વિષ્ણુ પુરાણ (નવલિકા)

'રેણુકા વહુ!  વિષ્ણુમાં નો પડાય. કાંકરાય નો હોય ત્યાં જળ દેખાડે!
  • જગદીપ ઉપાધ્યાય

વિદુમાએ ભગવાનને નવડાવી ફૂલ ચઢાવ્યા. ધૂપ દીપ કર્યા અને રાબેતા મુજબ ધીમી તાળીઓ પાડતા આરતી શરૃ કરી, ‘ઁ જય જગદીશ હરે….સ્વામી જય જગદીશ હરે….’ આરતી કરતા કરતા હજુ તો પહેલી કડી શરૃ કરી, ‘જો ધ્યાવે ફલ પાવે… દુઃખ બિનસે મનકા.. સ્વામી… દુઃખ બિનસે મનકા.. સુખ સંપત્તિ ઘર આવે…’ ત્યાં ફોનની રિંગ વાગી. આરતી અધવચ્ચે મૂકી નાના દીકરા ભૂદેવની વહુને એમણે બૂમ પાડી, ‘એ… રેણુકા! બેટા! જરા ફોન ઉપાડો તો… કોનો ફોન છે?’ અને પાછી આરતી ગાવા લાગ્યાં, ‘સુખ સંપત્તિ ઘર આવે….. કષ્ટ મિટે તનકા … ઁ જય જગદીશ હરે…’

‘એ તો બા! ફોન લેવા હું જતી જ હતી..’ રેણુકાએ ફોન ઉપાડતા વાત શરૃ કરી.

‘માત પિતા તુમ મેરે…. બેટા! કોનો ફોન છે?’

‘બા! નનકીબેનનો …કીધંુ કે બા પૂજામાં બેઠાં છે. થોડીવાર પછી ફોન કરો…’

‘સારું, બસ કીધુંને કે પછી ફોન કર,,,,, શરણ ગ્રહુ મે કિસકી….. તુમ બિન ઓર ન દુજા….’ વિદુમાએ પૂજા કરી ‘ને વિષ્ણુ પુરાણનો અધ્યાય શરૃ થયો. નનકી હારે ફોન પર વાત કરતા, નનકીએ ફોનમાં સમાચાર આપ્યા કે વિષ્ણુભાઈના અવસાન પછી અમારે ત્રણે ભાઈ-બહેનનો એની મિલકતમાં હક લાગે છે. બેન્કવાળા પાસે એ બધી મિલકતનો કબજો છે. બેંકવાળાનું કહેવું છે કે એણે ઉદ્યોગ માટે ત્રણ કરોડની લોન લીધેલી છે. જો આપણે એ લોન ભરી દઈએ તો તેની મિલકત છૂટી થાય. તો હું તો તૈયાર છું, પણ ભૂદેવ ને કે મોટી બેન રમાને કાંઈ આમાં ભાગ આપવાની ઇચ્છા છે તો જે રકમ આવે એમાં લોનમાં આપેલા ફાળા પ્રમાણે વિષ્ણુભાઈની મિલકતમાં જે-તેનો ભાગ!, બોલો, તમારો અને ભૂદેવનો શું વિચાર છે? કાં ભૂદેવને પૂછીને મને કહો.’

વિદુમાએ વાતનો બંધ વાળતા કહી દીધું, ‘મારે કે ભૂદેવને વિષ્ણુની મિલકતમાંથી નવો પૈસોય નથી જોતો ને તેની લોન પેટે અમારે એક પૈસો ભરવોય નથી. ભૂદેવ હારે કાંઈ વાત કરવી નથી. તમારે બેય બહેનોને જે વહીવટ કરવો હોય એ કરો.’

‘તો લખી દો કે વિષ્ણુભાઈની મિલકતમાંથી અમારે કાંઈ જોતું નથી.’

‘અમારે કાંઈ લખીય દેવું નથી. તમે જાણો ને વિષ્ણુની બેંક જાણે?’

રોજ સવાર પડે ને પૂજા કર્યા પછી વિદુમાં વિષ્ણુ પુરાણ માંડે, ‘રેણુકા વહુ!  વિષ્ણુમાં નો પડાય. કાંકરાય નો હોય ત્યાં જળ દેખાડે! મર્યા પછી કંઈકના થાપા માર્યા હોય ઈ ઉઘરાણીએ આવે તો આપડે ક્યાં દેવા બેસીએ! નાનો હતો ત્યારેય ભાઈબંધ દોસ્તારની પાસેથી પૈસા ઉછીના લઈને એને જ નાસ્તા કરાવે! પછી દે ઈ બીજા! તારા સાસરાની પાસે ઉઘરાણીની લાઇન થાય!’

વિદુમાની ઠાકરની સેવા આ રીતે થાય. પૂજા અર્ચના પછી રોજ સવારમાં આરતી ગવાય, ‘તુમ પુરણ પરમાત્મા……તુમ અંતર્યામી…..સ્વામી તુમ અંતર્યામી… પાર બ્રહ્મ પરમેશ્વર………એ…. એણુકા બટા! જોવો તો ખડકી કોણ ખખડાવે છે?’

રેણુકા હાલતાં હાલતાં જવાબ દે, ‘એ બા…!  એ તો હું જતી જ હતી….’      ‘હ.’

‘કોણ આવ્યું છે? એ જરા વિદુ માસી જોઈ લે ને.’ પછી પાછા શરૃ કરે, ‘પાર બ્રહ્મ પરમેશ્વર……. અને આરતી પૂરી થાય અને વિષ્ણુ પુરાણ શરૃ થાય.

‘દરજીની બાઈ રસીલા આવી હતી, તે શું બકુની ઓઢણીમાં આભલા ટાંકીને દઈ ગઈ?’

‘ હા…. બા! હો! સરસ ટાંક્યા છે.’

‘ તે ઈ શું ઘૂસડ પૂછડ કરતી,તી?’

‘ એ એમ કહેતી હતી કે ઓલ્યા કરીમશા સા’ બ નથી? એની શબાનાને  પી.ટી.સી કૉલેજના કો’ક એની નાતના  પ્રોફેસર સાથે લફરું છે.’

‘તે હશે! રેણુકા…. આપડે વિષ્ણુ જ જુઓને … પહેલી બાઈ બચારી બહુ સારી હતી, પણ એ પહેલી પ્રસૂતિમાં ગઈ. બીજી માથા ફરેલી નીકળી ને બીજા હારે ભાગી ગઈ. આ ત્રીજીને લઈ આવ્યો હતો. કોઈ દી’ મોઢું દેખાડવાય નથી આવ્યો! શું આવે? બધા કહે છે કે વિધર્મીની છોડીને ઘરમાં બેસાડી હતી! હવે અમી હોય કે અમીના ભગવાન જાણે! કહે છે વિષ્ણુના ઘરમાં સારો હાથ મારીને છોકરાને લઈ ને વિદેશ વઈ ગઈ છે. જો ને નનકી ફોનમાં વાત કરતી હતી તેમ મરી ગયો તો કાઈ ચોથી એની ઓળખીતી બાઈ ને ત્યાં! તારા સસરાને કીધુ ં ‘તું કે સાંજને ટાણે સંસાર નો કરો નો કરો…પણ માન્યા નૈ તે આ વિષ્ણુ પાક્યો!’

જોકે વિદુમાની બળતરા સાવ ખોટી નહોતી. વિષ્ણુ નાનપણથી ઊંધી ખોપડીનો હતો. એના બાપા વાવને કાંઠે આવેલા શિવાલયમાં મહાપૂજા કરાવે તો એ વાવના મતવાલામાં ટાંટિયા નાખીને બેઠો હોય ને પાછો કોક ભગતને કહેતો હોય, ‘ત્યાં મંદિરમાં ક્યા ભગવાન છે! આ બધાય ખોટા ચોંટી પડ્યા છે! ભગવાન તો આપણી અંદર છે!’ બધા શિક્ષકોને આદરથી ગુરુજી …ગુરુજી કહીને બોલાવે પણ વી૨        એહ ભણતો હતો ત્યારેય ને પછીય

‘માસ્તરિયા’ કહીને એની વાત કરે ને કહે,  ‘માસ્તરિયા હારામનું ખાય છે.. એકેયમાં તલમાં તેલ નથી!’ ઘેર કોઈ વડીલ આવે તો એને માન આપવા પગે બગે લાગે નહીં, વાર તહેવારે ઉપાવાસ રહે નહીં, સરપંચ પરબત પટેલ કેવા ઓલ દોલ માણસ! એને સળી કરી આવે!, ‘આ વખતે સરકારી  દવાખાનાનું મકાન બાંધવાની ગ્રાન્ટ સારી લઈ આવ્યા છો. કોન્ટ્રાક્ટર હારે કેટલામાં કડદો કરવાના છો?’ કૉલેજમાંય પેપર ફોડી આવતો. એના બધા ભાઈ બંધ એના જેવા જ. એક સારામાં ગણો ખીમચંદ વાણિયાનો છોકરો અરવિંદ.  કૉલેજ પૂરી કરી ને ‘તમે બધા ગામડિયા!,  જુનવાણી માણસો. અમારે પંતુજી થઈને આખી જિંદગી ઢસરડો નથી કરવો. અમે ‘એમ એ.’ ન કરીએ ‘એમ.એ.’ વાળાને નોકરીએ રાખીએ’ એમ હોશિયારી મારતો વિષ્ણુ વાણિયાના છોકરા અરવિંદ હારે મુંબઈ પહોંચી ગયો. ત્યાં કેમેકલનું શીખ્યો ને એમાંથી પછી ભાગીદારીમાં ધંધો આદર્યો ને કહે છે કે ભાગીદારને નવડાવી દીધો. ને આમ સાચા ખોટા કરતા કરતા ઉધોગપતિ થઈ ગયો. પછી તો શેનું સામંુ જુએ? એક વાર એના બાપા ગુજરી ગયા ત્યારે બેસણામાં આવ્યો હતો ને કારજ આમ કરવાનું છે ને તેમ કરવાનું છે એમ સલાહ-સૂચનો દેતો ભૂદેવના હાથમાં પચાસ હજારનો ચેક દાન કરતો હોય તેમ પકડાવી ને કારજમાં આવું છું એમ કહેતો કલાકમાં તો ઊપડી પણ  ગયો. ને એ કલાક્માં તો ‘તું પાથમિક શાળામાં માસ્તર છો તારે કેટલો પગાર છે?  તારે બીજી કઈ આવક છે? જમીનના શું ભાવ ચાલે છે? પાદર ઢુકડું આપણું નાનું ખેતર છે. એમાં મારો ભાગ લાગે. એ વેચો તો મને જાણ કરજો એમ ભૂદેવને કેટલુંય પૂછી ગયો ને કારજને દાડે દેખાય એ બીજા.

‘તુમ કરુણાકે સાગર તુમા પાલન કર્તા સ્વામી….. તુમ  ….. પાલન કર્તા…. મૈ સેવક તુમ સ્વામી…..’

આરતી ગાતાં ગાતાં વળી ફોનની રિંગ વાગતા વિદુમા બોલ્યા, ‘રેણુકા! જુઓ તો બેટા! કોનો ફોન છે?’

‘એ તો બા! ફોન લેવા હું જતી જ હતી,’ રેણુકાએ ફોન ઉપાડતા વાત શરૃ કરી. વળી પૂજા પૂરી થતાં વિદુમાએ પૂછ્યું, ‘રેણુકા! બેટા! કોનો ફોન હતો?’

રેણુકા કહે કે, ‘નનકી બેનનો ફોન હતો કે આજે આવે છે! વિષ્ણુભાઈની મિલકત બારામાં વાત રૃબરૃ જ કરી લેવી છે! એમ કહેતા હતા.’

ફરી વિષ્ણુ પુરાણ શરૃ થયું, ‘હવે અહીં આવીને નનકીને શું કરવું છે. એને કહેવાય નહીં ‘જા….. જ્યાં ગયો હોય ત્યાં… વિષ્ણુ પાસે!  કોને ખબર છે વિષ્ણુ ખરેખર મરી ગયો છે કે પછી…?!’

પણ નનકી તો આવી ભૂદેવને આમ તેમ સમજાવીને સ્કૂલેથી બારોબાર તાલુકે લઈ ગઈ ને ‘મારે કોઈ ભાગ જોતો નથી’ તેવી મતલબનું એફિડેવિટ કરાવી ગઈ. બીજે દિવસે રજા હોવાથી ભૂદેવ ઘેર હતો તે વિદુમાએ આરતી પૂરી થતાં જ વિષ્ણુ પુરાણનો અધ્યાય ખોલતા ભૂદેવ ઉપર ખિજાયાં, ‘હવે બે છોકરાનો બાપ થયો…કે’દી વેવાર શીખીશ? વિષ્ણુની પંચાતમાં તે પડાતા હશે?! નનકીય કાંઈ ઓછી માયા નથી! ભાભી સારુ સાડી લાવી ને છોકરાના હાથમાં પાંચસે રૃપિયા આપતી ગઈ એમાં તું એની વાતોમાં આવી ગયો?’

વિદુમાની વાત સાવ સાચી હતી. નનકી સુખી હતી, પણ વિષ્ણુ જેમ વધુ ને વધુ ધન ભેગું કરવાની વૃતિ એનામાંય અપાર હતી. વિષ્ણુ હારે છાનો સંબંધ રાખતી. એક બે ફિક્સ ડિપોઝિટમાં વિષ્ણુએ નોમિની તરીકે એનું નામ રાખેલું. બેંક મેનેજર વિષ્ણુના કુટુંબી તરીકે તેને જ ઓળખતો ને તે જાણે પોતાનું સ્વજન હોય તેમ તેની સાથે વરતતો. એક બે વાર તો ફિક્સ ડિપોઝિટ રીન્યુ કરવાની થતાં એ રૃબરૃ નનકી પાસે સહી લેવા આવ્યો હતો. એના દ્વારા જ વિષ્ણુના સમાચાર મળ્યા કે તેમનું ડેથ થયું છે. ચાલાક નનકી કુટુંબીઓને જાણ કર્યા વગર સૌથી પહેલી વિષ્ણુને ઘેર પહોંચી ગઈ તો તેના બંગલામાં જ એ બેંક

મેનેજર સાહેબ રહેતા હતા. તેઓએ સમાચાર આપ્યા કે તેઓની તબિયત ઘણા સમયથી નાદુરસ્ત તો હતી. સિમલાની એક સ્ત્રીમિત્ર સાથે તેઓ હમણા રહેતા હતા. વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, મિલકતો તો ઘણી પણ સાચો માણસ એટલે બેંકનું ત્રણ કરોડનું દેવું એને ખટકે. ધંધામાં નફો વધતો ઓછો થાય, પણ ફેક્ટરી બંધ કરવાનો તેઓનો નિર્ણય ઉતાવળિયો હતો. જોકે ફેક્ટરી વેચે તો નહીં નહીં તોય પંદર કરોડ રૃપિયા સાચા. બાકી તો ફિક્સ ડિપોઝિટો, જર-ઝવેરાત, શેર રોકાણો, જમીનમાં રોકાણો, વીમાની રકમો એ બધું ગણતા તેઓને ત્રણ કરોડ તો મનમાંય નહોતા! ચાલાક નનકીએ વાત વાતમાં જાણી લીધું કે વિષ્ણુભાઈને સિમલાની સ્ત્રીમિત્ર સાથે સંબંધ હોવાથી તેની હાલની પત્ની વિદેશ જતી રહી ને વિદેશ જતા પોતાના નામનું બધું ઢસડી-ઉછરડીને  લઈ ગઈ. વિષ્ણુભાઈ છૂટાછેડામાં ઘણુ ખર્ચાયા ત્યારે માંડ કેસ પત્યો, તોય છોકરાની કસ્ટડી તો ન જ મળી. જોકે વિષ્ણુભાઈએ પણ બાઈનો કે છોકરાનો હવેથી એની મિલકતમાં હક્ક હિસ્સો રહેશે નહીં તેવું લખાવી લીધું. તેમની આ સ્ત્રીમિત્ર બહુ સારી હતી. વિષ્ણુભાઈએ તેને નામે કોઈ સિમલાની મિલકત કરી હોય તો. બાકી તો બધું હેમખેમ છે. નનકીએ એ પણ જાણી લીધંુ કે હવે વારસમાં તો તમે કુટુંબીઓ ગણાઓ. નનકીએ જ્યારે પૂછ્યું કે, ‘સર! તમે તો જાણો છો કે તેમની જોડે કુટુંબમાંથી એક માત્ર હું જ સંબંધ રાખતી હતી.’ તો બેંક મેનેજરે જણાવ્યું કે, ‘તમારી બધી વાત સાચી પણ વારસાઈ આંબા પ્રમાણે તમારે તમારા અન્ય ભાઈ-બહેનોનું એફિડેવિટ તો લાવવું જ પડે! ને ખાસ બેંકનું દેવું ભરપાઈ કરો પછી હું તમારા માટે કંઈક કરી શકું. જોકે કાયદાકીય ગૂંચો તો ઘણી છે, પણ રસ્તો કાઢીશું.’ નનકીએ કોણ જાણે શું સમજૂતી કરી કે બેંક મેનેજરે બેંકના કબજામાં રહેલી, બેંક લોકરમાં રહેલી મિલકતોની ઝેરોક્સ નકલો બતાવી તો એ રકમ જ દસ-બાર કરોડથી વધુ થતી હતી. બેંક મેનેજર રહેતો હતો એ મકાન. ‘

‘આમાં ઓછામાં ઓછી ત્રણ ચાર કરોડની મતા તો ખરી જ ને તમારા ભાગ્ય હોય તો વધુ નીકળે, પણ ઓછી તો નહીં જ.’ – એમ કહી વિશ્વાસુ બેંક મેનેજરે દૂરથી બતાવેલ મકાનમાંની વકીલની હાજરીમાં ખોલી શકાય એ અંગત તિજોરી… નનકીનું મગજ ચક્કર ખાઈ ગયું. ત્રણ કરોડનું દેવું તો કંઈ વિસાતમાં નહોતું! બેંક મેનેજરને કદાચ પાંચ-પચ્ચીસ લાખ કે એથી વધુ આપવા પડે તોય વાંધો નહોતો!

‘વિષય વિકાર મિટાઓ, પાપ હરો દેવા … આરતી પુરી થયા પછી ફરીથી વિષ્ણુ પુરાણ શરૃ થયું હતું. પોતાની નનકીથી મોટી દીકરી રમાની ભાણીનાં લગન વિષે વિદુમા રેણુકાને પૂછતાં હતાં, ‘રેણુકા! રમાએ અને મહીપતરાયે લગન કેવાં કર્યાં?’

રેણુકા કહેતી હતી, ‘બા! બહુ સરસ કર્યાં! ખૂબ કરિયાવર દીધો! બધાં સગાંવહાલાંને સરસ પહેરામણી કરી. અરે બા રાત્રીનાં નૃત્ય પાર્ટી રાખી હતી. નનકીબેને જીજા મહીપતરાય સાથે કાંઈ ડેન્સ કર્યો છે?!’

વિદુમા મર્મમાં કહે, ‘નનકી એમ પોતાના વર જનકરાયને મૂકીને મહીપતરાય હારે ડેન્સ કરવા માંડે એવી કાંઈ હરખપદુડી નથી. નક્કી વિષ્ણુની મિલકતનો લોચો લઈ લેવા ભૂદેવની જેમ મહીપતરાય પાસેથી એફિડેવિટમાં સહી કરાવી ગઈ હશે.’

થયું હતું પણ તેવું જ. નનકી અંગત પણુ દેખાડવા ડેન્સ કરીને અને આઠ દસ લાખ ભાગે આપવાનું કહીને મહીપતરાયને સાક્ષી રાખીને એફિડેવિટમાં મોટીબેન રમાની સહી લઈ ગઈ હતી અને તેની પાસેથી અને તેના ભાઈબંધ પાસેથી ચાલીશ પચાસ લાખ ઉછીના પણ લઈ ગઈ હતી. પોતાના પતિ જનકરાય મામલતદાર હોવાથી એને બાકીની રકમ એકઠી કરવામાં સારા એરિયામાંના એકાદ મકાન કે એક બે પ્લોટ કાઢી નાખવા સિવાય બહુ કાંઈ તકલીફ પડી નહોતી અને એફિડેવિટ, વારસાઈ આંબો, નોટરીએ તૈયાર કરી આપેલા આધારો વગેરે કાગળો અને દેવું ભરપાઈ કરવાની જરૃરી રકમ એ બેંક મેનેજરને આપી આવી હતી. બેંક મેનેજરે દોઢેક માસમાં બધી વિધિ પતીને તેના હાથમાં મોટા ભાગની રકમ આવી જશે તેવી પાક્કી ખાતરી આપી હતી. નનકી રાહ જોતી હતી.

‘તન મન ધન સબા કુછ હૈ તેરા સ્વામી સબકુછ હૈ તેરા….. તેરા તુજકો અર્પણ… ક્યા લાગે…….એ રેણુકા! જુઓ તો બેટા! કોણે સાંકળ ખખડાવી?’

‘એ તો બા હું ખોલવા જાઉં જ છું’ આગંતુકને આવકારો આપીને કહે, ‘મુંબઈથી અરવિંદભાઈ આવ્યા છે તે તમોને મળવા આવ્યા છે.’

‘એ બેસાડ…હમણા આવું જ છું….. તેરા તુજકો અર્પણ…. ક્યા લાગે મેરા!’  મુંબઈથી વતનમાં આવેલા વિષ્ણુના ભાઈબંધ અરવિંદની હાજરીમાં સવારમાં વિષ્ણુ પુરાણનો અલૌકિક અધ્યાય શરૃ થયો હતો.

‘અરવિંદ! કેવું થયું?! વિષ્ણુ બહુ બીમાર રહ્યો. સિમલામાં કોઈ ઓળખીતી બાઈને ત્યાં રહ્યો ને હરિશરણ થયો. બેટા! અમને કીધું હોત તો અમે સેવા ન કરત! અમારે ક્યાં કંઈ જોતું હતું? હું તો આ નનકીનેય કહું છું કે તારો ઘરવાળો મામલતદાર છે તે તારે ક્યાં તાણ બળી છે.  પણ તોય વિષ્ણુનું ત્રણ કરોડનું દેવું માથે લઈને વારસાઈ મેળવવા દોડાદોડી કરે છે. કો’ક બેંક મેનેજર વિષ્ણુના મકાનમાં રહે છે ને બહુ સારો છે. એણે બધા વિષ્ણુની મિલકતના કાગળિયા સાચવ્યા છે તે ઈ નનકીને મદદ કરે છે.’

‘અરે કેવા મિલકતના કાગળિયા?  વિષ્ણુએ તો કંઈકને નવડાવી દીધા. મારાય પચ્ચીશ લાખ મારી ગયો હતો. ને બેંક મેનેજર કેવો સારો? મહા ગઠિયો ને વિષ્ણુનો પૂરો મળતિયો. વાણી તો એવી કે ભલભલાને શીશામાં ઉતારી દે. વિષ્ણુનું દેવું ખરું, પણ વધીને દોઢ કરોડ. હું તો બેંક મેનેજરને ઓળખું. એને ખબર છે કે અરવિંદકાકા એને એની ખુરશી ઊંચો કરીને હેઠો નાખે. મેં એના દ્વારા જ મારા નાણા કઢાવ્યા!’

‘અરે ભાઈ, તો તો તું નનકીને મદદ કરજે.’

‘અરે, વિદુ મા! બેંક મેનેજર એમ કહે કે મરણનો દાખલો મારી પાસે આવી ગયો છે તો એમ માની ન લેવાય! કેવું સિમલા ને કેવી બાઈ ને કેવું હરિશરણ?! વિષ્ણુ તો વિદેશમાં એની ઘરવાળી હારે એય જલસા કરે! ને નનકીને શું મદદ કરું? એ મને મળી પણ બેંક મેનેજર દોઢ મહિનામાં બાકીનું થોડુંઘણુ સગેવગે કરીને ઘરર…કરતો આકાશમાં ઊડી ગયો…. પછી!!’

વિદુમાસી વિષ્ણુ પુરાણનો અધ્યાય પૂરો કરતા બોલ્યા, ‘હશે! શાસ્ત્રમાં લખ્યું છે કે વિષ્ણુ ચોર છે. એની નજીક જનારના પાપ ચોરી જાય છે. બે નંબરી કમાણી એકઠી કરનાર જનકરાય અને એમાં સાથ આપનાર નનકીનું પાપ અમારો આ વિષ્ણુ ચોરી ગયો …બીજું શું?!’

—————————–

જયદીપ ઉપાધ્યાયદીપોત્સવી વિશેષ
Comments (0)
Add Comment