અને સૌના આશ્ચર્ય વચ્ચે સત્યેન શાહે પ્રેસ કોન્ફરન્સ બોલાવી

પ્રેસ કૉન્ફરન્સમાં એવી વાતો કરી ન શકાય.

નવલકથાઃ સત્-અસત્ – પ્રકરણઃ ૦૭

લે. – સંગીતા-સુધીર

વહી ગયેલી વાર્તાનો સાર…

મુંબઈમાં મહાલક્ષ્મી રેસકોર્સ પર આવેલી એમેચ્યોર્સ રાઇડર્સ સ્કૂલમાં ઘોડેસવારી માટે જતા સત્યેન શાહ વિશે ત્યાંની સેક્રેટરી રોઝી સાથે ફ્રિલાન્સ રિપોર્ટર અચલા ઠાકોરે પૃચ્છા કરી. સત્યેન શાહે તેનું ક્યારેય જાતીય શોષણ કર્યું છે કે કેમ તેવો પ્રશ્ન કરતાં રોઝી ચોંકી ઊઠી. આ દરમિયાન અચલાએ રોઝી અને સત્યેન શાહનો એક સ્કૂલ ફંક્શન દરમિયાન લીધેલો ફોટો પોતાના મોબાઇલમાં ઝડપી લીધો. રોઝીએ આ માહિતી સત્યેન શાહને આપી. બીજા દિવસે અખબારમાં એ ફોટો પ્રકાશિત કરી પોતાની સામે જાતીય શોષણનો વધુ એક આક્ષેપ કરવામાં આવશે તેવી સત્યેન શાહને ચિંતા થઈ. બીજી તરફ રવિવારે કુટુંબના સભ્યો સાથે બ્રેકફાસ્ટ દરમિયાન પિતા કાંતિલાલે પુત્ર સત્યેન શાહને સમગ્ર મામલે મૌન તોડવા જણાવ્યું. પત્ની સાવિત્રી અને પુત્ર મંથને પણ તેમની વાતમાં સૂર પુરાવ્યો. ન્યુ એરા સ્કૂલમાં હતા ત્યારથી પોતાની રોજનીશી લખતા સત્યેન શાહને તે ડાયરીઓમાં રહેલી વિગતો જાહેર કરવા પરિવારે દબાણ કર્યું.

જોકે, એ ડાયરીઓમાં લખેલી સત્ય વિગતોથી ઘણા બધા પ્રશ્નો ઊભા થવાની સત્યેન શાહને ચિંતા સતાવતી હતી. દરમિયાનમાં આફ્રિકાથી ફોન કરી શશીકાંતે પિતા કાંતિલાલને સત્યેન શાહ વિશે મીડિયામાં આવતી વાતો વિશે પૃચ્છા કરી તાત્કાલિક આક્ષેપોનો રદિયો આપવાની સલાહ આપી. બે બહેનો જ્યોત્સના અને ભાનુમતીએ પણ ફોન કરી આવી જ ફરિયાદ કરી. જેથી સત્યેન શાહે પોતે ઘટતું કરશે તેવી સૌને ધરપત આપી. આ સાથે સત્યેન શાહ પોતાની કંપનીના સોલિસિટર અને અંગત મિત્ર મિસ્ટર જોશી તેમજ કંપનીના સેક્રેટરીઓ તેમજ બિઝનેસ પાર્ટનર્સને મળ્યા. સાંજે ઇવનિંગ વૉક દરમિયાન સત્યેન શાહે જે જણાવ્યું એનાથી સાવિત્રી સડક થઈ ગઈ. આ તરફ રિપોર્ટરોના સર્કલમાં ટાઇગ્રેસતરીકે ઓળખાતી જાંબાઝ પત્રકાર અચલા ઠાકોરને પણ આ કેસમાં રસ પડ્યો હતો, પરંતુ તેને પણ સત્યેન શાહને મળવામાં નિષ્ફળતા સાંપડી હતી. આથી તેણે સંપૂર્ણ ધ્યાન મિસિસ મયૂરી મહેશકુમાર મહેતા ઉપર કેન્દ્રિત કર્યું હતું. જેમાં તેને કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. દરમિયાન અચાનક સત્યેન શાહે અચલાને ફોન કરી બીજા દિવસે સવારે દસ વાગ્યે ઑફિસમાં આવવા જણાવ્યું. સત્યેન શાહે આ રીતે ફોન કરી ઇન્ટરવ્યૂ માટે સમય આપ્યો તેની અચલાને નવાઈ લાગી. જોકે, મુંબઈનાં બધાં જ અખબારો અને મૅગેઝિનોના રિપોર્ટરોને પણ સત્યેન શાહે મળવા માટે બોલાવ્યા હોવાનું અચલાને સાંજે પ્રેસ ક્લબમાંથી જાણવા મળ્યું. બીજી તરફ અંગ્રેજી અખબાર ગુડ આફ્ટરનૂનમાં સત્યેન શાહે કેવી રીતે પોતાનું જાતીય શોષણ કર્યું હતું તે મતલબનો સ્વિમિંગ ચેમ્પિયન સુઝન સેલવમનો ચીફ રિપોર્ટર ડેનિયલે કરેલો ઇન્ટરવ્યૂ વાંચતાં અટલનો સત્યેન શાહ પ્રત્યેનો પક્ષપાત ઓસરવા લાગ્યો હતો. આ બધી મૂંઝવણ વચ્ચે અટલ એ વાતથી બેખબર હતો કે સત્યેન શાહે માત્ર તેને જ નહીં, પરંતુ મુંબઈનાં બધાં જ અખબારોના રિપોર્ટરોની પોતાની ઑફિસમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી.         હવે આગળ વાંચો…

મુંબઈ શહેરના થોડા સમયથી વિકાસ પામેલા બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલ અમેરિકન કૉન્સ્યુલેટની કચેરીની પૂર્વ બાજુએ એક આઠ માળનું અદ્યતન બિલ્ડિંગ હજુ બે વર્ષ પહેલાં જ બંધાઈને પૂરું થયું હતું. કાંતિલાલ અને એમના સુપુત્ર સત્યેન શાહે એમની બધી જ કંપનીઓની ઑફિસો એ ‘એસ.એસ. હાઉસ’ નામ આપેલ એમના બિલ્ડિંગમાં ખસેડી હતી.

સત્યેન શાહની ઑફિસ મકાનના ટોચના આઠમા ફ્લોર પર આવેલી હતી. બે હજાર સ્ક્વેર ફીટની સત્યેનની ઑફિસની સામસામી બાજુએ આવેલી ફ્રેન્ચ વિન્ડોમાંની એકમાંથી સવારનો સૂર્યોદય અને બીજીમાંથી સાંજનો સૂર્યાસ્ત જોઈ શકાતો હતો. સત્યેનની ઑફિસની ભવ્યતા જ એટલી હતી કે એનાથી અંજાઈને ત્યાં આવનારા મુલાકાતીઓ સૌપ્રથમ તો આવી ભવ્ય ઑફિસ ધરાવનારા સત્યેન જોડે શું વાત કરવી, એવું વિચારતાં જ મૂંઝવણમાં પડી જતા.

મકાનના આઠમા માળની ઉપર આવેલ અગાસીમાં હેલિકૉપ્ટરના ઉતરાણ માટે ખાસ હેલિપૅડ બાંધવામાં આવ્યું હતું. જોકે મહારાષ્ટ્ર સરકારે હજુ સુધી ત્યાં હેલિકૉપ્ટર ઉતારવાની પરવાનગી આપી નહોતી. આથી જર્મનીના મ્યુનિક શહેરમાં આવેલ હેલિકૉપ્ટર બનાવતી ડોર્નિયર કંપનીને ખાસ, ફક્ત બે જ વ્યક્તિઓ બેસી શકે એવું, હેલિકૉપ્ટર બનાવવાનો સત્યેન શાહની કંપનીએ જે ઑર્ડર આપ્યો હતો એ બનાવવાનું હમણા મુલતવી રાખવાનું જણાવવામાં આવ્યું હતું.

બિલ્ડિંગના સાતમા માળે એક ભવ્ય મિટિંગ રૃમ હતો. એકસાથે સો વ્યક્તિ ટેબલની ફરતે બેસી શકે અને રાઉન્ડટેબલ કૉન્ફરન્સ યોજાઈ શકે એવું અધધધ ટેબલ એ કૉન્ફરન્સ રૃમમાં મૂકવામાં આવ્યું હતું. જરૃર પડે તો વધારાની સો વ્યક્તિનો પણ એ કૉન્ફરન્સ રૃમમાં સમાવેશ કરી શકાય એમ હતું.

મકાનના ત્રીજા, પાંચમા અને છઠ્ઠા ફ્લોર પર સત્યેન શાહની જુદી જુદી છ કંપનીઓની ઑફિસો હતી. ચોથા ફ્લોર ઉપર કૅન્ટીન હતી. કંપનીના બધા જ સભ્યો ત્યાં સાથે બેસીને ભોજન કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જૈન એટલે કે ચુસ્ત વેજિટેરિયન કર્મચારીઓ માટે જુદું કિચન હતું. જેઓ નૉન-વેજ આરોગતા હોય એમના માટે અલાયદું કિચન હતું. ખૈબર, ગેલોર્ડ અને ક્રીમ સેન્ટરમાં ઉપલબ્ધ વાનગીઓ કરતાં પણ વધુ સ્વાદિષ્ટ વાનગીઓ આ કૅન્ટીનમાં કર્મચારીઓને પીરસવામાં આવતી હતી. એ પણ સબ્સિડાઈઝ્ડ દરે.

પહેલા અને બીજા મજલે સો સો કાર પાર્ક કરી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત, બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં પણ બીજી ચાલીસ કાર પાર્ક કરી શકાય એવી વ્યવસ્થા હતી. કાર પાર્કિંગની સાથે સાથે પહેલા બે મજલાઓ ઉપર સિક્યૉરિટી ગાર્ડની ઑફિસ અને વીસ જેટલા સિક્યૉરિટી ગાર્ડની રહેવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રિસેપ્શન એરિયા હતો. મકાનના પ્રવેશદ્વાર પાસે એક સુંદર ફુવારો અને નાનકડું જપાનીસ ગાર્ડન, જેમાં જપાનીસની ખાસિયત મુજબ એક ધોધ અને નાનકડો લાકડાનો પુલ બાંધવામાં આવ્યો હતો.

એસ.એસ. હાઉસ બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સનું સૌથી સુંદર બિલ્ડિંગ હતું. બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં કોઈ કામસર લોકો આવતા ત્યારે એસ.એસ. હાઉસ જોવા ખાસ જતા.

‘ઑફિસનો મોર્નિંગ અવરનો ટ્રાફિક જો હું થોડો વહેલો નીકળું તો ટાળી શકીશ.’ આવું વિચારતાં સત્યેન શાહ જોડે મુલાકાતનો સમય દસ વાગ્યાનો હતો અને લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં આવેલ એના ઘરેથી સત્યેન શાહની ઑફિસે એની હાર્લી ડેવિડસન મોટરબાઈક ઉપર પહોંચતાં અટલને વધુમાં વધુ પિસ્તાલીસ મિનિટ લાગે એમ હતું. એ છતાં અટલ સવારના આઠ વાગે જ એના ઘરેથી નીકળી પડ્યો. આમાં ટ્રાફિકની સમસ્યા કરતાં અટલની સત્યેન શાહનો ઇન્ટરવ્યૂ કરવાની અધીરાઈ વધુ હતી.

સોમવારની સવારના મુંબઈમાં ટ્રાફિક બીજા દિવસો કરતાં હંમેશાં વધુ હોય છે. એ દિવસે પણ ટ્રાફિક ઘણો હતો, પણ બાઈક ચલાવવામાં કુશળ અટલ ઝિગઝેગ કરતો, આમથી તેમ બાઈક દોડાવતો દોડાવતો આઠને પાંત્રીસે તો સત્યેન શાહના એસ.એસ. હાઉસ આગળ આવી પહોંચ્યો. બાઈકને એણે સિક્યૉરિટી ગાર્ડે દર્શાવેલ આગંતુકો માટે ખાસ ફાળવવામાં આવેલી પાર્કિંગની જગ્યામાં પાર્ક કરી.

‘હું મિસ્ટર સત્યેન શાહને મળવા આવ્યો છું. એમણે મને અપોઇન્ટમૅન્ટ આપી છે.’ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બેઠેલ રિસેપ્શનિસ્ટને અટલે જણાવ્યું.

‘હા, હા, અમને ખબર છે. સાતમા ફ્લોર ઉપર આવેલ કૉન્ફરન્સ રૃમમાં જાઓ.’ રિસેપ્શનિસ્ટ એના બોલવા ઉપરથી પંજાબી યુવતી લાગી.

બહાર સિક્યૉરિટી ગાર્ડ્સ સાઉથ ઇન્ડિયન હતા. રિસેપ્શનિસ્ટ પંજાબી હતી. લિફ્ટમેન મહારાષ્ટ્રીયન હતો. સાતમે માળે કૉન્ફરન્સ રૃમની બહાર ઊભેલ દરવાનો સરદારજી અને ગુરખા હતા.

‘આ સત્યેન શાહે આખા હિન્દુસ્તાનને એની ઑફિસમાં ભેગું કર્યું છે.’ મનોમન આવું વિચારતાં અટલે જેવો કૉન્ફરન્સ રૃમનો દરવાજો ખોલ્યો કે એ આભો બની ગયો. પંદર-વીસ ન્યૂઝપેપરના રિપોર્ટરો તેમ જ એમની જોડે એમના ફોટોગ્રાફરો ત્યાં પહેલેથી જ બેઠેલા હતા. અટલ એ સૌને ઓળખતો હતો. વહેલી સવારના એ બધાને ત્યાં જોઈ અટલને ખૂબ જ આશ્ચર્ય થયું. એનું આ આશ્ચર્ય શમે એ પહેલાં જ અટલને આશ્ચર્યનો એક બીજો આંચકો લાગ્યો. એની પાછળનો કૉન્ફરન્સ રૃમનો દરવાજો ખૂલ્યો. એ અવાજથી અટલે એનો ચહેરો પાછળ ફેરવ્યો. અટલે અચલાને કૉન્ફરન્સ રૃમમાં દાખલ થતી જોઈ.

અટલ અને અચલા, બંનેની ગણના ટોચના રિપોર્ટરો તરીકે થતી હતી. કોણ કોનાથી ચડે એનો વિવાદ અનેક વાર એ બંનેની વચ્ચે તો ઠીક, પરંતુ અન્ય રિપોર્ટરોમાં પણ થતો. બંને બિનધાસ્ત અને સત્યનાં આગ્રહી, કોઈની પણ સાડાબારી ન રાખનારાં રિપોર્ટરો હતાં. સાથે-સાથે બંને જાંબાઝ પણ હતાં. કોઈ સનસનાટીભરી બીના હોય તો એની સત્ય હકીકત શું છે એ જાણવા આ બંને જીવ જોખમમાં મૂકતાં ખચકાતાં નહીં. આ બે એમના રિપોર્ટમાં, એમના ઇન્ટરવ્યૂમાં જે કંઈ પણ લખતાં તંત્રીઓ એ જેમનું તેમ છાપતા. વાચકોને ખાતરી રહેતી કે એ બધી વાતો સોળ આના સાચી છે. સ્વાભાવિક છે કે આ બંને રિપોર્ટરો એકબીજાનાં સ્પર્ધક બની ગયાં હતાં. આથી જ એમનામાં એકબીજા પ્રત્યે પ્રોફેશનલ રાઇવલરી અને પ્રોફેશનલ જેલસી હતી. બંને એકબીજાને હરાવવા અને હંફાવવાનો સતત પ્રયત્ન કરતાં. સામે મળે ત્યારે લળી લળીને, હસી હસીને વાતો કરતાં, પણ અંદરખાનેથી એકબીજાની ઈર્ષા કરતાં. જોકે બંનેને એકબીજાની કામગીરી પ્રત્યે માન પણ હતું.

‘અચલાનું રિપોર્ટિંગ છે? તો તો એમાં કંઈ કહેવાપણુ હોય જ નહીં. બધી જ બાબતો એણે એના રિપોર્ટમાં આવરી લીધી હશે. એણે જે જણાવ્યું હશે એ ખાતરી કર્યા બાદ જ લખ્યું હશે. એમાંનો એક પણ શબ્દ ખોટો હોવાની શક્યતા જ નથી.’

‘અટલે આ ઇન્ટરવ્યૂ કર્યો છે? તો મારે હવે આ વ્યક્તિનો ઇન્ટરવ્યૂ કરવો નકામો છે. જાણવા જેવી અને લખવા જેવી ઝીણામાં ઝીણી વિગતો અટલે જાણીને લખી હશે.’

અટલ અને અચલા બંને એકબીજા પ્રત્યે આવો વિશ્વાસ અને વિચાર ધરાવતાં હતાં આથી જ કોઈ પણ અગત્યની બીના હોય, સનસનાટીભરી ઘટના હોય તો એનું રિપોર્ટિંગ ‘હું સૌપ્રથમ કરું’ એવું આ બંને રિપોર્ટર ઇચ્છતાં.

અટલને એમ જ હતું કે સત્યેન શાહે એને એકલાને જ ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો છે, પણ કૉન્ફરન્સ રૃમમાં મુંબઈના લગભગ બધા જ જાણીતા રિપોર્ટરો ‘ને એમના ફોટોગ્રાફરોને બેઠેલા જોઈને અટલને નવાઈ લાગી. એમાં પાછી અચલા એ બધા રિપોર્ટરોમાં ઉમેરાઈ એટલે અટલને સત્યેન શાહે એને એકલાને ઇન્ટરવ્યૂ માટે નહીં, પણ બધા જ રિપોર્ટરોને આમંત્રીને પ્રેસ કૉન્ફરન્સ બોલાવી છે એની ખાતરી થઈ.

અટલને તો સત્યેન શાહનો સ્વતંત્ર ઇન્ટરવ્યૂ કરવો હતો. એમની જોડે અંગત વાતો કરવી હતી. ખાનગી બાતમીઓ મેળવવી હતી. પ્રેસ કૉન્ફરન્સમાં એવી વાતો કરી ન શકાય. સત્યેન શાહ પ્રેસ કૉન્ફરન્સમાં એવી બાતમીઓ આપે પણ નહીં. અચાનક અટલનું ધ્યાન કૉન્ફરન્સ રૃમની દીવાલ ઉપર ટીંગાડેલા ઘડિયાળ ઉપર ગયું. સત્યેન શાહે ખાસ સ્વિત્ઝરલૅન્ડથી એ મગાવ્યું હતું. એના કાંટાઓ એ સમયે ૮ઃ૫૫નો સમય દર્શાવતા હતા. બરાબર એ સમયે જ એક સેક્રેટરી જેવી જણાતી યુવતીએ અંદરના રૃમમાંથી કૉન્ફરન્સ રૃમમાં આવીને ત્યાં બેઠેલા સૌને ઉદ્દેશીને મોટેથી કહ્યું ઃ

‘મિસ્ટર સત્યેન શાહ વતીથી હું આપ સૌ પ્રેસ રિપોર્ટરોને આવકારું છું. કૉન્ફરન્સનો સમય દસ વાગ્યાનો છે. તેમ છતાં આપ સૌ અહીં આટલા વહેલા આવી પહોંચ્યા છો એ દેખાડી આપે છે કે આપ સૌને મિસ્ટર સત્યેનને મળવાની કેટલી બધી ઉત્કંઠા છે. મિસ્ટર સત્યેન થોડાક મોડા, સાડા દસ વાગે આપ સૌને અહીં મળશે. એ દરમિયાન આપ અમારી મહેમાનગતિ માણો. અંદરના રૃમમાં બ્રેકફાસ્ટ માટે આવો. અમને જાણ છે કે આજે સોમવાર અને વર્કિંગ ડે છે તેમ છતાં અમે આપ સૌનું સ્વાગત કરવા શૅમ્પેન બ્રેકફાસ્ટની ગોઠવણ કરી છે. બંને જાતની વાનગીઓ, વેજિટેરિયન તેમ જ નૉન-વેજિટેરિયન તમારા માટે ઉપલબ્ધ છે. તમે સૌ આરામથી ફ્રેન્ચ પિન્ક શૅમ્પેનનો ટેસ્ટ કરો અને વિવિધ વાનગીઓ આરોગો. સત્યેન શાહ બરાબર સાડા દસ વાગે તમને મળવા આ કૉન્ફરન્સ રૃમમાં આવી પહોંચશે.’ મદિરાથી અન્યોની જેમ રિપોર્ટરોને પણ ખુશ રાખી શકાય છે. મદ્યપાનની જોડે જો ઉત્તમ ખોરાક પીરસવામાં આવે તો સોનામાં સુગંધ ભળે. રિપોર્ટરો ખાઈ-પીને પછી એમના યજમાનના ગુણગાન જ એમના રિપોર્ટમાં લખે. ફ્રેન્ચ શૅમ્પેન અને એમાં પણ પિન્ક, આ સાંભળતાં જ બધા જ રિપોર્ટરો કૉન્ફરન્સ રૃમની પાછળ આવેલ રૃમમાં જવા ધસ્યા.

કૉન્ફરન્સ રૃમના પ્રવેશદ્વારમાંથી દાખલ થતી અચલા અટલને જોઈને અટકી ગઈ. અચલાને ખાતરી તો હતી જ કે આવી પ્રેસ કૉન્ફરન્સમાં સત્યેન શાહ અટલને જરૃરથી આમંત્રશે. અચલાએ અટલને એક સ્મિત આપ્યું. અટલે પણ એને વળતું સ્મિત આપ્યું.

‘ગુડ મોર્નિંગ, અટલ. મને હતું જ કે તું અહીંયા જરૃરથી હશે.’

‘અને મને હતું કે તું અહીંયા જરૃરથી નહીં હોય.’ સત્યેન શાહની ઑફિસમાં અચલાની હાજરી અટલને ખૂંચી હતી. એના શબ્દોમાં એ સ્પષ્ટ જણાઈ આવતું હતું.

‘કેમ, કેમ…? તને શું એવું લાગ્યું હતું કે સત્યેન શાહે તને એકલાને જ પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો છે?’ આંખો નચાવતાં અચલાએ અટલની ટીખળ કરી.

પાંચ ફૂટ, અગિયાર ઇંચની ઊંચાઈ ધરાવતા અટલનું શરીર કસરતબાજ હોવાને લીધે સુઘડ અને સપ્રમાણ હતું. એના શરીરનો રંગ ગોરો ન હતો, પણ ઘઉંવર્ણા અટલની ચામડી ચળકતી હતી. સૌને એ આકર્ષતી હતી. મુખ ઉપરનું અણિયાળું નાક, સદા મલકતા પાતળા હોઠ, પાણીદાર આંખો અને ઉપરની ભરાવદાર ભ્રમરો અટલના ચહેરાને સુંદર બનાવતી હતી. આજકાલના પુરુષોની જેમ અટલે દાઢી વધારી ન હતી. દેખાવડા અટલે આજ સુધી લગ્ન કેમ કર્યાં નહોતાં? એ પ્રશ્ન પ્રેસ ક્લબમાં ભેગા થતા રિપોર્ટરો જ્યારે અટલની હાજરી ન હોય ત્યારે અવારનવાર ચર્ચતા હતા. અટલ વિશે જાતજાતની અટકળો પણ કરતા હતા.

અચલા પણ સુંદર, ભણેલી-ગણેલી, હોશિયાર હતી. રિપોર્ટરોમાં આગવું સ્થાન ધરાવતી હતી. એ પણ હજુ સુધી શા માટે કુંવારી હતી એની અટકળો પણ પ્રેસ ક્લબમાં વારંવાર થતી હતી. અનેક તો એવું પણ વિચારતા હતા કે અટલ અને અચલાએ એક થઈ જવું જોઈએ. એ બંને રિપોર્ટરોની જોડી જો એકમેકથી જોડાય તો પ્રેસ રિપોર્ટરોના ઇતિહાસમાં એ બીના અદ્ભુત બની જાય.

‘હા, મારું એવું જ ધારવું હતું.’ અટલના બોલવામાં એનો અચલા પ્રત્યેનો રોષ ચોખ્ખો જણાઈ આવતો હતો.

‘હા… હા… હા…’ અટલના ગુસ્સાને હાસ્ય દ્વારા અવગણી અટલની વધુ ટીખળ કરતાં અચલાએ કહ્યું ઃ ‘કોઈ પણ બાતમીનું રિપોર્ટિંગ આડુંઅવળું ન થાય, ઇન્ટરવ્યૂ એકદમ પરફેક્ટ થાય અને હા…, તું એમનો ઇન્ટરવ્યૂ બરાબર નહીં કરી શકે એવું જણાતાં જ સત્યેન શાહે મને બોલાવી હશે.’

‘હા, અને તને બોલાવ્યા બાદ સત્યેન શાહને એવું લાગ્યું હશે કે તું પણ એમનો ઇન્ટરવ્યૂ બરાબર કરી નહીં શકે એટલે જ એમણે મુંબઈના બધા જ રિપોર્ટરોને બોલાવ્યા હશે.’ કૉન્ફરન્સ રૃમમાંથી શૅમ્પેન બ્રેકફાસ્ટ કરવા બાજુના રૃમમાં ધસી રહેલા રિપોર્ટરો પ્રત્યે અત્યાર સુધી અચલાનું ધ્યાન ગયું ન હતું. એ તરફ અંગુલીનિર્દેશ કરતાં અટલે કટાક્ષમાં કહ્યું.

અચલાને જાણ હતી કે સત્યેન શાહે એના સિવાય અન્ય પ્રેસ રિપોર્ટરોને પણ આમંત્ર્યા હતા. પ્રેસ કૉન્ફરન્સ બોલાવી હતી. એ રિપોર્ટરોને ત્યાં જોતાં અચલાને આશ્ચર્ય ન થયું. અચલાને આશ્ચર્ય એ વાતનું થયું કે એ બધા જ રિપોર્ટરો સમય કરતાં લગભગ એકાદ કલાક વહેલા આવી પહોંચ્યા હતા. રિપોર્ટરો સામાન્ય રીતે સમયની બાબતમાં પાક્કા હોય છે. તેઓ ભાગ્યે જ કોઈ પ્રેસ કૉન્ફરન્સમાં કે સમારંભમાં મોડા પહોંચતા હોય છે. મોડા પહોંચવાનો ઇજારો તો અભિનેતાઓ અને રાજકારણીઓનો છે, પણ આટલા વહેલા, કૉન્ફરન્સના સમય કરતાં એક કલાક જેટલા વહેલા, આટલા બધા રિપોર્ટરોને આવેલા જોઈને અચલાને આશ્ચર્ય થયું. એને જાણ નહોતી કે કૉન્ફરન્સ પહેલાં સત્યેન શાહ બધા જ રિપોર્ટરોને શૅમ્પેન બ્રેકફાસ્ટ કરાવવા ઇચ્છતા હતા. આથી એમણે જ અટલ અને અચલા જેઓ કોઈ પણ જાતની ફેવર એક્સેપ્ટ કરતાં ન હતાં, એમના સિવાય બીજા સૌને નવ વાગ્યાનો સમય આપ્યો હતો. અચલા પોતે એને આપવામાં આવેલ કૉન્ફરન્સના સમય કરતાં ખૂબ વહેલી આવી હતી, કારણ કે એનો ઇરાદો, જો ચાન્સ મળે તો સત્યેન શાહ જોડે એકાંતમાં વાત કરવાનો હતો.

અટલે ઝડપથી એક નિર્ણય કર્યો.

‘પ્લીઝ એક્સ્યુઝ મી.’ આટલું બોલીને એ કૉન્ફરન્સ રૃમની અંદરની રૃમમાં અન્યો જોડે શૅમ્પેન બ્રેકફાસ્ટ લેવા ન જતાં, વીજળી વેગે કૉન્ફરન્સ રૃમની બહાર નીકળી ગયો.

એના પ્રતિસ્પર્ધીને અચલા વિસ્મયથી તાકતી રહી.

* * *

એસ.એસ. હાઉસના પાર્કિંગ લોટમાંથી એક જ કિક મારીને અટલે એની ભારેખમ હાર્લી ડેવિડસનને વરલી સી ફેસ ઉપર આવેલ સત્યેન શાહના મધુરિમા બંગલા તરફ મારી મૂકી.

‘જો સત્યેન શાહ એણે બોલાવેલ પ્રેસ કૉન્ફરન્સમાં સાડા દસ વાગે આવવાના હોય તો એમના ઘરેથી તેઓ દસ પહેલાં નહીં નીકળે. ચાલ, હું એમને એમના ઘરે જ પકડી પાડું.’

* * *

બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાંથી નીકળી સી લિંક ઉપર બાઈકની મનાઈ હોવાના કારણે શિવાજી પાર્કના રસ્તે થઈને સત્યેન શાહના વરલી સી ફેસ ઉપર આવેલ મધુરિમા બંગલા નજીક હાર્લી ડેવિડસન બાઈક ઉપર પહોંચતાં અટલને માંડ દસ-બાર મિનિટ જ લાગી. જાણે કોઈ મોટરબાઈકની રેસમાં ઊતર્યો ન હોય એમ એણે એની અત્યંત પાવરફુલ બાઈકને સ્પીડ લિમિટની પરવા કર્યા સિવાય દોડાવી હતી. બાઈક દોડાવતાં દોડાવતાં અટલને વિચાર આવ્યો કે, ‘શું સત્યેન શાહના બંગલામાં એને પ્રવેશવા દેવામાં આવશે?’

અઢારમી સદીમાં શહેરની ફરતે બાંધેલા રક્ષણાત્મક કિલ્લામાં પ્રવેશવું જેટલું કઠણ રહેતું એટલું જ, બલકે એનાથી વધુ કઠણ હાલના સમયમાં કોઈ ખ્યાતનામ માણસના બંગલામાં પ્રવેશવાનું હોય છે.

‘જે માણસે મને દિવસો સુધી ઇન્ટરવ્યૂ માટે ટટળાવ્યો અને આખરે આજે બોલાવ્યો એ પણ પ્રેસ કૉન્ફરન્સમાં, એ માણસ મને એકલાને તો મળશે જ નહીં!’

અટલને સત્યેન શાહનો ઇરાદો જ કંઈ જુદો લાગ્યો.

‘જરૃર સત્યેન શાહ સાચી વાત કબૂલવા, જણાવવા ઇચ્છતા નહીં હોય. ફક્ત લોકોની ઉત્કંઠા સંતોષવા એમણે પ્રેસ કૉન્ફરન્સ બોલાવી હશે. પ્રેસ કૉન્ફરન્સમાં તેઓ એક સામાન્ય નનૈયો ભણશે. મને એકલાને નહીં મળે. એમના બંગલામાં પ્રવેશવું સહેલું નહીં હોય. તો પછી શું કરવું? પહેલાંના વખતમાં જેમ કિલ્લામાં પ્રવેશવા દુશ્મનો અંદરના કોઈ માણસને ફોડતા હતા એ જ પ્રમાણે મારે પણ સત્યેન શાહના બંગલામાં પ્રવેશવા માટે અંદરના જ કોઈ માણસને ફોડવો જોઈએ, પણ કયા માણસને ફોડું?’

સત્યેન શાહના બંગલાથી બે બંગલા દૂર અટલે એની મોટરબાઈક પાર્ક કરતાં કરતાં વિચાર્યું. બંગલામાં પ્રવેશવાનો સીધેસીધો પ્રયત્ન ન કરતાં અટલ સામે આવેલ વરલી સી ફેસની પાળી ઉપર બેઠો. ભરતીનો સમય હતો એટલે દરિયાનાં મોજાં વરલી સી ફેસ ઉપર બાંધવામાં આવેલી પાળ તરફ ધસમસતાં અફળાતાં હતાં. એની છાંટો અટલને ભીંજવવા લાગી. અટલ આથી પાળી ઉપરથી ઊભો થયો. ફરીને એણે દરિયા તરફ નજર કરી. દૂર દૂર ક્ષિતિજમાં અટલે માછીમારનું એક વહાણ દરિયાનાં મોજાં ઉપર ઝોલાં ખાતું જોયું. આકાશમાં મુંબઈ માટે આશ્ચર્યજનક ગણાય એટલાં સિગલ્સનું ટોળું ભેગું થયું હતું. આમ તેમ ઊડતાં અને અચાનક દરિયાનાં પાણીમાં ડૂબકી લગાવતાં આ પક્ષીઓએ અટલને નવાઈ પમાડી. બાજુમાં પાળી ઉપર હમણા હમણાથી શહેરમાંથી અદૃશ્ય થઈ ગયેલી એક ચકલી અટલે જોઈ. એણે મનોમન કંઈ વિચાર કર્યો. કોટના ખિસ્સામાંથી કાંસકો કાઢ્યો અને પવન દ્વારા ઊડી રહેલા એના લાંબા વાળને ઓળીને સરખા કર્યા. રૃમાલથી મોઢું લૂછ્યું. કોટને બંને હાથે બંને બાજુથી ખેંચી જરા ટટ્ટાર કર્યો.

અટલને લાગ્યું કે જો એણે મધુરિમામાં પ્રવેશ કરવો હોય તો અભિમન્યુની જેમ જ માના ઉદરમાંથી સાત કોઠા કેમ પસાર કરવા એ શીખીને આવવાની જરૃર હતી. ‘અસંભવ’ જેવો શબ્દ જેમ નેપોલિયનની ડિક્શનરીમાં નહોતો તેમ જ અટલના શબ્દકોશમાં પણ નહોતો, પણ અટલને મધુરિમા બંગલાની સામે ઊભા રહીને એવું જરૃરથી લાગ્યું કે આ બંગલામાં પ્રવેશવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે.

‘હું નક્કામો અહીં આવ્યો. મારે વિચારવું જોઈતું હતું કે સત્યેન શાહના બંગલામાં મારાથી ઘૂસી નહીં શકાય. સૌથી પહેલાં તો બંગલાનો જે ઇલેક્ટ્રોનિક ગેટ છે, અંદર જે સિક્યૉરિટી ગાડ્ર્સ ઊભેલા છે એમને કેવી રીતે પસાર કરવા?’ આવું વિચાર્યા બાદ અટલે વિચાર્યું કે, ‘પ્રેસ કૉન્ફરન્સ તો પ્રેસ કૉન્ફરન્સ, પણ સત્યેન શાહને હું મળું તો ખરો. પ્રેસ કૉન્ફરન્સમાં પણ મારે એમને જે સવાલ કરવા છે એ હું કરી શકીશ અને એના સત્યેન શાહ જે જવાબો આપશે એના પરથી એમની સત્યતા પરખાઈ જશે.’

અટલે આવું વિચારીને પાર્ક કરેલી હાર્લી ડેવિડસન તરફ જવા પગ ઉપાડ્યા અને એણે જોયું કે બસ્સો-ત્રણસો સ્ત્રી-પુરુષોનું એક ટોળું આવી રહ્યું હતું. એમના હાથમાં જાતજાતનાં બૅનર્સ હતાં. ટોળું નજીક આવ્યું અને મધુરિમા બંગલાની બહાર ઊભું રહી ગયું. અટલને હવે એમના હાથમાં જે બૅનર્સ હતાં એ વાંચવાની તક સાંપડી.

‘સત્યેન શાહ મુર્દાબાદ…’

‘સ્ત્રીઓને રંજાડતા પુરુષોને સજા કરો.’

‘સ્ત્રીઓનું જાતીય શોષણ ચલાવી નહીં લેવાય…’

‘સત્યેન શાહની ધરપકડ કરો, જાતીય શોષણ અટકાવો.’

‘સત્યેન શાહ હાય… હાય, જાતીય શોષણ બાય… બાય.’

બૅનરો ઉપરનાં લખાણો વાંચીને અટલ સમજી ગયો કે સત્યેન શાહની વિરુદ્ધનો આ મોરચો છે અને હવે તેઓ સત્યેન શાહના બંગલાની સામે દેખાવો કરશે.

અટલે જોયું કે એના ઓળખીતા બે-ચાર રિપોર્ટરો પણ એમના ફોટોગ્રાફરો જોડે એ ટોળામાં સામેલ હતા. દૂરથી એક ટીવી વૅનને પણ અટલે આવતી જોઈ. હવે ટોળું મધુરિમા આગળ ઊભું રહીને જોરજોરથી સૂત્રો પોકારવા લાગ્યું, ‘સત્યેન શાહ હાય… હાય… સ્ત્રીઓનું જાતીય શોષણ બાય… બાય. સત્યેન શાહ બહાર આવો. તમારું મોઢું કાળું કરાવો.’ ટોળાના લોકોના ઉચ્ચારો પરથી અટલ જાણી ગયો કે એ બધા સિંધી હતા. નક્કી પેલી સિંધી સમાજસેવિકા રમણી અદનાનીએ કરેલા સત્યેન શાહ વિરુદ્ધના આક્ષેપના સમર્થનમાં આ બધા સિંધી લોકો ઊમટી પડ્યા છે. અટલને આ તમાશો જોવામાં રસ પડ્યો. એણે જોયું કે મધુરિમાનો મુખ્ય દરવાજો જે એક ઇલેક્ટ્રોનિક ગેટ હતો એની બાજુમાં માણસોને પ્રવેશવાનો જે સાંકડો દરવાજો હતો એ ખૂલ્યો અને એમાંથી અંદરના બે સિક્યૉરિટી ગાડ્ર્સ અને વેશપરિધાન ઉપરથી લાગતા ત્રણ ડ્રાઇવરો બહાર આવ્યા. એ બધા જ એ ટોળા તરફ ધસ્યા. એેમણે એકબીજાના હાથ પકડીને એક સાંકળ બનાવી અને ટોળાને બંગલાની નજીક આવતું અટકાવવાનો પ્રયાસ કર્યો. એમના આ પ્રયાસથી ટોળું છંછેડાઈ ગયું અને ટોળાએ એ પાંચે જણાને ઘેરી લીધા. ખૂબ મોટી હો-હા મચી ગઈ. અટલે જોયું કે મધુરિમામાં માણસોને પ્રવેશવાનો દરવાજો ખુલ્લો હતો અને એમાં પ્રવેશતાં એ સમયે રોકવાવાળું કોઈ નહોતું. તકનો લાભ લઈ અટલ દોડ્યો. વરલી સી ફેસનો પહોળો રસ્તો એણે ક્ષણવારમાં ક્રોસ કર્યો અને ઝડપથી એ મધુરિમા બંગલામાં ઘૂસી ગયો.

બંગલામાં પ્રવેશતાં જ અટલ આભો બની ગયો. ઊંચી કમ્પાઉન્ડ વૉલ અને તોતિંગ ઇલેક્ટ્રોનિક દરવાજો એની પાછળ શું છે એ બહારના લોકોને જણાવા નહોતા દેતા. સ્પેનિશ વિલાની ઢબથી બંધાયેલા એ બંગલાના કમ્પાઉન્ડમાં સુંદર જાપનીસ ગાર્ડન હતું. એસ.એસ. હાઉસમાં જેવું હતું એવું જ, બલકે એનાથી પણ વધુ સુંદર. મોટા મોટા પથરાઓ વડે ઊભા કરાયેલા પર્વત ઉપરથી ધોધ પડતો હતો અને એ પાણી ઝરણારૃપે વહીને બંગલાના પાછલા ભાગમાં જતું હતું. એની ઉપર એક અત્યંત કળાત્મક જાપનીસ ઢબનો લાકડાનો પુલ બાંધવામાં આવ્યો હતો. એ પુલની બરાબર વચ્ચે એક કિમોનો પહેરલ, હાથમાં ઉઘાડી છત્રી રાખેલ, સુંદર જાપનીસ યુવતીનું પૂતળું હતું. પ્રથમ દૃષ્ટિએ તો એ ખરેખર એક જાપનીસ યુવતી ત્યાં ઊભી હોય એવું જ જણાતું હતું. બંગલામાં પ્રવેશવા માટે જે પ્રવેશદ્વાર હતું એ કમ્બોડિયામાં આવેલા અંગકોર વાટના મંદિરના શિલ્પની યાદ દેવડાવતું હતું. પ્રવેશદ્વારની બરાબર સામે જ રાધા-કૃષ્ણની મૂર્તિ હતી. શ્રીકૃષ્ણના હોઠ ઉપર મુકાયેલ વાંસળી અને બાજુમાં ઊભેલ રાધાનું સ્મિત બંગલામાં પ્રવેશતી કોઈ પણ વ્યક્તિનું મન પુલકિત કરી દેતાં હતાં. ગમે તેટલી ચિંતા હોય, વ્યાધિ હોય, દુઃખના ડુંગરો તૂટી પડ્યા હોય, પણ મધુરિમા બંગલામાં પ્રવેશતાં અને રાધા-કૃષ્ણની આ મૂર્તિ જોતાં એ બધી ચિંતા, વ્યાધિ, દુઃખ દૂર થઈ જાય એવી અદ્ભુત મૂર્તિઓ શિલ્પકારે ઘડી હતી. અટલે જેવા એ પ્રવેશદ્વારમાંથી બંગલાની અંદર જવા એના પગ ઉપાડ્યા કે સામેથી સત્યેન શાહનાં પત્ની સાવિત્રી બંગલાની બહાર આવતાં દેખાયાં.

‘તમે કોણ છો? અહીં અંદર તમને કોણે આવવા દીધા? ચોકીદાર… ચોકીદાર…’

‘મૅડમ, હું કોઈ ચોર નથી.’

‘ચોર નથી તો આમ મારા બંગલામાં કેમ ઘૂસ્યા છો? પેલું બહાર ટોળું ઊભું છે એમાંના એક લાગો છો.’

‘નહીં, નહીં. મૅડમ, તમારી ભૂલ…’

‘મારી ભૂલ? અરે, તમે લોકોએ મારા પતિ સામે ખોટા આક્ષેપો કરીને ભૂલ કરી છે.’

‘મૅડમ…’

‘મૅડમ… મૅડમ શું કરો છો? તમારા જુઠાણાંનો આજે મારા હસબન્ડ પર્દાફાશ કરવાના છે.’

‘મૅડમ, હું આ ટોળામાંનો નથી.’

‘તમે બધા જ સરખા છો. બધા જ જુઠ્ઠા છો. મારા પતિને ખાલી-ખાલી વગોવ્યા છે. એમની રોજનીશી વાંચશોને તો ખબર પડશે કે આ બધી સ્ત્રીઓ જુઠ્ઠી છે. આમ અમારા બંગલા આગળ ટોળે વળીને દેખાવો કરવાથી તમારું કંઈ નહીં વળે.’

‘રોજનીશી? મૅડમ, તમારા પતિ રોજનીશી લખે છે?’

સાવિત્રીને અચાનક ખ્યાલ આવ્યો કે જે વાત વર્ષોથી એના પતિએ સૌથી અજાણ રાખી હતી એ વાત અચાનક આવેશમાં આવી જઈને આ વ્યક્તિને એણે કરી દીધી છે.

‘મિસ્ટર, તમે છો કોણ?’

‘મૅડમ, મારું નામ અટલ છે. હું એક રિપોર્ટર છું, પણ પેલી રોજનીશીની શું વાત કરતાં હતાં?’

‘એ વાત જવા દો. તમે અહીં કેમ આવ્યા છો? અને સિક્યૉરિટી ગાર્ડે તમને અંદર કેમ આવવા દીધા? ચાલો, બહાર નીકળો.’

‘મૅડમ, મારે મિસ્ટર સત્યેન શાહને મળવું છે.’

‘તે એમણે તમને દસ વાગે એમની ઑફિસમાં બોલાવ્યા છે.’

‘હા, પણ મારે એમને પર્સનલી મળવું છે.’

‘જુઓ મિસ્ટર અટલ, ચુપચાપ તમે અહીંથી બહાર નીકળી જાવ. નહીં તો હું પોલીસને બોલાવીને તમારી ધરપકડ કરાવીશ.’

‘મૅડમ, એવી તકલીફ લેવાની જરૃર નથી. હું આ ચાલ્યો, પણ મને એ તો કહો કે તમારા હસબન્ડ કેટલાં વર્ષથી રોજનીશી લખે છે?’

‘મેં તમને કહ્યુંને કે તમે મારા બંગલાની બહાર જાઓ.’

‘હા… હા. પણ પેલી રોજનીશી?’

‘યુ પ્લીઝ, ગેટ આઉટ…’

(ક્રમશઃ)
—————–.

નવલકથાસંગિતા-સુધીરસત્-અસત્
Comments (0)
Add Comment