‘સલીમ, તારા માણસે કામ પૂરું કરી નાખ્યું છે

મને સત્યેન શાહની એ ડાયરીઓ વાંચવા મળે તો સત્ય હકીકત જાણી શકીશ

સત્ – અસત્ – નવલકથા – પ્રકરણઃ ૧૦

લે. – સંગીતા-સુધીર

વહી ગયેલી વાર્તાનો સાર…

બાકીનું અડધું ખોખું મેળવી લેજે…

ચારેય રિપોર્ટરો ઇન્ટરવ્યૂ વાંચવાના બદલે મહેક મોમિનનો વીસ વર્ષ પહેલાંનો અને રિપોર્ટર જાગૃતિ જોષીનો હાલનો ફોટો જોવા લાગ્યા. ઇન્ટરવ્યૂમાં મહેક મોમિને જાગૃતિ જોશીને પોતાની વીતક કથા સંભળાવી હતી. આટલાં વર્ષાે સુધી ચૂપ રહ્યા બાદ હવે આક્ષેપ કેમ કર્યા? આના જવાબમાં મહેકે જણાવ્યું કે, તે સમયે મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ જ કર્યાે હતો. સત્યેન શાહે મારું જાતીય શોષણ કર્યું છે તેવી ફરિયાદ કોને કરવી તે મારા માટે મોટો સવાલ હતો. ઘણી જહેમત પછી મને ફિલ્મમાં ચાન્સ મળ્યો હતો. તે સમયે મૂંગા રહેવું એ મારી મજબૂરી હતી, સ્વાર્થ ન હતો. મહેકે પોતાની આપવીતી કહેતાં આગળ જણાવ્યું કે, પ્રથમ ફિલ્મ હિટ થયા બાદ જે સાત પ્રોડ્યુસરોએ મને સાઇન કરી હતી એ બધાના ફાઇનાન્સર સત્યેન શાહ હતા. આથી મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. એક્ટરો વિશે પ્રવર્તતી બધી માન્યતાઓ ખોટી હોવાનું જણાવી અમારે બધાંનો ખ્યાલ રાખવો પડતો હોય છે, અમે કોઈની નારાજગી વહોરી ન શકીએ તેમ તેણે ઉમેર્યું. પોતાની વાત આગળ વધારતાં મહેકે જણાવ્યું કે, સત્યેન શાહે મારું જાતીય શોષણ કર્યું છે તેવું મેં જો જાહેર કર્યું હોત તો મારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દેવી પડી હોત. મારા જેવી કેટલીય અભિનેત્રીઓ જાતીય શોષણનો ભોગ બની હોવા છતાં મજબૂરીના કારણે મૂંગી રહેતી હોય છે. મહેકે પોતાની પીડા દર્શાવી. આની સામે જાગૃતિ જોષીએ ફિલ્મ પ્રોડ્યુસર મિસ્ટર તેજાની સાથે લિવ-ઇન-રિલેશનશિપમાં રહેવા છતાં તમારી બદનામી નથી થતી તેવો સવાલ ઉઠાવ્યો. જેના જવાબમાં મહેક મોમિને એકબીજાની મરજીથી રચાતા લિવ-ઇન-રિલેશનશિપના સંબંધો તો વિશ્વવ્યાપી હોવાની વળતી દલીલ કરી. તેજાની સાથે મારી મરજીથી રહું છું, પરંતુ સત્યેન શાહે મારી મરજી વિરુદ્ધ મારું જાતીય શોષણ કર્યું હતું, આમ કહીને મહેક મોમિને પોતાની ઉપર સત્યેન શાહે તેમની ઓફિસમાં કેવી રીતે બળાત્કાર ગુજાર્યાે હતો તે સમગ્ર ઘટના કહી સંભળાવી. બળાત્કાર ગુજાર્યા બાદ આ વાત કોઈને કહીશ તો તારી કારકિર્દી પૂરી કરી દઈશ તેવી સત્યેન શાહે તેને ધમકી આપી હતી. રિપોર્ટરો ખૂબ જ રસપૂર્વક આ ઇન્ટરવ્યૂ વાંચી રહ્યા હતા, ત્યાં જ સત્યેન શાહની સેક્રેટરીએ આવીને માહિતી આપી કે સત્યેન શાહનો ક્યાંય પત્તો લાગતો નથી. હવે પ્રેસ કૉન્ફરન્સ ક્યારે યોજાશે તેની તમને જાણ કરાશે. સેક્રેટરીની આ વાત સાંભળી સત્યેન શાહનું શું થયું હશે તે જાણવાની રિપોર્ટરોની જિજ્ઞાસા વધી ગઈ. આથી બધા સેક્રેટરીને સવાલ પૂછવા લાગ્યા. સેક્રેટરીએ આના જવાબ આપ્યા અને આ આખી વાતચીત ટીવી ચેનલોના પ્રતિનિધિઓએ રેકોર્ડ કરી લીધી. આ સમગ્ર વાતચીતનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું હતું. લોકોને ખબર પડી ચૂકી હતી કે જાણીતા ઉદ્યોગપતિ સત્યેન શાહ લાપતા છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એક વ્યક્તિએ સલીમને ફોન કરી માહિતી આપી કે તારા માણસે કામ પૂરું કરી નાંખ્યું છે, સાંજે ગેટ-વે હોટલની કૉફી શોપમાં જઈને બાકીનું અડધું ખોખું મેળવી લેજે.               

હવે આગળ વાંચો…

સત્યેન શાહે બોલાવેલ પ્રેસ કૉન્ફરન્સમાં તેઓ જરૃરથી એમની વિરુદ્ધ કરવામાં આવેલ જાતીય શોષણના આક્ષેપો જુઠ્ઠા છે એવું જણાવશે. પ્રત્યુત્તરમાં તેઓ જે પાંચ સ્ત્રીએ એમની વિરુદ્ધ આક્ષેપ કર્યાં હતાં એમની વિરુદ્ધ કંઈ ને કંઈ બોલશે, દાખલાઓ આપશે, દલીલો કરશે અને અમને સૌને અમારાં અખબારો અને મૅગેઝિનોમાં છાપવા માટે સનસનાટીભરી વાતો મળશે.

આવી આશાએ આવેલા રિપોર્ટરોને નિરાશા ઘેરી વળી. સાથે-સાથે સત્યેન શાહ લાપતા છે એ સમાચાર પણ સનસનાટીભર્યા છે એટલે રિપોર્ટિંગ માટે મસાલો તો મળ્યો જ છે.આવું આવું વિચારતા રિપોર્ટરો કૉન્ફરન્સ રૃમમાંથી બહાર નીકળ્યા. થોડીવારમાં તો પળભર પહેલાં જ્યાં ઉગ્ર સ્વરે ચર્ચાઓ થતી હતી એ કૉન્ફરન્સ રૃમ ખાલી થઈ ગયો.

જાગૃતિ જોશી રૃમની બહાર નીકળતી હતી અને એની નજર પહેલાં અટલ ઉપર અને પછી અચલા ઉપર પડી. તેઓ બંને પોતપોતાની ખુરસીમાં બેસી રહ્યાં હતાં. બંને કોઈ ગહન વિચારમાં હોય એવું લાગતું હતું. જાગૃતિની ખૂબ જ ઇચ્છા હતી કે એ અટલ જોડે આત્મીયતા કેળવે. અટલની કાર્યકુશળતા તેમ જ એના વ્યક્તિત્વએ એને આકર્ષી હતી.

સર, તમે કેમ બેસી રહ્યા છો?’ અટલની નજીક જઈ જાગૃતિએ પ્રશ્ન કર્યો અને અટલ વિચારોની દુનિયામાંથી બહાર આવ્યો.

એમ જ… ગિરદી થોડી ઓછી થાય એટલે નીકળીશ. આટલા બધા એકસામટા લિફ્ટમાં કેવી રીતે જઈ શકે?’

હવે જાગૃતિ અટલની બાજુની ખુરસીમાં બેસી ગઈ. એણે અટલના ચહેરા સામે દૃષ્ટિ કરી. પળ-બેપળ એને જોયો અને પછી બીજો પ્રશ્ન કર્યો, ‘સર, તમને તો જાણ હશે જ કે હું પત્રકારત્વની દુનિયામાં નવી છું.

હા… હા, તું યુવાન દેખાય જ છે.

ફક્ત ઉંમરમાં નાની નથી, અનુભવમાં પણ નાની છું.

તો પણ તેં પાંચમાની એક પીડિતા મહેક મોમિનનો ઇન્ટરવ્યૂ કર્યો છે. મને તારી ઇન્ટરવ્યૂ લખવાની સ્ટાઇલ ગમી.

સર…

આ તું મને સર… સર ન કહે, એવું લાગે છે જાણે હું કોઈ સ્કૂલ-ટીચર હોઉં.

આપ સિનિયર રિપોર્ટર છો, એટલે મારાથી આપને નામ લઈને કેમ બોલાવાય? અને હકીકતમાં હું તમને મારા ટીચર બનાવવા ઇચ્છું છું.

વ્હૉટ…?’ જાગૃતિનું કહેવું સાંભળીને અટલ થોડો ચમક્યો.

યસ સર, મારી ઇચ્છા છે કે તમે મને તમારા હાથ નીચે કામ કરવા દો. મારે તમારા જુનિયર રિપોર્ટર તરીકે કામગીરી કરવી છે. તમારી પાસેથી મારે એક સારા રિપોર્ટર બનવાની તાલીમ લેવી છે.

પણ તું તો અગ્નિપથમાં ઑલરેડી કામ કરે છે.

તો શું થયું? ત્યાં કામ કરતાં કરતાં પણ હું તમારી આસિસ્ટન્ટ તરીકે કામ કરી શકું છું.

જો બધા નીચે ઊતરી ગયા છે. હવે આપણને લિફ્ટમાં જગ્યા મળશે.

જાગૃતિના સવાલનો જવાબ ન આપતાં કૉન્ફરન્સ રૃમના દરવાજાની બહાર નજર કરી રહેલો અટલ ઊભો થયો. જાગૃતિ પણ સાથે-સાથે ઊભી થઈ. એનું ઊભા થવાનું મન બિલકુલ નહોતું, એ એના હાવભાવ પરથી કળાઈ આવતું હતું. બરાબર એ જ સમયે અચલા પણ એની ખુરસીમાંથી ઊભી થઈ. અટલની નજર એના પર પડી. અચલાએ એને એક સ્મિત આપ્યું. એ ત્રણેય એકસાથે લિફ્ટમાં દાખલ થયાં.

તારી તો બાઈક છે ને?’ અચલાએ અટલને પૂછ્યું.

યસ… હાર્લી ડેવિડસન છે.

અટલને એની મોટરબાઈક માટે અભિમાન હતું.  હોય જ ને! આલતુફાલતુ માણસ હાર્લી ડેવિડસન જેવી મોંઘી બાઈક ખરીદી જ ન શકે. લોન લઈને હપ્તા ઉપર એ ખરીદી પણ હોય તોય એ ચલાવવા માટે શરીરમાં જોમ અને છાતીમાં જુસ્સો હોવો જોઈએ. અટલની હાર્લી ડેવિડસનની કિંમત પંદર લાખ હતી. વજનમાં એ એટલી ભારે હતી કે એને પકડીને ઊભા રહેવા માટે ખાસ્સું જોર હોવું જરૃરી હતું. અન્ય મોટરબાઈક કરતાં એ ખૂબ જ ઝડપથી, આંખના પલકારામાં સ્પીડ પકડી શકતી હતી. જો રસ્તો સારો અને ખુલ્લો હોય, ચલાવવાવાળો હોશિયાર હોય તો કલાકના ૨૦૦ કિલોમીટરની સ્પીડે પણ એને દોડાવી શકાય.

સર, તમને આવી જબરદસ્ત ઝડપે ચાલનારી, જેની વિશ્વની શ્રેષ્ઠ બાઇકમાં ગણના થાય છે એવી હાર્લી ડેવિડસન મુંબઈમાં ચલાવવામાં કોઈ તકલીફ નથી પડતી?’ અચલાને એ જ્યારે અટલ જોડે વાત કરી રહી હતી ત્યારે જાગૃતિનું આમ વચ્ચે બોલવું ન ગમ્યું. એણે એ નવીસવી રિપોર્ટર સામે તીરછી આંખો વડે જોઈને પ્રશ્ન કર્યો.

તને આ કૉન્ફરન્સમાં આવવા કોણે દીધી?’

તમને જેમણે આવવા દીધા એમણે જ!જાગૃતિ અચલાથી ગાંજી જાય એમ નહોતી. અચલાએ એના સવાલ દ્વારા એનું અપમાન કર્યું હતું એ કળી જતાં એણે પણ અચલાને એની જ ભાષામાં જવાબ આપ્યો.

આ બે સ્ત્રીઓ અંદર અંદર વાક્યુદ્ધમાં ઊતરી પડે એ પહેલાં જ લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પહોંચી ગઈ. એનો ઑટોમેટિક દરવાજો ખૂલી ગયો. અટલે એની ડાબી બાજુએ ઊભેલી અચલા અને અચલાની ડાબી બાજુએ ઊભેલી જાગૃતિ, એ બંને સ્ત્રીઓ તરફ દૃષ્ટિ કરીને એનો જમણો હાથ લાંબો કર્યો અને કહ્યું ઃ

પ્લીઝ… આફ્ટર યુ!

બંને સ્ત્રીઓ લિફ્ટની બહાર નીકળી. એમની પાછળ અટલ પણ બહાર નીકળ્યો. ત્રણેયે એસ.એસ. હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ વિઝિટિંગ રૃમમાંથી બહાર જવા પગલાં માંડ્યાં.

અટલ અહીં બાજુમાં જ એક ફાઇવ સ્ટાર હોટેલ આવેલી છે. બધા કહે છે કે એ હયાતઅત્યંત મૉડર્ન અને ખાસ જોવા જેવી છે. એના કૉફી હાઉસમાં જે કૉફી આપવામાં આવે છે એવી તો અમેરિકામાં પણ નથી મળતી. મારે એ હોટેલ જોવી છે અને ત્યાંની કૉફી પણ પીવી છે. ગિવ મી કંપની…

અચલાની આ માગણીથી અટલ જરા ચોંકી ગયો. સામાન્ય રીતે અચલા અટલને અવગણતી હતી. એને અને અટલને બારમો ચંદ્રમા હતો. આવી કોઈ પ્રેસ કૉન્ફરન્સ કે સમારંભમાં તેઓ એકબીજાને ભેટી જાય ત્યારે ન છૂટકે વાતચીત કરતાં, પણ એમની વાતચીતમાં તેઓ હંમેશ એકબીજાને આડકતરી રીતે ટોણા જ મારતાં. ભલે બંનેને એકબીજાની કારકિર્દી વિશે માન હોય, પણ એમની એ આગળ પડતી કારકિર્દી જ એકબીજા પ્રત્યે ઈર્ષ્યા ઉત્પન્ન કરતી હતી. એ ઈર્ષ્યાને કારણે તેઓની વચ્ચે સતત શીતયુદ્ધ ચાલ્યા કરતું હતું. આમ છતાં અટલ અચલાની માગણી નકારી ન શક્યો.

તું મારી સાથે બાઈક ઉપર આવશે કે પછી તને હાર્લી ડેવિડસન ઉપર બેસતાં બીક લાગશે?’

બીજી સ્ત્રીઓ જેવી હું બીકણ બાયડી નથી. ઍન્ડ ફૉર યૉર ઇન્ફોર્મેશન… બાઈક ચલાવતાં મને પણ આવડે છે.

જાગૃતિને લાગ્યું કે હવે એણે આ બંનેથી છૂટા પડવું જોઈએ. જોકે મનોમન તો એને ઇચ્છા થઈ આવી કે અચલાને બદલે અટલની પાછળ બાઈક ઉપર એ બેસે અને અચલાને બદલે હયાતમાં અટલ જોડે કૉફી પીવા એ જાય.

અચ્છા સર, તમે કૉફી પીવા જાવ. હું મારી ઑફિસે જાઉં છું. આજે જે ઘટના બની છે એનો રિપોર્ટ લખીને આપવો પડશે. નેક્સ્ટ વીકના અમારા ઇશ્યુનો મારો આજનો રિપોર્ટ કદાચ કવર સ્ટોરી હશે અને સર, પ્લીઝ… મારી રિક્વેસ્ટ ઉપર વિચાર કરજો. હું તમારો બે-ચાર દિવસમાં કૉન્ટેક્ટ કરીશ. બાય… બાય, મિસ અચલા.

* * *

બાન્દ્રા-કુલા કૉમ્પ્લેક્સમાં આવેલ અમેરિકન કૉન્સ્યુલેટની બાજુમાં જ બંધાયેલ હયાત હોટેલ અચલાના કહેવા મુજબ અત્યંત આધુનિક અને મૉડર્ન આર્કિટેક્ચરના નમૂના સ્વરૃપ સુંદર હતી. એસ.એસ. હાઉસથી બાઈક ઉપર ત્યાં પહોંચતાં માંડ પાંચ મિનિટ જ લાગી હતી. આટલા સમયમાં પણ મુંબઈના ટ્રાફિકને કારણે અને એક રસ્તા ઉપરથી વળીને બીજા રસ્તા ઉપર જવા માટે અટલને બે-ત્રણ વાર બ્રેક મારવી પડી હતી. અચાનક બ્રેક લાગતાં થોડીક અળગી બેઠેલી અચલાનું શરીર અટલની પીઠ જોડે વારંવાર ભટકાતું હતું. બંને પ્રતિસ્પર્ધીઓ એકબીજા પ્રત્યે વ્યાવસાયિક અણગમો ધરાવતાં હતાં. આમ છતાં આ બંને વિરુદ્ધ જાતિની વ્યક્તિઓને એકબીજાના સ્પર્શે સુંવાળા કંપનો આપ્યાંં. બંને અપરિણીત હતાં. બેમાંથી કોઈએ આજ સુધી વિરુદ્ધ જાતિની વ્યક્તિનો આવો સ્પર્શ અનુભવ્યો નહોતો. એ બંનેને એકબીજાનો આકસ્મિક પણ ક્ષણિક સ્પર્શ ઊંડે ઊંડે ગમ્યો.

બાઈક પાર્ક કરીને અટલ અને અચલા હોટેલના કૉફી શૉપમાં ગયાં. અટલને રહી રહીને એ જ વિચાર આવતો હતો, ‘અચલાએ શા માટે મને કૉફી પીવાનું આમંત્રણ આપ્યું હતું. નક્કી એ એની પાસેથી કોઈ વાત કઢાવવા ઇચ્છતી હશે.કૉફી આવી અને અચલાએ પૂછ્યુંઃ

સુગર કેટલી? એક કે બે?’

એકેય નહીં.

ડાયાબિટીસ છે?’

ના. કડવી ચીજ પીવી ગમે છે.

હા, ઘણાને જેમ કડવો બીયર ભાવે છે એમ તને કડવી કૉફી ભાવતી લાગે છે. અટલ, તને જિંદગીમાં કોઈ એવો કડવો અનુભવ થયો છે, જે તને ગમ્યો હોય?’

કેમ? આવો સવાલ કરે છે?’

જો, તને ચોખ્ખેચોખ્ખું જ કહું…

એ માટે તો તું જાણીતી છે.

આપણે બે પ્રતિસ્પર્ધીઓ છીએ.

એ કહેવાની જરૃર નથી. બધાને ખબર છે.

તેમ છતાં મને તારા માટે અને તને મારા માટે માન છે.

તને મારા માટે માન છે એની તો મને ખબર છે, પણ મને તારા માટે માન છે એમ તું કેમ માને છે?’

મજાક છોડ. હું તને એ કહેતી હતી કે આપણી વચ્ચે ખટાશ છે, પણ એકબીજાનાં કાર્ય માટે મનમાં મીઠાશ પણ છે. એટલે મેં તને પૂછ્યું કે તને જિંદગીમાં કોઈ એવો કડવો અનુભવ થયો છે, જે તને ગમ્યો હોય.

આજે સવારના તારી જોડેની મુલાકાત મને કડવી લાગી હતી. અત્યારના તારી સાથે આ કૉફી શૉપમાં બેસવાનો અનુભવ પણ મને થોડો વિચિત્ર લાગે છે, પણ સાથે-સાથે ચોખ્ખેચોખ્ખું કહું તો ખબર નહીં કેમ, પણ તારી જોડે આમ એકલા અહીં બેસવું મને ગમતું હોય એવું લાગે છે.

એય મિસ્ટર, ફ્લર્ટ કરવાનું છોડી દે. પેલી તારા પર મરતી હતી એની જોડે ફ્લર્ટ કરજે.

કોણ પેલી?’

જે તારી વાટ જોઈને કૉન્ફરન્સ રૃમમાં ઊભી હતી અને તારી આસિસ્ટન્ટ બનવા માગે છે.

એટલે તું અમારી વાત સાંભળતી હતી?’

કૉન્ફરન્સ રૃમમાં આપણે ત્રણ જ હતાં. એટલે શબ્દો કાને તો પડે જ ને.

જો અચલા, આઈ ઍમ સિરિયસ. હું કંઈ તારી જોડે ફ્લર્ટ નથી કરતો. મને જે ફીલ થયું એ મેં તને નિખાલસપણે જણાવ્યું, પણ તું કહે આમ અચાનક તેં મને કૉફી પીવા શા માટે આમંત્ર્યો?’

મારે જાણવું છે કે સવારના મને મળ્યા બાદ તું કલાક-દોઢ કલાક માટે ક્યાં ગુમ થઈ ગયો હતો? તું બોલ્યો એ પરથી મને લાગ્યું કે તું સત્યેન શાહના બંગલે ગયો હતો. શા માટે ત્યાં ગયો હતો? ત્યાં તેં શું જોયું? ત્યાં શું બન્યું હતું?’

મને ખાતરી જ હતી કે તું આવું જ કંઈક પૂછવા મને અહીં લઈ આવી હશે.

તો એમાં ખોટું શું છે?’

ખોટું કંઈ નથી, પણ મિસ, હું ક્યાં ગયો હતો, ક્યાં નહીં અને મેં શું જોયું અને જાણ્યું એ તને જણાવવા હું મુદ્દલે નથી ઇચ્છતો.

મને ખાતરી જ હતી કે તું ઇન્ફોર્મેશન શેઅર નહીં કરે.

તો પછી એ જાણવાનો પ્રયત્ન શા માટે કર્યો?’

વેઇટર, મારો ચેક લાવો.અટલનો નન્નો સાંભળીને અચલા વિફરી ગઈ. એણે અટલને જવાબ ન આપતાં કૉફી શૉપમાંથી તુરંત ચાલી જવાની ચેષ્ટા કરી.

તું ચેક આપવાની તકલીફ નહીં લેતી. ભલે તારો પ્રતિસ્પર્ધી હોઉં, પણ મારામાં એટલું તો સ્ત્રીદાક્ષિણ્ય છે કે જ્યારે એક સ્ત્રી જોડે હું રેસ્ટોરાંમાં આવું તો બિલ હું જ ભરું.

અટલના કહેવા પ્રત્યે દુર્લક્ષ કરી પર્સમાંથી ગાંધીનું હસતું મોઢું ધરાવતી લીલા રંગની પાંચસોની નોટ કાઢી, ટેબલ ઉપર મૂકી અચલા ફટ દઈને ઊભી થઈ અને ઝડપથી કૉફી શૉપની બહાર નીકળી ગઈ.

* * *

મુંબઈના બીજા પરાં ગોરેગાંવ ઈસ્ટમાં આવેલ ફિલ્મ સિટીમાં એ જ સમયે તેજાની પોતાની વેનિટી વૅનમાં બેઠો હતો. જે મવાલીને એણે સોપારી આપી હતી એને એણે મોબાઇલ જોડ્યો. સામેથી, ‘બોલો, શેઠ.એવો અવાજ સાંભળતા જ તેજાનીએ એને અભિનંદન આપતાં કહ્યું ઃ

વાહ, મુજે તો લગતા થા કી સાલા તું પંદરા લાખ લેકે ભાગ જાયેગા. લેકિન તુંને અપના કામ કિયા. સિર્ફ ઉસકો માર મારકે ગુમ કિયા હૈ ના? બસ, બસ અબ જ્યાદા બાત નહીં કરેંગે. આજ સે મૈં તુઝે નહીં પહેચાનતા ઔર તું મુઝે નહીં પહેચાનતા.

* * *

રોડ્રિગ્સ, તેં સત્યેનને કિડનૅપ કર્યો છે કે મારીને ફેંકી દીધો છે? જે હોય તે, આપણે થોડા દિવસ એકબીજાને નહીં મળીએ.

રોડ્રિગ્સ ફર્નાન્ડીસ કંઈ જવાબ આપે એ પહેલાં જ ડેવિડ ગોન્સાલ્વિસે એના જોડીદાર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટરને ઉપલું વાક્ય કહીને ઝડપથી મોબાઇલ કટ કર્યો.

* * *

અમર્ત્ય વિચારી રહ્યો હતો કે સત્યેન શાહને શું એના પ્લૉટની જાણ થઈ ગઈ હશે. એટલે જ એ આમ ગુમ થઈ ગયો હશે?

* * *

મધુરિમાની બહાર ધરણા ધરી રહેલ સિંધી સ્ત્રી-પુરુષોને જ્યારે જાણ થઈ કે સત્યેન શાહ જ બંગલાની અંદર નથી અને ગઈકાલે રાત્રિએ એમણે શું કર્યું હતું? ક્યાં ગયા હતા? એની કોઈને જાણ નથી એટલે એમનો સૂત્રો ઉચ્ચારવાનો જુસ્સો શમી ગયો. થોડા સમય પછી ધરણા કરવાનો કોઈ અર્થ નથી એવું લાગતાં તેઓ એક પછી એક ત્યાંથી ચાલવા માંડ્યાં.

* * *

સત્યેન ક્યાં ગયો હશે? આ પ્રશ્નનો ઉત્તર શોધવા સાવિત્રી, મંથન તેમ જ કાંતિલાલ અને સત્યેનની ઑફિસના સર્વેએ આકાશ-પાતાળ એક કર્યાં. લાગતા-વળગતા બધાને જ ફોન કર્યા. માણસોને ઠેર-ઠેર દોડાવ્યા. હૉસ્પિટલોમાં તપાસ કરાવી. કદાચ સત્યેનનો એક્સિડન્ટ થયો હોય. બૉમ્બે સેન્ટ્રલ અને વીટી, મુંબઈનાં આ બે મુખ્ય રેલવે સ્ટેશનો તેમ જ બાન્દ્રા અને કુર્લા રેલવે ટર્મિનસ, દાદર ઉપર આવેલ પુણે તેમ જ નાસિક જતા ટૅક્સી સ્ટૅન્ડ ઉપર અને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ ઉપરથી ઉડાણ કરતી ડોમેસ્ટિક તેમ જ ઈન્ટરનેશનલ ફ્લાઈટોમાં પણ તપાસ કરાવી. કશેથી સત્યેનની ભાળ ન મળી. નાછૂટકે કાંતિલાલે મુંબઈના પોલીસ કમિશનરને ફોન કર્યો. પોતાની ઓળખ આપી. એમના દીકરા, મુંબઈના મહાન ઉદ્યોગપતિ, સત્યેન શાહનો છેલ્લા થોડાક કલાકોથી પત્તો નથી એ જણાવ્યું.

સ્ત્રીઓના જાતીય શોષણની સાથે-સાથે તમારા દીકરાએ બેંકોનું કૌભાંડ તો નથી કર્યું ને?’ પોલીસ કમિશનરના સવાલથી કાંતિલાલને ગુસ્સો આવ્યો, પણ સાથે-સાથે તેઓને બીક પણ લાગી.

શું મારો આદર્શ દીકરો શારીરિકની સાથે-સાથે આવા આર્થિક કૌભાંડમાં પણ સામેલ હશે?’ કાંતિલાલે કમિશનરની ટકોર સાવિત્રીને ન જણાવી, પણ તેઓ ચિંતામાં જરૃરથી પડી ગયા.

* * *

અચલાના વર્તનથી અટલને આશ્ચર્ય ન થયું.

અચલાએ જ્યારે અટલને કૉફી પીવા માટે આમંત્રણ આપ્યું ત્યારે જ અટલને ગંધ આવી ગઈ હતી કે અચલા એની આગળથી કોઈ વાત કઢાવવા ઇચ્છે છે. અટલે જ્યારે એને કહ્યું કે એ સત્યેન શાહના બંગલે ગયો હતો ત્યારે અચલાની ઇંતેજારી ખૂબ જ વધી ગઈ અને અટલે જ્યારે કહ્યું કે હું ક્યાં ગયો હતો, મેં શું જોયું અને જાણ્યું એ તને જણાવવા નથી ઇચ્છતો…ત્યારે અચલા ગુસ્સે થઈ ગઈ.

અટલને અચલાની ટકોર પેલી તારા પર મરતી હતી એની જોડે ફ્લર્ટ કરજે.થોડીક વિચિત્ર લાગી.

શું ખરેખર મારી આસિસ્ટન્ટ બનવાની જેણે ઇચ્છા દર્શાવી હતી એ જુનિયર રિપોર્ટર જાગૃતિ મારા ઉપર મરતી હતી? પણ હું તો એને આજે જ સૌપ્રથમ વાર મળ્યો છું.

હા, પણ એ છોકરીએ અભિનેત્રી મહેક મોમિનનો અગ્નિપથમૅગેઝિન માટે ઇન્ટરવ્યૂ સારો કર્યો હતો. આવી છોકરી જો મારી આસિસ્ટન્ટ હોય તો હું ઘણુ કાર્ય કરી શકું.

અટલને વિચાર આવી ગયો.

હવે અટલે એનું ધ્યાન અચલા અને

જાગૃતિ ઉપરથી હટાવીને સત્યેન શાહ પ્રત્યે કેન્દ્રિત કર્યું. સત્યેન ક્યાં ગયા હશે? એણે સી લિન્ક ઉપરથી નીચે દરિયામાં પડતું તો નહીં મૂક્યું હોય ને? કોઈએ એનું ખૂન તો નહીં કરાવ્યું હોય ને? કદાચ સત્યેનનું અપહરણ પણ થયું હોય.આવા આવા વિચારો અટલને આવવા લાગ્યા.

ના, સત્યેન શાહ દરિયામાં પડતું મૂકે, આપઘાત કરે એવા નિર્બળ મનના તો નહોતા જ.અટલના વિચારોમાં પણ સત્યેન શાહ ભૂતકાળમાં આવી ગયા. જેમણે સત્યેન શાહની વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા એ પાંચ સ્ત્રીઓના પતિદેવો કંઈ સત્યેન શાહનું ખૂન ન કરાવે, પણ પેલી સિંધી રમણી લચ્છુ અદનાનીએ જેમ સત્યેન શાહના બંગલાની સામે મોરચો લાવ્યો એમ બાકીની ચારમાંથી કોઈનો પતિ યા પ્રેમી જો માથા ફરેલ હોય તો કદાચ સત્યેન શાહનું ખૂન કરાવી શકે. મયૂરીનો વર એક જમાનામાં ગુંડાગર્દી માટે જાણીતો હતો. એ કદાચ આવું કૃત્ય કરાવી શકે, પણ ના… ના, મહેશકુમાર મહેતા આવું ન કરે. એ હવે રાજકારણમાં છે. ઇલેક્શન લડવાના છે. એ આવું કાર્ય કરવાનું જોખમ હમણાં ન લે. તો પછી સત્યેન શાહના કોઈ બિઝનેસ રાઈવલે એમનું કાસળ કઢાવી નાખ્યું હોય. એમનું અપહરણ કરાવ્યું હોય.અટલના મગજમાં સત્યેન શાહ માટે જાતજાતના વિચારો ઉદ્દભવ્યા. બે-ચાર કલાક પહેલાં જ સત્યેન શાહની વાઈફે ઉચ્ચારેલા શબ્દો એને યાદ આવ્યા.

મારા પતિને ખાલી ખાલી વગોવ્યા છે. એમની રોજનીશી વાંચશોને તો ખબર પડશે કે આ બધી જ સ્ત્રીઓ જુઠ્ઠી છે.

સત્યેન શાહની એ રોજનીશીઓ ક્યાં હશે? હશે તો જરૃર એમના બંગલામાં, પણ એ જરૃરથી તાળાચાવીમાં અને કદાચ બંગલામાં ઊભા કરાયેલ સેફ ડિપોઝિટ વૉલ્ટમાં હશે. હું એ કેવી રીતે મેળવી શકું? જો મને સત્યેન શાહની એ ડાયરીઓ વાંચવા મળે તો સત્ય હકીકત જાણી શકીશ, પણ સત્યેન શાહ એમની ડાયરીમાં બધું જ સત્ય લખતા હશે?’ અટલ જાણતો હતો કે અનેક ખોટું કરનારાઓ જાણીજોઈને ખોટા પુરાવા ઊભા કરવા એમની ડાયરીમાં ખોટું લખે છે. એમણે જે ખોટું આચર્યું હોય, દુષ્કૃત્ય કર્યું હોય, એ છુપાવવા તેઓ એ સમયે બીજું જ કંઈ કાર્ય કર્યું હોય એવું એમની ડાયરીમાં ટપકાવતા હોય છે. જેમ ગુનેગારો પોલીસની જોડે હાથ મિલાવીને કોઈ નાના-મોટા ગુના માટે પોતાની જાતને એરેસ્ટ કરાવે છે. પોલીસ સ્ટેશનમાં તેઓ લૉકઅપમાં હતા એવો રેકૉર્ડ હોય, પણ હકીકતમાં તેઓ લૉકઅપમાં નથી હોતા. ગુનો કરી આવીને પછી ગુપચુપ લૉકઅપમાં બેસી જાય છે. ગુનાના સમયે તો તેઓ લૉકઅપમાં હતા એવો સજ્જડ પુરાવો ઊભો કરતા હોય છે તેમ જ સત્યેન શાહ પણ ડાયરી એટલા માટે જ લખતા હશે. એમણે જે કૃત્યો આદર્યાં હોય એ છુપાવવા એ સમયે એમણે કંઈ બીજા અથવા તો સાવ ઊલટાં

કૃત્યો કર્યાં છે એવું એ લખતા હશે. પાછળથી હું તો રોજ મારી રોજનીશી લખતો હતો એ વાંચો. મારી સામે કરવામાં આવેલા આક્ષેપો ખોટા છે. એ વખતે તો મેં આ ફલાણુ ફલાણુ કૃત્ય કર્યું હતું એવું પુરાવા રૃપે રજૂ કરી શકાય.

આવા આવા વિચારોએ ચડી ગયેલા અટલને અચાનક એક બીજો જ, પોલીસ કમિશનરને આવેલો એવો જ વિચાર આવ્યો,

સત્યેન શાહે કોઈ મોટું આર્થિક કૌભાંડ તો નહીં કર્યું હોય ને?’

(ક્રમશઃ)
————————

નવલકથાસંગિતા-સુઘીરસત્-અસત્
Comments (0)
Add Comment