સત્યેન શાહની સાચા-ખોટા કામોની સાક્ષી એવી ડાયરી મેળવવા અટલના પ્રયત્નો

સામે ચાલીને પોતાની જાત ધરી દીધી હતી

સત્ – અસત્  –  લે – સંગીતા-સુધીર

નવલકથા – પ્રકરણઃ ૧૨

વહી ગયેલી વાર્તાનો સાર…

ઉદ્યોગપતિ સત્યેન શાહ સામે થયેલા આક્ષેપોને કારણે સાવિત્રી અંદરથી પડી ભાંગી હતી. તે બહારથી શાંત દેખાવાનો ડોળ કરતી હતી. રવિવારની સાંજે સાવિત્રી અને સત્યેન વરલી સી ફેસ ઉપર લટાર મારવા નીકળ્યા હતા. સત્યેને સાવિત્રીનો હાથ પકડી રાખ્યો હતો. સાવિત્રી વિચારે છે કે આટલો પ્રેમાળ પતિ ક્યારેય કોઈ ખોટું કામ કરી જ ન શકે. સત્યેનની નિર્દોષતા પુરવાર કરવા તેને કોઈ પુરાવાની જરૃર નહોતી લાગી. જોકે, બીજા દિવસથી સત્યેન ગુમ હતો. આ વાતે સાવિત્રી વ્યાકુળ થઈ ઊઠી હતી. તેનું મન બેચેન હતું. માંડ માંડ રાત પસાર કરી વહેલા પરોઢિયે તે ચાલવા નીકળી પડી. પોતાના માલકણને આ રીતે વહેલી સવારે ઘરની બહાર નીકળતાં જોઈને સિક્યૉરિટી ગાર્ડને કશુંક અજુગતું બનવાનો વિચાર આવ્યો. સતર્કતાના ભાગરૃપે તેણે મંથનને જાણ કરી કે સાવિત્રી વહેલી સવારે ઘરની બહાર નીકળી છે. પોતાના મેડમ કોઈ અણધારું પગલું ન ભરે તે હેતુથી સિક્યૉરિટી ગાર્ડ પણ સાવિત્રીની પાછળ પાછળ જાય છે. સાવિત્રી દરિયાકાંઠાની ફૂટપાથ પરથી સી લિંક તરફ વળે છે. ગાર્ડના મનમાં વિચાર આવે છે કે ક્યાંક સાવિત્રી સી લિંક ઉપરથી પડતું ન મૂકે. સાવિત્રી અને ગાર્ડની વચ્ચેથી ઓલા ગાડી પસાર થાય છે. કારના પસાર થયા બાદ ગાર્ડ જુએ છે સાવિત્રી ગુમ. ગાર્ડ હતપ્રભ થઈને બૂમાબૂમ કરે છે. તેને લાગે છે કે સાવિત્રીએ દરિયામાં પડતું મૂક્યું છે. લોકો ભેગાં થઈ જાય છે. એટલામાં સાવિત્રી આવીને ગાર્ડને ખોટી બૂમાબૂમ ન કરવા જણાવે છે. તે પોતે સહીસલામત છે તેની ખાતરી આપે છે. એટલામાં મંથન નાઇટ ડ્રેસ પહેરીને જ દોડતો-દોડતો આવી પહોંચે છે. સાવિત્રી ખોટું પગલું ન ભરી લે તે વિચારથી મંથન ડરી જાય છે. સાવિત્રી, ગાર્ડ અને મંથન બંગલા પર પાછા જાય છે. બંગલા પર પહોંચ્યા પછી સવિત્રી સત્યેનના વિચારોમાં જ ડૂબેલી રહે છે. તેને સત્યેને કહેલી વાત યાદ આવે છે. બીજી તરફ જાગૃતિ જોશી સત્યેન શાહ કેસમાં સાવિત્રીનો ઇન્ટરવ્યૂ લેવાનો પ્રયત્ન કરે છે, પણ સાવિત્રી ડિપ્રેશનનું બહાનું કાઢીને ઇન્ટરવ્યૂ આપવાની ના પાડી દે છે. જોકે, જાગૃતિ જોશીએ મહેક મોમિન અને અન્ય પીડિત મહિલાઓના ઇન્ટરવ્યૂ વાચીને અટલ અને અચલાને પણ કશુંક મસાલેદાર કરવાની ઇચ્છા થઈ આવે છે. અચલા સાવિત્રી સાથે વાત કરવા સત્યેન શાહના બંગલે ફોન કરે છે. અચલા મંથન સાથે વાત કરે છે અને પોતે સાવિત્રીનો ઇન્ટરવ્યૂ લેવા ઇચ્છે છે તેમ જણાવે છે. મંથન અચલાને પોતાના બંગલે આવવાની મંજૂરી આપે છે. બીજી બાજુ અટલ પણ મંથનની મંજૂરીથી સાવિત્રીને મળવા તેના બંગલે પહોંચે છે. અટલ પોતે સત્યેન શાહનો સમર્થક છે અને તે સત્યેન શાહને નિર્દોષ પુરવાર કરવા માગે છે એવી રજૂઆત સાવિત્રી સમક્ષ કરે છે. સાવિત્રીને અટલની વાત ગળે ઊતરે છે ત્યારે અટલ સાવિત્રી પાસે સત્યેન શાહ જે ડાયરી લખતા હતા તેની માગણી કરે છે. જોકે, સાવિત્રી આ ડાયરી આપવાનો ઇનકાર કરે છે. 

હવે આગળ વાંચો…

‘મૅડમ, તમે પહેલાં મારી વાત તો સાંભળો. પછી મને મિસ્ટર સત્યેન શાહની ડાયરીઓ આપવી કે નહીં એનો નિર્ણય લો.’

‘શું વાત છે?’

‘હું તમને મારો એક જાતઅનુભવ કહેવા ઇચ્છું છું.’ અટલે ત્યાર બાદ પાંચ વર્ષ પહેલાં બનેલ એના પોતાના જીવનનો જ કિસ્સો, જેમાં ધનવાન પતિની યુવાન, પ્રતિષ્ઠા ઝંખતી પત્ની મેનકાએ અટલ એનો ઇન્ટરવ્યૂ કરે એ માટે સામે ચાલીને પોતાની જાત ધરી દીધી હતી, કપડાં ઉતાર્યાં હતાં અને અટલે જ્યારે એ સ્ત્રીની આ ઘૃણાસ્પદ ઑફરનો અસ્વીકાર કર્યો ત્યારે અખબારોમાં અટલ વિરુદ્ધ એણે મારી ઉપર જાતીય શોષણ કર્યું છે એવા જુઠ્ઠા અહેવાલો છપાવ્યા હતા એ સઘળી વાત વિસ્તારપૂર્વક કહી. પછી ઉમેર્યું,

‘મૅડમ, આ જે પાંચ સ્ત્રીઓએ મિસ્ટર સત્યેન શાહ સામે આક્ષેપો કર્યા છે એમાં સત્યેન શાહે નહીં, પણ આ સ્ત્રીઓએ જ સામે ચાલીને પોતાના સ્વાર્થ ખાતર પોતાની જાત સોંપી હશે, મિસ્ટર સત્યેન શાહે એનો અસ્વીકાર કર્યો હશે એટલે બદલો લેવા એમણે વર્ષો બાદ મિસ્ટર સત્યેન શાહ સામે આક્ષેપો કર્યા છે. મારા જાતઅનુભવ પરથી હું આવું અનુમાન કરી શકું છું. મિસ્ટર સત્યેન શાહ જેવી વ્યક્તિ આવાં અધમ કૃત્યો, એ પણ એક નહીં, બે નહીં, પાંચ પાંચ, આચરે જ નહીં. મૅડમ, તમે તો તમારા પતિને બરાબર ઓળખતાં હશો. શું સત્યેન શાહ ભ્રમરવૃત્તિના હતા? શું તેઓમાં અતિશય કામાગ્નિ હંમેશાં પ્રજ્વલતો રહેતો હતો? તમે કદીયે તમારા પતિને પરસ્ત્રી તરફ ખરાબ દૃષ્ટિ કરતા જોયા છે? તમારા પતિએ કદીયે કોઈ સ્ત્રી સાથે ફ્લર્ટ કર્યું છે? જોે મારા આ સવાલોનો જવાબ નામાં હોય તો મારી જે માન્યતા છે કે મિસ્ટર સત્યેન શાહ નિર્દોષ છે, એમણે આવાં કોઈ કૌભાંડો કર્યાં નથી એ સાચી છે તો એ પુરવાર કરવા માટે મારે મિસ્ટર સત્યેન શાહે નિયમિત રૃપે, સ્વહસ્તે લખેલ એમની રોજનીશી વાંચવી જ રહી.’

‘હા, પણ તમે સત્યેનની રોજનીશી વાંચ્યા બાદ કદાચ એવું પણ કહો કે આ એમની પૂર્વનિયોજિત તૈયારીઓ હતી. એમની સામે ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ જાતીય શોષણના આક્ષેપો કરે તો તેઓ એમની રોજનીશીને ઢાલ બનાવીને રજૂ કરે. તમે રિપોર્ટરો વાતને પલટાવી નાખવામાં, જુદી રીતે રજૂ કરવામાં એક્સ્પર્ટ હો છો.’

‘હા, તમારું કહેવું સાચું છે, પણ તમે પોતે જ મને ગઈકાલે જ કહ્યું હતું કે મારા પતિને ખાલી ખાલી વગોવ્યા છે. એમની રોજનીશી વાંચશોને તો ખબર પડશે કે આ બધી સ્ત્રીઓ જુઠ્ઠી છે.’

‘હા… હા.’

‘બસ તો મૅડમ, હું બીજું કંઈ નથી માગતો. તમારા પતિની રોજનીશી વાંચવા માગું છું, જેથી આ પાંચ સ્ત્રીઓ જુઠ્ઠી છે એની મને જાણ થાય અને હું જગ આખાને એની જાણ કરી શકું.’

‘તમે સત્યેને લખેલી રોજનીશી બનાવટી છે, પૂર્વનિયોજિત ઇરાદાઓ છે એવું પણ કહી શકો.’

‘આ એકની એક વાત તમે બીજી વાર કહી. મારો ઉદ્દેશ એ જ છે કે હું મિસ્ટર સત્યેન શાહની રોજનીશીનો સંપૂર્ણ અભ્યાસ કરું અને મારા અનુભવના આધારે આ રોજનીશીમાં લખેલ વાતો પૂર્વનિયોજિત ઇરાદાઓ નથી, પણ સત્ય હકીકત છે, એના પુરાવાઓ એકઠા કરું, જેથી કોઈ આવા ખોટા આક્ષેપો કરે તો તુરંત જ એને નકારી શકાય.’

‘પણ…. પણ…’

‘જુઓ મૅડમ, હું તમારો હિતચિંતક છું. સત્યેન શાહની ખોટી વગોવણી વિરુદ્ધ છું. એક સત્યનિષ્ઠ રિપોર્ટર તરીકે હું એવું માનું છું કે કોઈ પણ નિર્દોષ મનુષ્યની ખોટી બદનામી થવી ન જોઈએ. મિસ્ટર સત્યેન શાહ તો એક બહુ મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે, બિઝનેસમેન છે, સમાજમાં એમની પ્રતિષ્ઠા ઠેર-ઠેર ફેલાયેલી છે. એમને માથે આ પાંચ સ્ત્રીઓએ કલંકના જે કળશ ઢોળ્યા છે એ હું સાફ કરવા ઇચ્છું છું. મારો ભરોસો કરો મૅડમ, હું તમારો હિતચિંતક છું.’

સાવિત્રીને હવે અટલની વાતમાં વિશ્વાસ બેઠો. એને સત્યેન અને અટલનો ગયા શનિવારે મોબાઇલ ઉપર જે વાર્તાલાપ થયો હતો એના શબ્દો પણ યાદ આવ્યા. ‘અટલ એક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ છે અને એ હંમેશાં સત્યનો જ પક્ષ લે છે. એડિટરોને ગમે એવું લખાણ એ નથી લખતો. કોઈના પ્રલોભનમાં આવીને કોઈનુંં સારું નથી લખતો અને પૈસા લઈને કોઈનું કૌભાંડ છુપાવતો પણ નથી.’ સત્યેને અટલ માટે ઉચ્ચારેલ આ સઘળી વાતો સાવિત્રીને યાદ આવી.

‘અચ્છા, હું તમને એ ડાયરીઓ આપીશ. પણ તમારે એ અહીં જ બેસીને વાંચવી પડશે.’

‘યસ… યસ મૅડમ, મને મંજૂર છે. હું અહીં જ બેસીને એ ડાયરીઓ વાંચીશ.’

‘અને હા, એ વાંચ્યા બાદ તમે જો કોઈ લેખ લખશો, રિપોર્ટિંગ કરશો તો સૌપ્રથમ મને વંચાવશો. મારી પરવાનગી લીધા સિવાય એ તમે પ્રસિદ્ધ નહીં કરો.

‘જરૃરથી મૅડમ, મને મંજૂર છે. ક્યાં છે એ ડાયરીઓ મૅડમ, મને આપો. હું હમણાથી એ વાંચવાનું શરૃ કરવા ઇચ્છું છું.’

‘એક બીજી શરત છે.’

‘શું?’

‘તમે સત્યેનની લાઇબ્રેરી કમ ઑફિસમાં બેસીને જ એ ડાયરીઓ વાંચશો. એ સમયે તમારી પાસે પેન, પેન્સિલ કે બૉલપેન નહીં હોય. તમે એ ડાયરીના લખાણ જોડે કોઈ પણ ચેડાં નહીં કરો.’

‘મારે ડાયરીના કોઈ લખાણના ઉતારા કરવા હોય તો?’

‘તો તમે તમારા મોબાઇલમાં એના ફોટા પાડી શકો છો, પણ કયા લખાણના ફોટાઓ પાડ્યા છે એ તમારે મને જણાવવું પડશે.’

‘મંજૂર છે, મૅડમ.’

‘ચાલો, હું તમને સત્યેનની લાઇબ્રેરી કમ ઑફિસમાં લઈ જાઉં છું.’

એ આખો દિવસ અટલે સત્યેનની હાથે લખેલ રોજનીશીઓ તપાસી. જે જે સ્ત્રીઓએ સત્યેન સામે જાતીય શોષણના આક્ષેપો કર્યા હતા એ સમયની ડાયરીઓ એણે વાંચી. એ દિવસો અને એની આજુબાજુના દિવસોનાં લખાણોના એણે એના મોબાઇલમાં ફોટાઓ પાડ્યા. લગભગ દસ કલાક સતત અટલે સત્યેન શાહના જીવન વૃત્તાંતને વાંચ્યા કર્યું. એ જેમ-જેમ સત્યેન શાહની આત્મકથા રૃપ એમની ડાયરીઓ વાંચતો ગયો તેમ-તેમ એને એ વ્યક્તિ માટે વધુ ને વધુ માન થતું ગયું. અમુક બીનાઓ એને ચોંકાવી ગઈ, પણ એક રિપોર્ટર તરીકે એ જાણતો હતો કે મોટા-મોટા માણસો પણ કુકર્મો કરતા ખચકાતા નથી હોતા. કદાચ તેઓ મોટા હોય છે એટલે જ કાળાં કાર્યો કરતા હોય છે. અટલને સત્યેન શાહની રોજનીશી વાંચતાં વાંચતાં અનેક વાર વિચારો આવ્યા કે જો આ રોજનીશીઓ જાહેર કરવામાં આવે તો કંઈકેટલાય લોકોનાં લગ્નજીવનમાં ભંગાણ પડે. કંઈકેટલાય ઇન્ડસ્ટ્રિયાલિસ્ટની પાછળ, ઇન્કમ ટેક્સ અને સેલ્સ ટેક્સવાળા, કસ્ટમ વિભાગ, પોલીસ પાછળ પડી જાય. સમાજમાં ઊહાપોહ મચી જાય.

આ સમગ્ર સમય દરમિયાન સાવિત્રી અને એનો વિશ્વાસુ નોકર અટલની સામે જ લાઇબ્રેરીમાં બેસી રહ્યાં હતાં. ભોજન પણ એમણે લાઇબ્રેરીમાં જ કર્યું હતું. જ્યારે સાવિત્રીને કોઈ અગત્યના કામસર લાઇબ્રેરી છોડવાનો પ્રસંગ આવ્યો હતો ત્યારે સાવિત્રીએ એના પુત્ર મંથનને સામે બેસાડી દીધો હતો. અટલને આનો કોઈ જ વાંધો નહોતો. ઊલટાનું એને નિરાંત હતી કે એણે સત્યેન શાહની ડાયરીઓ જોડે કોઈ પણ જાતનાં ચેડાં નથી કર્યાં એની ખાતરી સાવિત્રીને હતી. અટલની ચકોર નજરે એ પણ નોંધ્યું હતું કે એ લાઇબ્રેરીમાં છ સીસીટીવી કૅમેરા ગોઠવવામાં આવ્યા હતા. એટલે જ્યારે એ લાઇબ્રેરીમાં પ્રવેશ્યો ત્યારથી લઈને એ સત્યેન શાહની બધી ડાયરીઓ જોઈને બહાર નીકળ્યો ત્યાં સુધીની એની બધી હરકતો એ સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી. અટલને માટે જો એની સામે કોઈ આક્ષેપો કરવામાં આવે તો એ સીસીટીવી કૅમેરા જ સાક્ષી હતા.

આઠમાં પાંચે અટલે એ ડાયરીઓનું વાંચન, નિરીક્ષણ અને ફોટોકૉપી કરવાનું કાર્ય પૂરું કર્યું. ઊભા થતાં-થતાં એણે સાવિત્રીનો આભાર માન્યો.

‘હવે તમે શું કરશો?’ સાવિત્રીએ અટલને પૂછ્યું.

‘મૅડમ, એ પાંચ સ્ત્રીઓએ જે આક્ષેપો કર્યા છે એ સમયે મિસ્ટર સત્યેન શાહે તેઓએ શું શું કર્યું છે એ એમની ડાયરીમાં જણાવ્યું છે. હું એની ચોકસાઈ કરીશ. એ સમયે મિસ્ટર સત્યેન કોઈને મળ્યા હોય એમને મળીશ.આગળ-પાછળની વાતો પણ ચકાસી જોઈશ. જેથી આ ડાયરીઓ પૂર્વનિયોજિત ઇરાદાપૂર્વક લખવામાં આવી છે એવો જો કોઈ આક્ષેપ કરે તો બચાવમાં જણાવી શકીએ. મારું ઇન્વેસ્ટિગેશન જેવું પૂરું થશે કે તુરંત મેં જે વાંચ્યું છે, જોયું છે અને હવે પછી જાણીશ એના આધારે એક રિપોર્ટ તૈયાર કરીશ. તમને એ દેખાડીશ અને પછી એ આપણે જાહેર કરશું.’

‘થેન્ક યુ… પણ મિસ્ટર અટલ, તમે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ છો તો મારા પતિ ક્યાં હશે એની તમે ભાળ મેળવી ન શકો?’ બોલતાં બોલતાં સાવિત્રીએ અત્યાર સુધી રોકી રાખેલાં આંસુ એમની આંખમાંથી દડદડ પડવા લાગ્યાં.

* * *

બરાબર આઠના ટકોરે અચલાની ઓલા ટૅક્સી ‘મધુરિમા’ બંગલાની સામે આવીને ઊભી રહી. ડ્રાઇવરને પૈસા ચૂકવીને અચલા જેવી ડિઝાયરની પાછલી સીટનો દરવાજો ખોલીને બહાર નીકળી કે એણે અટલને મધુરિમા બંગલાના નાનકડા પ્રવેશદ્વારમાંથી બહાર નીકળતો જોયો. અચલાના મનમાં ઝાળ લાગી ગઈ.

‘મારી પહેલાં અટલ અહીંયાં પહોંચી ગયો? શું એણે સાવિત્રીનો ઇન્ટરવ્યૂ કરી લીધો? આવું બની જ કેમ શકે? મને છેક રાતના આઠ વાગે બોલાવી અને અટલને મારી પહેલાં બોલાવ્યો?’

અચલા ગુસ્સાથી ધૂંધવાઈ ગઈ. ગેટમાંથી બહાર નીકળતાં અટલે પણ અચલાને જોઈ. નક્કી અચલા પણ સાવિત્રીનો ઇન્ટરવ્યૂ કરવા આવી હશે એવો ખ્યાલ અટલને આવી ગયો.

‘શું સાવિત્રીએ અચલાને ઇન્ટરવ્યૂનો સમય આપ્યો હશે? ના.. ના. આ જાંબાઝ રિપોર્ટર એમને એમ જ ઍપૉઇન્ટમૅન્ટ વગર ધસી આવી હશે. એને એમ હશે કે હું જો સાવિત્રીના બંગલે પહોંચી જઈશ તો તેઓ મળવાની ના નહીં પાડે. એક રિપોર્ટરને ના પાડવાનું સાહસ એ નહીં કરે.’ આવા આવા વિચારો અટલના મનમાં આવી ગયા.

‘કેમ? બહાર કાઢી મૂક્યોને? મળવાની ના પાડી ને?’

અચલાએ અટલને ટોણો માર્યો. અચલાના કટાક્ષમય સવાલનો જવાબ આપવાનું અટલને ઉચિત ન લાગ્યું.

‘અચલાને એમ લાગે છે કે હું આપમેળે ઍપૉઇન્ટમૅન્ટ વગર અહીં ધસી આવ્યો છું અને મને બહાર કાઢી મૂકવામાં આવ્યો છે. ભલે એને એવું લાગતું. ભલે એ અંધારામાં રહેતી. અચલા પોતે પણ ગેટ ક્રેશ કરવાનો ઇરાદો ધરાવે છે એટલે સાવિત્રી એને મળશે જ નહીં.’ અટલે આવું વિચાર્યું અને પોતે કેટલો નસીબદાર છે એ જાણતાં એના મુખ ઉપર એક સ્મિત ફરકી ગયું.

અચલાના કટાક્ષયુક્ત પ્રશ્નનો એણે ફક્ત એક સ્મિત આપીને ઉપહાસ કર્યો અને બાજુમાં પાર્ક કરેલી એની હાર્લી ડેવિડસન ઉપર બેસી પહેલી કિકે બાઈકને સ્ટાર્ટ કરી ભગાવી દીધી.

* * *

‘આ બધું ઇન્વેસ્ટિગેટ કરવા માટે મારે કોઈની મદદની જરૃર પડશે. કોની મદદ લઉં?’ વરલી પરથી લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં આવેલ પોતાના ઍપાર્ટમેન્ટમાં આવીને અટલ વિચારવા લાગ્યો. કંઈકેટલાય રિપોર્ટરો, જર્નાલિસ્ટો અને કૉલેજમાં બીએમએમ એટલે કે બેચલર ઑફ માસ મીડિયાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અટલને એના આવા પ્રયાસમાં મદદ કરવા રાજી થઈ જાય. નવાસવા વિદ્યાર્થીઓ તો બદલામાં મહેનતાણાની પણ કોઈ અપેક્ષા ન રાખે. આ સર્વેનો વિચાર કરતાં અટલને લાગ્યું કે આવી નાજુક બાબતમાં કોઈનો વિશ્વાસ કરી ન શકાય. સત્યેનના પ્રકરણની સાથે-સાથે અનેકો સંડોવાયેલા હતા. જો જરાક જેટલી વાત લીક થઈ જાય તો સત્યેનના પ્રકરણ ઉપરાંત બીજાં પ્રકરણો ખડાં થઈ જાય.

ઑર્ડર કરીને મગાવેલ પિઝા ખાતાં ખાતાં બીયરનાં ત્રણ ટિન ખાલી કરતા અટલે કોની મદદ લેવી એના વિચારો કર્યે રાખ્યા. અચાનક સત્યેને બોલાવેલ પ્રેસ કૉન્ફરન્સમાં એને મળેલ નવોદિત રિપોર્ટર જાગૃતિ જોશી એને યાદ આવી. એણે ઘડિયાળ સામે જોયું. રાત્રિના અગિયાર ઉપર દસ મિનિટ થઈ હતી.

‘મોડું તો મોડું પણ મારે કાલથી જ કામ શરૃ કરવું છે એટલે જાગૃતિને મારે હમણા જ જાણ કરવી જોઈએ.’

* * *

જાગૃતિ જોશીના મોબાઇલે મંગળવારે સવારના સાત વાગવાથી રણકવાનું શરૃ કર્યું અને એ સતત રણકતો જ રહ્યો. એને ઓળખતાં સગાંવહાલાં, મિત્રો અને સાથી રિપોર્ટરોએ એના ‘અગ્નિપથ’ના સ્પેશિયલ ઇશ્યૂમાં પ્રગટ થયેલ અગ્રલેખનાં ખૂબ-ખૂબ વખાણ કર્યાં. એ અગ્રલેખ વિશે જે જાણકારી ફેસબુક અને વૉટ્સઍપ તેમ જ ઇન્સ્ટાગ્રામ અને બ્લોગ ઉપર મૂકવામાં આવી હતી એના લાઇક્સની સંખ્યાએ તો હજારોનો આંક વટાવી ચૂકી હતી. સેંકડો લોકોએ કમેન્ટ્સ કરીને

જાગૃતિના અગ્રલેખ વિશે પોતપોતાના અભિપ્રાયો જણાવ્યા હતા. આ બધામાં અટલની ન તો કંઈ કમેન્ટ હતી કે લાઈક. હજુ ગઈકાલે જેને એ મળી હતી એ અટલે જાગૃતિના અગ્રલેખ માટે એને ફોન સુદ્ધાં નહોતો કર્યો. દિવસ દરમિયાન જાગૃતિને વારંવાર ઇચ્છા થઈ આવી કે એ સામેથી અટલને ફોન કરે અને પૂછે કે, ‘મારો અગ્નિપથના વિશેષ અંકમાં છપાયેલ અગ્રલેખ કેવો લાગ્યો?’ પણ એણે એની આ ઇચ્છાને દબાવી રાખી.

દિવસ આખો લોકોના ‘કૉન્ગ્રેચ્યુલેશન’, ‘વેરી ગુડ’, ‘કિપ અપ’, ‘અભિનંદન. ખૂબ જ સરસ અગ્રલેખ’,’તમે જરૃર એક દિવસ મહાન પત્રકાર બનશો…’ આવા આવા ફોન અને મેસેજીસના જવાબો આપતાં જાગૃતિએ પસાર કર્યો અને રાત્રિના લગભગ અગિયાર વાગે એણે સૂવાની તૈયારી કરી. બરાબર એ જ સમયે સવારથી સતત રણકી રહ્યો હતો અને છેલ્લા થોડા સમયથી શાંત હતો એવો એનો મોબાઇલ ફરીથી રણક્યો. આ પ્રશંસકો રાત્રિના પણ મને છોડતા નથી આમ બોલતાં બોલતાં હરખમાં ને હરખમાં જાગૃતિએ એનો મોબાઇલ ઉપાડ્યો.

‘હલ્લો… કોણ છો? આટલી મોડી રાત્રે…’ જાગૃતિને બોલતી અટકાવી સામે છેડેથી અટલે પ્રશ્ન કર્યો,

‘મારા આસિસ્ટન્ટ તરીકે કામગીરી કરવી છે?’

અને પછી જાગૃતિના જવાબની રાહ જોયા સિવાય કહ્યું,

‘કાલે સવારના બરાબર સાતના ટકોરે મારા ઍપાર્ટમેન્ટ ઉપર આવી પહોંચજે. ઍડ્રેસ મેં તને એસએમએસ કર્યું છે.’

જાગૃતિ હા-ના કરે એ પહેલાં જવાબનો મોકો આપ્યા સિવાય અટલે ફોન કટ કર્યો. બે ઘડી જાગૃતિને લાગ્યંુ કે એ સપનું જોઈ રહી હતી. એની સમજમાં ન આવ્યું કે આમ અચાનક અટલે એને શા માટે એની આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને શા માટે બીજા દિવસે વહેલી સવારના એના ઘરે બોલાવી. શું અટલે એનો આજનો અગ્રલેખ વાંચ્યો હતો?

જાગૃતિના મનમાં અટલ માટે એક બીજો ખરાબ વિચાર પણ આવી ગયો.

‘એના ઍપાર્ટમેન્ટમાં બોલાવીને અટલ મારું જાતીય શોષણ કરવાની ઇચ્છા તો નહીં ધરાવતો હોય ને?’

‘ના, ના. જો આવું કોઈ લફરું કરવું હોય તો સવારના નહીં, સાંજના સાત વાગે બોલાવે. એ જે હશે તે, કાલે જોયું જશે. અટલ જો મારું જાતીય શોષણ કરશે તો મને તો એ પણ ગમશે.’

જાગૃતિને એ રાત્રિના અટલ એને પોતાની બાથમાં ભીંસી લે છે, ગાલ ઉપર ચુંબનો ચોપડ્યા કરે છે, એના અધરોને પોતાના અધરો વડે સ્પર્શ્યા જ કરે છે, એવાં એવાં સ્વપ્નાં આવ્યાં.

* * *

જાગૃતિના મોબાઇલની ઘંટડીનો અવાજ અત્યંત મીઠો અને મધુરો હતો. આમ છતાં રાત્રિના ત્રણ વાગે સતત રણકતી એ ઘંટડીઓએ જાગૃતિની ઊંઘમાં ખલેલ પાડી.

‘લોકો નિરાંતે સ્વપ્નાં પણ જોવા નથી દેતાં.’ આવું બબડતાં-બબડતાં જાગૃતિએ મોબાઇલ લેવા હાથ લાંબો કર્યો. સ્વપ્નાં જોેવામાં ખલેલ પડી એ જાગૃતિને બિલકુલ ગમ્યું ન હતું.

‘અટલ તો નહીં હોય?’ આ વિચારે

જાગૃતિનો ગુસ્સો હર્ષમાં પરિવર્તિત થઈ ગયો. ‘નક્કી અટલે એ બરાબર સાત વાગે પહોંચી જાય એ માટે એને જગાડી હશે.’

‘હલ્લો…’ અડધી ઊંઘમાં હતી એટલે જાગૃતિએ મોબાઇલના સ્ક્રીન ઉપર નજર ન કરતાં અને ફોન કોનો છે એ ન જાણતાં મોબાઇલને સીધો કાન ઉપર લગાડીને સંબોધન કર્યું. વિશ્વના બધા જ દેશોમાં બધા જ લોકો, પછી તેઓ કોઈ પણ ભાષા બોલતા હોય ટેલિફોન અને મોબાઇલ ઉપર સૌપ્રથમ સંબોધન ‘હલ્લો’થી જ કરે છે.

‘ઊંઘ ખંખેરી નાખ. ઝડપથી ગામદેવી પોલીસ સ્ટેશન ઉપર પહોંચી જા.’  ‘અગ્નિપથ’ મૅગેઝિનના તંત્રીનો કડક અવાજ સાંભળીને અટલનાં સ્વપ્નાં જોતી જાગૃતિની ઊંઘ એકદમ ઊડી ગઈ.

‘કેમ? કેમ? સર.’

‘ગઈકાલે રાતના ગામદેવી ઉપર આવેલ લેબરનમ રોડના એક બિલ્ડિંગમાં એક યુવતી ઉપર બળાત્કાર થયો હોવાની ફરિયાદ ગામદેવી પોલીસ સ્ટેશનમાં આવી છે.’

‘ઓહ નો! ફરી પાછું એક યુવતીનું જાતીય શોષણ.’

‘હા, ફરિયાદી કોઈ બિહારી પંદર-સત્તર વર્ષની છોકરી છે.’

‘બાપ રે! તો તો પોલિટિક્સ પાર્ટીઓ એકબીજા ઉપર કાદવ ઉછાળશે અને આ ઘટનાને રાજકીય રંગ આપી ખૂબ જ ચગાવશે. પેલી બિચારી જેના ઉપર બળાત્કાર થયો છે એના ખભે ચડી રૃલિંગ પાર્ટી જાતિવાદ અને દલિતોને વધુ પોષશે. એ બળાત્કારી કોઈ પોલિટિશિયન નહોતો ને?’

‘તારી ટીકા-ટિપ્પણી તારી પાસે રાખ અને સાંભળ.’ જાગૃતિની વાતો ‘અગ્નિપથ’ના તંત્રીને દોઢડહાપણ લાગીઃ ‘હજુ થોડા મહિના પહેલાં જ એ મકાનમાં કામ કરતો પુરુષ બિહારમાંથી એ યુવતીને એક પૈસાદાર કુટુંબમાં ઘરકામ કરવા લઈ આવ્યો હતો.’

‘આજકાલ ઘરકામ કરવા માટે બિહારમાંથી બહુ મોટી સંખ્યામાં બિહારીઓ મુંબઈ આવે છે.’ જાગૃતિથી એનું ડહાપણ દેખાડ્યા સિવાય ન રહેવાયું.

‘એ કુટુંબના એક સભ્યએ ગઈકાલે રાત્રિના એ છોકરી ઉપર બળાત્કાર કર્યો એવી ગામદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવી છે. પોલીસે એ સિનિયર સિટીઝનની સગીર વયની યુવતી ઉપર બળાત્કાર કરવાના અને એનું જાતીય શોષણ કરવાના ગુનાસર ધરપકડ કરી છે. હાલમાં એ ફરિયાદી છોકરી ગામદેવી પોલીસ સ્ટેશનમાં છે.’

‘આપને આ વાતની જાણ કેવી રીતે થઈ?’

‘આપણો એક રિપોર્ટર નાના ચોક પરથી એની સ્કૂટી ઉપર જતો હતો. એક કારે એને ઉડાડી દીધો. એટલે એ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં ગયો હતો. એણે આ જોયું એટલે મને જગાડીને આ બધી બાતમી આપી છે. તું ઝડપથી ગામદેવી પોલીસ સ્ટેશનમાં પહોંચી જા. એ સિનિયર સિટિઝન બહુ મોટો ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે. એને લગતા જાતીય શોષણના સમાચારો સનસનાટી મચાવી દેશે.’

‘ઓકે… સર.’

અટલનાં સ્વપ્નાંને મગજના એક ખૂણામાં ધકેલી જાગૃતિ ઝડપથી ઊભી થઈ. પાંચ મિનિટમાં તો એ એની સિંગલ રૃમમાંથી તૈયાર થઈ, ગળામાં કૅમેરા લટકાવી બહાર નીકળી ગઈ. ગામદેવી પોલીસ સ્ટેશન પહોંચતાં-પહોંચતાં જાગૃતિને વિચાર આવ્યો,

‘શું બધા જ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો રેપિસ્ટ હોય છે? સત્યેન શાહ પણ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હતા અને આ એક બીજો ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ ફૂટી નીકળ્યો છે, જેની સામે પણ જાતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે.’

(ક્રમશઃ)
———————-

નવલકથાસંગિતા-સુધીરસત્-અસત્
Comments (0)
Add Comment