અચાનક એકપણ કપડાં લીધા સિવાય આપ બંનેને ઇંગ્લેન્ડ લઈ આવ્યા

'મિસિસ રોહિણી, આપ લંડન કેટલા દિવસ માટે આવ્યાં છો?'

સત્ – અસત્’ નવલકથા પ્રકરણઃ ૨૭

– સંગીતા-સુધીર

વહી ગયેલી વાત…

સમોસામાંથી ચિઠ્ઠી નીકળે છે અને બિપિન જાની દોડતો થઈ જાય છે

સત્યેન શાહ ક્રિમિનલ લૉયર બિપિન જાનીને ફોન કરે છે. સામે છેડે બિઝનેસમેન સત્યેન શાહ વાત કરી રહ્યો છે તે જાણીને બિપિન જાની ચોંકી ઊઠે છે. સત્યેન શાહ બિપિન જાનીને જણાવે છે કે તેણે બિપિન જાનીને ટિફિનની અંદર સમોસા મોકલ્યા છે, જેમાં ચિઠ્ઠી હશે. એ ચિઠ્ઠી પ્રમાણે બિપિન જાનીએ કામ કરવાનું છે. આ સાંભળીને બિપિન જાનીને ગુસ્સો આવે છે. તેમછતાં સત્યેન શાહે ચિઠ્ઠીમાં શું લખ્યું હશે તે જાણવા અધીરો બની જાય છે. બિપિન જાનીને ધીરે-ધીરે ખાતરી થાય છે કે તેને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી જે નોટિસ મળી છે, તેની પાછળ સત્યેન શાહનો જ હાથ છે. સત્યેનની સાથે અટલ પણ મળેલો હોવો જોઈએ એવો અણસાર બિપિન જાનીને આવે છે. એટલામાં જ જાનીનો માણસ ઘરેથી લાવેલું ટિફિન જાનીને આપે છે. એ ટિફિનમાંથી જ સત્યેન શાહ દ્વારા મોકલાવવામાં આવેલી ચિઠ્ઠી નીકળે છે. જ્યારે બિપિન જાની પાસે ચિઠ્ઠી પહોંચે છે, ત્યારે તેમાં જાનીને સવા બે વાગ્યે ઇન્કમટેક્સ ઓફિસ પહોંચવાનો સંદેશો હોય છે. આ સંદેશો વાંચીને જાની ખળભળાટમાં બૂમો પાડતાં પાડતાં પોતાની ઓફિસની બહાર નીકળે છે. જાનીનો આસિસ્ટન્ટ જયેન્દ્ર તેને યાદ અપાવે છે કે થોડીવારમાં યાકુબ નામનો દાણચોર તેને મળવા આવવાનો છે. જયેન્દ્રની વાત સાંભળી-ન સાંભળી કરીને બિપિન જાની આઇટી ઓફિસ પહોંચવાની તૈયારીમાં લાગી જાય છે. પોતાની ઓફિસથી નજીકમાં નજીક આવેલી ઇન્કમટેક્સ ઑફિસ સુધી પહોંચવામાં સહેજેય પાંત્રીસ મિનિટનો સમય લાગી જાય તેમ હતું, તેથી જાની યેનકેન પ્રકારે આઇટી ઑફિસના ગેટ પર પહોંચે છે. તે જેવો ગેટ પર પહોંચે છે કે તેની નજર રિપોર્ટર અટલ પર પડે છે. તે અટલને જોઈને છોભીલો પડી જાય છે, પણ અટલ આઇટી ઓફિસમાં શું કરી રહ્યો છે, તે જાણવાની તાલાવેલીને કારણે જાની અટલને મળવા દોડે છે. જાની અટલ સુધી પહોંચે તે પહેલાં જ રિપોર્ટર જાગૃતિ બિપિન જાનીને બૂમ પાડીને અટકાવે છે અને જણાવે છે કે તે બિપિન જાનીને મળવા જ જતી હતી, પણ રસ્તામાં જ તેની નજર બિપિન જાની પર પડી એટલે તે જાનીની પાછળ પાછળ અહીં સુધી પહોંચી ગઈ. બિપિન જાની જાગૃતિની વાતો સાંભળવામાં તલ્લીન હોય છે, ત્યાં જ અટલના હાથમાં રહેલી બ્રિફકેસ ખૂલી જાય છે અને તેમાં રહેલી ચલણી નોટો ભોંય પર વિખેરાઈ જાય છે. હવે આગળ વાંચો…

સત્યેન શાહને નાનપણથી જ એક સવાલ હંમેશાં મૂંઝવતો. ચેસની રમતમાં ઘોડો હંમેશાં અઢી ડગલાં જ કેમ ચાલે? ઊંટ આડું અને હાથી સીધો જ કેમ દોડે? પાયદળ એક જ ડગલું શા માટે ચાલી શકે? વજીરને શા માટે ગમે તે દિશામાં આગળ-પાછળ એક અને એકથી વધુ ડગલાં ભરવાની છૂટ અને રાજા જેવો રાજા કેમ ફક્ત એક જ ડગલું ભરી શકે. હા, એને એ ડગલું આગળ-પાછળ ચાલવાની છૂટ, પણ એકથી વધુ ડગલું એનાથી ન ભરાય. કોણે ઘડ્યા હશે શતરંજના આ નિયમો? ચોસઠ ખાનાં, સોળ પ્યાદાં અને બે રમનાર. આ શતરંજની રમત, એનાં મહોરાંની કલ્પના કોણે કરી હશે?

સત્યેન શાહના બાળપણના આ પ્રશ્નનો ઉત્તર હજુ સુધી એને મળ્યો નહોતો, પણ જેમ જેમ એ શતરંજની રમતમાં માહેર થતો ગયો તેમ તેમ એ દુનિયામાં રમાતી ચેસની રમતોમાં પણ હોશિયાર થતો ગયો. સત્યેન શાહને એ વાતની પ્રતીતિ થઈ ચૂકી હતી કે મોટા ભાગના લોકોની દૃષ્ટિ ટૂંકી જ હોય છે. એમની શક્તિ પણ ખૂબ જ મર્યાદિત હોય છે. તેઓ શતરંજના સૈનિકોની જેમ એક જ ડગલું ચાલી શકે છે, વિચારી શકે છે. સમાજમાં અમુક લોકો એટલા સીધા હોય છે કે તેઓ તક મળે તોયે એમનો સીધો રાહ છોડી નથી શકતા. શતરંજમાં હાથીની ચાલ જેમ સીધી હોય છે એ મુજબ જ તેઓ સીધા ચાલે છે. ઊંટની જેમ તેઓ વાંકા થઈ નથી શકતા. જેઓ વાંકા હોય છે, જેમને ખોટું કરવાની આદત પડી ગઈ હોય છે એ લોકો શતરંજના ઊંટની જેમ હરહંમેશ જરૃર હોય કે ન હોય, વાંકા જ ચાલે છે. અમુક લોકો, એમાં પણ ખાસ કરીને યુવાનો શતરંજની રમતમાં જેમ ઘોડાઓ અઢી ખાનાંનો કૂદકો મારે છે, સીડી એક પછી એક ન ચઢતાં ઝડપથી વચ્ચેનાં ખાનાં ગપચાવીને આગળના ખાના ઉપર જાય છે તેમ જ કંઈકેટલાયે એવા લોકો છે જેઓ હંમેશાં કૂદકા જ મારવાનું વિચારે છે. એમાંના ઘણા સફળ થાય છે, પણ મોટા ભાગના પછડાય છે.

સત્યેન શાહને શતરંજનાં મહોરાંની ચાલો અને જીવંત વ્યક્તિના વહેવારો વચ્ચે ખૂબ જ સામ્ય જણાયું. વજીર એટલે કે દેશના  વડાપ્રધાન એમણે તો કાશ્મીરથી કન્યાકુમારી અને આસામથી કચ્છના રણ સુધી બધા જ પ્રદેશનો વહેવાર સંભાળવો પડે. સમગ્ર ભારતનું સંરક્ષણ કરવાની જવાબદારી એમને માથે હોય. શતરંજના વજીરની જેમ સંસારના એ વજીરને પણ ચારે બાજુ, આગળ-પાછળ, આડા-અવળા જવાની છૂટ હોવી જ જોઈએ. રાજા, જો એની સરખામણી દેશના પ્રેસિડન્ટ જોડે કરવામાં આવે તો તેમની ફરજ તો દેશના મોભાને જાળવી રાખવાની છે. એમના માથે વડાપ્રધાનની જેમ, વજીરની જેમ દેશની જવાબદારી ન હોય. એમણે તો ઠાવકા થઈને એક જ ડગલું માંડવાનું હોય.

વાહ! જે કોઈ પણ વ્યક્તિએ શતરંજની રમતનો આવિષ્કાર કર્યો હશે એને એક રાજ્ય, એક દેશ ચલાવવાનો પૂરેપૂરો અનુભવ હશે. બધી જ વાતની એને ગતાગમ હશે આથી જો ચેસની રમત અને એના નિયમો તમને બરાબર આવડે, તમે એ બરાબર સમજી શકો તો તમે એક દેશને, તમારા ઘરને, તમારા વેપારને બરાબર ચલાવી શકો. સત્યેન શાહ એવું માનતા હતા કે ચેસની રમત ચાણક્યએ જ ઘડી હશે.

જય જનતા પાર્ટીમાં ફક્ત ડોનેશન આપવાથી શરૃઆત કર્યા બાદ ધીરે ધીરે સત્યેન શાહને એ પાર્ટીનાં કાર્યોમાં એમના અધ્યક્ષ સિદ્ધાંતભાઈ પરોવવા માંડ્યા. આરજેએ પણ એ બાબતનો આગ્રહ સેવ્યો હતો. જોકે એમાં એનો કંઈ જુદો જ સ્વાર્થ હતો. જ્યારથી સત્યેન શાહે પાર્ટીના કાર્યમાં રસ લેવાનુંં શરૃ કર્યું ત્યારથી એમના ધ્યાન ઉપર આવવા માંડ્યું કે પાર્ટીના મોટા ભાગના સભ્યો શતરંજના પાયદળ જેવા જ હતા. સિદ્ધાંતભાઈ હોવા જોઈએ વજીર જેવા, પણ તેઓ સ્વભાવે હાથી જેવા હતા. આરજેને ઊંટ સાથે સરખાવી શકાય. અમુક લોકો, ખાસ કરીને પાર્ટીના ભૂતપૂર્વ ખજાનચી શતરંજના ઘોડા જેવા હતા.

ધીરે ધીરે સત્યેન શાહને ખ્યાલ આવતો ગયો હતો કે પાર્ટીના અમુક સભ્યો પાર્ટીને જ જાણીજોઈને એમના અંગત સ્વાર્થ ખાતર નુકસાન પહોેંચાડી રહ્યા હતા. આથી જ્યારે પાર્ટીના ટે્રઝરરનું મૃત્યુ થયું અને એમને એ પદ આપવાની વાત થઈ ત્યારે એ સ્વીકારતાં પહેલાં સત્યેન શાહે પાર્ટીનાં એકાઉન્ટ્સ ઑડિટ કરવાનું સૂચવ્યું. એમને પાકે પાયે ખાતરી હતી કે એકાઉન્ટ્સમાં ગોટાળા હશે જ, પણ એ ગોટાળા આટલી હદ સુધીના હશે એનો એમને એ વખતે ખ્યાલ નહોતો. જેવા સત્યેન શાહે પાર્ટીના ગોટાળાઓ શોધી કાઢવાનાં પગલાં લેવાની વાત છેડી કે એમની સામે બળાત્કારના ખોટા આક્ષેપો થયા.

સત્યેન શાહ હવે માસ્ટર સ્ટ્રોક વાપરીને પાર્ટીના બધા જ ઘોરખોદુઓને ઉઘાડા પાડવા બહાર પડ્યા હતા. એ સૌને સજા અપાવવાની હતી. ઉચાપત કરાયેલા નાણા પાછા મેળવવાના હતા. એમની પોતાની જાત ઉપર થયેલા ખોટા ‘હેશટૅગઃ મી-ટૂ’ના આક્ષેપોના જવાબો આપી એને પણ ખોટા ઠરાવવાના હતા. ખૂબ જ ભીષણ કાર્ય હતું, પણ સત્યેન શાહ વિભીષણ હતા. સમજદારીપૂર્વક અને જ્યાં જરૃર હોય ત્યાં શક્તિ વાપરીને તેઓ એમનું કાર્ય પૂરું કરવા કટિબદ્ધ હતા.

ઇઝરાયલના અબ્રાહમે આ બાબતમાં મને સપોર્ટ આપ્યો છે, પણ શું હું અબ્રાહમ ઉપર વિશ્વાસ રાખી શકું? મને મદદ કરવા પાછળ અબ્રાહમે જણાવ્યું એ ઉદ્દેશ હશે કે પછી બીજું કોઈ કારણ હશે? તૈમૂરને મારે કેવી રીતે પરાસ્ત કરવો?

સત્યેન શાહ એમની સામે પથરાયેલ શતરંજનાં મહોરાં, એમનું સ્થાન જોઈને આ સઘળું વિચારી રહ્યા હતા.

* * *

‘આપ લંડન શા માટે આવ્યા છો?’

થરથર કાંપતા રોમેલને બ્રિટિશ ઈમિગ્રેશન ઓફિસરે એક જુદી કેબિનમાં એકલો લઈ જઈને સવાલ પૂછ્યો.

‘સર, મને ખબર નથી. અચાનક પપ્પાએ કહ્યું કે આપણે ઇંગ્લેન્ડ જવાનું છે.’

‘એમ? આપના પપ્પાનો અહીં ઇંગ્લેન્ડમાં કોઈ બિઝનેસ છે?’

‘નો, સર.’

‘આપના કોઈ રિલેટિવ્ઝ અહીંયા છે?’

‘નો, સર.’

‘દીકરા, પાસપોર્ટ પરથી જણાય છે કે યુ આર ઑલરેડી એટીન. જુવાનજોધ છોકરાએ આમ ગભરાવું ન જોઈએ. આપે કંઈ ખોટું કર્યું છે કે આમ ગભરાવ છો?’ રોમેલનો પૅન્ટ ભીનો થઈ ગયો હતો એ જોતાં ઓફિસરે કહ્યું.

‘નો, સર.’ શરમાઈ જતાં અને હાથ વડે ભીનો થયેલો પૅન્ટ ઢાંકવાનો પ્રયત્ન કરતાં રોમેલે જવાબ આપ્યો ઃ ‘અમે કાંઈ જ ખોટું નથી કર્યું.’

‘આપના ફાધર શું કરે છે?’

‘હી ઈઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ.’

‘ઓહ! નક્કી એમણે ક્લાયન્ટના પૈસા ઉચાપત કર્યા હશે.’

‘નો… નો. મારા ફાધર એવા નથી.’

‘તો પછી બૅન્ક જોડે બેઈમાની કરી હશે.’

‘નો… નો. સર, માય ફાધર ઈઝ ઓનેસ્ટ.’ બાપનાં કરતૂતોથી અજાણ દીકરાએ કહ્યું.

‘યૉર ફાધર, આપના ફાધર કોઈ પોલિટિકલ પાર્ટીના સભ્ય છે?’

‘હા… હા. અમારા દેશની સૌથી મોટી ઓપોઝિશન પાર્ટી જય જનતા પાર્ટીના મારા ફાધર ટ્રેઝરર છે.’

‘ઓહ! આઈ સી. નક્કી એમણે એ પોલિટિકલ પાર્ટીના પૈસામાં ગોટાળા કર્યા હશે.’

‘નો… નો. સર, માય ફાધર ઈઝ વેરી વેરી ઓનેસ્ટ.’ ખાતરી અપાવવા કે એના ફાધર ખૂબ જ પ્રામાણિક છે, રોમેલે બે વાર ‘વેરી’ શબ્દનો ઉપયોગ કર્યો.

‘એટલે જ અચાનક એક પણ કપડાં લીધા સિવાય એ આપ બંનેને ઇંગ્લેન્ડ લઈ આવ્યા.’

‘સર, ઇંગ્લેન્ડમાં જોઈએ એટલાં કપડાં મળે છે.’ રોમેલે વિચિત્ર વર્તનનો બચાવ કર્યો.

‘હા… હા, આપના પપ્પા આપ બંનેને બધે જ કપડાં વગર લઈ જતા હશે. જ્યાં જાવ ત્યાં આજના સમયમાં કપડાં તો મળે જ ને?’

‘વૉટ, સર?’

‘આપ હજુ બચ્ચા છો. બે-ચાર સવાલ પૂછ્યા એમાં તો પૅન્ટમાં સુ સુ કરી નાખ્યું. હવે ગુપચુપ બેસી જાવ. આપની આગળ તો બદલવા માટે બીજો પૅન્ટ પણ નથી.’

ઑફિસર કૅબિનની બહાર જવા લાગ્યો.

‘સર, મારે ક્યાં સુધી બેસી રહેવાનું છે?’

‘જ્યાં સુધી સાચું નહીં બોલો ત્યાં સુધી.’

કૅબિનમાંથી બહાર નીકળતાં, દરવાજો બંધ કરતાં ઓફિસરે રોમેલના સવાલનો જવાબ આપ્યો.

રોમેલને હવે વધુ બીક લાગી. એને આગલા દિવસનો પ્રસંગ, એમને ત્રણેયને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ ઉપર એરેસ્ટ કર્યાં હતાં એ યાદ આવ્યો. ઇન્ડિયામાં તો બિપિન અંકલે એમને બેલ ઉપર છોડાવ્યા હતા. અહીંયા એમને કોણ છોડાવશે? શું મેં આગલા દિવસની વાત છુપાવીને કંઈ ખોટું નથી કર્યું ને? મમ્મી જો એ વાત કહી દેશે તો હું ખોટું બોલ્યો છું, મેં આવી અગત્યની વાત છુપાવી છે એવું કહીને આ લોકો મને જેલમાં નાખી દેશે. હવે તો હું એડલ્ટ છું એટલે આ લોકો મારા ઉપર દયા પણ નહીં દેખાડે.

આ બધું વિચારતાં જ રોમેલ ભયથી ધ્રૂજવા લાગ્યો. આજ સુધી એને કોઈએ આવા સવાલ-જવાબ કર્યા નહોતા. એક કૅબિનની અંદર એને એકલાને આવી રીતે કોઈએ પૂર્યો નહોતો. ખરેખર પપ્પાએ કંઈ ગોટાળા તો નહીં કર્યા હોય ને? નક્કી કર્યા હશે, નહીં તો કંઈ હીરા, ડૉલર ને પાઉન્ડ એ બધું લઈને અહીં આવવાની તેઓ કોશિશ ન કરે. પકડાયા, બેલ ઉપર છૂટ્યા તોયે ફરી પાછા તુરંત જ દેશ છોડીને આમ એક પણ જોડી કપડાં લીધા સિવાય ઇંગ્લેન્ડ શું કામ આવ્યા? રોમેલને એના પપ્પાની કારકિર્દી ઉપર શંકા આવવા લાગી. જેમ-જેમ એ આ બધું વિચારતો ગયો તેમ-તેમ એનો ગભરાટ વધવા લાગ્યો. હવે એનો પૅન્ટ માનવમૂત્રથી લથબથ થઈ ગયો.

* * *

‘મિસિસ રોહિણી, આપ લંડન કેટલા દિવસ માટે આવ્યાં છો?’

‘કેમ? મારા હસબન્ડે જણાવ્યું છે એટલા, બે વીક માટે.’

‘ઓહ! આપ અહીં બે વીક રહેવાના છો?’

‘હા, અમારી પાસે યુકેના વિઝા છે.’

‘યસ… યસ. આપની આગળ યુકેના વિઝા છે એ તો અમે જોયા. અમે એ પણ જાણ્યું કે આપ અહીં બે વીક રહેવાનાં છો. એ પણ જોયું કે પંદર દિવસ પહેરવા માટે આપ સાથે એક પણ જોડી કપડાં લાવ્યાં નથી.’

‘સો વૉટ? અમે કપડાં અહીંથી ખરીદી લઈશું.’

‘હા… હા મૅડમ, આપ દુનિયાના સૌથી મોટા શહેરમાં આવ્યાં છો. કોઈ રણ કે જંગલમાં નથી આવ્યાં. પહેરવા માટેનાં કપડાં તમે જરૃરથી અહીંની ઑક્સફર્ડ સ્ટ્રીટમાં આવેલ અનેક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી ખરીદી શકો છો, પણ અમને એ જરા વિચિત્ર લાગે છે. આપ સાથે એક પણ જોડી કપડાં નથી લાવ્યાં? શું દુનિયામાં આપ કશે પણ જાવ છો તો કપડાં લીધા વગર જાવ છો?’

‘સર, અમે ગુનો શું કર્યો છે એ જણાવો. આમ ફાલતુ આડાઅવળા સવાલો શું કામ પૂછો છો?’

‘મૅડમ, અમે આપને જે સવાલ પૂછીએ છીએ એ ફાલતુ નથી અને આપ આમ રૃઆબથી કોની સાથે વાત કરો છો? અત્યાર સુધી અમે આપને ફક્ત ઇન્ટરોગેટ કરતા હતા. પૂછપરછ કરીને જો અમારી શંકા સાચી ઠરે તો જ આપની સામે કાયદાકીય પગલાં લેવાનાં હતાં, પણ આપને અમારી આ પૂછપરછ સામે વાંધો છે એટલે હવે વધુ સવાલ-જવાબ ન કરતાં હું આપને એરેસ્ટ કરું છું.’

‘કયા ગુનાસર?’

‘એ બધું જ આપને જણાવવામાં આવશે. ધિસ ઇઝ ઇંગ્લેન્ડ. અહીં અમે બધું જ કાયદાને અનુસરીને કરીએ છીએ. આપની ધરપકડ, આપની પૂછપરછ આપ પ્રત્યે જાગેલી શંકાને કારણે કરવામાં આવી રહી હતી. હવે આપ એનો વિરોધ કરો છો એટલે અમે અમારી શંકાના આધારે આપની ધરપકડ કરીએ છીએ. થોડી જ વારમાં એક લેડી પોલીસ આવીને આપને ટેમ્પરરી જેલકસ્ટડીમાં લઈ જશે. આવતી કાલે આપને મૅજિસ્ટ્રેટ સમક્ષ ઊભાં રાખવામાં આવશે.’

ઓફિસરનું કહેવું સાંભળીને રોહિણી હતપ્રભ થઈ ગઈ. એણે સપને પણ ધાર્યું નહોતું કે મુંબઈના નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પત્ની, જય જનતા પાર્ટીના આગળ પડતા કાર્યકરની વાઈફ, એક કરોડપતિ, વેલિડ યુકે વિઝા ધરાવતી એને આમ જેલમાં નાખવામાં આવશે.

આરજે સામે યુકેના ઈમિગ્રેશન ખાતાને શેની શંકા આવી હશે?

* * *

દરેક ઑફિસમાં એકાદ વ્યક્તિ દોઢડહાપણ દાખવનારી હોય જ છે.

જયેન્દ્ર જેઠાલાલ જરીવાલા બિપિન જાનીનો આસિસ્ટન્ટ ઍડ્વોકેટ. લૉની પરીક્ષામાં પ્રથમ કક્ષામાં પ્રથમ ક્રમાંકે પાસ થયો હતો. નિઃશંક એને કાયદાનું જ્ઞાન હતું, પણ એ પુસ્તકિયું હતું. જયેન્દ્ર ભણેલો હતો, ગણેલો નહોતો.

બિપિન જાની જ્યારે ઉતાવળથી ગભરાટમાં સત્યેન શાહના જણાવ્યા મુજબ આઈટી ઑફિસના મેઇન ગેટ પાસે પહોંચવા દોડ્યો બરાબર એ જ સમયે એના જેટલો જ પણ થોડા વધુ દિવસોથી ગભરાટ ભોગવી રહેલી મિસિસ મયૂરી મહેશકુમાર મહેતા ઍપૉઇન્ટમૅન્ટ લીધા સિવાય, હૈયાને ધરપત થાય, કંઈક સાંત્વન મળે, એ હેતુથી બિપિન જાની જોડે વાતચીત કરવા એની ઑફિસમાં આવી પહોંચી હતી. બિપિન જાનીની ગેરહાજરીમાં ક્લાયન્ટના મિટિંગ રૃમમાં બેઠેલ મયૂરીને જયેન્દ્રએ આવકારી.

‘હલ્લો, મિસિસ મહેતા, આઈ એમ જયેન્દ્ર જેઠાલાલ જરીવાલા. બધા મને જેજે કહે છે. તમે પણ મને એમ સંબોધી શકો છો. મેં લૉ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મેળવીને પાસ કર્યું છે. હું બિપિનભાઈનો આસિસ્ટન્ટ છું. તમારા કેસનો મેં પૂરેપૂરો સ્ટડી કર્યો છે.’

‘હાશ, બિપિન જાની નથી તો કંઈ નહીં. એમનો આ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટમાં કાયદાની પરીક્ષા પાસ કરનાર આસિસ્ટન્ટ, જેણે મારી ફાઇલ સ્ટડી કરી છે એ તો છે. એની જોડે વાત કરતાં પણ મારા હૈયાને થોડી ધરપત મળશે. મારી ગભરામણ થોડી ઓછી થશે.’ આવું વિચારવામાં મયૂરીએ ગંભીર ભૂલ કરી હતી. એની જાણ એને બીજી જ ક્ષણે એણે જેજેને પૂછેલા સવાલનો જેજેએ જે જવાબ આપ્યો એ સાંભળતાં થઈ.

‘હાઉ નાઇસ. મિસ્ટર જરીવાલા, તમને શું લાગે છે? મારી સામે કરવામાં આવેલ આ કેસમાં કેટલો દમ છે?’

‘પુષ્કળ. આ કેસના આરોપીને ન્યાયાધીશ ફરિયાદીએ માગેલ પાંચ કરોડની રકમ આપવાનું જણાવશે જ. આરોપીને જેલની સજા પણ ફટકારશે જ. યુ સી, મૅડમ….’

જયેન્દ્રએ બોલતાં બોલતાં મયૂરી સામે જોયું. સામે અદ્યતન સોફામાં અચેતન અવસ્થામાં મયૂરી ઢળી પડી હતી.

* * *

‘સૉરી, અમે ખરેખર દિલગીર છીએ. અમને બાતમી મળી હતી કે મુંબઈથી એક ખૂંખાર આતંકવાદી રહેમતઅલી જમાલ ખાન નામનો શખ્સ જે ‘આરજે’ના ટૂંકાક્ષરી નામથી ઓળખાય છે એ એક સ્ત્રી અને યુવાન જોડે  ઇંગ્લેન્ડ આવવા ભાગી છૂટ્યો છે. તેઓ જુદા નામના પાસપોર્ટ ઉપર પ્રવાસ કરતા હશે. અમે એ આતંકવાદી ‘આરજે’ની વાટ જોતા હતા. મુંબઈથી લંડન પ્લેનમાં આવતાં તમારી વાઈફે વારંવાર તમને ‘આરજે’, ‘આરજે’ એમ કહીને બોલાવ્યા હતા. ઈમિગ્રેશનની ક્યૂમાં પણ એમણે તમને ત્રણ-ચાર વાર ‘આરજે’ કહીને સંબોધ્યા હતા. એટલું જ નહીં, જ્યારે ઈમિગ્રેશન ઓફિસર તમારો પાસપોર્ટ

જોઈને તમને સવાલો પૂછી રહ્યો હતો ત્યારે પણ તમારી વાઈફે અને સને તમને ‘આરજે’ કહીને સંબોધ્યા હતા. આથી અમને એવું લાગ્યું કે તમે જ એ આતંકવાદી ‘આરજે’ છો. આ શક ઉપરથી અમારે તમને અને તમારી વાઈફ અને સનને ડિટેન કરવા પડ્યા. તકલીફ બદલ ઇંગ્લેન્ડનું ઈમિગ્રેશન ખાતું તમારી માફી માગે છે. તમારી વાઈફ અને સન બહાર પ્રવાસીઓ માટેના જનરલ વેઇટિંગ રૃમમાં બેઠાં છે. અમે એમને યુકેમાં રહેવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. એટલો સમય બસ થઈ રહેશે ને? કે તમારે વધુ રોકાવું છે?’

‘હાશ’ અનુભવતાં આરજે નિર્ણય કરી શક્યો નહીં કે એને લંડનમાં કેટલું રોકાવું છે. ત્રણ મહિના તો ત્રણ મહિના. પછી જો વધુ રોકાવું હશે તો અરજી કરશું. ઈમિગ્રેશન ઓફિસરને બીજું કંઈ ન કહેતા ફક્ત આરજેએ ‘થેન્ક યુ’ કહ્યું. એને છેલ્લા ત્રણ કલાકથી જે કૅબિનમાં બેસાડી રાખવામાં આવ્યો હતો ત્યાંથી બહાર જવા એણે ઊભા થઈને પગ ઉપાડ્યા. આરજે હજુ કૅબિનનો દરવાજો ખોલે એ પહેલાં ઓફિસરે એને કહ્યું ઃ

‘મિસ્ટર આરજે… સૉરી મિસ્ટર રવીન્દ્ર, મને એક વાત સમજાતી નથી?’

‘કઈ?’ આરજેને ધાસ્તી પેઠી કે હવે પાછું શું છે?

‘એ જ કે તમે લંડન કંઈ પણ સામાન લીધા સિવાય પહેરેલે કપડે કેમ આવ્યા છો? મુંબઈ છોડવાની એવી શું ઉતાવળ હતી?’

આરજે હવે થોડો ગભરાયો. માંડ માંડ છુટકારો મળ્યો છે. હવે જો હું આ ઓફિસરના આવા સ્વાભાવિક સવાલનો બરાબર જવાબ નહીં આપું તો એ વહેમાશે. મને પાછો અટકમાં લેશે. ફરી પાછી પૂછપરછ કરશે. શું જવાબ આપવો જોઈએ આ ઓફિસરને જેથી અમે કંઈ પણ સામાન લીધા સિવાય પહેરેલે કપડે લંડન આવ્યાં એ માટે એને અમારા ઉપર શંકા ન જાય? આરજે વિચાર કરવા અટક્યો ઓફિસર જ એટલામાં એની વહારે ધાયો. હસતાં હસતાં એણે કહ્યું ઃ

‘મને ખબર છે. તમે લોકો આમ સામાન વગર લંડન શા માટે આવ્યાં છો, ઑક્સફર્ડ સ્ટ્રીટના સ્ટોર્સમાં સેલ ચાલે છે. તમારી વાઈફ અને સન અહીંથી બ્રાન્ડેડ ચીજવસ્તુઓ ખરીદવા માગે છે, ખરું ને? બ્રિટિશ ઍરવેઝ તો વીસ કિલોથી વધુ સામાન લઈ જવા દેતી નથી એટલે તમે ઇન્ડિયાથી કંઈ જ લાવ્યા નથી. યુ ઇન્ડિન્સ આર વેરી ક્લેવર. જાઓ, જાઓ, તમારી વાઈફ અને સન તમારી વાટ જુએ છે.’

આરજેને ફરી એક વાર હાશ થઈ.

* * *

પેસેન્જરો માટેના કૉમન વેઇટિંગ રૃમમાં બેઠેલી રોહિણી અને રોમેલ અંદર અંદર વાત કરતાં હતાં.

‘મમ્મી, આ રહેમતઅલી જમાલ ખાન છે કોણ? એના લીધે આપણને કેટલું હેરાન થવું પડ્યું?’

‘છે કોઈ મૂઓ આતંકવાદી. સાલો, તારા પપ્પાની જેમ જ એ પણ પોતાની જાતને ‘આરજે’ કહેડાવે છે.’

‘હા મમ્મી, એના ટૂંકા નામે આપણને હેરાન કર્યાં, પણ પપ્પા આપણને આમ અચાનક લંડન કેમ લઈ આવ્યાં? એક જોડી કપડાં પણ લેવા ન દીધાં? પરમ દિવસે આપણે પકડાયાં હતાં અને બેલ ઉપર છૂટ્યાં હતાં એ કોર્ટ કેસનું શું થશે?’

‘કોણ જાણે તારા પપ્પા શું કરવા બેઠા છે. આમ હીરા અને ડૉલર્સ ને પાઉન્ડ લઈને લંડન અવાય? એ તો સારું થયું કે બિપિનભાઈને મૅજિસ્ટ્રેટ ઓળખતા હતા એટલે એમણે આપણને જામીન અપાવ્યા, નહીં તો આપણે મુંબઈની જેલમાં સબડતાં હોત.’

‘હા મમ્મી, મને તો એ વખતે એટલી બીક લાગી હતી કે વાત ન પૂછો, પણ મમ્મી, એવી શું અર્જન્સી આવી પડી કે આમ કોઈને પણ કહ્યા-કીધા સિવાય, કોર્ટ કેસ થયો છે એ છતાંય પપ્પા આપણને આમ જબરજસ્તીથી ઉતાવળમાં લંડન લઈ આવ્યા છે.’

‘કોણ જાણે તારા પપ્પાના મનમાં શું છે. મેં પ્લેનમાં એમને કેટલું પૂછ્યું કે આરજે આપણે આમ અચાનક મુંબઈ છોડીને લંડન કેમ જઈ રહ્યાં છીએ? પણ વારંવાર પૂછવા છતાં એમણે મને એક જ જવાબ આપ્યો. હમણાં તું ચૂપ રહે. પછીથી તને બધું ખબર પડશે.’

રોહિણી-રોમેલનો આ આખો વાર્તાલાપ વેઇટિંગ રૃમમાં એમની પછવાડે જ બેઠેલા લંડનના મશહૂર અખબાર ‘ધ ગાર્ડિયન’ના ઇન્ડિયન કૉરસપોન્ડન્ટે સાંભળ્યો. આજથી સો વર્ષ પહેલાં વિશ્વના કોઈ પણ માનવીને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે દુનિયાના એક ખૂણેથી બીજા ખૂણે પલકવારમાં સંદેશો મોકલી શકાશે. ઉત્તર ધ્રુવમાં બેઠેલ વ્યક્તિ દક્ષિણ ધ્રુવમાં બેઠેલ વ્યક્તિને મોઢામોઢ જોઈને એની સાથે જાણે કે તેઓ સામસામે બેઠેલા હોય એ રીતે વાત કરી શકશે. મોબાઇલ ઉપર મેસેજ કરી ત્યાં બેઠાં બેઠાં જ એણે એ સઘળું એના મુંબઈના રિપોર્ટર મિત્ર અટલને જણાવ્યું.

અટલે જેવી એ માહિતી વાંચી કે તુરંત એણે એ સત્યેનને મોકલાવી. પછી એ બંનેએ આપસમાં વૉટ્સઍપ ઉપર મસલતો કરી.

તપાસ કરતાં અટલને જાણ થઈ કે ખરેખર આરજે, એની પત્ની અને પુત્ર એમના નિવાસસ્થાને નથી. વધુ તપાસ કરતાં એને જાણ થઈ કે આગલા દિવસની રાત્રિએ એ ત્રણેય બ્રિટિશટ ઍરવેઝમાં લંડન જવા નીકળી ગયાં હતાં. વધુ તપાસ કરતાં અટલને એ વાતની પણ જાણ થઈ કે એના આગલા દિવસે આરજે ઍન્ડ ફૅમિલી જેટ ઍરવેઝમાં લંડન જઈ રહ્યાં હતાં. એમને પ્લેનમાંથી ઑફલોડ કરવામાં આવ્યાં હતાં. ડાયમન્ડ અને ફોરેન કરન્સી ડિક્લેર કર્યા સિવાય પરદેશ લઈ જવા માટે સ્મગલિંગના આરોપસર એમની ધરપકડ કરવામાં આવી હતી. એ જ સાંજના નાઈટ મૅજિસ્ટ્રેટે એમને જામીન ઉપર છોડ્યાં હતાં. એટલું જ નહીં, અટલને એ વાતની પણ જાણ થઈ કે આરજે ઍન્ડ ફૅમિલીને જામીન પર છોડાવનાર ઍડ્વોકેટ બીજો કોઈ નહીં, બિપિન જાની હતો!

* * *

અત્યાર સુધી પડદા પાછળ રહીને કાર્ય કરતા સત્યેન શાહ હવે જાતે એમણે શરૃ કરેલ કાર્ય આગળ ધપાવવા બહાર પડ્યા.

‘અબ્રાહમ, આરજે ઍન્ડ ફૅમિલી લંડનમાંથી સાયપ્રસ કે માલ્ટા કે આવા જ કોઈ ગુનેગારો અને આતંકવાદીઓને આશરો આપતા દેશમાં ભાગી જાય એ પહેલાં આપણે એને લંડનમાં પકડી લેવો જોઈએ.’

‘યસ સત્યેન, વી મસ્ટ ઍક્ટ ફાસ્ટ.’

‘મેં આથી જ અટલને કહ્યું છે કે આરજેની સામે ક્રિમિનલ કેસમાં મૅજિસ્ટ્રેટે પાસપોર્ટ જપ્ત કરવાનો ઑર્ડર કર્યો છે એ કેસમાં વૉરન્ટ ઇશ્યૂ કરાવે. એ વૉરન્ટ લંડન મોકલી આપે. હું કાલે જ લંડન જાઉં છું.’

‘સત્યેન, તું ધારે છે એટલું એ સહેલું નથી. મુંબઈનો મૅજિસ્ટ્રેટ તો વૉરન્ટ ઇશ્યૂ કરશે, પણ લંડનનો બૉબી તું ધારે છે એમ તને તત્કાલ મદદ નહીં કરે.’ લંડનના પોલીસને લોકો ‘બૉબી’ તરીકે બોલાવે છે. ‘તને ખબર છે ને ઇન્ડિયામાંથી કેટલાય ગુનેગારો ખૂન કરીને, નૅશનલાઈઝ્ડ બેન્કના કરોડો રૃપિયા લઈને લંડન ભાગી ગયા છે. તમારી સરકાર મહિનાઓ સુધી પ્રયત્ન કરતી રહી છે, પણ ઇંગ્લેન્ડની સરકાર એમનો કબજો એમને નથી સોંપતી.’

‘અબ્રાહમ, મને ખબર છે, પણ મારી સ્ટે્રટેજી જુદી છે. હું એ સાલા આરજેને અહીં ઇઝરાયલ આવવાની ફરજ પાડીશ. એક વાર આરજે એન્ડ ફૅમિલી ઇઝરાયલ આવી જાય પછી એ છે ને આપણે છીએ.’

તૈમૂરે આરજેને લંડન ઍરપોર્ટ ઉપર લેવા ખાસ માણસ મોકલ્યો હતો. પ્લેન લૅન્ડ થાય ત્યાર બાદ ઈમિગ્રેશન અને ચેક-ઈન કરેલી બૅગો લઈ કસ્ટમમાંથી પસાર થતાં લંડનના હિથ્રો ઍરપોર્ટના બ્રિટિશ ઍરવેઝના ખાસ ટર્મિનલ ઉપર સામાન્ય રીતે એક-દોઢ કલાક લાગતો હોય છે. પાંચ પાંચ કલાક સુધી આરજે, રોહિણી અને રોમેલ બહાર ન આવ્યાં ત્યારે એને લેવા આવેલ યુસુફ મહમ્મદ અકળાયો. તૈમૂરને ફોન કરતાં એને જાણવા મળ્યું કે એને પણ જાણ નથી કે શા માટે આરજેને ઍરપોર્ટની બહાર આવતાં આટલી બધી વાર લાગી. બ્રિટિશ ઍરવેઝની લંડન આવતી ફ્લાઈટમાં એ ત્રણેય બોર્ડ તો થયાં જ હતાં. તૈમૂરને હવે આરજેની ફિકર થવા લાગી. એ સાલો મુંબઈના ઍરપોર્ટ ઉપર પકડાયો હતો એમ પાછો અહીં હિથ્રોે ઉપર તો પકડાયો નહીં હોય ને. આ વાણિયાઓ હોય છે લોભિયા. હીરા અને ફોરેન કરન્સી લઈને ઇંગ્લેન્ડ આવવા શા માટે નીકળ્યો હતો? એટલી પણ કૉમનસેન્સ નહોતી કે એના નામે વૉરન્ટ છે અને બીજું આવી રીતે ડાયમન્ડ અને ફોરેન કરન્સી લઈ જવી એ ભયંકર ગુનો છે? નક્કી આજે પણ એ બધું લઈને જ આવ્યો હશે અને હિથ્રો ઉપર પકડાઈ ગયો હશે.

એક ક્ષણ તૈમૂરને વિચાર આવ્યો કે એ યુસુફ મહમ્મદને કહે કે ઍરપોર્ટની અંદર જઈને તપાસ કરે કે બ્રિટિશ ઍરવેઝમાં મુંબઈથી લંડનનો પ્રવાસ કરતાં રવીન્દ્ર જેસિંગલાલ ભગત હજુ સુધી બહાર કેમ નથી આવ્યા. બીજી જ ક્ષણે તૈમૂરને આવો મૂર્ખામી ભરેલો વિચાર કરતાં પોતાની જાત ઉપર ચીડ ચડી. આરજેની આવી પૂછપરછ કરવામાં આવે અને હિથ્રોના ઈમિગ્રેશન કે કસ્ટમ ખાતાએ આરજેની અટક કરી હોય તો એમને એ વાતની જાણ થઈ જાય કે એનો કોઈ મળતિયો લંડનમાં છે. પછી તેઓ યુસુફ મહમ્મદને પકડે. એની પૂછપરછ કરે. યુસુફ મહમ્મદને ઍરપોર્ટ બહાર જ ઊભા ઊભા આરજેની રાહ જોયા સિવાય બીજો કોઈ છૂટકો નહોતો.

પ્લેન લૅન્ડ થયું એના લગભગ છ કલાક બાદ આરજે એન્ડ ફૅમિલી ઍરપોર્ટની બહાર આવ્યાં. જરૃરથી તૈમૂરે મને લેવા માટે કોઈ માણસ મોકલ્યો હશે. આરજે આવું વિચારીને આમ-તેમ નજર ફેરવવા લાગ્યો. એ ત્રણેયને જોતાં યુસુફ મહમ્મદને ખાતરી થઈ ગઈ કે આ જ એ ત્રણ વ્યક્તિ છે જેમને લેવા એ આવ્યો છે.

‘સલામ આલેકુમ’ યુસુફ મહમ્મદે આરજેની નજીક જઈને કહ્યું.

‘વાલેકુમ અસ્સલામ. તમે?’ સૂટ-બૂટ પહેરેલ, પણ દેખાવે પાકિસ્તાની જણાતી એ અજાણી વ્યક્તિને આરજેએ પૂછ્યું.

‘મને તૈમૂર સાહેબે મોકલાવ્યો છે.’

‘ઓહ અચ્છા! બહુ વાટ જોવી પડી?’

‘હા, અમે તો ગભરાઈ ગયા હતા. ફરી પાછા આગલા દિવસની જેમ જ તમને એરેસ્ટ કર્યા ન હોય.’

‘ના ના, આજે અમે સાથે કંઈ નથી લાવ્યાં. આ તો એક મિસ્ટેકન આઇડેન્ટિટીનો કેસ હતો. એ લોકોએ અમને બીજા કોઈ સમજી લીધાં હતાં.’

‘ઓહ! અચ્છા ચાલો, સામેના કાર પાર્કિંગમાં.’

અત્યાર સુધી મૂંગાં મૂંગાં આ બેનો વાર્તાલાપ સાંભળી રહેલાં રોહિણી અને રોમેલ વધુ મૂંઝાયાં. આ મુસલમાન શખ્સ કોણ છે? એને કેવી રીતે ખબર પડી કે અમે આજે લંડન આવવાનાં છીએ? અને એ શા માટે અમને લેવા અહીં ઍરપોર્ટ ઉપર આવ્યો હતો? પ્લેન લૅન્ડ થયા બાદ આટલા બધા કલાક એણે અમારી રાહ શા માટે જોઈ હતી? રોહિણીથી રહેવાયું નહીં. એણે એના પતિને બાજુમાં બોલાવી પૂછ્યું ઃ

‘આરજે, આ ભાઈ કોણ છે? તેઓ આપણને લેવા કેમ આવ્યા છે? મને એ જ સમજાતું નથી કે આપણે આમ અચાનક લંડન શા માટે આવ્યાં છીએ?’

‘હા પપ્પા…’ હવે રોમેલે પણ આરજેને સવાલ કર્યો ઃ ‘આપણે આમ લંડન શા માટે આવ્યાં છીએ. તમે અમારા મોબાઇલ કેમ લઈ લીધા છે?’

બંનેનો અવાજ દબાયેલો હતો એટલે યુસુફ મહમ્મદને રોહિણી અને રોમેલે આરજેને શું સવાલો પૂછ્યા છે એ સંભળાયું નહીં, પણ એમના મોઢાના હાવભાવ ઉપરથી એ સમજી ગયો કે એમણે શું સવાલો કર્યા હશે.

‘મેડમ, યહાં સા’બકી પાર્ટી કી એક સિક્રેટ મિટિંગ હૈ. ઈસીલિયે સા’બકો યહાં બુલાયા ગયા હૈ. આપ ફિક્ર મત કરો. પાર્ટીને આપ લોગોં કો લંડન કી સબસે બઢિયા લંડન મેરિયેટ મેં ઠહરાયા હૈ. મેં આપકો વહાં લે ચલતા હૂં. જલ્દી સે ચલિયે આપકો યહાં ખડે ખડે ઠંડ લગતી હોગી. જ્યાદા દેર ઠંડમેેં રહોગે તો ન્યુમોનિયા હો જાયેગા.’ આરજેને બદલે યુસુફ મહમ્મદે રોહિણી અને રોમેલને ખુલાસો કર્યો.

હાઈડ પાર્ક લંડન શહેરની મધ્યમાં આવેલ એક જબરજસ્ત મોટું મેદાન છે. લંડનની પ્રખ્યાત ઑક્સફર્ડ સ્ટ્રીટ જ્યાં પૂરી થાય છે ત્યાં માર્બલ આર્ચ નામ ધરાવતો એક વિશાળ તેમ જ ભવ્ય દરવાજો છે. ત્યાંથી હાઈડ પાર્ક શરૃ થાય છે. ઑક્સફર્ડ સ્ટ્રીટમાંથી ચાલીને તમે માર્બલ આર્ચની વચ્ચેથી નીકળીને હાઈડ પાર્કના મેદાનમાં પહોંચો એટલે સૌપ્રથમ ત્યાં સ્પીકર્સ કૉર્નર આવે છે. આ એક એવું સ્થળ છે, જ્યાં ઊભા રહીને લોકો મનફાવે તેમ બોલી શકે છે. ભારતના ક્રિષ્નમેનને આ જ સ્થળેથી બ્રિટિશરોને ભાંડીને ભારતને સ્વતંત્ર કરવાનું જણાવ્યું હતું. અહીં જાતજાતના લોકો પોતાના વિચારો ખુલ્લેઆમ પ્રદર્શિત કરે છે. સ્પીકર્સ કૉર્નર આગળ હરહંમેશ સ્પીકરો અને પચ્ચીસ-પચાસ શ્રોતાઓનું ટોળું દૃશ્યમાન થાય છે. સ્પીકર્સ કૉર્નરથી હાઈડ પાર્કમાં ચાલતાં ચાલતાં થોડે આગળ જાવ એટલે ડાબી બાજુએ રસ્તો ક્રૉસ કરતાં લંડનની પ્રખ્યાત લંડન મેરિયેટ હોટેલ આવે છે. આ લક્ઝુરિયસ ફાઈવ સ્ટાર હોટેલમાં બધા જ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. આરજેને માટે હોટેલના બીજા માળે હાઈડ પાર્ક તરફની બાલ્કની ધરાવતો એમ્પરર સ્યૂટ યુસુફ મહમ્મદે બુક કરાવ્યો હતો. સ્યૂટમાં દાખલ થતાં જ રોહિણીએ પ્રશ્ન કર્યો ઃ

‘આરજે, આપણે અહીં કેટલા દિવસ રહેવાનું છે? અને અમારાં કપડાંનું શું?’

‘મેડમ, પતા નહીં યે મિટિંગ કિતને દિન ચલે. ઈસલિયે આરજે આપકો બતા નહીં સકેગેં કી આપકો યહાં કિતના ઠહરના હૈ. લેકિન આપ ફિક્ર ક્યું કરતે હો. બગલ મેં ઓક્સફર્ડ સ્ટ્રીટ હૈ. જો ચાહે ખરીદ લીજિયે.’

રોમેલને યુસુફ મહમ્મદનો આ જવાબ પસંદ પડ્યો. એણે એની મમ્મીને કહ્યું ઃ

‘ચાલ, મમ્મી આપણે માર્ક્સ ઍન્ડ સ્પેન્સરમાંથી કપડાં લઈ આવીએ. મારી આગળ અમેરિકન એક્સપ્રેસ અને વિઝા બંને કાર્ડ છે.’

‘નહીં… નહીં. આપ કાર્ડ બિલકુલ ઈસ્તમાલ મત કરના. આરજે યહાં સિક્રેટ મિટિંગ કે લિયે આયે હૈં. કાર્ડ ઈસ્તમાલ કરને સે વો યહાં આયે હૈં ઈસ બાત કા પતા ચલ સકતા હૈ. યે લીજિયે, પાંચ હઝાર પાઉન્ડ આપ ઉસમેં સે જો ચાહે શૉપિંગ કર લીજિયે.’ આરજેએ ઇશારાથી હા પાડતાં રોમેલે સો સો પાઉન્ડની નવીનક્કોર પચાસ નોટો સ્વીકારી.

‘રોમેલ, આપણે કાલે શૉપિંગ કરવા જઈશું. હું આજે બહુ થાકી ગઈ છું.’ નવ-દસ કલાકની ફ્લાઈટ, એ પછી ઍરપોર્ટ ઉપર ચાર-પાંચ કલાકની હાલાકી ત્યાર બાદ ઍરપોર્ટથી શહેર સુધીની કલાકથી વધારેની મુસાફરી.’

આ બધાને લીધે એ ત્રણેય ખરેખર ખૂબ જ થાકી ગયાં હતાં.

‘અચ્છા તો મૈં ચલતા હૂં. આપલોગ રેસ્ટ કરો. ખાના-પીના જો ભી હૈ આપ મંગવા સકતે હૈં. સાઈન કરના. ક્રેડિટ કાર્ડ કા ઈસ્તમાલ હરગિઝ ના કરના. મિસ્ટર આરજે, મેં આપકો કલ કૉન્ટેક્ટ કરુંગા.’

(ક્રમશઃ)

————-

નવલકથાસંગિતાસત્-અસત્સુધીર
Comments (0)
Add Comment