહ જાયેગા. હમે પતા હૈ તુમને ઉનકો યહીં કહી મસ્જિદમેં છુપાયા હૈ. બોલો, કહાં છુપાયા હૈ?’

મૌલાનાએ યાકુબ મિયાંને બૂમ પાડી એટલે એ ચારેય બૉડીગાર્ડોનું ધ્યાન મૌલાના તરફ પડ્યું. મૌલાનાએ એમને ત્યાંથી જવાનું કહીને પછી યાકુબ મિયાંના નામની બૂમ શા માટે પાડી? એમને વહેમ આવ્યો. નક્કી કંઈ ગરબડ છે. તેઓ પાછળ ફરીને મૌલાનાએ બૂમ શા માટે પાડી એ જોવા ગયા. એટલામાં જ દૂર ઊભેલા ત્રણ કમાન્ડો એ ચારેની પાસે આવી પહોંચ્યા. આ બધું શું ચાલી રહ્યું છે એનો એ ચારે વિચાર કરે, મૌલાનાએ શા માટે યાકુબ મિયાંને બૂમ પાડી એ જાણે, એ પહેલાં તો એ ત્રણ કમાન્ડોએ એ ચારેનાં માથાં એકબીજાં સાથે જોરથી અફળાવ્યા અને એમને ઘેરો ઘાલીને ઊભા રહી ગયા.

મૌલાનાના પેટમાં જે ચીમટો ભરવામાં આવ્યો હતો એ મૌલાનાથી જીરવાયો નહીં. એમને અત્યંત પીડા થઈ. પેલા કમાન્ડોએ એનો એ જ સવાલ પાછો પૂછયો, ‘બોલો, કહાં હૈ વો દોનોં?’ આ વખતે મૌલાના જવાબ આપી શકે એ માટે એણે એનો હાથ મૌલાનાના મોઢા પરથી ખસેડી લીધો.

‘કૌન દોનો?’ મૌલાનાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

એની સાથે જ એ કમાન્ડોએ ફરી પાછો મૌલાનાના પેટ ઉપર વધુ તીક્ષ્ણ ચીમટો ભર્યો. પાછળ ઊભેલા કમાન્ડોએ પીઠ ઉપર જોરથી ધબ્બો માર્યો.

‘યે સબ ચાલબાજી છોડો. બતાઓ, કહાં રખા હૈ દોનો કો?’ બકરા ખાઈ ખાઈને મૌલાનાએ ચરબી ખૂબ વધારી હતી. બે મોટા ચીમટા અને એક મુક્કો વાગતા મૌલાના લથડી પડ્યા,

‘એક ભાગ ગયા હૈ ઔર દુસરે કો હમને કમરેમેં રખા હૈ.’

મૌલાના આટલું બોલ્યા કે પાછળ ઊભેલા કમાન્ડોએ એને એક બીજો મુક્કો માર્યો,  ‘જલદીસે વો કમરા કહાં હૈ વો બતાઓ.’

મૌલાનાને હવે ચક્કર આવી ગયાં. એમનાથી આ મુક્કાઓ સહન ન થયા. આ લોકો કોણ છે અને શા માટે એ પેલા નાપાક હિન્દુ અને ઇઝરાયલીની ખબર પૂછતા આવ્યા છે?

આમની ચુંગાલમાંથી કેમ છટકવું? મૌલાનાએ અસહાય બનીને એમના ચાર બૉડીગાર્ડો તરફ દૃષ્ટિ કરી. માથું ભટકાવ્યા બાદ એ ચારેને ઘેરા ઘાલીને ઊભેલા બીજા ત્રણ કમાન્ડોને જોતાં મૌલાનાને ભીતિ લાગી. મદદ માટે એમણે આજુબાજુ નજર ફેરવી. મસ્જિદનું કમ્પાઉન્ડ સાવ સૂનું હતું. કોઈ આવે ને મૌલાનાને મદદ કરે એવું જણાતું નહોતું. ‘અબ્રાહમને કેદ કરીને ક્યાં રાખ્યો છે એ જણાવીશ તો તો નક્કી આ લોકો એને લઈને છૂમંતર થઈ જશે. પછી હું તૈમૂરને શું જવાબ આપીશ?’ બેમાંથી એક તો છટકી ગયો છે. હવે જો બીજાને પણ તેઓ જવા દે તો તો તૈમૂર એમને જીવતા ન છોડે. કોણ હશે આ બે લોકો જેને કેદ કરવાની અને જો તેમ ન કરાય તો ખતમ કરવાની સૂચના તૈમૂરે આપી હતી અને જેેને શોધવા આ પાંચ મુસલમાનો આવ્યા હતા? મૌલાના આવો વિચાર કરતા હતા ત્યાં જ ફરી પાછો પીઠમાં એક ધબ્બો અને પેટ ઉપર જોરદાર ત્રીજા ચીમટાની સાથે સાથે મુક્કો પણ પડ્યો. મૌલાનાને થયું ‘મારો જીવ નીકળી જશે.’

* * *

ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન, ‘ઇન્ટરપોલ’ તરીકે જાણીતું છે. એનું કાર્ય માનવતા વિરુદ્ધ આચરવામાં આવતા ગુનાઓ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી, સાઇબર ક્રાઇમ, ડ્રગ્સ ટ્રાફિકિંગ, ઍન્વાયરન્મૅન્ટલ ક્રાઇમ, કોઈ પણ જાતિ યા વર્ગનો નાશ કરવા પ્રયોજિત કાર્ય એટલે કે જે’નોસાઇડ, હ્યુમન ટ્રાફિકિંગ, ગેરકાયદેસર ડ્રગ્સનું પ્રોડક્શન, કૉપીરાઇટનો ભંગ, ખોવાયેલા લોકોની ખોજ, કળાકૃતિઓની ગેરકાયદેસર હેરાફેરી, ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટીનું રક્ષણ, મની લોન્ડરિંગ, ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ, કરપ્શન, ટેરરિઝમ, વૉર ક્રાઇમ્સ, વેપન્સ સ્મગલિંગ તેમ જ વ્હાઈટ કૉલર ક્રાઇમ અટકાવવાનું છે. વાર્ષિક ૧૧૩ મિલિયન યુરોનું બજેટ ધરાવતી આ સંસ્થાના ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા સહિત ૧૮૧ દેશો સભ્ય છે. એની સ્થાપના ૧૯૨૩માં થઈ હતી.

ફ્રાન્સના લિયોનમાં આવેલ ઇન્ટરપોલનું હેડ ક્વાર્ટર વિશ્વની જે વ્યક્તિઓ ઉપલા ગુનામાં સંડાવાયેલી હોય છે એમનો ડેટાબેઝ ધરાવે છે. ગંભીર ગુનાઓ આચરનારી વ્યક્તિઓ વિરુદ્ધ તેઓ રેડ નોટિસ જાહેર કરે છે. તૈમૂરનું નામ ઇન્ટરપોલના ડેટાબેઝમાં રજિસ્ટર થયેલું જ હતું, પણ હજુ સુધી એની સામે ‘રેડ નોટિસ’ ઈશ્યુ થઈ નહોતી. કાગનું બેસવું અને ડાળનું પડવું એ મુજબ જ્યારે લંડનની કોર્ટે એની વિરુદ્ધ વૉરન્ટ ઈશ્યુ કર્યું બરાબર એ જ સમયે ઇન્ટરપોલે એની સામે રેડ નોટિસ ઈશ્યુ કરી. આથી યુસુફની કારમાં લંડનથી પેરિસ જવા નીકળેલા તૈમૂરની બોર્ડર ઉપર એ રેડ નોટિસને કારણે ધરપકડ કરવામાં આવી. ત્યાર બાદ લંડનની કોર્ટે એની સામે જે વૉરન્ટ કાઢ્યું હતું એની જાણ પણ બોર્ડર સિક્યૉરિટી પોલીસને થઈ. હવે બોર્ડર પોલીસ સામે વિકટ પ્રશ્ન ખડો થયો. તૈમૂરને લંડન પોલીસને સુપરત કરવો કે ઇન્ટરપોલની પોલીસને?

તૈમૂર ફક્ત ઇન્ડિયામાં જ અંધાધૂંધી નહોતો ફેલાવતો. યુરોપ અને આફ્રિકામાં પણ એનું એ કાર્ય વ્યાપકરૃપે ફેલાયેલું હતું. સાઉદી અરેબિયા અને અન્ય ઇસ્લામધર્મી દેશોના પ્રતિનિધિ તરીકે તૈમૂર ઇસ્લામ ધર્મના ફેલાવા માટે દરેક પ્રકારની ગેરરીતિ આચરતો હતો. મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ, ક્રિશ્ચિયન, જ્યુ, પારસી તેમ જ બુદ્ધધર્મી યુવતીઓને ફોસલાવીને, પ્રેમમાં પાડીને, એમની જોડે લગ્ન કરીને, એમનું ધર્માંતર કરાવવું એ ‘લવ જેહાદ’ તૈમૂરનું મુખ્ય કાર્ય હતું. જે દેશની જે રાજકીય પાર્ટી ઇસ્લામધર્મીઓને સપોર્ટ કરે એ પાર્ટીને તૈમૂર એના એ દેશના સાગરીતો વડે એ પાર્ટી સત્તા પર આવે અને જો સત્તા પર હોય તો ટકી રહે એ માટે જુદી-જુદી રીતે મદદ કરતો હતો.

જ્યારથી અમેરિકામાં ‘મી ટૂ’નો વાયરો શરૃ થયો હતો ત્યારથી એ પ્રવાહનો લાભ લઈ તૈમૂર જે-તે દેશના રાજકીય વડાઓ તેમ જ અન્ય આગળ પડતા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ અને સમાજસેવકો, જેઓ એના ઇસ્લામ ધર્મના ફેલાવાના પ્રયત્નોમાં અડચણરૃપ જણાતા હતા એમની વિરુદ્ધ ત્યાંની સ્ત્રીઓ વતીથી ‘એ વ્યક્તિઓએ વર્ષો પહેલાં અમારું જાતીય શોષણ કર્યું છે’ એવા ખોટા ‘મી ટૂ’ના આક્ષેપો કરાવવા લાગ્યો હતો. સત્યેન શાહ તૈમૂરના આ કાવતરાનો ભોગ બન્યો હતો.

બોર્ડર પોલીસ ખૂબ જ ગડમથલ પછી પણ નિર્ણય લઈ ન શકી કે તૈમૂરને લંડન પોલીસને હવાલે કરવો કે ઇન્ટરપોલને. આખરે જે ઇન્સ્પેક્ટરે તૈમૂરને એરેસ્ટ કરવાનો ઓર્ડર આપ્યો હતો એણે ઇન્ટરપોલના ચીફ ઓફ પોલીસને ફોન કરીને એની સલાહ માગી.

‘તમે જો મિસ્ટર તૈમૂરને લંડન પોલીસને હવાલે કરશો તો ઓલ્ડ બેલીએ જે કોઈ પણ ગુનાસર મિસ્ટર તૈમૂર સામે વૉરન્ટ કાઢ્યું હશે એ ગુનો ગમે તેટલો ગંભીર હશે તો પણ મિસ્ટર તૈમૂર બીજે દિવસે કોર્ટમાંથી જામીન મેળવીને છૂટી જશે. પછી લંડનમાંથી એ દુબઈ ક્યારે અને કેવી રીતે રફુચક્કર થઈ જશે એની આપણને કોઈને ખબર જ નહીં પડે. પછી લંડન પોલીસ તેમ જ અમે મિસ્ટર તૈમૂરને શોધતા જ રહીશું. મારું માનો, અનાયાસે મિસ્ટર તૈમૂર આપણા હાથમાં આવ્યો છે. તમે એને અમને જ સોંપી દો. નહીં તો એ વિશ્વના બીજા બધા દેશોમાં તો ઠીક, પણ તમારા લંડનમાં ઇસ્લામ ધર્મના ફેલાવા માટે અનેક દુષ્કૃત્યો કરવા લાગી જશે.’

બોર્ડર પોલીસને ઇન્ટરપોલના ચીફ ઓફ પોલીસની વાત ખૂબ જ સાચી લાગી. તૈમૂરને ઇન્ટરપોલને સોંપવાની, એની વિરુદ્ધ જે રેડ નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી એનાં કારણો, એની વિરુદ્ધ લગાડવામાં આવેલા આક્ષેપો આ બધું જ ટીવી ચેનલોએ વારંવાર લાઇવ દેખાડ્યું. આખી દુનિયાને જાણ થઈ કે ઇન્ટરપોલે એક ખૂંખાર આતંકવાદી દુબઈસ્થિત ઇસ્લામધર્મી તૈમૂર નામની વ્યક્તિને લંડનથી પેરિસ ભાગી જતાં બોર્ડર ઉપર એરેસ્ટ કર્યો છે.

* * *

મૌલાનાથી પીઠ ઉપરના જોરદાર ધબ્બા અને પેટ ઉપરના તીવ્ર ચીમટા સહન ન થયા. નાનપણમાં માતા-પિતાની એક પણ ધોલ-ધપાટ ન ખાનાર મૌલાનાએ સ્વપ્ને પણ નહોતો ધાર્યું કે એમની મસ્જિદમાં જ કોઈ એમના ઉપર આવા પ્રહાર કરશે. ‘હવે જો મને બીજો મુક્કો પડશે કે ચીમટો ભરવામાં આવશે તો મારો જીવ નીકળી જશે’ એ વિચારે મૌલાનાએ એના ચાર બૉડીગાર્ડોને ઉદ્દેશીને જોરથી કહ્યું,

‘વો કાફીર કો જહાં કેદ રખા હૈ વો કમરા ઈન લોગોં કો દિખાઓ.’

ચીમટો ભરનાર કમાન્ડોએ મૌલાનાને કમાન્ડ કર્યો, ‘ઔર આપભી હમારે સાથ ચલો.’ મૌલાના, એમને મેથીપાક જમાડનારા બે કમાન્ડો, મૌલાનાના ચાર બૉડીગાર્ડો અને બીજા ત્રણ કમાન્ડો આ દસ જણા અબ્રાહમને જ્યાં કેદ કરવામાં આવ્યો હતો ત્યાં જઈ પહોંચ્યા.

પેલા ચાર બૉડીગાર્ડો ચાલાકી કરવા ગયા. એમને ઘેરીને ચાલતા ત્રણ કમાન્ડોની છાતી ઉપર એમની કોણી વડે હુમલો કર્યો. આ જોતાં જ મૌલાનાને પકડીને લઈ આવતા કમાન્ડોએ ફરીથી એક જોરદાર ચીમટો મૌલાનાના પેટ ઉપર ભર્યો. મૌલાના એ જીરવી ન શક્યા અને જોરથી બરાડ્યા,

‘અરે, કમબખ્તો, કમરે કા દરવાજા ખોલો, નહીં તો યે મુઝે માર ડાલેગા.’

બૉડીગાર્ડો સમજી ગયા કે તેઓ ભલે વધુ સંખ્યામાં હોય, પણ આ કમાન્ડો આગળ એમનું ચાલે એમ નથી. એમણે અબ્રાહમની કોટડીનો દરવાજો ખોલ્યો.

હવે એ અંધારી કોટડીમાં પુરાવાનો વારો મૌલાના અને એના ચાર બૉડીગાર્ડોનો હતો. અબ્રાહમને લઈને એ બધા જેટલા ઝડપથી આવ્યા હતા એથી વધુ ઝડપથી લંડનની એ પ્રસિદ્ધ ફઝલ મસ્જિદ જે એ સમયે સૂનકાર હતી ત્યાંથી બહાર નીકળી ગયા.

* * *

‘હલ્લો, મિસ્ટર સત્યેન શાહ. આઈ એમ જેકબ.’

‘ઓહ, તમે આવી ગયા.’

‘થોડી વારમાં જ આવી પહોંચું છું. તમે સ્પીકર્સ કોર્નર પાસે ઊભા રહો’ એમ કહેનાર જેકબને હાઇડ પાર્કમાં એની વાટ જોઈને સ્પીકર્સ કોર્નર પાસે આંટા મારી રહેલા સત્યેન પાસે પહોંચતાં લગભગ બે કલાક લાગ્યા હતા. વિશ્વના બધા જ મેટ્રોપોલિટન શહેરની જેમ લંડનનો ટ્રાફિક પણ ભયંકર કહી શકાય એવી સ્થિતિએ પહોંચી ગયો છે. જોકે લંડનમાં આવેલ ટ્યૂબમાં મુસાફરી કરતાં એક જગ્યાથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચી શકાય છે, પણ જેકબ સત્યેનને લેવા કારમાં આવ્યો હતો. હાઇડ પાર્કની નીચે આવેલ અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ લોટમાં કારને પાર્ક કરતાં પણ જેકબને ખાસ્સો એવો સમય લાગ્યો. કારની અંદર બેસતાં સુધીમાં જેકબે અબ્રાહમને છોડાવવા એના પાંચ કમાન્ડોને મોકલી આપ્યા છે એ બાતમી આપી દીધી.

‘ક્યાં જઈશું?’

‘લંડન મોસ્ક તરીકે જાણીતી ફઝલ મસ્જિદમાં બીજે ક્યાં?’ સત્યેને જવાબ આપ્યો.

હજુ તો કાર હાઇડ પાર્કની નીચે આવેલ જબરજસ્ત અન્ડરગ્રાઉન્ડ કાર-પાર્કમાંથી બહાર નીકળે એટલામાં જેકબનો વાઇબ્રન્ટ મોડ ઉપર રાખેલ મોબાઇલ ધ્રૂજવા લાગ્યો. કાર ચલાવતાં ચલાવતાં જ જેકબે ફોન રિસીવ કર્યો. સામે છેડેથી એને જે કહેવામાં આવ્યું એ સાંભળતાં એણે કારને અટકાવી દીધી.

‘શું થયું?’

‘અમારા કમાન્ડોએ લંડન મોસ્કમાં કેદ કરેલા અબ્રાહમને છોડાવી દીધો છે અને…’ આટલું બોલતાં જેકબ એનું હસવું રોકી ન શક્યો.

‘આ ખુશી ખબર છે, પણ તમે આટલું બધું હસો છો શું કામ?’

‘મિસ્ટર સત્યેન, હસવું એટલા માટે આવે છે કે અબ્રાહમને જ્યાં પૂરી રાખ્યો હતો એ જ કોટડીમાં અમારા કમાન્ડોએ એ મૌલવી અને એના ચાર ગાર્ડોને પૂરી દીધા છે.’

આ સાંભળીને સત્યેનથી પણ હસ્યા સિવાય ન રહેવાયું, ‘આ તો નહલે પે દહેલા જેવું થયું.’

‘તો હવે મિસ્ટર સત્યેન, લંડન મોસ્કમાં જવાનો કંઈ અર્થ નથી.’

‘કેમ? પેલા તૈમૂરને પકડવાનો હજુ બાકી છે. એ ત્યાં જ, લંડન મોસ્કમાં જ છુપાયો હશે.’

‘કોણ? દુબઈવાળો તૈમૂર?’

‘હા… હા, એ જ. એની સામે પણ લંડનની કોર્ટે વૉરન્ટ કાઢ્યું છે. આપણે એને એરેસ્ટ કરાવવાનો છે.’

‘મિસ્ટર સત્યેન, તમે એની ચિંતા ન કરો.’

‘કેમ?’

‘તૈમૂર ઈઝ ઓલરેડી એરેસ્ટેડ.’

‘શું વાત કરો છો? ક્યારે?’

(ક્રમશઃ)

——————

નવલકથાસત-અસતસુધીર-સંગિતા
Comments (0)
Add Comment