અન્યાય સામે અવાજ ઉઠાવવાની તાકાત મને ઘરમાંથી જ મળી છે

મુસ્લિમ મહિલાઓના પ્રશ્નો સામે અવાજ ઉઠાવવો એ જ મારા જીવનનું ધ્યેય બની ગયું.
  • કવર સ્ટોરી – રઝિયા પટેલ

૮ માર્ચ, ૧૯૮૨નો એ દિવસ આજે પણ મને બરોબર યાદ છે. તે દિવસે અમે મુસ્લિમ મહિલાઓએ ફિલ્મો જોવા પરના પ્રતિબંધ સામે શાંતિપૂર્ણ સત્યાગ્રહ કર્યાે હતો. મુસ્લિમ મહિલાઓએ ફિલ્મો જોવી ગુનો છે તેમ કહીને જલગાંવની મુસ્લિમ પંચ સમિતિએ એક ફતવો બહાર પાડ્યો હતો. જેમાં કોઈ મુસ્લિમ મહિલા ફિલ્મ જોશે તો તેના વાળ કાપી નાંખવાની સજા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કોઈ મુસ્લિમ મહિલા થિયેટરની આસપાસ પણ નજરે પડે તો તેઓ તેને સજા કરતા હતા. આની સામે વિરોધ દર્શાવતાં અમે બધી મહિલાઓ ૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે થિયેટર પર પહોંચી હતી. આ પ્રકારે મહિલાઓ એકસાથે સંગઠિત થઈ તે વાત મુસ્લિમ પંચ સમિતિથી હજમ ન થઈ. અમારા ઉપર પથ્થર ફેંકવામાં આવ્યા. જેથી દેશભરમાં આની ચર્ચાઓ થઈ. પ્રગતિશીલ વિચારધારા સંગઠને અમને ટેકો જાહેર કરી મુસ્લિમ પંચ સમિતિનો વિરોધ કર્યાે. ધીમે ધીમે અમે મુસ્લિમ મહિલાઓના પ્રશ્નો ઉઠાવવા લાગ્યા અને આ રીતે મુસ્લિમ મહિલાઓના પ્રશ્નો સામે અવાજ ઉઠાવવો એ જ મારા જીવનનું ધ્યેય બની ગયું.

હું એક ખેડૂતની દીકરી છું. જલગાંવના ખેડેગામમાં મારો ઉછેર થયો છે. મારા પિતા અબ્દુલ રહિમ પટેલે ઇમરજન્સીના વિરોધમાં અવાજ બુલંદ કર્યાે હતો. તેમણે મહાત્મા ગાંધીજીનાં આંદોલનોમાં પણ કામ કર્યું હતું. તે સમયે હું પાંચમા ધોરણમાં ભણતી હતી. ત્યારે તેમણે મને ગાંધીજીના જીવન પર આધારિત એક સચિત્ર પુસ્તક વાંચવા માટે આપ્યું હતું. ત્યાર પછી હું પણ ગાંધી વિચારોથી પ્રભાવિત થઈ હતી. મારા પિતાએ પછી જનતા દળ સાથે કામ કર્યું.  જ્યારે લોકનાયક જયપ્રકાશ નારાયણે સંપૂર્ણ ક્રાંતિનો નારો આપ્યો ત્યારે તેની મારા મનમાં ઊંડી અસર થઈ. ગુજરાતના નવનિર્માણ આંદોલન અને બિહારના યુવા આંદોલને મારા મનને ઝંઝોળી નાખ્યું. આ આંદોલન અહિંસક અને શાંતિપૂર્ણ હતું. પોતાની માગણીઓ માટે જ્યારે યુવાઓે પોતાના હાથ પાછળ બાંધીને સૂત્રોચ્ચાર કરતા હતા કે, અમારા ઉપર ગમે તેવા પ્રહાર થશે પરંતુ અમે હાથ નહીં ઉપાડીએ. આ બધી બાબતોની મારા પર અસર થઈ અને મેં નિર્ણય કર્યાે કે હવે હું પણ અન્યાય સામે લડત ઉપાડીશ. મેં જ્યારે મારો આ નિર્ણય જાહેર કર્યાે ત્યારે મારા ઘરમાંથી જ વિરોધ થયો, પરંતુ મારા પિતા મારા પક્ષમાં હતા. હું બાબા આમટેના શ્રમ સંસ્કાર કેન્દ્રમાં ગઈ. આજે પણ આ કેન્દ્ર યુવકો માટે કામ કરી રહ્યું છે.

યુનોએ ૧૯૭૫માં ૮મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જાહેર કર્યાે ત્યાર બાદ તો સ્વતંત્ર મહિલા સંગઠનોની સ્થાપના થવા લાગી. અમે જ્યારે સ્ત્રી-સ્વાતંત્ર્યની વાત કરતાં હતાં ત્યારે સંપૂર્ણ કુટુંબ વ્યવસ્થા અને તેના વલણ પર વાત થતી હતી, પરંતુ પછીથી આખું ચિત્ર ત્યારે બદલાવા લાગ્યું કે જ્યારે વર્લ્ડબેંકમાંથી નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન જેવો શબ્દ પ્રચલિત થવા લાગ્યો. એનજીઓએ અમને સમજાવ્યું કે, તમે અમને સામાજિક મુદ્દાઓ પર પ્રોજેક્ટનું સૂચન કરો. તમે ખુદ તેને નક્કી નહીં કરો, પરંતુ અમારા એજંડા પ્રમાણે જ તમારે કામ કરવું પડશે. આ માટે અમે તમને ફંડ આપીશું, પરંતુ તમારી કોઈ રાજકીય વિચારધારા નહીં હોય અને ન તો તમે સરકારની વિરુદ્ધમાં બોલશો. આ રીતે સામાજિક કાર્યકર્તાઓ લાખો રૃપિયા લેવા લાગ્યા. જેથી કાર્યકર્તા અને સમાજ વચ્ચે જે પુલ હતો તે તૂટવા લાગ્યો. ત્યાર બાદ આવેલી મુક્ત બજાર વ્યવસ્થાએ નફાખોરીનું મહત્ત્વ વધારવાનું કામ કર્યું. બધું જ કમર્શિયલ થવા લાગ્યું.

મુસ્લિમ મહિલાઓના જીવન સાથે તલાક એકમાત્ર પ્રશ્ન જોડાયેલો છે? તેમના જીવનમાં બીજી કોઈ જ સમસ્યાઓ નથી? જેમ મુસ્લિમોમાં બોલીને તલાક અપાય છે તેમ અન્ય ધર્માેમાં પણ પતિ પત્નીને તરછોડી દેતો હોય છે. અન્ય ધર્માેમાં પણ ત્યક્તા મહિલાઓ છે, પરંતુ હિન્દુત્વવાદી અને મુસ્લિમ રૃઢિવાદી વિચારધારા સાથે જોડાયેલા લોકોએ તલાકના કાયદાનો પોતપોતાના લાભ માટે ઉપયોગ કર્યાે છે. મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવાનું બાજુ પર રહી ગયું છે અને આ મામલે હવે રાજકારણ શરૃ થઈ ગયું છે.  આજે મુસ્લિમ મહિલાઓને શિક્ષણ, સુરક્ષા, રોજગાર અને કાયદા ઉપરાંત કૌશલ્ય, ગણતર અને હિમ્મત પ્રદાન કરતા શિક્ષણની આવશ્યક્તા છે. તેમને બે ધર્મ વચ્ચેના ઝઘડા નહીં, પરંતુ અમન અને શાંતિમાં રસ છે. શાંતિ હશે તો જ વિકાસ થશે, પરંતુ તેમનો આ અવાજ કોઈને સંભળાતો નથી. જેનાથી રાજકીય ફાયદો થવાનો હોય તેટલું જ સાંભળવા મળે છે, પરંતુ આપણે આપણો અવાજ બુલંદ કરવો પડશે, કેમ કે ભારતના બંધારણ અને લોકશાહી ઉપર મુસ્લિમ મહિલાઓનો ભરોસો આજે પણ અકબંધ છે.
———.

મહિલાદિનરઝીયા પટેલ
Comments (0)
Add Comment