રાજકાજઃ શક્તિકાંત દાસ લિટમસ ટેસ્ટમાં સફળ થયા

નીતિશકુમારનો પ્લાન-બી પણ તૈયાર છે
  • રાજકાજ

શક્તિકાંત દાસ લિટમસ ટેસ્ટમાં સફળ થયા
શક્તિકાંત દાસે રિઝર્વ બેંકના ગવર્નરનો હોદ્દો સંભાળ્યા પછીની નાણાકીય નીતિની પ્રથમ સમીક્ષામાં તેમણે રેપો રેટમાં ૨૫ બેસીસ પોઇન્ટનો ઘટાડો કરીને ભારતીય અર્થતંત્રની સ્થિતિ વિશે શુભ સંકેત આપ્યા છે. રિઝર્વ બેંક દર બે મહિને તેની નાણાકીય નીતિની સમીક્ષા કરે છે, પરંતુ રેપો રેટમાં આ વખતના ઘટાડાની નોંધ લેવી પડે તેનું કારણ એ છે કે દોઢ વર્ષ પછી પહેલીવાર આવો ઘટાડો થયો છે. આ અગાઉ છેક ઑગસ્ટ ૨૦૧૭માં આવો ઘટાડો થયો હતો. આ રેપો દર એ એવો વ્યાજ દર છે કે જે દરે બેંકો રિઝર્વ બેંક પાસેથી નાણા મેળવે છે. એટલે રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરે તો બેંકો પણ તેના ધિરાણના દરોમાં ઘટાડો કરવાને સક્ષમ બને છે અને એટલે જ બેંકરોમાં આ ઘટાડાને વ્યાપક આવકાર મળ્યો છે. શક્તિકાંત દાસ સરકારના માનીતા ગવર્નર છે અને તેમણે સરકારની ઇચ્છા મુજબ રેપો રેટમાં ઘટાડો કર્યો હોવાની ટીકા થઈ શકે તેમ નથી. નાણાકીય નીતિની સમીક્ષા માટે છ સભ્યોની સમિતિએ સર્વાનુમતે આ નિર્ણય લીધો છે. આ સમિતિમાં ચર્ચા માત્ર એ મુદ્દા પર કેન્દ્રિત રહી હતી કે રેપો રેટને સ્થિર રાખવો કે તેમાં ઘટાડો કરવો. આ ચર્ચામાં રેપો રેટ ઘટાડવાની તરફેણ કરવામાં આવી તો તેનું કારણ એ પણ રહ્યું કે દેશના અર્થતંત્ર ઉપરાંત વૈશ્વિક અર્થવ્યવસ્થાનાં લક્ષણોનું પણ આકલન કરીને આ નિર્ણય કરાયો છે. ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવો સ્થિર રહેવા અથવા નીચે જવાની ધારણા છે. ઈરાન અમેરિકા વચ્ચેની તંગદિલી ખતમ થઈ ગઈ છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખાદ્ય વસ્તુઓ સસ્તી થવાની વાત પણ રાહત રૃપ રહી. ભારતનો જીડીપી ૭.૨ રહેવાની ધારણા વ્યક્ત કરાઈ છે. ફુગાવો અને મોંઘવારી નિયંત્રણમાં છે, તેને કારણે જ રિઝર્વ બેંકે રેપો રેટમાં ઉદાર બનવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં તો જો ફુગાવાની સ્થિતિ આવી જ હળવી રહેશે તો હવે પછી એપ્રિલમાં થનારી નાણા નીતિની સમીક્ષા વખતે રેપો રેટમાં વધુ ઘટાડાના સંકેત પણ આપવામાં આવ્યા છે. રિઝર્વ બેંકે ખેડૂતોને ગેરંટી વિનાની લોનની મર્યાદામાં પણ વધારો કર્યો છે. ચૂંટણી વર્ષમાં વ્યાજદરમાં ઘટાડો થાય અને લોન સસ્તી થાય એ શાસક પક્ષ માટે લાભદાયક ગણાય એ વાત સાચી, પણ શક્તિકાંત દાસે સરકારના દબાણ હેઠળ આ ઘટાડો કર્યો હશે એવું આર્થિક નિષ્ણાતો પણ માનતા નથી. વાસ્તવમાં આ ઘટાડો ઘણા સમયથી અપેક્ષિત હતો. આ ઘટાડા પછી વધુ એક ઘટાડા માટેની અપેક્ષા પણ વધી ગઈ છે, એ પણ અર્થતંત્રની તાસીર જોઈને, એ વાત લક્ષમાં રાખવા જેવી છે. શક્તિકાંત દાસ લિટમસ ટેસ્ટમાં સફળ થયા છે.
——-.

નીતિશકુમારનો પ્લાન-બી પણ તૈયાર છે
બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારનો પ્લાન-બીતૈયાર છે અને આ પ્લાનની રૃપરેખા તૈયાર કરવા અને તેને આખરી ઓપ આપવા માટે તેમના અત્યંત વિશ્વાસુ પ્રશાંત કિશોર સક્રિય બન્યા છે. વાસ્તવમાં સુશાસનબાબુ તરીકે જાણીતા નીતિશકુમાર પોતાના બંને હાથમાં લાડવા રાખવા માગે છે. તેમનો વિચાર એવો છે કે આગામી લોકસભાની ચૂંટણી પછી થોડા વધુ મહિનાઓ સુધી જ તેમને ભાજપ સાથે રહેવું છે અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ ભાજપને એટલે કે એનડીએને રામરામ કરી દેશે અને પોતાના જોરે વિધાનસભાની ચૂંટણી લડશે અથવા આ બાબતે કોંગ્રેસ સાથે ચર્ચા કરી લેશે. યાદ રહે, ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં જેડીયુ એકલા હાથે બધી બેઠકો પર ચૂંટણી લડ્યું હતું અને ત્યારે તેને માત્ર બે જ બેઠકો મળી હતી. જ્યારે ૨૦૦૯ની લોકસભાની ચૂંટણી તેણે ભાજપ સાથે મળીને લડી હતી ત્યારે ગઠબંધનના જેડીયુના ભાગે ૨૫ બેઠકો આવી હતી અને તેમાંથી ૨૦ બેઠકો પર તેના ઉમેદવાર વિજયી બન્યા હતા. ભાજપના ભાગે ૧૫ બેઠકો આવી હતી અને તેમાંથી ૧૨ બેઠકો પર તેણે વિજય મેળવ્યો હતો. હવે ૨૦૧૯માં ભાજપ-જેડીયુ ૧૭-૧૭ બેઠકો પર ચૂંટણી લડવાના છે. નીતિશકુમારની ધારણા એવી છે કે ૧૭ બેઠકો પર ચૂંટણી લડીને તેઓ જેડીયુનો આધાર તૈયાર કરી લેશે અને પછી ભાજપથી અલગ થઈને પોતાની ઇમેજ બનાવશે.
——-.

બેંગલુરુ સેન્ટ્રલની બેઠક પર અઢળક દાવેદાર
ભાજપના વરિષ્ઠ નેતા અનંતકુમારના અવસાનથી ખાલી પડેલી બેંગલુરુ સેન્ટ્રલ બેઠક પર ટિકિટવાંચ્છુઓ પારાવાર છે તો તેની સાથોસાથ અનંતકુમારના પરિવારમાં પણ આ બેઠકના દાવેદારની સંખ્યા ઘણી છે. એ સ્થિતિમાં ભાજપ મોવડીમંડળે એક મહત્ત્વનો નિર્ણય લઈને આ બેઠક પરથી અનંતકુમારનાં પત્ની તેજસ્વિનીને ચૂંટણીમાં ઉમેદવાર બનાવાશે. આમ પણ તેજસ્વિની છેલ્લા ઘણા સમયથી આ મતવિસ્તારમાં સક્રિય રહ્યાં છે. આ બેઠક અંગે રાજ્યના શાસક ગઠબંધન કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે પણ પેચ ફસાયેલો છે. આમ તો આ બેઠક ગઠબંધન ધર્મ પ્રમાણે કોંગ્રેસની બને છે, પરંતુ હવે જનતાદળ (એસ) તેના પર પોતાનો દાવો આગળ કરે છે. તેનું કારણ સ્પષ્ટ છે. તમામ વિપક્ષી નેતાઓને એવું લાગે છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળવાની નથી અને ખીચડી સરકાર બનવાની છે. જો એવું બને તો બધા પક્ષોના સુષુપ્ત નેતાઓની ઇચ્છા પણ જાગૃત થઈ ગઈ છે. તેમાંના એક પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા પણ છે. અગાઉ ચૂંટણીના રાજકારણથી પોતાને અલિપ્ત જાહેર કરનાર દેવગૌડા હવે સમયની નજાકત પારખીને ફરી એક વખત ચૂંટણી લડીને લોકસભામાં જવા ઇચ્છે છે. એ માટે તેમની પસંદ પણ બેંગલુરુ સેન્ટ્રલની બેઠક માટે છે. તેઓ આ વિસ્તારમાં જ રહે છે. કોંગ્રેસે આ બેઠક પરનો દાવો છોડવા માટે એક શરત મુકી છે. દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન કુમારસ્વામીના પુત્ર નિખિલની નજર પણ આ જ બેઠક પર છે. તેઓ અહીંથી લોકસભાની ચૂંટણી લડવા ઇચ્છે છે. કેમ કે આ વિસ્તાર જનતાદળ (એસ)ના વર્ચસ્વવાળો છે. વિધાનસભાની ચૂંટણીમાં જનતાદળ (એસ)એ આ વિસ્તારની આઠેય બેઠકો પર વિજય મેળવ્યો હતો. એટલે તેમને આ બેઠક પોતાની રાજકીય કારકિર્દી શરૃ કરવા માટે સૌથી વધુ અનુકૂળ લાગે છે.

——-.

વિપક્ષી ગઠબંધન અને શરદ પવારની રાજરમત
લોકસભાની આગામી ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનની પ્રચાર ઝુંબેશમાં ત્રણ મુદ્દા કેન્દ્રમાં રહેશે તેમાં બેરોજગારી, ખેડૂતોનો અસંતોષ અને લોકતાંત્રિક સંસ્થાઓ પર ભાજપ સરકાર દ્વારા પ્રહાર. ભ્રષ્ટાચાર અને કોમવાદ સામેની લડાઈને એ પછીના ક્રમે રાખવામાં આવ્યા છે. એટલે કે એ મુદ્દા ગૌણ રહેશે. ૩૧ જાન્યુઆરીએ દિલ્હીમાં ૨૧ પક્ષોના પ્રતિનિધિઓની મળેલી બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય કરવામાં આવ્યો હતો. પાછળથી રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજીને વિપક્ષના વિચારોની મીડિયાને જાણ કરી હતી, પરંતુ બીજા દિવસે શરદ પવારે અરવિંદ કેજરીવાલ, ડેરેક ઓબ્રાયન અને ફારૃક અબ્દુલ્લા તેમજ ચંદ્રાબાબુ નાયડુ સાથે મળીને બીજી પત્રકાર પરિષદ એ જ વિષય પર યોજી હતી. તેના દ્વારા એવો મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે રાહુલ ગાંધી સંયુક્ત વિરોધ પક્ષના આપોઆપ એક માત્ર પ્રવક્તા બનવા ન જોઈએ. એટલું પૂરતું ન હોય તેમ એ પછીના બુધવારની રાત્રે શરદ પવારે પોતાના નિવાસ પર ભોજન સમારોહ યોજ્યો હતો જેમાં કોંગ્રેસ સહિતના વિપક્ષી અગ્રણીઓની સાથે ભાજપના નીતિન ગડકરીને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પવારની રાજરમત જલ્દી કોઈને સમજાય તેવી નથી.
——————–

રાજકાજ
Comments (0)
Add Comment