નવલકથા – સત્ અસત્ – પ્રકરણઃ ૩૨
- સંગીતા-સુધીર
વહી ગયેલી વાર્તા….
ઇન્કમટેક્સ ઑફિસે નહીં મળી શકવાને કારણે પેલા અજ્ઞાત માણસે ઍડ્વોકેટ બિપિન જાનીને મુંબઈની વિખ્યાત ગેલોર્ડ રેસ્ટોરન્ટમાં બોલાવ્યો. બિપિન જાની સત્યેન શાહે મોકલેલા માણસને મળવા ગેલોર્ડ રેસ્ટોરન્ટ પહોંચ્યો કે તરત જ તેની પાછળ અટલ અને જાગૃતિ પણ ગેલોર્ડ રેસ્ટોરન્ટમાં આવી પહોંચ્યાં. અટલ અને જાગૃતિ બિપિન જાનીની પાસે જઈને બેઠાં. તેથી ફરી એકવાર બિપિન જાની એ અજ્ઞાત માણસને ન મળી શક્યો. એને મળેલી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ અને બે વાર પેલા અજ્ઞાત માણસને નહીં મળી શકવાનો આઘાત જાની જીરવી ન શક્યો. ચિંતામાં ને ચિંતામાં તેને એટેક આવ્યો. જાનીને તાબડતોબ હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો. તાત્કાલિક સારવાર મળવાને કારણે તે બચી ગયો. ભાનમાં આવ્યો ત્યારે તેના બિછાના પાસે પત્ની ઉપરાંત તેનો ઑફિસ સ્ટાફ અને જાગૃતિ-અટલ ઊભાં હતાં. એ જ સમયે જાનીનો ફોન રણક્યો. જાનીને મરીન ડ્રાઇવ પર મળવા આવવાનો મેસેજ હતો. આ વાંચીને જાનીને ફરી કમકમાં આવી ગયાં. બીજી બાજુ લંડનમાં સત્યેનની બહેન-બનેવીના કહેવાથી આરજે, રોહિણી અને રોમેલ તેમજ યુસુફ મહમ્મદને ટ્રાફિકિંગ, ચાઇલ્ડ પ્રોસ્ટિટ્યુશન અને સ્મગલિંગના આરોપસર ધરપકડ કરવામાં આવી. તેમને મૅજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યાં. ચારેયને કોર્ટમાં હાજર કર્યાં બાદ પાછા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યાં. આ બધી ઘટનાઓને કારણે આરજે હચમચી ગયો હતો. અચાનક તેને પોતાની કોટડી પાસે બે માણસો ઊભેલા દેખાયા – એક હતો બોબી અને બીજો હતો સત્યેન. આ બાજુ ભારતમાં જજ સોનવણેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેના સ્થાને નવો મૅજિસ્ટ્રેટ આવ્યો હતો. તેથી જાનકી અને હર્ષદનો કેસ હવે આ મૅજિસ્ટ્રેટ સમક્ષ ચાલવાનો હતો. હર્ષદના વકીલે અગાઉના જજ સોનવણે સાથે સાઠગાંઠ કરી હતી અને કેસ ઝડપથી ચલાવવા અરજી કરી હતી, પણ હવે નવા મૅજિસ્ટ્રેટના આવવાથી તેઓ કેસ ચલાવવા નહોતા ઇચ્છતા. આ જોઈને નવો મૅજિસ્ટ્રેટ હર્ષદના વકીલને સોનવણે સાથે સાઠગાંઠ કરી હોવાનો કટાક્ષ કરે છે. સાથે જ કેસ માટે નવી તારીખ આપવાની ના પાડે છે અને કેસ તુરંત ચલાવવા હાથમાં લે છે. આ જોઈને અચલા ખુશ થઈ જાય છે. તે વિચારે છે કે હવે જાનકીને ન્યાય મળશે. તે વિચારે છે કે સત્યેન શાહ સામેનો કેસ પણ આ જ જજ સમક્ષ તુરંત ચાલવો જોઈએ, જેથી પાંચેય સ્ત્રીઓને ન્યાય મળે. જોકે સત્યેન લંડનમાં આરજેની પોલ ખુલ્લી પાડવાના મિશનમાં અને પોતાને નિર્દોષ સાબિત કરવામાં પડ્યો હોય છે. તે બોબીની સાથે આરજેને તેની કોટડીમાં મળવા જાય છે. બોબી અને સત્યેન આરજે, તેની પત્ની અને રોમેલને ભારત અને નેપાળથી લાવવામાં આવેલા લોકો પાસે લઈને જાય છે. એ બધાં આરજે, રોમેલ અને રોહિણી સામે આક્ષેપો કરે છે. આ જોઈને આરજે-રોહિણી અને રોમેલ ગભરાઈ જાય છે. આરજે સત્યેનને કહે છે કે તે એમને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને આ લોકો પાસે ખોટું બોલાવી રહ્યો છે. સત્યેન આરજેને જણાવે છે કે જે પેંતરો તેણે પોતાને ફસાવવા રચ્યો હતો એ જ હવે સત્યેન આરજે સામે વાપરી રહ્યો છે. આ સાંભળીને આરજે ડઘાઈ જાય છે.
હવે આગળ વાંચો…
રોહિણી નિઃસહાય વદને એના પતિના મુખ સામે જોવા લાગી. રોમેલે તો ચોધાર આંસુએ ત્યાં જ રડવાનું શરૃ કરી દીધું. આરજેના ગભરાટનો હવે પાર નહોતો.
‘સત્યેન, તને જોઈએ છે શું? અમારી સામે આવું બધું શા માટે કરાવે છે?’ આરજેને બરાબર જાણ હતી કે સત્યેનને શું જોઈએ છે અને એ શા માટે આવું કરાવી રહ્યો છે. એ છતાં એણે પ્રશ્ન કર્યો.
‘તને બધું ખબર છે, પણ વખત આવે હું તને જરૃરથી જણાવીશ કે મને શું જોઈએ છે.’
* * *
લંડનમાં ઇલ્લિગલી ઘૂસવાના પ્રયત્નો તો વર્ષોથી લોકો કરતા જ આવ્યા છે. હ્યુમન ટ્રાફિકિંગ, ચાઇલ્ડ પ્રોસ્ટિટ્યુશન અને સ્મગલિંગ આવા ગુનાઓ પણ એ દેશમાં, જ્યાંની પોલીસ વિશ્વની સર્વશ્રેષ્ઠ પોલીસ ગણાય છે, ત્યાં પણ નિયમિતરૃપે થયા જ કરે છે. આરજેને જે સ્ત્રીઓ અને બાળકો દેખાડવામાં આવ્યાં હતાં એ બધાંની થોડા દિવસો પહેલાં જ ધરપકડ કરવામાં આવી હતી. એનો લાભ લઈને સત્યેને આ આખી ગોઠવણી કરી હતી. આ બનાવ બાદ રોહિણી અને રોમેલ તો શું, પણ ખુદ આરજે થથરી ગયો હતો. એને હવે પોતાનાં કર્યાં ઉપર ખૂબ જ પશ્ચાત્તાપ થતો હતો.
‘હું ભલે ગમે એટલા બાહોશ બેરિસ્ટરને અમારા બચાવ માટે ઊભા કરું, પણ જો આવી વ્યક્તિઓ આ મુજબની વાતો કોર્ટમાં કહે તો સત્યેન કહે છે એ પ્રમાણે અમને ત્રણેને જેલની ખૂબ જ લાંબી સજા થાય. કેસનો ચુકાદો આવે, અમને સજા થાય ત્યાં સુધી તો અમારે પોલીસ કસ્ટડીમાં સડવાનું જ રહ્યું. હું તૈમૂરના કહેવામાં ખોટેખોટો આવી ગયો. શા માટે મેં પાર્ટીના પૈસાની ગોલમાલ કરી? મારી પોતાની પ્રેક્ટિસ સારી ચાલતી હતી. હજારો-કરોડો રૃપિયા જે ગફલાઓ કરીને મેં ભેગા કર્યા હતા એ હવે શું કામના?’
આ તો હજુ શરૃઆત હતી. આરજેને હજુ વધુ ઝટકા મળવાના બાકી હતા. રોહિણી અને રોમેલને બે-પાંચ મિનિટ માટે આરજે જ્યાં હતો એ રૃમમાં લઈ આવવામાં આવ્યાં. ત્યાર બાદ તેઓ અંદરોઅંદર એકબીજા જોડે કંઈ પણ વાત કરે એ પહેલાં જ એમને ત્રણેયને એ રૃમમાંથી બહાર લઈ જવામાં આવ્યાં. આરજે અને રોમેલને બીજા સામાન્ય ગુનેગારોને રાખવામાં આવ્યા હતા એ રૃમમાં લઈ જવામાં આવ્યા. એ જ રીતે રોહિણીને સામાન્ય ગુનેગાર સ્ત્રીઓને રાખવામાં આવી હતી ત્યાં લઈ જવામાં આવી. રીઢા ગુનેગારો, જેમાંના મોટા ભાગના ડ્રગિસ્ટ અને રેપિસ્ટ હતા એવા લોકોની વચ્ચે આ ત્રણ હાઈ સોસાયટીના લોકોને પૂરવામાં આવ્યા.
‘ચાલો, મારી સાથે ચાલો.’ એ સાંજના સ્ત્રી પોલીસે રોહિણીને જણાવ્યું.
‘ક્યાં?’
‘તમારો દીકરો બહુ રડે છે. આટલો મોટો થયો તોય એ મમ્મી… મમ્મી કરે છે.’
‘શું થયું મારા દીકરાને?’
‘થાય શું? લફરાં કરે અને પકડાય એટલે રડે અને મમ્મી… મમ્મી કરે. તમારા કરતાં તો બ્લૅક લોકોનાં બાળકો સારાં. ગમે એટલી તકલીફ પડે પણ કોઈ આમ રડે નહીં.’
રોમેલની ખૂબ આજીજી બાદ એને અને આરજેને રોહિણીને મળવા દીધા. ત્રણેને એક અલાયદા રૃમમાં ‘ફક્ત દસ મિનિટનો સમય આપીએ છીએ.’ આવું કહીને એકલાં મૂક્યાં.
‘પપ્પા, તમે કર્યું શું છે? પેલી છોકરીએ મારી ઉપર કેવો ગંદો આક્ષેપ કર્યો અને મમ્મી માટે પણ કેવું જુઠ્ઠું બોલી.’
‘હા, આરજે, તમે કર્યું શું છે? આ એ જ તમારી પાર્ટીના સત્યેન શાહ છે ને, જેણે પાંચ પાંચ સ્ત્રીઓનું જાતીય શોષણ કર્યું છે? એ અહીંયા ક્યાંથી? એને તમારી જોડે શું વેર છે?’
‘મેં પાર્ટીના પૈસાની ગોલમાલ કરી, સત્યેન શાહને એની જાણ થઈ એટલે એને ફસાવવા મેં એની સામે ખોટા આક્ષેપો કરાવ્યા અને બદલો લેવા સત્યેન શાહ આ બધું કરી રહ્યો છે.’
ચોખ્ખેચોખ્ખું આવું સાચું કબૂલવાની આરજેની હિંમત નહોતી.
‘આરજે, નક્કી તમે કંઈક ખૂબ જ ખોટું કર્યું છે. એથી જ સત્યેન શાહે તમારી વિરુદ્ધ આવા ઘોર અપરાધ કરવાનાં કાવતરાં ઘડ્યાં છે. આરજે, જો તમે સત્યેન શાહને ખોટા વગોવ્યા હશે તો એ આપણને ત્રણેને અહીંની જેલભેગાં કરશે. તમને ખબર છે, હમણા મને જે કોટડીમાં રાખવામાં આવી છે ત્યાં મારી જોડે જે ત્રણ ગુનેગાર સ્ત્રીઓ છે એમાંની એક તો ધંધો કરતી બાઈ છે. એણે મને કહ્યું ઃ
‘આજે રાતના ઇન્સ્પેક્ટર જોડે સૂઈ જજે તો કાલે એ તને છોડી દેશે. મને પણ એ કાલે છોડવાનો છે. પછી મારી સાથે જોડાઈ જા. તારા જેવી સ્ત્રીને રોજના બસ્સો પાઉન્ડ એક-બે ઘરાક પાસેથી જ મળી જશે. જો વધારે ઘરાક મળ્યા તો કોઈક વાર એક રાત્રિના પાંચસો પાઉન્ડ પણ કમાઈ શકીશ.’
‘મમ્મી મને પણ મારી રૃમમાંના એક કાળિયાએ રાતના એની પાસે સૂવાનું કહ્યું. પપ્પા, જો મારે રાતના એ રૃમમાં રહેવું પડશે તો નક્કી એ કાળિયો મારા ઉપર બળાત્કાર કરશે. હવે હું મરી જઈશ, પણ પાછો એ રૃમમાં નહીં જાઉં.’
‘અને હું પણ અહીં જ મારી સાડીનો ગાળિયો બનાવીને લટકી જઈશ, પણ એ ગુનેગાર સ્ત્રીઓ પાસે પાછી નહીં જાઉં.’
આરજે કંઈ રીઢો ગુનેગાર નહોતો. પૈસાની ગોલમાલ કરી શકે, પણ એ હતો તો સુંવાળી ચામડીનો. સત્યેનને એ વાતની પણ પૂર્ણ ખાતરી હતી કે રોહિણી અને રોમેલ એમને જે રીઢા ગુનેગારો વચ્ચે રાખવામાં આવ્યાં હતાં ત્યાં લાંબો સમય રહી નહીં શકે. આરજેના અતિ આગ્રહથી લંડનના એ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે એ ત્રણેને મળવા સત્યેનને બોલાવ્યો.
સત્યેન આરજેની વિનંતીની જ વાટ જોતો હતો.
‘બોલ, મને શું કામ યાદ કર્યો?’
સત્યેનના સવાલ સામે રોહિણીએ સવાલ કર્યોઃ ‘સત્યેનભાઈ, અમારો વાંકગુનો શું છે કે આમ અમારી સામે જુઠ્ઠા આક્ષેપો કરવામાં આવે છે?’
‘એ તમારા પતિને પૂછો.’
‘સત્યેન, હું તારી માફી માગું છું. એ ચારેય સ્ત્રીઓને કહીશ કે એમણે તારી સામે કરેલા આક્ષેપો પાછા ખેંચી લે.’ આરજેએ છુટકારો મેળવવાનો માર્ગ શોધ્યો.
‘ચાર? મારી સામે તો પાંચ સ્ત્રીઓએ જાતીય શોષણના ખોટા આક્ષેપો કર્યા છે. એ સ્ત્રીઓ એમણે કરેલા આક્ષેપો પાછા ખેંચી લે તોય મારી જે બદનામી થઈ છે એ કંઈ ઓછી મટી જવાની છે? અને આરજે, આ આક્ષેપો કરાવવા પાછળનું મુખ્ય કારણ શું? એનું નિરાકરણ શું?’
‘અમે તો ચાર જ સ્ત્રીઓ પાસે તારી સામે આક્ષેપો કરાવ્યા છે. એમાં કોઈ અજાણી પાંચમી સ્ત્રી ચાલતી ગાડીએ ચઢી ગઈ લાગે છે.’
‘એ હું કંઈ ન જાણુ. તારા કહેવાથી ચાર સ્ત્રીઓએ આક્ષેપો કર્યા અને એટલે એક પાંચમી સ્ત્રીએ પણ ‘મી-ટૂ’ કહીને એમની જોડે જોડાઈ જવાની હિંમત દાખવી. જવાબદારી તો એ પાંચેય સ્ત્રીઓ માટેની તારી છે.’
‘અચ્છા… અચ્છા. હું એ પાંચમી સ્ત્રી પાસેથી પણ એણે તારી સામે કરેલા આક્ષેપો પાછા ખેંચી લેવડાવીશ.’
‘અને બીજું?’
‘બીજું શું?’
‘પાર્ટીના કરોડો રૃપિયા હડપ કરી ગયો છે એનું શું?’
‘હેં! આરજે, તમે જય જનતા પાર્ટીના કરોડો રૃપિયા હડપ કર્યા છે?’ રોહિણી માટે આ વાત એક સમાચાર હતા.
‘પપ્પા, તમે તો દરરોજ મને ઓનેસ્ટીના લેક્ચરો આપો છો.’ રોમેલે એના પપ્પાને ટોક્યા.
‘આ બધું ત્રીજી વ્યક્તિએ તારા પપ્પા આગળ કરાવ્યું છે.’
‘હેં, પપ્પા?’ સચ્ચાઈના પાઠ ભણાવતા એના પપ્પાએ પોતાની જ પાર્ટીના કરોડો રૃપિયા હડપ કર્યા છે એ જાણીને રોમેલને નવાઈ લાગી.
‘આરજે, આ વાત સાચી છે? એ ત્રીજી વ્યક્તિ કોણ છે? તું રોજ સવારના જેની જોડે વાત કરે છે એ દુબઈનો તૈમૂર તો નથીને?’ રોહિણીએ સહજભાવે જણાવ્યું.
‘જો સત્યેન, મેં તારી સામે ખોટા આક્ષેપો કરાવ્યા. બદલામાં તેં અમારી સામે ખોટા આક્ષેપો કરાવ્યા. હવે હું તારી સામેના ખોટા આક્ષેપો પાછા ખેંચાવી લઈશ. તું પણ અમારી સામેના ખોટા આક્ષેપો પાછા ખેંચાવી લે એટલે આપણે બંને ક્વિટ્સ.’
‘વાહ… આરજે, તું ખરો વાણિયાનો દીકરો છે. જેને કારણે આ બધા સામસામેના આક્ષેપો થયા છે એ વાત જ તું ભૂલી જવા માગે છે. જેના ઇશારે તું નાચે છે એ તૈમૂર છે કોણ?’
ખૂબ જ લાંબી વાતચીત, જેમાં આરજેની વિરુદ્ધ સત્યેનનો સાથ જોરદાર રીતે રોહિણી અને રોમેલે આપ્યો, એના અંતે આરજેએ કબૂલ કર્યું કે આગામી ઇલેક્શનમાં જય જનતા પાર્ટી વિજયી બનીને સત્તા પર ન આવે એવું સમગ્ર ઇસ્લામધર્મી દેશો ઇચ્છતા હતા. એમના દુબઈસ્થિત પ્રતિનિધિ તૈમૂરે અંગ્રેજોની નીતિ અપનાવીને જય જનતા પાર્ટીના જ કાર્યકરોને ફોડ્યા હતા. આરજે તેમ જ થોડા સમય પહેલાં જ ગુજરી ગયેલા પાર્ટીના ટ્રેઝરર આ બંનેની મદદથી પાર્ટીના કરોડો રૃપિયાની ઉચાપત કરવામાં આવી હતી. એ સઘળા પૈસા પરદેશની બેન્કો અને સેફ ડિપોઝિટ લૉકરોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પાર્ટીનાં એકાઉન્ટ્સ એક ઇન્ડિપેન્ડન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આગળ ઑડિટ કરવાની સત્યેનની ભલામણ જો સ્વીકારવામાં આવે તો આ બધી જ પોલ બહાર પડે. આથી તૈમૂરે ચાર સ્ત્રીઓને સત્યેન શાહ સામે જાતીય શોષણના જુઠ્ઠા આક્ષેપો કરવા ઊભી કરી હતી. એ આક્ષેપો થતાં સત્યેન શાહની બદનામી થઈ. સત્યેન એની સામેના આક્ષેપોનો રદિયો આપવાનો હતો એટલે વાત સત્યેનનું કાસળ કાઢી નાખવા સુધી પહોંચી અને સત્યેનને અજ્ઞાતવાસમાં જવાની ફરજ પડી અને પાર્ટીના હિસાબો ઑડિટ કરવાની વાત ખોરંભે પડી.
પોતે તૈમૂરના કહેવાથી પાર્ટીના ભૂતપૂર્વ ટ્રેઝરર સાથે મળીને એક હજાર સાતસો કરોડ રૃપિયાનો ગફલો કર્યો છે, એ બધા પૈસા જુદાં જુદાં બેન્ક એકાઉન્ટ તેમ જ સેફ ડિપોઝિટ લૉકરોમાં અને મોટા ભાગના પરદેશમાં ટ્રાન્સફર કર્યા છે. હડપ કરાયેલા એ બધા જ પૈસાની વિગતો ૪૮ કલાકની અંદર અંદર જ આપવાની આરજેએ લેખિત કબૂલાત કરી. એટલું જ નહીં, પણ સત્યેન શાહ સામે જાતીય શોષણના ખોટા આક્ષેપો તૈમૂરે જ કરાવ્યા હતા એવી અને અન્ય અનેક કૌભાંડો અને એમાં સંડોવાયેલા બધા લોકોના નામો આપી લેખિત કબૂલાત પણ આરજેએ કરી. બદલામાં આરજે, રોહિણી અને રોમેલ આ ત્રણેને અન્ય ગુનેગારો જોડે ન રાખતાં એકસાથે અલાયદા રૃમમાં રાખવાની ગોઠવણ સત્યેને કરી આપી. છુટકારો તો હડપ કરેલા અને ફોરેન બેન્ક એકાઉન્ટ્સ-લૉકરમાં મૂકેલા નાણા પાછા મળે પછી જ મળવાનો હતો.
જાતીય શોષણના જે ખોટા આક્ષેપો એની પોતાની સામે કરવામાં આવ્યા હતા અને એ માટે અટલ, સાવિત્રી અને અન્ય દ્વારા જે બદનક્ષીના કેસો દાખલ કરાયા હતા એમાં સત્યેન અવશ્યથી પોતાનો વિજય નિહાળતો હતો. એના નામ ઉપર જે બટ્ટો લાગ્યો હતો એ આ બધા કેસોનો નિકાલ આવતાં ભૂંસાઈ જશે એની પણ સત્યેનને ખાતરી હતી.
* * *
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે…
સત્યેન શાહ જ્યારે આરજે આગળ લેખિત કબૂલાત કરાવી રહ્યો હતો એ સમયે જ દુબઈથી લંડન જવા ઊપડેલ ઇમિરાત ઍરલાઇન્સની ફ્લાઈટના ફર્સ્ટ ક્લાસમાં સૂતાં સૂતાં તૈમૂર વિચારી રહ્યો હતો કે આરજે અને એની સાથે સાથે રોહિણી અને રોમેલ તેમ જ એના પોતાના માણસ યુસુફ મહમ્મદની લંડન પોલીસે ટ્રાફિકિંગ, ચાઇલ્ડ પ્રોસ્ટિક્યુશન અને સ્મગલિંગ, આવા ત્રણ ગંભીર આરોપ માટે કયા આધાર પર ધરપકડ કરી હતી? પ્લેનમાંથી જ એણે ટાઇમ ડિફરન્સની પરવા ન કરતાં લંડનના નામચીન ક્વીન્સ કાઉન્સલ બેરિસ્ટર મિસ્ટર ગ્રેહામ કર્કને ફોન જોડ્યો. ઓલ્ડ બેલીમાં આ ચારેને બેલ ઉપર છોડવા માટેની અરજીની તૈયારી કરવાનું જણાવ્યું. મિસ્ટર કર્ક દિવસનો એક જ કેસ લડતા. એક દિવસની એમની ફી પાંચ હજાર પાઉન્ડ હતી. એ ઉપરાંત એમના ક્લર્કને પણ દિવસના પાંચસો પાઉન્ડ આપવાના રહેતા. ગમે તેવા અંગત સંબંધ હોય એમની ફી તેઓ ઍડ્વાન્સમાં જ લેતા. આજ સુધીની બેરિસ્ટર તરીકેની એમની વીસ વર્ષની કારકિર્દીમાં તેઓ એકેય વાર હાર્યા નહોતા.
તૈમૂરે પ્લેનમાં સૂતાં સૂતાં જ મોબાઇલ દ્વારા અગિયાર હજાર પાઉન્ડ બેરિસ્ટર કર્કના બૅન્ક એકાઉન્ટમાં તાબડતોબ જમા કરાવી એ બાહોશ વ્યક્તિને આરજે ઍન્ડ કંપનીને બેલ ઉપર છોડાવવા માટે બે દિવસ માટે બુક કરાવી દીધી.
* * *
મરીન ડ્રાઇવની પાળી ઉપર બેઠાં બેઠાં કેવલ અને ઝવેર મહેલની વચ્ચે આવેલ કપૂર મહેલની સામે તાકી રહેલા બિપિન જાનીને ખ્યાલ જ ન રહ્યો કે એની જમણી બાજુએ અટલ અને ડાબી બાજુએ જાગૃતિ ક્યારે આવીને બેસી ગયાં હતાં.
બેરિસ્ટર ગ્રેહામ કર્કે એમની શાખ મુજબ આરજે, રોહિણી, રોમેલ અને યુસુફ મહમ્મદ સામે કરવામાં આવેલા ટ્રાફિકિંગ, ચાઇલ્ડ પ્રોસ્ટિટ્યુશન અને સ્મગલિંગ, આ ત્રણેય આરોપ સાચ્ચા હોઈ જ ન શકે એવી જોરદાર દલીલો કરી. એ ચારેને છોડી મૂકવા જોઈએ અને જો આ તબક્કે નામદાર કોર્ટ એમ કરવા રાજી ન હોય તો એમને જામીન ઉપર તો છોડવા જ જોઈએ એવી ધારદાર દલીલો કરી. એમની અચાનક ધરપકડ કરી, પોલીસ કસ્ટડીમાં રાખી, એમની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી. ‘બેલ’ દરેકેદરેક માનવીનો હક છે. બેલ એ નિયમ છે, અપવાદ નથી આવું જણાવીને એ ચારેને તુરંત જ બેલ ઉપર છોડવાં જોઈએ એવું વારંવાર ઊંચા અવાજે ટેબલ ઉપર હાથ પછાડી પછાડીને મૅજિસ્ટ્રેટને જણાવ્યું.
આરજેના પક્ષમાં બેરિસ્ટર કર્કે કોર્ટને જણાવ્યું કે તેઓ ભારતના એક નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ભારતની સૌથી મોટી વિરોધ પક્ષની પોલિટિકલ પાર્ટીના તેઓ આગળ પડતા સભ્ય છે. રોહિણી અને રોમેલ માટે એવી દલીલો કરવામાં આવી કે તેઓ લંડનમાં શૉપિંગ કરવા આવ્યાં હતાં. રોહિણી એક આદર્શ ગૃહિણી છે. ભારતમાં અનેક નારી સંસ્થાઓ જોડે તેઓ સંકળાયેલાં છે. ચૅરિટી વર્ક કરવા માટે પંકાયેલાં છે. રોમેલ કૉલેજમાં ભણતો નાદાન વિદ્યાર્થી છે. કોઈ સ્વપ્નમાં પણ એવું વિચારી ન શકે કે આ બે વ્યક્તિઓ આવા ગુનામાં સંડોવાયેલી હોઈ શકે.
દરેક ઇસ્લામધર્મી ગુનેગાર માટે વિશ્વમાં બધે જ જે દલીલ કરવામાં આવે છે એ જ દલીલો યુસુફ મહમ્મદ માટે બેરિસ્ટર કર્કે કરી. ઇસ્લામધર્મી હોવાથી યુસુફ મહમ્મદની સામે લંડનની પોલીસને ખોટો પૂર્વગ્રહ છે, તેઓ લંડનના એક સજ્જન નાગરિક છે. એમને આમ ગોંધી રાખીને એમની સ્વતંત્રતા છીનવી ન લેવાય. આવી રીતે તો આ બધાંને એમનો ગુનો પુરવાર થાય એ પહેલાં સજા થઈ રહી છે.
સામા પક્ષે લંડનની પોલીસ તરફથી એ ચારેય ઉપર લાદવામાં આવેલા બધા જ આક્ષેપો સાચ્ચા છે એવી ભારપૂર્વકની દલીલો કરવામાં આવી. એ ચારેયે ગંભીર ગુના કર્યા છે. એમની સામે પ્રાથમિક જ નહીં, પણ જડબેસલાક, એ સર્વે ગુના એમણે કર્યા છે એવા, પુરાવાઓ પોલીસ પાસે છે. જો કોર્ટ ઇચ્છે તો જે સ્ત્રી અને બાળકોને ટ્રાફિકિંગ અને સ્મગલિંગ કરીને ચાઇલ્ડ પ્રોસ્ટિટ્યુશન માટે લંડન લાવવામાં આવ્યાં છે એમને કોર્ટ સમક્ષ તુરંત જ હાજર કરવા પોલીસ તૈયાર છે. જો આ ચારેને કે એમાંના કોઈને પણ બેલ ઉપર છોડવામાં આવશે તો તેઓ સાક્ષીઓને ગભરાવશે, પુરાવાઓ નષ્ટ અથવા રફેદફે કરી નાખશે. એમની આગળથી હજુ ઘણી બાતમીઓ મેળવવાની બાકી છે. એમનાં સ્ટેટમેન્ટો હજુ પૂરેપૂરાં રેકૉર્ડ કરવામાં નથી આવ્યાં. પોલીસ પાસે એમની કસ્ટડી હોવી ખૂબ જ જરૃરી છે. આ એક આંતરરાષ્ટ્રીય રેકેટ છે. એમના ગુનાઓ એટલા ગંભીર છે કે એમને એક ક્ષણ માટે પણ છૂટાં મૂકવામાં જોખમ છે.
જામીન શા માટે આપવા જોઈએ એના સમર્થનમાં બેરિસ્ટર કર્કે લંડનની કોર્ટ તેમ જ વિશ્વની અન્ય કોર્ટો, ભારતની સુદ્ધાંના જજમેન્ટ્સ રજૂ કર્યા. પોલીસ તરફથી જો ગુનો સંગીન હોય, આરોપીને જામીન આપતાં પોલીસને ગુનો પુરવાર કરવામાં મુશ્કેલી નડી શકે એમ હોય તો જામીન આપવા ન જોઈએ એવા જજમેન્ટ્સ ટાંકવામાં આવ્યા.
સવારથી શરૃ થયેલ દલીલો લંચ પછી પણ છેક કોર્ટનો ઊઠવાનો સમય થયો ત્યાં સુધી ચાલી. બેરિસ્ટર કર્કે જ્યારે દલીલો કરી ત્યારે આરજે, રોહિણી, રોમેલ અને યુસુફ મહમ્મદને એવું જ લાગ્યું કે મૅજિસ્ટ્રેટ એમના ઉપરના આરોપો કાઢી નાખીને એમને માનભેર છુટ્ટા ભલે ન કરે, પણ જામીન ઉપર તો જરૃરથી છોડશે જ. આ આશા જ્યારે પોલીસ તરફથી એમના બેરિસ્ટરે દલીલો કરી ત્યારે જતી રહી. એ ચારેને ત્યારે એમ જ લાગ્યું કે મૅજિસ્ટ્રેટ એમને કોઈને જામીન ઉપર નહીં છોડે. છેલ્લે છેલ્લે તો બેરિસ્ટર કર્ક અને પોલીસ વતીથી હાજર વર્ષોના અનુભવી પોલીસ પ્રૉસિક્યુટરની કામગીરી બજાવતા લંડનના આગળ પડતા બેરિસ્ટરની વચ્ચે ભયંકર વાક્યુદ્ધ છેડાઈ ગયું. બંને એકબીજાની સામે જોરદાર ભાષામાં આક્ષેપો કરવા લાગ્યા. આરજે ઍન્ડ કંપનીને એક પળે એવું લાગ્યું કે મૅજિસ્ટ્રેટ હમણા જ એમને જામીન ઉપર છોડી દેશે અને બીજી પળે જ એવું લાગ્યું કે એમને જામીન હરગિજ નહીં મળે. સમગ્ર કોર્ટનું વાતાવરણ તંગ બની ગયું. બંને પક્ષોની દલીલો પૂરી થઈ ત્યારે કોર્ટનો સમય પૂરો થવાને ફક્ત પાંચ મિનિટ જ બાકી હતી. સૌને લાગ્યું કે સમયના અભાવે મૅજિસ્ટ્રેટ આ ચારેને બેલ ઉપર છોડવાની બેરિસ્ટર કર્કે કરેલી અર્જન્ટ અરજી ઉપર એમનો ફેંસલો આજે નહીં સુણાવે. જો ફેંસલો આવતીકાલ ઉપર રાખવામાં આવે તો એક વધુ રાત્રિ આ ચારેને પોલીસ કસ્ટડીમાં રહેવું પડે. જો મૅજિસ્ટ્રેટ ફેંસલો સુણાવવાની તારીખ થોડા દિવસ પછીની આપે તો તો યુસુફ મહમ્મદને તો ઠીક, પણ આરજે, રોહિણી અને રોમેલને એ દિવસો લંડનની પોલીસ કસ્ટડીમાં કાઢવા આકરા થઈ પડે.
‘હું જામીન માટેની આ અરજી ઉપરનું મારું જજમેન્ટ હવે પછી લખાવીશ, પણ મારો આ અરજી ઉપરનો ઑર્ડર તમને સૌને અત્યારના જ જણાવી દઉં છું.’ આવું કહીને મૅજિસ્ટ્રેટે સમગ્ર કોર્ટને આશ્ચર્યમાં નાખી દીધી.
નવાઈની વાત એ હતી કે આ બધું કરાવનાર મૂળ સત્યેન શાહ અને તૈમૂર બંનેમાંથી કોઈ પણ કોર્ટમાં હાજર નહોતા.
* * *
મૅજિસ્ટ્રેટે બેરિસ્ટર કર્કની શાખ જાળવી રાખી હતી.
લંડનની ઓલ્ડ બેલી કોર્ટના મૅજિસ્ટ્રેટે એ ચાર વ્યક્તિઓને જામીન ઉપર છોડવા માટેની અરજી માન્ય રાખી. એ ચારેને પાંચ-પાંચ હજાર પાઉન્ડના જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો. બેરિસ્ટર કર્કની વિનવણીથી જામીન કોઈ ભરોસાપાત્ર વ્યક્તિને બદલે રોકડા પાઉન્ડ લઈને સ્વીકારવાની એમણે પોલીસને આજ્ઞા કરી.
‘બેરિસ્ટર કર્ક, તમારો ખૂબ ખૂબ આભાર.’ વિજયપતાકા ફરકાવીને કોર્ટમાંથી એમની ચૅમ્બરમાં પાછા ફરેલા બેરિસ્ટર કર્કને વાટ જોઈને બેઠેલા તૈમૂરે ધન્યવાદ આપતાં કહ્યું.
‘હું અરજી કરું અને બેલ ન મળે એ સંભવ જ નથી.’
આટલું બોલીને બેરિસ્ટર કર્કે એમનો અવાજ ખૂબ જ ધીમો કરીને તૈમૂરના કાનને જ સંભળાય એટલા નીચા અવાજે કહ્યું ઃ
‘જુઓ, આ ચારે સામેના આક્ષેપો ખૂબ જ સંગીન છે. હું જો તમારી જગ્યાએ હોઉં તો બેલ ઉપર છૂટાં થાય કે એક સેકન્ડનો પણ વિલંબ સિવાય આરજે, રોહિણી અને રોમેલને ઇંગ્લેન્ડની બહાર મોકલી આપું. પ્લેનમાં નહીં, ઇંગ્લિશ ચેનલ વાટે જતી ટ્રેનમાં કે શિપમાં પણ નહીં, કોઈ પ્રાઇવેટ લૉન્ચ કરીને સૌથી પહેલાં તો પેરિસ પહોંચાડી દઉં. યુસુફ મહમ્મદને પણ છ મહિના-વર્ષ સુધી અન્ડરગ્રાઉન્ડ કરી દઉં.’
* * *
મૅજિસ્ટ્રેટ ઑર્ડર કરે એટલે કંઈ તુરંત જ આરોપીને છોડી નથી દેવામાં આવતો. એ ઑર્ડરની સર્ટિફાઈડ કૉપી મેળવવી પડે. ત્યાર બાદ જામીનની રકમ કોર્ટમાં જમા કરાવવી પડે. એ પછી જ આરોપીઓનો છુટકારો કરવામાં આવે છે. આ બધી વિધિ પતાવતાં તૈમૂરના માણસોને ત્રણ-ચાર કલાક લાગી ગયા. તૈમૂરે એ દરમિયાન એ ત્રણેને એક પ્રાઇવેટ લૉન્ચ દ્વારા પેરિસ મોકલી આપવાની વ્યવસ્થા કરી દીધી. યુસુફ મહમ્મદને છ-બાર મહિના માટે આયર્લૅન્ડ મોકલી આપવાનું ઠરાવ્યું. એ માટે લંડનથી એડિનબર્ગ જવા માટે એક ડ્રાઇવર સાથે પ્રાઇવેટ કારની પણ ગોઠવણ કરી દીધી.
કોર્ટમાંથી જેવી જામીન ઉપર છોડવાની ઑર્ડરની કૉપી મળી અને જામીનના પૈસા ભર્યા કે એ કૉપી લઈને તુરંત જ તૈમૂરનો માણસ એ ચારેને જ્યાં રાખવામાં આવ્યાં હતાં એ પોલીસ સ્ટેશનમાં આવ્યો. ત્યાં કરવાની બધી જ વિધિઓ પતાવી અને ચારેને જે કસ્ટડીમાં રાખવામાં આવ્યાં હતાં ત્યાંથી બહાર લાવવામાં આવ્યાં. પોલીસ સ્ટેશનની બહાર લંડન શહેરની ખુલ્લી હવામાં શ્વાસ લેતાં આરજેનું મુખ મલકાઈ ઊઠ્યું. સત્યેન શાહે એને ફસાવવાનાં ખૂબ ફાંફાં માર્યાં પણ એમાં એ સફળ ન થયો. હવે સત્યેનનું આવી બનશે. મારી સામે આવું છળ કરવા બદલ તૈમૂર એને બરાબરનો પાઠ ભણાવશે. એ ચારેને લેવા ઓસ્ટિન કારમાં તૈમૂર આવ્યો. તેઓ કારમાં બેસવા જતાં હતાં ત્યાં જ દસ હથિયારધારી પોલીસોની ટુકડી સાથે એક ઇન્સ્પેક્ટરે આવીને એમને ઘેરીને અટકાવ્યાં ઃ
‘મિસ્ટર આરજે, ઇન્ડિયાની જય જનતા પાર્ટીના એક હજાર સાતસો કરોડ રૃપિયાની તમે ગોલમાલ કરી છે. એ પૈસા ખોટી રીતે લંડન તેમ જ વિશ્વના અન્ય દેશોમાં ટ્રાન્સફર થયા છે. તમે જાતે આ બાબતની લેખિત કબૂલાત કરી છે. એવું માનવા માટેનાં અમારી પાસે સબળ કારણો છે કે તમારી પત્ની રોહિણી, પુત્ર રોમેલ અને લંડનનો વતની યુસુફ મહમ્મદ એ ત્રણેયે તમને આવા ગેરકાનૂની કાર્ય માટે સક્રિય સાથ આપ્યો છે. તમે બધાંએ મની લોન્ડરિંગનો અને એકબીજાને ખોટા કાર્ય કરવામાં સાથ આપવાનો એડિંગ ઍન્ડ એબિટિંગનો ગુનો કર્યો છે. હું તમારી, તમારી પત્ની અને પુત્ર તેમ જ સાગરીતની આથી ધરપકડ કરું છું. ચુપચાપ તમે ચારેય આ હાથકડી પહેરી લો અને ચૂં કે ચા કર્યા સિવાય અમારી સાથે ચાલો. જરાક પણ આનાકાની કરી છે તો તમારા જેવા ગંભીર ગુનેગારોને શૂટ એટ સાઈટ કરવાનો ઑર્ડર છે.’
જેવાં એ ચારેને બેડીઓ પહેરાવીને ફરી પાછાં પોલીસ સ્ટેશનની અંદર લઈ જવામાં આવ્યાં કે અંદરથી સત્યેન શાહ બહાર આવ્યો. ઓસ્ટિન કારમાં ડ્રાઇવરની પાછળની સીટમાં બેઠેલા તૈમૂરનું મુખ ગુસ્સાથી લાલચોળ થઈ ગયું હતું. સત્યેન શાહે એને એક વિજયી સ્મિત આપ્યું.
‘આને કહેવાય નહલે પે દહેલા!’
* * *
બિપિન જાનીએ જેવા જાગૃતિ અને અટલને આજુબાજુમાં ગુપચુપ આવીને બેઠેલાં જોયાં કે એ એકદમ છળી પડ્યો. આ બે જણ વારંવાર એની પાસે શા માટે ટપકી પડતાં હતાં? આ બંને રિપોર્ટરો એની જાસૂસી તો નથી કરતાંને? એમના પર ગુસ્સો કરવો કે ‘તમે પાછાં અહીં મારી પાસે કેમ આવ્યાં છો એમ પૂછવું?’ બાહોશ ઍડ્વોકેટ આનો નિર્ણય લઈ ન શક્યો. એક ક્ષણ એને ફરીથી હાર્ટ એટેક આવશે એવું જ લાગ્યું. સ્વસ્થતા પ્રાપ્ત થતાં બિપિન જાનીએ પ્રશ્ન કર્યો ઃ
‘તમે બંને અત્યારના અહીં ક્યાંથી?’
‘સર, અમને બંનેને પણ એ જ પ્રશ્ન થાય છે. હમણા હમણાથી અમે બંને જ્યાં જ્યાં જઈએ છીએ તમે ત્યાં ત્યાં કેમ હાજર હો છો?’ જાગૃતિએ સામો સવાલ કર્યો.
‘અમે તો સાઉથ મુંબઈમાં હોઈએ તો સાંજના અહીં મરીન ડ્રાઇવની પાળે બેસીએ છીએ. એકબીજાને દિવસ દરમિયાન જે કંઈ પણ જાણવા જેવા ખબર મળ્યા હોય એની જાણ કરીએ છીએ. કઈ ખબર ન્યૂઝપેપરમાં આપવી, કેવી રીતે આપવી, કયા સમાચારનો આર્ટિકલ બનાવવો એ બધું નક્કી કરીએ છીએ, પણ તમે અહીં ક્યાંથી?’ અટલે એક ઍડ્વોકેટને સંતોષકારક લાગે એવું ગપ્પું માર્યું અને સવાલ કર્યો.
‘અટલ સર…’ અટલે બિપિન જાનીને કરેલા સવાલનો જવાબ આપતાં જાગૃતિએ કહ્યુંઃ ‘ડૉક્ટરે ઍડ્વોકેટસાહેબને સાંજના દરિયાકિનારે ફ્રેશ ઍર મળે એ માટે આવવાનું જણાવ્યું હશે.’
‘અ…અં…અં…હં…’ અટલે કરેલા સવાલનો જવાબ બિપિન જાનીને આપોઆપ મળી ગયો ઃ
‘હા… હા. ડૉક્ટરે મને રોજ સાંજના મરીન ડ્રાઇવ ફરવા આવવાનું સૂચવ્યું છે.’
‘પણ તમે ઊંધા બેઠા છો. દરિયા તરફ મોઢું રાખીને બેસવું જોઈએ, જેથી ત્યાંથી આવતી ફ્રેશ હવા લઈ શકો.
આમ મરીન ડ્રાઇવનાં મકાનો અને અહીં ફરવા આવતી સ્ત્રીઓને જોતાં બેસવું ન જોઈએ.’ ટોણો મારતાં અટલે બિપિન જાનીની ભૂલ દર્શાવી.
(ક્રમશઃ)
——————————-