સત્ – અસત્ નવલકથા – પ્રકરણઃ ૨૩
- સંગીતા-સુધીર
સત્યેન શાહ દ્વારા મોકલવામાં આવેલી નોટિસના કારણે રંજના સેન પરેશાન થઈ જાય છે. જો તેનું જૂઠાણુ પકડાઈ જશે તો તેની ભારે બદનામી થશે તેવા ડરને કારણે તે તેના ચાહક અને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર અમર્ત્યની મદદ લેવાનું નક્કી કરે છે. અમર્ત્ય રંજનાને જણાવે છે કે તે કોર્ટને અને લોકોને હકીકત જણાવી દે કે તેણે માત્ર અને માત્ર લોકપ્રિયતા મેળવવા માટે સત્યેન શાહ સામે જાતીય શોષણના આક્ષેપો કર્યા છે. જોકે, રંજનાને મિસ્ટર અમર્ત્યનું આ સૂચન નથી ગમતું. રંજનાની પ્રતિક્રિયા જોઈને અમર્ત્ય તેને કાયદાકીય પ્રક્રિયા માટે જરૃરી નાણાકીય સહાય આપવાની ખાતરી આપે છે. અમર્ત્યના સૂચન અને સહાયની વાત છતાં પણ રંજનાને જાગૃતિની સલાહ લેવાનું મન થાય છે. રાત્રિના અગિયાર વાગ્યા હોવા છતાં રંજના સેન જાગૃતિને ફોન કરે છે. બીજી બાજુ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટર અચલા અને જાનકીને જોઈને ઉદ્યોગપતિ હર્ષદ ગાંજાવાલાના હાંજા ગગડી જાય છે. ઇન્સ્પેક્ટર ગાંજાવાલાને જણાવે છે કે પોલીસ કમિશનરે ગાંજાવાલા સામે નવેસરથી ફરિયાદ નોંધવા અને કાયદાકીય પગલાં લેવા જણાવ્યું છે. આ સાંભળીને ગાંજાવાલા અને રિપોર્ટર અચલા વચ્ચે બોલાચાલી થાય છે. સત્યેન શાહ રિપોર્ટર અટલને તેનો કેસ સોંપે છે અને એ દિશામાં આગળ વધવા તે અટલને જરૃરી સૂચનાઓ આપે છે. આ સૂચનાના ભાગરૃપે સત્યેન અટલને કોર્ટમાં જય જનતા પાર્ટીને લઈને પીઆઇએલ કરવાનું કહે છે અને પાર્ટીના હિસાબોમાં થયેલા ગોટાળાની જાણકારી જનતા સમક્ષ લાવવાનું કહે છે. બીજી તરફ અટલ તરફ આકર્ષાયેલી અને તેની સાથે કામ કરી રહેલી જાગૃતિ અટલના સપનામાં ખોવાયેલી હોય છે ત્યાં જ તેનો ફોન રણકે છે. રંજના જાગૃતિને જણાવે છે કે તેણે સત્યેન શાહ સામે કરેલા આક્ષેપો સદંતર ખોટા છે, પણ પ્રસિદ્ધિ ખાતર કરેલા આ આક્ષેપોને કારણે હવે તે કાયદાની જાળમાં સપડાઈ છે અને તેમાંથી બહાર નીકળવા માટે તેને જાગૃતિની સલાહ અને મદદની જરૃર છે.
હવે આગળ વાંચો…
રંજના સેન માટે બીજા દિવસની સવાર વધુ બિહામણી હતી. છેલ્લાં દોઢસો વર્ષથી પ્રસિદ્ધ થતું મુંબઈનું સૌથી જૂનું ન્યૂઝપેપર, જેમાં રંજના સેનની ત્રણ નવલકથાઓ હપ્તાવાર પ્રસિદ્ધ થઈ ચૂકી હતી એ જ અખબારના એ દિવસના ફ્રન્ટ પેજની હેડ લાઈન હતી,
‘શહેરના પ્રતિષ્ઠિત શખ્સ સામે જાતીય શોષણના કરેલા આક્ષેપોની તુરંત તપાસણીની રિપોર્ટર અટલે કરેલ માગણી’
નીચે લંબાણપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ તેમ જ અનેક સંસ્થાઓ જોડે સંકળાયેલા, ઓપોઝિશન પાર્ટીના કોષાધ્યક્ષ સત્યેન શાહ વિરુદ્ધ ચાર સ્ત્રીઓએ વર્ષો પહેલાં એમણે એમનું જાતીય શોષણ કર્યું હતું એવા આક્ષેપો કર્યા છે. સત્યેન શાહે એ આક્ષેપો સદંતર ખોટા છે એવું એમના સૉલિસિટર વતીથી જણાવ્યું છે અને એ ચારેય સ્ત્રીઓને એમના આક્ષેપો પાછા ખેંચી લેવાનું તેમ જ બિનશરતી માફી માગવાનું જણાવ્યું છે. એ ચારેય સ્ત્રીઓએ મુંબઈના નામાંકિત ક્રિમિનલ ઍડ્વોકેટ વતીથી સત્યેન શાહના સૉલિસિટરની નોટિસનો જવાબ આપ્યો છે. એક પાંચમી સ્ત્રીએ પણ આ જ પ્રકારના આક્ષેપ સત્યેન શાહ સામે કર્યા છે. આ સૌ સ્ત્રીઓની વર્ષો બાદ ફરિયાદ કરવાની વર્તણૂક શંકાસ્પદ છે. એમના માટે ખાસ ઘડવામાં આવેલા કાયદાઓનો તેઓ પ્રતિષ્ઠિત નાગરિકોને બદનામ કરવા માટે ગેરઉપયોગ કરે છે. સત્યેન શાહ સામે કરવામાં આવેલા આક્ષેપોની પાછળ કોઈ જબરદસ્ત મોટું રાજકીય-આર્થિક કારણ જણાય છે. આવા આક્ષેપોને કારણે સમાજમાં એમની ખૂબ જ નામોશી થઈ છે. જે-તે સંસ્થાઓએ એમને એમની સંસ્થામાંથી દૂર કર્યા છે. જય જનતા પાર્ટીએ એમને પાર્ટીમાંથી અને એમના ટ્રેઝરર પદેથી છૂટા કર્યા છે. આ સર્વે કારણોસર શરમના માર્યા સત્યેન શાહ અજ્ઞાતવાસમાં ચાલી ગયા છે. આ આક્ષેપોની આથી ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. જો એ ખોટા હોય તો આવા ગંભીર આક્ષેપો કરવા બદલ એ સ્ત્રીઓને યોગ્ય સજા મળવી જોઈએ. શહેરના જાણીતા અને સત્યનિષ્ઠ રિપોર્ટર અટલે હાઈકોર્ટ સમક્ષ એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન હેઠળ રિટ પિટિશન કરીને તપાસની માગણી કરી છે. આ પિટિશનની સુનાવણીની તારીખ હાઈકોર્ટ થોડા દિવસોમાં જ નક્કી કરશે.
રંજના સેન હજુ આટલું વાંચવાનું પૂરું કરે એ પહેલાં એની નજર એ જ ન્યૂઝપેપરના એ જ પ્રથમ પૃષ્ઠની મધ્યમાં છપાયેલ એક બીજી હેડ લાઈન પર ગઈ.
‘સત્યેન શાહના કુટુંબીજનોનો એમના પર આક્ષેપ કરનાર સ્ત્રીઓ ઉપર વળતો પ્રહાર’
આ મથાળા નીચેની વિગતો જણાવતી હતી કે સત્યેન શાહની પત્ની, પુત્ર અને પિતા ત્રણેયે જણાવ્યું હતું કે સત્યેન શાહ સામે પાંચ સ્ત્રીઓએ વર્ષો પહેલાં જાતીય શોષણના જે આક્ષેપો કર્યા છે એ સદંતર ખોટા છે. એમની આગળ એ આક્ષેપો ખોટા હોવાના અસંખ્ય પુરાવા છે. આવા આક્ષેપોને કારણે સત્યેન શાહની પત્ની, પુત્ર અને પિતા તરીકે એમની વગોવણી થઈ છે. સમાજમાં બદનામી થઈ છે. આ ત્રણેય વ્યક્તિઓએ પાંચેય સ્ત્રીઓ વિરુદ્ધ અલગ-અલગ બદનક્ષીના દાવાઓ દાખલ કરી દરેક સ્ત્રી પાસેથી રૃપિયા પચ્ચીસ કરોડની માનહાનિ પેટે માગણી કરી છે. આ બધા જ કેસો એકસામટા ચલાવવામાં આવશે અને શક્ય છે કે સત્યેન શાહ સામે કરવામાં આવેલા આક્ષેપો સાચા છે કે ખોટા એની તપાસ કરવાનો આદેશ પોલીસ કમિશનરને સોંપવામાં આવશે. કોર્ટ કદાચ કોઈ નિવૃત્ત ન્યાયાધીશનું એક તપાસપંચ પણ આ માટે ટૂંક સમયમાં જ નીમશે.
અખબારના આ સમાચારો વાંચીને રંજના સેનના હાંજા ગગડી ગયા. આખી રાત એ સૂઈ શકી નહોતી. હવે એનો દિવસ પણ બગડી ગયો.
* * *
અખબારના ત્રીજા પાને પ્રસિદ્ધ થયેલ ખબરે રંજના સેનની જેમ જ આરજેનો પણ દિવસ બગાડી નાખ્યો.
‘આજ સુધીની છુપાયેલી વાતો, જાણીતા રિપોર્ટર છતી કરે છે.’
‘જય જનતા પાર્ટીમાં કરોડોના ગોટાળાઓ. કોર્ટ તપાસની માગણી’
હેડ લાઈન્સની નીચેનો વૃત્તાંત તો આથી પણ વધુ ચોંકાવનારો હતો. એમાં જણાવવામાં આવ્યું હતુંઃ ‘જય જનતા પાર્ટીના ફંડમાં દેશ તેમ જ પરદેશમાંથી કરોડો રૃપિયા ફાળવવામાં આવ્યા છે. એમાંના અડધા ઉપરાંત પાર્ટીના વર્કરોએ ભેગા મળીને ઉચાપત કર્યા છે. આ બાબતમાં પાર્ટીના હાલમાં જ નિમાયેલ ટ્રેઝરર સત્યેન શાહને શંકા જતાં એમણે સ્વતંત્રપણે પાર્ટીના હિસાબો તપાસવાની માગણી કરી ત્યારે એમની વિરુદ્ધ ભયંકર આક્ષેપો કરાવવામાં આવ્યા અને એમને અજ્ઞાતવાસમાં ચાલી જવાની ફરજ પડી. મુંબઈના ટોચના રિપોર્ટર અટલે હાઈકોર્ટને આ બાબતમાં ગોટાળાના અનેક દૃષ્ટાંતો આપીને માગણી કરી છે કે કોર્ટ એક સ્વતંત્ર ઑડિટર નીમે. જય જનતા પાર્ટીનાં એકાઉન્ટ્સ તપાસવાનું કાર્ય એમને સોંપે. તપાસ ચાલુ હોય એ દરમિયાન પાર્ટીનાં બધાં જ બેન્ક એકાઉન્ટ સ્થગિત કરી દેવામાં આવે. કોર્ટે જનહિતની આ અરજીની સુનાવણી આવતા અઠવાડિયે મુકરર કરી છે. પાર્ટીના પ્રમુખ સિદ્ધાંત ઉપરાંત અન્ય અનેક કાર્યકરોને આ રિટ પિટિશનમાં આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
આરજેના બંને મોબાઇલ અને લૅન્ડલાઈન આમ ત્રણેત્રણ ટેલિફોનની ઘંટી એકસામટી વાગી. કયો ફોન લેવો એનો આરજે વિચાર કરતો હતો એટલામાં બંને મોબાઇલની ઘંટી વાગતી બંધ થઈ. ત્રીજો ફોન જેની ઘંટી ચાલુ જ હતી એ લૅન્ડલાઈન આરજેએ રિસીવ કર્યો. સામે છેડે જય જનતા પાર્ટીના પ્રેસિડન્ટ સિદ્ધાંત હતા.
‘આપણી સામે કરવામાં આવેલા આક્ષેપો તમે વાંચ્યા?’ કોઈ પણ જાતની ઔપચારિકતા ન દર્શાવતાં સિદ્ધાંતે આરજેને સીધો જ સવાલ કર્યો. એમના અવાજમાં ગુસ્સો હતો એ ચોખ્ખું જણાઈ આવતું હતું.
‘હેં… હા… મેં… મેં અખબારમાં આપણી પાર્ટી સામે દાખલ થયેલ રિટ પિટિશન વિશે હમણા જ વાંચ્યું.’ આરજેના અવાજમાં બીક હતી, એની સાંભળનારાને ખબર પડે એમ હતું.
‘એટલે? પિટિશનની કૉપી તમને મોકલવામાં નથી આવી?’
‘હેં… ના…’
‘કેમ?’
‘મને શા માટે મોકલાવે?’
‘કારણ કે જે ગોટાળા કરવામાં આવ્યા છે એ તમે કર્યા છે એવા ચોખ્ખા આક્ષેપો આ પિટિશનમાં કરવામાં આવ્યા છે. મારી સાથે તમને પણ આ પિટિશનમાં પ્રતિવાદી તરીકે જોડવામાં આવ્યા છે.’
‘હેં… મને?’
‘હા, હા. આ રિટ પિટિશનમાં હું બીજો અને તમે ત્રીજા પ્રતિવાદી છો.’
‘એટલે? મને પણ કોર્ટમાં ઘસેડવામાં આવ્યો છે?’
‘તમને પણ એટલે? પિટિશનમાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ વાંચતાં ગોટાળાઓ તમે જ કર્યા છે, મુખ્ય સૂત્રધાર તમે જ છો, પાર્ટીના પૈસા ઉચાપત તમે જ કર્યા છે એવું જણાવવામાં આવ્યું છે.’
‘શું?’
‘હા, અને તમારી સાથે સાથે મને પણ ઘસેડવામાં આવ્યો છે. આરજે તમે ખરેખર આ ગોટાળા કર્યા છે? મારા તો માન્યામાં જ નથી આવતું.’
‘સિદ્ધાંતભાઈ, કયા ગોટાળા? તમે શેની વાત કરો છો?’
‘અરે પચાસ પાનાં ભરીને તમે ફલાણા ફલાણા ગોટાળા કર્યા છે, પાર્ટીના કરોડો રૃપિયા ઉચાપત કર્યા છે, એવા આ દોઢસો પાનાંના પિટિશનમાં લખ્યું છે.’
‘હેં.’
‘હેં… હેં… ન કરો, આરજે આ ખૂબ જ ગંભીર વાત છે. મને તો એવું જાણવા મળ્યું છે કે આ પત્રકાર અટલે ફક્ત હાઈકોર્ટમાં જ આ જનહિતનું પિટિશન દાખલ નથી કર્યું. એણે ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટની કોર્ટમાં આપણા પાસપોર્ટ જપ્ત કરવાની અરજી પણ કરી છે.’
‘હેં…’ આરજેને હવે ખરેખર ચક્કર આવવા માંડ્યાં.
‘પણ સિદ્ધાંતભાઈ, મને આ પિટિશનની કૉપી મળી નથી.’
‘બેલિફ તમારે ત્યાં આવતો જ હશે. મને હજુ અડધો કલાક પહેલાં જ પિટિશનની કૉપી આપવામાં આવી છે. એ વાંચીને મેં તરત આપણી પાર્ટીના વકીલને અને પછી તમને ફોન કર્યો છે.’
એટલામાં જ આરજેના ફ્લેટની ઘંટી સંભળાઈ.
‘સિદ્ધાંતભાઈ, મને લાગે છે કે એ લોકો પિટિશનની કૉપી આપવા આવ્યા છે. મારા ફ્લેટની ઘંટી હમણા જ વાગી.’
‘પિટિશનની કૉપી મળે એટલે વાંચો. પછી ખરેખર તમે એ બધું કર્યું છે કે નહીં એ મને જણાવજો.’
‘મેં કંઈ જ ખોટું નથી કર્યું.’ હળાહળું જુઠ્ઠું બોલતા આરજે થરથર કાંપતો હતો. ફોન મૂક્યો અને આરજેના બંને મોબાઇલ ફરી પાછા રણક્યા.
આરજેએ એક કટ કર્યો અને બીજો રિસીવ કર્યો.
‘હલ્લો…’
‘હલ્લો… હું ‘ડબલ યૉર ઇન્વેસ્ટમેન્ટ’ કંપનીમાંથી વાત કરું છું. આપ આપના પૈસાનું રોકાણ ક્યાં કરો છો? અમારી કંપની તમારું ઇન્વેસ્ટમેન્ટ ડબલ કરી આપશે.’
‘થેન્ક યુ. મારે મારું ઇન્વેસ્ટમેન્ટ ડબલ નથી કરવું.’ ધૂંધવાઈને આરજેએ મોબાઇલ કટ કર્યો અને તુરંત જ એના બીજા મોબાઇલની ઘંટી વાગી.
‘હલ્લો…’ આરજેએ મોબાઇલ રિસીવ કરતાં કહ્યું.
‘હલ્લો, હલ્લો શું કરે છે. સાલા, મારા મોબાઇલને કટ કરે છે?’
‘ઓહ! મને ખબર જ નહોતી કે એ તમારો કૉલ છે.’
‘કેમ? મારો નંબર સ્ટોર નથી કર્યો? કે પછી કામ પતી જતાં ડિલિટ કર્યો છે?’
‘તમે કેવી વાત કરો છો? કયું કામ પતી ગયું છે કે તમારો નંબર ડિલિટ કરું?’
‘કેમ? પૈસા ઉચાપત કરી લીધા. અડધા પરદેશમાં ટ્રાન્સફર કરી નાખ્યા. ઇન્ડિપેન્ડન્ટ સીએની માગણી કરનાર સામે ખોટા આક્ષેપો કરાવી એને ભગાડી દીધો.’
‘તૈમૂર, આ બધાનું અત્યારના શું છે?’ પહેલેથી જ ગભરાયેલા આરજેએ અકળાઈને પૂછ્યું.
‘એ જ કે મારો ફોન કટ કરવાની તેં હિંમત જ કેમ કરી?’
‘સૉરી… સૉરી, તૈમૂર. એ વખતે બીજો પણ મોબાઇલ વાગતો હતો એટલે મેં જોયા વગર જ તમારો મોબાઇલ કટ કર્યો. સાલી, ઉપાધિ આવી છે?’
‘શું થયું? શેની ઉપાધિ આવી છે?’
‘અરે કોઈ રિપોર્ટરે અમારી પાર્ટીના હિસાબો તપાસવાની કોર્ટમાં માગણી કરી છે.’
‘હું પણ તને એ જ બાબતમાં ચેતવવા માગું છું. મારા બાતમીદારે ખબર આપ્યા છે કે તારો પાસપોર્ટ જપ્ત કરવાની કોઈએ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી કરી છે.’
‘વ્હૉટ?’
‘હા.’
‘ક્યારે?’
‘આજે સવારના જ.’
‘સાલો, એ રિપોર્ટર. એની તો બરાબર ખબર લેવી પડશે.’
‘એ તારે જે કરવું હોય એ કરજે, પણ આજે ને આજે ફૅમિલી સાથે ઇન્ડિયા છોડી દે.’
‘આજે?’
‘હા.’
‘ફૅમિલી સાથે?’
‘ગાંડા, નહીં તો તને પાછો બોલાવવા એ લોકો તારા ફૅમિલીને બાનમાં રાખશે.’
‘આટલું સિરિયસ છે?’
‘ત્યાં રહીશ તો બધા જ પૈસા એ લોકો ઓકાવી લેશે.’
‘પણ અમે જઈએ ક્યાંં? સાયપ્રસ જઈએ કે દુબઈ આવીએ?’
‘ના. લંડન જાવ.’
‘આજે જ?’
‘હા. તમારા બધા આગળ લંડનના વિઝા છે.’
‘તૈમૂર, વાત આટલી ગંભીર છે?’
‘જેલમાં સબડવું હોય, જે પૈસા ઉચાપત કર્યા છે એ બધા પાછા આપી દેવા હોય તો ત્યાં રહેજે.’
‘પણ હજુ તો ઘણા પૈસા અહીંયા જ છે.’
‘પેલી કહેવત ખબર છે ને? ‘વન ઈન હૅન્ડ ઈઝ વર્થ ટુ ઈન બુશ’ બસ જેટલા બહાર મોકલી દીધા છે એટલા બહુ છે. એટલાથી સંતોષ માન.’
‘તૈમૂર, તમે મને ખોટેખોટો ગભરાવતા તો નથી ને?’
‘આવી વાતમાં મશ્કરી ન થાય. ભાગ આરજે, ભાગ.’ આરજેને ચેતવણી આપતાં તૈમૂરે એનો ટેલિફોન કટ કર્યો. તૈમૂરને એ બીક હતી કે જો આરજે સામે કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી થાય અને એ જો સાચી વાત ઓકી નાખે, એના તરફ આંગળી ચીંધે તો ખૂબ જ મોટો સ્કૅમ બહાર પડે. આ દરમિયાન આરજેના ફ્લેટની બેલ વારંવાર વાગી. આરજેએ ગુસ્સામાં એના નોકરને બૂમ પાડી ઃ ‘સદુભાઉ, જો કોઈ ક્યારનું બેલ વગાડે છે.’ આરજેનું કહેવાનું પૂરું થાય ત્યાં તો સદુભાઉએ આવીને એને કહ્યું ઃ
‘સાહેબ, બહાર પોલીસ આવી છે.’
* * *
જે પાંચ સ્ત્રીઓએ સત્યેન સામે ખોટા આક્ષેપો કર્યા હતા એમની વિરુદ્ધ
હાઈકોર્ટમાં માનહાનિનો દાવો અને સત્યતપાસની માગણી કરતાં પિટિશનો અટલ અને સત્યેનના પરિવાર તેમ જ કંપની વતીથી દાખલ કર્યા બાદ તુરંત જ એની સુનાવણી હાથ ધરવામાં આવે એવી પણ માગણી સૉલિસિટર જોશીએ એને મળેલ સૂચના મુજબ કરી હતી. એમણે જાણીજોઈને રંજના સેન, જેણે અન્ય સ્ત્રીઓની સાથે બિપિન જાનીને એના ઍડ્વોકેટ તરીકે રોક્યા નહોતા અને નોટિસનો જવાબ આપ્યો નહોતો એની સામે કોર્ટમાં કાર્યવાહી તો દાખલ કરી હતી, પણ આગળ ધપાવી નહોતી. આ સત્યેન શાહે સૂચવેલ એક સ્ટ્રેટેજી હતી.
અટલે પણ મુંબઈના બિપિન જાની જેટલા જ એક બીજા નામાંકિત ક્રિમિનલ ઍડ્વોકેટ ભૂપેન્દ્ર મહેતાને રોકીને આરજે અને જય જનતા પાર્ટી સામે કાયદાકીય કાર્યવાહી શરૃ કરી દીધી હતી. સૌપ્રથમ આરજે દેશ છોડીને પરદેશમાં ભાગી ન જાય એ માટે એનો પાસપોર્ટ જપ્ત કરવાની એણે અરજી કરી હતી, જેમાં ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ નીલકંઠે વૉરન્ટ ઇશ્યુ કરીને આરજેની ધરપકડ કરી કોર્ટ સમક્ષ હાજર કરવાનો એકપક્ષી ઑર્ડર કર્યો હતો.
પ્રથમ પગલા રૃપે કાનૂની લડાઈની શરૃઆત થઈ ગઈ હતી. બીજું પગલું સત્યેન શાહે જાતે ભરવાનું હતું.
* * *
જગ્યાના ભાવો વિશ્વનાં બધાં જ શહેરોમાં થોડાં વર્ષોથી એટલા બધા વધી ગયા છે કે સામાન્ય માનવી એક બેડરૃમનો ફ્લેટ લેવાનો પણ વિચાર કરી ન શકે. એ માટે એને જે બેન્ક લોન લેવી પડે એ ચૂકવતાં ચૂકવતાં જ એનો આખો જન્મારો વીતી જાય. મુંબઈ શહેરમાં તો આ કઠણાઈએ માઝા મૂકી દીધી છે. એક સામાન્ય વિસ્તાર, જે ગીચતાભર્યો હોય, ગંદકીથી ખદબદતો હોય, જ્યાંના રસ્તાઓ સાંકડા અને ફેરિયાઓથી હંમેશાં ભરાયેલા હોય એવા વિસ્તારમાં પણ ફક્ત વન બેડરૃમ, હૉલ, કિચનની કિંમત આજે સિત્તેર લાખથી એક કરોડની વચ્ચે હોય છે. સારા વિસ્તારમાં, સારા પડોશમાં, થોડો મોટો બે બેડરૃમનો ફ્લેટ લેવો હોય તો બે કરોડ રૃપિયા આપી દેવાની તૈયારી દાખવવી પડે.
કૉલેજિયનોનું મેટિની શૉ માટે માનીતું ‘લોટસ’ થિયેટર એક સમયે જ્યાં આવ્યું હતું એની બરાબર સામે જ દરિયાને લાગીને મહાલક્ષ્મી મંદિર તેમ જ હાજી અલીની દરગાહને જોઈ શકાય, ઢળતો સૂરજ શહેરમાં કેવી લાલાશ પાથરતો જાય છે એ નીરખી શકાય, એવા બહુમજલી મકાનમાં પંદરમા માળે આવેલ આરજેના ચાર હજાર સ્ક્વેર ફીટના ફ્લેટની કિંમત એણે એ જ્યારે ખરીદ્યો ત્યારે વીસ લાખ હતી. આજે એની કિંમત વીસ કરોડથી વધુ અંકાતી હતી. આરજેએ એના રહેઠાણને સજાવીને બનાવ્યું હતું પણ ખૂબ આકર્ષક.
અતિશય મોંઘા અને ઠાઠમાઠવાળા આવા આરજેના ફ્લેટના દરવાજે એક પોલીસ ઇન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલો ઊભા હતા.
નોકરે જેવું આરજેને કહ્યું કે, ‘સાહેબ, બહાર પોલીસ આવી છે.’ કે થોડીક ક્ષણો પહેલાં જ તૈમૂરને ‘તમે મને ખોટેખોટો ગભરાવતા નથી ને?’ એવું કહેતો આરજે ખરેખર ગભરાયો.
‘યસ ઇન્સ્પેક્ટર, બોલો… શું કામ છે?’
‘આપ જ મિસ્ટર રવીન્દ્ર જેસિંગલાલ ભગત છો?’
‘હા, કેમ?’
‘સર, તમારી ધરપકડનું વૉરન્ટ છે.’
‘વ્હૉટ!’
‘હા, મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટની કોર્ટના ચીફ મૅજિસ્ટ્રેટ શ્રી નીલકંઠે તમારી સામે કરવામાં આવેલ એક કમ્પ્લેન્ટ ઉપર તમને ઍરેસ્ટ કરવા વૉરન્ટ ઇશ્યુ કર્યું છે.’
‘કમ્પ્લેન્ટ કોણે કરી છે?’
‘એ તો મને ખબર નથી… ઊભા રહો. આ ઍરેસ્ટ વૉરન્ટ ઉપર એમનું નામ લખ્યું છે… કોઈ મિસ્ટર અટલે આ કમ્પ્લેન્ટ કરી છે.’
‘સાલો, રિપોર્ટર.’ આરજેએ મનમાં પણ થોડે મોટેથી અટલને ભાંડ્યો.
‘શું કહ્યું?’
‘કંઈ નહીં, પણ ઇન્સ્પેક્ટર આમ અહીં દરવાજામાં કેમ ઊભા છો. અંદર આવોને.’
‘નહીં, નહીં, અંદર આવીને હું શું કરીશ? તમે અમારી સાથે ચાલો. આ મિસ્ટર અટલની શું ફરિયાદ છે, તમારી બેની શું દુશ્મનાવટ છે એની મને ખબર નથી, પણ તમે એક ખૂબ જ ધનિક અને સજ્જન વ્યક્તિ જણાઓ છો. તમારી આબરૃ જાળવવા હું તમને બેડી નહીં પહેરાવું, પણ તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન હમણા ને હમણા જ આવવું પડશે.’
‘અરે પણ ઇન્સ્પેક્ટર સાહેબ, હં… આપનું નામ શું છે?’ પછી ઇન્સ્પેક્ટરના ખમીસ ઉપર લગાડેલ નામનો બિલ્લો વાંચતાં આરજેએ કહ્યું ઃ ‘જાદવસાહેબ, અંદર તો આવો. ચા-પાણી પીઓ. હું એટલી વારમાં તૈયાર થઈ જાઉં. મારા વકીલને પણ ફોન કરું.’
‘સર, તમારે વકીલને ફોન કરવો હોય તો પોલીસ સ્ટેશનમાંથી કરજો.’
‘હા, હા,
‘પણ મને જરા તૈયાર તો થવા દો. તમે અંદર તો આવો.’
‘અચ્છા! હું તમને તૈયાર થવા માટે દસ મિનિટ આપુું છું.’
‘ઓકે. પણ એટલો સમય અહીં બહાર લિફ્ટ આગળ ઊભા રહેશો? અંદર આવીને બેસોને. અરે? શું નામ છે આ તમારા બે કોન્સ્ટેબલોનું?’
‘લક્ષ્મણ અને મારુતિ.’ ઇન્સ્પેક્ટરે એમની સાથેના પોલીસ કોન્સ્ટેબલોનાં નામો પોતે જ કહ્યાં.
‘હા, તો મિસ્ટર જાદવ, તમે અંદર મારા દીવાનખાનામાં બેસો. હું તૈયાર થાઉં એટલી વાર તમે ચા પીઓ અને લક્ષ્મણ આણિ મારુતિ, તુમ્હી ઈકડે પેસેજ મધી ખુરસી વરતી બસા. તુમચા સાઠી પણ મી ચ્હા પાઠવતો.’
‘તૈયાર થવામાં દસ મિનિટથી વધારે ટાઇમ નહીં લેતા.’
દસ મિનિટને બદલે પાંચ જ મિનિટમાં ઇન્સ્પેક્ટર જાદવ માટે નોકર ચા લાવે એ પહેલાં આરજે એના શયનખંડના દીવાનખાનામાંથી એક બૅગ સાથે આવી પહોંચ્યો.
‘વાહ! તમે તો ઝડપથી તૈયાર થઈ ગયા ને?’
કંઈ પણ બોલ્યા સિવાય આરજે ઇન્સ્પેક્ટર જાદવની સામેના સોફા ઉપર બેસી ગયો. હાથમાંની બૅગ વચ્ચેની ટિપાઈ ઉપર મૂકી. ફટ ફટ બૅગનાં બંને લૉક ખોલ્યાં. બૅગ ખુલ્લી કરી. ઇન્સ્પેક્ટર જાદવ સામે એ ધરી. ભારતનું જે રાષ્ટ્રીય ચલણ છે એની સૌથી ઊંચી કિંમતની નોટોનું પૅકેટ અંદર હતું.
‘આ શું?’ આશ્ચર્ય પામી ઇન્સ્પેક્ટર જાદવે પૂછ્યું.
‘એક લાખ રૃપિયા. તમે મને ઍરેસ્ટ કરવા અત્યારના અહીં આવ્યા અને મારા નોકર સદુભાઉએ તમને જણાવ્યું કે હું ઘરે નથી. પછી તમે એનું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કર્યું. એણે તમને જણાવ્યું કે ગઈ કાલે રાત્રે મારાં શેઠ-શેઠાણી અને એમનો દીકરો બહારગામ ગયાં છે. ચાર-પાંચ દિવસ પછી આવશે. તમે એને પૂછ્યું કે તારા શેઠ ક્યાં ગયા છે? અને સદુભાઉએ કહ્યું કે એની મને ખબર નથી. બસ આટલું અમથું સ્ટેટમેન્ટ લખવાના આ લાખ રૃપિયા છે.’
ઇન્સ્પેક્ટર જાદવે આરજેની સામે થોડો સમય તાક્યા કર્યું. ઍરેસ્ટ વૉરન્ટમાં શું કલમ લગાડવામાં આવી છે એ પાછું ધ્યાનથી જોેયું. દીવાનખાનામાં ચારે તરફ ડોકું ફેેરવીને બારીકાઈથી એનું નિરીક્ષણ કર્યું. સામેની બાલ્કનીમાંથી દરિયો, દરગાહ અને મંદિર જોયાં. બે મિનિટ વિચાર કર્યો. પછી કહ્યું ઃ
‘બહુ ઓછા છે.’
(ક્રમશઃ)
——————————-