સત્ – અસત્ – નવલકથા – પ્રકરણઃ ૩૫
– સંગીતા-સુધીર
વહી ગયેલી વાર્તા….
આરજેના કબૂલાતનામાની કોપી વાંચતાની સાથે જ ઍડ્વોકેટ બિપિન જાનીને ચક્કર આવી ગયા. મરીન ડ્રાઇવની પાળી પર બેઠાં બેઠાં થોડો હળવા થવાનો પ્રયત્ન કરતા જાનીએ સામેથી ચાર સ્ત્રીઓ જેમણે સત્યેન શાહ સામે જાતીય સતામણીના ખોટા આક્ષેપો કર્યા હતા, તેમને આવતાં જોઈ. આ બધી મહિલાઓ બિપિન જાનીને મળવા આવી રહી હતી. તેમને જોઈને ફરી એકવાર બિપિન જાનીને વજ્રાઘાત આવ્યો અને તે મરીન ડ્રાઇવની ફૂટપાથ પર જ ગબડી પડ્યો. રંજના સેન કે જે બિપિન જાનીને જ મળવા આવી પહોંચી હતી તે અને અન્ય ચાર મહિલાઓ આ જોઈને સ્તબ્ધ થઈ ગઈ. બીજી બાજુ લંડનમાં સત્યેન શાહની મદદે અબ્રાહમ પહોંચી જાય છે. આરજેના કબૂલાતનામા બાદ તૈમૂર અને આરજેનો પરિવાર તેમજ મહમ્મદ બધા જ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હોય છે. તૈમૂરની કાર પોલીસ સ્ટેશનમાંથી જેવી બહાર નીકળે છે કે તરત જ અબ્રાહમ સત્યેન શાહને તૈમૂરને ન જવા દેવાની સલાહ આપે છે. સત્યેન શાહ અને અબ્રાહમ લંડન પોલીસને તૈમૂરને પકડવા માટે તેમની સાથે બોબી મોકલવાની વાત કરે છે. જોકે, લંડનના પોલીસ કમિશનર આ મદદ આપવાની ના પાડે છે. તેઓ જણાવે છે કે સાઉથ ફિલ્ડ વિસ્તાર કે જ્યાં લંડન મોસ્ક આવેલી છે, તે મુસ્લિમ વિસ્તાર છે. તેમજ ધર્મસ્થાનો પર કોઈને પકડવાની મનાઈ છે. જો મસ્જિદની બહાર તૈમૂરને પકડવામાં આવે તો ત્યાં રહેતા મુસ્લિમો ઉશ્કેરાઈ જાય અને લંડનમાં રમખાણ ફાટી નીકળે. આ સાંભળીને સત્યેન શાહ ઉશ્કેરાઈ જાય છે. કમિશનર સત્યેન શાહને શાંત પાડે છે અને આશ્વાસન આપે છે કે તૈમૂર જેવો લંડન મોસ્ક તેમજ સાઉથ ફિલ્ડ વિસ્તારની બહાર આવશે કે તેઓ તુરંત જ તૈમૂરને પકડી લેશે. તૈમૂર પલાયન ન થઈ જાય તે માટે સત્યેન અને અબ્રાહમ લંડન મોસ્કની મુલાકાત લેવાનું નક્કી કરે છે. આ બાજુ ભારતમાં અટલ અને જાગૃતિ બિપિન જાનીને કફોડી સ્થિતિમાં મૂકી દે છે. બિપિન જાનીની તબિયત ફરી નાદુરસ્ત થઈ જાય છે. બીજા દિવસે અટલ અને જાગૃતિ મળે છે, ત્યારે તેઓ એકબીજા સાથે આ અંગે વાત કરે છે. તેમજ અટલ જાગૃતિને પૂછે છે કે એક આખો દિવસ તે ક્યાં ગુમ હતી. જાગૃતિ અટલને જણાવે છે કે તે મંથનને મળી હતી. ધીરે ધીરે મંથન અને જાગૃતિની દોસ્તી પ્રણયમાં પરિણમે છે. મંથન જાગૃતિને લગ્નનું વચન આપે છે. જ્યારે જાગૃતિ મંથનને તેનું વચન યાદ અપાવે છે ત્યારે મંથન પોતાના વાયદાથી ફરી જાય છે. જાગૃતિ સાથે થયેલી છેતરપિંડીને અગ્નિપથ નામની મેગેઝિન શબ્દશઃ છાપે છે.
હવે આગળ વાંચો…
‘લગ્ન? કોેના? જાગૃતિ, તું પણ કેવી વાત પર વિશ્વાસ કરે છે? અરે, ગઈકાલના મારા શબ્દો ટેનિસની રમત જેવા જ રમતિયાળ હતા. તું એને સાચા માની બેઠી? જરા વિચાર તો કર, ક્યાં તું અને ક્યાં હું? ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુતેલી? ક્યાં હું અબજોપતિનો દીકરો, અગણિત કંપનીઓનો માલિક, વરલીના દરિયાકિનારે બંગલામાં રહેનાર અને ક્યાં તું, એક નાનકડા મૅગેઝિનની મહિને માંડ પચ્ચીસ-ત્રીસ હજાર કમાનાર રિપોર્ટર, દસ બાય બારની લીવ-ઍન્ડ લાઇસન્સ પર લીધેલી રૃમમાં રહેનારી, આપણા બંનેની વચ્ચે કંઈ જ સામ્ય નથી. હું તારી જોડે લગ્ન કરીશ એવું તેં માની જ કેમ લીધું? ગઈકાલની વાતો તો બેઘડીની રમત હતી. જો જાગૃતિ, પ્રેમલા-પ્રેમલીની રમત ન રમીએ તો સેક્સ કરવામાં મજા ક્યાંથી આવે? એમ ને એમ સેક્સ કરીએ તો એ લુખ્ખું લુખ્ખું લાગે.’
‘અગ્નિપથે’ એમનો અભિપ્રાય ટાંકતાં એ કવર સ્ટોરીમાં લખ્યું કે,
‘મંથને નફ્ફટાઈની હદો પાર કરી નાખી છે. પિતાની જેમ એ પણ લંપટ અને વ્યભિચારી છે. નસીબજોગે આ છેલ્લો બનાવ ગયા અઠવાડિયે જ બન્યો છે આથી
જાગૃતિને જાતીય શોષણની ભોગ બનેલ સેંકડો અન્ય સ્ત્રીઓની જેમ લિમિટેશન ઍક્ટનાં બંધનો નથી નડતાં. જાગૃતિએ ત્યાર બાદ કરેલ ફરિયાદના પગલે મુંબઈની પોલીસને મંથન સામે એ ભલે અબજોપતિ હોય, પણ પગલાં લેવાની ફરજ પડી. એમણે મંથનને એરેસ્ટ કર્યો, પણ એ અબજોપતિના નબીરાએ કોર્ટમાં અરજી કરી અને મૅજિસ્ટ્રેટે એને જામીન પર છોડ્યો.
સ્ત્રીઓનું જાતીય શોષણ કરતાં કેટલા વીસે સો થાય છે એની એ અબજોપતિના દીકરાને હવે જાણ થશે. મૅજિસ્ટ્રેટે મંથનને જામીન ઉપર છોડવો જોઈતો ન હતો. એના પિતા સામે આવા આક્ષેપો થયા હતા અને તેઓ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. અમારા મતે મંથન પણ એ જ રીતે પોતે કરેલા ગુનાઓથી બચવા ભાગી જશે.
‘અગ્નિપથ’ મૅગેઝિને આ ઉપરાંત ‘મી ટૂ’ના કિસ્સાઓની લાંબી યાદી નામો સહિત છાપી હતી. અતિશય વિષયવાસના ધરાવતા દેશ-પરદેશના માલેતુજારોની રતિક્રીડાના અહેવાલો પણ એમના સ્પેશિયલ ઈશ્યુમાં અગ્નિપથે પ્રસિદ્ધ કર્યા હતા.
મુંબઈની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુરેન્દ્ર ત્રિવેદીનું આની ઉપર ધ્યાન પડ્યું. એમને એ બધા આક્ષેપોમાં કેટલું સત છે? કેટલું અસત છે? એ જાણવાની ઇચ્છા થઈ. ‘મી ટૂ’ ચળવળમાં એમને રસ પડ્યો. એમણે ‘સુઓ મોટો’ એટલે કે પોતાની જાતે જ અખબારો અને મૅગેઝિનોમાં છપાયેલી વ્યક્તિઓને તેમ જ અખબારોના તંત્રીઓ અને રિપોર્ટરો, એ સર્વેને નોટિસો પાઠવીને એમને કોર્ટમાં નિયત દિવસે હાજર રહેવાનું ફરમાન કર્યું.
મુંબઈ હાઈકોર્ટના ચીફ જજના આ પગલાંને કારણે આખા દેશમાં હાહાકાર વ્યાપી ગયો. જેમણે જેમણે નજીકના દિવસોમાં અને દૂરના ભૂતકાળમાં નાનાં-મોટાં છમકલાં કર્યાં હતાં, સ્ત્રીઓનું એક યા બીજી રીતે જાતીય શોષણ કર્યું હતું, એ સર્વેના મનમાં ફફડાટ પેસી ગયો. બધાને બીક લાગવા માંડી. આવતીકાલના છાપામાં મારું નામ તો પ્રસિદ્ધ કરવામાં નહીં આવે ને? સ્ત્રીઓ, જેઓ જાતીય શોષણનો ભોગ બની હતી, પણ મજબૂરી, લાલચ, સ્વાર્થ યા કોઈ અન્ય કારણસર એ સમયે એનો વિરોધ કર્યો નહોતો તેઓ પણ હવે એમના ઉપર જે વીત્યું હતું એ લોકો સમક્ષ ખુલ્લું કરવાનો વિચાર કરવા લાગી. અનેક પ્રસિદ્ધિ ખાતર પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બદનામ કરવાનું વિચારવા લાગી.
* * *
‘મી ટૂ’ વિષય ઉપર પ્રેસ ક્લબના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ બારમાં ઉગ્ર ચર્ચા થઈ રહી હતી.
‘જ્યારે રિપોર્ટરો જ સલામત નથી ત્યારે અન્ય સ્ત્રીઓની તો વાત જ શું કરવી? સત્યેન શાહ અને એના લંપટ દીકરા મંથન બંનેને તો ફાઉન્ટન ઉપરના ‘જય જવાન, જય કિસાન’ના પૂતળાની બાજુમાં નાગા કરીને ઊભા રાખવા જોઈએ. આવતા-જતા લોકોને કહેવું જોઈએ કે પથરા મારીમારીને એમને એમની નગ્નતાનું ભાન કરાવો. સાલાઓ સ્ત્રીઓની નબળાઈનો લાભ લઈને પોતાની વાસનાને સંતોષે છે.’ ‘અગ્નિપથ’ મૅગેઝિનના તંત્રીએ એમની રિપોર્ટર જાગૃતિ ઉપર થયેલા જાતીય શોષણને કારણે જે રોષ હતો એ બધો ઠાલવ્યો.
‘તારી વાત જોડે હું સો ટકા સહમત થાઉં છું. સાલા, દરેકેદરેક ફીલ્ડમાં સ્ત્રીઓનું શોષણ જ કરવામાં આવે છે. એમની નબળાઈનો લાભ લેવામાં આવે છે.’ ‘ગજગામિની’ના રિપોર્ટર ધર્મેશ પંડ્યાએ સાથ પુરાવ્યો.
‘સ્ત્રીઓ પણ કંઈ ઓછી નથી હોતી.
પુરુષોની વાસનાને સંતોષીને તેઓ પણ લાભ લે છે. કંઈ કહેવા જેવું નથી. બંને સરખાં છે. શું પુરુષ કે શું સ્ત્રી? આખો સમાજ જ સડી ગયો છે.’ અટલે એનો અભિપ્રાય જણાવ્યો.
‘ચાલ… ચાલ મેલ-સવનિસ્ટ. પુરુષોનો પક્ષ શેનો લે છે. આપણે ભલે પુરુષ રહ્યા, પણ એક પત્રકાર તરીકે આપણે કબૂલવું જ રહ્યું કે પુરુષો હદ બહારનો સ્ત્રીઓનો ગેરલાભ લે છે.’ ધર્મેશે અટલને ઠપકાર્યો.
‘અને સ્ત્રીઓ? થોડું અંગપ્રદર્શન કરીને તેઓ પુરુષને લલચાવતી નથી? આડાઅવળાં નખરાં કરીને જાતીય વૃત્તિઓને ઉશ્કેરતી નથી? લો કટના અને સ્લિવલેસ બ્લાઉઝ, ટૂંકા ફ્રોક અને શૉટ્ર્સ આવું બધું જાણીજોઈને
પહેરીને તેઓ જ પુરુષોને ઉશ્કેરે છે. પછી થોડી છૂટછાટ લેવા દઈને પોતાનું કામ કઢાવી લે છે. અરે, પુરુષો જેટલા જાતીય શોષણ માટે જવાબદાર છે એથી અનેકગણી વધુ સ્ત્રીઓ પુરુષોને લલચાવવા માટે, ઉશ્કેરવા માટે, ફોસલાવા માટે જવાબદાર છે.’ અટલે એના મનમાં ઘોળાતા વિચારો પ્રદર્શિત કર્યા.
‘એટલે? તારું શું એવું કહેવું છે કે બધી સ્ત્રીઓએ બુરખા પહેરવા જોઈએ?’ ‘ગરવો ગુજ્જુ’ના તંત્રી રાજેશ શાહને અટલના કહેવા ઉપર ગુસ્સો આવ્યો.
‘હું એવું નથી કહેતો, પણ જાહેરમાં અમુક સ્ત્રીઓ એવા બીભત્સ પોશાકો ધારણ કરીને ફરે છે કે આપણા જેવા સજ્જન એમની તરફ જોઈ પણ નથી શકતા.’ અટલે ખુલાસો કર્યો.
‘વાહ… વાહ. આવ્યો મોટો સજ્જન. સાલા, લેડી રિપોર્ટરોને એકલી એકલી કૉફી પીવા તો તું જ લઈ જાય છે. સારું છે કે તારી સામે કોઈએ આક્ષેપો નથી કર્યા.’ ‘હિન્દુસ્તાની’ અખબારના તંત્રી પવન મિશ્રાએ અટલના અચલા જોડેના સંબંધ તરફ ઇશારો કરતાં કહ્યું.
‘એઈ! જરા મોઢું સંભાળીને બોલ. નહીં તો…’
‘નહીં તો શું?’
‘નહીં તો તારા બત્રીસેબત્રીસ દાંત તોડી નાખીશ.’ ગુસ્સામાં અટલે કહ્યું.
‘તું મારી બત્રીસી તોડી નાખશે અને હું હાથ-પગ હલાવ્યા સિવાય બેસી રહીશ, એમ?’ મિશ્રા પણ ગાંજ્યો જાય એમ નહોતો.
‘શાંત પડો… શાંત પડો. તમે બંને નાહકના અંદરોઅંદર ઝઘડી રહ્યા છો.’ ફ્રીલાન્સર મદનસિંહે એના બંને મિત્રોને ઝઘડતા અટકાવ્યા.
‘હા. આ એક એવો પ્રશ્ન છે, જે વર્ષોથી ચાલ્યો આવ્યો છે. સ્ત્રીઓની છેડતી, એમનું જાતીય શોષણ કંઈ આજકાલનું નથી. રામાયણ અને મહાભારતના સમયમાં પણ એ હતું. પુરુષોને લલચાવવાનું એમને ઉત્તેજિત કરવાનું, સ્ત્રીઓનું આ કાર્ય સૈકાઓ જૂનું છે. પેલી રાક્ષસણી શૂર્પણખાએ ભગવાન રામને લલચાવવા નહોતી ગઈ? અપ્સરાઓ ઋષિમુનિઓનો તપ ભંગ કરવા નખરાં નહોતી કરતી?’ ‘ગુડ આફ્ટરનૂન’ના ડેનિયલ ફર્નાન્ડીસે એના હિન્દુ ગ્રંંથોની જાણકારી દર્શાવી.
‘પણ સવાલ એ છે કેે જો જાતીય શોષણ કરવામાં આવતું હોય તો એ ચલાવી શા માટે લેવાય છે? અને જો ચલાવી લીધું હોય તો વર્ષો પછી એની ફરિયાદ શા માટે કરાય છે?’ અટલે એનો મુદ્દો રજૂ કર્યો.
‘જો, આપણને બધાને ખબર છે. સ્ત્રીઓ જાતીય શોષણ બે કારણસર ચલાવી લે છે,
પહેલું અને મુખ્ય કારણ કે એમને બીક લાગે છે કે જો તેઓ એમનું જે વ્યક્તિ જાતીય શોષણ કરે છે એની વિરુદ્ધ ફરિયાદ કરશે તો એ વ્યક્તિનો મોભો, સમાજમાં એની પ્રતિષ્ઠા, એમની જોડેનો એમનો સંબંધ, આ બધા કારણસર એમની ફરિયાદ દબાવી દેવામાં આવશે. એટલું જ નહીં, પણ એ ફરિયાદ કરનારને જ સીધી યા આડકતરી રીતે શિક્ષા ભોગવવી પડશે.’ રાજેશ શાહે એનું મંતવ્ય દર્શાવ્યું.
‘હા, યાર, તારી વાત તો સાચ્ચી છે. ઘરના વડીલો જ નાની બાળકી ઉપર નજર બગાડતા હોય છે. એમનું જાતીય શોષણ કરતા હોય છે. આમાં ખાસ કરીને સાવકા
પિતા અને બહેનના ઘરે રહેતા મામા એ લોકો જ દીકરી-ભાણેજ ઉપર નજર બગાડતા હોય છે. હવે જો દીકરી યા ભાણેજ આ બાબતમાં ફરિયાદ કરે તો મા એના બીજવરને છાવરશે, એના ભાઈનો પક્ષ ખેંચશે અને દીકરીને જ ચૂપ રહેવાનું કહેશે.’ ધર્મેશે રાજેશને
સપોર્ટ કર્યો.
‘હા… હા. આપણે એવા ઘણા કિસ્સાઓ જાણ્યા છે, જેમાં દીકરીનું શોષણ થતું હોય એમાં મા આંખ આડા કાન કરે છે.’ પવન મિશ્રાએ એનું જ્ઞાન પ્રદર્શિત કર્યું.
‘અને બીજા કિસ્સાઓમાં સ્ત્રીઓ પોતાના લાભ માટે એમનું જાતીય શોષણ થાય એની સામે વાંધો નથી ઉઠાવતી. ‘ડર્ટી પિક્ચર’ની જ વાત કરને. એની હીરોઇન હીરોને કેટલી છૂટછાટ લેવા દે છે. એમ કરીને જ એ ઇન્ડસ્ટ્રીમાં આગળ આવી હોય છે.’ અટલ બોલ્યો.
‘હા. તારી વાત સાચી છે. ઑફિસમાં બૉસને કે મૅનેજરને રાજી કરીને કેટલીય સ્ત્રીઓ પ્રમોશન મેળવતી હોય છે. નાટક-સિનેમામાં પ્રોડ્યુસરને શરણે થઈને કેટલીય અભિનેત્રીઓ એમનું સ્થાન ટકાવી રાખતી હોય છે.’ ડેનિયલે અટલને ટેકો આપ્યો.
‘હા, યાર, વાંક બંનેનો છે. અમુક કિસ્સામાં પુરુષો ગુનેગાર હોય છે, અમુક કિસ્સામાં સ્ત્રીઓ એમના લાભ માટે એમનું જાતીય શોષણ થવા દેતી હોય છે. ઘણી સ્ત્રીઓ તો સામે ચાલીને એમના ફાયદા માટે એમની જાત પુરુષોને સોંપતી હોય છે.’ મિશ્રાએ ફેરવી તોળ્યું.
‘એમ કહોને કે સિક્કાની બે બાજુ છે.’ રાજેશ શાહે નરો વા કુંજરો વા કર્યું.
‘હા, પણ મજબૂરીને કારણે કે પછી લાભ ઉઠાવવાને કારણે ચૂપ રહેતી સ્ત્રીઓ વર્ષો
પછી ‘અમારું જાતીય શોષણ થયું છે’ એવું કહે અને સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને નીચાજોણુ કરે, શું એ વ્યાજબી છે?’ અટલે એનું મંતવ્ય રજૂ કર્યું. પછી ઉમેર્યું,
‘એ સ્ત્રીઓએ તો ફક્ત બોલી જ નાખવાનું કે પાંચ, દસ, પંદર વર્ષ પહેલાં ફલાણી ફલાણી વ્યક્તિએ મારું જાતીય શોષણ કર્યું. એ સાચું બોલે છે કે ખોટું એની કોઈ જ તપાસ નથી કરતું. એ પુરુષો એક રાતમાં વગોવાઈ જાય છે. લોકો એમનો બહિષ્કાર કરે છે. નોકરીમાંથી છૂટા કરી દે છે. આ પણ એક જાતનો અન્યાય કહેવાય. આવી સ્ત્રીઓ જે આક્ષેપો કરે છે એ ખરા છે કે ખોટા એ
પુરવાર કરવું હોય તો આપણી કોર્ટો એ માટે વર્ષોનાં વર્ષો લગાડશે. અંતે એ સ્ત્રીઓ જો ખોટું બોલી હોય તો પણ એણે જે પુરુષોની વગોવણી કરી હોય એમની ઇજ્જત-આબરૃ તો લેવાઈ જ ગઈ હોય છે.’ અટલ એની માન્યતામાં અડગ હતો.
‘તમારું જો કોઈએ જાતીય શોષણ કર્યું હોય તો જે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હોય એટલામાં જ એમણે ફરિયાદ કરવી જોઈએ. ત્યાર બાદ જો તેઓ ફરિયાદ કરે તો એમની ફરિયાદ સાચ્ચી પણ હોય તોય કોઈએ કાન પર ન ધરવી જોઈએ. નહીં તો સેંકડો પુરુષોને અન્યાય થશે.’ ડેનિયલે ફરીથી અટલનું સમર્થન કર્યું.
‘આ ચર્ચાનો અંત નથી, પણ આપણી હાઈકોર્ટના ચીફ જસ્ટિસે હવે આ આખો પ્રશ્ન એમના હાથમાં લીધો છે અને સત્યેન શાહ, મંથન તેમ જ બીજા અનેક પુરુષો સામે જે જે સ્ત્રીઓએ આક્ષેપો કર્યા છે એ સાચા છે કે નહીં? જો સાચ્ચા હોય તો આટલાં વર્ષ પછી એ આક્ષેપો કરવા યોગ્ય છે કે નહીં? જો ખોટા હોય તો એ સ્ત્રીઓને આજે
ખોટું બોલવા બદલ સજા થઈ શકે છે તો એમને શું સજા કરવી જોઈએ? આ બધી બાબતોનું આપણી કોર્ટ હવે નિરાકરણ લાવશે.’ મિશ્રાએ ઉગ્ર ચર્ચાનો અંત આણતાં કહ્યું.
‘હા, પણ એક વાત ચોક્કસ છે. સ્ત્રીઓનું જાતીય શોષણ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે અને તુરંત જ કે વર્ષો બાદ એમને એ જાહેર કરવાનો અધિકાર તો છે જ.’ ‘અગ્નિપથ’ના તંત્રીએ ફરી એકવાર જાગૃતિની તરફેણનું એમનું મંતવ્ય જાહેર કર્યું.
‘હા… હા, પણ જાતીય શોષણ થાય જ નહીં અને થાય તો તુરંત જ એ કરનારને શિક્ષા મળવી જોઈએ એવો આપણી કોર્ટે પ્રબંધ કરવો જોઈએ.’ અટલે એનો કક્કો છોડ્યો નહીં.
એક પત્રકારની સાથે આવેલ બિપિન જાની જેટલા જ, પણ એમની જેમ ખરું-ખોટું કરીને નહીં, પણ સાચી રીતે લડીને એમના ક્લાયન્ટોને છોડાવનાર મુંબઈના એક બીજા જાણીતા ક્રિમિનલ લૉયર મિસ્ટર મહેન્દ્ર મુલાણી પ્રેસ ક્લબના એક ખૂણામાં બેસી આ ચર્ચા ચુપચાપ સાંભળી રહ્યા હતા. મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસે મિસ્ટર મુલાણીને
‘મી ટૂ’ના કેસોમાં કોર્ટને મદદ કરવા કોર્ટના ખાસ વકીલ તરીકે નિમ્યા હતા.
* * *
અબ્રાહમનું માનવું હતું કે તૈમૂર
પોલીસ સ્ટેશન આગળથી નીકળીને સીધો સાઉથ ફીલ્ડમાં આવેલ લંડન મોસ્કમાં જ ગયો હશે.
અબ્રાહમ અને સત્યેને તૈમૂરને પકડવા ટૂરિસ્ટ બનીને લંડન મોસ્કમાં પ્રવેશતાં ખૂબ જ મોટી ભૂલ કરી.
* * *
અબ્રાહમની ધારણા હતી કે તૈમૂર લંડનના સાઉથ ફીલ્ડ વિસ્તારમાં આવેલ ફઝલ મસ્જિદ, જે ‘લંડન મોસ્ક’ તરીકે ઓળખાય છે એમાં જ ગયો હશે. એની ખાતરી કરવા અબ્રાહમ અને સત્યેન સાઉથ ફીલ્ડ જવા ઊપડ્યા. એકલા અને એ પણ સાઉથ ફીલ્ડ વિસ્તારમાં, જ્યાં લંડનની સૌથી વધારે મુસ્લિમોની વસતિ છે ત્યાં તૈમૂરને તેઓ
પકડી તો ન જ શકે એ બંનેને એની બરાબરની જાણ હતી. એમનો વિચાર એવો હતો કે એક વાર તૈમૂર લંડન મોસ્કમાં જ
છુપાયો છે એ જાણી લીધા બાદ એની હિલચાલ ઉપર નજર રાખવી. જેવો તૈમૂર સાઉથ ફીલ્ડ વિસ્તારમાંથી બહાર નીકળે કે તુરંત જ લંડન પોલીસની મદદથી એને એરેસ્ટ કરવો.
વિચાર વાજબી હતો, પણ તૈમૂર વાજબી રીતે વર્તશે એવું માનવું ભૂલ ભરેલું હતું.
લંડનની કોર્ટે એની સામે પણ એરેસ્ટ વૉરન્ટ કાઢ્યું છે એ વાતથી અજ્ઞાત તૈમૂર
પોલીસ સ્ટેશનથી નીકળીને સીધો લંડન મોસ્કમાં જવા જ નીકળ્યો. અચાનક એણે એનો વિચાર બદલ્યો. મોબાઇલ ઉપર એક વ્યક્તિ જોડે વાત કરી, કાર થોભાવી ડ્રાઇવરને ઉતાર્યો, પોતે એની જગ્યાએ ગોઠવાયો અને લંડનની ટનલમાંથી પેરિસ જવા ઊપડ્યો. આરજેની જે રીતે ફરીથી
ધરપકડ કરવામાં આવી હતી એ ઉપરથી એને પોતાને લંડનમાં રહેવું સલામત ન લાગ્યું.
* * *
‘સલામ આલેકુમ…’
લંડન મોસ્કમાં અબ્રાહમ અને સત્યેન જેવા પ્રવેશવા ગયા કે દ્વાર પાસે ઊભેલ મૌલવીએ એ બંનેને આવકાર આપીને અટકાવ્યા. લંડન શહેરના બપોરના કૂણા તડકામાં એ બુઝુર્ગ મૌલવીની બાર ઇંચ જેટલી સફેદ દાઢીના વાળ પવનની લહેરખીના આવન-જાવનને કારણે લહેરાતા હતા. એ એક મૌલવી તરીકેની એમને પ્રતિષ્ઠા બક્ષતા હતા. મુસ્લિમ રિવાજોથી વાકેફ સત્યેને મૌલવીના ‘સલામ આલેકુમ’ અભિવાદનનો ‘વાલેકુમ અસ્સલામ’ કહીને પ્રત્યુત્તર આપ્યો.
‘જનાબ, આપકા હમારે ખુદા કિ ઇબાદત મેં આને કા મકસદ ક્યા હંૈ?’ એ બુઝુર્ગે સવાલ કર્યો.
‘અમે બંને ટૂરિસ્ટ છીએ. આ મસ્જિદ વિશે ઘણુ સાંભળ્યું છે એટલે એ જોવા આવ્યા છીએ.’ મસ્જિદની અંદર-બહાર આવતા-જતા લોકોને જોતાં જોતાં અબ્રાહમે કારણ જણાવ્યું.
‘શૌક સે. આઈયે, પધારીયે, હમારી ઈસ મસ્જિદ કી ચર્ચા તો પૂરે લંડન મેં હૈં. યહ દેખિયે કિતને લોગ યહાં આતે હૈં. ઠહરીએ, મસ્જિદ દિખાને કે લિયે મૈં બંદે કા ઇન્તઝામ કરતા હૂં.’
‘નહીં… નહીં. અમને એવી જરૃર નથી. તમે તકલીફ ન લો.’ અબ્રાહમે વિરોધ કરતાં કહ્યું.
‘જનાબ, ઈસમેં કોઈ તકલીફ નહીં હંૈ. હમેં તો ખુશી હૈ કિ આપ જૈસે બિનમુસ્લિમ હમારી મસ્જિદ કા મુવાઈના કરને આયે હૈં. દો મિનિટ ઠહરીયે, મૈં ગાઈડ કો બુલાતા હૂં.’ જવાબની રાહ જોયા સિવાય મૌલાનાએ જોરથી બૂમ પાડીઃ
‘યાકુબ મિયાં, અબ્દુલ મિયાં, હુસૈન, યાસિર, કહાં હો તુમ સબ? દેખો, હમારે યહાં મહેમાન આયે હૈં. ઉનકો અપની મસ્જિદ દેખની હૈં.’ આ સાંભળતાં જ ચાર યુવાન દોડતાં દોડતાં આવી પહોંચ્યા. દરેકે લીલા રંગનો પઠાણી ડ્રેસ અને માથે લાલ રંગની મુસ્લિમ કૅપ પહેરી હતી. ગળામાં રૃમાલ હતો. બધાએ દાઢી રાખેલી હતી. ગાઇડ જેવા તેઓ દેખાતા જ નહોતા. એમને જોતાં એવો જ ભાસ થતો હતો કે તેઓ બધા આતંકવાદી છે. આવતાંની સાથે જ ચારે જણે વૃદ્ધ મૌલાનાને વાંકા વળીને કુરનિસ બજાવી. એમાંનો એક આગેવાન જેવા દેખાતા યુવાને પૂછ્યુંઃ ‘ક્યા હુકમ હંૈ?’
‘ઔર કુછ નહીં. હમારે યે દો મહેમાન અપની મસ્જિદ દેખના ચાહતે હૈ. ઉન્હેં ઇત્મિનાન સે અંદર લે જાયેં, મસ્જિદ દિખાયેં ઔર અચ્છી ખાતિર બરદાસ્ત કરેં.’
‘જો હુકમ.’ ચારે ફરી પાછું મૌલાનાને અભિવાદન કર્યું. એમાંના લીડર જેવા જણાતાએ અબ્રાહમ અને સત્યેનને ઉદ્દેશીને કહ્યું,
‘આઈએ જનાબ, હમ આપકો મસ્જિદ દિખાતે હૈં.’
આ ચારેને જોઈને અબ્રાહમે સત્યેનની સામે એક પ્રશ્નાર્થ દૃષ્ટિ ફેંકી. મૌલાનાના એ ચારેયને ઉદ્દેશીને કહેલા છેલ્લા શબ્દો ‘અચ્છી ખાતિર બરદાસ્ત કરેં’ અબ્રાહમને દ્વિઅર્થી લાગ્યા. સત્યેન પણ સમજી ગયો. આ બધી ઔપચારિકતા એક દેખાડો હતી. ચાર-ચાર વ્યક્તિઓને ગાઇડ તરીકે બોલાવવાની બિલકુલ જરૃર નહોતી. ગાઇડો પણ કેવા? કસરતબદ્ધ, છ ફૂટ ઊંચા, જાણે કે મલ્લયુદ્ધ માટે તૈયાર હોય એવા. નક્કી દાળમાં કંઈક કાળું છે. આ મૌલાનાનો ઇરાદો એમને મસ્જિદ દેખાડવાનો નહીં, પણ કંઈ બીજું દેખાડવાનો લાગે છે.
‘માફ કરના મૌલાના, મને હમણા જ યાદ આવ્યું કે અમારે ટ્રફાલ્ગર સ્ક્વેર ઉપર એક અગત્યની વ્યક્તિને મળવાનું છે.’ ઘડિયાળ તરફ જોતાં સત્યેને કહ્યું અને વધુમાં ઉમેર્યું, ‘અડધો કલાક બાદ અમારી મીટિંગનો સમય છે. અત્યારના મસ્જિદ જોવાનો અમારી પાસે સમય નથી. ફરી બીજી કોઈ વાર કાલે, પરમ દિવસે નિરાંતે મસ્જિદ જોવા આવશું. અબ્રાહમ, ચાલ ટ્રફાલ્ગર સ્ક્વેર ઉપર પહોંચતાં અડધો કલાકથી વધુ સમય લાગશે.’
આટલું બોલીને સત્યેને અબ્રાહમનો હાથ પકડ્યો. અબાઉટ ટર્ન કરીને તેઓ બંનેએ એ મસ્જિદના પ્રવેશદ્વારથી દૂર જવા પગ
ઉપાડ્યા. પેલા ચારમાંના બે ગાઇડોએ
પાછળથી એમના બંનેના ખમીસના કૉલર
પકડ્યા અને એમને આગળ જતા રોક્યા. બીજા બે ગાઇડ એમની સામે આવીને રસ્તો રોકીને ઊભા રહી
યા.
‘જનાબ, યહાં તક આયે હૈ તો મસ્જિદ દિખાયે બિના હમ આપકો કૈસે જાને દેં? મસ્જિદ તો આપકો દેખની હી પડેગી.’ મૌલાનાએ કડક અવાજમાં કહ્યું.
‘છોડો. અમારે તમારી મસ્જિદ નથી જોવી.’ સત્યેને પાછળ હાથ કરીને ઝટકો મારી પેલા ચાર ગાઇડમાંના એકે, જેણે એના ખમીસનો કૉલર પકડ્યો હતો એનો કૉલર ઉપરનો હાથ છોડાવી દીધો. પછી એની સામે ઊભેલા ગાઇડને મોઢા ઉપર એક સજ્જડ મુક્કો મારી પછાડી દીધો. સામાન્ય હિન્દુસ્તાની પચાસ ઉપરની ઉંમરનો ગુજ્જુ આવી રીતે રિઍક્ટ કરશે, એનામાં આટલું બળ હશે એની લંડન મોસ્કના ગાઇડોને કલ્પના જ નહોતી. એમને ક્યાંથી જાણ હોય કે રોજ સવારના રાઇડિંગ અને પછી કસરત કરનાર સત્યેન શાહનું શરીર ખૂબ જ કસાયેલું હતું. અબ્રાહમે પણ પાછળથી પકડાયેલ એના ખમીસના કૉલરને છોડાવવા કોશિશ કરી, પણ…
(ક્રમશઃ)
——————–