એક ભૂલ ( નવલિકા )

'બસ હવે બહુ થયું. પોતે અહીં નહીં રહે. ગમે ત્યાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવશે

નવલિકા

  • રેખા પટેલ (ડેલાવર) યુએયએ

અમેરિકાના ટેક્સાસ સ્ટેટના હ્યુસ્ટનમાં આવેલા સુગરલેન્ડ નામના વિસ્તારમાં આવેલા પાર્કના સાઇડવૉક પાસે કારમાં બેસીને હાલ સ્પીડ ટિકિટ આપ્યા પછી પેપરવર્ક કરી રહેલા મૂળ પંજાબી ઓફિસર સૂર્યપાલ વિચારોમાં વ્યસ્ત હતા.

આજની આ જનરેશને અવળા માર્ગે દોરવામાં મોટો ફાળો કોનો છે? બાળકો અવળી દિશામાં ચાલી રહ્યા છે,ની બુમરાણ મચાવતા વયસ્કો શું એ વાત તરફ ક્યારેય નજર નાખે છે ખરા કે આના મૂળમાં ક્યાંક આપણે તો નથી ને? સોળ વર્ષની અમેરિકન ટીનેજર યુવતી સ્ટોપ સાઇનને અવગણીને બેફામ કાર ડ્રાઇવ કરી રહી હતી ત્યારે તેની આ ભૂલ બદલ તેને પાછળથી લાલ ભૂરી લાઈટો ઝબકાવી મેં તેને રસ્તાની સાઇડમાં ઊભી રાખી. જ્યારે કારમાંથી ઊતરીને હું તેની પાસે ગયો ત્યારે તેની આંખો ઉપર ચશ્માં ચડાવેલા હતા.

‘મિસ કેન યુ રીમુવ યોર સનગ્લાસીસ? તેના ચહેરાને આંખોને નશામાં છે કે નહીં તે જોવાના ઇરાદાથી મેં તેને ઉતારવા રીક્વેસ્ટ કરી.

થોડી હિચકિચાટ પછી તેણીને ચશ્માં ઉતાર્યા હતા તો તેની રડીને સૂજી ગયેલી આંખો જોતાં કંઈક અઘટિત બની ગયું હોય તેવો મને ભાસ થઈ આવ્યો હતો. આથી જ અવાજમાં નરમાશ લાવી તેને ફરી પૂછ્યું હતું,

‘મેં આઈ હેવ યોર લાઇસન્સ કાર્ડ?’

તેના આપેલા કાર્ડ ઉપર તેનું નામ કોશી ચિતરાયેલું હતું. આથી તરત જ તેને આટલી સ્પીડમાં જવાનું કારણ પૂછ્યું. જવાબમાં તેણે જે જણાવ્યું તે સાંભળતાં મારો ગુસ્સો જરા નરમ પડ્યો.

સવારમાં તે કૉલેજ જવા તૈયાર થઈને રૃમમાંથી બહાર આવી ત્યારે ગઈ રાત્રે નશામાં ધૂર્ત થઈને આવેલી તેની મોમ બહાર સોફામાં ઘોરતી હતી અને તેનો સ્ટેપ ડેડ બીજા દિવસના નશા માટે ઘરમાં પૈસા શોધવા બધું અફડાતફડી કરી રહ્યો હતો. આ બધું કોશી માટે કઈ નવું નહોતું. બંનેની નશાની આ ટેવને કારણે આખું કુટુંબ બરબાદ થઈ ગયું હતું, પરંતુ એક વખત લાગેલી ડ્રગ્સની આ કુટેવ હવે તેમની માટે જીવલેણ બની ગઈ હતી. આ બધામાં આ છોકરીનું જીવન પણ રોળાઈ રહ્યું હતું.

તેને બહાર આવેલી જોઈ તેના સ્ટેપ ડેડે તેના પર્સ તરફ ઝાપટ મારી અને તેમાં રહેલા વીસ ડૉલર ખૂંચવી લીધા. એમ કહીને કે કાલે આપી દેશે. કોશીએ આ માટે ના કહેતા પેલાએ ના કહેવાના શબ્દો કહી તેને ધુત્કારી દીધી.

‘બસ હવે બહુ થયું. પોતે અહીં નહીં રહે. ગમે ત્યાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવશે’ વિચારી ગુસ્સામાં કાર ચલાવતી એ પોતાના હાથે ઝલાઈ ગઈ.

તેની આ વ્યથા ભરી કહાની સાંભળતાં બહારથી કડક પરંતુ અંદરથી મુલાયમ મારું હૃદય પીગળી ગયું અને કોણ જાણે આજે પહેલી વાર તે છોકરી ખોટી હતી છતાં તેને માત્ર વૉર્નિંગ આપી જવા દીધી. મેં ખોટું તો નથી કર્યું ને! આવા વિચારોમાં ગરકાવ હતા ત્યાં જ તેમની વૉકીટોકી ઉપર મેસેજ સંભળાયો…

‘સુગરલેન્ડના મધર મેરી ઓટેસ્તિક કૅર સેન્ટર બહાર કોઈ હાથમાં ગન લઈને દોડી રહ્યું છે.’

આવો વોઇસમેલ આવતાની સાથે બધું આટોપી પોલીસ કારની સાઇરન ચાલુ કરી ઓફિસર સૂર્યાએ તેમની કારને સીધી એ દિશામાં ગુમાવી દીધી.

ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી લાઈટની મદદથી તેઓ બે મિનિટમાં તે ઘટના સ્થળે પહોંચી ગયા.

* * *

લાલ રંગની ઇંટોથી બનાવાયેલા બેઠા ઘાટના લાંબા પહોળા કૅર સેન્ટરની આજુબાજુ પથરાયેલી લીલીછમ લૉન અને બંને બાજુ પાણીના ભરાવા માટે બનાવાયેલા નાનાં તળાવો વચમાં ફુવારાઓ જુલાઈ મહિનાની ગરમીમાં ઠંડક પહોંચાડવાની નાકામ કોશિશ કરતા હતા.

ત્યાં જ બાજુમાં બનાવેલા એક પાર્કની સાઈડ ઉપર કોલાહલ સંભળાયો. દૂર પાર્કની એક દીવાલની અંદર કશુંક ચાલી રહ્યા હોવાનો ભાસ થતાં પોલીસ ઓફિસર સૂર્યાએ ગાડીને એ તરફ વાળી લીધી.

બહાર નીકળતાની સાથે સાઈડ બેલ્ટમાં લટકાવેલી પોલીસ ગન હાથમાં લઈ એકદમ તૈયારી સાથે તે દીવાલની આડમાં ધસી ગયા. ત્યાં જ બીજી બે પોલીસ કાર આવીને ઊભી રહી ગઈ. આખું દૃશ્ય જોતાં જણાઈ આવતું કે નક્કી કોઈ આતંકવાદી હાથમાં હથિયાર સાથે છુપાયો હોવો જોઈએ.

ઓફિસર સૂર્યાને પાછળનું દૃશ્ય બરાબર દેખાતું હતું. એક યુવાન હાથમાં એક ગન લઈને ફાયર કરી દઈશ એમ બોલતા આમતેમ દોડતો હતો.

‘પુટ યોર ગન ડાઉન, તારી ગન નાંખી હાથ ઊંચા કરી દે.’ કહી તેને સરેન્ડર થવા હુકમ કરતા રહ્યા.

પેલો તેની આ વાતને દરકાર કર્યા વિના બિલ્ડિંગમાંથી બહાર આવતા એક માણસ તરફ દોડ્યો. આ જોઈ સૂર્યાએ હવામાં ફાયર કર્યું.

‘ઓફિસર પ્લીઝ ડોન્ટ ફાયર’ કહેતા અંદરથી બહાર આવેલા આધેડ માણસે બૂમ મારતો પેલા ગનધારી વ્યક્તિની બાજુમાં આવ્યો. આ બધું જોઈ સૂર્યા સમજી ગયો કે બંને એક જ ટીમમાં હોવા જોઈએ. આજકાલ અહીં હ્યુસ્ટનમાં આવા ગોળીબારમાં ઘણા લોકોને ઈજા થઈ હતી. પોલીસ ખાતું હવે આવા અસામાજિક તત્ત્વોને કારણે ઉશ્કેરાટમાં હતું. નજીકમાં આવેલી મેક્સિકોની બોર્ડરને કારણે બંને તરફનાં જૂથોમાં ભારે અથડામણ રહેતી હતી.

પેલો ૨૨-૨૩ વર્ષનો યુવાન તેના હાથમાંથી ગનને મૂકવા તૈયાર નહોતો સામે અંદરથી બહાર આવેલો આધેડ ૪૭ વર્ષનો કેન્સી તેને હથિયાર નીચે મૂકવા સમજાવી રહ્યો હતો. આ બધી અથડામણથી વધારે કઈ ખરાબ થશે એવા ડરને કારણે ઓફિસર સૂર્યાએ હથિયાર દૂર નાખી દઈને હાથ ઊંચા કરવા બૂમ પાડી. બીજા ઓફિસર પણ ત્યાં આવી ગયા. આ બધાને કારણે પેલા બંને ગભરાઈ ગયા હતા. કદાચ આવી જ સ્થિતિ ઓફિસરની પણ હતી.

કેન્સી સ્થિતિને સમજી ગયો અને નીચે સૂઈ ગયો, હાથ પણ ઊંચા કરી દીધા. છતાં બાજુમાં બેઠેલા ૨૩ વર્ષનો યુવાન તેની વાત ઇગ્નોર કરી રહ્યો હતો. તેને સમજાવતા કેન્સી તેની સામે હાથ લાંબો કરી કંઈક કહેવા ટ્રાય કરવા લાગ્યો. દૂરથી આ બધું જોતાં સૂર્યાને વધારે ડર લાગ્યો અને તેણે તેના પગ ઉપર ગનથી શોટ કર્યો.

આ બધી અફડાતફડીમાં સેન્ટરમાંથી બધા બહાર આવી ગયા. કેન્સી લોહીથી લથપથ લગભગ બેભાન જેવો બની ગયો હતો અને બાજુનો યુવાન તેના માથામાં વાળ ખેંચી રહ્યો હતો. આ જોતા સ્પષ્ટ જણાઈ આવતું હતું કે પેલો યુવાન ઓટેસ્તિક હતો અને તેના કૅર સેન્ટરમાંથી બહાર નીકળી ગયો હતો તેની પાસે જે ગન હતી તે રમકડાંની હતી. તેને બહાર પોતાની જાત ઉપર ચલાવતો હોય તેમ રમતો બહાર આવી ગયો હતો. તેને આમ હાથમાં લઈને દોડાદોડી કરતા જોઈ કોઈએ ૯૧૧ કોલ કર્યો હતો.

તે માનસિક અસ્થિરતાને કારણે ઓફિસરની વાત અને ઓર્ડર સમજતો નહોતો. આવા સમયે કેન્સી જે મેન્ટલ હેલ્થ સેન્ટરનો કૅર ટેકર હતો જે બહાર આવી તેને સમજાવવાની કોશિશ કઈ રહ્યો હતો.

ભૂલથી ગેરસમજના કારણે ચાલેલી ગોળીને કારણે કેન્સીને ભારે તકલીફ પડી.

પોતાની ભૂલ સમજતા ઓફિસર સૂર્યાને ભારે આઘાત લાગી ગયો. અજાણતા પોતાના હાથે ગુનો થતો હતો. સમય અને સંજોગોને કારણે તેને આની કોઈ ભરપાઈ કરાવી પડી નહીં. છતાંય સૂર્યાનો અંતરઆત્મા તેને ડંખતો હતો. એક મેક્સિકન છે એમ સમજીને વાતના મૂળને અજાણ્યા વિના તેનાથી થયેલા ફાયરમાં સ્વસ્થ માણસને કાયમી અપંગ કરી દેવાયાનું દુઃખ તેને ચેન લેવા દેતું નહોતું.

તેની અત્યાર સુધીની કરિયરમાં કેટલાય ગુનેગારો ઉપર ફાયર કર્યા છે તો કેટલાયને ઘાયલ પણ કર્યા છે. છતાં આજે નિર્દોષ ઉપર થયેલો વાર તેના દિલ ઉપર ભારે થઈ પડ્યો હતો. બસ, બહુ થયું આ ગિલ્ટમાંથી બહાર તો નીકળવું રહ્યું. વિચારી એક દિવસે

સેન્ટરમાંથી એક કેન્સીના ઘરનું સરનામું લઈને તેને મળવા નીકળી પડ્યો.

જોડિયાં નાના ઘરોનું આખું નેબરહુડ હતું તેને જોતાં જ લાગતું કે મધ્યમ વર્ગના લોકોનો વસવાટ છે. ઘર નંબર શોધતા સૂર્યા કેન્સીના ઘરના દરવાજે આવી ડોરબેલ દબાવી અદબથી ખૂલવાની રાહ જોતો ઊભો રહ્યો. ત્યાં જ આઠેક વર્ષની લાંબા વાંકડિયા વાળ ધરાવતી એક રૃપકડી છોકરીએ બારણુ ખોલ્યું.

એ દિવસે તે યુનિફોર્મમાં નહોતો આથી પેલી છોકરી જરા પણ ડરી નહોતી. સામે ચબરાકીથી આવવાનું કારણ પૂછવા લાગી. બારણે અવાજ થતો સાંભળી અંદરથી કેન્સીએ સ્પેનિશમાં બૂમ મારી.

‘કર્લી, દરવાજે કોણ છે?’

‘ડેડ, કોઈ અંકલ છે. પછી પ્લીઝ કમ’ કહી આવકાર આપ્યો.

અંદર પ્રવેશતાની સાથે તે આર્થિક પરિસ્થિતિ સમજી ગયો. સાવ સામાન્ય ફર્નિચર અને સજાવટ જોતાં કેન્સીની આવક અને હવે બંધ પડેલી આવકની સ્થિતિ સમજી ગયો.

‘ઓહ ઓફિસર આવો, હવે કઈ બીજો પ્રોબ્લેમ થયો?’

‘ના કેન્સી, તને દિલગીરી વ્યક્ત કરવા આવ્યો છું. મારી અજાણતા થયેલી ભૂલને કારણે તારે ખૂબ સહન કરવાનું થયું. મને માફ કરી દે, હું તારી માટે શું કરી શકું તેમ છું?’ સૂર્યાના અવાજમાં સાચે જ દુઃખ છલકતું હતું.

‘બસ, મારા નસીબમાં આમ જ થવાનું હશે. બાકી હવે મને કર્લીની ચિંતા છે. તેની મા નથી તો બધી જવાબદારી મારી જ છે. જોકે ઓટેસ્તિક કૅર સેન્ટરવાળાએ આ જવાબદારી ઉપાડવાની વાત કરી છે. તમે તમારી ફરજ નિભાવી છે કહી કેન્સીએ તેના તરફથી મન ચોખ્ખું છે એમ બતાવ્યું.

છતાં જરૃર પડે તો ફોન કરવો કહી સૂર્યા પોતાનું કાર્ડ અને પર્સનલ નંબર આપી વિદાય થયા.

આ વાતને બીજા દસ વર્ષ નીકળી ગયા. એક રાત્રે ડ્યુટી ઉપર રહેલા ઓફિસર સૂર્યાને એક બંધ શોપિંગ સેન્ટરના સાઈડવૉક ઉપર બે છોકરા અને એક છોકરીના અવાજ કાને પડતા તેમણે પોલીસ કારને તે તરફ વાળી. બધા ડ્રગ્સ લઈ રહ્યા હતા. કાચની પાતળી ભૂંગળી વડે ડ્રગ્સનો ઉપયોગ કરી રહ્યા હતા. નશાની હાલતમાં બંને છોકરા પેલી છોકરી સાથે જરા વધુ પડતી છૂટછાટ લઈ રહ્યા હતા. બદલામાં પેલી ગાળો બોલાતી હતી.

આવી ગેરપ્રવૃત્તિ થતાં જોઈ ઓફિસર ગુસ્સે ભરાઈ ગયા. તેમને આ ત્રણેવને હાથકડી પહેરાવી વેનમાં બેસાડી દીધા.

બીજા દિવસે નશો ઉતરતાં પેલી છોકરીને પરિસ્થિતિનું ભાન થઈ આવ્યું. તે ઓફિસર સામે તેને છોડી મૂકવા માટે વિનંતી કરવા લાગી.

‘તારું નામ? તારા ડેડીનું નામ અને એડ્રેસ લખાવ’ સૂર્યાએ કરડાકીથી સવાલ કર્યો.

પેલીનો જવાબ સાંભળતાં સૂર્યાના હાથમાંથી પેન સરકીને નીચે પડી ગઈ. કર્લી ઓહ આ શું થઈ ગયું?

તે દિવસે તો તેને થોડી સલાહ આપી સૂર્યાએ તેને છોડી મૂકી. બીજા દિવસે તે કેન્સીને મળવા ઉપાડી ગયો. તે દિવસનું સાફ સુતરું ઘર આજે કબાડી ખાના જેવું બની ગયું હતું. કેન્સી બીમાર હાલતમાં સોફામાં લંબાઈને પડ્યો હતો. આખા ઘરની હાલત ગરીબાઈ કરતાં વધારે ગંદકી ભરી લાગતી હતી. આંખોને લાંબી તાણી કેન્સીએ સૂર્યાને ઓળખી નાખ્યો.

‘ઓહ ઓફિસર, તમે આટલા વર્ષે? બધું બરાબર છે ને? કર્લીએ કોઈ ગુનો કર્યો કે શું?’ તે સમજી ગયો કે કર્લીના કોઈ કારસ્તાન લાગે છે.

‘હા, તેની જ વાત છે. આ શું થઈ ગયું, એક મીઠી છોકરી આજે આ હાલતમાં કેવી રીતે? તે તો કહ્યું હતું કે સેન્ટરવાળા તેનો ખ્યાલ રાખશે.’ સૂર્યાએ ઉતાવળે પૂછી નાખ્યું.

‘હા કહ્યું તો હતું, પરંતુ મારી લાંબી બીમારીમાં કર્લીનો ઝાઝો ખ્યાલ મારાથી રખાતો નહોતો. અવળી સંગતમાં તે ફસાતી ચાલી અને સેન્ટરમાંથી પણ આવક બંધ થઈ ગઈ. આ બધાની વચમાં તે ડ્રગ્સ વેચવા અને લેવા લાગી. એક છોકરાના જીવનને બચાવતા મારી છોકરીનું જીવન બરબાદ થઈ ગયું.’ કહેતા કેન્સી રડી પડ્યો.

કેન્સીનાં આંસુ સૂર્યાની અંદર ઉતરતા ચાલ્યા. સૂર્યાએ ખિસ્સામાંથી ડૉલર્સની થોકડી કાઢી કેન્સીના હાથમાં થમાવી દીધી.

‘ઓફિસર મારે આની જરૃર નથી. બસ, મારી છોકરી જે ડૉલર્સ કમાય છે તે નીતિથી કમાય તેજ મારી ઇચ્છા છે.’

‘કેન્સી એમ જ થશે. બસ, અત્યારે તું આ રાખ, તને કામ લાગશે, કારણ હું કેન્સીને થોડો સમય રીહેબ સેન્ટરમાં લઈ જવાનો છું.’ બોલતા તે ઘરમાંથી નીકળી ગયો.

નજીવા કારણસર કર્લીને એરેસ્ટ કરી ઓફિસર સૂર્યાએ તેને રીહેબ સેન્ટરમાં મોકલી આપી. અહીં તેને ડ્રગ્સની આદતમાંથી સંપૂર્ણપણે મુક્ત થતા બે મહિના લાગ્યા. આ દરમિયાન કેન્સીની તબિયતમાં સુધારો થયો હતો. સૂર્યાની મદદને કારણે તેને પાસેના વૉલમાર્ટ ડિપાર્ટમેન્ટ સ્ટોરના બારણે ખરીદી કર્યા પછી રસીદો ચેક કરવાની સાવ સહેલી નોકરી હતી. જેના બદલામાં મહેનતાણુ મળતું અને કેન્સીના દિવસો ખુશીથી પસાર થવા લાગ્યા.

નશામુક્ત બનેલી કર્લી જ્યારે ઘરે પાછી આવી ત્યારે એના ડેડી અને ઘરની બદલાયેલી હાલતથી ખુશ હતી. હવે એ પણ સ્થાયી અને ખુશહાલ જિંદગીની શોધમાં હતી. ખાસ કઈ ભણતર તો પાસે હતું નહિ આથી કોઈ સામાન્ય નોકરીની તલાશમાં આમતેમ ફરતી રહી. ત્યાં જ એક અઠવાડિયા પછી અચાનક ખુશી તેના ખોળામાં આવી પડી.

એક કવરમાં જોબ માટે ઇન્ટરવ્યૂ લેટર હતો. પાસેના એક રીહેબ સેન્ટરમાં તેને મદદનીશ તરીકે નોકરીનો પત્ર હતો. કેન્સી સમજી ગયો કે ઓફિસર સૂર્યાને કારણે આજની ખુશી જોવા મળી છે. કર્લી માટે આ નોકરી પરફેક્ટ હતી.

અહીં તેને રોજબરોજની જિંદગીમાં નશામાં બેહાલ બનેલી જિંદગીઓ જોવા મળતી. તેમની આવી હાલત જોઈને કદી ફરી આ મોતને હાથમાં પકડવાની ઇચ્છા પણ થતી નહોતી. તેનું હવે એક જ ધ્યેય બની ગયું કે નશામાં ફસાયેલા યુવાનોને આ કુટેવમાંથી બહાર કાઢવા. તેના આ કાર્યમાં હવે કેન્સી અને સૂર્યા પણ બરાબર સાથ આપવા લાગ્યા. બરાબર કારણે આ કાર્યમાં બધાં જ એકબીજાની ભૂલને ભૂલી જઈ એક સાથ હમકદમ બની આજની ભટકી ગયેલી યુવાનીને સીધો રાહ બતાવવા નીકળી પડ્યા.

——————–

નવલિકાયુએસએરેખા પટેલ
Comments (0)
Add Comment