નવલકથા – સત્- અસત્ – પ્રકરણઃ ૨૯
– સંગીતા-સુધીર
વહી ગયેલી વાત…
લંડનમાં આરજેની સત્યેન સાથે મુલાકાત-મુસીબતોનો આરંભ
રોમેલ અને રોહિણી લંડનમાં પેન્ડોરા ઓક્સફર્ડ સ્ટ્રીટ પર ખરીદી કરવા જાય છે. રોહિણી ઘરેણાની દુકાનમાં નેકલેસ જુએ છે અને તે દિવસના અજવાળામાં કેવો દેખાય છે તેની ખાતરી કરવા નેકલેસ લઈને દુકાનની બહાર નીકળે છે. દુકાનના સિક્યૉરિટી ગાર્ડને એમ લાગે છે કે રોહિણી એ નેકલેસ લઈને ભાગી રહી છે. તેથી તે રોમેલ અને રોહિણીને પકડીને દુકાનમાં લાવે છે અને બોબીને ફોન કરી બોલાવે છે. બોબી એટલે કે લંડનની પોલીસ રોમેલ અને રોહિણીને એરેસ્ટ કરે છે. રોમેલ આ વાત ફોન કરીને આરજેને જણાવે છે. આરજે પોલીસ સ્ટેશન દોડી જાય છે અને રોમેલ અને રોહિણીને છોડી મૂકવા આજીજી કરે છે. જોકે, પોલીસ આરજેને જણાવે છે કે બીજા દિવસે તેમને મૅજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવશે. એ સમયે આરજે રોમેલ અને રોહિણીને છોડી મૂકવાની અરજી કરી શકે છે. જ્યારે આ બધી ધાંધલ ધમાલ ચાલતી હોય છે એ જ સમયે સત્યેન શાહ ઇઝરાયલથી લંડન આવી પહોંચે છે. બીજી તરફ યુસુફ મહમ્મદ આરજેને ત્યાં આવી પહોંચે છે અને તૈમૂર આરજે અને તેના પરિવાર પર ગુસ્સે થયો છે તેવા સમાચાર આપે છે. યુસુફ આરજેને જણાવે છે કે મુંબઈની કોર્ટે તેની સામે વૉરન્ટ ઇશ્યુ કર્યું છે. આ સાંભળીને આરજેના હાંજા ગગડી જાય છે. તે હોટેલ પર પાછો ફરે છે ત્યાં જ તેની નજર સત્યેન શાહ પર પડે છે. સત્યેન આરજેને કહે છે કે ઇન્ડિયન ગવર્નમેન્ટે તેના લંડન અને સ્વિસ બેન્કના એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા છે. આ સાંભળીને આરજેને ધ્રાસ્કો પડે છે. જોકે, વિદેશી બેન્કોમાં તેના કોઈ એકાઉન્ટ નથી એવી ખોટી માહિતી સત્યેનને આપે છે. વાત વાતમાં સત્યેન આરજેને ડિનર માટે આમંત્રે છે. આરજે તેના આમંત્રણને નકારી દે છે. જોકે, યુસુફની સમજાવટ બાદ આરજે સત્યેન શાહ સાથે ડિનર લેવા જાય છે અને સત્યેન પાસેથી બીજી માહિતી કઢાવવાનો પ્રયત્ન કરે છે. ડિનર દરમિયાન સત્યેન આરજેને મુંબઈની કોર્ટે ઇશ્યુ કરેલું વૉરન્ટ બતાવે છે. આરજે હજુ વૉરન્ટ વાંચે ત્યાં જ તેની નજર સામે ઊભેલી ઇન્ડિયન પોલીસ અને લંડનના બોબી ઉપર પડે છે.
હવે આગળ વાંચો…
હરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે.
એક બનાવ બને કે એને લગતું બીજું જે કુદરતી રીતે બનવું જોઈએ એ બને છે. એક્સિડન્ટ થાય એટલે તુરંત ત્યાં ટોળું વળી જાય છે. કોઈ વ્યક્તિ દોડતી હોય અને પાછળથી બૂમ પડતી હોય ‘ચોર… ચોર, પકડો… પકડો’ એટલે આપોઆપ આજુબાજુના લોકો એ વ્યક્તિને પકડવા દોડે છે.
નોટોની થોકડી અટલની બ્રિફકેસમાંથી જેવી બહાર પડીને આઈટી ઑફિસના મેઈન ગેટ ઉપર વેરવિખેર થઈને પડી કે અટલની જોડે બિપિન જાની અને જાગૃતિ આપોઆપ એ ભેગી કરવા નીચાં નમ્યાં. આજુબાજુના બીજા લોકોએ પણ એમનું અનુસરણ કર્યું અને થોડી જ ક્ષણમાં સૌએ એ નોટોને ભેગી કરીને અટલને આપી. કદાચ કોઈએ બધાની નજર ચૂકવી એમાંની બે-ચાર નોટો તફડાવી પણ લીધી હોય!
છોભીલા પડેલા અટલે ગણ્યા સિવાય ભેગી કરેલી એ નોટોને ગુપચુપ એની બ્રિફકેસમાં મૂકી દીધી. બ્રિફકેસ બંધ કરીને એ ઊભો થયો. એની સામે તાકી રહેલા બિપિન જાની, જાગૃતિ અને અન્ય લોકોને જોઈ રહ્યો. સમયસૂચકતા વાપરી જાગૃતિએ ત્યાં એકઠા થયેલા લોકોને ‘થેન્ક યુ… થેન્ક યુ’ કહીને વિદાય કર્યા. બિપિન જાનીને કરેલો પ્રશ્ન એણે ફરી પાછો કર્યો ઃ
‘તમે મિસ્ટર અટલ જોડે હાથ મિલાવ્યા છે?’
‘આ તું શું પૂછી રહી છે? જાગૃતિ, મિસ્ટર જાની એક ટોચના વકીલ છે. એમના ક્લાયન્ટોનો વિશ્વાસઘાત કરે એવું આપણે સ્વપ્નામાં પણ કલ્પી ન શકીએ.’ શું જવાબ આપવો એની ગડમથલમાં પડેલા બિપિન જાનીની વહારે અટલ આવ્યો.
‘તો પછી તમે બંને અહીં આમ? અને તમારી બ્રિફકેસમાં આટલી બધી કૅશ?’
‘આઈટી ઑફિસમાં માણસ એ કોના માટે લઈ જાય? મારું અહીંયા ઊભા રહેવું અને મિસ્ટર જાનીનું આવવું એ તો એક અકસ્માત જ છે.’
‘ઓહ, આઈ એમ સૉરી. મને લાગ્યું કે તમે મિસ્ટર જાનીને બ્રાઈબ કરવા અહીં બોલાવ્યા છે.’
‘તેં જેને રોકેલા છે એ ઍડ્વોકેટ ઉપર તને વિશ્વાસ હોવો જોઈએ. બ્રાઈબ કરવા માટે હું શું આવી જાહેર જગ્યા પસંદ કરું?’
‘સૉરી… એક વાર કહ્યું અને હજાર વાર કહું છું મારી ભૂલ થઈ. આખો પ્રસંગ જ એવો બન્યો કે મને આવો વિચાર આવી ગયો, પણ મિસ્ટર જાની, તમે અત્યારના કોર્ટ છોડીને અહીં?’ હવે જાગૃતિએ બિપિન જાનીને સકંજામાં લીધો.
‘અ…હં… એક ક્લાયન્ટ આજે અહીં આવવાનો હતો. એણે મને અહીં બોલાવ્યો હતો.’
‘ઓહ! એટલે તમે આર્થિક ગુનેગારોના કેસો પણ લડો છો?’
‘ક્રિમિનલ એટલે ક્રિમિનલ. પછી એ ભલે આર્થિક ગુનેગાર હોય કે પછી કોઈનું જાતીય શોષણ કરનાર શારીરિક ગુનેગાર હોય.’ કટાક્ષમાં અટલે કહ્યું.
‘ક્યાં છે તમારો એ ક્લાયન્ટ?’
જાગૃતિએ પૂછ્યું.
‘કોણ જાણે? મને મોડું થયું એટલે અથવા આ ટોળાને જોઈને ચાલી ગયો હશે.’ બિપિન જાનીએ ખુલાસો કર્યો.
‘તમે આટલા ગભરાયેલા કેમ લાગો છો, મિસ્ટર જાની?’ અટલના આ પ્રશ્ને બિપિન જાનીને ખાતરી કરાવી કે ૨ઃ૧૫ કલાકે આઈટી ઑફિસના મેઇન ગેટ પાસે મળનાર વ્યક્તિ અટલ નથી. તો શું એ જાગૃતિ હશે? ના… ના. જાગૃતિને તો એની ગરજ હતી. પેલી સ્ત્રીઓના બચાવ માટે જાગૃતિ જ એમને મારી પાસે લઈ આવી હતી. મારી સામે આ ઇન્કમટેક્સનું જે ષડ્યંત્ર રચાયું છે એના કર્તા આ બેમાંથી કોઈ હોઈ ન શકે. તો પછી કોણ હોઈ શકે એ વ્યક્તિ, જે મને ૨ઃ૧૫ કલાકે મળવાની હતી? હવે તો ૨ઃ૨૫ થઈ ગઈ છે.
‘મિસ્ટર જાની, મને લાગે છે કે તમે કોઈ ઊંડા વિચારમાં પડી ગયા છો. કોઈ પ્રોબ્લેમ છે? અમે તમને કંઈ મદદ કરી શકીએ? ભલે તમે મેં જેમની સામે કેસ કર્યા છે એમના ઍડ્વોકેટ છો, પણ મને તમારી સામે અંગત કોઈ જ દુશ્મનાવટ નથી. અમે રિપોર્ટરો તો હંમેશાં પબ્લિકની સેવા કરવા તત્પર હોઈએ છીએ.’
‘યસ… યસ મિસ્ટર જાની, તમારા ચહેરા પરથી લાગે છે કે તમે ગભરાયેલા અને ચિંતામાં છો.’ જાગૃતિએ અટલના વેણને વેગ આપતાં કહ્યું.
‘અરે, અત્યારના તમે સફેદ પૂણી જેવા થઈ ગયા છો.’ અટલે બિપિન જાની તરફ દૃષ્ટિ કરતાં કહ્યું.
કોઈ પણ વાત કોઈના મનમાં ઠસાવવી હોય તો વારંવાર એ કહેવાથી એ કાર્ય સિદ્ધ થઈ શકે છે. બિપિન જાની થોડો ગભરાયેલો તો હતો જ. અટલ અને જાગૃતિના વારંવાર આવું કહેવાથી એ વધુ ગભરાઈ ગયો. એને લાગ્યું કે જો એ ત્યાં વધુ રોકાશે તો કદાચ શરીરનું સમતોલપણુ ગુમાવી દેશે. ભોંય ઉપર પડી જશે.
એ બંનેના પ્રશ્નોના ઉત્તર આપ્યા સિવાય ‘કંઈ નથી… કંઈ નથી… અચ્છા ચાલો, હું જાઉં છું.’ એમ કહીને બિપિન જાની જે મકાનની સીડીનાં પગથિયાં ચઢતા લોકો ગભરાય છે એ ઇન્કમટેક્સ ઑફિસનાં પગથિયાં ઊતરવા માંડ્યો.
‘મિસ્ટર જાની, ક્યાં જાવ છો? તમારી તબિયત સારી નથી. ચાલો, હું તમને તમારી ઑફિસે મૂકી જાઉં. આમે હું તમને મળવા તમારી ઑફિસમાં જતી હતી.’ જાગૃતિનો આવો આગ્રહ બિપિન જાનીને જચ્યો નહીં. જોકે એની મનઃસ્થિતિ, જેનો પ્રભાવ એના શરીર ઉપર પડી શકે એમ હતો એ સમયે એવી હતી કે એને ચક્કર આવી જાય. ગભરાયેલા બિપિન જાનીનો જાગૃતિએ હાથ પકડ્યો, પાસેથી જતી ટેક્સી થોભાવી એને એમાં બેસાડ્યો અને પોતે એની બાજુમાં બેસી ગઈ. ઇન્કમટેક્સનાં પગથિયાં ઉપર ઊભો ઊભો અટલ એ બંનેને જોઈ રહ્યો. ટેક્સી આગળ ગઈ. અટલથી જોરથી હસ્યા સિવાય ન રહેવાયું.
* * *
બિપિન જાનીનો હાથ પકડીને જાગૃતિને ઑફિસની અંદર લઈ આવતાં જોઈને એની સેક્રેટરીને ફાળ પડી. સરને શું થયું કે આમ જાગૃતિ એમનો હાથ પકડીને લઈ આવે છે? બિપિન જાનીના મુખ તરફ દૃષ્ટિ કરતાં એની બીક વધી ગઈ, એ ખરેખર ધોળી પૂણી જેવું થઈ ગયું હતું. કૅબિનમાં દાખલ થતાં જ હજુ એની ખુરસી સુધી પહોંચે એ પહેલાં જ બિપિન જાની લથડી પડ્યો. ચિંતા ચિતા સમાન… ભલભલા ક્રિમિનલોને, ખૂનીઓને, આતંકવાદીઓને ધરપત આપનાર ટોચનો ક્રિમિનલ લૉયર બિપિન જાની એના પોતાના માથે જ્યારે આફત આવી ત્યારે એ ચિંતા જીરવી ન શક્યો.
કાર્પેટ ઉપર ઢળી પડેલ બિપિન જાનીને જાગૃતિ, એની સેક્રેટરી અને પ્યુને ઉપાડીને સોફા પર સુવાડ્યો. મોઢા ઉપર પાણીનો છંટકાવ કર્યો. થોડી વાર પછી ગરમ કૉફી પીવડાવી. માંડ માંડ એને કળ વળી ત્યાં એના હાથમાંથી પડી ગયેલ મોબાઇલ, જે એની સેક્રેટરીએ ટેબલ ઉપર મૂક્યો હતો એમાં એક મેસેજ આવ્યો. મોબાઇલનો સ્ક્રીન એનાથી ઝળક્યો.
‘સર, તમારા મોબાઇલ ઉપર મેસેજ આવ્યો છે. લાઈટ ફ્લિકર થાય છે.’
‘પેલા હરામીનો જ મેસેજ હશે.’ સેક્રેટરી મેસેજ વાંચી ન લે એ માટે સોફામાં સૂતેલો બિપિન જાની ઝડપથી બેઠો થયો. કૂદકો મારીને એણે એનો મોબાઇલ લીધો. એના આ કૃત્યથી એની સેક્રેટરી અને પ્યુન હેબતાઈ ગયાં, ‘એવું શું હશે આ મેસેજમાં કે સર આમ કૂદ્યા?’ જાગૃતિને જાણે કે એ મેસેજ શું હશે એની જાણ હોય એમ એના મુખ ઉપર બિપિન જાનીના આવા વર્તનને કારણે કોઈ આશ્ચર્યના હાવભાવ ઉત્પન્ન ન થયા.
‘મળ્યા સિવાય પાછા ગયા? હું ત્યાં જ હતો. સાત વાગે ‘ગેલોર્ડ’માં મળજો.’
મેસેજ ટૂંકો ને ટચ હતો, પણ એણે બિપિન જાનીને ફરીથી હચમચાવી દીધો. કોણ હશે આ વ્યક્તિ, જે ત્યાં જ હતી. મેં તો અટલને જ જોયો હતો. જાગૃતિ ત્યાં આવી અને અચાનક અટલની બ્રિફકેસ ખૂલી ગઈ, એમાંથી નોટો વેરવિખેર થઈને બહાર પડી અને લોકોનું ટોળું જામી ગયું. એમાં જે વ્યક્તિએ મને ત્યાં બોલાવી હતી એ ન દેખાઈ. અટલ અને જાગૃતિને જોતાં હું ગભરાઈ ગયો હતો. ત્યાં ન રોકાતાં પાછો ઑફિસે આવી ગયો. એ વ્યક્તિ કોણ હશે? અટલ હોઈ શકે? પેલા પૈસા એ મને આપવા લાવ્યો હશે? ના… ના. મને અટલ પૈસા શું કામ આપે? એ તો જરૃરથી આઈટી ઑફિસરને આપવા લાવ્યો હશે. મને તો ત્યાં મારા પર જે આઈટી ખાતાની નોટિસ આવી છે એના સંદર્ભમાં બોલાવ્યો હતો. અટલને એની જોડે શું લાગે-વળગે? અને જાગૃતિ? એ તો એ વ્યક્તિ નહીં હોય ને? ના… ના. એ તો મારી સામે ઊભી છે અને એ વ્યક્તિ તો મને આજે સાંજના સાત વાગે ચર્ચગેટ ઉપર આવેલ ગેલોર્ડ રેસ્ટોરાંમાં બોલાવી રહી છે. જાગૃતિ તો આજકાલની રિપોર્ટર છે. એની પહોંચ કંઈ આઈટી ડિપાર્ટમેન્ટ સુધીની થોડી હોય? નો… નો. અટલ કે જાગૃતિ બંનેમાંથી મારે જેને મળવાનું હતું એ હોઈ ન શકે, પણ તો પછી કોણ હશે એ વ્યક્તિ? હવે બિપિન જાની અટલ અને જાગૃતિને મનોમન કોસવા લાગ્યો. તેઓ જો ત્યાં ન હોત તો જરૃરથી એ વ્યક્તિ મને ૨ઃ૧૫ કલાકે મળી હોત. હવે મારે સાત વાગે ગેલોર્ડમાં જવું પડશે. આ વખતે પૂરતી કાળજી રાખવી પડશે.
‘સર, તમને કન્સલ્ટ કરવા હાજી યાકુબ આવી પહોંચ્યા છે. અડધો કલાકથી તમે સ્વસ્થ થાવ એની વાટ જોઈને બેઠા છે.’ બિપિન જાનીની સેક્રેટરીએ એના સર હવે સ્વસ્થ હતા એવું જોતાં કહ્યું.
‘નહીં. નહીં. મારે હમણા કોઈને નથી મળવું. તમે એમને કહો કે મારી તબિયત સારી નથી.’
‘સર, તેઓ આપણા ખૂબ મોટા ક્લાયન્ટ છે.’
‘તો શું છે? તું જોતી નથી, આઈ એમ નૉટ વેલ.’
‘હા. સર, પણ તમે એમને પાંચ મિનિટ મળી લો. એમને નાખુશ કરવા ન જોઈએ.’ સેક્રેટરીએ હાજી યાકુબ વતીથી આજીજી કરતાં કહ્યું.
ઍડ્વોકેટોના ખાસ ક્લાયન્ટો હંમેશાં એમની સેક્રેટરી અને આસિસ્ટન્ટોને ખુશ રાખે છે, જેથી એમના સર પાસે તેઓ એમની વગ લગાડીને એમનું કામ જલદી કરાવી શકે. હાજી યાકુબે બિપિન જાનીની ઑફિસના પ્યુનથી માંડીને એની સેક્રેટરી સુધી બધાંને ખુશ રાખ્યા હતા.
‘અચ્છા. બોલાવ, પણ એમને વૉર્નિંગ આપજે. મારી તબિયત અસ્વસ્થ છે. પાંચ મિનિટથી વધુ ન લે.’
‘સલામ આલેકુમ… તમને આ શું થઈ ગયું?’ હાજી યાકુબે બિપિન જાનીની કૅબિનમાં પ્રવેશતાં જ એને પ્રશ્ન કર્યો.
‘કંઈ નહીં, જરા નબળાઈ લાગે છે. આજે થોડો આરામ કરીશ એટલે સારું લાગશે.’
‘નહીં… નહીં. તમારે આમ આ વાતને નજીવી ગણવી ન જોઈએ. હમણા જ તમે તમારા ફૅમિલી ડૉક્ટરને બોલાવો. તમારું મોઢું એકદમ ફિક્કું પડી ગયું છે. આ જુઓ, અત્યારે પણ આ ઍરકન્ડિશન્ડ ઑફિસમાં તમારા કપાળ ઉપર પરસેવો વળી ગયો છે. તમે ઇન્કમટેક્સ ઑફિસમાં ગયા હતા. ત્યાં ચક્કર આવ્યાં, ખરું ને? બિપિનભાઈ, આઈટી ઑફિસરનું કંઈ કામ હોય તો કહેજો. એ બધાને આપણો પ્રસાદ નિયમિત પહોંચે છે.’
બિપિન જાનીને વિચાર આવ્યો ઃ ‘અરે, આ હાજી યાકુબ મને આ મુશ્કેલીમાંથી ઉગારી શકે છે. બધા જ ઇન્કમટેક્સ ઓફિસરો એની મુઠ્ઠીમાં છે.’ પાછો વિચાર આવ્યો કે, ‘શું મને મળેલ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસની હાજી યાકુબને જાણ કરવી જોઈએ?’ એ બાહોશ ઍડ્વોકેટના મગજમાં બીજી ક્ષણે એક ત્રીજો વિચાર પણ આવ્યો.
કૅબિનમાં સેક્રેટરી, પ્યુન અને જાગૃતિ ત્રણેય હાજર હતાં એટલે અટકીને બિપિન જાનીએ એ ત્રણેયને કહ્યું ઃ ‘આપ સૌ પ્લીઝ, બહાર જાવ. મારા ક્લાયન્ટને મારી સાથે એમના કેસની અંગત વાત કરવી છે.’
હકીકતમાં બિપિન જાનીને એના ક્લાયન્ટને એની અંગત વાત કહેવી હતી. ત્રણે જણા કૅબિનની બહાર ગયાં એટલે બિપિન જાની પોતાની ખુરસીમાંથી ઊભા થઈ એનો ક્લાયન્ટ જે ખુરસીમાં બેઠો હતો એની બાજુમાં મુકેલ બીજી ક્લાયન્ટની ખુરસીમાં પોતે બેસી ગયો. પછી અત્યંત ધીમા અવાજે લગભગ હાજી યાકુબના કાનમાં એણે કહ્યું ઃ
‘હાજી યાકુબ…’
* * *
બ્રેબોર્ન સ્ટૅડિયમની સામે આવેલ ચર્ચગેટ સ્ટેશનથી ફક્ત બે મિનિટના અંતરે મુંબઈની વર્ષો જૂની ખ્યાતનામ ‘ગેલોર્ડ’ રેસ્ટોરાં આવેલી છે. એક સમયે શંકર-જયકિસન, આ સંગીતકાર જોડીના જયકિસન અહીં રોજ સાંજના આવતા હતા. કહેવાય છે કે એમની પત્ની પલ્લવી એમના પ્રેમમાં એમને આ રેસ્ટોરાંમાં જોતાં જોતાં પડી હતી. સુનિલ દત્ત અને શમ્મી કપૂર પણ વારંવાર આ રેસ્ટોરાંમાં દેખા દેતા હતા. એક વાર તો નરગિસને લઈને સુનિલ દત્ત અને શમ્મી કપૂર વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી અને બંને આ રેસ્ટોરાંમાં હાથોહાથની મારામારી ઉપર ઊતરી આવ્યા હતા. મુંબઈના એક ખ્યાતનામ મૅચમેકરનો ગેલોર્ડ રેસ્ટોરાં અડ્ડો હતો. લગ્નઇચ્છુક યુવક-યુવતીઓનો તેઓ આ રેસ્ટોરાંમાં મેળાપ કરાવી આપતા હતા. એક સમયે આ રેસ્ટોરાંમાં રોજ રાત્રિના લાઈવ બૅન્ડ ઉપર એક સુંદર યુવતી ગીતો ગાઈને રેસ્ટોરાંમાં આવેલા ગેસ્ટ્સનું મનોરંજન કરતી હતી.
એ સાંજના સાત વાગવાની વાટ ન જોતાં બિપિન જાનીએ સાડા છ વાગ્યાથી જ એ રેસ્ટોરાંના મેઝનીન ફ્લોર ઉપર જે બાર છે એની બાજુના ટેબલ ઉપર બેઠક જમાવી હતી. વ્હિસ્કી પીવાની તો એની ખૂબ ઇચ્છા હતી, પણ આજે એ તલબને પોષવી એને યોગ્ય ન લાગી. એણે એસપ્રેસો કૉફીથી જ મનને મનાવ્યું. સાતમાં પાંચ કમે બિપિન જાનીએ એસપ્રેસો કૉફીના સેક્ધડ કપનો ઑર્ડર કર્યો.
બરાબર સાતના ટકોરે ફૂટપાથ ઉપરથી ગેલોર્ડ રેસ્ટોરાંના એન્ટ્રન્સમાં દાખલ થઈ, બહાર ખુલ્લામાં જે ટેબલો હતાં એ વટાવી, રેસ્ટોરાંનો કાચનો દરવાજો ખોલીને હસતાં હસતાં એકબીજા જોડે વાતો કરતાં અટલ અને જાગૃતિ પ્રવેશ્યાં. રેસ્ટોરાંમાં એ સમયે ઝાઝા ગેસ્ટ નહોતા. મોટા ભાગનાં ટેબલો ખાલી હતાં. એનું વાતાનુકૂલિત વાતાવરણ સામાન્ય કરતાં વધુ ઠંડું હતું. એ ઠંડીમાં પણ અટલ અને જાગૃતિને ફરી પાછા જોઈને બિપિન જાનીને આખા શરીરે પરસેવો વળી ગયો. આ બે રિપોર્ટરો ફરી પાછાં અહીં? બંને સાથે? મને જે ટાઇમ આપ્યો છે એ જ ટાઇમે? શું મારે આ બંનેને જ મળવાનું છે? જેની ગણના ગુનેગારોને બચાવનાર એક બહાદુર ઍડ્વોકેટમાં થતી હતી એ બિપિન જાની હવે થરથર કાંપવા લાગ્યો.
‘અરે, જાગૃતિ, જો ઉપર મિસ્ટર જાની બેઠા છે. કેવો જોગાનુજોગ?’ અટલે મેઝનીન ફ્લોર ઉપર બેઠેલ બિપિન જાનીને જોઈને જાગૃતિને કહ્યું.
જાગૃતિએ ઊંચું જોયું. હાથ હલાવીને એ ગભરાયેલ ઍડ્વોકેટને એણે કહ્યું, ‘સર, શું વાત છે? આપણે આજે દિવસના બબ્બે વાર મળીએ છીએ. તમારી તબિયત ઑલરાઈટ છેને? એકલા છો કે સાથે કોઈ ક્લાયન્ટ છે?’
બિપિન જાનીને જવાબ આપ્યા સિવાય છૂટકો નહોતો.
‘નો… નો. હું એકલો જ છું.’
‘ઓહ! તો તો અમે તમને જોઇન કરીએ છીએ. ગભરાતા નહીં. તમારું બિલ પણ અમે જ આપશું. અટલ, તમને વાંધો નથીને.’
‘નો… નો. આવા ખ્યાતનામ ઍડ્વોકેટ જોડે બેસવું એ તો પ્રેસ્ટિજિયસ કહેવાય.’
બિપિન જાનીના જવાબની રાહ જોયા સિવાય અટલ અને જાગૃતિ ફટાફટ ગેલોર્ડ રેસ્ટોરાંના મેઝનીન ફ્લોરનાં આઠ પગથિયાં ચડીને એના ટેબલની આજુબાજુની ખુરસીમાં ગોઠવાઈ ગયાં.
* * *
‘બહેન, તું કેમ છે?’
‘અરે સત્યેન? તું ક્યાંથી વાત કરે છે? અમે બધાં તારી કેટલી ચિંતા કરીએ છીએ.’
‘હું સાજો-નરવો છું. મને કંઈ થયું નથી.’
‘તો પછી આમ કોઈને કહ્યા સિવાય, ભાભીને પણ જણાવ્યા સિવાય તું ક્યાં ચાલી ગયો છે?’
‘જો બહેન, આ વાત અત્યંત ગુપ્ત રાખવાની છે.’
‘એમ? શું વાત છે? શશીકાંતભાઈએ પાછું કંઈ લફરું કર્યું છે?’
‘ના, ના, બહેન. આ આપણા કુટુંબનો મામલો નથી.’
‘તો પછી?’
‘આ એક આંતરરાષ્ટ્રીય ટોળકીની કાર્યવાહીની વાત છે.’
‘તો એ મને શું કામ કહે છે?’
‘કારણ કે એ આંતરરાષ્ટ્રીય ટોળકી ઇંગ્લેન્ડમાં કૌભાંડ આચરી રહી છે.’
‘હાય… હાય! ઇંગ્લેન્ડમાં કૌભાંડ? શું અમારી ક્વીનનું મર્ડર કરવાનો એ લોકોએ પ્લાન કર્યો છે?’
‘ના, પણ પ્લાન ભયંકર છે.’
‘શું વાત કરે છે?’
‘જો બહેન, એક ઇન્ડિયન ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને ટ્રાફિકિંગના કાર્યમાં સંડોવાયો છે. એણે ઇન્ડિયામાંથી સેંકડો આઠ-દસ વર્ષનાં બાળકો અને બાળકીઓને ઇંગ્લેન્ડમાં મોકલ્યાં છે. એ બધાં ઉપર જબરજસ્તી કરવામાં આવે છે.’
‘હેં! કેવી જબરજસ્તી?’
‘એ અણસમજુ નાદાન બાળકો અને બાળકીઓ ઉપર બળાત્કાર કરવામાં આવે છે. એમની એ ક્રિયાની ફિલ્મો ઉતારવામાં આવે છે. પછી ઇંગ્લેન્ડના લોકોને એ ફિલ્મો સપ્લાય કરવામાં આવે છે. એટલું જ નહીં, એ બાળકોને લંપટ અને નાલાયક પુરુષો તેમ જ સ્ત્રીઓને એમની વાસના સંતોષવા માટે વેચી દેવામાં આવે છે.’
‘બાપ રે!’
‘એટલું જ નહીં, એ, એની પત્ની અને દીકરો ત્રણે પણ સ્મગલરો છે.’
‘આખ્ખું કુટુંબ?’
‘હા, આખ્ખું કુટુંબ ગુનાહિત પ્રવૃત્તિમાં ડૂબેલું છે.’
પ્રોસ્ટિટ્યૂશન, એમાં પણ ચાઇલ્ડ પ્રોસ્ટિટ્યૂશન ‘ને પોર્નોગ્રાફી, એમાં પણ ચાઇલ્ડ પોર્નોેગ્રાફી, આ બંને ખૂબ જ ગંભીર ગુનો છે. ‘ટ્રાફિકિંગ’ એટલે કે સ્ત્રીઓને અને સગીર વયનાં બાળકોને દેહવ્યાપાર માટે એક દેશમાંથી બીજા દેશમાં કે એક સ્થળથી બીજા સ્થળે બળજબરીથી યા ફોસલાવીને લઈ જવાનું કાર્ય પણ ગંભીર ગુનો ગણાય છે. યુકેમાં તો એને અત્યંત ગંભીરતાથી લેવાય છે અને આવી વ્યક્તિઓને સખત સજા થાય છે. એમને બેલ ઉપર પણ છોડવામાં નથી આવતી.
‘ઓ બાપ રે! આ તો ખરેખર બહુ મોટો ભયંકર ગુનો કહેવાય.’
‘હા અને એ ગુનાનો કર્તાહર્તા આપણો એક ગુજ્જુભાઈ જ છે.’
‘શું વાત કરો છો? એક ગુજરાતી થઈને એ આવું નીચ અને નરાધમ કૃત્ય કરે છે?’
‘હા બહેન, એટલે મારે એને સજા કરાવવી છે. એની ચુંગાલમાં ફસાયેલાં બાળકોને છોડાવવાં છે, પણ એ બધા માટે સમય જોઈએ. જો એને તુરંત જ એરેસ્ટ કરવામાં નહીં આવે તો એને આ વાતની ગંધ આવી જશે અને એ ઇંગ્લેન્ડમાંથી ભાગી જશે.’
‘તો ભાઈ, એને પકડાવી દે.’
‘એટલા માટે જ મને તારી મદદની જરૃર છે.’
‘મારી મદદ? હું આમાં કઈ રીતે મદદ કરી શકું?’
સત્યેનની નાની બહેન જ્યોત્સ્નાના પ્રોફેસર પતિ મુકુંદ જાનીની એક અતિ બાહોશ, સજ્જન તેમ જ સંસ્કારી પ્રોફેસર તરીકે સમગ્ર ઇંગ્લેન્ડમાં ખ્યાતિ ફેલાયેલી હતી. લંડનના મેયર જોડે એમને અંગત સંબંધ હતો. મહિને-બે મહિને તેઓ એકબીજાના ઘરે ભોજન સાથે લેતા. ઇંગ્લેન્ડની રાણીએ પણ એક વાર એમના ભોજન સમારંભમાં એમને આમંત્ર્યા હતા. લંડનના અતિશય ધનાઢ્ય અને ખ્યાતનામ લોકોના વિસ્તારમાં રહેતી સત્યેનની બહેનની બાજુનો જ બંગલો, એ શહેરના પોલીસ કમિશનરનો હતો. જ્યોત્સ્ના અને લંડનના પોલીસ કમિશનરની પત્ની, બંને બહેનપણીઓ હતી. દિવસના ચાર વાર જો તેઓ એકબીજા જોડે વાત ન કરે અને એકાદ વાર પણ પ્રત્યક્ષ ન મળે તો એમને ચેન નહોતું પડતું.
‘જો બહેન, લંડનના પોલીસ કમિશનરની વાઈફ જોડે તારે બહેનપણા છે. બનેવીની આ દેશમાં ખૂબ પ્રતિષ્ઠા છે. હવે તમે જો અહીંના પોલીસ કમિશનરને આ વાત કહો અને શંકાના આધારે એ વ્યક્તિની ધરપકડ કરો તો પછી થોડા દિવસ એ પોલીસ કસ્ટડીમાં રહે ત્યાં સુધીમાં હું એની વિરુદ્ધના બધા પુરાવાઓ ભેગા કરી શકીશ.’
‘પણ અમારા કહેવાથી અહીંની પોલીસ એની ધરપકડ કરશે?’
‘જો તારી બહેનપણી એના વરને વાત કરે, બનેવી પણ એમને આ બધી જાણ કરે તો જરૃરથી તેઓ આવું ઇન્ટરનેશનલ કૌભાંડ કરનાર અને ઇંગ્લેન્ડમાં વ્યભિચાર ફેલાવનાર વ્યક્તિની તુરંત જ ધરપકડ કરશે. મુંબઈની કોર્ટે તો એ ત્રણે વ્યક્તિઓની ધરપકડનાં વૉરન્ટ પણ ઈશ્યુ કર્યાં છે.’
‘એમ? પણ ભાઈ, તું મને કહેતો ખરો કે તું આમ કોઈને કહ્યા વગર શા માટે ચાલી ગયો છે? અત્યારના તું ક્યાં છે? મને ખબર છે, તું આ ચાઇલ્ડ પોર્નોગ્રાફર અને ટ્રાફિકિંગ કરનારને પકડવા માટે જ આમ અચાનક કોઈને પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. ભાઈ, તું તો ખરેખર સત કાર્ય કરવા માટે જ જન્મ્યો છે.’
‘અચ્છા! અચ્છા! ભાઈનાં ખોટાં વખાણ કરવાનું બંધ કર અને ઝડપથી તારી બાજુવાળી બહેનપણીનો સંપર્ક કર.’
‘હા, પણ ભાઈ, કોને એરેસ્ટ કરવાના છે? ક્યાંથી એરેસ્ટ કરવાના છે?’
‘હા, જો સાંભળ, એ વ્યક્તિનાં નામો છે….’ સત્યેને એની બહેનને ચાર નામ કહ્યાં.
જય જનતા પાર્ટીના હિસાબોમાં ગોટાળાઓ અને કરોડો રૃપિયાની ઉચાપત તેમ જ એ સઘળા પૈસા વિદેશમાં મોકલી દેવાના આરજેનાં કારસ્તાન સત્યેન શાહ પકડી પાડીને ઉઘાડા પાડી ન દે એ માટે તૈમૂરે એના સાગરીતો દ્વારા સત્યેન શાહ ઉપર જાતીય શોષણના ખોટા આક્ષેપો કરાવ્યા. સત્યેન શાહ એ બધા જુઠ્ઠા આક્ષેપોનો પુરાવા સહિત રદિયો આપવા તૈયાર થયો ત્યારે એણે એનું કાસળ કાઢી નાખવાનું કાવતરું યોજ્યું.
બરાબર આવો જ પેંતરો સત્યેન શાહે આરજે માટે ઘડ્યો.
ચાઇલ્ડ પોર્નોગ્રાફી એટલે કે નાબાલિગ બાળકોની જોડે સેક્સ માણતા લોકોની ફિલ્મો ઉતારવા અને એ ફિલ્મો લંડનના નિવાસીઓને દેખાડવાનું કાર્ય આરજે અને એના સાગરીતો કરી રહ્યા છે. ટ્રાફિકિંગ ઑફ માઇનર ચિલ્ડ્રન ફૉર ધી પર્પઝ ઑફ પ્રોસ્ટિટ્યૂશન એટલે કે પરદેશથી ઇંગ્લેન્ડમાં સેક્સ માટે ફોસલાવીને તેમ જ બળજબરી કરીને નાબાલિગ છોકરા-છોકરીઓને લઈ આવવાનું ઘૃણાસ્પદ કાર્ય પણ આરજે અને એના સાગરીતો કરી રહ્યા છે.
આવા ભયંકર આક્ષેપોમાં આરજેને સંડોવવાનો પ્લાન સત્યેને કર્યો.
યુસુફ મહમ્મદના એક કૃત્યએ સત્યેનનું કાર્ય સરળ કરી આપ્યું.
* * *
‘આ બધું શું છે?’ કાબા આરજેએ થોડી ક્ષણોમાં સ્વસ્થતા મેળવી સત્યેનને પ્રશ્ન કર્યો.
‘એમ અજાણ્યો ન થા, આરજે. જય જનતા પાર્ટીના હિસાબોમાં ગોટાળા માટે તારી સામે કેસ દાખલ થયો છે. તારી વિરુદ્ધ કોર્ટે સમન્સ કાઢ્યું. તું છટકીને લંડન ભાગી આવ્યો. મૅજિસ્ટ્રેટે હવે વૉરન્ટ કાઢ્યું છે. આ એ વૉરન્ટ છે.’
‘એમ?’ કતરાતાં કતરાતાં આરજેએ કહ્યું.
‘એમ નહીં, આમ…. આ જો .. લંડન આવતાં પહેલાં આગલા દિવસે સ્મગલિંગના આરોપસર તને અને તારા ફૅમિલીને એરેસ્ટ કરવામાં આવ્યાં હતાં. તમને બેલ ઉપર છોડવામાં આવ્યાં હતાં. તમે ત્રણેય એ બેલ જમ્પ કરીને બીજા દિવસે અહીં ભાગી આવ્યાં. એટલે એ કોર્ટે પણ તમારી સામે વૉરન્ટ ઈશ્યુ કર્યાં છે. આ એ વૉરન્ટ છે.’
‘હં… લાવ જોવા દે.’
સત્યેને વૉરન્ટના કાગળો આરજેને આપ્યા. એ હાથમાં લઈ વાંચી, ખુરસી ઉપરથી ઊભા થતાં થતાં આરજેએ એ ફાડી નાખતાં કહ્યું ઃ
‘આવા કાગળિયાઓ હું રદ્દી પેપરની બાસ્કેટમાં નાખી દઉં છું.’ પછી ફાડેલા વૉરન્ટનાં કાગળિયાં સત્યેન ઉપર ફેંકતાં બોલ્યો.
‘અને આ તારો ઇન્ડિયાનો ઇન્સ્પેક્ટર…? હં… હી કાન્ટ ડુ ઍનિથિંગ ટુ મી હિયર ઇન લંડન… અને આ બ્રિટિશ પોલીસ? એને ઇન્ડિયાના કોર્ટનો ઑર્ડર બજાવવાની સત્તા જ નથી. થેન્ક યુ ફૉર ઇન્વાઇટિંગ મી ફૉર ડિનર. આ લે, આ બે થાળીના પૈસા.’ સો પાઉન્ડની નોટ ટેબલ ઉપર ફેંકીને સિતાર રેસ્ટોરાંમાંથી બહાર જવા આરજે રુઆબથી ફર્યો. સ્વસ્થતા મેળવેલ આરજેના હાંજા ફરી પાછા ગગડી ગયા.
સામેના ખૂણાના ટેબલ ઉપર બેઠેલ યુસુફ મહમ્મદની બંને બાજુ એક એક પોલીસ ઊભો હતો. એક એના હાથમાંની બેડીઓ યુસુફ મહમ્મદને પહેરાવવા જતો હતો. વેઇટરો રેસ્ટોરાંની બહાર જવાના દરવાજા પાસે લાઇનબંધ ઊભા રહી ગયા હતા. જાણે કે કોઈ ભાગી છૂટવાનો વિચાર કરતો હોય તો એને દરવાજા ઉપર જ પકડી લેવા તેઓ ઊભા ન હોય! આરજેની આજુબાજુ પણ લંડનના બે પોલીસ ઇન્સ્પેક્ટરો ઊભા હતા. એ બંનેના હાથમાં પિસ્તોલ હતી. રેસ્ટોરાંમાં ભોજન લેવા આવેલા બધાની નજર એમના તરફ હતી.
ખૂન કરીને ભારતમાંથી ભાગી આવેલ વ્યક્તિઓને લંડન આશરો આપે છે. ભારતની સરકાર એ વ્યક્તિનો કબજો માગે છે તોય બ્રિટિશ ગવર્મેન્ટ એ સોંપતી નથી. ભારતમાં કરોડોનું કૌભાંડ કરીને ભાગી આવેલા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટોને બ્રિટન આશરો આપે છે. તો પછી એને પકડવા લંડનની પોલીસ કેમ આવી? આરજેને સમજ ન પડી કે લંડનની પોલીસે કયા આરોપસર યુસુફ મહમ્મદની ધરપકડ કરી. એ વાત પણ એને ગળે ન ઊતરી કે લંડનની પોલીસ મુંબઈની કોર્ટે ઈશ્યુ કરેલ વૉરન્ટ એની સામે કેવી રીતે બજાવી શકે. એટલું જ નહીં, બે બે ઇન્સ્પેક્ટરો બંદૂક કાઢીને એની સામે શા માટે ઊભા હતા. સિચ્યુએશનની જાણ તૈમૂરને કરવા આરજેએ મોબાઇલ કાઢવા કોટની અંદરના ડાબા ખિસ્સા તરફ હાથ લંબાવ્યો.
(ક્રમશઃ)
————————–