સત્ – અસત્ – નવલકથા – પ્રકરણઃ ૧૧
લે. – સંગિતા – સુધીર
વહી ગયેલી વાર્તાનો સાર…
ઉદ્યોગપતિ સત્યેન શાહે પોતાના પર લાગેલા આક્ષેપોનો ખુલાસો આપવા માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. પ્રેસ કૉન્ફરન્સ માટે હાજર રહેલા રિપોર્ટરો સત્યેન શાહની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં જ તેમને માહિતી મળે છે કે ઉદ્યોગપતિ સત્યેન શાહ લાપતા છે. આ માહિતી મળતાં જ રિપોર્ટરો નિરાશ થઈ જાય છે. જોકે, રિપોર્ટર જાગૃતિ જોશી, સિનિયર રિપોર્ટર અટલ અને અચલા કોન્ફરન્સ રૃમમાં બેસી રહે છે. જાગૃતિ અટલ સાથે આત્મીયતા કેળવવાનો પ્રયત્ન કરે છે. પોતે અટલની જુનિયર તરીકે કામ કરવાનો અનુભવ મેળવવા માગે છે, તેમ જણાવે છે. અચલા જાગૃતિ અને અટલની વાતો સાંભળે છે. થોડીવાર બાદ ત્રણેય કૉન્ફરન્સ રૃમમાંથી બહાર નીકળે છે. જાગૃતિ અટલને પોતાના પ્રસ્તાવ પર વિચાર કરવા કહે છે. અટલ અને જાગૃતિની વાતો સાંભળીને અચલાને ઈર્ષ્યા થઈ આવે છે. અચલા અને જાગૃતિ વચ્ચે કટાક્ષોની આપ-લે પણ થાય છે. અચલા અટલને પોતાની સાથે કૉફી પીવાનું આમંત્રણ આપે છે. આ સાંભળીને જાગૃતિને મનોમન અચલાની અદેખાઈ થઈ આવે છે અને કમને અટલ અને અચલાને અલવિદા કહી ચાલી નીકળે છે. જતાં જતાં અટલને પોતે મૂકેલા પ્રસ્તાવ પર વિચાર કરવા અને બાદમાં તે અટલનો સંપર્ક સાધશે તેમ જણાવતી જાય છે. બીજી તરફ અટલને અચલાનું કૉફી પીવાનું આમંત્રણ શંકા જન્માવે છે.
અટલ અને અચલા બંને એકબીજાના કટ્ટર પ્રતિસ્પર્ધી છે. બંને વચ્ચે ખટાશ છે એ જાણવા છતાં અચલા અટલને કૉફી પીવાનું કહે છે એ વાત અટલને ખૂંચે છે. અટલ મનોમન વિચારે છે કે નક્કી અચલા અટલ પાસેથી કોઈ વાત કઢાવવા માગે છે અને અટલની આ શંકા સાચી ઠરે છે. અચલા અટલને સત્યને શાહ વિશે પૂછપરછ કરે છે. અટલ સત્યેન શાહના બંગલે ગયો હતો કે નહીં, કેમ ગયો હતો, શું જોયું વગેેરે પ્રશ્નો જાણવા અચલાએ અટલને કૉફી પીવાનું કહ્યું હતું એ જાણીને અટલને ગુસ્સો આવે છે. અટલ અચલાના પ્રશ્નોના જવાબ આપવાની ના પાડે છે, તેથી અચલા ગુસ્સો કરીને ત્યાંથી ચાલી નીકળે છે. બીજી તરફ ફિલ્મ સિટીમાં વેનિટી વૅનમાં બેઠેલા તેજાની પોતે જે સોપારી આપી હતી, એ કામ પાર પડ્યું છે એ અંગે વાતચીત કરે છે. ડેવિડ ગોન્સાલ્વિસ પણ રોડ્રિગ્ઝને ફોન પર સત્યેન શાહ વિશે પૂછપરછ કરીને હવે ફરી સંપર્ક નહીં કરવાનું સૂચન કરે છે. સત્યેન શાહના બંગલા મધુરિમાની બહાર ધરણા પર બેઠેલા લોકોને જ્યારે ખબર પડે છે કે સત્યેન શાહ બંગલા પર નથી ત્યારે તેમનો પ્રદર્શનનો જુસ્સો શમી જાય છે. પોલીસ કમિશનર કાંતિલાલને પ્રશ્ન કરે છે કે સત્યેન શાહે કોઈ મોટું આર્થિક કૌભાંડ તો નથી કર્યું ને. આ તરફ અટલ જાગૃતિ જોશીના પ્રસ્તાવ અને અચલાના વ્યવહાર પરથી ધ્યાન હટાવીને સત્યેન શાહ પર કેન્દ્રિત કરે છે. સત્યેન શાહે આત્મહત્યા કરી હશે, કોઈએ અપહરણ કરાવ્યું હશે, કોઈએ એમની સોપારી આપી હશે એવા બધા વિચારોની વચ્ચે અટલને સત્યેન શાહની પત્ની સાવિત્રીના શબ્દો- એમની રોજનીશી વાંચશો તો ખબર પડશે કે તેમણે કોઈ ખોટું કામ નથી કર્યું – યાદ આવે છે. અટલને સત્યેન શાહે રોજનીશી ક્યાં મૂકી હશે એ જાણવાની તાલાવેલી થાય છે. સાથે જ પોલીસ કમિશનરના શબ્દો – સત્યેન શાહે કોઈ મોટું આર્થિક કૌભાંડ તો નથી કર્યું ને – અટલના મનમાં અનેક આશંકાઓ જન્માવે છે.
હવે આગળ વાંચો…
સાવિત્રી બહારથી શાંત દેખાતી હતી, પણ અંંદરથી સાવ પડી ભાંગી હતી. મનોમન એ ખૂબ જ વલોપાત કરતી હતી. એની આંખમાંથી થોડાં આંસુ જરૃરથી ટપક્યાં હતાં, પણ એણે જોરજોરથી હીબકાં ભર્યાં ન હતાં. એને જોનારી વ્યક્તિને એ ગમગીન જરૃરથી લાગે. વિષાદથી ઘેરાયેલી, મનથી ભાંગી પડેલી, તનથી ઢીલી થઈ ગઈ હોવા છતાં સાવિત્રીએ એ જણાવા દીધું નહોતું.
રવિવારની સાંજના વરલી સી ફેસ ઉપર સત્યેન અને સાવિત્રીએ એકાદ કલાક લટાર મારી હતી. એમાં તેઓએ ગરદી ધરાવતી પહોળી ફૂટપાથ ઉપર અડધો કલાક ચાલવામાં અને બાકીનો અડધો કલાક ત્યાંની મરીન ડ્રાઈવ જેવી જ પહોળી પાળી ઉપર બેસીને વાતો કરવામાં ગાળ્યો હતો. તેઓ જ્યારથી એ પાળી ઉપર બેઠાં હતાં ત્યારથી સત્યેને સાવિત્રીનો હાથ પોતાના હાથમાં લીધો હતો. સાવિત્રીનો ડાબો હાથ એણે એના જમણા હાથથી પકડ્યો હતો અને પાળી ઉપરથી ઊભા થયા ત્યાં સુધી પકડી રાખ્યો હતો. સાવિત્રીને માટે એ જરા નવાઈ પમાડનારું હતું. ઘણા સમયથી સત્યેને આમ જાહેરમાં એને સ્પર્શી નહોતી. આમ છતાં સત્યેનના હૂંફાળા હાથનો સ્પર્શ સાવિત્રીને ખૂબ જ ગમ્યો હતો. આવો પ્રેમાળ પતિ અન્ય સ્ત્રીઓ પ્રત્યે કુદૃષ્ટિ કરે જ નહીં.
સાવિત્રીને એના પતિની નિષ્ઠામાં સોએ સો ટકા ખાતરી હતી. એને સત્યેનનાં કોઈ જ વચનો કે પુરાવાઓ એની વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપો ખોટા છે એવું માનવા માટે નહોતાં જોઈતાં. વર્ષોના સહવાસને કારણે સાવિત્રી જાણતી હતી કે એના પતિની સામે કરવામાં આવેલા જાતીય શોષણના આક્ષેપો ખોટા છે. સત્યેનેે એના ચારિત્ર સામે જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ ખોટા છે એવું કહેવાની મુદ્દલે જરૃર નહોતી. સત્યેનને સાવિત્રી એની જાત કરતાં વધારે સારી રીતે ઓળખતી હતી.
વરલી સી ફેસની પાળી ઉપરથી ઊભા થઈને તેઓ એમના બંગલામાં ગયાં હતાં. બંનેએ સાથે જ ડિનર લીધું હતું. ત્યાર બાદ થોડીક ઔપચારિક વાતો કરીને ‘ગુડ નાઈટ, જય શ્રીકૃષ્ણ. હું હવે સૂવા જાઉં છું. કાલે સવારના મેં પ્રેસ કૉન્ફરન્સ બોલાવી છે એની થોડી તૈયારી પણ કરવી છે.‘ એવું જણાવીને સત્યેન એના બેડરૃમમાં ચાલી ગયો હતો. બસ, રવિવારે રાત્રિના નવ-સાડા નવ વાગે સાવિત્રીએ છેલ્લા સત્યેનને એના બેડરૃમમાં જતો જોયો હતો.
સોમવારનો આખો દિવસ અને આખી રાત સત્યેન ક્યાં ગયો હશે એની ચિંતામાં જ સાવિત્રીએ ગાળ્યો હતો. સોમવારની એ રાત પસાર કરવી સાવિત્રી માટે અત્યંત કષ્ટદાયક બની ગઈ હતી. મંગળવારે હજુ તો માંડ સવાર પડી હશે, પાંચ-સવા પાંચ વાગ્યા હશે અને આખી રાત પડખાં ફેરવીને પસાર કરેલ સાવિત્રી ખાટલામાંથી ઊભી થઈ ગઈ. નાઈટગાઉન કાઢીને ‘ફોરએવર યંગ‘ની જિન્સ અને કુરતી પહેરી. સ્કેચર્સનાં વૉકિંગ શૂઝ પહેર્યાં અને બંગલાની બહાર નીકળી.
‘મૅડમ, આપ આટલાં વહેલાં ક્યાં જાઓ છો?’ ગેટ ઉપર ઊભેલા સિક્યૉરિટી ગાર્ડ બહાદુરે એની માલકણને મળસ્કે મોર્નિંગ વૉક લેવા જતાં જોઈને સવાલ કર્યો.
સત્યેન શાહ ગઈકાલથી લાપતા હતા એ હકીકત પણ આ સવાલ પૂછવા પાછળનું એક કારણ હતું.
‘વૉક ઉપર જાઉં છું.‘ કહીને સાવિત્રી ગેટની બહાર નીકળી.
માલકણને આમ આટલી વહેલી સવારે બંગલાની બહાર જતાં જોઈ બહાદુર ગભરાયો. બાજુમાં બેઠા બેઠા ઝોકું ખાઈ રહેલા બીજા સિક્યૉરિટી ગાર્ડને એણે જગાડ્યો અને કહ્યું ઃ
‘જલદી જઈને મંથન શેઠને જગાડ. કહે કે સાવિત્રી મૅડમ, બંગલાની બહાર નીકળી ગયાં છે. હું મૅડમની પાછળ જાઉં છું.‘
સાવિત્રી બંગલામાંથી બહાર નીકળી રસ્તો ક્રૉસ કરીને સામે દરિયાકાંઠાની ફૂટપાથ ઉપર જઈને ઊભી રહી. થોડીવાર દરિયાને જોતી એ ત્યાં ઊભી રહી. પછી સી લિન્ક તરફ જવા લાગી.
‘રખેને મૅડમ સી લિન્ક ઉપરથી નીચે પડતું મૂકે.‘ આવો વિચાર આવતાં જ એ સિક્યૉરિટી ગાર્ડ ગભરાઈ ગયો. એ દોડીને સાવિત્રીની નજીક પહોંચવા ગયો. એક બિલાડીએ એનો રસ્તો આંતર્યો. ‘અપશુકન થયા છે. નક્કી કંઈ અમંગળ થશે‘ એવો વિચાર એ ગાર્ડના મનમાં ઝબકી ઊઠ્યો. એટલામાં તો સાવિત્રી સી લિન્કના રસ્તા ઉપર પહોંચી ગઈ. ઍરપોર્ટ તરફ પૂરપાટે જતી એક ઓલાએ વરલી સી ફેસના રસ્તા ઉપરથી સી લિન્કના રસ્તા ઉપર જવા માટે ડાબી બાજુએ ટર્ન લીધો. બસ, થોડીક જ ક્ષણો એ ઓલા સાવિત્રી અને એના સિક્યૉરિટી ગાર્ડની વચ્ચે આવી. ઓલા પસાર થઈ અને સિક્યૉરિટી ગાર્ડે જોયું કે સાવિત્રી ત્યાં નહોતી.
‘મૅડમ, ક્યાં ગયાં? એમણે નીચે કૂદકો તો નથી માર્યો ને?’
ગભરાટમાં સિક્યૉરિટી ગાર્ડ દોડીને સી લિન્કના રસ્તા ઉપર આવેલી પાળી ઉપરથી નીચે જોવા લાગ્યો. નીચે પથરાઓ જોડે દરિયાનાં મોજાં અથડાતાં હતાં. ભરતીનો સમય હતો. મોજાંએ માઝા મૂકી દીધી હતી. દરિયામાંથી જમીન તરફ જોરથી ધસી આવીને તેઓ વારાફરતી સી લિન્કની નીચે આવેલા પથરાઓ જોડે ભટકાતાં હતાં. એના પાણીની છાંટો રસ્તા ઉપર ઊડતી હતી.
‘નક્કી મૅડમે નીચે ભૂસકો માર્યો લાગે છે. આ મોજાં એમને મધદરિયે ખેંચી ગયાં લાગે છે.‘
સિક્યૉરિટી ગાર્ડ ગભરાઈ ગયો.
‘બચાવો, બચાવો, અમારાં મૅડમ અહીંથી કૂદી પડ્યા છે.‘ સિક્યૉરિટી ગાર્ડે જોરજોરથી બૂમો પાડી.
પળવારમાં મોર્નિંગ વૉક કરવા આવેલા પંદર-વીસ લોકોનું ટોળું ત્યાં ભેગું થઈ ગયું. બધા જ એ સિક્યૉરિટી ગાર્ડની સાથે સી લિન્કની રેલિંગ આગળ ઊભા રહી નીચે દરિયામાં જોવા લાગ્યા.
‘શું છે, બહાદુર? આમ બૂમાબૂમ કેમ કરે છે? આ ટોળાંને કેમ ભેગું કર્યું છે?’
સાવિત્રીનો અવાજ સાંભળી સિક્યૉરિટી ગાર્ડ ચોંક્યો. પાછળ ફરીને એણે જોયું તો સામે જ સાવિત્રી ઊભી હતી.
‘મૅડમ, તમે અહીંયાં છો?’
‘કેમ, હું ક્યાં જવાની હતી? તને કહ્યું તો હતું કે મૉર્નિંગ વૉક કરવા જાઉં છું.‘
‘મૅડમ… મૅડમ… મેં તમને જોયા નહીં એટલે મને લાગ્યું કે… કે…‘
‘શું લાગ્યું? મેં નીચે દરિયામાં ભૂસકો માર્યો એમ?’
બહાદુરને એવું જ લાગ્યું હતું, પણ એ બોલ્યો નહીં.
‘આમ કેમ થયું? પેલી કાર પસાર થઈ પછી મેં જોયું તો મૅડમ નહોતાં!‘ બહાદુરને ખબર નહોતી કે ઓલા સી લિન્ક પર એન્ટર થઈ એ વખતે સાવિત્રીએ સી લિન્ક તરફ જવાનો વિચાર માંડી વાળ્યો હતો. દોડીને રસ્તો ક્રૉસ કરીને સી લિન્ક જ્યાંથી શરૃ થતો હતો એની સામેની ફૂટપાથ ઉપર એ ચાલી ગઈ હતી. ભેગા થયેલા લોકો ‘કંઈ થયું નથી. આ સિક્યૉરિટી ગાર્ડે નાહકની બૂમાબૂમ કરી‘ એવું એકબીજાને કહીને ફરી પાછા એમની સવારની જૉગિંગ તેમ જ વૉકિંગની પ્રવૃત્તિમાં ગૂંથાયા. આટલીવારમાં મંથન દોડતો દોડતો સાવિત્રી ઊભી હતી ત્યાં આવી પહોંચ્યો. એ ખુલ્લા પગે નાઈટડ્રેસમાં જ આવી પહોંચ્યો હતો.
‘મમ્મી, આટલી વહેલી સવારે તું બહાર કેમ નીકળી?’
‘અરે, મને ઊંઘ નહોતી આવતી એટલે હું અહીં દરિયાકિનારે આવી.‘
‘તેં તો મને ગભરાવી નાખ્યો. ચાલ, અંદર બંગલામાં ચાલ.‘
મા-દીકરો બંગલામાં દાખલ થયાં. અચાનક રવિવારે સાંજના ઈવનિંગ વૉક દરમિયાન સાવિત્રીને આભી બનાવી દેતી જે વાત સત્યેન શાહે કહી હતી એ વાત સાવિત્રીને યાદ આવી.
‘નક્કી એ વાતને અને સત્યેનના ગુમ થવાને સંબંધ છે.‘
* * *
‘જાતીય શોષણના ગુનાની સજામાંથી છટકવા બિઝનેસમેન ગુમ…‘
‘પ્રતિષ્ઠિત ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ પ્રેસ રિપોર્ટરોને બેસાડી ભાગી ગયો…‘
‘સત્યેન શાહના ગુમ થવા પાછળનું કારણ એમણે કરેલા જાતીય શોષણ હશે?’
મંગળવારની બધાં જ અખબારોની હેડલાઈન્સ સત્યેન શાહ વિશેની જ હતી.
‘અગ્નિપથે‘ પણ એ જ દિવસે એમનો એક સ્પેશિયલ ઈશ્યૂ બહાર પાડ્યો હતો. એમાં એ મૅગેઝિનની નવોદિત રિપોર્ટર
જાગૃતિ જોશીનો સત્યેન શાહે બોલાવેલ પ્રેસ કૉન્ફરન્સનો આંખે દેખ્યો હેવાલ હતો. એ યુવતીએ થોડા દિવસ પહેલાં કરેલ મહેક મોમિનના ઇન્ટરવ્યૂના થોડા અંશ હતા. ઉપરાંત, જાગૃતિએ સોમવારે બપોરથી રાત સુધીમાં દોડાદોડી કરીને કરેલા મયૂરી અને અન્ય ત્રણ પીડિતોના ઇન્ટરવ્યૂ પણ એમાં છપાયા હતા. એ રિપોર્ટરે એવું પણ જણાવ્યું હતું કે એણે સત્યેન શાહની પત્ની સાવિત્રીનો ઇન્ટરવ્યૂ લેવાની કોશિશ કરી હતી. એમણે ‘હાલમાં હું ખૂબ ડિપ્રેસ છું‘ એવું જણાવ્યું હતું.
મુંબઈના પોલીસ કમિશનરને જે વિચાર આવ્યો હતો, અટલને જે વિચાર આવ્યો હતો એ જ વિચાર આ નવોદિત રિપોર્ટરને પણ આવ્યો હતો. એણે એ વિચારને
વિસ્તૃત ન કરતાં એના, સત્યેન શાહને લગતા મૅગેઝિનના અગ્રલેખમાં એક ઊડતો સવાલ મૂકી દીધો હતો. બે લીટીની વચ્ચે શું લખવામાં આવ્યું છે એ જાણી જનારાઓને કદાચ જાગૃતિના એ લખાણ પાછળ એ શું કહેવા માગે છે એ સમજાઈ જાય. સામાન્ય વાચકોને કદાચ જાગૃતિ શેનો ઉલ્લેખ કરી રહી છે એની કલ્પના ન આવે. જાગૃતિએ એના લેખમાં લખ્યું હતું,
‘જાણીતા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ સત્યેન શાહ જેમણે દિવસો સુધી એમની સામે કરવામાં આવેલા આક્ષેપો સામે એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નહોતો. રિપોર્ટરોને વારંવાર ‘નો કમેન્ટ્સ‘ એમ કહ્યું હતું, એમનો ઇન્ટરવ્યૂ કરવાની માગણીઓ નકારી હતી, એમણે સોમવારની સવારના પ્રેસ કૉન્ફરન્સ બોલાવી હતી અને તેઓ અચાનક કોઈને પણ, એમની પત્ની, પુત્ર અને પિતા તેમ જ વિશ્વાસુ સોલિસિટર અને જમણા હાથ સમી સેક્રેટરીને પણ કહ્યા વગર ચાલી ગયા. તેઓ ક્યાં ગયા છે એની કોઈને જાણ નથી. સત્યેન શાહનું આમ ગુમ થવા પાછળ જાતીય શોષણના ગુનામાંથી બચવા ઉપરાંત બીજું કોઈ કારણ નથી ને?’
અટલ અને અચલાને જાગૃતિ જોશીનો અગ્રલેખ વાંચીને જુદા જુદા વિચારો આવ્યા. અટલ સમજી ગયો કે જાગૃતિનો ઇશારો કઈ તરફ હતો. અચલાને એવું લાગ્યું કે પાંચ-પાંચ સ્ત્રીઓએ સત્યેન શાહ સામે જાતીય શોષણના આરોપ કર્યા હતા એટલે એમની અને એમની પત્ની વચ્ચે વિખવાદો ઊભા થયા હોય. એમની પત્નીએ એમનો અસહકાર કર્યો હોય એટલે આ બધાથી બચવા સત્યેન શાહે પ્રેસ કૉન્ફરન્સ તો બોલાવી હોય, પણ રિપોર્ટરોનો સામનો કરી નહીં શકે એવું વિચારીને તેઓ ગુમ થઈ ગયા હશે. એના આ વિચારો કેટલા સાચા છે એ તપાસવા અચલાએ સાવિત્રીને મળવાનું વિચાર્યું. હાથમાંનો અગ્નિપથનો સ્પેશિયલ ઈશ્યૂ એણે બાજુએ મૂક્યો. બ્રેકફાસ્ટ ટેબલ ઉપર પડેલ એનો આઈ ફોન ઉપાડ્યો.
‘હલ્લો…‘
‘આપ કોણ છો?’
‘આપ કોણ છો?’ સામેથી સાવિત્રીના મોબાઇલ ઉપરથી એક સ્ત્રીના અવાજને બદલે પુરુષનો અવાજ આવ્યો.
‘મારે મિસિસ સાવિત્રી સત્યેન શાહ જોડે વાત કરવી છે.‘
‘હા. પણ આપ છો કોણ?’
‘મારું નામ અચલા ઠાકોર છે. હું એક રિપોર્ટર છું. હું મિસિસ સાવિત્રી સત્યેન શાહને મળવા ઇચ્છું છું. મારે એમની આગળથી થોડી બાતમીઓ મેળવવી છે.‘
‘મમ્મી હાલના સંજોગોમાં કોઈને મળવા નથી ઇચ્છતી.‘ સાવિત્રીનો પુત્ર મંથન, જેણે મોબાઇલ રિસીવ કર્યો હતો એણે જવાબ આપ્યો.
‘મારું તમારા મધરને મળવું ખૂબ અગત્યનું છે.‘
‘છાપાંમાં મારા ફાધરને વગોવતી હેડલાઈન્સ લખવા?’ મંથને પણ એ દિવસનાં બધાં જ છાપાં જોયાં હતાં. એણે એ બધી હેડલાઇન્સ વાંચતાં એનો જે ગુસ્સો હતો એ પ્રદર્શિત કર્યો.
‘ના, હું આ બધી જ હેડલાઈન્સમાં કેટલું તથ્ય છે એ જાણવા ઇચ્છું છું.‘
‘જુઓ, મારા ફાધર એક પ્રતિષ્ઠિત બિઝનેસમેન જ નહીં, પણ ખૂબ જ સંસ્કારી વ્યક્તિ છે.‘
‘પ્રતિષ્ઠિત છે એની સૌને જાણ છે, પણ જો સંસ્કારી હતા તો આમ ભાગી કેમ ગયા?’
‘જુઓ, મિસ અચલા ઠાકોર, મારા ફાધર ભાગી નથી ગયા. તમે જોયા-જાણ્યા વગર આવા ખોટા આક્ષેપો ન કરો.‘ હવે મંથનનું માથું ફરી ગયું.
‘એટલા માટે જ હું તમારા મધરને મળવા ઇચ્છું છું, જેથી સત્ય હકીકત જાણી શકાય અને લોકોને એની જાણ કરી શકાય. બાકી, પ્રેસ કૉન્ફરન્સ બોલાવીને તમારા ફાધર એમાં હાજર ન રહ્યા અને એની આગલી રાતથી જ તેઓ ક્યાં છે એની કોઈને ખબર નથી એ હકીકત પેલી પાંચ સ્ત્રીઓના કથનને સમર્થન આપે છે.‘
‘એટલે? મારા ફાધર સામે કરવામાં આવેલા આક્ષેપો તમે સાચા માનો છો?’
‘અત્યારનું વર્તન અને તમારા ફાધરના ચાલ્યા જવાથી એ સાચા જ લાગે છે.‘
‘શટ અપ…‘
‘જો તમારે છાપાવાળાઓને અને લોકોને શટ અપ કરવા હોય તો મારું તમારા મધરને મળવું ખૂબ જ આવશ્યક છે.‘
‘મને પંદર મિનિટ બાદ ફોન કરજો. હું મારી મમ્મીને પૂછીને જવાબ આપીશ.‘ મંથને એના મધરનો મોબાઇલ ડિસ્કનેક્ટ કર્યો. એ વિચારવા લાગ્યો કે શું ખરેખર એની મમ્મીએ એ રિપોર્ટરને મળવું જોઈએ? એને એવું લાગ્યું કે હાલના સંજોગો જોતાં એની મમ્મી પણ ઇન્ટરવ્યૂ આપવાની ના પાડે તો છાપાવાળાઓ એના ફાધર સામે બેફામ લખ્યા જ કરશે. જો એની મધર એના પિતા સામે કરવામાં આવેલા આક્ષેપો જુઠ્ઠા છે એવું જણાવે અને એના પિતા શા માટે પ્રેસ કૉન્ફરન્સમાં હાજર નહોતા રહ્યા, શા માટે કશે ચાલી ગયા છે એનો જો વ્યવસ્થિત ખુલાસો કરે તો છાપાવાળાઓ એના પિતાની વિરુદ્ધને બદલે ફેવરમાં લખવા માંડે. એક પત્ની જ્યારે પતિની સામે કરવામાં આવેલા આવા આક્ષેપો નકારે, પતિની પડખે ઊભી રહે, પતિના નિષ્કલંક હોવાનું જણાવે તો સ્વાભાવિક છે કે લોકોની લાગણી સ્ત્રી તરફ ઢળે. મંથનને સાથે-સાથે એવો પણ વિચાર આવ્યો કે આટલી મોટી ઇન્ડસ્ટ્રીના માલિકની પત્નીએ જો એ ઇન્ડસ્ટ્રીના માલિક વિશે કંઈ કહેવું હોય તો ન્યૂઝપેપરના રિપોર્ટરોને કેમ મળવું, ક્યાં મળવું, શું કહેવું, શું નહીં એને લગતાં ધારાધોરણ અને નિયમોનો ખ્યાલ રાખવો જોઈએ. રિપોર્ટરો એના ફાધરની અંગત વાતો ઉપરાંત બિઝનેસને લગતા, ઇન્ડસ્ટ્રીને લગતા સવાલો પૂછી શકે છે. તેઓ આવી બાબતમાં ખૂબ જ ચપળ હોય છે. વાત કઢાવવામાં એક્કા હોય છે. આથી મમ્મી કોઈ રિપોર્ટરને મળે એ પહેલાં કંપનીના સેક્રેટરી અને સોલિસિટરને એ ઇન્ટરવ્યૂ આપે કે નહીં એ પૂછી લેવું જોઈએ.
મંથન આવા આવા વિચારો કરતો હતો એટલામાં જ સાવિત્રીનો મોબાઇલ ફરીથી રણક્યો.
‘આ રિપોર્ટરો બહુ જ અધીરા હોય છે. પંદર મિનિટ પછી ફોન કરવાનું કહ્યું હતું અને હજી તો પાંચ મિનિટ માંડ થઈ છે.‘ આવું બોલતાં મંથને એની મમ્મીનો મોબાઇલ ઉપાડ્યો.
‘મેં તમને પંદર મિનિટ પછી ફોન કરવા કહ્યું હતું ને.‘ એણે ગુસ્સામાં સામેવાળી વ્યક્તિ કંઈ બોલે એ પહેલાં કહ્યું.
‘હલ્લો… હલ્લો… હું તમને પહેલી વાર ફોન કરી રહ્યો છું. મેં નંબર જોડ્યો છે મિસિસ સાવિત્રી સત્યેન શાહનો. આપ કોણ છો?’
મંથન હવે થોડો ભોંઠો પડ્યો. એણે શાંત થતાં કહ્યું ઃ ‘સૉરી, હમણા જ એક રિપોર્ટરનો મારી મમ્મીને મળવા માટે ફોન આવ્યો હતો. મેં એમને પંદર મિનિટ પછી ફોન કરવા કહ્યું હતું એટલામાં તમારો ફોન આવ્યો, પણ આપ કોણ છો? અને મારી મમ્મીને શા માટે ફોન કર્યો છે.‘
‘એ રિપોર્ટર કોણ હતો?’
મંથનના સવાલનો જવાબ ન આપતાં અટલે સામો પ્રશ્ન કર્યો.
‘હતી એક મિસ અચલા ઠાકોર, પણ તમે કોણ છો? મારી મમ્મીનું શું કામ છે?’
‘હું… હું…‘ અટલ પોતે પણ એક રિપોર્ટર છે અને મંથનની મમ્મીને મળવા ઇચ્છે એવું કહેતાં અટક્યો. પછી એણે જણાવ્યું ઃ
‘હું તમારા ફાધરનો સમર્થક છું. મારું દૃઢપણે માનવું છે કે તમારા ફાધર સામે કરવામાં આવેલા આક્ષેપો સાવ ખોટા છે. ગઈકાલે સવારના તમારાં મધરે મને જણાવ્યું હતું કે તમારા ફાધર ડેઈલી એમની દિનચર્યા એમની ડાયરીમાં ટપકાવે છે. નિયમિત રૃપે વર્ષો સુધી લખેલી ડાયરીઓ તમારા ફાધર સામે કરવામાં આવેલા આક્ષેપોને ખોટા પાડે છે. એ ડાયરીઓ વિશે વધુ જાણકારી મેળવવા મારે તમારાં મધરને મળવું છે.‘ અટલે જાણીજોઈને એ પોતે એક રિપોર્ટર છે એવું ન જણાવ્યું. આગલા દિવસે બનેલ ઘટનાને જુદી રીતે વર્ણવતાં મંથનની સહાનુભૂતિ મેળવી.
‘ઓહ… એમ વાત છે, પણ મમ્મી ડિપ્રેસ છે. તમે કાલે ફોન કરો ને?’
‘જુઓ, હું કાલે શું, ચાર દિવસ પછી તમારાં મમ્મીને મળીશ, પણ ત્યાં સુધીમાં આ છાપાવાળાઓ તમારા ફાધરને એવા ચીતરી મૂકશે કે પછી એ ચિત્ર ભૂંસાવું મુશ્કેલ થઈ પડશે. એટલે હું જો તમારાં મધરને આજે મળી શકું તો આપણે આ ખોટી અફવાઓ બંધ કરાવી શકીએ.‘
‘ઓકે… તો તમે આવો.‘ પોતે એક રિપોર્ટરને આમંત્રણ આપી રહ્યો છે એ વાતથી અજ્ઞાત મંથને એના ફાધર વિરુદ્ધ પ્રસિદ્ધ થતી વાતો જો અટકી શકે એમ હોય તો મમ્મીએ આ માણસને મળવું જોઈએ એવું વિચારીને કહ્યું. મંથનને ખ્યાલ ન રહ્યો કે એ વ્યક્તિ પણ કદાચ રિપોર્ટર હોઈ શકે. મંથન હવે એનો વિચાર બદલે, અટલનું નામ પૂછે, એ કોણ છે એ જાણે, એ પહેલાં જ અટલે ‘થેન્ક યુ. હું હમણાં જ આવું છું.‘ એમ કહીને ફોન કટ કર્યો.
બરાબર પંદર મિનિટ પછી સાવિત્રીનો ફોન ફરી પાછો રણક્યો. આ દરમિયાન મંથને જાણી લીધું હતું કે જો સાવિત્રી રિપોર્ટરને મળે અને સત્યેનના પક્ષમાં એની સામે જાતીય શોષણના જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ ખોટા છે એવું જણાવે તો એની અસર સારી પડશે. એમના બિઝનેસ વિશે, ઇન્ડસ્ટ્રી વિશે જો એ રિપોર્ટર કોઈ સવાલ કરે તો સાવિત્રીએ ચોખ્ખું કહેવાનું કે મને એમના બિઝનેસ વિશે કંઈ જાણ નથી. આથી અચલાએ જ્યારે પાછો ફોન કર્યો ત્યારે મંથને એને જણાવ્યું કે એ એની મધરને મળવા સાંજના આવી શકે છે.
‘કેટલા વાગે?’
‘મમ્મી છ-સાડા છએ વૉક ઉપર જાય છે એટલે તમે આઠ વાગે આવો. ડિનર અમારી જોડે લેજો.‘ આખરે મંથન એક ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ અને બિઝનેસમેન હતો. રિપાર્ટરોને જો ખવડાવવા-પીવડાવવામાં આવે તો તેઓ એમની તરફ કૂણુ વર્તન દેખાડે છે એની મંથનને પણ જાણ હતી.
‘ડિનર નહીં, પણ હું તમારાં મધર જોડે કૉફી જરૃર લઈશ. બરાબર આઠ વાગે આવી જઈશ.‘ અચલાના મોં ઉપર આનંદ છવાઈ ગયો. હવે સત્યેન શાહ વિશેની સઘળી માહિતી એ મેળવી લેશે, પછી અખબારોની દુનિયામાં ફરી એકવાર એનું નામ નંબર વન ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટર તરીકે ગાજતું થઈ જશે.
* * *
અટલે જ્યારે ‘મધુરિમા‘ બંગલામાં બીજી વાર પ્રવેશ કર્યો ત્યારે સવારના નવ જ વાગ્યા હતા. આ વખતે એણે ચોરીછૂપીથી પ્રવેશવાનું નહોતું. ‘મંથન સાહેબે મને બોલાવ્યો છે…‘ એવું એનું કહેવું સાચ્ચું છે એની ખાતરી કર્યા બાદ બહાદુરે અટલને મધુરિમામાં પ્રવેશવા માટે મેઈન ગેટની બાજુનો દરવાજો ખોલી આપ્યો. અટલ એ ભવ્ય બંગલામાં ફરી એક વાર દાખલ થયો. આજે તો એ નિશ્ચિંત હતો. ગભરાવાનું કંઈ કારણ નહોતું. ગેટમાંથી અંદર પ્રવેશતાં અડધી મિનિટ ઊભા રહીને એ બંગલાનું અને એમાં આવેલ બગીચાનું એણે નિરીક્ષણ કર્યું. જેણે પણ આ બંગલો ડિઝાઇન કર્યો હશે એ ખરેખર સ્વપ્નદૃષ્ટા હશે. આ બગીચાનું લેઆઉટ પણ જેણે કર્યું હશે એણે પણ ઘાટઘાટનાં પાણી પીધાં હશે. એણે વિશ્વનાં જુદાં-જુદાં ગાર્ડન અવશ્યથી જોયા હશે. સત્યેન શાહે બંગલાને શણગારવામાં કોઈ પણ જાતની કચાશ રાખી નથી. આવા આવા વિચારો મધુરિમામાં પ્રવેશતાં અટલને આવી ગયા. મંથને અટલને આવકાર્યો. ઘરના વિશ્વાસુ નોકરે સાવિત્રી આવે એ પહેલાં કૉફીનો કપ અટલ આગળ ધર્યો. ના પાડવાની ઇચ્છા હોવા છતાં ચાઇનીઝ ક્રોકરીનો એ કૉફીનો કપ જ એટલો આકર્ષક હતો કે અટલને આપવા માટે લંબાવાયેલો એ કપ અટલ નકારી ન શક્યો. કૉફી ગરમ તેમ જ સ્ટ્રોન્ગ હતી. સાકર વગરની જ કૉફી પીવા ટેવાયેલા અટલને પણ એ બ્રાઝિલિયન કૉફી થોડીક કડવી લાગી, પણ એ પીવાની એને મજા આવી. કૉફી પી લીધા બાદ અટલે એ જ્યાં બેઠો હતો એ ડ્રોઈંગ રૃમમાં ચારે તરફ નજર કરી અને એનાથી ‘વાહ, વાહ‘ બોલાઈ ગયું.
દીવાનખાનાના મધ્યની દીવાલ ઉપર એમ.એફ. હુસૈનના દોડતા ઘોડાઓનું એક જાયન્ટ પેઇન્ટિંગ ટીંગાડેલું હતું. આજે એની કિંમત ઓછામાં ઓછી પચાસ લાખથી એક કરોડની હશે. અટલ કળાનો કદરદાન હતો, પણ હતો રિપોર્ટર. એને આવાં પેઇન્ટિંગ્સની કિંમત કેટલી હોય એની ખબર નહોતી. આટલી કિંમત તો એણે અટકળે કરી. સાઈડની એક દીવાલ પર જે ચિત્રકારનું એની જિંદગી દરમિયાન એક પણ પેઇન્ટિંગ કોઈએ ખરીદ્યું નહોતું એવા, પણ આજે જગપ્રસિદ્ધ એમસ્ટરડેમના વિન્સેન્ટ વાન ગોહએ દોરેલ પાંચ સનફ્લાવરોમાંનું એક ‘સનફ્લાવર‘ ટીંગાડેલું હતું. જો એ ઓરિજિનલ હોય તો તો એની કિંમત કરોડોમાં હોય. બીજી દીવાલ ઉપર પણ એમસ્ટરડેમના પેઇન્ટર રેમબ્રાન્ડનુંં પ્રખ્યાત પેઇન્ટિંગ ‘નાઈટવૉચ‘ હતું. આ પેઇન્ટિંગ તો ઓરિજિનલ હોઈ જ ન શકે, કારણ કે રેમબ્રાન્ડનું ‘નાઈટવૉચ‘ તો એમસ્ટરડેમના ‘રિસ્ક‘ મ્યુઝિયમમાં પ્રદર્શિત છે. એ ત્યાંથી ચોરાયું હોય એવા કોઈ જ ખબર નહોતા. યુરોપના રેનેસાં સમયના અન્ય જાણીતા પેઇન્ટરોનાં પણ નાનાં-મોટાં પેન્ટિંગ્સ સત્યેન શાહના મધુરિમા બંગલાની દીવાનખાનાની દીવાલો શોભાવતાં હતાં.
ખંડની બરાબર વચ્ચે એક પાંચ ફૂટ ઊંચો લાલ રંગનો ચાઇનીઝ વાઝ હતો. એક ટેબલ ઉપર ઇજિપ્શિયન અને ‘ફેરોઝ‘ ને ‘મમી‘નાં પૂતળાં પ્યાદા રૃપે ગોઠવેલ ચેસની રમત હતી. એક બીજા ટેબલ ઉપર રથ ચલાવતા રોમન યોદ્ધાનું મારબલનું પૂતળું હતું. એની બરાબર સામે કુરુક્ષેત્રમાં અર્જુનને ઉપદેશ આપતાં આપતાં રથ ચલાવતા કૃષ્ણ ભગવાનનો હાથીદાંતનો રથ હતો. સત્યેન શાહે દુનિયાભરનાં પ્રખ્યાત પેઇન્ટિંગ્સ અને કળાત્મક ચીજો એમના દીવાનખાનામાં ભેગી કરી હતી. મધુરિમાના દીવાનખાનામાં એક મ્યુઝિયમ ઊભું કર્યું હતું.
‘નમસ્તે…‘ સાવિત્રીએ દીવાનખાનામાં પ્રવેશતાં આજે અટલને આવકાર્યો. રડીરડીને એનું મોં સૂજી ગયું હતું. એવું જણાતું હતું કે એ રાત્રિના સૂતી નહીં હોય. આટલું ભીષણ દુઃખ આવી પડે, પતિ સામે આવા જાતીય શોષણના, પાંચ-પાંચ પ્રતિષ્ઠિત સ્ત્રીઓ આક્ષેપો કરે અને પતિ લાપતા હોય એવી પત્ની દુઃખી તો હોય જ ને. આમ છતાં સાવિત્રીએ એની સ્વસ્થતા સંયમપૂર્વક જાળવી રાખી હતી.
‘નમસ્તે… મેડમ, ગઈકાલના મારા વર્તન બદલ હું આપની ક્ષમા માગું છું.‘
‘એ વાત જવા દો. બોલો, તમારે મારા પતિની નિર્દોષતા પુરવાર કરવા માટે શું જાણવું છે?’
‘ઘણુ બધું અને કંઈ નહીં.‘
‘એટલે?’
‘એટલે એમ કે સત્યેન શાહ વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપો સાવ ખોટા છે, કોઈ ખાસ કારણથી એ કરવામાં આવ્યા છે. એમની સામે કોઈએ ષડ્યંત્ર રચ્યું છે એવું મને લાગે છે.‘
‘તો પછી તમારે જાણવું શું છે?’
‘મારે જાણવું નથી, વાંચવું છે.‘
‘હેં! શું વાંચવું છે?’
‘તમે પેલી ડાયરીઓનો ઉલ્લેખ કર્યો હતો, સત્યેન શાહ વર્ષોથી નિયમિત રૃપેે એમની જે રોજનીશી લખતા હતા, મારે એ વાંચવી છે. એ ડાયરીઓ જ એમની સામે કરવામાં આવેલા આક્ષેપો ખોટા પાડશે.‘
‘તમારી વાત સાચી છે, પણ એ ડાયરીઓ હું તમને આપી ન શકું.‘
(ક્રમશઃ)
——————————————————————-.