‘યુસુફ, આ બૉબીને કંઈ આપીને પતાવટ કરી ન શકાય.’

'પછી તો એ સ્ટોરની પાસે ઑક્સફર્ડ સ્ટ્રીટ ઉપર ધાંધલ મચી ગઈ. લોકોનું ટોળું ભેગું થઈ ગયું.

નવલકથા  – સત્ – અસત  પ્રકરણ- ૨૮

– સંગીતા-સુધીર

સત્યેન શાહ વિચારે છે કે જેણે પણ ચેસની રમતનો આવિષ્કાર કર્યો છે તેણે બહુ સમજી વિચારીને અને હોશિયારીપૂર્વક બધા નિયમો ઘડ્યા છે. જિંદગીમાં ચેસના નિયમોમાં ઘણી સામ્યતા રહેલી છે. શાહે હવે માસ્ટર સ્ટ્રોક વાપરીને પાર્ટીના બધા ઘોરખોદુઓને ઉઘાડા પાડવા મિશન હાથ ધર્યું હતું, જેમાં ઇઝરાયલના અબ્રાહમે પણ તેનો સાથ આપ્યો હતો. મિશનના ભાગરૃપે સત્યેને પહેલી ચાલ આરજે સામે ચાલી હતી. ઇશ્યુ થયેલા વૉરંટ અને ધરપકડથી બચવા માટે આરજે પોતાના પરિવારને લઈને લંડન ભાગી જાય છે. ભારતમાં કસ્ટમ ઓફિસરે કરેલી ધરપકડમાંથી છુટકારો થયા બાદ આરજે તેની પત્ની રોહિણી અને પુત્ર રોમેલ સાથે લંડનના હિથ્રો ઍરપોર્ટ પર પગ મૂકે છે. ભારતમાંથી ભાગી છૂટવાની ખુશી મનાવવાનો અને રાહતનો શ્વાસ લેવાનો વિચાર કરે એ પહેલાં જ લંડનની બૉબી ત્રણેયની અટકાયત કરે છે. ત્રણેયને જુદાં જુદાં રૃમમાં લઈને પૂછપરછ કરે છે. આ બધી ઘટનાઓને કારણે આરજે, રોહિણી અને રોમેલના હાંજા ગગડી જાય છે. જોકે, બાદમાં બીજા કોઈ આરજેની અટકાયત કરવાની હતી, પણ નામ સરખા હોવાના કારણે એ લોકોની અટકાયત કરવામાં આવી એમ કહીને લંડનની પોલીસ ત્રણેયને છૂટા કરે છે. ત્રણેય જણા વેઇટિંગ રૃમમાં મળે છે અને વાતો કરે છે. એ વાતો લંડનના જાણીતા અખબારનો પત્રકાર સાંભળે છે અને બધી માહિતી તેના રિપોર્ટર મિત્ર અટલને મોકલે છે. અટલ સત્યેન શાહને આ બધી માહિતી જણાવે છે. સત્યેન આ બધું સાંભળીને લંડન જવાનું નક્કી કરે છે. આરજે, રોમેલ અને રોહિણી ઍરપોર્ટમાંથી બહાર નીકળે છે, ત્યારે તૈમૂરનો માણસ યુસુફ મહમ્મદ ત્રણેયને લેવા આવે છે. યુસુફ મહમ્મદ ત્રણેયને લંડનની પ્રખ્યાત મેરિયટ હોટેલમાં લઈ જાય છે. ત્રણેયનું રોકાણ ત્યાં જ હોય છે. રોમેલ કપડાં અને જરૃરી વસ્તુઓ ખરીદવા રોહિણી આગળ જીદ કરે છે. યુસુફ રોમેલ અને રોહિણીને ખરીદી કરવા પાંચ હજાર પાઉન્ડ આપે છે. જોકે, રોહિણી રોમેલને બીજા દિવસે ખરીદી કરવા જવાનો વાયદો આપીને આરામ કરવા જતી રહે છે.

હવે આગળ વાંચો…

‘પપ્પા, અમને એરેસ્ટ કરવામાં આવ્યાં છે.’ ‘પેન્ડોરા ઑક્સફર્ડ સર્કસ’ ઑક્સફર્ડ સ્ટ્રીટ ઉપર આવેલ અતિ પ્રતિષ્ઠિત જ્વેલરી સ્ટોરમાંથી એ જ સ્ટોરના લૅન્ડલાઇન ફોન ઉપરથી રોમેલનો ગભરાયેલો અવાજ આવ્યો.

‘વૉટ?’ આરજે એના દીકરાનું કહેવું સાંભળીને ગભરાઈ ગયો. માંડ માંડ મુંબઈની પોલીસ આગળથી છૂટ્યાં હતાં. લંડનના ઈમિગ્રેશન ખાતાએ પણ કલાકો સુધી ગોંધી રાખ્યાં બાદ બહાર જવા દીધાં હતાં. રોમેલે હવે એવું શું કર્યું કે લંડનમાં એની ધરપકડ કરવામાં આવી છે.

‘શા માટે એરેસ્ટ કર્યા છે?’

‘શૉપલિફ્ટિંગ માટે. આ લોકો કહે છે કે મમ્મીએ ડાયમન્ડ નેક્લેસ અને મેં ડાયમન્ડની રિંગ તફડાવી છે.’

‘શું? ગધેડા, તમે કપડાં લેવા ગયાં હતાં કે દાગીના?’

‘પપ્પા, અમે એવું કંઈ જ નથી કર્યું. અમે તો માર્ક્સ ઍન્ડ સ્પેન્સરમાં કપડાં લેવા જ જતાં હતાં. રસ્તામાં મમ્મીએ એક જ્વેલરી શૉપ જોઈ.’

‘એટલે તારી મમ્મી એમાં ઘૂસી હશે.’

‘હા, તમને તો ખબર જ છે, મમ્મીને દાગીનાઓનો કેટલો શોખ છે. મેં ના પાડી તો પણ મને કહે, ‘ચાલ, આ લોકોની ડિઝાઇનો કેવી હોય છે એ જોઈએ.’ પછી મમ્મી એ જ્વેલરી શૉપમાં ઘૂસી. એની પાછળ પાછળ હું ઘસડાયો. દસ-પંદર મિનિટ મમ્મીએ એ શૉપમાં સેલ્સમેન આગળ જુદાં જુદાં નેક્લેસ, પેન્ડન્ટ, બ્રેસલેટ શૉ-કેસમાંથી કઢાવીને પહેર્યાં.’

‘તારી મમ્મીની એ તો જૂની ટેવ છે.’

‘મમ્મીની નજર એક બહુ જ મોટા ડાયમન્ડ નેક્લેસ ઉપર પડી. એની બાજુમાં એક મસ્ત રિંગ પણ હતી. મમ્મીએ સેલ્સમેનને એ બંને બહાર કાઢવા કહ્યું. પછી નેક્લેસ પોતે પહેર્યો અને રિંગ મને પહેરાવી.

‘પછી તને પૂછયું હશે કે ડેલાઈટમાં આ નેકલેસ કેવો લાગશે?’

‘હા, પપ્પા, મમ્મીએ પછી મને કહ્યું ‘રોમેલ, આ ડાયમન્ડ નેક્લેસ ડેલાઈટમાં કેવો લાગશે?’ મેં કહ્યું, ‘સારો લાગશે.’

‘તારી મમ્મીએ તારું કહેલું માન્યું નહીં હોય. એણે જાતે ડેલાઈટમાં એ નેક્લેસ જોવાનો આગ્રહ રાખ્યો હશે.’

‘યસ પપ્પા, મમ્મીએ કહ્યું, ‘નહીં… નહીં. બહાર જઈને જોવું જોઈએ કે સૂરજના પ્રકાશમાં આ નેક્લેસના ડાયમન્ડ કેવા દેખાય છે? જો ડેલાઈટમાં પણ એ સારા લાગતા હશે તો આરજેને કહીશ કે મને આ નેક્લેસ અપાવે.’ હું હજુ કંઈ જવાબ આપું એટલામાં તો મમ્મી સ્ટોરની બહાર દોડી ગઈ. હું એને અટકાવવા એની પાછળ દોડ્યો. હું ભૂલી ગયો હતો કે મેં પણ મમ્મીએ દેખાડેલ ડાયમન્ડ રિંગ પહેરી હતી. સ્ટોરની બહાર જઈને મમ્મી થોડે દૂર તડકામાં ઊભી રહી. એની પાસે આવવા એ મને ઇશારો કરવા લાગી.’

‘પછી?’

‘સ્ટોરના સેલ્સમેનને એવું લાગ્યું કે અમે એ જ્વેલરી પહેરીને ભાગી જઈએ છીએ. એણે ગાર્ડ… ગાર્ડ એવી બૂમ મારી. હું દોડતો મમ્મી પાસે ગયો. એનો હાથ પકડીને એને સ્ટોરમાં ખેંચી લાવતો હતો એટલામાં જ સ્ટોરના બે ગાર્ડે આવીને અમને પકડ્યાં.’

‘પછી શું થયું?’

‘પછી તો એ સ્ટોરની પાસે ઑક્સફર્ડ સ્ટ્રીટ ઉપર ધાંધલ મચી ગઈ. લોકોનું ટોળું ભેગું થઈ ગયું. બધાને લાગ્યું કે અમે દાગીના લૂંટીને ભાગી જતાં હતાં. ટોળામાંનો એક ધોળિયો બોલ્યો ઃ ઇન્ડિયનો આવા જ હોય છે. મારો એમને.’

‘બાપ રે!’

‘સારું થયું કે સ્ટોરના બે ગાર્ડ્સ અમને પકડીને સ્ટોરમાં લઈ ગયા. નહીં તો પબ્લિકે અમારી ધુલાઈ જ કરી હોત. પપ્પા, હવે તમે જલદી અહીં આવી જાવ. આ લોકો અમને પોલીસને સોંપવા માગે છે.’

‘ઓકે… ઓકે.’

ફોન મૂકીને આરજે તરત જ એના સ્યુટમાંથી બહાર દોડ્યો. નીચે ઊભેલી ટૅક્સી રોલ્સ રૉય્સ હતી. આ તો લંડન મેરિયેટ હોટેલ હતી. ત્યાં ઊભેલી ટૅક્સીઓ પણ હોટેલ અને એના પેસેન્જરોને છાજે એવી જ હોય ને! એમાં બેસીને એણે ડ્રાઇવરને કહ્યું ઃ

‘ઑક્સફર્ડ સ્ટ્રીટ પેન્ડોરા ઑક્સફર્ડ સર્કસ આગળ લઈ લે. ઍન્ડ બી ક્વિક.’

* * *

જે દિવસે બપોરના ‘આ હીરાનો હાર મારા ગળામાં ડેલાઈટમાં કેવો શોભશે?’ એ જોવા રોહિણીએ હાર પહેરીને સ્ટોરની બહાર પગ મૂક્યો અને રોમેલ એની મમ્મીને સ્ટોરમાં પાછી લાવવા માટે દોડ્યો અને સ્ટોરના સિક્યૉરિટી ગાર્ડોએ એમની શૉપલિફ્ટિંગના ગુનાસર ધરપકડ કરી. એમને પોલીસને સોંપ્યાં, બરાબર એ જ દિવસે સવારના સત્યેન શાહ ઇઝરાયલથી ઇંગ્લેન્ડ આવી પહોંચ્યો.

લંડનમાં આરજેને શોધવાની સત્યેનને ચિંતા નહોતી.

અબ્રાહમના બે માણસોએ આરજે જેવો રોહિણી અને રોમેલ સાથે હિથ્રો ઍરપોર્ટની બહાર નીકળ્યો હતો કે એનો પીછો કર્યો હતો. એ પગેરું  ‘લંડન મેરિયટ’ હોટેલ સુધી ગયું હતું. આરજે એની પત્ની અને પુત્રને બચાવવા ઑક્સફર્ડ સ્ટ્રીટમાં દોડ્યો અને ત્યાં ખબર પડતાં કે એમને તો લંડનની પોલીસને હવાલે કરવામાં આવ્યાં છે એટલે ઑક્સફર્ડ સ્ટ્રીટના પોલીસ સ્ટેશને ભાગ્યો ત્યાં સુધી સતત અબ્રાહમના એ બે માણસોએ આરજેનો પીછો છોડ્યો નહોતો.

‘સૉરી, મિસ્ટર ભગત, તમારી વાઈફ ઉપર પંદર હજાર પાઉન્ડનો ડાયમન્ડ નેક્લેસ અને દીકરા ઉપર પાંચ હજાર પાઉન્ડની ડાયમન્ડ રિંગના શૉપલિફ્ટિંગનો આરોપ છે.’ ઑક્સફર્ડ સ્ટ્રીટના પોલીસ સ્ટેશનના વડા ઇન્સ્પેક્ટરે આરજેની એની પત્ની અને પુત્રને છોડવાની વિનંતી નકારતાં જણાવ્યું.

‘સર, મારી વાઈફ અને સન ચોરી કરે જ નહીં. એમને એ નેક્લેસ અને રિંગ જોઈતાં હોય તો તેઓ એ આસાનીથી ખરીદી શકે છે. તમને ખબર નથી, હું કેટલો ધનિક છું.’

‘મિસ્ટર ભગત, તમે ગમે તેટલા રિચ હો, એની જોડે અમને કોઈ નિસ્બત નથી. તમારી વાઈફે સ્ટોરના સેલ્સમેનને પૂછ્યા વગર નેક્લેસ ગળામાં પહેરી લીધો. તમારા દીકરાએ પણ એવું જ કર્યું. એણે પણ રિંગ જોઈ અને શૉ-કેસમાંથી ઉપાડીને પોતાની આંગળીમાં પહેરી લીધી. પછી તેઓ સ્ટોરની બહાર દોડી ગયાં. સ્ટોરના ક્લોઝ સર્કિટ ટેલિવિઝનમાં એ ચોખ્ખું દેખાય છે. એમની સામે એ સજ્જડ પુરાવો છે. જો એમને એ નેક્લેસ અને રિંગ ખરીદવી હોત તો તેઓ આમ સ્ટોરની બહાર દોડી ન જાત. તમે ગમે તેટલા પૈસાદાર હો પણ અમારો અનુભવ છે કે પૈસાદાર વ્યક્તિઓ જ આ પ્રમાણે શૉપલિફ્ટિંગ કરતી હોય છે. કદાચ તમારી વાઈફ અને સનને આવું કરવાની ટેવ હશે. એ લોકો ક્લિપ્ટોમેનિયાક હશે. જ્યાં સુધી સ્ટોર એમની સામે કરેલ કમ્પ્લેન્ટ પાછી ખેંચી ન લે ત્યાં સુધી અમે એમને છોડી ન શકીએ.’

‘એટલે?’

‘એટલે એમ કે આવતી કાલ સુધી એમને અહીં જ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે. ફિકર નહીં કરતા, એમની મારઝૂડ કરવામાં નહીં આવે. કાલે સવારે એમને ઓલ્ડ બેલીમાં લઈ જવામાં આવશે. ત્યાં મૅજિસ્ટ્રેટ સામે એમને રજૂ કરવામાં આવશે. એ વખતે તમે એમને છોડવાની અરજી કરી શકો છો.’

‘એટલે આ લોકો આજે આખો દિવસ અને આખી રાત અહીં પોલીસ સ્ટેશનમાં જ ગોંધાઈ રહેશે.’

‘નેક્લેસ અને વીંટી પહેરીને સ્ટોરની બહાર દોડી જતાં પહેલાં આવું થઈ શકે એ એમણે વિચારવું જોઈતું હતું.’

સળિયા પાછળ ઊભેલી પત્ની અને પુત્રને આરજેએ પહેલાં ધમકાવ્યાં, પછી પોતાના નસીબને દોષ દીધો અને આખરે એ બંનેને સાંત્વન આપતાં કહ્યું ઃ ‘ચિંતા ન કરો. લંડનના ટૉપમોસ્ટ સૉલિસિટર તેમ જ બેરિસ્ટરને રોકીને કાલે તમને છોડાવીશ. આ સ્ટોરવાળાઓએ તમને ખોટેખોટાં ફસાવ્યાં છે.’

આરજેએ પહેલાં તો મુંબઈમાં ઍડ્વોકેટ બિપિન જાનીનો સંપર્ક કરીને એની સલાહ લેવાનું વિચાર્યું, પણ પછી એ વિચાર મનમાંથી કાઢી નાખ્યો. બિપિન જાનીને બદલે તૈમૂરનો સંપર્ક કરવાનું વિચાર્યું. એટલામાં જ યુસુફ મહમ્મદ ત્યાં આવી પહોંચ્યો.

‘આ લોકો કપડાંને બદલે દાગીના લેવા કેમ ગયાં? લંડનમાં આવું કરાય? અહીં જરા જેટલી શંકા જાય કે દુકાનદારો ગ્રાહકોને શૉપલિફ્ટિંગ માટે પકડાવે છે. નીકળતાં નીકળતાં તમે ઇન્ડિયામાં લફરાં કર્યાં અને તમારી વાઈફ અને દીકરાએ લંડનમાં આવતાં આ પંચાત ઊભી કરી.’ યુસુફ મહમ્મદ ગુસ્સામાં હતો ઃ ‘તૈમૂરસા’બ તમારાથી ખૂબ જ ખફા છે.’

‘યુસુફ, આ લેડીઝો હંમેશાં જ્વેલરી જોઈને ઘેલી થઈ જાય છે અને આવાં લફરાં ઊભાં કરે છે.’

‘હા.. હા, પણ તમારાં વાઈફે વધુ લફરાં ઊભાં કર્યાં છે. આ સ્ટોર જો એની કમ્પ્લેન્ટ પાછી ખેંચી નહીં લે તો આ લોકોને મૅજિસ્ટ્રેટ બેલ ઉપર તો છોડશે, પણ ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય એટલે એ લોકોને લંડનની બહાર જતાં મુશ્કેલી પડશે.’

‘યુસુફ, આ બૉબીને કંઈ આપીને પતાવટ કરી ન શકાય.’

‘આરજે, આવો વિચાર જ તમારા મગજમાંથી કાઢી નાખો. હા, કદાચ સ્ટોરવાળા માની જાય. એ પેન્ડોરા ઑક્સફર્ડ સર્કસના માલિક કોણ છે? હું જોઉં છું એમના ઉપર કોની લાગવગ ચાલે એમ છે. કોશિશ કરીશ કે સ્ટોર એમની કમ્પ્લેન્ટ પાછી ખેંચી લે. હવે તમે ગુપચુપ હોટેલ ઉપર જાવ. તમારા સ્યૂટમાં જ બેસી રહેજો. તમને ખબર છે, મુંબઈની કોર્ટે તમારી સામે વૉરન્ટ કાઢ્યું છે?’

‘હેં!’

‘હા, અને તમારી સામેના બે ક્રિમિનલ કેસની જો અહીંની પોલીસને જાણ થશે તો તો તમારું આવી જ બન્યું. પ્લીઝ, ગો બૅક ટુ યૉર હોટેલ અને ત્યાં જ બેસી રહો.’

આરજેને એ દિવસે એક વધુ ઝટકો લાગવાનો હતો.

લંડન મેરિયેટ હોટેલના એન્ટ્રન્સમાં એણે જેવો પગ મૂક્યો કે બરાબર સામે જ સોફામાં બેસેલ સત્યેન શાહ ઊભો થયો. આરજેને સમજ ન પડી કે એણે હોટેલના રિવૉલ્વિંગ દરવાજામાંથી અંદર જવું કે પાછા પગે બહાર નીકળી જવું.

‘અરે સત્યેન, તું અહીંયા?’

‘અહીંયા નહીં તો બીજે ક્યાં જાઉં? લફરાબાજ ભારતીયોને આશરો તો ઇંગ્લેન્ડ જ આપે છે ને? જો આરજે, તું કોઈને જણાવતો નહીં કે હું અહીં લંડનમાં છું.’ જાણે કે આરજેને જોઈને પોતે ગભરાઈ ગયો હોય એવો ડોળ કરતાં સત્યેને આરજેને કહ્યું.

‘હા… હા. તારા જેવો હું રંગીલો નથી. લગ્ન કર્યા હોવા છતાં પાંચ પાંચ સ્ત્રી જોડે અડપલાં મેં નથી કર્યાં.’

જાણતો હોવા છતાં કે એ પાંચમાંની ચાર સ્ત્રીઓએ સત્યેન ઉપર બળાત્કારના જે આક્ષેપો કર્યા છે એ સાવ ખોટા છે તેમ છતાં આરજેએ સત્યેનને ટોણો માર્યો. અચાનક એ ભૂલી ગયો કે એ પોતે કેવા સંજોગોમાં ફસાઈ ગયો છે. આરજેને ક્ષણભર સત્યેન જ ફસાઈ ગયેલી વ્યક્તિ જણાઈ.

‘હા, યાર… સાલી એ પાંચ પાંચ સ્ત્રીઓએ મારો ફાયદો ઉઠાવ્યો અને વર્ષો પછી મને બદનામ કર્યો, પણ આરજે, તારાં લંડનનાં અને સ્વિસ બેન્કનાં એકાઉન્ટો ઇન્ડિયન ગવર્મેન્ટે ફ્રીઝ કરાવ્યાં છે એ વાત સાચી છે?’ સત્યેને અજાણ બની આરજે ઉપર બૉમ્બ ફેંક્યો.

આરજેને સમજ ન પડી.

સત્યેનને જાણ હશે કે એ એની વાઈફ અને દીકરા જોડે લંડન ભાગી આવ્યો છે?

સત્યેનને ખબર હશે કે મુંબઈમાં એની સામે કોર્ટકેસો થયા છે?

સત્યેનને એ, એની વાઈફ અને સન મુંબઈ ઍરપોર્ટ ઉપર સ્મગલિંગના ગુનાસર પકડાયાં હતાં અને બેલ ઉપર છૂટ્યાં હતાં એની માહિતી હશે?

સત્યેનને એની વાઈફ અને સનને આજે જ લંડનમાં શૉપલિફ્ટિંગ માટે એરેસ્ટ કરવામાં આવ્યાં છે એનો અણસાર આવ્યો હશે?

‘વૉટ? મારાં લંડન અને સ્વિસ બેન્કનાં એકાઉન્ટ્સ?’

‘હા… હા. ગઈકાલથી લંડનમાં બધા વાતો કરે છે કે ભારત સરકારના દબાણથી જે જે ઇન્ડિયનોનાં પરદેશમાં ગુપ્ત બેન્ક એકાઉન્ટ્સ હોય, જે બેન્ક એકાઉન્ટ્સ એમણે ભારતમાં ડિક્લેર કર્યાં ન હોય એ બધી જ  વ્યક્તિઓનાં પરદેશનાં બધાં બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવ્યાં છે. હવે એમણે ઇન્ડિયન ગવર્મેન્ટને એ બેન્ક એકાઉન્ટ્સ બદલ ખુલાસા આપવા પડશે. તારા પણ લંડન અને સ્વિસ બેન્કમાં એકાઉન્ટ્સ છેને?’

‘હેં? હા… ના. ના… ના. મારા કોઈ બૅન્ક એકાઉન્ટ્સ લંડન કે સ્વિસ બેન્કમાં નથી.’ આરજે હળાહળ જુઠ્ઠું બોલ્યો.

‘તો તો સારું. બાકી, જે જે ઇન્ડિયનોએ પરદેશની બેન્કમાં ગુપ્ત ખાતાં ખોલ્યાં હશે એ બધાને હવે બૂચ લાગી જશે, પણ આરજે, આપણી પાર્ટીનાં બૅન્ક એકાઉન્ટ્સ તો અહીં લંડનમાં અને સ્વિસમાં પણ છેને?’ સત્યેને વધુ અજ્ઞાનતાનો ડોળ કર્યો.

‘હા… હા. પણ એમાં આપણી પાર્ટીએ કાંઈ જ ગભરાવાનું નથી. એ બધાં જ એકાઉન્ટ્સની જાણ પાર્ટીએ ભારતના સત્તાવાળાઓને કરી છે.’

‘ઓહ, તો તો પાર્ટીને કંઈ વાંધો નથી. પણ આરજે, સિદ્ધાંતભાઈ તો કહેતા હતા કે આપણી પાર્ટી પાસે બેનંબરના પણ કરોડો રૃપિયા છે. તો એ બધા ક્યાં છે? ઇન્ડિયામાં કે પરદેશમાં? કે પછી બંને જગાએ થોડા થોડા?’ સત્યેન એટલા ભોળાભાવે આ કહી રહ્યો હતો કે આરજે જેવા ખંધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ ખ્યાલ ન આવ્યો કે સત્યેન સાચું કહી રહ્યો છે કે ડોળ કરી રહ્યો છે.

‘સત્યેન, ડુ યુ માઈન્ડ, આપણે આ બધી વાતો બીજી વાર મળીએ ત્યારે કરીએ? અત્યારે હું બહુ થાકેલો છું. આઈ વૉન્ટ ટુ ટેક રેસ્ટ.’

‘ઓકે… ઓકે. મને કંઈ જ વાંધો નથી. તું તારા એમ્પરર સ્યુટમાં આરામ કર. હું પણ મારા હાઈડ પાર્ક સ્યૂટમાં જાઉં છું. આપણે સાત વાગે ડિનર લેવા મળીએ? આ હોટેલમાં એક મસ્ત ઇન્ડિયન રેસ્ટોરાં છે. તારી વાઈફ અને સનને ત્યાંના છોલે-ભટૂરે અને તને ખોયા મટર અને લચ્છા પરાંઠા બહુ ભાવશે.’

સાલા, આ સત્યેનના બચ્ચાને હું એમ્પરર સ્યૂટમાં રહું છું અને મારી વાઈફ અને સન પણ મારી જોડે છે એની જાણ કેવી રીતે થઈ? એ લફરાંબાજ પોતે હાઈડ પાર્ક સ્યૂટમાં ઊતર્યો છે. જરૃર અહીંની કોઈ ઇંગ્લિશ ફટાકડીને ફસાવી હશે. સાલો લક્કી છે. સત્યેન શાહ સામે થયેલા બળાત્કારના આક્ષેપો સદંતર ખોટા અને તૈમૂરના કહેવાથી જ કરાયેલા હતા એ વાત વીસરી જતાં આરજે મનમાં ને મનમાં વિચારવા લાગ્યો.

‘તો પછી સાત વાગે નક્કી?’ આરજેએ જવાબ ન આપતાં સત્યેને ડિનર ઉપર મળવાનું પાકું કરી નાખ્યું.

‘હં… હા… હું તને ફોન કરીને જણાવીશ. મારું પાકું નથી. કદાચ બહાર બીજે કશે જવાનું થાય.’

‘નો પ્રોબ્લેમ. આજે ન ફાવે તો કંઈ નહીં. કાલે સવારના બ્રેકફાસ્ટ પર મળશું. એ પણ ન ફાવે તો લંચ નહીં તો ડિનર. તું તો અહીં થોડા દિવસ રોકાવાનો હશે નહીં? મારો તો અહીંનો મુકામ લાંબો છે. હા…હા…હા…’ સત્યેન આરજે એની વાત સાંભળીને મૂંઝવણમાં પડી ગયો છે, એ એને પાછો મળ્યા વગર છોડવાનો નથી એ સમજી જઈને થોડો અકળાઈ ગયો છે એવું જોતાં મોટેથી હસ્યો.

આરજે જેવો એના સ્યૂટમાં પહોંચ્યો કે એણે તુરંત જ યુસુફ મહમ્મદનો કૉન્ટેક્ટ કર્યો.

યુસુફે એ ત્રણેયને લંડન પૂરતું આપસમાં વાત કરવા માટે મોબાઇલ ફોન આપ્યા હતા. સાથે સાથે સ્ટ્રિક્ટ વૉર્નિંગ પણ આપી હતી કે એ મોબાઇલનો ઉપયોગ ત્રણેયે એકબીજાનો અથવા તો યુસુફનો સંપર્ક કરવા માટે જ કરવાનો છે. આરજેએ તૈમૂરને પણ એ મોબાઇલ પરથી ફોન નથી કરવાનો અને એ ત્રણેયમાંથી કોઈએ મેસેજ, વૉટ્સઍપ કે ફેસબુક માટે એ મોબાઇલનો ઉપયોગ હરગિજ નથી કરવાનો.

‘યુસુફ, એક બીજી મુસીબત ઊભી થઈ છે.’

‘હવે શું છે? તમે લોકો એક પછી એક મુસીબતો ખડી કરવામાં એક્સપર્ટ છો.’

‘મેં કંઈ નથી કર્યું.’

આરજેને યુસુફ એને ધમકાવે એ બિલકુલ ગમ્યું નહીં. ગમે તેમ તોયે યુસુફનું સ્થાન આરજે કરતાં ખૂબ જ ઊતરતી કક્ષાનું હતું. યુસુુફ ફક્ત તૈમૂરે એની સવલત અને સલામતી માટે મોકલેલો માણસ હતો.

‘પેલો સત્યેન શાહ પણ અહીં લંડનમાં જ અને મારી જ હોટેલમાં છે.’

‘વૉટ? એ ભાગેડુ સત્યેન શાહ અહીં લંડનમાં છે?’

આરજેને લાગ્યું કે યુસુફને સત્યેન શાહ સામે ઊભા કરવામાં આવેલાં કૌભાંડો વિશે બધી જાણકારી હતી.

‘હા, એ સત્યેન શાહ મારી જ હોટેલમાં હાઈડ પાર્ક સ્યૂટમાં છે. એણે તો અહીં ધામા નાખ્યા છે. હમણા જ એ મને મળ્યો અને મારી આગળથી જાતજાતની બાતમી મેળવવા ચાહી.’

‘પછી? તમે શું કર્યું?’

‘મેં હમણા તો એને ટાળ્યો છે, પણ એણે મને વાઈફ અને દીકરા સાથે સાંજના ડિનર ઉપર મળવા જણાવ્યું છે.’

‘વૉટ?’

‘હા, અને એ જો શક્ય ન હોય તો કાલે બ્રેકફાસ્ટ, લંચ યા ડિનર ઉપર મળશું એવું કહ્યું છે, પણ યુસુફ, તને ખબર છે, ઇન્ડિયન ગવર્મેન્ટે બ્રિટિશ ગવર્મેન્ટ અને સ્વિસ ગવર્મેન્ટને કહીને અહીંનાં અને સ્વિસ બેન્કનાં ગુપ્ત એકાઉન્ટ્સ ફ્રીઝ કરાવી દીધાં છે?’

‘વૉટ નૉનસેન્સ? આ ટાઢા પહોરનું ગપ્પું છે. તને કોણે આવું કહ્યું?’

‘સત્યેને.’

નામ સાંભળી યુસુફ જરા ખચકાયો. સત્યેન શાહ આવો ગપગોળો ન મારે. ઇન્ડિયનો પરદેશમાં ગુપ્ત રીતે બેન્ક એકાઉન્ટ્સ ખોલીને એમનાં કાળા નાણા વર્ષોથી ત્યાં ટ્રાન્સફર કરાવે છે એ વાત તો હકીકત છે. એવાં બેન્ક એકાઉન્ટ્સ બંધ કરાવવાના અને એમાં રહેલા નાણા ઇન્ડિયા પાછા લઈ આવવાના પ્રયાસ ઇન્ડિયન ગવર્મેન્ટ વર્ષોથી કરી રહી છે. એટલે કદાચ આવો નિર્ણય લેવામાં પણ આવ્યો હોય. આવી બાબતો એકદમ કોઈ પણ દેશની સરકાર જાહેર કરી ન દે. સત્યેન શાહને કદાચ અંદરખાનેથી આવી બાતમી મળી હોય. એ પણ એક મોટો ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ અને વગ ધરાવનાર વ્યક્તિ તો છે જ. કદાચ એણે આરજેને જણાવેલ આ વાત સાચી પણ હોય. મારે તૈમૂરને તુરંત આ ખબર આપવી જોઈએ.

‘યુસુફ, મારે શું કરવું જોઈએ? સત્યેન જોડે ડિનર લેવા જવું જોઈએ?’

‘હા. આજે સાંજના તું એની જોડે ડિનર લે અને આ બેન્ક એકાઉન્ટ્સ બાબતમાં બધી જાણકારી મેળવી લે.’

‘પણ એણે તો મને વાઈફ અને સન જોડે આવવા આમંત્રણ આપ્યું છે.’

‘ડોન્ટ વરી. કહી દે કે એ લોકો તારી વાઈફના કોઈ સગાને ત્યાં ડિનર લેવા ગયા છે, પણ તું સત્યેનને મળીને બેન્ક એકાઉન્ટ્સને લગતી બધી બાતમી મેળવી લે. સાલુ, એની વાત સાચી હશે તો બહુ ગરબડ થઈ જશે. આખી દુનિયામાં ઊથલપાથલ મચી જશે.’

‘અને આપણા મિલિયન્સ ઑફ પાઉન્ડ ઍન્ડ ડૉલર સલવાઈ જશે.’

‘ચૂપ. મોબાઇલ ઉપર એક પણ શબ્દ નહીં અને હા, સાલો પેલો સ્ટોરવાળો એની કમ્પ્લેન્ટ પાછી ખેંચી લેવાના પાંચ હજાર પાઉન્ડ માગે છે.’

‘આપી દે… આપી દે… યુસુફ, પાંચ શું, છ આપી દે, પણ એ લોકોનો છુટકારો કરાવ.’

‘હા. પણ પછી તું ત્યાં બીજું લફરું નહીં કરતો.’

* * *

‘ગુડ ઇવનિંગ…’ લંડન મેરિયેટની ઇન્ડિયન ‘સિતાર’ રેસ્ટોરાંમાં સત્યેન શાહે આરજેને આવકાર્યો અને પૂછ્યું,

‘ભાભી ક્યાં છે? ને તારો દીકરો?’

‘તેઓ મારી વાઈફના એક સગાને ત્યાં ગયા છે. હવે ત્યાં જ જમીને આવશે.’ રેસ્ટોરાંના એક સુંદર ખૂણામાં આવેલ બે વ્યક્તિઓને બેસવાના ટેબલની એક ખુરસીમાં બેસતાં બેસતાં આરજેએ સત્યેન શાહના પ્રશ્નનો ઉત્તર આપ્યો. બાજુમાં જ એ રેસ્ટોરાંના નામને સાર્થક કરતી સરસ્વતી દેવીની વીણા વગાડતી એક સુખડના લાકડામાંથી બનાવેલ સુંદર લાઈફસાઈઝ મૂર્તિ હતી. એની બાજુમાં પંડિત રવિશંકરનો ફોટો અને એની નીચે એક સિતાર મૂકેલી હતી. આરજેનું જૂઠાણુ સાંભળીને દેવી સરસ્વતી તેમ જ રવિશંકરના મુખ ઉપર સ્મિત ફરકતું હતું.

‘શું લેશે? વ્હિસ્કી કે વાઈન?’

આરજે પીણામાં એની પસંદગી છતી કરે એ પહેલાં જ સત્યેન શાહે આરજેને થરકાવતો ધડાકો કર્યો.

‘નહીં… નહીં. આજે તો આપણે ફ્રેન્ચ પિન્ક શૅમ્પેઇન જ પીવી જોઈએ. અત્યારનો સમય તો સેલિબ્રેટ કરવાનો છે. લંડનની પોલીસે તારી વાઈફ અને સનને શૉપલિફ્ટિંગના આરોપમાંથી મુક્ત કર્યાં છે.’

પંદર મિનિટ પહેલાં જ એની વાઈફ અને સનને લંડન પોલીસે છોડ્યાં હતાં એની જાણ સત્યેન શાહને કેવી રીતે થઈ? શું આ માણસ ત્રિકાળજ્ઞાની છે કે પછી એ અમારી જાસૂસી કરે છે?

પંજાબી ડિશ પસંદ ન કરતાં આરજેએ ગુજરાતી ભોજન પર પસંદગી ઉતારી. સત્યેને બંને માટે ગુજરાતી થાળી મગાવી. ચાલીસ પાઉન્ડ વત્તા વૅટ અને સર્વિસ-ચાર્જ ધરાવતી એ મોંઘી થાળી ખરેખર એની કિંમત યથાર્થ છે એવી પ્રતીતિ ખાનારને અપાવે છે અને સુરતના જમણને લંડન મેરિયેટની સિતાર રેસ્ટોરાં ભુલાવી દે છે. સિતારમાં ગુજરાતી થાળીમાં આવેલ ખમણ-ઢોકળાં, પાતરાં અને ખાંડવી, ગરમાગરમ કાંદા-બટાટાં અને મરચાંનાં ભજિયાં, ભારોભાર બદામ-પિસ્તા અને કેસર નાખેલ બાસુંદી સાથે સાથે ગુલાબજાંબુ અને ગાજરનો તાજો બનાવેલો ગરમ હલવો, સેવ-ટમેટાંનું રસાવાળું શાક, ભરેલા ભીંડા, ઊંધિયું, વાલની દાળ, સૂકા મગ, કઢી અને સુરતી દાળની સાથે સાથે છૂટી દાળ, ક્રિકેટના બૉલ જેવી ફૂલેલી પૂરીઓ, પાપડ અને ખીચિયા આ ઉપરાંત આદુ-પીળી હળદર, ભરેલાં મરચાં, કાકડી-ટમેટાં, ગાજર, બીટનું સલાડ, લીંબુ અને કેરીનું તીખું અથાણુ અને એનો જ ગળ્યો છૂંદો. છેવટે મોઢામાં મૂકતાં જ પીગળી જાય એવા બાસમતી ચોખાને પણ ટક્કર મારે એવા ચોખાનો બનાવેલ પુલાવ, જેમાં કાજુ, પિસ્તા, બદામ, એલચી, લવિંગ, તજ છૂટા હાથે પણ સપ્રમાણ વેરવામાં આવ્યા હતા અને ઉપરથી કેસર ભભરાવી હતી એવો પુલાવ અને અંતે જલેબી અને રસમલાઈ. ગ્રેટ બ્રિટનના જ મહાન લેખક ઓસ્કર વાઈલ્ડે એના જગપ્રસિદ્ધ નાટક ‘ધ ઇમ્પોર્ટન્સ ઑફ બીઈંગ અર્નેસ્ટ’માં એના એક પાત્રના મુખે બોલાવ્યું છે કે, ‘આફ્ટર અ ગુડ મીલ વન કૅન ફરગિવ ઍનીબડી, ઈવન હિઝ ઑન રિલેટિવ્ઝ’ એટલે કે એક સ્વાદિષ્ટ ભોજન બાદ વ્યક્તિ ગમે તેને માફ કરી શકે છે. પોતાનાં અંગત સગાંવહાલાંને પણ!

સિતારના સ્વાદિષ્ટ ભોજને થોડા સમય માટે આરજેને પણ સત્યેન શાહ ત્રિકાળજ્ઞાની છે કે એની જાસૂસી કરે છે એવી અટકળ કરતો અટકાવ્યો, પણ સત્યેન આરજેને ભોજનનો સ્વાદ માણવા દેવાના મૂડમાં નહોતો. જેવી આરજેએ બીજી પૂરી બાસુંદીમાં બોળી અને મોઢામાં મૂકી કે સત્યેને ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને આરજે સામે એ ધરતાં એને કહ્યું ઃ

‘આરજે, આ જો…’

છત્રપતિ શિવાજી ટર્મિનસ એટલે કે મુંબઈમાં વીટી સ્ટેશન તરીકે વર્ષોથી ઓળખાતા રેલવેસ્ટેશનની નજીક આવેલ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટની મુખ્ય કોર્ટ, જે એસ્પ્લેનેડ કોર્ટ તરીકે જાણીતી છે એ કાગળ એ કોર્ટનું વૉરન્ટ હતો. આરજેના બાસુંદીમાં ઝબોળાયેલા, મુખ તરફ જતા હાથમાંની પૂરી એ વૉરન્ટ ઉપરનું નામ ‘રવીન્દ્ર જેસિંગલાલ ભગત’ વાંચતાં થાળીમાં પડી ગઈ. સત્યેને એની સામે ધરેલ એ વૉરન્ટના કાગળ ઉપરથી આરજેએ નજર ઊંચી કરી. વૉરન્ટ જોતાં એની છાતી બેસી ગઈ હતી, પણ સત્યેનની પાછળ ઊભેલ વ્યક્તિઓને જોતાં એના હાંજા ગગડી ગયા.

લંડનનો બૉબી અને ઇન્ડિયાનો ઇન્સ્પેક્ટર સત્યેનની પાછળ ઊભા હતા.

(ક્રમશઃ)

——————-

નવલકથાસંગિતાસત્-અસત્સુધીર
Comments (0)
Add Comment