અચાનક મર્સિડીઝ બેન્ઝ પર ફાયરિંગ થતાં સત્યેન શાહ ચોંકી ઊઠ્યા

'હા, મને લાગે છે કે મિસ્ટર સિદ્ધાંતને તમે જ આ બાબતથી વાકેફ કર્ર્યા હશે.'
  • સત્ – અસત્ –  નવલકથા – પ્રકરણ ઃ ૧૯ 

– સંગીતા-સુધીર

તેલ અવીવના ઍરપોર્ટ પરથી જેરુસલેમ જઈ રહેલી મર્સિડીઝ બેન્ઝ કારની પાછલી સીટમાં બેઠાં-બેઠાં સત્યેન શાહ ચારે બાજુ ઇસ્લામધર્મી દેશોથી ઘેરાયેલા હોવા છતાં મક્કમ મનોબળ ધરાવતી ઇઝરાયલની જ્યુ પ્રજા વિશે વિચારે છે. અચાનક તેઓ કારમાં પોતાની સાથે બેઠેલા ઇઝરાયેલ સરકારના ટ્રેઝરર મિસ્ટર અબ્રાહમને ઇઝરાયલ સરકાર તેમની જય જનતા પાર્ટીને શા માટે મદદ કરી રહી છે તેવો સવાલ કરે છે. જાતીય શોષણના આક્ષેપો થતાં પાર્ટીના ટ્રેઝરરપદેથી સત્યેન શાહને બરતરફ કરવા પાછળ પાર્ટીના વડાનું નાટક હોવાનું જણાવતાં અબ્રાહમ દરેક સહાયમાં સ્વાર્થ નથી હોતો તેવો જવાબ વાળે છે. ઇઝરાયલ અને ભારત ઇસ્લામધર્મી દેશોથી ઘેરાયેલા હોવાનું અને બંને દેશોમાં ઇસ્લામધર્મીઓની વસ્તી વધી રહી હોવાનું કબૂલ કરી બંને દેશોની ભૌગોલિક, ધાર્મિક પરિસ્થિતિ, પાડોશી દેશો તરફથી થતાં આક્રમણોની ચર્ચા ચાલે છે. અબ્રાહમ ભારતની રાજકીય પરિસ્થિતિ, નેતાઓના અંગત સ્વાર્થ, મુસ્લિમો માટે બહુમતી હિન્દુઓ સાથે થઈ રહેલા અન્યાય વિશે ચર્ચા કરી રૃલિંગ પાર્ટીની નીતિ ભારતને પાકિસ્તાનનું ગુલામ બનાવી દેશે તેવી દહેશત વ્યક્ત કરે છે. અબ્રાહમની આ વાત સાથે સહમત ન થતાં સત્યેન શાહ ભારતની સહિષ્ણુતાના ગુણગાન ગાય છે. અબ્રાહમ વળતી દલીલ કરીને સેક્યુલારિઝમ વિચારસરણી છેવટે હિન્દુઓને અન્યાય કરશે તેવો ભય દર્શાવે છે. દુનિયામાં ઇસ્લામધર્મીઓની સત્તા વિસ્તરે નહીં માટે જય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હોવાનો અને આમાં બંને દેશોને લાભ હોવાનું અબ્રાહમ તેમને જણાવે છે. જો તેઓ અહીં ન આવ્યા હોત તો રૃલિંગ પાર્ટીએ તેમને જેલમાં બંધ કરી દીધા હોત તેવું અબ્રાહમ સત્યેન શાહને સમજાવે છે. પાર્ટીના પૂર્વ ખજાનચી અને તેના ગાઢ મિત્ર આરજે, એના મળતિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ત્રણેયે ભેગા મળીને ઇઝરાયેલની સરકારે જય જનતા પાર્ટીને કરેલી કરોડો રૃપિયાની સહાયની જે ઉચાપત કરી છે તે પાછા મેળવી તેમને સજા અપાવવા માટે પુરાવા એકઠા કરવાની અબ્રાહમની વાત સત્યેન શાહને સમજાય છે. ત્યાં જ જેરુસલેમની હોટેલ પર પહોંચેલી મર્સિડીઝ કાર પર અચાનક ફાયરિંગ થાય છે. આ તરફ અટલને સાવિત્રી ફોન કરી તાબડતોબ મળવા બોલાવે છે. ત્યાં જ તેને અચલાનો ફોન આવે છે. તે અટલને મિસિસ મયૂરી અને મહેક મોમિનની મુલાકાત લીધી હતી કે કેમ તેવો સવાલ કરે છે. આના જવાબમાં અટલ સત્યેન શાહ નિર્દાેષ હોવાનો પુનરોચ્ચાર કરતાં અચલા ફોન કાપી નાંખે છે અને જાગૃતિને ફોન લગાવીને તેને પણ આ જ સવાલ કરે છે, પરંતુ જાગૃતિ જોશી એનો ગોળગોળ જવાબ આપે છે. આથી અચલા સ્વિમર સુઝન સેલ્વમ, રંજના સેન, રમણી અદનાનીને મળવાનું નક્કી કરે છે. બીજી તરફ મયૂરી પોતે કોઈના કહેવાથી સત્યેન શાહ સામે આક્ષેપો કર્યા હોવાની પતિ મહેશ સમક્ષ કબૂલાત કરે છે. એટલામાં ઘરનો નોકર દોડતો-દોડતો આવીને એક્ટ્રેસ મહેક મોમિન મેડમને મળવા આવ્યાં હોવાની જાણ કરે છે.

હવે આગળ વાંચો…

‘ઓહ હલ્લો, એટલે તમે જ પેલાં યંગ લેડી રિપોર્ટર છો, જેમણે મિસ્ટર સત્યેન શાહની હવસનો ભોગ બનેલી મહેક મોમિનનો ઇન્ટરવ્યૂ કર્યો હતો?’

રંજના સેનના ફ્લેટની ઘંટી વાગતાં એ જાતે જ દરવાજો ખોલવા આવી હતી.

‘તમે કોણ છો?’ એ પ્રશ્નના ઉત્તરમાં જાગૃતિએ પોતાની ઓળખ આપી એટલે એને ઓળખી જતાં રંજનાએ ઉપલો સવાલ કર્યો અને ઉમેર્યું ઃ

‘મને મળવા આવવાનું પ્રયોજન?’

‘એ જણાવવું પડે એમ છે?’

‘ઓહ! તો મેં પેલા હવસખોર ઇન્ડસ્ટ્રિયાલિસ્ટનું કારનામું બહાર પાડ્યું, એણે મારું જે જાતીય શોષણ કર્યું હતું એ જણાવ્યું એના સંદર્ભમાં મને મળવા આવ્યાં છો?’

રંજના સેનને જોતાં જાગૃતિને એ વાતની તો પ્રતીતિ થઈ કે એ સ્ત્રી હજુ પણ એવી હતી કે કોઈ પણ પુરુષની એને જોઈને દાનત બગડે. વર્ષો પહેલાં જ્યારે એની જુવાની હજુ ઓસરી નહીં હોય ત્યારે તો અનેકે એને જોઈને એમની નજર બગાડી હશે, પણ શું ખરેખર સત્યેન શાહે આ સ્ત્રી ઉપર બળાત્કાર કર્યો હશે?

‘નો વન્ડર, તમે એક ઉચ્ચ કક્ષાનાં સર્જક છો અને સનસનાટીભરી નવલકથાઓ લખી શકો છો. તમારી ધારણા સાચી છે.’

‘પણ સત્યેન શાહ વિશે જે કંઈ પણ કહેવાનું હતું એ બધું હું કહી ચૂકી છું.’

‘મને અંદર આવવાનું નહીં કહો? બધી જ વાત આપણે અહીં દરવાજામાં જ ઊભાં ઊભાં કરશું?’

‘ઓહ સૉરી. પ્લીઝ, અંદર આવો.’

રંજના સેનના ફ્લેટમાં પ્રવેશતાં

જાગૃતિએ એક બાહોશ રિપોર્ટર જેમ કરે એમ જ ચારે તરફ નિરીક્ષણ કરીને જોઈ લીધું કે રંજના સારી લેખિકા હતી, પણ એની કમાણી અમેરિકન લેખકો જેવી નહીં હોય. ફ્લેટ સામાન્ય જણાતો હતો. સોફાસેટ ઘણો જૂનો અને ઉપરનાં કવરો ઘસાઈ ગયેલાં હતાં. અભરાઈ ઉપરના ચંદ્રકો, મેરિટ સર્ટિફિકેટ્સ અને સ્પર્ધામાં જીતેલા કપો બહુ જ જૂના જણાતા હતા. એક દીવાલ ઉપર લગાવેલા પાટિયામાં મૂકવામાં આવેલ પુસ્તકો બહુ જ જૂનાં હોય એવું લાગતું હતું અને લાઇબ્રેરીની જેમ એ અભરાઈઓ પુસ્તકોથી ખીચોખીચ ભરેલી નહોતી. ટૂંકમાં, એ લેખિકાનાં વળતાં પાણી દેખાઈ આવતાં હતાં.

‘બેસો. હું તમારા માટે કૉફી બનાવી લાવું. મારો સર્વન્ટ હમણા જ ગયો.’

‘ના, ના, મારે કૉફી નથી પીવી.’

જાગૃતિને ખાતરી હતી કે રંજના સેનનો કોઈ સર્વન્ટ હશે જ નહીં.

‘હા, તો બોલો, અત્યાર સુધી મેં જે કંઈ જણાવ્યું છે એનાથી વધુ શું જાણકારી જોઈએ છે?’

જાગૃતિને એ પૂછવાનું મન થયું કે તમે અત્યાર સુધી જે જાણકારી લોકોને જણાવી છે એનાથી તમને કેટલી પ્રસિદ્ધિ મળી? કોઈ નવા પુસ્તક લખવા માટેની ઑફર મળી? પણ એણે એ પ્રશ્નો પૂછવાનું માંડી વાળતાં રંજના સેનની આંખમાં આંખ પરોવી કહ્યું.

‘આજથી થોડાં વર્ષ પહેલાં તમે એક નવલકથા સર્જી હતી. હું ભૂલતી ન હોઉં તો એનું શીર્ષક ‘લતા’ હતું. તમારી એ નવલકથા ખૂબ જ વખણાઈ હતી. તમને એના સર્જન માટે સાહિત્ય સંસ્થાએ ઍવૉર્ડ અને કૅશ પ્રાઈઝ પણ આપ્યાં હતાં. એમાં એની મુખ્ય નાયિકા ઉપર જે જાતીય શોષણ થાય છે એનું તમે વિગતવાર વર્ણન કર્યું છે.’

‘હા, પણ એનું શું છે?’

‘સત્યેન શાહે તમારા ઉપર જાતીય શોષણ કર્યું હતું એવું જણાવતાં તમે એ બનાવનું વર્ણન બરાબર તમારી નવલકથામાં જેવું કર્યું છે એવું જ કર્યું છે.

‘સો વ્હૉટ?’

‘ના… ના, એટલે હું એ જાણવા માગું છું કે તમારી જાત ઉપર જે વીત્યું હતું એ તમે તમારી નવલકથામાં વર્ણવ્યું છે? કે પછી નવલકથામાં જે લખ્યું છે એવું તમારી ઉપર થયેલા બળાત્કારનું વર્ણન તમે કર્યું છે?

‘હું તમારો પ્રશ્ન સમજી નથી.’ જાગૃતિ શું કહેવા ઇચ્છતી હતી એ રંજના બરાબર કળી ગઈ હતી. આમ છતાં એણે અજાણ હોવાનો દેખાવ કર્યો.

‘કંઈ નહીં, પણ તમે મને સોગન ઉપર કહી શકશો.’

અત્યાર સુધી રંજના સેનની સામે જોઈને બોલી રહેલી જાગૃતિએ હવે એની આંખમાં ત્રાટક જ કર્યું.

‘મિસ્ટર સત્યેન શાહે ખરેખર તમે જે પ્રમાણે પ્રેસને જણાવ્યું છે એ પ્રમાણે જ વર્ષો પહેલાં તમારું જાતીય શોષણ કર્યું હતું?’

આવો બેધડક સવાલ સાંભળીને રંજના સેન અવાક્ થઈ ગઈ.

આજ સુધી કોઈ રિપોર્ટરે, કોઈ વ્યક્તિએ એને આવો સવાલ પૂછ્યો નહોતો. સૌએ એણે જે આક્ષેપ કર્યો છે એ સાચ્ચો જ માની લીધો હતો. રંજના સેનનો આક્ષેપ ખોટો હોઈ શકે એવી શંકા તો કોઈએ સીધી યા આડકતરી રીતે કરી નહોતી. એક સ્ત્રી એનું જાતીય શોષણ થયું છે, એના ઉપર બળાત્કાર થયો છે એવું જણાવે એટલે એ સાચ્ચું જ હોય એવું બધા માની લેતા હોય છે. આ એક જ પત્રકાર એવી હતી, જેણે રંજના સેનના આક્ષેપ બદલ શંકા પ્રદર્શિત કરી હતી. એટલું જ નહીં, એને સોગન ઉપર એવું જણાવવા કહ્યું હતું કે એણે જે આક્ષેપ કર્યો હતો એ સાચો છે.

રંજના સેન થોડીક ક્ષણો સુધી ચૂપ રહી. પછી જાગૃતિની વેધક નજર ટાળીને એના મુખ સામેથી એણે પોતાનું મુખ ફેરવી લીધું.

* * *

અચલા અહીં પણ મોડી પડી. ઓલામાંથી ઊતરી રંજના સેનના બિલ્ડિંગના ત્રીજા માળે એના ફ્લેટ પાસે પહોંચી જાગૃતિની જેમ એણે પણ ફ્લેટની ઘંટડી વગાડી. બે મિનિટ પછી રંજના સેને દરવાજો ખોલ્યો. એની આંખો જોઈ અચલા આશ્ચર્ય પામી ગઈ. ગુસ્સાથી લાલઘૂમ બનેલી રંજના સેનની આંખો અચલા જીરવી ન શકી. મારા આવવા પહેલાં એવું શું બન્યું હશે કે આની આંખોમાંથી આમ અંગાર વરસે છે!

‘યસ?’

‘આપ જ રંજના સેન છો ને?’

‘તે તમે કોના ફ્લેટની ઘંટડી વગાડી છે? દરવાજા ઉપર નેમપ્લેટ લગાડેલી છે એ વંચાતી નથી?’

‘સૉરી… મારો સવાલ સ્વાભાવિક જ હતો. મને ખબર છે કે આ દરવાજા ઉપર ‘રંજના સેન સનસનાટીભરી નવલકથાઓની સર્જક’ એવી નેમપ્લેટ લગાડેલી છે અને આપ જ રંજના સેન હશો.’

‘તો પછી આવો સવાલ કેમ કર્યો? તમે કોણ છો?’

‘મારું નામ અચલા છે. હું એક ફ્રીલાન્સ રિપોર્ટર છું.’

‘તમે જ પેલાં ફેમસ લેડી રિપોર્ટર છો?’

‘હા…’

‘મને કોઈ રિપોર્ટરનું કામ નથી અને હું કોઈ રિપોર્ટરને મળવા નથી માગતી.’

અચલા વધુ કંઈ બોલે એ પહેલાં જ રંજના સેને ગુસ્સામાં એના ફ્લેટનો અડધો ઉઘાડેલો દરવાજો ધડ દઈને બંધ કરી દીધો.

હવે અટલ અને જાગૃતિ ઉપર અચલા ખૂબ ખીજવાઈ ગઈ. નક્કી રંજના સેન પાસે પણ આ બંનેમાંથી કોઈ એક એના આવ્યા પહેલાં જ આવ્યા હશે. એ લોકોએ રંજના સેનને એવું શું કહ્યું હશે કે એ આટલી ગુસ્સામાં હતી અને એને મળવાની તો ના પાડી, પણ એના મોં  ઉપર પોતાના ફ્લેટનો દરવાજો બંધ કરીને એનું આવું અપમાન કર્યું. અચલાને ક્યાંથી ખબર હોય કે જાગૃતિએ ઊલટતપાસ કરવામાં બાહોશ હોય એવા એક પીઢ ઍડ્વોકેટની જેમ રંજના સેનને પ્રશ્નોત્તરી કરીને એવી મૂંઝવી નાખી હતી કે એના પ્રશ્નોના ઉત્તરો ન જડતાં રંજના સેને ગુસ્સાનો આશરો લીધો હતો. રંજના સેનનો ગુસ્સો જાગૃતિએ એટલી હદ સુધી ઉકસાવ્યો હતો કે એ લેખિકાએ મર્યાદાનું ઉલ્લંઘન કરીને જાગૃતિને હાથ પકડીને એના ફ્લેટની બહાર ધકેલી દીધી હતી.

હવે આ જોડી બાકી રહેલી બે સ્ત્રીઓ, સુઝન સેલ્વમ અને રમણી અદનાની પાસે પહોંચે એ પહેલાં મને એમની પાસે પહોંચી જવા દે. નક્કી આ બંનેમાંથી કોઈ એક સ્ત્રી પાસે તેઓ અહીંથી નીકળીને તુરંત જ ગયાં હશે. કોની પાસે ગયાં હશે એ કેમ કળી શકાય? અચલાએ પર્સમાંથી ભારત સરકારે બહાર પાડેલો નવો દસ રૃપિયાનો સિક્કો કાઢ્યો અને ઉછાળ્યો. જો ત્રણ સિંહોના મુખવાળી બાજુ ચત્તી પડશે તો એ લોકો સુઝનને મળવા ગયાં હશે અને દસના આંકડાવાળી બાજુ ચત્તી પડશે તો એ લોકો રમણીને મળવા ગયાં હશે એવું અચલાએ મનોમન ધારી લીધું.

ન્યુટને એની બે નાની-મોટી બિલાડીઓ છૂટથી આવ-જાવ કરી શકે એ માટે દરવાજામાં બે કાણા પાડ્યાં હતાં. એક નાનું નાની બિલાડી માટે અને મોટું મોટી બિલાડી માટે. આટલો મોટો વિજ્ઞાની એ વિચારી ન શક્યો કે બે કાણાની શું જરૃર છે. મોટા કાણામાંથી નાની બિલાડી પણ પસાર થઈ શકે છે. આ જ રીતે અત્યંત બાહોશ અચલા એક સ્ત્રીને અટલ અને બીજી સ્ત્રીને જાગૃતિ મળવા જઈ શકે છે એવું વિચારી ન શકી.

* * *

‘મિસ્ટર સત્યેન…’

ગોળીઓની રમઝટથી અવાક્ બનેલા અને અબ્રાહમ માટે શંકા સેવતા સત્યેને જેવો કારનો અડધો ખોલેલો દરવાજો બંધ કર્યો કે આવા હુમલાઓથી ટેવાઈ ગયેલા અબ્રાહમના ચપળ ડ્રાઇવરે કારને કિંગ ડેવિડ હોટેલના પોર્ચમાંથી બહાર કાઢી કિંગ ડેવિડ સ્ટ્રીટ ઉપર પૂરપાટ દોડાવી મૂકી.

અબ્રાહમે સત્યેનની શંકા દૂર કરતાં એને કહ્યુંઃ ‘મિસ્ટર સત્યેન, આ ગોળીઓ તમારા માટે નહીં, મારા માટે હતી. તમારા માટે તો જો તમે અહીં અમારા દેશમાં આવ્યા ન હોત તો કદાચ ત્યાં જ વરલી સી ફેસ ઉપર ગોળીઓનો વરસાદ વરસતે.’

અબ્રાહમનું કહેવું સાંભળી સત્યેનના મનમાં ઉદ્ભવેલી શંકા દૂર થઈ.

‘હવે?’ એણે પૂછ્યું.

‘હવે કંઈ નહીં. અમને બાતમી તો મળી જ હતી કે મારું કાટલું કાઢી નાખવાનું પડોશી દેશોએ કાવતરું રચ્યું છે. ગમે ત્યારે મારા ઉપર હુમલો થઈ શકે એમ છે. આથી મેં આ નવી બુલેટપ્રૂફ કારનો વપરાશ શરૃ કર્યો છે. મારો આ ડ્રાઇવર જેકબ, એ કંઈ ઑર્ડિનરી ડ્રાઇવર નથી. અમારા કમાન્ડો ટ્રુપનો એ એક બાહોશ સભ્ય છે. નિશાનબાજીમાં એ એક્કો છે અને માર્શલ આર્ટના દાવપેચમાં માહેર છે. તમે જ્યાં સુધી અમારા દેશમાં છો ત્યાં સુધી એ તમારો ડ્રાઇવર જ નહીં, બલકે બૉડીગાર્ડ પણ રહેશે. તમારા માટે પણ એક બીજી આવી જ લેટેસ્ટ બુલેટપ્રૂફ બીએમડબ્લ્યુનો અમે બંદોબસ્ત કર્યો છે. તમારા રહેવા માટે દૂરંદેશી વાપરીને એક બીજી જગ્યાનો પણ બંદોબસ્ત કરી રાખ્યો છે. હા, એ આ કિંગ ડેવિડ જેવી લક્ઝુરિયસ અને હેરિટેજ હોટેલ નથી. જાણીજોઈને ગીચ વિસ્તારમાં જર્જરિત મકાનમાં આવેલ એ એક નાનકડો રૃમ છે. અમારા કમાન્ડોનો એ એક અડ્ડો છે. તમને ત્યાં અગવડ તો પડશે, પણ સલામતી માટે એ જગ્યા ઉત્તમ છે.’

‘સલામતી? મારે માથે અહીંયા પણ જોખમ છે?’

‘તમે એવી વ્યક્તિઓની સામે પડ્યા છો કે દુનિયામાં બધે જ તમારે માથે જોખમ તોળાતું રહેશે. જ્યાં સુધી એ વ્યક્તિઓને ખુલ્લી નહીં પાડો અને કાયદાના હવાલે નહીં કરો ત્યાં સુધી તમારે સાવધ તો રહેવું જ પડશે, પણ ચિંતા નહીં કરો. અમે તમારી દેખરેખ બરાબર રાખશું. જ્યુ જવાંમર્દોની સામે કટ્ટર ઇસ્લામધર્મી આતંકવાદીઓ ટક્યા નથી તો તમારા એ ગુજ્જુ આરજે અને એને આગળ કરનાર દુબઈના ગુંડાનું શું ગજું?’

અબ્રાહમે જણાવ્યા મુજબ સત્યેનને જે બીજી જગ્યામાં ઉતારો આપવામાં આવ્યો હતો એ ખરેખર જ મુંબઈના ભુલેશ્વરમાં આવેલ હરગોવિંદ દેસાઈની વાડીના ખખડધજ બિલ્ડિંગોમાંનું જ એક બિલ્ડિંગ હોય એવું લાગતું હતું. પાંચ માળના એ વિશાળ બિલ્ડિંગમાં ચાર જુદા જુદા દાદરાઓ તો હતા, પણ લિફ્ટ એકેય નહોતી. દાદરાઓ પણ જો સરખી રીતે ધ્યાન રાખીને ચડવામાં ન આવે તો ગબડી પડાય એવા ઠેર ઠેરથી તૂટેલા હતા. ભોંયતળિયે આવેલ રૃમોમાંની અનેકને ગેરકાયદેસર ગોડાઉનમાં ફેરવી નાખવામાં આવી હતી. તો બાકીમાં દુકાનો હતી. મકાન ચોરસ આકારનું હતું. વચ્ચે ખુલ્લો ચોક હતો, જે ગંદકીથી ઉભરાતો હતો. દરેક બાજુએ દસ-દસ રૃમ હતી. પાંચમા માળે રૃમોની સંખ્યા ઓછી હતી. મકાનના ચારેય ખૂણામાં કૉમન ટોઇલેટ્સ હતાં. સત્યેનના સદ્ભાગ્યે ચોથા માળે એને જે રૃમમાં ઉતારો આપવામાં આવ્યો હતો ત્યાં રૃમની અંદર ડબ્લ્યુસી બાથરૃમની સગવડ હતી. એવું જણાતું હતું કે સત્યેન માટે ખાસ આગલા દિવસે જ એ સગવડ ઊભી કરવામાં આવી હતી. એ રૃમની બરાબર બાજુની રૃમને જોડતો એક દરવાજો હતો અને એ બાજુની રૃમમાંથી ઉપર પાંચમે માળે આવેલ રૃમમાં જવા માટે સીલિંગમાં બાકોરું હતું. દાદરો મૂકીને ઉપર જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રૃમમાં પ્રવેશ્યા એટલે અબ્રાહમે દીવાલને લાગીને જે ફોલ્ડિંગ ટેબલ હતું એ ખોલ્યું. અંદર લૅપટૉપ, વાયરલેસ, રેકોર્ડિંગ મશીન આ સઘળું તો હતું, પણ એક એકે-૪૭, એક રાઇફલ, પિસ્તોલ તેમ જ તલવાર અને છરો પણ હતાં.

‘આ બધું શું છે?’ હેબતાઈ જતાં સત્યેને અબ્રાહમને પૂછ્યું.

‘કંઈ નહીં. સંરક્ષણનાં સાધનો છે.’

‘પણ એનો હુમલા માટે ઉપયોગ થાય તો?’

‘એ શક્ય નથી.’

‘કેમ?’

‘તમે ચારે તરફથી અમારા રક્ષકો વડે સુરક્ષિત છો. નીચે ચારેય બાજુએ ગોડાઉનમાં અમારા જ માણસો છે. દરેક મજલે અમારા કમાન્ડો છે. ઉપરના મજલે પણ એક ગાર્ડ તમારા રક્ષણ માટે દિવસ-રાત હાજર રહેશે.’

‘શું મારા પર આટલો બધો ભય ઝઝૂમે છે?’

‘ના. પણ અમે કોઈ પણ જાતનું જોખમ લેવા નથી માગતા. દુશ્મનને ક્યારેય નબળો ગણવો ન જોઈએ. દુબઈમાં બેઠેલો પેલો તૈમૂર નાનોસૂનો ગુંડો નથી. એની પછવાડે બેઠેલા લોકો પણ ખૂબ જ પહોંચેલા જાયન્ટો છે. તમે એમનો ખેલ ખતમ કરવા બહાર પડ્યા છો. પચ્ચીસ હજાર કરોડ રૃપિયાનું કૌભાંડ બહાર પડે એની એમને ફિકર નથી.’

‘શા માટે?’

‘એ કૌભાંડ બહાર પડશે તો રવીન્દ્ર જેસિંગલાલ ભગત અને એમના મળતિયાઓ જેલમાં જશે, પણ જો તમારી પાર્ટી આગલા ઇલેક્શનમાં જીતી જશે અને હાલની તમારી રૃલિંગ પાર્ટી હારી જશે તો એમની બધી ચાલો નિષ્ફળ જશે.’

‘કેવી રીતે?’

‘હાલની રૃલિંગ પાર્ટી તમારા દેશમાં મુસલમાનોને જે પ્રોત્સાહન આપે છે એ તમારી પાર્ટી બંધ કરી દેશે. મુસલમાનોની વધતી જતી તાકાત તમારી પાર્ટી અટકાવી દેશે. એટલું જ નહીં, એને ઘટાડીને એનો નાશ કરશે. સામાન્ય મુસ્લિમો તમારી પાર્ટીનો વિરોધ નહીં કરે. તમારી પાર્ટી મુસલમાનોને વટલાવતી નથી. એમનો ખાત્મો નથી કરતી, બલકી એમને અજ્ઞાનતામાંથી બહાર લાવે છે. પણ કટ્ટરવાદી મુસ્લિમો, જેઓ ઇસ્લામના નામે, જિહાદના નામે, વિશ્વમાં મુસલમાનોનું સામ્રાજ્ય સ્થાપવા ઇચ્છે છે, અન્ય ધર્મીઓનો વિનાશ કરવા ચાહે છે, એમની એ મુરાદ તમારી પાર્ટી બર આવવા નહીં દે. આથી તેઓ તમારી  પાર્ટીને હરાવવા આકાશ-પાતાળ એક કરશે.’

‘ઓહ!’ આખો પ્લાન સમજમાં આવતાં સત્યેનના મુખમાંથી ઉદ્ગાર સરી પડ્યો.

‘આથી જ અમારે તમારી સલામતીની ખૂબ જ કાળજી રાખવાની છે. તમે જ તમારી પાર્ટીમાં એક એવી વ્યક્તિ છો, જે તૈમૂર અને એના ઇશારે નાચતા આરજે અને અન્યોને બેનકાબ કરાવી સજા કરાવી શકશે અને એમના કાર્યને અટકાવી શકશે.’

‘હા, હું એવું કરવા જરૃરથી ઇચ્છું છું, પણ એ કેવી રીતે કરી શકું? શરૃઆત ક્યાંથી અને કેવી રીતે કરવી જોઈએ?’

‘જુઓ, અમને પાક્કા પાયે જાણવા મળ્યું છે કે આરજેએ પોતાના માટે અને એના આખા ફેમિલી એટલે કે એની પત્ની, મા-બાપ અને એકના એક દીકરા માટે અને એની એક બહેન છે એ અને એના હસબન્ડ અને એમનાં બંને બાળકો, આ બધા માટે સાઈપ્રસની સિટિઝનશિપ મેળવી લીધી છે.’

‘શું વાત કરો છો? પણ આમ સાઈપ્રસની સિટિઝનશિપ મેળવવાથી એમને શું ફાયદો?’

‘એના લીધે તેઓ વિશ્વના લગભગ ૧૬૯ દેશમાં વિઝા વગર પ્રવેશી શકે છે. શેંગન દેશોમાં રહી શકે છે.’

‘એમ?’

‘હા, અને આરજેએ તમારી પાર્ટીના ફંડમાં જે પચ્ચીસ હજાર કરોડ રૃપિયાના ગોટાળા કર્યા છે એ બધા એણે સાઈપ્રસ, સ્વિત્ઝરલેન્ડ, સેન્ટ કિટ્સ, સ્પેન, સિંગાપોર, માલ્ટા, પોર્ટુગલ, ગ્રીસ, હોંગકોંગ આમ જુદા જુદા દેશોમાં ટ્રાન્સફર કર્યા છે.’

‘હા, ગોટાળાનો મને અંદાજ આવ્યો હતો, પણ એ આટલો અધધધ મોટો હશે એવું મને નહોતું લાગ્યું. એ બધા પૈસા એણે ઇન્ડિયાની બહાર મોકલી આપ્યા છે એની મને કલ્પના નહોતી.’

‘હજુ પાંચેક હજાર કરોડ રૃપિયા ઇન્ડિયામાં છે. એ પણ આરજે પરદેશમાં મોકલી આપવાની વેતરણમાં છે.’

‘તમારું જાસૂસી ખાતું ખૂબ જ બાહોશ લાગે છે.’

‘વધુ સાંભળો, આરજેનો મળતિયો, તમારી પાર્ટીનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો ગુજરી ગયો. એનો ઇરાદો પણ કુટુંબકબીલા સાથે ઇન્ડિયા છોડીને નાસી જવાનો હતો. એણે પણ આવી બીજા દેશની સિટિઝનશિપ મેળવવાની ગોઠવણ કરી હતી. એના કમભાગ્યે એ અચાનક ગુજરી ગયો. હવે આરજે એના પૈસા પણ હજમ કરી જવા માગે છે.’

‘ખરેખર આવા લોકો પોતાના મિત્રો અને એના કુટુંબીજનોને પણ છેતરવામાં નાનપ નથી અનુભવતા.’

‘અરે આવા લોકો તો જંગલી જાનવરોથી પણ બદતર હોય છે. જાનવરો તો પેટ ભરેલું હોય તો કોઈનો શિકાર નથી કરતાં.’

‘હા, એટલે જ તો વફાદારી માટે લોકો કૂતરા જેવા પ્રાણીનો દાખલો આપે છે.’

‘તમારી પાર્ટીના બીજા થોડા આરજેના મળતિયા પણ આવા જ ઇરાદાઓ ધરાવે છે.’

‘હા, પણ હવે આપણે આ બધું અટકાવશું કેવી રીતે? આ લોકોને ઉઘાડા કેવી રીતે પાડશું?’

‘સૌથી પહેલાં તો આરજેએ ઇન્ડિયામાં જે પાંચ હજાર કરોડ રૃપિયા છુપાવ્યા છે, જે એ બહાર મોકલવાની વેતરણમાં છે એ આપણે અટકાવવા પડશે.’

‘કેવી રીતે?’

‘એ માટે આપણને ઇન્ડિયામાં અને મુંબઈમાં કોઈ ખાતરી લાયક અને બાહોશ માણસના સાથની જરૃર પડશે.’

‘એવો માણસ આપણને મળશે ક્યાં?’

‘મારા ધ્યાનમાં એવો એક માણસ છે.’

‘તમને મારા કરતાં મારા દેશની અને ત્યાંના માણસોની વધારે જાણ છે!’

‘મારી સરકારે મને અમસ્તો એમનો ટ્રેઝરર નથી બનાવ્યો. મિસ્ટર સત્યેન તમને કદાચ ખબર નહીં હોય, પણ દેશનો ટ્રેઝરર બન્યો એ પહેલાં હું અમારા ગુપ્તચર ખાતામાં ટ્રેઝરર હતો.’

‘એમ?’ અબ્રાહમની કારકિર્દીથી અજાણ સત્યેન આશ્ચર્ય પામ્યો.

‘અમે તમારી પાર્ટીને ફક્ત પૈસા આપી અપાવીને છૂટી નથી જતા. એ પૈસા ક્યાં છે? એ જે કામ માટે આપવામાં આવ્યા હોય એ માટે જ એનો ઉપયોગ થાય છે કે નહીં એની પણ અમે ચોકસાઈ રાખીએ છીએ.’

‘ઓહ!’ સત્યેન થોડો આશ્ચર્ય પામ્યો.

‘આથી જ અમને આટલી મોટી ઘાલમેલની જાણ થઈ. તમારી પાર્ટીમાં તમે અને પાર્ટીના લીડર મિસ્ટર સિદ્ધાંત બે જ અમને એવા જણાયા કે જેઓ નિષ્ઠાપૂર્વક પાર્ટીના સિદ્ધાંતોને વળગી રહી, દેશનું ભલું કરવા ઇચ્છે છે.’

‘ઓહ! થેન્ક યુ.’

‘પણ મિસ્ટર સિદ્ધાંત તમારા જેટલા હિંમતવાન, ડેરિંગબાજ નથી. આથી અમે તમને કૉન્ફિડન્સમાં લઈને આરજેની બધી વાત જણાવી. એને કારણે તમે પાર્ટીના હિસાબો ઑડિટ કરવાનું સૂચન કર્યું અને આરજે ગભરાયો. તૈમૂરે તમારું કાટલું કાઢી નાખવા માટે પેંતરો રચ્યો.’

‘મારી સામે જાતીય શોષણના જે ખોટા આક્ષેપો પાંચ પાંચ સ્ત્રીઓએ કર્યા એ મારી વિરુદ્ધ એ લોકોનો પેંતરો હતો એની જાણ મને તરત જ થઈ ગઈ હતી. એટલે જ હું એ વખતે ચૂપ રહ્યો હતો.’

‘એ આક્ષેપો બાદ તૈમૂરે અને આરજેએ જે ધારેલું હતું તેવું જ બન્યું. તમે બદનામ થઈ ગયા. કશે પણ ઊભા રહેવાની તમારા માટે જગ્યા ન રહી. મિસ્ટર સિદ્ધાંત એમની ચાલ સમજી ગયા હતા. એટલે દેખાવ પૂરતા એમણે તમને પાર્ટીમાંથી બરતરફ કર્યા, જેથી તમે આરજેનું કૌભાંડ શોધીને બહાર પાડી શકો.’

‘હા, મને લાગે છે કે મિસ્ટર સિદ્ધાંતને તમે જ આ બાબતથી વાકેફ કર્ર્યા હશે.’

સત્યેનના કથન ઉપર ધ્યાન ન આપતાં અબ્રાહમે એની વાત આગળ ચલાવી.

‘તમે તમારા ઉપર થયેલા આક્ષેપો ખોટા છે એ વિશે અને આરજેના કૌભાંડ વિશે જણાવવાના હતા એટલે તમારા જાનનું જોખમ ઊભું થયું. આથી જ અમારે તમને અહીં બોલાવી લેવા પડ્યા.’

આખી વાતનો ખુલાસો કરતાં અબ્રાહમે સત્યેન જોડે પેટછૂટી વાત કરી. ત્યાર બાદ તૈમૂર અને આરજેના સંબંધો, કાવાદાવા, તૈમૂરના ઇરાદાઓ, આરજેની મહેચ્છાઓ, આરજેએ પાર્ટીનું આટલું મોટું ફંડ કેવી રીતે ઉચાપત કર્યું, એ માટે એણે કેવાં કેવાં કાળાં-ધોળાં કર્યાં, આ બધું જ અબ્રાહમે સત્યેનને જણાવ્યું.

‘હા, પણ હવે મુંબઈનો ખાતરીલાયક અને બાહોશ માણસ જે તમારી જાણમાં છે એ કોણ છે?’ સત્યેને બધી વાત જાણ્યા બાદ આગળ વધવા માટે જેની જરૃરિયાત હતી એ માણસ છે કોણ એ જાણવા ચાહ્યું.

‘રિપોર્ટર અટલ…’

* * *

‘તું રિપોર્ટર અટલ જ છે ને? જો હોય તો ફક્ત હા પાડ.’

અબ્રાહમે સત્યેનને એની આખી યોજના વિગતવાર સમજાવી. સત્યેનને લાગ્યું કે એ યોજના જો સાંગોપાંગ પાર પડે તો ખરેખર આરજેએ એમની પાર્ટીના જે પૈસા ઉચાપત કર્યા હતા એ બધા પાછા મેળવી શકાય અને આરજે તેમ જ એના મળતિયાઓને જેલ ભેગા કરી શકાય. એટલું જ નહીં, તૈમૂર અને એની પાછળની ઇસ્લામધર્મી વ્યક્તિઓની ચાલને પણ ઊંધી પાડી શકાય. આ બધું કરવા માટે મુંબઈમાં ખાતરીલાયક અને બાહોશ માણસના સાથની ખૂબ જ જરૃર હતી એ પણ સત્યેનને જણાવ્યું અને અટલ એવો માણસ છે એ પણ અબ્રાહમે એને સમજાવ્યું. અટલને સત્યેન શાહ સામે કરવામાં આવેલા આક્ષેપો ખોટા છે એ વાતનો વિશ્વાસ તો હતો જ. એણે પોતે જ સત્યેનને એવું જણાવ્યું હતું. હવે અબ્રાહમે અટલ વિશે બીજી અનેક એવી જાણકારી સત્યેનને આપી, જેના થકી સત્યેનને ખાતરી થઈ કે અટલ ખરેખર બાહોશ હોવાની સાથે સાથે વિશ્વાસ કરી શકાય એવો ખાતરીલાયક માણસ હતો.

અબ્રાહમના કહેવાથી જ સત્યેને એને આપવામાં આવેલ મોબાઇલ ઉપરથી અટલને ફોન કર્યો હતો. પાંચ પાંચ મિનિટના અંતરે કરેલા સત્યેનના પાંચ પાંચ કૉલ અટલે રિસીવ ન કર્યા અને પછી એણે જાતે સત્યેને જે મોબાઇલ ઉપરથી એને કૉલ કર્યો હતો એના ઉપર કૉલ કર્યો. કૉલ અટલનો છે એ જાણતાં જ સત્યેને એ રિસીવ કર્યો અને અટલ કંઈ બોલે એ પહેલાં જ એણે પૂછ્યું હતુંઃ

‘તું રિપોર્ટર અટલ જ છે ને? જો હોય તો ફક્ત હા પાડ.’

‘હું કોણ છું એ હું કહું એ પહેલાં કહો કે તમે કોણ છો? આમ ઇઝરાયલમાંથી પાંચ પાંચ વખત મને કૉલ્સ શા માટે કર્યા છે?’

આજના સમયમાં મોબાઇલ ઉપરથી તમે કૉલ કરો એટલે એ કયા સ્થળેથી કરવામાં આવ્યો છે એ કૉલ રિસીવ કરનારની જાણમાં આવી જાય છે.

‘હું સત્યેન શાહ છું.’

‘વ્હૉટ?’ અટલથી ચીસ પડાઈ ગઈ.

‘હા. હું સત્યેન શાહ ઇઝરાયલથી વાત કરું છું. તમારી આજુબાજુ કોઈ છે?’

‘ના, કેમ?’

‘બસ, તો આ કૉલની અને હું તમને જે કહેવા માગું છું એ બધી જ વાતો તમે ગુપ્ત રાખશો એની મને ખાતરી આપો.’

‘શા માટે? એવી કઈ વાત તમે મને કહેવા માગો છો, જે મારે ગુપ્ત રાખવી પડે અને મને એ શા માટે કહેવા માગો છો?’

‘જુઓ, તમે એક સત્યનિષ્ઠ રિપોર્ટર છો. રાષ્ટ્રપ્રેમી છો. આપણા દેશનું કંઈ પણ અહિત થાય એવું તમે નહીં ઇચ્છો.’

‘મિસ્ટર સત્યેન, રાષ્ટ્રપ્રેમ અને દેશનું હિત-અહિત આ બધી વાતો શું છે? તમારી સામે તો જાતીય શોષણના આક્ષેપો છે અને એટલે તમે ગુમ થઈને ઇઝરાયલ પહોંચી ગયા છો.’

‘ના. મારી સામે કરવામાં આવેલા આક્ષેપોને કારણે હું અહીં નથી આવ્યો. મારું અહીં આવવા પાછળનું કારણ ઘણુ ગંભીર છે. અમારે તમને ખૂબ જ ગંભીર અને જવાબદારીભરી કામગીરી સોંપવી છે.’

‘મને?’

‘હા, તમને અને એટલે અમારે તમારી આગળથી ગુપ્તતાની ખાતરી જોઈએ છે.’

‘ખાતરી આપીને હું ગુપ્તતા ન પાળું તો?’

‘વચન આપીને ફરી જાવ એવી વ્યક્તિ તમે નથી. બસ, તમે ખાતરી આપો એટલે અમે તમને જે કામગીરી સોંપવા માગીએ છીએ એ હું સવિસ્તાર જણાવું.’

‘અમે? એટલે તમારી સાથે બીજું કોણ છે અને તમે બીજું જે કાર્ય મારી પાસે કરાવવા માગો છો એ તમારી સામે થયેલા આક્ષેપોને લગતું નથી?’

‘છે અને નથી.’

‘તમે આમ ઉખાણામાં વાત ન કરો.’

‘તમે પણ ચર્ચા લંબાવ્યા કરો છો. ખાતરી નથી આપતા. તમને મારામાં વિશ્વાસ નથી.’

‘છે અને તમે માગો છો એટલે હું ખાતરી આપું છું કે તમે મને જે વાત જણાવશો એ ગુપ્ત રહેશે. તમે જણાવેલ કાર્ય હું કરું કે નહીં એની ખાતરી નથી આપતો, પણ ગુપ્તતાની ખાતરી જરૃરથી આપું છું.’

‘થેન્ક યુ.’

સત્યેને ત્યાર બાદ લગભગ એકાદ કલાક સુધી અટલ જોડે મોબાઇલ ઉપર વાત કરી. સત્યેનનાં વાક્યે વાક્યે અટલ ચોંકતો ગયો. આખરે એણે પૂછ્યું ઃ

‘તો હવે મારે શરૃઆત ક્યાંથી અને કેવી રીતે કરવાની છે?’

‘આવતી કાલે લંડનથી કુરિયર દ્વારા તમને એક પૅકેટ મોકલવામાં આવશે. એમાં  મારા સોલિસિટર મિસ્ટર જોશીને આપવાનો એક કાગળ હશે. એ કાગળ તમે એમને પહોંચાડજો. લંડનથી એ મોકલવામાં આવ્યો છે. એના પુરાવા રૃપે કુરિયર મારફતે મળેલું કવર પણ મિસ્ટર જોશીને દેખાડજો. ત્યાર બાદ તેઓ એમનું કાર્ય શરૃ કરી દેશે. તમારે શું કરવાનું છે એની સૂચનાઓ પણ તમને ઉદ્દેશીને મોકલાવેલા એ કવરમાંના કાગળમાં હશે. હજાર હજાર પાઉન્ડની દસ નોટો પણ એમાં હશે.’

‘એ શા માટે?’

‘ખર્ચા માટે. તમારે જે કાર્ય કરવાનું છે એમાં પુષ્કળ ખર્ચો થશે. તમારા મહેનતાણાની રકમ તો અમે પછીથી આપશું.’

(ક્રમશઃ)

—————–

નવલકથાસત્-અસત્સુધીર-સંગિતા
Comments (0)
Add Comment