હસતાં રહેજો રાજ – રાવણ-દહન – ‘તુમ મુઝે યું જલા ન પાઓગે’

ક્યારેય ડાબા કે જમણા પડખે સૂઈ ન શક્યો
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

વિજયાદશમીના દિવસે લંકાના સમરાંગણમાં ભગવાન રામે અગિયાર તીર એકસાથે છોડી દશાનન રાવણનો વધ કર્યો. દસ બાણથી દસ મસ્તક છેદાયાં અને અગિયારમું બાણ રાવણની નાભિમાં જ્યાં અમરતકૂપ હતો ત્યાં જઈને વાગ્યું અને રાવણ મરાયો.

રાવણનો પુત્ર મેઘનાદ જ્યારે મરાયો ત્યારે પોતાના પતિનું મસ્તક ખોળામાં લઈને મેઘનાદની પત્ની સુલોચના એવું બોલ્યાં હતાં કે, આ યુદ્ધ લક્ષ્મણ અને મેઘનાદ વચ્ચે નહોતું, પરંતુ ઉર્મિલા અને મારી વચ્ચે હતું જેમાં ઉર્મિલાનું તપ જીતી ગયું છે. રાવણે પોતાના સૈન્યના યોદ્ધાઓના અવસાન બાદ તેમની વિધવાઓને રડવાનો મનાઈ હુકમ ફરમાવ્યો ત્યારે સતી મંદોદરી બોલ્યાં હતાં કે, અત્યારે એ વિધવાઓને હુકમ કરીને અટકાવી શકીશું, પરંતુ જ્યારે આપ પણ નહીં હોય ત્યારે મને રડવાની ના પાડનાર પણ કોઈ હશે નહીં.

‘જય માતાજી પથુભા.’ મેં કહ્યું.

‘જય માતાજી લેખક, જય માતાજી.’

‘આજે સૂર્ય પશ્ચિમમાં ઊગ્યો કે શું?’

‘કેમ?’

‘બાપુ… મને બરાબર યાદ છે, એકવાર એક ગ્રાહકે કહ્યું કે ગઈકાલે આપનું લવલી પાન સેન્ટર વહેલું બંધ થઈ ગયું હતું.’

‘અને ત્યારે મેં કહ્યું હતું કે રાત્રીના દસ વાગ્યા પહેલાં મારો ગલ્લો બંધ થાય જ નહીં. આ પથુભાનો પાનનો ગલ્લો છે, કોઈ કો-ઓપરેટિવ બેંક નથી કે ગમે ત્યારે બંધ થઈ જાય.’ પથુભાએ મારી વાત પુરી કરી.

‘યસ…. મને આપનો એ મર્દાનગીભર્યો જવાબ બરાબર યાદ છે.’

‘તો પછી આજે સૂરજનારાયણને આથમણી દિશામાં શા માટે ઉગાડો છો લેખક?’

‘પથુબાનો એ જ ગલ્લો આજ સમી સાંજમાં બંધ થવા જઈ રહ્યો છે એટલે પૂછું છું.’

‘આજે વિજયાદશમી છે. અમારા ક્ષત્રિયો માટે દિવાળી કરતાં પણ દશેરાનું મહત્ત્વ વધારે હોય છે. આજે અમે શસ્ત્રપૂજા કરીએ અને રાત્રે રાવણ-દહન કરીએ.’

‘બાપુ… રાવણના પૂતળા બાળવાથી કશું થવાનું નથી, પરંતુ માણસે પોતાની અંદર રહેલી રાવણવૃત્તિને બાળવાની જરૃર છે.’

‘રાવણવૃત્તિ એટલે?’

‘પરસ્ત્રી ઉપર કુદૃષ્ટિ કરવાની હલકી

વૃત્તિ. આપણા દેશમાં નિર્ભયા પણ નિર્ભય નથી.’

‘રાવણે સીતાજી ઉપર કુદૃષ્ટિ કરી જ નથી. રાવણને બરાબર ખબર હતી કે જ્યાં સુધી મારી માતાને લંકામાં નહીં લાવું ત્યાં સુધી મારા પિતા લંકામાં પધારવાના નથી.’

‘એ તો સૂક્ષ્મ અર્થ થયો, પરંતુ સ્થૂળ અર્થમાં તો રાવણ વિલન છે, ખલનાયક છે.’

‘રાવણ માટે લોકો ભાતભાતની વાતો કરે છે.’

‘એમ તો હાસ્યકારો વિનોદમાં એમ પણ કહે છે કે રાવણ અત્યંત શક્તિશાળી હતો છતાં બે નાનકડા કામ પણ કરી શક્યો નહોતો.’

‘કયા બે કામ?’

‘એક તો રાવણ ક્યારેય ટી શર્ટ પહેરી ન શક્યો, કારણ દસ માથાં આવી જાય એટલા પહોળા ગળાનું ટીશર્ટ કોઈ બનાવી શકે નહીં અને બીજું એ ક્યારેય ડાબા કે જમણા પડખે સૂઈ ન શક્યો.’

‘રાવણ ડાબા કે જમણા પડખે સૂવે તો પલંગમાં હળ પડ્યું હોય એવું લાગે એમ જ ને?’

‘હા…’

‘એમ તો રાવણ એક કામ કરી શક્યો એ આજ સુધી કોઈ કરી શક્યું નથી.’

‘ક્યું કામ?’

‘રાવણ એકલો બેઠો હોય તો પણ ગ્રૂપ ડિસ્કશન કરી શકતો હતો.’

‘બાપુ… એ વાત તમારી સાવ સાચી છે.’

‘ગઈ કાલે રાવણ મારા સપનામાં આવ્યો અને એણે હિન્દી ભાષામાં એક ગીત ગાયું.’

‘રાવણે ગીત ગાયું?’

‘હા… લંકાપતિ રાવણે મારા સપનામાં આવીને ગીત ગાયું જેના શબ્દો સાંભળશો તો લેખક તમે રાવણના ચાહક થઈ જશો.’

‘તો… તો… જરૃર સંભળાવો.’

‘તુમ મુઝે યું જલા ન પાઓગે, ખુદ જલતે હો કામ-ક્રોધમેં તુમ, તુમ રાવનકો ક્યા જલાઓગે, હા… તુમ મુઝે યું જલા ન પાઓગે…’

‘વાહ… બાપુ… ખૂબ સરસ શબ્દો છે… આગળ સંભળાવો…’

‘આજ રાવનસે રામ ડરતે હૈ, આજ  લક્ષ્મન સીતાકો હરતે હૈ, આજ ઘરઘરમેં છીપે હૈ રાવન, આગ કીતનોકો તુમ લગાઓગે, હા… તુમ મુઝે યું જલા ન પાઓગે…’

‘વાહ…રાવણે લાખ રૃપિયાની વાત કરી છે બાપુ…’

‘રાવણને રાક્ષસ અથવા ખલનાયક સમજનારની સમજણ હજુ કાચી છે. રાવણ જેવો મહાન માણસ આજ દિવસ સુધી કોઈ જન્મ્યો નથી.’

‘મેં આપણી ભાષાના મોટા ગજાના હાસ્ય લેખક વિનોદ ભટ્ટ સાથે ફોનમાં અસંખ્ય વખત વાતો કરી છે. એક દશેરા ઉપર એમણે એક સરસ વાત કરી હતી.’

‘શું વાત કરી હતી?’

‘વિનોદભાઈએ કહ્યું કે એક વિજયાદશમી ઉપર એક શહેરમાં બહુ મોટા મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ હતો. એક નેતાજીના હાથમાં મશાલ હતી. નેતા જેવા રાવણના પૂતળાને સળગાવવા જાય ત્યાં સૌના આશ્ચર્ય વચ્ચે પૂતળું બોલ્યું.’

‘શું બોલ્યું?’

‘પૂતળાએ કહ્યું કે ખબરદાર મને કોઈએ આગ ચાંપી છે તો… મારો વાંક એટલો જ કે મેં પરસ્ત્રી ઉપર કુદૃષ્ટિ કરી હતી. મેં ખરેખર શું કર્યું છે એ તો મારો રામ જાણે છે. છતાં તમારો એ આરોપ હું સ્વીકારું છું અને શરત મૂકંુ છું કે મારા પૂતળાને એ જ વ્યક્તિ આગ ચાંપે જેણે ક્યારેય પરસ્ત્રી ઉપર કુદૃષ્ટિ ન કરી હોય.’

‘વાહ… રાવણ… વાહ..’ પથુભા ગેલમાં આવી ગયા.

‘નેતાજીના હાથમાંથી મશાલ પડી ગઈ, કારણ નેતાજી સમાજના માણસ હતા અને આખા સમાજને પોતાનો સમજતા હતા.’

‘પછી?’

‘એક પછી એક બધા મહેમાનો ઘર ભેગાં થઈ ગયા, કારણ રાવણની શરતમાં ફિટ થાય એવો કોઈ નહોતો.’

‘પછી રાવણ-દહન થયું કે નહીં?’

‘થયું…’

‘કેવી રીતે?’

‘રાવણ-દહનના આયોજકોેએ એક જન્માંધ એવા સુરદાસજીના હાથમાં મશાલ પકડાવી દીધી. એ સુરદાસ ભલે દૃષ્ટિ જ નહોતી પછી કુદૃષ્ટિ કરવાનો સવાલ જ પેદા થાય એમ નહોતું.’

‘વાહ લેખક મઝા કરાવી દીધી.’

‘મઝા તો જ્યોતિન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા, વિનોદ ભટ્ટ, તારક મહેતા, બકુલ ત્રિપાઠી જેવા હાસ્ય લેખકો કરાવતા હતા જે અત્યારે સ્વર્ગમાં બેઠા-બેઠા ઈશ્વરને મઝા કરાવતા હશે.’

‘જે ભગવાનના હાથે નિર્વાણ પામે એ સ્વર્ગમાં જ જાય એ નિર્વિવાદ છે.’

‘તમારી વાત સાંભળ્યા પછી હવે

રાવણ-દહનના કાર્યક્રમમાં જવું નથી.’

‘કેમ?’

‘આપની વાત સાચી છે. જો આપણા મનમાં રહેલા દુર્ગુણ બળે નહીં તો પ્રતિવર્ષ રાવણના પૂતળાને બાળવાનો કોઈ અર્થ નથી.

‘રાવણ મહાન શિવભક્ત હતો, રાવણ મહાન રાજનીતિજ્ઞ હતો.’

‘હા… રાવણના છેલ્લા શ્વાસ ચાલતા હતા ત્યારે ખુદ ભગવાન રામે લક્ષ્મણને કહ્યું હતું કે રાવણ નિર્વાણ પામે એ પહેલાં એમની પાસેથી રાજનીતિ શીખી લે જે, તને ભવિષ્યમાં કામ લાગશે.’ પથુભાએ કહ્યું.

‘રાવણ મહાન કવિ હતો, વિદ્વાન બ્રાહ્મણ હતો, મહાન યોદ્ધો હતો…’

‘રાવણમાં એકમાં જે સદ્ગુણો હતા એ આજ દિવસ સુધી કોઈ એક વ્યક્તિમાં જોવા મળ્યા નથી.’

‘બાપુ… એટલે જ હું કહું છું કે રામ જેવા થવાની વાત તો દૂર રહી, પરંતુ રાવણ થવાનું પણ અત્યારે કોઈનું સામર્થ્ય નથી.’ અમે વિજયાદશમીની સાંજે ‘રાવણ પુરાણ’ પૂરું કર્યું અને મેં ઘર તરફ પ્રયાણ કર્યું.
——————–

જગદીશ ત્રિવેદીરાવન દહનહસતાં રહેજો રાજ.
Comments (0)
Add Comment