- વ્યંગરંગ – કલ્પના દેસાઈ
નવા વર્ષે વૉટ્સઍપ ને ફેસબુક પર શુભેચ્છાઓ આપીને મારું મન નહોતું ભરાયું એટલે સાંજ પડતાં જ હું બે ચાર ઘર ગણવા નીકળી પડેલી. કોઈનેય મોઢામોઢ શુભેચ્છા આપવાનો સંતોષ જુદો જ હોય. એક તો જ્યાં જઈએ ત્યાં મીઠો આવકારો મળે(એવી આશા ને ભ્રમ રાખવામાં વાંધો નહીં. પછી તો જે મળે તે ચલાવી જ લેવું પડે.)
પહેલા ઘરે મને સ્વાભાવિક છે કે આવકારો તો મળ્યો, પણ મને એમ લાગ્યું કે હું ગઈ તે એમને બહુ ગમ્યું નહોતું. મેં ચંપલ ઘરની બહાર કાઢવા માંડ્યા તો ઘરમાંથી ચાર અવાજ એકસાથે આવ્યા, ‘ચાલશે ચાલશે, રે’વા દો.’
હું દર વખતની જેમ મૂંઝાઈ,
‘ઘરમાં જાઉં કે ન જાઉં? શેના માટે ચાલશે કહ્યું?’
મને બાઘાની જેમ ઊભેલી જોઈને ફરી બધા એકસાથે બોલ્યા, ‘ચંપલ ભલે પે’ર્યાં, આવી જાઓ.’
‘ના ના, ચંપલ સાથે ઘરમાં? ચાલશે, હું બહાર મૂકી દઉં છું.’
‘હવે ના ના, અમે પણ પહેરી જ રાખ્યા છે જુઓ. ચાલશે, આવી જાઓ તમતમારે.’
હું થોડી હળવી થઈને ઘરમાં પ્રવેશી.
પછી, નવા વર્ષના નાસ્તાની ડિશ આવી.
મારી સામે તો આ વર્ષની આ પહેલી જ ડિશ ધરાયેલી, પણ ફોર્માલિટી કોને કહી છે?
‘ચાલશે, રે’વા દો આ બધું. હું તો મળવા જ આવી છું બધાંને.’
‘અરે, થોડું થોડું ચાલશે બધું, લઈ લ્યો.’
એમ થોડી વાર અરસપરસ ‘ચાલશે’ની ફેંકાફેંક પછી મેં થોડો નાસ્તો પેટમાં પધરાવ્યો અને હવે આવતે વર્ષે અહીં નહીં આવું તો પણ ચાલશે વિચારી ત્યાંથી વિદાય લીધી.
હજી એકાદ બે ઘર ગણવાની આશાએ વળી એક ઘરે પહોંચી ગઈ.
‘આવો, હેપ્પી ન્યુ ઈયર.’
લોકોની બદલાયેલી રીતભાતે હું ચંપલ પહેરીને જ ઘરમાં દાખલ થવા જતી હતી કે એકસાથે બે અવાજમાં આદેશ સંભળાયો!
‘ચાલશે, બહાર દરવાજા પાસે જ કાઢશો તોય વાંધો નહીં.’
મેં ચંપલ બહાર કાઢીને પૂછ્યું, ‘ચાલશે અહીં?’
‘હા બસ, થોડા અંદરથી દરવાજાની પાછળ, સામે ન દેખાય એમ કાઢો તો ચાલશે.’
મને મનમાં થયું કે દરેક ઘરનું આ ચંપલ કાઢવાનું ‘ચાલશે’ જુદું જુદું હોય એવું લાગે છે. જવા દે, હવે આવી જ ગઈ પછી એ લોકો કહે તેમ જ કરવું પડે.
મેં એમને નાસ્તાની પહેલેથી જ ના પાડી.
‘હવે થોડો થોડો તો ચાલશે. નવા વર્ષે તો બધું ચાલે.’ (!)
મેં હકારમાં ડોકું ધુણાવ્યું કે બીજો સવાલ આવ્યો.
‘થોડી ચા ચાલશે ને કે કૉફી પીશો?’
નવા વર્ષે ચા-કૉફી સિવાય બીજું કંઈ નહીં હોય? એવો વિચાર કરવામાં પડી કે તરત જ,
‘આજે તો તમારી ના ચાલશે જ નહીં. બોલો શું લેશો?’
‘ચાલશે કંઈ પણ.’ મેં એમની મરજી પર જ છોડ્યું. (જે આપશે તે ચાલશે જ ને હવે તો!)
‘ના ના, એવું ન ચાલે. એવું કરો કૉફી પીઓ, ખાસ મલેશિયાની કૉફી બનાવું.’
‘ભલે, ચાલશે ત્યારે, પણ થોડી જ હોં.’ આમ ફક્ત ચા કે કૉફી જેવી નાની વાતમાંય ગૂંચવાડો કરવાની ટેવને લીધે મે મલેશિયાની કૉફીથી આખરે ચલાવી જ લીધું. મનમાં તો હું કોઈ ખાસ આઇસક્રીમ કે મિલ્કશેકની આશાએ જ ગયેલી! ખેર, નવા વર્ષે જે વાતનું વિચાર્યું પણ નહોતું તે જ વાત માટે, એટલે કે કોઈ કંઈ પણ પૂછે, ખાસ કરીને ખાવાપીવાની બાબતે તો તરત જ, ‘ચાલશે’ ન કહેવાની મેં કસમ ખાધી.
આ તો શું કે, ‘ચાલશે’ કહેવાથી યજમાનને છુટ્ટો દોર મળી જાય, એટલે એમને જે ફાવે તે કે જે બહુ ભાવે તે અથવા કોઈ વાર વધી પડેલું કે ન ભાવે તે જ મહેમાનને પધરાવી દે. પધરાવે તો પધરાવે, પણ પાછા આગ્રહ કરી કરીને અને ‘ચાલશે હવે’ કહીને, ત્યારે આપણે તો મોં બગાડીને જ બધું ચલાવી લેવું પડે ને? ધારો કે, ચાલશે ન કીધું હોત તો? તો એ લોકો નવા વર્ષને બહાને મને આઇસક્રીમ ખવડાવીને જ મોકલત ને? એટલે ખોટા વેવલાવેડા ન કરવા. જે જોઈએ તે માગી જ લેવું. નવા વર્ષે કોણ ના કહેવાનું?
ઘણી વાર ચાલશે શબ્દ પણ આપણને બહુ છેતરે.
કોઈના ‘ચાલશે’ના ભરોસે જો રસોઈ બનાવવા કે ખરીદી કરવા રહ્યા તો તો આવી જ બને સમજી લેવાનું.’
‘શાકમાં મીઠું બરાબર છે ને?’
‘ચાલશે.’
‘એટલે?’
‘એટલે ચાલશે એમ.’ ચાલો, વરને તો જાણે કે, બધું ચાલશે પણ સાસુજી શું કહે છે?
‘શાકમાં મીઠું બરાબર છે ને?’
‘ચાલે હવે.’
‘ઓછું છે?’
‘ના, ચાલશે હવે.’
‘ઓછું હોય તો નાખું થોડું.’
‘ભાઈ તું જે બનાવે તે ચાલશે. અમારે તો ખાવા સાથે કામ.’
‘હેં? એવું હોત તો કેટલું સારું?’
આ તો જસ્ટ બે ચાર દાખલા, બાકી તો સો વાતની એક વાત…કોઈના ‘ચાલશે’ પર ભરોસો ન રાખવો. આપણને જે સમજ પડે તે સાચું.
——————