- નવલિકા – નીલમ દોશી
ચપટીક આકાશ..
દેવ, આજે આપણી આ અંતિમ મુલાકાત..
કેમ? શું થયું? એની પ્રોબ્લેમ?
આમ તો તને આ વાત ફોનમાં જ કરવાની હતી, પણ પછી થયું કે ના, ફોન નહીં, રૃબરૃ જ વાત કરીશ.
પણ જાનકી, આખરે થયું છે શું?
દેવ, માલવ બે દિવસ પહેલાં જ યુકે.થી પાછો આવી ગયો છે.
ઓહ..ઓકે..સમજી ગયો, પણ જાનકી, આપણે કૉલેજના મિત્રો છીએ. આપણે એકમેકને ગમતાં હતાં, પણ આપણી દોસ્તી પ્રેમમાં પરિણમે એ પહેલાં જ તારાં લગ્ન થઈ ગયાં અને આપણો પ્રેમ અવયક્ત જ રહી ગયો. નહીંતર..ખેર! નસીબ સિવાય કોને દોષ આપું?
યસ દેવાયુ, એથી જ કહેવાયું હશે કે જોડીઓ સ્વર્ગમાં બને છે.
માલવ તારી જિંદગીમાં થોડો મોડો આવ્યો હોત તો..આપણી જોડી બનતાં વાર ન લાગી હોત. હકીકતે મને હતું કે બસ, કૉલેજની આ છેલ્લી પરીક્ષા પૂરી થાય પછી જ તારી સમક્ષ પ્રેમનો એકરાર કરીશ ને તારો જવાબ માગીશ.
બની શકે મારો જવાબ હકારમાં પણ હોત. જાનકી ધીમું હસી પડી.
બની શકે નહીં. એમ જ બન્યું હોત. મને ના પાડવાની ગંભીર ભૂલ તેં ન જ કરી હોત, પણ માલવના નસીબ જોર કરતા હશે તે વચ્ચે આવીને મારી જાનકીનું હરણ કરી ગયો.
દેવાયુ ખડખડાટ હસી પડ્યો.
એ ય, દેવ, મારો માલવ રાવણ નથી હોં.
મેં ક્યાં એવું કહ્યું છે? પણ કહી જરૃર શકું. મારી થનાર જાનકીનું હરણ કરે એને હું બીજું કયું નામ આપું?
બસ..હોં. કોઈ નામ આપવાની જરૃર નથી.
સોરી જાનકી,Sorry, I was just Kidding.
Its OK. હું તને ક્યાં નથી ઓળખતી?
ખરેખર ઓળખે છે?
એની ડાઉટ?
તારી વાત પર શંકા કરવાની હિંમત ક્યાંથી લાવવી?
ન ઓળખતી હોત તો આ રીતે માલવની ગેરહાજરીમાં આટલા લાંબા સમય સુધી તને એકાંતમાં મળવાની ભૂલ ન જ કરી હોત. આઇ રિયલી લવ માલવ.
એ મને આટલા સમયમાં સમજાયા સિવાય થોડું રહ્યું હોય? અને ખોટું નહીં કહું, તું માલવની વાતો કર્યા કરતી ત્યારે કદીક કોઈ પળે મને એની ઈર્ષ્યા પણ જન્મતી. અલબત્ત, ઘડીભર પૂરતી જ અને થેન્ક્સ જાનકી..મારા પર આટલો વિશ્વાસ રાખવા બદલ.
દેવ, આ એક વરસની મારી એકલતાને સભર બનાવવા બદલ આભાર નહીં માનું.
જાનકી, આપણે બંને સભર બન્યાં છીએ. આભાર માનવાની ફોર્માલિટી કરવી જ હોય તો બંને એકમેકનો આભાર માનીએ. આવી સભર ક્ષણો મળવી એ કંઈ ઓછા નસીબની વાત છે? અને હા, સાચું કહું તો હું તો માલવની કંપનીનો આભાર માનું.
એમાં કંપની વચ્ચે ક્યાંથી આવી?
કેમ? કંપનીએ એક વરસ માટે માલવને યુ.કે. ન મોકલ્યો હોત તો તેં કદી મને આ રીતે યાદ ન જ કર્યો હોત ને?
યુ મે બી રાઈટ..લગ્ન પછી છ જ મહિનામાં માલવને આટલા લાંબા સમય સુધી જવાનું થયું અને મારે ભાગે આવી એકલતા. એક ખાલીપો..એમાં અચાનક તે દિવસે રસ્તામાં તું મળી ગયો અને આપણી મૈત્રીને ફરી એકવાર લીલીછમ્મ કૂંપળ ફૂટી, પણ દેવ, હવેથી આપણે નહીં મળીએ.
જાનકી, આપણે હજુ પણ મિત્રો ન રહી શકીએ? મળી ન શકીએ?
ના દેવ, એ લપસણો માર્ગ હશે આપણા માટે. આપણે આજ સુધી એવી કોઈ મર્યાદા નથી ઓળંગી. હા, તારા હાથનો હૂંફાળો સ્પર્શ, એ અનુભૂતિ હંમેશ માટે મારી મૂડી બની રહેશે. એક મીઠા સ્મરણ તરીકે મારી ભીતર કોઈ ખૂણે હંમેશાં રહેશે. તારા ખભે માથું મૂકી હું ઠલવાઈ છું. તારા ખોળામાં માથું રાખી ને મેં તારાં ગીતો સાંભળ્યાં છે. મારા કપાળે તારા હોઠનો એ પ્રેમાળ સ્પર્શ મને ચોક્કસ ઝંકૃત કરી ગયો હતો. દેવ, મારી એકલતાને હૂંફાળું એકાંત તેં બનાવ્યું છે. આ ક્ષણો મારી જિંદગીનો અણમોલ ખજાનો બની રહેશે.
પણ દેવ, એ પણ હકીકત છે કે હું મારા પતિને, માલવને ખૂબ પ્રેમ કરું છું. એક આખું વરસ એને યુ.કે. જવાનું થયું ત્યારે મને હતું કે કેમ કાઢી શકીશ હું માલવ વિનાના દિવસો?
અને એક દિવસ આપણે ફરી એકવાર અચાનક મળી ગયાં. આપણી અધૂરી દોસ્તી આ સમયમાં વધારે ગાઢ બની. એક દોસ્તથી કદાચ વધારે નિકટ અને પ્રેમી, પ્રેમિકાથી દૂર..એવો કોઈ નામ વિનાનો સંબંધ આપણી વચ્ચે પાંગરી ઊઠ્યો. દેવ, આપણી આ નિકટતાને કયું નામ આપી શકાય, એની જાણ નથી.
જાનકી, નામ આપવાની જરૃર પણ શી છે? નહીં દોસ્ત, નહીં પ્રેમીઓ, નહીં કોઈ સગપણ, નહીં કોઈ દાવાઓ કે ન કોઈ વચનો..બસ..એક વિશ્વાસ, એક હૂંફ, થોડો સ્પર્શ, હૂંફના એક માધ્યમ તરીકે માત્ર..જાનકી, બસ..આ થોડા સમયમાં આપણે બંને જે પામ્યાં છીએ..એ બની શકે કદાચ લગ્ન કર્યાં હોત તો યે ન પામી શકત. રોજિંદી ઘટમાળમાં આ ક્ષણો, આ નિકટતા કદાચ ગુમાવી બેઠા હોત. કહે છે ને જે થાય છે તે સારા માટે..
હા, દેવ, કદાચ તારી વાત સાચી છે.
પણ જાનકી, માલવ આવી ગયો એટલે આપણે સાવ નહીં મળવાનું એમ? તું માલવને મારી ઓળખાણ કરાવી શકે..મિત્ર તરીકે.
હા, દેવ, ચોક્કસ કરાવી શકું અને એમાં માલવને કોઈ વાંધો પણ ન હોય, પણ દેવ, આપણા સંબંધમાં ફક્ત વત્તે ઓછે અંશે મિત્રતાથી કશુંક વધારે પણ છે, જે આપણે બંને જાણીએ છીએ, પણ માલવ જાણતો નથી અને એનો ડંખ મને ભીતરમાં હંમેશાં રહેશે. આપણે કોઈ પાપ નથી કર્યું. માલવ પ્રત્યે મેં કોઈ બેવફાઈ નથી કરી અને છતાં સાવ જ એમ નિર્દોષ મારી પોતાની કોર્ટમાં હું મને નથી જ લાગતી. એથી દેવ, આપણે અહીં જ છૂટા પડીશું. હંમેશ માટે. આ ક્ષણોને ભીતરમાં સંઘરીને…કદીક રસ્તે મળી જશું તો પણ બસ એક મીઠું સ્મિત ફરકાવીને પસાર થઈ જશું. આટલો સરસ સમય આપણે સાથે ગાળી શક્યા, સભર બની શક્યા એ માટે ઈશ્વરનો આભાર માનીશું.
ઓકે..જાનકી, તારી ભાવનાનો હું આદર કરું છું અને કરીશ. હવે પછી આપણે કદી મળીશું નહીં, પણ મનમાં પ્લીઝ કોઈ ભાર, કોઈ ડંખ ન રાખીશ. આપણે એવું કશું ખોટું કામ નથી કર્યું.
ખોટું કે સાચું? એ તો ખબર નથી, પણ જે વાત માલવને કહી ન શકું, જે વાત છુપાવવી પડે એવી હોય તેને સાવ સાચી તો કેમ કહી શકાય? પતિ-પત્નીના સંબંધમાં વિશ્વાસ એ મોટી મૂડી છે. જે મૂડી મેં..
પ્લીઝ..જાનકી, નહીં, આજે ય તારી એ મૂડી સલામત છે. તું માલવને નથી કહેવાની..કેમ કે તને પણ દરેક સ્ત્રીની જેમ એક ડર લાગે છે કે પુરુષ આવી કોઈ વાત કદી યે સહજતાથી સ્વીકારી શકતો નથી. તારી જગ્યાએ મારી પત્ની હોય ને મને આવી કોઈ દોસ્તીની વાત કરે તો મને ય ખબર નથી કે હું કેટલે અંશે એ પચાવી શકું? હા, બની શકે હું એના પર કોઈ શંકા ન કરું, પણ અંદરખાને મને કદાચ ન જ ગમે એવું બની શકે. જાનકી, મનના તાણાવાણા બહુ અજબ રીતે ગૂંથાયેલા હોય છે. દરેકની ભીતર એક છાનો, અંગત..સાવ જ અંગત ખૂણો હોવાનો જ. જે એની સાથે જ આખરી પળે અગ્નિમાં સ્વાહા થવાનો.
કદાચ તારી વાત સાચી હશે. ગમે તેવી નિકટતા પછી યે કદાચ માણસને થોડી મોકળાશ, એક નાનકડા ખૂણા જેટલી પોતાની આગવી સ્પેશની જરૃર પડતી હશે.
હા અને કમનસીબે બહુ ઓછાં સ્ત્રી, પુરુષો આ વાત સમજી કે સ્વીકારી શકે છે. આજે તો કોઈ સ્ત્રી પુરુષ સાથે થોડી આત્મીયતાથી વાત કરે કે સીધો એનો મનગમતો અર્થ પુરુષ કાઢી જ લેતો હોય છે. સીધો પ્રેમિકા બનાવવા તરફ જ એની ગતિ થઈ જતી હોય છે. જાણે નિર્દોષ મૈત્રી, અંગત મૈત્રી પુરુષ સાથે હોય જ ન શકે? સ્ત્રી જરીકે નજીક આવવા જાય, થોડી હૂંફ મેળવવા જાય એટલે..બસ..એનો એક જ અર્થ? પુરુષ માટે સ્ત્રી એટલે માત્ર અને માત્ર શરીર? એને કોઈ માનસિક જરૃરિયાત પણ હોય એવું તારી જેમ કેટલા પુરુષો સમજી શકતા હશે?
થેન્ક્સ દેવ.. આપણી વચ્ચે થોડો સ્પર્શ જરૃર હતો, પણ એ સ્પર્શ આત્મીયતા, હૂંફ માટે હતો. એમાં કોઈ બેવફાઈ કે કોઈ વાસના નહોતી.
સોરી દેવ, મેં ભાષણ કરી નાખ્યું નહીં? તને બોર કરી દીધો ને? ચાલ, આજે સાથે આપણી સ્પેશિયલ કૉફી મગાવીશું ને? કદાચ આખરી વાર.
દેવાયુ મૌન બની જાનકી સામે, તેની આ પ્રિય સખી સામે જોઈ રહ્યો.
જાનકી અને દેવાયુ બંનેની ભીની આંખોમાં સાંજના સૂરજનો સોનેરી પ્રકાશ ઝિલમિલાઈ રહ્યો.
જાનકી મૌન બની દેવાયુ સામે જોઈ રહી. દેવાયુ એને કેટલી સાચી રીતે સમજી શક્યો હતો, એનું એને ગૌરવ હતું.
થોડી વારે કૉફી આવી. બંને ચૂપચાપ કૉફી પીતાં રહ્યાં. હવે કોઈ સંવાદ નહોતો થતો. કદાચ જરૃર પણ નહોતી.
જાનકી, કંઈ ખાવાની ઇચ્છા છે?
ના..દેવ, હવે મારે જવું જોઈએ. માલવનો આવવાનો સમય થઈ ગયો છે.
ઓકે..ચાલ.
દેવાયુએ જાનકીના હાથ પર પોતાનો હાથ મૂક્યો.
જાનકી, ટેઇક કૅર.. બની શકે..ક્યારેક, ક્યાંક મળી પણ જઈએ. જીવનનો રસ્તો ક્યારે, ક્યાં ફંટાઈ જાય છે, કોણ કહી શકે? ત્યારે એકાદ સ્મિત તો આપીશ ને?
જાનકી કશું બોલ્યાં સિવાય આ દોસ્ત સામે જોઈ રહી. ન જાણે કેમ આંખોમાં ભીનાશ અનુભવાતી હતી.
અને બંને રેસ્ટોરન્ટની બહાર નીકળ્યાં.
બરાબર તે જ સમયે રેસ્ટોરન્ટને બીજે ખૂણે બેસેલા ચિરાગ અને માલવ બંનેને જતાં જોઈ રહ્યા.
માલવ, આ તો ભાભી, પણ તેની સાથે કોણ છે?
પ્લીઝ ચિરાગ, નો કોમેન્ટ..
પણ..આ રીતે ભાભી કોઈ સાથે..
ચિરાગ, એ કોઈ નહોતું, કૉલેજ સમયનો એનો દોસ્ત દેવાયુ હતો. એ બંને કૉલેજમાં સાથે ભણતાં. અમારા મેરેજમાં પણ આવેલો. જાનકીએ ત્યારે જ મને ઓળખાણ પણ કરાવેલી. અલબત્ત, પછી કદી જોયો નહોતો.
પણ તને ખબર છે માલવ, તારી આ લાંબી ગેરહાજરીમાં મેં ભાભીને અનેક વાર એની સાથે જોયા છે.
હા, તો શું છે? મિત્ર સાથે જઈ ન શકે? ખાસ કરીને ઘરમાં કોઈ હોય જ નહીં ત્યારે આખો દિવસ માણસ કરે શું?
પણ આમ..એક પુરુષ સાથે તારી પત્નીને જોઈને તને કશું થતું નથી?
શા માટે થવું જોઈએ? એક સ્ત્રી ‘ને એક પુરુષ સાથે છે એટલે? દોસ્ત, શંકાની કોઈ ચિનગારી મારે મનમાં જલાવવી નથી. દોસ્ત, એ માનસિકતામાંથી હવે આપણે બહાર નીકળવું જ રહ્યું. જો એને થોડી સ્પેસ આપી શકીશું તો સ્ત્રી મોટે ભાગે બહાર જવાનું પસંદ નહીં કરે. સ્વતંત્રતા આપીશું તો એ જાતે પોતાની જાત પર બંધનનો અહેસાસ કરશે. બાકી બંધન આવે એટલે મુક્તિની ઝંખના આપોઆપ જાગવાની જ.
પણ માલવ, આ રીતે ભાભી..
ચિરાગ, હું યુ.કે. હતો ત્યારે મને પણ એક સરસ મજાની મિત્ર મળી ગઈ હતી. જેને લીધે ત્યાંની એકલતા સહ્ય બની શકી. અને તારે શું કોઈ સ્ત્રી મિત્ર નથી? તેં તારી ઑફિસમાં કોઈ સ્ત્રી સાથે ક્યારેક નિકટતા નથી અનુભવી?
ચિરાગ કશુંક બોલવા જતો હતો, પણ માલવે એને અટકાવ્યો.
ચિરાગ, મને જાણ છે કે તારા મનમાં અનેક પ્રશ્નો સળવળે છે, પણ સમયની સાથે ઘણુ બદલાતું હોય છે અને બદલાવું પણ જોઈએ. માનવી માત્રને પોતાનો એક અંગત ખૂણો જાળવવાનો હક્ક છે. એમાં કોઈ પણ માટે નો એન્ટ્રી જ હોવી જોઈએ.
પણ માલવ, આ રીતે તો સ્ત્રી માથે ચડી જશે. સ્વતંત્રતાનો ગેરલાભ ઉઠાવશે.
નો ચિરાગ, આપણે કદાચ સ્ત્રીને સમજી જ નથી શક્યા. આપણે એના માલિક નથી.
અને એક વાત કહું? મને એ પણ ખબર છે કે મિત્ર સાથે જતી વખતે મને જાણ ન કરવા માટે જાનકીના મનમાં કોઈ એક ખૂણે ડંખ જરૃર હશે જ. બસ..એ ડંખ છે ત્યાં સુધી પુરુષે ડરવાનું કોઈ કારણ નથી. એને એનું પોતાનું ચપટીક આકાશ આપણે આપી શકીશું તો એ કદી આપણાથી દૂર નહીં જાય. આમ પણ હું કંઈ એનો માલિક નથી. ફક્ત પતિ પણ નથી થવું મારે..મારામાં એ એક સાચા મિત્રને પામી શકે, એ મને વધારે ગમશે. સાચા અર્થમાં ત્યારે જ હું એને પામી શકીશ. મારે એને મનથી પણ કદી ખોવી નથી અને એને પામવાનો મને એક જ રસ્તો દેખાય છે દોસ્ત, એના આગવા સંબંધનો, એના આગવા આકાશનો, એના આગવા વ્યક્તિત્વનો સ્વીકાર, એનો આદર. એની અંગત લાગણીઓનું જતન અને સન્માન. ચિરાગ, મારું માન તો તારે પણ નેહાને શંકાની દૃષ્ટિથી જોવાને બદલે આ રીતે વિચારવું જોઈએ. બહુ મોડું થાય એ પહેલાં એને પિયરથી તેડાવી લે.
ચિરાગ થોડી ક્ષણો મિત્ર સામે જોઈ રહ્યો. પછી ધીમે રહીને ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો અને નેહાનો નંબર ડાયલ કર્યો. માલવના ચહેરા પર સ્મિત અને સંતોષની આભા પ્રસરી રહી. પુરુષના બદલાવની કદાચ શરૃઆત થઈ ચૂકી હતી.
——————–