મમ્મી રિટાયર થાય છે?

  • વ્યંગરંગ – કલ્પના દેસાઈ

‘આ હું શું સાંભળું છું? તું રિટાયર થવાની?’

‘હાસ્તો. કેમ? મારાથી રિટાયર ન થવાય? ખાલી, જોબવાળી સ્ત્રીઓથી જ રિટાયર થવાય?’

‘ના ના, તારાથી આઈ મીન તારા જેવી સ્ત્રીઓથી પણ રિટાયર થવાય. થવાય શું, થવું જ જોઈએ. તમે લોકો હવે રિટાયર નહીં થાઓ તો ક્યારે થશો? બહુ ઉમદા વિચાર. તો પછી કોઈ સમારંભ કે પાર્ટી જેવું રાખવું છે? આપણે ફેમિલી ફેમિલી…બીજું કોઈ નહીં.’

‘વાહ! તમે તો એક જ વાતે કેટલું બધું વિચારી લીધું! સો નાઈસ ઓફ યુ. આપણે દીકરા વહુ અને દીકરી જમાઈને આજે જ ફોન કરી દઈએ.’

‘ફોનની માથાકૂટ છોડ, કોઈ ફોન નહીં લે તો તું પાછી રિસાઈ જશે. એના કરતાં ફેમિલી ગ્રૂપમાં મેસેજ મૂકી દે ને કલાક રાહ જોઈએ. ત્યાં સુધીમાં બધાના જવાબ આવી જ જશે.

એ…ક કલ્લાક શું, એક મિનિટમાં જ ચારેયના મેસેજ આવી ગયા.

‘વાઉ મૉમ! આર યુ સિરિયસ? ધેટ્સ ગ્રેટ ન્યૂઝ. યુ મસ્ટ ટેક રેસ્ટ એટ ધીસ એજ. વૅલ ડન. ઓલ ધ બેસ્ટ ફોર યોર ન્યૂ લાઈફ. પપ્પા શું કહે છે? હા કે ના?’

‘મમ્મી, ખરેખર તમે રિટાયર થાઓ છો? વાહ. બહુ સારું લાગ્યું જાણીને. પ્લીઝ પણ અમને નહીં ભૂલતાં હં. અમને હજી તમારા ગાઇડન્સની જરૃર છે.’

‘મા રિટાયર થાય, પણ માનો પ્રેમ નહીં, ખરું ને મમ્મી? મને તો ગમ્યું કે તેં બહુ જલદી આ વિચાર કર્યો. હવે આપણે આરામથી સાથે બેસી શકશું, ખરું ને?’

‘મમ્મી, તું રિટાયર થાય છે? હા પાડી પપ્પાએ? પપ્પાને તો શૉક જ લાગ્યો હશે કેમ? તો પછી પપ્પાનું કામ કોણ કરશે કે પપ્પા પૂરતી છૂટ રાખી છે? એની વે, અમને તો ગમ્યું કે તું રિટાયર થાય છે. એન્જોય યોર ન્યૂ જર્ની મૉમ.’

મેસેજ જોઈને પપ્પા ધીમું બબડ્યા, ‘આ બધી વાયડાઈનું શું કામ હતું? જાહેરાત કરી તો બે લપડાક પડી ને મને? ખેર, તારે રિટાયર થવું હોય તો ભલે થા. આમેય ઘરમાં તારે કામ જ શું છે? બહુ ધાડ મારતી હોય તેમ રિટાયર થવાની હંહ!’

‘એમ ધીમું ધીમું બબડો એના કરતાં જેટલી કાઢવી હોય એટલી ભડાસ મોટેથી જ કાઢી લો ને. મને ખબર છે કે તમને આ રિટાયરમૅન્ટની વાત જરાય ગમી નથી. તે કેમ તમે રિટાયર નથી થયા તમારા કામમાંથી? હવે આરામ જ છે ને? તમારે ક્યાં સળી ભાંગીને બે કટકા કરવા પડે છે તે મને બબડો છો. તમે તો જે મનમાં આવે તે કરો જ છો ને? હવેથી મારે પણ મારા મનનું કરવું છે ને તેની જ આ જાહેરાત છે, સમજ્યા?’

‘અરે યાર, તું અચાનક જ આમ ધડાકો કરે તો હું ગભરાઈ જ જાઉં ને? મને ખબર છે તું મારા કામ માટે થઈને તો રિટાયર નહીં જ થતી હો. સાચું બોલજે, આમેય તારે કરવાના કામમાં, મારાં કેટલાં કામ હોય આખો દિવસ?’

‘હવે જ્યારે બધાં ભેગાં થવાના જ છીએ ત્યારે જ બધી વાત કરીશ કે હું કયા કયા કામમાંથી રિટાયર થાઉં છું. ચાલો, જવા દો એ વાત. ચા પીશો ને?’

‘હાસ્તો, તારા હાથની ચાને કોણ ના કહે?'(છેલ્લી છેલ્લી તૈયાર ચા પીવા મળતી હોય તો ના થોડી કહેવાય? કોણ જાણે રિટાયર થયા પછી મારે માથે ચા બનાવવાનું નાંખીય દે!)

રિટાયરમૅન્ટની પાર્ટી પત્યા પછી મમ્મીની કોઈ જાહેરાત થાય તે પહેલાં જ ચારેય હોશિયાર બાળુડાંઓએ મમ્મીને સરપ્રાઈઝ ગિફ્ટ આપી.

‘મમ્મી, તને રિટાયરમૅન્ટની સઘળી શુભેચ્છાઓ સાથે અમારી કે અમારાં બાળકોની બધી જવાબદારીમાંથી અમે તને મુક્ત કરીએ છીએ. સાજે માંદે કે પ્રસંગે અમે તને છાશવારે અહીંથી ત્યાં દોડાવતાં તે બધું હવેથી બંધ. અહીં આવશું ત્યારે ઘરનું બધું કામ અમે જ કરશું (અથવા રસોઇયો અને હેલ્પર સાથે લઈ આવશું.) આટલું બસ થશે? હજી પણ કોઈ મદદ જોઈએ તો અમે હાજર છીએ.’

‘વાહ મેરે બચ્ચોં!’ જુઓ જુઓ…શીખો કંઈ આ લોકો પાસેથી.’

‘હા, તે મેં ક્યાં ના પાડી જ છે? તેં વગર કહ્યે કેમ માની લીધું કે હું તને કોઈ મદદ નહીં કરું? એક મહારાજ ને એક હેલ્પરનું તો મેં પણ કહી જ દીધું છે. મારું કોઈ કામ તારે આજ પછી નથી કરવાનું. તું એકદમ ફ્રી…એકદમ આઝાદ ને તારું રિટાયરમૅન્ટ આજથી જ શરૃ, પણ આજે તારા હાથની ચા ને ભજિયાં ખવડાવી દે તો તારી બહુ મોટી કૃપા.’

ચાલો ત્યારે, ભજિયાંપાર્ટી સાથે મમ્મી ખરેખર રિટાયર થાય છે.
——————

કલ્પના દેસાઇવ્યંગરંગ
Comments (0)
Add Comment