કરોડોનું વળતર માગ્યું છે એ બધા કેસો હું ચપટીમાં ઉડાડી દઈશ

સત્યેન શાહ આડકતરી રીતે મને પેલી ચાર સ્ત્રીઓનો બચાવ ન કરવાનું, એમના કેસમાંથી ખસી જવાનું કહેવા માગતો હશે.
કરોડોનું વળતર માગ્યું છે એ બધા કેસો હું ચપટીમાં ઉડાડી દઈશ

નવલકથા – સત્-અસત્ – પ્રકરણઃ ૨૬

  • સુધીર-સંગિતા

વહી ગયેલી વાર્તા…
મયૂરીના મનમાં એક પ્રકારનો ડર હતો કે તેણે ઍડ્વોકેટ બિપિન જાનીને કહી તો દીધું છે કે તેણે કરેલા આક્ષેપો સાચા છે
, પણ જ્યારે કોર્ટમાં ઊલટતપાસ થશે અને મયૂરી ખોટી સાબિત થશે ત્યારે તેના શું હાલ-હવાલ થશે. જુઠ્ઠું બોલવા માટે કોર્ટ તેને જે દંડ કે સજા કરશે તે તો ઠીક, પણ સમાજમાં તેની બદનામી થશે અને જેલભેગા થવું પડશે તો શું થશે એ વિચારમાત્રથી તે કંપી ઊઠતી હતી. કહેવાય છે ને કે અસત્ય ભલભલાની ઊંઘ ઊડાડવાની ક્ષમતા રાખે છે – કંઈક એવો જ ઘાટ અત્યારે મયૂરીનો હતો. એક ગુનેગારને એના ગુનાની યાદો સતત અકળાવે છે અને સતાવે છે. કંઈક એવી જ સ્થિતિ મયૂરીની હતી. બીજી તરફ છાપું વાંચીને અચલાનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચી ગયો હતો. બળાત્કારના ખોટા આરોપ બદલ મૅજિસ્ટ્રેટે અચલાની ઝાટકણી કાઢી હતી. છાપામાં સમાચાર હતા કે જાણીતી પત્રકારે મુંબઈના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પર નાબાલિગ યુવતી પર બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવી. આ વાંચીને અચલાનો મગજનો પારો ચઢી ગયો હતો, ત્યાં જ જાગૃતિની પ્રશંસા કરતાં સમાચાર વાંચીને અચલા ધૂંઆપૂંઆ થઈ ગઈ. જાગૃતિએ અટલે સોંપેલા કામને તકેદારીપૂર્વક પાર પાડવામાં સફળતા મેળવી હતી. સત્યેન શાહ સામે આક્ષેપો કરનારી પાંચેય સ્ત્રીઓનો કેસ લડવા માટે ક્રિમિનલ લોયર બિપિન જાનીને મનાવી લીધા હતા અને આ પાંચેય મહિલાઓને હિંમત પણ આપી હતી. બસ, આ જ વાતે જાગૃતિની છાપામાં પ્રશંસા કરવામાં આવી હતી. અચલાને

જાગૃતિની અદેખાઈ આવતી હતી. જોકે, કોર્ટે અચલાએ કરેલી ફરિયાદને પગલે પોલીસ ઇન્સ્પેક્ટર શિંદેને કેસની તપાસ કરવાનો આદેશ કર્યો હતો. આ આદેશ સાંભળીને હર્ષદ ગભરાઈ ગયો હતો, પણ બિપિન જાનીએ તેને સાંત્વના આપી કે આ તપાસ કરતાં તો દસ-બાર મહિના થઈ જશે અને શિંદે કેસમાં ક્લિન ચીટ આપી દેશે. બીજી બાજુ આરજે, રોહિણી અને રોમેલ લંડનના હિથ્રો ઍરપોર્ટ પર જેવા ઊતર્યાં કે ત્યાં જ કસ્ટમ ઓફિસરે તેમને રોક્યા અને પૂછપરછ માટે તેમની સાથે લઈ ગયા. સત્યેન શાહ અને અટલે તેમના મિશનનો બીજો તબક્કો શરૃ કર્યો, જેમાં બિપિન જાનીને અડતાલીસ કલાકમાં છેલ્લાં પાંચ વર્ષના એસેસમેન્ટ ખોલવાની નોટિસ મળી હતી. આ નોટિસને કારણે ઍડ્વોકેટ જાનીની પગ નીચેની જમીન ખસી ગઈ હતી.

હવે આગળ વાંચો…

‘હલ્લો, મિસ્ટર જાની…’

‘હલ્લો… કોણ છો તમે?’

‘જે ચાર સ્ત્રીઓનો બદનક્ષીના દાવામાં તમે બચાવ કરો છો એ સ્ત્રીઓએ જેની બદનક્ષી કરી છે એ સત્યેન શાહ છું.’

‘વ્હૉટ? સત્યેન શાહ? ક્યાંથી વાત કરો છો?’

‘એ જાણવાની તમારે જરૃર નથી. જો તમારા ક્લાયન્ટોના પ્રતિસ્પર્ધી જોડે એમનો જે કેસ છે એ નહીં, પણ બીજા કોઈ વિષય ઉપર વાત કરતાં તમારી પ્રોફેશનલ નીતિનો ભંગ થતો ન હોય તો મારે તમારી જોડે થોડી વાત કરવી છે. એ તમારા લાભની છે.’

‘આમ ગોળ ગોળ વાત ન કરો. ચોખ્ખેચોખ્ખું કહો કે તમે એવી કંઈ વાત કહેવા માગો છો, જે મારા લાભની છે?’

ઇન્કમટેક્સ ઓફિસર, આરજે અને એના આસિસ્ટન્ટ ભાસ્કર પ્રત્યેનો ગુસ્સો હજુ માંડ ઓસર્યો હતો એમાં જ સત્યેનના ફોને બિપિન જાનીને ફરી પાછો ગુસ્સો અપાવ્યો.

‘તમારો લંચ ટાઇમ કેટલા વાગે હોય છે?’

‘મારા લંચ ટાઇમને અને તમને શું લાગે-વળગે?’

‘હું પૂછું છું એનો જવાબ આપો. એ તમારા લાભ માટે છે.’

‘આમ વારે ઘડીએ મારા લાભ માટે… મારા લાભ માટે શું કહ્યા કરો છો. તમે મને શું લાભ કરાવી આપવાના છો? પેલી ચાર સ્ત્રીઓ સામે કરાવેલા કેસો પાછા ખેંચી લેવડાવશો? જો એને તમે મારો લાભ કહેતા હો તો મિસ્ટર સત્યેન શાહ, તમે ખાંડ ખાઓ છો. એ ચારેય સ્ત્રીઓએ તમારી સામે જે આક્ષેપો કર્યા છે એ બિલકુલ સાચા છે. તમે એમની સામે જે બદનક્ષીના દાવાઓ માંડ્યા છે, જે પાંચ-પાંચ કરોડનું વળતર માગ્યું છે એ બધા કેસો હું ચપટીમાં ઉડાડી દઈશ.’ સત્ય હકીકત જાણતા હોવા છતાં બિપિન જાની એમની બડાશ મારવાનું ન ચૂક્યા.

‘એટલે મિસ્ટર બિપિન જાની, તમારે તમારા લાભની વાત સાંભળવી નથી.’ સત્યેન શાહે એમની સામે જે બળાત્કારના આક્ષેપો બિપિન જાનીના ક્લાયન્ટોએ કર્યા હતા એવું કહીને એ બાબતની ચર્ચામાં ઊતરવાનું ટાળ્યું.

‘શું છે? મારા લાભની વાત શું છે? ભસી મરો ને.’ બિપિન જાનીનો ગુસ્સાનો પારો ધીમે ધીમે ઊંચે ચડતો હતો.

‘મિસ્ટર જાની, જરા તમારી જીભ ઉપર લગામ રાખો. ભણેલા-ગણેલા ઍડ્વોકેટના મોઢામાં આવા શબ્દો શોભતા નથી.’

‘અચ્છા… અચ્છા. તમારે જે કહેવું હોય તે જલદી કહો.’

‘પહેલા મારા સવાલનો જવાબ આપો. તમારો લંચ ટાઇમ કેટલા વાગે છે?’

‘દોઢ વાગે.’ કંટાળીને બિપિન જાનીએ પુછાયેલા સવાલનો જવાબ આપ્યો.

‘બસ, તો બરાબર દોઢ વાગે તમારી ઑફિસમાં એક લંચ-બોક્સ આવશે.’

‘લંચ માટે મને ઘરેથી ટિફિન આવે છે.’

‘હા… હા. એની મને જાણ છે, પણ આજે એ ટિફિનની સાથે સાથે એક બીજું બોક્સ પણ આવશે.’

‘અચ્છા. એટલે તમે એનો બંદોબસ્ત પહેલેથી કરી રાખ્યો છે?’

‘સવાલો ન કરો. મારી વાત સાંભળો. એ લંચ-બોક્સમાં બે સમોસા હશે. એમાંના એકની અંદર એક ચિઠ્ઠી હશે. એમાં લખ્યા મુજબ વર્તજો. વાંચ્યા બાદ એ ચિઠ્ઠીનો નાશ કરજો.’

‘હું શા માટે તમે મોકલેલ સમોસા ખાઉં અને તમે કહો છો એ પ્રમાણે વરતું?’

‘મરજી તમારી, પણ હું કહું છું એ પ્રમાણે વર્તશો તો એ તમારા લાભમાં છે.’

બિપિન જાની કંઈ બોલે એ પહેલાં સત્યેન શાહે એનો મોબાઇલ કટ કર્યો. હોંગકોંગનો નંબર ધરાવતું સિમ કાર્ડ મોબાઇલમાંથી એણે બહાર કાઢ્યું.

‘સાલો, પોતે તો ગભરાઈને ભાગી ગયો છે. ક્યાં છે એ કહેતો નથી અને મને કહે છે કે એ મારા લાભની વાત કરે છે. શું હશે એ વાત, જેનાથી મને લાભ થઈ શકે? એણે એ વાતનો તો ફોડ પાડ્યો જ છે કે એણે જે ચાર સ્ત્રીઓ ઉપર બદનક્ષીનો કેસ કર્યો છે એ કેસને લગતી એ વાત નથી. તો શું વાત હશે? એવી કંઈ વાત હશે, જે મારા લાભની હોય? અત્યારના તો મને જે ઇન્કમટેક્સની નોટિસ મળી છે એમાંથી છુટકારો મળે એની વાત હોય તો એ મારા લાભની કહી શકાય.’

અચાનક બિપિન જાનીને વિચાર આવ્યો, આ નોટિસ સત્યેન શાહના કહેવાથી તો નહીં મોકલાઈ હોય? ના… ના. સત્યેન શાહ તો આરજેની જ પાર્ટીનો છે. પોતાની પાર્ટીના મુખ્ય કાર્યકર અને એના ઍડ્વોકેટ સામે એ શા માટે નોટિસો મોકલાવે? નક્કી, સત્યેન શાહ આડકતરી રીતે મને પેલી ચાર સ્ત્રીઓનો બચાવ ન કરવાનું, એમના કેસમાંથી ખસી જવાનું કહેવા માગતો હશે. કદાચ એ મને લાંચ આપીને ફોડવાનો પણ વિચાર કરતો હોય. એ સ્ત્રીઓનો બચાવ ઢીલો કરીને એમને જુઠ્ઠા પાડીને હરાવી દેવાનું સત્યેન શાહ મને કહેવા માગતો હશે, પણ સત્યેન શાહ તો જાણે છે કે એ સ્ત્રીઓ જુઠ્ઠી છે. હા, પણ એમનું જૂઠાણુ પુરવાર કરવા માટે એમની પાસે પુરાવાઓ નહીં હોય અને એક ક્રિમિનલ લૉયર તરીકે મારી આવડત અને લાગવગની એને જાણ હશે એટલે જ એને ભીતિ હશે કે એ સાચો હોવા છતાં, પેલી સ્ત્રીઓ ખોટી હોવા છતાં એ કદાચ જીતી નહીં શકે એટલે જ એણે મારો સંપર્ક કર્યો હશે, પણ અત્યારના મારી મૂંઝવણ તો મારા ઉપર ઇન્કમટેક્સ ઓફિસરે જે નોટિસ મોકલાવી છે એની છે અને જો એ સત્યેન શાહનું કાવતરું ન હોય તો એની ખબર એને ક્યાંથી પડી હોય? એટલે નક્કી એ એણે કરાવેલા બદનક્ષીના કેસો માટે વાત કરવા ઇચ્છતો હશે. ચાલાક છે એટલે એને જાણ હશે કે હું મારા ક્લાયન્ટોના પ્રતિસ્પર્ધીઓ જોડે વાત ન કરું એટલે એણે વાતની શરૃઆત આ રીતે કરી હશે અને હું એની જોડે વાત કરું એ માટે એણે મને આવી લાલચ આપી હશે.

જે હશે તે, બપોરના સમોસામાંથી ચિઠ્ઠી નીકળશે એટલે એની ખબર પડશે, પણ એ મોકલશે કેવી રીતે? શું મારા ટિફિન જોડે સત્યેન શાહ ખરેખર પોતાનું લંચ-બોક્સ મોકલશે? શું એમાં સમોસા અને એ સમોસાની અંદર ખરેખર કાગળની કાપલી હશે? અનુભવી ઍડ્વોકેટ બિપિન જાની એવા અનેક કેસો લડ્યો હતો, જેમાં કોઈ ફિલ્મી વાર્તા જેવું વાતાવરણ સર્જાય. માન્યામાં ન આવે એવી ઘટના બની હોય. અરે, આરોપી નિર્દોષ હોય. જેણે એના ઉપર આરોપ મૂક્યો હોય એ ફરિયાદી જ ગુનેગાર હોય. એક પછી એક આવા આવા વિચારોની વણજાર બિપિન જાનીના મગજમાં વણથંભી ચાલવા લાગી. મન તો માંકડા જેવું હોય છે. એ સવારે બિપિન જાનીનું મન ખરેખર જાતજાતના વિચારો વડે આમથી તેમ કૂદવા લાગ્યું. હવે બપોરના દોઢ ક્યારે વાગે એની એ વાટ જોવા લાગ્યો. સત્યેન શાહ એને ચિઠ્ઠીમાં શું સંદેશો મોકલાવે છે એ જાણવાની બિપિન જાનીને તાલાવેલી લાગી.

‘સર, આજે આપણે પેલા સ્મગલરના બેલની ઍપ્લિકેશન કરવાની છે.’ બિપિન જાનીના આસિસ્ટન્ટ વિક્રમે એમની કૅબિનમાં આવીને એમને યાદ અપાવ્યું.

‘વિક્રમ, તમે જ બેલની અરજી કરી નાખો.’

‘સર, હું?’

‘હા. કેમ? કેટલાં વર્ષથી મારા જુનિયર છો?’

‘સર, તમને તો ખબર છે કે મને તમારા જુનિયર બન્યાને પાંચ વર્ષ થયાં.’

‘તો હજુ સુધી કૉન્ફિડન્સ નથી આવ્યો? આખી જિંદગી મારા જુનિયર જ રહેવું છે? ઇન્ડિપેન્ડેન્ટ પ્રેક્ટિસ ક્યારે કરશો?’

‘ના… ના, સર. મને મારામાં કૉન્ફિડન્સ છે અને તમને તો ખબર છે કે નાની-મોટી અરજીઓ હું જાતે જ ચલાવી લઉં છું.’

‘તો પછી?’

‘પણ સર, આ તો આપણો ખાસ ક્લાયન્ટ છે અને દાણચોરો પ્રત્યે આ મૅજિસ્ટ્રેટ બહુ સખ્ત છે. તમને એની તો જાણ છે જ.’

‘હા… હા. મને બધી ખબર છે, પણ બધું જ સેટ થઈ ગયું છે. ખાલી ફોર્માલિટી ખાતર અરજી કરવાની છે. મૅજિસ્ટ્રેટ એ અબ્દુલ ગફારને લાખ રૃપિયાના જામીન ઉપર છોડી દેશે. તારે ચિંતા કરવાની જરૃર નથી. આજે હું જરા ડિસ્ટર્બ છું એટલે કોર્ટમાં તું જા.’

‘સર, શું કંઈ પ્રોબ્લેમ છે?’

‘હા… ના. કંઈ નથી. તું જા.’

‘ઓકે… સર.’

* * *

છેલ્લી સાઠ મિનિટમાં બિપિન જાનીએ ઘડિયાળનો કાંટો એકસો વીસથી વધુ વાર જોયો હશે. હવે તો એને મનમાં ને મનમાં પાકે પાયે ખાતરી થઈ ગઈ હતી કે

ઇન્કમટેક્સની એને જે નોટિસ આપવામાં આવી હતી એ નક્કી સત્યેન શાહનું જ કાવતરું હતું અને એટલે જ આમ અચાનક ન ઓળખાણ, ન પિછાણ અને પ્રતિસ્પર્ધી હોવા છતાં સત્યેન શાહે એનો સંપર્ક સાધ્યો હતો.

બિપિન જાનીનો ડ્રાઇવર પ્રમોદ એના માટે ઘરેથી જે ટિફિન લાવ્યો એ થેલીમાં ખરેખર સત્યેન શાહના કહેવા મુજબ બોક્સ હતું. વાલકેશ્વર ઉપર આવેલ પ્રસિદ્ધ દામોદર હીરજીની ફરસાણની દુકાનના એ પૂંઠાના બોક્સમાં સત્યેન શાહે જણાવેલ એ મુજબ જ બે સમોસા હતા. સુગંધ ઉપરથી એ ખૂબ જ સ્વાદિષ્ટ હશે એવું જણાતું હતું. એને ખાઈને એનો સ્વાદ ખરેખર સારો છે એની પરીક્ષા ન કરતાં બિપિન જાનીએ ઝડપથી એક પછી એક એમ એ બંને સમોસાને વચ્ચેથી તોડ્યા. એકેયમાં સત્યેન શાહે જણાવેલ એ મુજબ કાગળની કોઈ કાપલી નહોતી.

‘સાલાએ મને બેવકૂફ બનાવ્યો.’ બિપિન જાની આવું વિચારતો હતો એટલામાં જ એનો મોબાઇલ રણક્યો. ‘હરામખોર, એ સત્યેનનો જ ફોન હશે’ આવું વિચારતાં બિપિન જાનીએ ફોન કાને માંડ્યો.

‘ડાર્લિંગ, તેં જમી લીધું?’ સામેથી બિપિન જાનીની વાઈફનો અવાજ સંભળાયો.

‘અરે, હજુ હમણા તો ટિફિન આવ્યું. જમી ક્યાંથી લઉં?’

‘તું આમ ગુસ્સો ન કર, ડાર્લિંગ. હું છેને આજે વાલકેશ્વર મોટા દેરે ગઈ હતી. રસ્તામાં પેલા ફેમસ દામોદર હીરજી ફરસાણવાળાની દુકાન આવી. દુકાનના દરવાજા ઉપર બોર્ડ માર્યું હતું, ગરમાગરમ જૈન સમોસા. મારાથી રહેવાયું નહીં. મેં બે સમોસા પૅક કરીને તારા માટે લીધા. તું ખાજે હં. બહુ સ્વાદિષ્ટ છે.’

‘ઓકે… ઓકે…’ બિપિન જાની વાઈફ જોડે વધુ વાત કરવાના મૂડમાં નહોતો.

‘સત્યેન શાહે મને ઉલ્લુ બનાવ્યો. આ બોક્સ અને એમાંના સમોસા તો મારી વાઈફે મોકલ્યા છે.’ આમ બબડતાં બબડતાં એણે યંત્રવત્ થેલીમાંથી ટિફિન બહાર કાઢ્યું અને એની નજર ટિફિનની નીચે મૂકવામાં આવેલ એક બીજા બોક્સ ઉપર પડી. ઝટ દઈને એણે એ બોક્સ બહાર કાઢ્યું. ખોલ્યું. એમાં પણ બે સમોસા હતા. પહેલા સમોસાને વચ્ચેથી ખોલતાં જ એની અંદર વાળીને મૂકવામાં આવેલ કાગળની ચબરખી દેખાઈ. બિપિન જાનીએ એ ખોલી. અંદર લખ્યું હતુંઃ

‘૨ઃ૧૫ કલાકે આઈટી ઑફિસના મેઇન ગેટ પાસે પહોંચ…’

* * *

બિપિન જાનીની કાળા ઘોડા પર આવેલ જૂના બિલ્ડિંગની ઑફિસ એણે વર્ષો પહેલાં ભાડે લીધી હતી. હવે એ ઑફિસ એના મોભાને શોભતી ન હતી. એને વધુ જગ્યાની પણ જરૃર હતી. આથી નરીમાન પૉઇન્ટ ઉપર ડેવલપમેન્ટ શરૃ થયું કે તુરંત જ એણે ત્યાંના એક બિલ્ડિંગમાં એક જબરજસ્ત ઑફિસ ખરીદી હતી. એનો કબજો ‘હેશટેગઃ મી ટૂ’ કહેનારી સ્ત્રીઓના કેસો એણે હાથમાં લીધા એના બીજા જ દિવસે એને મળ્યો હતો. ચર્ચગેટથી થોડા અંતરે આવેલ નરીમાન પૉઇન્ટના કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં વીસ માળ ધરાવતા ‘એમ્પરર એન્ટરપ્રાઇઝ’ના વીસમા માળે બે હજાર સ્ક્વેર ફીટ કાર્પેટ, બિલ્ટઅપ નહીં, એટલી વિશાળ ઑફિસ મુંબઈનો એ નંબર-વન ગણાતા ક્રિમિનલ ઍડ્વોકેટે ખરીદી હતી. બપોરના ૧ઃ૪૦ના બિપિન જાનીને જાણ થઈ કે એણે ૨ઃ૧૫ કલાકે એટલે કે બીજી પાંત્રીસ મિનિટની અંદર જ આઈટી ઑફિસના મેઇન ગેટ પાસે પહોંચવાનું હતું. મુંબઈ શહેરમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ઑફિસો છેલ્લાં થોડાં વર્ષથી અનેક સ્થળોએ ખોલવામાં આવી છે. પચ્ચીસ મિનિટમાં ચર્ચગેટ અને મરીન લાઇન્સ સ્ટેશનની વચ્ચે ક્વીન્સ રોડ ઉપર આવેલ વર્ષો જૂની સૌપ્રથમ ઇન્કમટેક્સની ઑફિસ સિવાય મુંબઈમાં બીજે કશે આવેલ ઇન્કમટેક્સની ઑફિસમાં નરીમાન પૉઇન્ટ પરથી પહોંચવું અશક્ય હતું. સત્યેન શાહને આની બરાબર જાણ હોવી જોઈએ. આવું ધારી લઈને બિપિન જાનીએ પત્નીએ મોકલાવેલ દામોદર હીરજી ફરસાણવાળાના ફેમસ, ગરમાગરમ સમોસા તેમ જ સત્યેન શાહે પણ મોકલાવેલા સમોસા અને એનું જે ટિફિન આવ્યું હતું એમાંનું ખાવાનું આ સઘળું એમનું એમ રહેવા દઈને ઘંટી વગાડીને સેક્રેટરીને બોલાવી.

‘પ્રમોદને કહો કે ગાડી તરત જ બિલ્ડિંગના એન્ટ્રન્સ પાસે લઈ આવે.’

‘સર, અચાનક ક્યાં જવું છે? તમે ટિફિન ખોલ્યું નથી, ભાભીએ મોકલાવેલ સમોસા ખાધા નથી…’

‘તું એ ચિંતા છોડ. ઝટ પ્રમોદને કહે કે ગાડી લઈ આવે. સાલો, આમતેમ તંબાકુ ખાતો બેઠો હશે.’

‘પણ સર, તમે જાવ છો ક્યાં?’

‘જહન્નમમાં…’

ઉતાવળની સાથે સાથે બિપિન જાનીનો ગુસ્સો પણ ઊકળી રહ્યો હતો.

‘ના… સર, તમને યાદ છેને ત્રણ વાગે હાજી યાકુબ તમને કન્સલ્ટ કરવા આવવાના છે.’

‘ભલે એ નામચીન દાણચોર આવે. એમને બેસાડજે. મને હમણા અર્જન્સી છે.’ સેક્રેટરીને શેની અર્જન્સી છે એવો સવાલ પૂછવાની તક આપ્યા સિવાય બિપિન જાનીએ ઝટપટ ઑફિસમાં ખાસ કોટ ટીંગાડવા માટે મૂકવામાં આવેલ કબાટમાંથી કોટ કાઢ્યો અને ઝડપથી કૅબિનમાંથી બહાર નીકળ્યો. કૅબિનમાં જે જોરથી ‘જહન્નમ’માં શબ્દ એણે ઉચ્ચાર્યો હતો એ બહાર બેઠેલા સ્ટાફના બધા જ માણસોએ સાંભળ્યો હતો. તુરંત જ બૉસને ઝડપથી ઑફિસની બહાર નીકળતાં જોઈને તેઓ બધામાં સોપો પડી ગયો હતો.

એના અડધો ડઝન જુનિયરમાંના જયેન્દ્ર, જે મયૂરી અને બીજી સ્ત્રીઓના કેસોમાં એને આસિસ્ટ કરતો હતો એણે ખુરસી ઉપરથી ઊભા થઈને કહ્યું ઃ

‘સર, પેલા ચાર બદનક્ષીના કેસની તૈયારી…’

‘એ પછી જોઈશું.’ આટલું જ બોલીને બિપિન જાની ફટાફટ ઑફિસનો મેઇન દરવાજો ખોલીને બહાર લિફ્ટ આગળ આવીને ઊભા રહ્યા.

‘નક્કી કોઈ મોટો ક્રિમિનલ ઝડપાયો હશે. એમને છોડાવવા બૉસ દોડી રહ્યા છે.’ એવું સૌએ ધાર્યું. કોઈને એવો વિચાર ન આવ્યો કે આજે બૉસ પોતે ઝડપાયા હતા.

બહુમજલી મકાનમાં ઓછામાં ઓછી ચાર લિફ્ટ તો હોય જ છે. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન મુંબઈગરાની સવલત અને સલામતી માટે એટલો તો આગ્રહ રાખે જ છે. જો ચાર લિફ્ટ રાખવી કમ્પલસરી ન હોત તો બિલ્ડરો એક જ લિફ્ટ મૂકીને એમના નફામાં વધારો કરત. એમ્પરર એન્ટરપ્રાઇઝમાં ચાર નહીં, પણ છ લિફ્ટ હતી. એમાંની બે ફક્ત એકથી દસમા મજલા સુધીની, બીજી બે દસથી પંદરમા મજલા સુધીની અને બાકીની બે પંદરથી વીસમા મજલા સુધીની હતી. આમાંની દરેકમાંની એક લિફ્ટ તો હંમેશાં કોઈ ને કોઈ કારણસર બંધ જ રહેતી. સોસાયટીના સેક્રેટરીની વીજળી બચાવવા માટેની આ એક પ્રયુક્તિ હતી. બિલ્ડરે વીસ મજલાનું મકાન તો બાંધ્યું હતું, પણ એમાં લિફ્ટ એકવીસમી સદીની નહીં, પણ જૂનીપુરાણી કંપનીની, સસ્તી ઇન્સ્ટોલ કરી હતી. સડસડાટ વિરાર ફાસ્ટને બદલે વીસમે માળે આવતી લિફ્ટ ભલે પંદરમા માળ સુધી અટકતી ન હોય તોયે એની ગતિ ગુડ્સ ટ્રેન જેટલી મંદ હતી. છેક વીસમા માળ સુધી પહોંચવા એને ઓછામાં ઓછી બે મિનિટ લાગતી. બિપિન જાનીએ જોયું કે એણે લિફ્ટને બોલાવવા માટે બટન દબાવ્યું અને નીચે ઊભેલી લિફ્ટ ધીરે-ધીરે ઉપર આવવા લાગી છે. લિફ્ટ સોળમા માળે અટકી. લિફ્ટનું બટન પહેલેથી દબાવ્યું હોવાને લીધે એ ત્યાર બાદ ઉપર તો આવી, પણ એમાં જેટલા પેસેન્જરોને લિફ્ટમાં ઊભા રહેવાની પરવાનગી હતી એનાથી વધુ લોકો ઘૂસેલા હતા. લિફ્ટે બિપિન જાનીને અંદર પ્રવેશવાની પરવાનગી ન આપી. વાટ જોઈને ત્રાસી ગયેલા બિપિન જાનીને આખરે દસ મિનિટ પછી લિફ્ટમાં જગા મળી.

એના ડ્રાઇવર માટે બિપિન જાનીએ જે ધાર્યું હતું એ સાચું નીકળ્યું. પ્રમોદ બિલ્ડિંગના દરવાજા આગળ એની ગાડી લઈને ઊભો નહોતો. સેક્રેટરીને મોબાઇલ પર સંપર્ક કરતા એણે જણાવ્યું કે પ્રમોદ ચા પીવા ગયો હતો. એણે એને જલદીથી પાર્કિંગમાંથી ગાડીને બિલ્ડિંગના એન્ટ્રન્સ આગળ લઈ આવવાની સૂચના આપી છે એટલે એ લઈ આવતો હશે. બિપિન જાનીએ ઘડિયાળ તરફ નજર કરી. નાનો કાંટો એકથી આગળ વધી બે સુધી પહોંચવાની તૈયારીમાં જ હતો અને મોટો કાંટો પણ અગિયારથી આગળ વધવા જતો હતો. ડ્રાઇવરની વાટ ન જોતાં બિપિન જાની બિલ્ડિંગના કમ્પાઉન્ડની બહાર રસ્તા ઉપર ઊભેલ ટેક્સી તરફ દોડ્યો. ધડ દઈને એનો પાછલો દરવાજો ખોલ્યો અને ધડામ દઈને એ બંધ કરતાં બોલ્યોઃ

‘ઇન્કમટેક્સ ઑફિસ, ક્વીન્સ રોડ પે લે લો.’

‘સર, આપ કોઈ દૂસરા ટૅક્સી લો. મુઝે લંબા ભાડા ચાહિયે.’ ટૅક્સી ડ્રાઇવરના શબ્દોએ બિપિન જાનીનો એના ડ્રાઇવર ઉપરનો ગુસ્સો એ ટૅક્સી ડ્રાઇવર ઉપર ઠાલવ્યો.

‘સાલા, તુમ શૉર્ટ ડિસ્ટન્સ પે નહીં આયેગા ઐસા કૈસે કહ સકતા હૈ? મૈં તુમ્હે પુલીસ મેં દે દૂંગા. આરટીઓ મેં કમ્પ્લેન્ટ કરુંગા. તુમ્હારા લાઇસન્સ વો લોગ લે લેગા.’

‘સાબ, ગાલી મત દો. ગાલી કે લિયે મૈં તુમ્હારી પુલીસ મેં કમ્પ્લેન્ટ કરુંગા. મેરે યુનિયન મેં ભી તુમ્હારી કમ્પ્લેન્ટ કરુંગા.’

બિપિન જાનીને હવે સમજાયું કે આ ડ્રાઇવર જોડે આવી રકઝક કરવામાં માલ નથી. એ પોતે એ ડ્રાઇવરની શૉર્ટ ડિસ્ટન્સ પર લઈ જવાની ના પાડવા બદલ પોલીસ અને યુનિયનમાં કમ્પ્લેન્ટ કરે ત્યારની વાત ત્યારે, પણ એ ડ્રાઇવર તો તરત જ આજુબાજુના ટૅક્સીવાળાઓને બોલાવીને હો-હા કરી મૂકશે. આ બધામાં એ સત્યેન શાહે આપેલ ટાઇમ ચૂકી જશે. સમયસૂચકતા વાપરી એણે પાકીટમાંથી પાંચસોની નોટ કાઢી ડ્રાઇવરને આપતાં કહ્યું ઃ

‘સૉરી ભાઈ, ગલતી હો ગઈ. જરા જલદી મેં હૂં. યે લો, લોન્ગ ડિસ્ટન્સ કા ભાડા મેં તુમ્હેં શૉર્ટ ડિસ્ટન્સ કે લિયે દેતા હૂં. જરા જલદી ચલો.’

પાંચસોની નોટ મળતાં ટૅક્સી ડ્રાઇવરે ગુપચુપ ટેક્સી ચાલુ કરી. મીટર ચલાવવાની જરૃર નહોતી. મીટર કરતાં પાંચ ગણું ભાડું એને પહેલાંથી જ મળી ચૂક્યું હતું.

ક્વીન્સ રોડ ઉપર આવેલ ઇન્કમટેક્સ ઑફિસનો સિમેન્ટ-કોન્ક્રિટ વડે બંધાયેલો મેઇન ગેટ ખૂબ જ પહોળો, મોટો અને ભવ્ય છે. એમાં પ્રવેશતાં કરદાતાઓને હંમેશાં એવું લાગે છે કે તેઓ કસાઈવાડામાં જઈ રહ્યા છે. અહીં આવતી ત્યાંના કર્મચારીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો સિવાયની, લગભગ બધી જ વ્યક્તિઓના મનમાં ફફડાટ હોય છે. એમને ભીતિ હોય છે કે આઈટી ઓફિસર એમના રિટર્ન્સમાં વાંધા-વચકાં કાઢશે. એમને વધુ ટેક્સ ભરવા કહેશે. પેનલ્ટી ઠોકી દેશે. આ બધાના જ મનમાં એક વિચાર ઘૂમતો હોય છે, ઑફિસરને કેટલા પૈસા આપવા પડશે? બિપિન જાનીને આજે આવી કોઈ ચિંતા નહોતી, પણ એની જે ચિંતા હતી એ તો સામાન્ય ટેક્સ પેયરો કરતાં પણ અનેકગણી વધારે હતી. નરીમાન પોઇન્ટથી ક્વીન્સ રોડ ઇન્કમટેક્સ ઑફિસ સુધી આવતાં બિપિન જાનીની ટૅક્સીને ત્રણ ટ્રાફિક સિગ્નલો નડ્યા. એ બધા જ સિગ્નલો પાસે એની ટૅક્સી પહોંચી ત્યારે રેડ લાઈટ દર્શાવતા હતા. એ લાલબત્તી બિપિન જાનીની અધીરાઈમાં વધારો કરતી હતી. એ જ્યારે ઇન્કમટેક્સ ઑફિસના મકાનની સામે ટૅક્સીમાંથી ઊતર્યો ત્યારે એના કાંડા પર પહેરેલ રોલેક્સ પ્યૉર ગોલ્ડ ઘડિયાળ એ સમયે બે… ને ચૌદ કલાક દર્શાવતી હતી. હાશકારો અનુભવતાં બિપિન જાનીએ રસ્તો ક્રૉસ કર્યો. ચિઠ્ઠીમાં લખ્યું હતું, ‘૨ઃ૧૫ કલાકે આઈટી ઑફિસના મેઇન ગેટ પાસે પહોંચ.’ તેઓ એક મિનિટ વહેલા હતા.

મારે શું આ મેઇન ગેટના સૌથી નીચેનાં પગથિયાં પાસે ઊભા રહેવું જોઈએ કે આઠ પગથિયાં ચઢીને ઉપર બિલ્ડિંગના દરવાજા આગળ ઊભા રહેવું જોઈએ? બિપિન જાની આવો વિચાર કરતો હતો એટલામાં ઉપર પગથિયાં ચઢીને મેઇન ગેટના દરવાજા આગળ ઊભેલા અટલને એણે એને સ્મિત આપતો જોયો. આ અટલ અત્યારે અહીં શું કરે છે? સત્યેન શાહે મને અહીં બોલાવ્યો છે એ વાતની એને જાણ થઈ ગઈ હશે? ના… ના. અટલને આ વાતની જાણ કેમ કરતાં થાય? પણ તો પછી બરાબર આ જ સમયે અને આઈટી ઑફિસના મેઇન ગેટ પાસે જ અટલ કેમ ઊભો છે? મને જોઈને સ્મિત કેમ આપી રહ્યો છે? શું અટલ સત્યેન શાહનો મોકલાવેલ તો નહીં હોય? કદાચ હોઈ પણ શકે એટલે જ તો અટલે પેલી ચાર સ્ત્રીઓએ સત્યેન શાહની જે બદનક્ષી કરી છે એ માટે પબ્લિક ઇન્ટ્રેસ્ટ લિટિગેશન દાખલ કર્યું છે અને એટલે જ સાલાએ આરજેની જય જનતા પાર્ટી વિરુદ્ધ કેસો દાખલ કર્યા છે. પાર્ટીનાં બૅન્ક એકાઉન્ટ્સ સ્થગિત કરવાની માગણી કરી છે. ઇન્ડિપેન્ડન્ટ ઑડિટર નીમવાનું પણ જણાવ્યું છે. આરજેના પાસપોર્ટને જપ્ત કરવો જોઈએ એવું પણ જણાવ્યું છે. નક્કી સત્યેન અને અટલ બંને ભેગા મળીને કામ કરે છે, પણ આ સત્યેન શાહે આમ મારી સામે અને મારાં સગાંવહાલાં અને ખુદ આરજેના પાછલા આઈટી રિટર્ન્સ ખોલાવવાની નોટિસો કેવી રીતે મોકલાવી હશે. સાલો સત્યેન પણ જબરો ખેલાડી છે. આઈટી ઓફિસરોને, જે લોકો અમારા માણસો છે, અમારું ખાય છે એમને પણ એણે ફરજ પાડી કે અમને નોટિસો મોકલાવે. નક્કી અટલને સત્યેને જ મોકલાવ્યો હશે. એ હવે શું કરશે? મને ધમકી આપશે? પેલી ચાર સ્ત્રીઓના કેસ હું ન લડું એવું જણાવશે? મારી આંગળથી પૈસા પડાવવા માગશે? શું કરશે? આ અટલ આજે અહીં મને શું કહેશે? સત્યેન શાહની શું ચાલ છે? આવા આવા વિચારો કરતો બિપિન જાની જેવો ઇન્કમટૅક્સ ઑફિસનાં પગથિયાં ચઢીને એના મુખ્ય દ્વાર આગળ અટલની પાસે પહોંચ્યો કે પાછળથી એક સ્ત્રીએ એને બૂમ મારી ઃ

‘મિસ્ટર બિપિન જાની…’

બિપિન જાનીના આગળ વધતા પગ થંભી ગયા. અરે, આ તો પેલી રિપોર્ટર જાગૃતિનો અવાજ. માંજરો શું છે? મારી સામે એક રિપોર્ટર. મારી પાછળ પણ એક રિપોર્ટર. બિપિન જાની એકદમ ફરી ગયો. એની તરફ આવવા માટે પગથિયાં ચડતાં ચડતાં જ

જાગૃતિએ ખુલાસો કર્યોેઃ

‘સર, ટૅક્સીમાં તમારી ઑફિસ પર જ જતી હતી. અચાનક મારું ધ્યાન આ સામે ઊભેલા મિસ્ટર અટલ ઉપર પડ્યું. પછી મેં જોયું કે તમે એને મળવા જઈ રહ્યા હતા. મને બહુ જ નવાઈ લાગી. હું એ જાણવા આવી છું કે તમે મિસ્ટર અટલ જોડે હાથ નથી મિલાવ્યા ને? પેલી ચાર સ્ત્રીઓ, જેઓનો બચાવ તમે કરી રહ્યા છો એમનો વિશ્વાસઘાત તો નથી કરવાના ને?’ જાગૃતિ હજુ એનું આવું બોલવાનું પૂરું કરે ત્યાં જ અટલના હાથમાંની બ્રિફકેસ ખૂલી ગઈ. જેઓ અહિંસાને પરમો ધર્મ ગણતા હતા, જેમણે ભારતને લોહી રેડ્યા સિવાય આઝાદી અપાવી હતી એવા પૂજ્ય બાપુના ફોટાવાળી ભારતીય ચલણની નોટોની થોકડીઓ એ બ્રિફકેસમાંથી બહાર નીકળીને આઈટી ઑફિસના મેઇન ગેટ ઉપર વેરવિખેર થઈને પડી ગઈ!               (ક્રમશઃ)

——————————

નવલકથાસંગિતાસત્-અસત્સુધીર
Comments (0)
Add Comment